Wednesday, March 21, 2018

આ કવિતા એટલે શું?

આ કાવ્ય/કવિતા એટલે શું?

આ કવિતા એટલે શું? ઘણી વાર મને આવો વિચાર આવે છે અને વિચારતા અને શોધખોળ કરતા એવું પણ જ્ઞાત થયું કે વેદકાળથી ભલભલા પંડિતોએ આ શબ્દ નો અર્થ શોધવામાં પોતાની જાત ઘસી નાખી છે. અને હું રહ્યો એક નાનો અબુધ જીવ...! મને કવિતાની ગૂઢ વ્યાખ્યાઓની તો ખબર નથી પણ મૂંઝવણ એક ચોક્કસ થઇ છે....

કવિતા લખે એ કવિ ? કે કવિ લખે એ કવિતા? 

કવિતાથી કવિનું અસ્તિત્વ/ઓળખ છે કે કવિથી કવિતાનું અસ્તિત્વ/ઓળખ છે? 

અન્ય મુંઝવણથી વાકેફ કરું તો છંદમાં લખાય એ કવિતા? જે ગાઈ શકાય એ કવિતા? જેનો પ્રાસ મળે એ કવિતા ? અલંકૃત શબ્દોથી મઢી હોય અને શબ્દો આગળ પાછળ કરી લખાઈ હોય એ જ કવિતા? આ કવિતા એટલે ખરેખર શું ? શું કવિતા સરળ અર્થસભર પણ હોઈ શકે? છંદ, લય, અર્થ, કલ્પના  અને પ્રાસનો સરવાળો એ જ કવિતા? શું કવિતા છંદોબદ્ધ ન હોય તો પણ ગાઈ શકાય? 

પંડિતો ની વ્યથા હવે મને સમજાઈ કે એ અમસ્તી જ નથી....અને આનો સરળ જવાબ ઘાયલ પણ કહી ગયા છે કે ...

તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારાં ,
પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી?

કાવ્યની વ્યાખ્યા કવિએ કવિએ,  કૃતિએ કૃતિએ, સમયે સમયે બદલાતી રહે છે. કાવ્યને કોઈ વ્યાખ્યાનાં ચોકકસ માપદંડથી બાંધી દેવી સરળ નથી. પણ તોય જુદાં જુદાં કાવ્યશાસ્ત્રીઓએ પોત પોતાની સમજ તેમજ મત મુજબ કાવ્યની વ્યાખ્યા આપી છે.

“काव्यालंकार” નાં રચયિતા भामः એ સૌ પ્રથમ વખત કાવ્યની વ્યાખ્યા આપી છે. ભામહની વ્યાખ્યા કાંઈ આમ છે. “शब्दार्थौ सहितौ काव्यम् ।”  અર્થાત્- શબ્દ અને અર્થનું સહિતત્વ એ કાવ્ય.  એટલે કે શબ્દ અને અર્થનું એકરૂપ થવું એટલે કાવ્ય.

વિશ્વનાથ નામનો કાવ્યશાસ્ત્રી કાવ્યની વ્યાખ્યા “साहित्यदर्पण”માં કરતાં કહે છે,  “वाक्यं रसात्मकं काव्यम् ।” અર્થાત્- રસયુક્ત વાક્ય તે કાવ્ય.  એટલે કે રસનો અનુભવ કરાવનાર વાક્ય તે કવિતા.

હેમચંદ્ર નામના વિદ્વાન કાવ્યની વ્યાખ્યા કાંઈ આમ આપે છે. “अदोषौ सगुणौ सालंकारौ च शब्दार्थौ काव्यम् ।” અર્થાત્- દોષહીન, સગુણી, સુઅલંકૃત શબ્દ તે કાવ્ય.

મમ્મટ નામનો વિદ્વાન પણ કાંઈ આવું જ કહે છે. “तददोषौ शब्दार्थौ सगुणावनलंकृति पुनः काव्यापि ।”  હેમચંદ્ર તેમજ મમ્મટ શબ્દ,  અર્થ ને મહત્વ આપે જ છે. પણ સાથે વધારાનું જોડે છે કે કાવ્ય દોષ રહીત હોય. જે શક્ય જ નથી. ગમે તેવાં મહાન કવિની કાવ્યમાં દોષ તો હોવાનો. વળી મમ્મટ કયારેક કાવ્ય અલંકાર રહીત હોય એમ પણ ઈચ્છે છે.

જયારે “वक्रोक्तिजीवितः” કૃતિનો કૃતા કુન્તક કાવ્યની વ્યાખ્યા આપતા કહે છે, 
“शब्दार्थौ सहितौ वक्रकविव्यापारशालिनि ।
बन्धे व्यवस्थितौ काव्यं तद्विदाहलादकारिणि ।।”
અર્થાત્ – કાવ્ય જ્ઞાતાઓને આનંદ આપનાર, તેમજ બંધમાં વ્યવસ્થિત રહેલાં (સંધિમાં) શબ્દ તેમજ અર્થ એ કાવ્ય.

પંડિત જગન્નાથ “रसगंगाधर”માં વળી કાંઈક કાવ્યની વ્યાખ્યા આમ કરે છે, “रमणीयार्थ प्रतिपादकः शब्दः काव्यम्।” અર્થાત્ – શબ્દનું રમણીય રીતે પ્રતિપાદન અર્થમાં કરે તે કાવ્ય.

દંડી કાવ્યની વ્યાખ્યા કરે છે કે ”शब्दार्थौ ईष्टार्थव्यवच्छिन्ना प्रतिपादकः काव्यम् ।” અર્થાત્ – જે સારા અર્થનું વિચ્છેદ પ્રતિપાદિત કરે છે તે શબ્દ કાવ્ય.

દરેકની કાવ્ય માટે ની વ્યાખ્યા ભિન્ન હોવાની. ! મારી વ્યક્તિગત કાવ્ય માટેની વ્યાખ્યા આવી છે. “શબ્દ, અર્થ, લાવણ્ય અને રસથી તરબોળ, મદમસ્ત તેમજ ભાવકનાં હ્રદયને  આનંદ કે ઝંકૃત કરનારી કન્યા તે કાવ્ય. ”
મારી દૃષ્ટિએ શબ્દ કાવ્યનું સ્થુળ સાધન છે અને અર્થ સુક્ષ્મ સાધન. રસ કાવ્યમાં સાધ્ય છે અને આનંદની અનુભૂતિ સાબિતી.

કાવ્યમાં શબ્દ, અર્થ, રસ, લાઘવ, તેમજ અનુભૂતિ જ મુખ્ય ઘટક છે.  

તો આપની કાવ્ય અંગેની વ્યાખ્યા શું છે? કાવ્યને સ્વ સમજ પ્રમાણે વ્યાખ્યાયિત કરશો તો ગમશે.




Saturday, March 17, 2018

શું વાસ્કો ડી ગામાએ ભારત આવવાનો માર્ગ શોધ્યો?


 શું વાસ્કો ડી ગામાએ ભારત આવવાનો માર્ગ શોધ્યો?
 ભારતીય નૌકા ઉદ્યોગ અને એનો નાશ કરવાનું સુનિયોજિત કાવતરું

ભારતની નૌસેનાએ આજે પોતાના મુદ્રાલેખ "शं नो वरुण:" રાખેલ છે. જેનો અર્થ થાય છે, ' હે વરુણ દેવતા અમારું કલ્યાણ  કરો.' સમુદ્રી ઇતિહાસ ભારતનો ખુબ જ સમૃદ્ધ રહ્યો છે. મહર્ષિ અગસ્ત્ય સમુદ્રી દ્વિપો અને દ્વિપોન્તરોની યાત્રા કરનારા મહાપુરુષ હતા. આ કારણથી જ મહર્ષિ અગસ્ત સમુદ્રને પી ગયેલા એવી કથા પ્રચલિત થઇ હશે. આ ઉપરાંત નૌકાવિજ્ઞાન અને તેની બનાવટની ફાવટ પણ હિન્દુસ્તાનમાં પહેલેથીજ સિદ્ધહસ્ત ગણાય છે. આના કેટલાય પ્રમાણો આજે પણ મોજુદ છે.

પાંચમી સદીમાં જન્મેલા વરાહમિહિરના પુસ્તક 'બૃહતસંહિતા' માં તથા અગિયારમા સદીમાં થઇ ગયેલા રાજા ભોજ દ્વારા રચિત 'યુક્તિ કલ્પતરૃ'શાસ્ત્ર માં પણ વહાણોના નિર્માણ ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. 

'વૃક્ષ આર્યુર્વેદ'માં લાકડાના પ્રકારો વર્ણવામાં આવ્યા છે. કોમળ અને સહેલાઈથી જોડી શકાતા લાકડામાંટે 'બ્રાહ્મણ' શબ્દ, વજનમાં હલકું છતાં કઠણ લાકડું અને જેને બીજા લાકડા સાથે જોડવું અઘરું છે તેવા લાકડાને 'ક્ષત્રિય' અને હલકા છતાં કઠણ લાકડાને 'વૈશ્ય'  તથા વજનમાં ભારે અને કઠણ લાકડાને 'શુદ્ર' કહ્યા છે.  આ રીતે સામાન્ય નૌકા અને વિશેષ નૌકા કઈ રીતે બનાવવી એનું માપ સાથે એમાં વર્ણન છે. 

નૌકાઓ નો ઉપયોગ ભારતમાં વૈદિક કાળથી થતો આવ્યો છે. મુઘલોનું આક્રમણ સાતમી સદીથી શરુ થયું. એ વખતે પણ ભારતમાં મોટા વહાણો બનતા હતા. માર્કોપોલો તેરમી સદીમાં ભારત આવ્યો તે સમયે એણે ભારતમાં બનતા વહાણોની ભરપૂર પ્રશંશા પણ કરી હતી. 15મી સદીમાં નિકોલો કાંટી નામનો પ્રવાસી ભારત આવ્યો અને એ લખે છે કે, "ભારતના વહાણો અમારા વહાણો કરતા ખુબ મોટા હોય છે. તેના તળિયા ત્રણ થરવાળા લાકડામાંથી બનાવેલ હોય છે. તે ભયકંર સમુદ્રી તોફાનો સામે લડવા સક્ષમ છે. અને કોઈ એક ભાગ નુકસાન પામે તોય બાકીના ભાગથી કામ ચાલી શકે તેમ હોય છે."

બર્થ લખે છે કે "લાકડાના પાટિયાનું જોડાણ એવી રીતે થતું કે સહેજ પણ પાણી અંદર પ્રવેશી શકે નહિ. આ સિવાય સઢની બનાવટ વિષે પણ કુતુહલ રજુ કર્યું હતું" 

શું વાસ્કો ડી ગામાએ ભારત આવવાનો માર્ગ શોધ્યો?

આપણા દેશમાં અંગ્રેજૉએ એક ભ્રમ એવો ફેલાવ્યો કે વાસ્કો-ડી-ગામાએ ભારત આવવાના માર્ગની શોધ કરી. વાસ્કો-ડી-ગામા ભારત આવ્યો એ હકીકત છે પણ તે કેવી રીતે આવ્યો એની સાચી હકીકત આપણે જાણીયે તો ખાતરી થશે કે વાસ્તવિકતા શું છે?

પ્રસિદ્ધ પુરાતત્વવિજ્ઞાન શાસ્ત્રી ડો. વિષ્ણુ શ્રીધર વાંકનકર જણાવે છે કે, "હું મારા વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયો હતો, ત્યાં એક સંગ્રહાલયમાં મને વાસ્કો-ડી-ગામાની ડાયરી અંગે જણાવાયું. આ ડાયરીમાં વાસ્કો-ડી-ગામાએ તે ભારત કેવી રીતે આવ્યો તેનું પોતે વર્ણન કર્યું છે." તે લખે છે, 'જયારે મારુ વહાણ આફ્રિકાના જાંજીબારની પાસે પહોંચ્યું તો મારા વહાણથી ત્રણગણું મોટું વહાણ મેં ત્યાં જોયું. ત્યારે એક આફ્રિકન દુભાષિયાને લઈને હું એ વહાણના માલિકને મળવા ગયો. જહાજનો  માલિક ચંદન નામનો એક ગુજરાતી વેપારી હતો. જે ભારતમાંથી ચીડ અને સાગવાનના લાકડા અને મસાલા લઈને ત્યાં આવ્યો હતો. અને તેના બદલામાં હીરા લઈને તે કોચીનના બંદરે આવીને વેપાર કરતો હતો. તો વાસ્કો-ડી-ગામા જયારે મળવા તેની પાસે પહોંચ્યો, ત્યારે તે ચંદન નામનો વેપારી તદ્દન સામાન્ય કપડામાં એક પાટિયા પર બેઠૉ હતો. એ વેપારીએ વાસ્કો-ડી-ગામાને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? તો વાસ્કો-ડી-ગામાએ જવાબ આપ્યો કે હિન્દુસ્તાન ફરવા જવું છે. ત્યારે ચંદને તેને કહ્યું કે હું આવતી કાલે હિન્દુસ્તાન જાઉં છું. મારી પાછળ પાછળ આવી જાવ." આમ એ વેપારીના વહાણનો પીછો કરતા કરતા વાસ્કો-ડી-ગામા ભારત પહોંચ્યો. 

સ્વતંત્ર ભારતમાં નવી પેઢીને આ સત્ય હકીકતો બતાવવી જોઈતી હતી. પરંતુ દુર્ભાગ્યે આવું બન્યું નથી. ઉપરયુક્ત વર્ણન વાંચીને ડો. વિષ્ણુ શ્રીધર વાંકનકર લખે છે કે "મનમાં એવો વિચાર આવે છે કે વહાણો બનાવવાની કલામા ભારતની આટલી મોટી પ્રગતિ થઇ હતી તો તે વિદ્યાનો નાશ કેવી રીતે થઇ ગયો?" 

આ દ્રષ્ટિથી અંગ્રેજોના ભારતમાં આવ્યા પછી અને તેમના રાજકાળમાં યોજનાપૂર્વક ભારતના વહાણવટા ઉદ્યોગને નષ્ટ કરવાના ઇતિહાસ અંગે આપણે જાણવું જરૂરી છે!

વધુ આગળ લખે છે:
" પશ્ચિમના લોકોનો જયારે ભારત સાથે સંપર્ક થયો તો તેઓ અહીંના વહાણો જોઈને ચકિત થઇ ગયેલ. 17મી સદી સુધી યુરોપના વહાણો વધુમાં વધુ 600 ટનના હતા. પરંતુ ભારતમાં એમણે એક ગોધા નામનું જહાજ એ વખતે જોયું જે 1500 ટનનું હતું. વધુમાં ભારતના વહાણો ટકાઉ હતા, 50-60 વર્ષો સુધી મરમ્મત વગર એ કાર્ય આપતા."

ઈ.સ. 1811 માં ફ્રાન્સના એક પ્રવાસી વોલ્ટજર સોલ્વિંન્સએ "લે હિન્દૂ" નામના એના પુસ્તકમાં લખ્યું છે કે "પ્રાચીન સમયમાં નૌકાઓના નિર્માણ કાર્યમાં હિન્દુસ્તાનીઓ સૌથી અગ્રેસર હતા. અને આજે પણ એ લોકો યુરોપને પાઠ ભણાવી શકે તેમ છે. અંગ્રેજોએ જે કલાઓ તેમને શીખવાની જરૂર હોય તે બધી હિન્દુસ્તાનીઓ પાસેથી એક પછી એક શીખી લીધી. ભારતીય વહાણોમાં સુંદરતા અને ઉપયોગિતાનો ખુબ સારી રીતે સમન્વય થતો. મુંબઈના કારખાનામાં ઈ.સ. 1736 થી 1863 સુધી 300 વહાણો તૈયાર કરવામાં આવ્યા, જેમના મોટા ભાગના ઇંગ્લેન્ડના શાહી કાફલામાં સમાવિષ્ટ થયા. ઈ.સ. 1782 થી 1821 સુધી 1,22,693 ટનના 272 વહાણો માત્ર હુગલીમાં તૈયાર થયા હતા.

બ્રિટનના વહાણનાં વેપારીઓ આ સહન ન કરી  શક્યા. અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતીય વહાણોનો ઉપયોગ ના કરવા માટે દબાણ કરવા લાગ્યા. લંડનના બંદરના કારીગરોએ સૌથી પહેલા હોહા મચાવી અને કહ્યું કે "આપણા બધા કામો ચોપટ થઇ જશે. અને અમારા કુટુંબો ભૂખે મરશે." આ ઉપરથી ઈ.સ. 1814માં એક કાયદો પસાર થયો જે મુજબ "ભારતીય ખલાસીઓને બ્રિટિશ નાવિક બનવાનો અધિકાર ઝુંટવાઈ ગયો. બ્રિટિશ વહાણો પર પણ ઓછામાં ઓછું ત્રણ ચતુર્થાંશ અંગ્રેજ ખલાસીઓ રાખવાનું ફરજીયાત બનાવાયું. લંડનના બંદરમાં કોઈ એવા વહાણને પ્રવેશવાનો અધિકાર ન રહ્યો કે જેનો માલિક કોઈ બ્રિટિશ ન હોય. અને એવો પણ નિયમ બનાવવામાં આવ્યો કે ઈંગ્લેન્ડમાં અંગ્રેજો દ્વારા બનાવાયેલા વહાણોમાં જ બહારથી માલ ઈંગ્લેન્ડમાં લાવી શકાશે!! અનેક કારણો થી આ કાયદાનો અમલીકરણ ઢીલો રહ્યો. પરંતુ ઈ.સ. 1863થી ( વિપ્લવ પછી) આ કાયદાનો પૂરો અમલ શરુ થયો. ભારતમાં પણ અંગ્રેજો દ્વારા આવા જ કાયદાઓ બનાવવામાં આવ્યા કે જેથી અહીંની પ્રાચીન વહાણ વિદ્યાનો અંત આવે. ભારતીય વહાણોમાં ભરાયેલ માલસામાન ઉપરની જકાત વધારી દેવામાં આવી અને એ પ્રમાણે તેને વ્યાપારથી જુદા કરવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા. સર વિલિયમ ડીગ્વીએ સાચે જ લખ્યું છે કે "પાશ્ચત્ય દુનિયાની રાણીએ આ રીતે પુરાતન સાગરની રાણીનો વધ કરી નાખ્યો!' 

ટૂંકમાં ભારતીય વહાણો બનાવવાની કલા અને ઉદ્યોગ ને સુનિયોજિત રીતે ખતમ કરવાની આ હકીકત છે. જેને અત્યારના વિદેશોનો ભારતીય ઉદ્યોગો પ્રત્યેના વલણ જોડે અને ઇન્ટરનેશનલ વ્યાપાર જગત જોડે જો સરખાવીએ તો કદાચ એવું પણ લાગે કે ક્યાંક ઇતિહાસનું પુનરાવર્તન તો થવા નથી જઇ રહ્યું ને!! આપ વિચારીને કહેજો........


સંકલન/સંશોધન : ડો. કાર્તિક શાહ

Friday, March 16, 2018

થેન્ક યુ ડોક્ટર !!


"થેન્ક યુ, ડોક્ટર સાહેબ. થેન્ક યુ કહેવા માટે હું છેલ્લા ત્રણ દિવસથી આપની હોસ્પિટલમાં આવું છું. પણ સમયના અભાવે અને ઓપરેશનોની વ્યસ્તતા વચ્ચે આપ મને મળી શક્યા નથી...આજે મુલાકાત પૂર્ણ થઈ."

મેં સાહજિક જ પૂછ્યું, "કેમ, શેનું થેન્ક યુ??"

"ત્રણ દિવસ પહેલાં જ મારા પિતાજીનું અવસાન થયું. ઘરે જ હતા ને એકદમ...બસ એના માટે જ..!!"

આશ્ચર્ય થયું ને તમને વાંચીને? મને પણ આઘાત સાથે આશ્ચર્ય થયું!!
એમને વચ્ચે જ અટકાવી આશ્ચર્ય સાથે મેં પૂછ્યું.

" શું? તમારા પિતાજીનું અવસાન થયું, તમે મને એ માટે થેન્ક્સ કહેવા આવ્યા છો?"


"હા!!"

વધુ કાંઈ આગળ કહેતા પહેલા હું સીધો એક-દોઢ વર્ષ પહેલાના કાળખંડમાં સરી પડ્યો અને હવે તમને પણ લઈ જઉં!!
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

વર્ષ 2016 ઓક્ટોબર મહિનો. મારા કન્સલ્ટિંગ ચેમ્બરમાં એક દંપતિ સાથે એક 80 વર્ષના વૃદ્ધ દાખલ થયા. વૃદ્ધનું નામ મહેશ ગુપ્તા હતું અને તેઓ એમના દીકરા અને વહુને લઈને આવ્યા હતા.  સ્વભાવે સરળ જણાતા તેઓ ઓછાબોલા વ્યક્તિત્વના મને લાગ્યા. તબિયત આમ તો બરાબર જ હતી અને શારીરિક સ્ફૂર્તિ પણ કોઈ યુવાનને શરમાવે એવી જણાતી હતી.


એમની ફરિયાદો અને દર્દની તપાસ કર્યા બાદ એમને હાઇડ્રોસીલની બીમારી હોય એમ લાગ્યું. આ બીમારીમાં પુરુષ દર્દીના શુક્રપિંડ (ટેસ્ટીસ)ની આજુબાજુ પાણી ભરાતું હોય છે અને મોટી ગાંઠ થતી હોય છે.  જે સામાન્ય રીતે જન્મજાત હોય અથવા તો યુવાનવયમાં જોવા મળે. ભારત દેશમાં અમુક રાજ્યોમાં એ લગભગ ઘેર ઘેર જોવા મળે છે..જેમ કે, ઉત્તર પ્રદેશ અને બિહાર...! અહીં પ્રસ્તુત કેસમાં દર્દીની ઉંમર 80 વર્ષ હતી. જે થોડુંક અસામાન્ય હતું. જે કોઈક વાર ટેસ્ટીક્યુલર કેન્સરમાં પણ થાય અને એ સ્ટેજ આગળ વધી ગયાનો અણસાર પણ આપે. ખેર, પાણીની ગાંઠની સાઈઝ જોતાં એનું ઓપરેશન કરવું જરૂરી હતું કેમ કે ખૂબ જ મોટી અને શારીરિક તકલીફ આપે એવી એ ગાંઠ હતી. સોનોગ્રાફી, ટ્યુમર મારકર્સ, સીટી સ્કેન વિગેરે તપાસ કરતા ઈશારો એ તરફ જ હતો.

રિપોર્ટ્સ જોઈને એમને મેં અને કેન્સરના એક તજજ્ઞ સાથે મળીને સલાહ આપી કે દર્દ આગળ વધી ગયું છે અને સ્ટેજ 4 માં કહી શકાય, દુરની લસિકાઓમાં, લીવરમાં બધે ફેલાવો જોવા મળી રહ્યો છે એટલે જો એમને અન્ય કોઈ શારીરિક તકલીફો ન હોય તો અન્ય કોઈ મેજર ઓપરેશન કરવાની જરૂર નથી. દર્દીને અને એમના આયુષ્યને તેનાથી કોઈ લાભ થવાનો નથી. પરંતુ દર્દીને અત્યારની તકલીફોમાંથી મુક્તિ આપવા માટે એક હાયડ્રોસીલનું ઓપરેશન કરવાનું નક્કી થયું.

જે સરસ રીતે સંપન્ન થયું. અને ડિસ્ચાર્જ પણ મળી ગયો. ડિસ્ચાર્જ વખતે ફરી મેં કહ્યું, આગળ કેટલીય ટ્રીટમેન્ટ આવે કીમોથેરાપી, શેક ને ટેસ્ટીક્યુલર એક્સીજન પણ આપનાં કેસના દાદાની ઉંમર અને રોગની પરિસ્થિતિ જોતા એ ફાયદા કરતા વધારે બીમારી આપશે એટલે એમની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરો અને ખુશ રાખો. અન્ય કોઇ પણ ખર્ચ કરવાની જરૂર નથી.

થોડા મહિનાઓ બાદ એ ઘરમાં લપસી પડ્યા અને એમને એક હાથનું ફ્રેકચર થયું. સ્વાભાવિક રીતે જ નજીકની ઓર્થોપેડિક હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા. ફ્રેક્ચરનું પણ ઓપરેશન થયું. તેઓ જ્યારે દાખલ હતા ત્યારે આ બાબત પર એમણે જે તે ઓર્થોપેડિક ડોક્ટરનું ધ્યાન દોર્યું. અન્ય ડોક્ટરોને બોલવામાં આવ્યાં. જોઈને ટેસ્ટીસનું ઓપરેશન કરવું કે કેમ એ અંગે ચર્ચાઓ ચાલુ થઈ. સાંભળીને તરત જ દર્દીના સગાઓની આજીજીથી એ હોસ્પિટલની પેનલમાં ન હોવા છતાં હોસ્પિટલ મેનેજમેન્ટે પણ એમની ભાવનાને માન આપી મને તેંડુ મોકલાવ્યું! હું ગયો, હાલચાલ પૂછ્યા, પછી મૂળ વાત અને દર્દની ઊલટતપાસ પર આવ્યો. 

જેની ધારણા હતી એ જ હતું. ગાંઠ હવે આગળ પ્રસરેલી હતી. અને ચામડીની બહાર ફેલાઈ ચુકી હતી. મેં આશ્વાસન આપ્યું અને કીધું બરાબર છે. જેમ ધારણા હતી એમ જ છે. તમારે કોઈ જ ઓપરેશન કરાવાનું નથી. એમને ઈચ્છા મુજબનું ખવડાવો અને ફરવા લઇ જાઓ. થોડા રિપોર્ટ્સ ખાલી કરાવીએ જેથી રોગની હાલની પરિસ્થિતિની જાણ રહે. રિપોર્ટ્સ આવી ગયા અને તેમના બાકી બચેલા સમયની પૃચ્છા થઈ. મેં કીધું હું કોણ એ કહેવા વાળો...એ તો બધું ઉપરથી જ... એ વાતને ય થોડા મહિનાઓ વીતી ગયા.. !

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

અને આજે એકદમ આ ભાઈ આવીને મને થેન્ક યુ કહે તો નવાઈ તો લાગે જ ને!!

ભાઈ બોલ્યા, " દાદા જવાના જ હતા એ તો બધાને ખબર હતી. પણ તમારી સલાહ અટલ  અને અચલ હતી. અમને સાચી સલાહ મળી અને દાદા ઘરે જ ખુશ ખુશાલ મુદ્રામાં સ્વર્ગે સિધાવી ગયા એનો અમને આનંદ છે. અમે ગેરમાર્ગે ના દોરાઈએ એની તમેય કાળજી તો લીધી જ હતી ને...!! એ બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ...!!"

હું સાંભળી જ રહ્યો! મારી અત્યાર સુધીની કારકિર્દીમાં કોઈ દર્દીના મરણ બાદ આ રીતે કોઇ આભાર પ્રકટ કે વ્યક્ત કરવા આવ્યું હોય એવી આ પ્રથમ ઘટનાનો સાક્ષાત્કાર મને થયો....!! 

વાત અહીં અટકતી નથી, ત્યાર બાદ તો એમનો આખો પરિવાર નિયમિત પણે મળવા/સારવાર લેવા આવે છે એ પણ અહીં ટાંકવું જરૂરી છે!
આ તબીબી પ્રોફેશન અમને રોજ નિતનવા અનુભવો, ચમત્કારો અને આવા સાક્ષાત્કારોના સાક્ષી બનાવે છે એ બદલ ઈશ્વરનો આભાર!

-- ડો. કાર્તિક ડી. શાહ (સત્યઘટના: ફક્ત નામ બદલ્યા છે)


ડો. અબ્દુલ કલામ: આપણી ભારતના ઇતિહાસ અને સંશોધનો પ્રત્યેની માનસિકતા

1835ની સાલમાં લોર્ડ થોમસ બોબિંગટન મેકૌલેએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરુ કરી. તેનો હેતુ હતો - આગામી પેઢીના ભારતીય લોકો પોતાની પરંપરા, સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યે ગૌરવનો ભાવ ન રાખે. એ સમયે દેશમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં સંસ્કૃત પાઠશાળાઓ અને ઉચ્ચ શિક્ષણ માટેની વિદ્યાપીઠો હતી. ધીરે ધીરે એ સંસ્કૃત શાળાઓને સમાપ્ત કરીને ઉચ્ચ શિક્ષણ માટે અંગ્રેજી શાળાઓ અનિવાર્ય બનાવી. (વાંચો ENGLISH EDUCATION ACT, 1835 કે જે લોર્ડ વિલિયમ બૅટિક દ્વારા સ્વીકૃતિ પામ્યો)

આ શાળાઓ માટે જે પાઠ્યક્રમ બનાવાયો, જે પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા તેમાં કોઈ પણ વિષયમાં ભારતનું પ્રદાન છે એવા પ્રકારનો કોઈ સંદર્ભ જ ના આવે એનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવ્યું. વિજ્ઞાન અને સંશોધનના વિષયમાં આ બાબતનું સવિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. પરિણામે અંગ્રેજી શાળાઓમાં ભણીને બહાર નીકળતા ડિગ્રીધારીઓ ભારતના પ્રદાન અંગેની સમસ્ત જાણકારીથી વંચિત રહી ગયા. 

અંગ્રેજોનો ઉદેશ્ય તો સામ્રાજ્યવાદી હતો એથી એમણે શિક્ષણને આ દેશના મૂળમાંથી કાપી નાખવાના પ્રયત્નો કર્યા. પરંતુ સ્વાંતત્ર્ય પછી લોકોની આશા અને કલ્પના હતી કે દેશમાં આત્મવિશ્વાસનો ભાવ જાગૃત કરવા માટે ભારતની પરંપરાગત દેનને શિક્ષણ સાથે જોડવામાં આવશે. દુર્ભાગ્યે આઝાદી બાદ પણ એ જ જૂનો અંગ્રેજોના જમાના વખતનો ઈરાદાપૂર્વકનો બાયસ્ડ અભ્યાસક્રમ ચાલુ રહ્યો જેમાં યુરોપના દેશોના પ્રદાનને જ અભિવ્યક્ત કરી મહત્વ આપવામાં આવી રહ્યું હતું. પરિણામે પૂર્વકાળમાં ભારતમાં વિવિધ વિષયોનું જે અધ્યયન અને તે અંગેના પ્રયોગો થયા હતા તે અને તેના પ્રમાણો 170 વર્ષોથી ચાલતી આવેલી શિક્ષણ પ્રક્રિયાનું અંગ બની શક્યા નહીં. અને આ ખુબ જ અગત્યની એવી માહિતી પ્રસારણ પર અંકુશ મેળવવામાં અંગ્રેજો એક રીતે સફળ પણ થઇ શક્યા એવું કહી શકાય. 

ભારતીયતા સાથે કપાઈ ગયેલા આ પાઠ્યક્રમને ભણી રહેલા આ સમાજને અને તેના માનસને આ કારણે એક દુષ્પરિણામનો સામનો કરવો પડ્યો. વિકાસની દ્રષ્ટિએ જે કોઈ પ્રદાન છે તે યુરોપ અને પાશ્ચાત્ય દેશોમાંથી જ આવેલું છે અને તેમાં આપણું કે ભારતનું કોઈ જ યોગદાન નથી એવી વૃત્તિ અત્યારે સૌના માનસપટમાં ઘર કરી ગઈ છે. આપણું કોઈ યોગદાન હોઈ શકે છે એવા પ્રકારનું સ્વાભિમાન જાગવાને બદલે અનુકરણની, દાસતાની મનોવૃત્તિ ચારેબાજુ દેખાય છે. 

આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. અબ્દુલ કલામ ના બે અનુભવો આ મુદ્દાને ઉજાગર કરે છે.  ડો કલામની  આંખોમાં એક સમર્થ અને વિકસિત ભારતનું સ્વપ્ન હમેંશા રહેતું. તેમણે આ સ્વપ્નને તેમના પુસ્તક " ઇન્ડિયા ટુ થાઉસન્ડ ટવેન્ટી: અ વિઝન ફોર ન્યુ મિલેનિયમ " માં વ્યકત કર્યું છે. આ પુસ્તકમાં તેમને વિકસિત ભારતના નિર્માણનું વર્ણન કર્યું છે એની સાથે જ તેમાં સૌથી મોટી દ્વિધા પોતાના જીવનના બે અનુભવો થી અભિવ્યક્ત કરી છે: 

પ્રથમ અનુભવ અંગે તે લખે છે: 

" મારા ઓરડામાં દિવાલ પર એક બહુરંગી કેલેન્ડર ટાંગેલ છે. આ સુંદર કેલેન્ડર જર્મનીમાં છપાયેલ છે અને તેમાં આકાશમાંથી સ્થિર ઉપગ્રહો દ્વારા યુરોપ અને આફ્રિકાની ખેંચાયેલ તસવીરો છે. કોઈ પણ વ્યક્તિ આ ચિત્રોને જુએ છે તો પ્રભાવિત થાય છે. પરંતુ જયારે તેને કહેવામાં આવે છે જે ચિત્ર એમાં છપાયેલ છે તે ભારતીય દૂરસંવેદી ઉપગ્રહો દ્વારા ખેંચાયેલ છે તો તેના ચેહરા પર અવિશ્વાસના ભાવ તરી આવે છે અને જ્યાં સુધી એ કેલેન્ડરમાં નીચે ફૂટનોટમાં એ કંપની દ્વારા ભારતીય દૂરસંવેદી ઉપગ્રહો દ્વારા ખેંચાયેલ ચિત્રો મેળવવા બદલ આભાર અને ક્રેડિટ નોટની માહિતી વાંચે નહિ ત્યાં સુધી એ ભાવો દૂર થતા જ નથી...!!"


બીજા અનુભવ વિષે તે લખે છે, 

" એકવાર હું રાત્રી ભોજન માટે એક સ્થળે આમંત્રિત હતો ત્યાં બહારના અનેક વૈજ્ઞાનિકો તથા ભારતના અમુક વૈજ્ઞાનિકો અને જાણીતા લોકો આમંત્રિત હતા. ત્યાં વાતવાતમાં રોકેટની ટેક્નિકના વિષયમાં ચર્ચા નીકળી. કોઈકે કહ્યું કે ચીની લોકોએ હજાર વર્ષો પહેલા તોપની શોધ કરી. તે પછી તેરમી સદીમાં એ તોપમાં વપરાતા પાઉડરની મદદથી અગ્નિતીરોનો પ્રયોગ યુદ્ધોમાં શરુ થયો. આ ચર્ચામાં ભાગ લેતા મેં મારો એક અનુભવ બતાવ્યો કે થોડા સમય પહેલા હું ઇંગ્લેન્ડ ગયો હતો ત્યાં લંડનની પાસે કુલીચ નામના સ્થાન પાર રોટુન્ડા નામનું એક સંગ્રહાલય છે. આ સંગ્રહાલયમાં સુલતાન ટીપુના શ્રી રંગપટ્ટનમમાં અંગ્રેજોની સાથે થયેલા યુદ્ધમાં ટીપુની સેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ રોકેટ મેં જોયા. રોકેટનું આ યુદ્ધ વિશ્વનું સર્વપ્રથમ રોકેટ યુદ્ધ હતું અથવા તો એમ કહું કે કોઈ યુદ્ધ માં રોકેટ વપરાયા હોય તેવી આ સૌ પ્રથમ ઘટના હતી. મારુ આટલું જ માત્ર કહેવાનું સાંભળીને એક પ્રમુખ ભારતીયે ટિપ્પણી કરી કે "એ ટેકનીક ફ્રેન્ચ લોકોએ ટીપુને આપેલી હતી." (આ કોન્ટ્રોવર્સી આપને વેબજગતમાં મળી રહેશે) એથી મેં નમ્રતાપૂર્વક એમને કહ્યું કે આપ જે કહી રહ્યા છો એ બરાબર નથી. હું આપને પ્રમાણ બતાવીશ. થોડા સમય બાદ મેં એમને પ્રખ્યાત બ્રિટિશ વૈજ્ઞાનિક સર બર્નાડ લોપેલનુ પુસ્તક " ઘી ઓરિજિન્સ એન્ડ ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ ઓફ સ્પેસ એક્સપ્લોરેશન " બતાવ્યું. જેમાં તે લખે છે કે વિલિયમ કોન્ગ્રેવે ટીપુની સેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ રોકેટનો અભ્યાસ કર્યો અને તેમાં અમુક સુધાર કરીને ઈ.સ. 1805માં તે વખતના પ્રધાનમંત્રી વિલિયમ પીટ  તથા યુદ્ધ સચિવ ક્રેસર લીડની સામે રજુ કર્યા. તે બંને એ જોઈને પ્રભાવિત થયા.  અને એને સેનામાં સામેલ કરવા માટેની સ્વીકૃતિ આપી. 1806ની સાલમાં નેપોલિયન સાથે થયેલા  Boulong Harbour પાસેના યુદ્ધમાં તથા 1807માં કોપેનહેગન ઉપર કરાયેલ આક્ર્મણમાં તેનો પ્રયોગ કર્યો. જયારે ટીપુ સુલ્તાનનો શાસક સમય લગભગ ઈ.સ. 1760 થી 1799 સુધી હતો. પુસ્તકમાં રજુ કરાયેલ વિગતને ધ્યાનપૂર્વક વાંચીને એ પુસ્તક મારા હાથમાં પાછું મુકતા એ વિશિષ્ટ ભારતીય સજ્જને જણાવ્યું કે આ એક મોટો રોચક પ્રસંગ છે...!! એમને આ વાત રોચક લાગી પણ તેમના મુખ-મંડળ ઉપર આ ભારતીય શોધ પ્રત્યે કોઈ પ્રકારનો અહોભાવ કે ગૌરવનો ભાવ દેખાયો નહિ. દુર્ભાગ્યે આપણે ભારતમાં આપણા શ્રેષ્ઠ સર્જકોને ભૂલી ગયા છીએ. બ્રિટિશ લોકો કોન્ગ્રેવની બાબતમાં સારી માહિતી રાખે છે પણ આપણે આપણાં એ મહાન એન્જીનીયરોને કે જેમણે ટીપુની સેના માટે રોકેટ બનાવ્યા તેમના વિષે કોઈ પણ જાણકારી રાખતા નથી. એનું કારણ એ જ છે કે વિદેશીઓના પ્રભાવથી આપણી પ્રત્યેની લઘુતાગ્રંથિથી દેશના બુદ્ધિમાન લોકો આજે પણ ગ્રસ્ત છે અને આ પ્રકારની માનસિકતા દેશની પ્રગતિ માટે સુધી મોટી અડચણ છે. "

સર સી. વી. રામને ઈ.સ. 1949માં પ્રયાગમાં એક કોલેજના પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે " વિદ્યાર્થીઓ, જયારે આપણે ક્યાંકથી કશું આયાત કરીઍ છીએ ત્યારે આપણે માત્ર આપણા અજ્ઞાનની કિંમત ચુકવતા નથી પણ આપણી અક્ષમતાની પણ કિંમત ચૂકવીએ છીએ! "

અને છેલ્લે:

હમણાં થોડા સમય પહેલા અમારા કાકાજીના ઘરે મુલાકાત લેવાનું થયુ. એ સમયે મારો રસનો વિષય  સમજીને થોડા પુસ્તકો કે જે મારા કાકાજીએ વસાવેલા,  રાહુલભાઈ (એમના પુત્ર) દ્વારા મને ખાસ વાંચવા માટે આપવામાં આવ્યા. આ વાસ્તવિકતાઓ એ પુસ્તકમાંથી અને થોડા મનોમંથન બાદ ઉદ્ભવેલી ફલશ્રુતિ છે. એ બદલ હું તેમનો આભારી છું. ભવિષ્યમાં પણ આવા રોચક પુસ્તકો વાંચન માટે મળી રહેશે એવી આશા પણ રાખું છું. 

આપણા દેશમાં આજે આપણી પોતાની વાતોમાં, અને પરંપરાઓમાં દેશની ક્ષમતા અંગેની માનસિકતામાં પરિવર્તન લાવવા માટે અમુક મૂળભૂત વાતો અંગે વિચાર કરવાની આવશ્યકતા છે. સૌથી પહેલા તો આપણી માન્યતા છે કે પશ્ચિમની વ્યક્તિ જ બુદ્ધિમાન અને તર્કશીલ કે પ્રયોગશીલ હોય છે જયારે ભારતની વ્યક્તિ કોઈ ગ્રંથને જ પ્રમાણ માનનાર, અંધશ્રધ્ધાળુ અને પ્રયોગથી દૂર ભાગનાર જ હોય છે. પણ વાસ્તવિક સ્થતિ શું છે એ જોવા સમજવાની તાતી જરૂર છે આપણે સૌએ. વધુ આવી વાસ્તવિકતાઓ લઈને ફરી મળીશ.... ત્યાં સુધી વિરામ..!


સંકલન: ડો. કાર્તિક શાહ.