Monday, October 9, 2017

...ને બચ્ચને માફી માંગી!!

 
અમિતાભ બચ્ચને સલીમ ખાનની માફી માગી છે. વીતેલાં વર્ષોમાં પોતાની કરિયરમાં સહાયતા માટે ધન્યવાદ આપતી વખતે તેમણે સલીમ ખાનની અવગણના કરી હતી અને તેને કોમ્યુનિકેશનની ભૂલ કહે છે. 

થોડાં વર્ષો અગાઉ એક સમારંભમાં તેમણે ફિલ્મ ‘શોલે’માં ભૂમિકા મળવાનો યશ ધર્મેન્દ્રને આપ્યો હતો. ખરી વાત તો એ છે કે, ફિલ્મ ‘જંજીર’ના નિર્માતા પ્રકાશ મહેરા સલીમ-જાવેદ પર રોષે ભરાયેલા હતા અને તેના નિર્માણ સમયે અમિતાભ બચ્ચનની નિષ્ફળ ફિલ્મોની સંખ્યા લગભગ એક ડઝન થઈ ગઈ હતી. કોઈ વિતરક ‘જંજીર’ ખરીદવા માગતો નહોતો. તેમણે સલીમ ખાનને એક ટ્રાયલ શો માટે એ શરતે પ્રિન્ટ આપી હતી કે ટ્રાયલ શોનો ખર્ચ સલીમ કરશે. કોલાબાના બ્લેઝ થિયેટરમાં ટ્રાયલ શો રાખવામાં આવ્યો હતો. ફિલ્મની રજુઆત વખતે જી. પી. સિપ્પી, રમેશ સિપ્પી અને ગુલશન રાયને બોલાવવામાં આવ્યા હતા. ફિલ્મની રજુઆત બાદ રમેશ સિપ્પીએ પોતાના પિતાને સમજાવ્યા કે આ નવા કલાકારને લેવામાં આવે. એ જ રાતે સલીમ ખાન અમિતાભ બચ્ચનને લઈને જી. પી. સિપ્પીના ઘરે ગયા અને ફિલ્મ ‘શોલે’નો કોન્ટ્રેકટ કરાવ્યો હતો. 

એવી જ રીતે યશ ચોપરા અને ગુલશન રાયને પણ ફિલ્મ ‘દીવાર’માં અમિતાભને લેવાનો આગ્રહ કર્યો અને એમ નહીં થાય તો તેઓ પટકથા નહીં લખે એમ પણ કહ્યું હતું. વાસ્તવમાં અમિતાભ બચ્ચન અને સલીમ-જાવેદે સાથે મળીને લગભગ ૧૫ ફિલ્મો કરી હતી અને લેખક-હીરોનો આ પ્રકારનો સાથ-સંગાથ કયારેય પહેલાં અને પછી પણ શક્ય બન્યો નથી. એન્ગ્રી યંગ મેનની છાપ પણ આ જ લેખકોએ ઊભી કરેલી છે. 

આ સફળ યશસ્વી ટીમના તૂટવાનું કારણ સલીમ-જાવેદે લખેલી ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ રહી છે, જેને લેખક જોડી પોતે બનાવવા માગતી હતી અને અમિતાભ બચ્ચનને આ કામના પૂરાં નાણાં આપવા તૈયાર હતા. તેમનો એવો ખ્યાલ હતો કે અમિતાભ પર તેમનો એટલો અધિકાર તો છે જ કે પોતાની ફિલ્મ બચ્ચન સાથે બનાવે. અનેક મિટિંગો પછી પણ અમિતાભ બચ્ચન હકાર ભણતા નહોતા તેમ જ નકાર પણ કહેતા નહોતા. એક વાર સલીમના ઘરે અડધી રાત સુધીની લાંબી વાતચીત પછી પણ વાત અધ્ધર રહેતી હતી ત્યારે જાવેદની સલાહ અનુસાર સલીમ ખાને કહ્યું હતું કે, હવે સાથે કામ કરવું શક્ય નથી. થોડા દિવસે બાદ જાવેદે અમિતાભના ઘરે હોળી ખેલી હતી, પણ તેમાં સલીમ ખાન નહોતા. 

સલીમ-જાવેદના છુટા પડ્યાના થોડા દિવસો બાદ અમિતાભ બચ્ચને જાવેદની લખેલી ફિલ્મ ‘મૈં આઝાદ હૂં’ કરી હતી. આનાથી ફિલ્મ ઉદ્યોગમાં એવા સંકેતો વહેતા થયા હતા કે, અમિતાભ સલીમની સાથે કામ કરવા માગતા નથી. જો કે સલીમની લખેલી ફિલ્મ ‘નામ’ની સફળતા પછી અમિતાભ બચ્ચને સલીમની લખેલી ફિલ્મો ‘તુફાન’ અને ‘અકેલા’ કરી હતી એ અલગ વાત છે. જોકે, સલીમ ખાન એટલા માટેય રોષે ભરાયેલા હતા કે અમિતાભ બચ્ચને સલમાન ખાન અને અરબાઝ ખાનની સાથે શૂટિંગ તો કર્યું હતું, પણ કયારેય સલીમ ખાનને માટે કશું પૂછ્યું નહોતું. આટલા લાંબા સંગાથ બાદ સંતાનોને અબ્બાના હાલ-ચાલ પૂછવા એ સહજ વ્યવહાર હતો. પરંતુ આ માફી બાદ તેમની વચ્ચેનો મતભેદ-મનભેદ ખતમ થઈ ગયો છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...