Thursday, September 20, 2018

સામાજિક આભડછેટ, એક મહાન વૈજ્ઞાનિક અને ઉત્તમ વ્યક્તિત્વ

ચાલો આજે એક એવા છોકરાની વાત કરીયે કે જેણે બાળપણમાં સામાજિક આભડછેટ ભોગવી હતી અને આ જ છોકરો આગળ જતાં વિશ્વપ્રસિદ્ધિ પામ્યો અને ઇતિહાસમાં અમર થઇ ગયો... કોણ હતો આ? વાંચો આજે આ રોચક પ્રંસંગો:

આ છોકરાનો જન્મ તત્કાલીન મદ્રાસ રાજ્યમાં આવેલ ટાપુ – ગામ રામેશ્વરમમાં એક મધ્યમવર્ગીય તામિલ કુટુંબમાં થયો હતો. એના પિતા જૈનુલબ્દીને ન તો વ્યવસ્થિત શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું કે ન તો તેમના પાસે ધન હતું; આવી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તે જન્મજાત, સહજ અને ભરપૂર ડહાપણ તથા ઉદાર ચિત્ત ધરાવતા હતા. આ બાબતોમાં તેમને, આશિયામ્મા, એક આદર્શ સહધર્મચારિણી તરીકે મળી ગયાં હતાં. તે દરરોજ કેટલાક લોકોને ભોજન કરાવતાં તે હું કંઈ ચોક્કસ કહી શકું તેમ નથી, પણ મને ખાતરી છે કે આ કુટુંબના બધા સભ્યોનો સરવાળો કરીએ તે કરતાં વધારે સંખ્યામાં બહારના લોકો એમની સાથે જમતાં હતા!!!

આ માતાપિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. માતાના પૂર્વજો ગૌરવપ્રદ રીતે જીવ્યા હતા. એક પૂર્વજને બ્રિટિશરોએ ‘બહાદુર’નો ઈલ્કાબ પણ આપ્યો હતો. 

આપણે જે બાળકની વાત કરવા જઈ રહ્યા છીએ એ બાળક એમનાં અનેક સંતાનોમાંનો એક હતો. જેના માતાપિતા ઊંચાં અને દેખાવડાં હતાં, પણ આ બાળક ઓછી ઊંચાઈ ધરાવતો અને ઓછો ધ્યાનાકર્ષક દેખાવ ધરાવતો છોકરો હતો. 

આ પરિવાર ઓગણીસમી સદીના મધ્યમાં બંધાયેલ એમના પૂર્વજોના ઘરમાં રહેતું  હતું. તે રામેશ્વરમની મસ્જિદ શેરીમાં આવેલ, ચૂના તથા ઈંટોનું બનેલ, વિશાળ અને પાકું મકાન હતું. ચુસ્ત સાદાઈમાં માનતા એ પિતા બિનજરૂરી સગવડો અને મોજમજાને ટાળતા. અલબત્ત, તેઓ ખોરાક, દવાઓ કે વસ્ત્રો જેવી જરૂરિયાતો સરસ રીતે પૂરી પાડતા. 

સામાન્ય રીતે આ બાળક ભોજન એની માતા સાથે, રસોડાની જમીન પર બેસીને લેતો. તેઓ એની પાસે કેળનું પાંદડું મૂકતાં, જેના પર ભાત, ખુશ્બોદાર સંભાર, ઘેર બનાવેલ તીખાં વિવિધ અથાણાં અને નાળિયેરીની તાજી ચટણીનો લોંદો કડછીથી પીરસતાં.

ભગવાન શંકરનું પ્રખ્યાત મંદિર, જેના કારણે રામેશ્વરમ યાત્રાળુઓ માટે પવિત્ર ધામ બન્યું હતું, જે આ ઘરથી દસ મિનિટના અંતરે હતું. અને આ વિસ્તાર મહદ અંશે મુસ્લિમ કુટુંબોનો હતો, પરંતુ ત્યાં થોડાં હિન્દુ કુટુંબો પણ વસતાં હતાં અને બધાં ખૂબ હળીમળીને રહેતાં હતાં. આ વિસ્તારમાં એક ખૂબ જૂની મસ્જિદ હતી. બાળકનાં પિતા એને દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. 

અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શો થાય છે તેની એને તો શું ખબર હોય? એને તો પૂરી શ્રદ્ધા હતી કે તે ખુદાને પહોંચે જ છે. જ્યારે પિતા નમાજ પૂરી કરી મસ્જિદ બહાર આવતા, ત્યારે વિવિધ પંથો અને સંપ્રદાયોના લોકો તેમની રાહ જોતા રહેતા. ઘણાં તેમને પાણીનું વાસણ ધરતા. તેઓ પોતાની આંગળી બોળી તેને સ્પર્શતા અને પ્રાર્થના કરતા. આ પાણી પછી વિવિધ ઘરોમાં અપંગો માટે જતું. અને ઘણા લોકો પોતે સાજા થઈ ગયા બાદ એના પિતા પાસે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવતા. તેઓ ત્યારે  માત્ર સ્મિત કરતા અને તેમને દયાળુ એવા પરવરદિગાર અલ્લાહનો આભાર માનવાનું કહેતા.

રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રી તેમના ગાઢ દોસ્ત હતા. આ બાળકના બાળપણની જે મધુર અને સ્પષ્ટ સ્મૃતિઓ છે તેમાંની એકમાં આ બે વડીલોને, તેમનાં પરંપરાગત વસ્ત્રોમાં, ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચામાં મશગૂલ જોવાની રહેલી. જ્યારે તેની ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ, ત્યારે એ પિતાને નમાજ કે પ્રાર્થનાની ઉપયોગિતા વિશે પૂછતો. જે જવાબ આપતા તે મુજબ નમાજમાં કશું રહસ્યમય ન હતું. પ્રાર્થના તો, ઊલટી, લોકો વચ્ચે આત્મિક સંવાદને શક્ય બનાવે છે. ‘જ્યારે તમે પ્રાર્થના કરો છો’ તે કહેતા, ‘ત્યારે તમે તમારા દેહભાવને અતિક્રમો છો અને અસ્તિત્વનો જ એક હિસ્સો બની જાવ છો, જ્યાં ધન, વય, જ્ઞાતિ, કર્મ વગેરે વિશે કોઈ ભેદભાવ નથી હોતો.’ 

પિતાની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ ગમે તેવા કઠિન ધાર્મિક વિચારોને ખૂબ સરળ અને વ્યવહારુ તામિલમાં સમજાવી શકતા. તેમણે એક વાર કહેલું, ‘પોતાના કાળમાં, પોતાના સ્થળમાં, પોતે જે વાસ્તવિક છે, અને શુભ-અશુભ જે સ્તરે પહોંચેલ છે, દરેક મનુષ્ય પૂર્ણ વ્યક્ત પરમાત્માનો એક વિશિષ્ટ અંશ છે. એટલે તકલીફો, પીડાઓ અને સમસ્યાઓથી શા માટે ગભરાવું જોઈએ ? જ્યારે મુશ્કેલીઓ આવે, ત્યારે આ પીડાઓનો સંદર્ભ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રતિકૂળતા હંમેશાં આત્મચિંતન માટે વિશાળ તકો પૂરી પાડે છે.

જે લોકો તમારી પાસે સહાય અને સલાહ લેવા આવે છે તેમને તમે શા માટે આ નથી કહેતા ?’ એણે હિંમતપૂર્વક પિતાને પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે એના ખભા પર સ્નેહથી હાથ મૂકી અને આંખોમાં આંખ પરોવી થોડી પળો સુધી કશો જવાબ ન આપ્યો, જાણે કે એ તેમનો જવાબ સમજી શકશે કે નહીં તેમ માનીને એની શક્તિને તેઓ ચકાસતા હતા. 

પછી ધીમા, ઘેરા અવાજે બોલ્યા, જે ઉત્તરથી એક અદશ્ય શક્તિ અને ઉત્સાહથી એ બાળક ઊભરાઈ ગયો હતો : ‘જ્યારે જ્યારે મનુષ્યો પોતાને એકલા કે વિખૂટા અનુભવે છે, ત્યારે – સહજ પ્રત્યાઘાતરૂપે – તેઓ કોઈ સાથને શોધવાનો પ્રયત્ન કરે છે; જ્યારે તેઓ મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે કોઈ પોતાને સહાય કરે તેવી વ્યક્તિની શોધ કરે છે; જ્યારે કોઈ મડાગાંઠની પરિસ્થિતિમાં મુકાય છે, ત્યારે તેઓ કોઈ માર્ગદર્શકની શોધમાં રહે છે. ફરી ફરીને સર્જાતાં પીડા, ઈચ્છાઓ અને અપેક્ષાઓ પોતપોતાના ખાસ મદદગારોને શોધી લેતાં હોય છે. દુઃખમાં ફસાયેલ જે લોકો મારી પાસે આવે છે, તેમના માટે હું, પ્રાર્થના અને અર્ચના વડે, તેમને સતાવતાં પાશવી તત્વોને શાંત કરવાના પ્રયાસોમાં માધ્યમ જ હોઉં છું. આ અભિગમ જરા પણ સાચો નથી અને તેને અનુસરવા જેવું પણ નથી. વ્યક્તિએ નિયતિનાં ભયગ્રસ્ત દર્શન તથા એ દર્શન, જે આપણામાં રહેલ પૂર્ણતાને આડખીલીરૂપ શત્રુઓને શક્તિમાન બનાવે છે – તે બે વચ્ચેનો તફાવત સમજી લેવો જોઈએ.


હા, આ ઉદ્યમશીલ પિતાનો દિવસ બરાબર સવારે ચારને ટકોરે શરૂ થઈ જતો. ભળભાંખળું થાય તે પહેલાં તે નમાજ કરતા. નમાજ પછી ઘરથી ચાર માઈલ દૂર આવેલ પોતીકી માલિકીના નાળિયેરીના વનમાં ચાલ્યા જતા. પાછા વળતાં તેઓ પોતાના ખભા પર એકાદ ડઝન નાળિયેર બાંધીને લઈ આવતા. ત્યાર પછી જ તેઓ નાસ્તો કરતા. આ નિયમ તેમણે પોતે છ દાયકા પસાર કરી ગયા ત્યાં સુધી ચાલુ રાખ્યો હતો. 

આ બાળક કહે છે એમ, એના સમગ્ર જીવન દરમિયાન એણે આજના આ વિજ્ઞાન અને ટેકનોલૉજીના જગતમાં પણ એના પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો છે!! પિતા થાકી જ એણે એની સામે પ્રગટ કરેલ પાયાનાં સત્યોને સમજવા પ્રયત્ન કર્યો છે અને નિશ્ચયાત્મક રીતે અનુભૂતિ કરી છે કે વિશ્વમાં એક એવી દિવ્ય શક્તિ અસ્તિત્વ ધરાવે છે, જે વ્યક્તિને તેની મૂંઝવણ, દુઃખો, ઉદાસીનતા અને નિષ્ફળતાની પળોમાં તેનાથી ઉપર ઉઠાવે છે અને તેના સાચા – આદિમ સ્થળ તરફ દોરે છે અને એક વખત વ્યક્તિ પોતાનાં શારીરિક અને સાંવેગિક બંધનોથી મુક્ત થાય છે, તરત તે મુક્તિ, આનંદ અને મનની શાંતિના માર્ગ પર ગતિ કરવા લાગે છે.
છ વર્ષની નાની ઉંમરે એના પિતાએ યાત્રાળુઓને રામેશ્વરમથી ધનુષકોડી (તેને ‘સેતુ કરાઈ’ પણ કહેતા) લઈ જવા લાકડાનું વહાણ બાંધવાનું શરૂ કર્યું. તેમણે આ કામ પોતાના એક સંબંધી અહમદ જલાલુદ્દીનની મદદથી દરિયાકાંઠે શરૂ કર્યું. નાનકો એવો આ બાળજીવ, આ વહાણને આકાર લેતું જોતો. વહાણનું કાઠું તથા તળિયું વનની આગની ગરમીથી મજબૂત બન્યાં હતાં. એના પિતા આ વહાણની મદદથી પોતાનો વ્યવસાય ખૂબ જ સારી રીતે કરી રહ્યા હતા, જ્યારે એક દિવસ સો માઈલની ઝડપે આવેલ પવનનું વાવાઝોડુ સેતુ કરાઈની થોડી જમીન સાથે વહાણને પણ તાણી ગયું. ત્યાં આવેલ પંબન-પુલ પણ તેના પરથી જતી, મુસાફરોથી લદાયેલી ટ્રેન સાથે તૂટી પડ્યો. 

જ્યારે વહાણનો અકાળે અંત આવ્યો ત્યારે જલાલુદ્દીન અને આ નાનકડો બાળ, ઉંમર વચ્ચે તફાવત છતાં, ગાઢ મિત્ર બની ચૂક્યા હતા. તેઓ એનાથી લગભગ પંદર વર્ષ મોટા હતા અને એ એને ‘આઝાદ’ કહીને બોલાવતા. બંને દરરોજ સાંજે લાંબે સુધી ફરવા જતા. મસ્જિદ શેરીથી શરૂઆત કરી ટાપુના રેતાળ દરિયાકિનારા સુધી પહોંચતા ત્યાં સુધી જલાલુદ્દીન અને આઝાદ મુખ્યત્વે આધ્યાત્મિક વિષયો પર જ વાત કરતા. યાત્રાળુઓથી સતત છલકાતા રામેશ્વરમનું વાતાવરણ જ આવી ચર્ચાને ઉત્તેજન પૂરું પાડતું. બંનેનું પ્રથમ રોકાણ ભગવાન શંકરના વિશાળ મંદિર પાસે જ હોય. દેશના દૂરસુદૂરના ભાગોમાંથી આવતા યાત્રાળુઓ જે પૂજ્યભાવથી મંદિરની પ્રદક્ષિણા કરે, તેવા જ ભાવથી તેઓ પણ પ્રદક્ષિણા કરતા અને પોતાનાં મન અને શરીરમાં અદશ્ય શક્તિનો આવિર્ભાવ થતો અનુભવતા.

જલાલુદ્દીન ખુદા વિશે એવી રીતે વાત કરતા, જાણે કે તેઓ એના કોઈ ભાગીદાર હોય, તેમજ તેમની શંકાઓ ખુદા સામે એવી રીતે રજૂ કરતા, જાણે કે ખુદા તેમની સામે તેનો નિકાલ કરવા જ ઊભા હોય. આઝાદ જલાલુદ્દીન સામે એકીટશે જોયા કરતો. પછી સમુદ્રમાં પવિત્ર સ્નાન કરતા, મંત્રો બોલતા, વિધિઓ કરતા અને નિર્ગુણ, સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ઊંડો પૂજ્યભાવ પ્રગટ કરતા તથા મંદિરની પ્રદક્ષિણા કરતા. પેલો બાળક વિશાળ યાત્રાળુઓના સમૂહને જોતો. ને એ બાબતે કદી પણ શંકા ન થતી કે મંદિરમાં થતી પ્રાર્થના પણ મસ્જિદમાં થતી નમાજની જેમ એક જ સ્થાને પહોંચે છે, પણ જલાલુદ્દીનની વાતો સાંભળ્યા પછી એ વિચાર આવતો કે શું જલાલુદ્દીનને ખુદા સાથે કોઈ વિશિષ્ટ સંપર્ક તો નથી ને ! જલાલુદ્દીનનું શાળાકીય શિક્ષણ તેમના કુટુંબની તાણભરી પરિસ્થિતિને કારણે ખૂબ જ ઓછું હતું. કદાચ આ જ પરિબળ હશે કે તેઓ હમેશાં આઝાદનાં અભ્યાસમાં શ્રેષ્ઠત્વ મેળવવા પ્રોત્સાહિત કરતા અને એની સફળતાને જાણે પોતાની સિદ્ધિ હોય તે રીતે ભરપેટ માણતા. પોતાની ઓછપ માટેનો આંશિક ગુસ્સો પણ  તેમનામાં ક્યારેય નથી ઉદ્ભવ્યો. ઉલ્ટાનું, જિંદગીએ તેમને જે કંઈ આપ્યું હતું તે માટે તેઓ હંમેશાં કૃતજ્ઞતા પ્રગટ કરતા.

દરેક બાળક એક વિશિષ્ટ સામાજિક-આર્થિક અને ભાવનાત્મક પર્યાવરણમાં કેટલાંક વારસાગત લક્ષણો લઈને જન્મે છે અને વડીલો દ્વારા એક ચોક્કસ પ્રકારની તાલીમ મેળવે છે. એમ વારસામાં પિતા પાસેથી પ્રામાણિકતા અને આત્મશિસ્ત આઝાદને મળ્યાં; માતા પાસેથી ભલાઈમાં વિશ્વાસ અને ઊંડી કરુણા મળ્યાં.

  એમ સ્પષ્ટપણે કહી શકાય કે, આ બાળકે જે સમય જલાલુદ્દીન અને સમશુદ્દીન સાથે ગાળ્યો, તેણે એના બાળપણને વિશિષ્ટ ઘાટ આપ્યો અને તેને પરિણામે જ તેની પછીની જિંદગીમાં મોટું પરિવર્તન આવી શક્યું. જલાલુદ્દીન તથા સમશુદ્દીનને જીવનની શાળામાંથી મળેલ ડહાપણ નિઃશબ્દ સંદેશાઓ દ્વારા એવું આંતરપ્રેરિત અને સંવેદનશીલ હતું કે નિઃશંકપણે કહી શકાય કે આગળ જતાં આ બાળકમાંથી જે સર્જનાત્મકતા પ્રગટી તે બાળપણમાં મળેલી તેમની સંગતનું જ પરિણામ હતું. 

હવે એક રસપ્રદ કિસ્સો: 

બાળપણમાં એના ત્રણ ગાઢ મિત્રો હતા – રામાનંદ શાસ્ત્રી, અરવિંદન અને શિવપ્રકાશન. આ ત્રણે છોકરાઓ રૂઢિચુસ્ત હિન્દુ બ્રાહ્મણ કુટુંબોમાંથી આવતા હતા, પરંતુ બાળકો તરીકે, આમાંથી કોઈ પણ, ધાર્મિક તફાવત કે ઉછેર છતાં, પરસ્પર જુદાપણું અનુભવતા ન હતા. અગત્યની બાબત તો એ હતી કે રામાનંદ શાસ્ત્રી તો રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી પાક્ષી લક્ષ્મણન શાસ્ત્રીનો પુત્ર હતો. મોટો થયો ત્યારે તેણે જ પિતા પાસેથી મંદિરનું પૂજારીપદ સંભાળ્યું હતું. અરવિંદન ત્યાં આવતાં યાત્રાળુઓને વાહનવ્યવહારની વ્યવસ્થા ગોઠવી આપવાના વ્યવસાયમાં પડ્યો અને શિવપ્રકાશન રેલવેમાં ભોજન પૂરું પાડવાના કોન્ટ્રેક્ટમાં પડ્યો હતો. 

દર વર્ષે યોજાતા શ્રી સીતારામ કલ્યાણમ ઉત્સવમાં આ છોકરાનું કુટુંબ ખાસ પ્લેટફૉર્મવાળા વહાણની ગોઠવણ કરી આપતું. જેમાં એના ઘર નજીક આવેલ રામતીર્થ નામના તળાવની વચ્ચે આવેલ લગ્નની જગ્યાએ (મંદિરથી) ભગવાનની મૂર્તિને લઈ જવામાં આવતી. જયારે એની માતાજી તથા દાદીજી સૌ બાળકોને દરરોજ રાત્રે સૂવા વખતે રામાયણના પ્રસંગો તથા પયગંબરના જીવનપ્રસંગોની વાર્તાઓ કરતાં.

રામેશ્વરમ એલિમેન્ટરી સ્કૂલમાં જયારે એ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે, એક દિવસ, એક નવા શિક્ષક વર્ગમાં આવ્યા. એ, રૂઢિ મુજબ ત્યારે ટોપી પહેરતો, જેને કારણે મુસ્લિમ તરીકે ઓળખાતો હતો. આ બાળક હંમેશાં પ્રથમ બાંકડે અને રામાનંદ શાસ્ત્રીની બાજુમાં જ બેસતો. તે ત્યારે યજ્ઞોપવીત પહેરતો. આ નવા શિક્ષક હિન્દુ પૂજારીનો છોકરો મુસલમાન છોકરા સાથે બેસે તે સહન કરી ન શક્યા.!! ત્યારે સમાજમાં જે ઊંચ-નીચની વ્યવસ્થા હતી તે ન્યાયે આ બાળકને છેલ્લે બાંકડે જઈ બેસવાની તેમણે આજ્ઞા કરી, બાળક તો ખૂબ ઉદાસીન થઈ ગયો. રામાનંદ શાસ્ત્રી પણ. જ્યારે છેલ્લે બાંકડે એની બેઠક બદલાવી, ત્યારે તેની આંખમાં હતાશા પથરાઈ ગઈ. ત્યારની તેની રડતી છબી આ બાળક પર અમીટ છાપ મૂકી ગઈ. શાળા પૂરી થયા બાદ બંને ઘેર ગયા અને વડીલોને આ ઘટનાની વાત કરી. લક્ષ્મણન શાસ્ત્રીએ તરત જ શિક્ષકને બોલાવ્યા અને બાળકોની હાજરીમાં જ શિક્ષકને કડક સૂચના આપી કે આ નિર્દોષ બાળકોના મનમાં સામાજિક અસમાનતા અને ધાર્મિક અસહિષ્ણુતાનું ઝેર ન પ્રસરાવવું. તેમણે શિક્ષકને સ્પષ્ટ કહ્યું કે કાં તો તે માફી માગે અથવા ગામ છોડી દે. શિક્ષકે માફી માગી, એટલું જ નહીં, પણ લક્ષ્મણન શાસ્ત્રીની નિશ્ચયાત્મક દષ્ટિને પરિણામે તેઓ સુધરી પણ ગયા.

આવો જ એક બીજો પ્રસંગ: 

એકંદરે જોઈએ તો, રામેશ્વરમનો નાનકડો સમાજ જુદાં જુદાં ચોક્કસ સ્તરોમાં વહેંચાયેલો હતો અને વિવિધ સમાજિક જૂથોના ભેદભાવની બાબતોમાં આત્યંતિક રીતે રૂઢિચુસ્ત હતો. 

આ બધા વચ્ચે પણ, જોકે, એક શિક્ષક શિવસુબ્રમણ્યા ઐયર, ભલે પોતે જુનવાણી બ્રાહ્મણ તથા ખૂબ જ રૂઢિચુસ્ત પત્નીવાળા હોવા છતાં, કંઈક બળવાખોર જેવા હતા. તેઓ સામાજિક બંધનો તોડવાનો ખૂબ પ્રયાસ કરતા, જેથી વિવિધ સમાજોમાંથી આવતા લોકો સરળતાથી હળીમળી શકે. તે આ બાળક સાથે કલાકો ગાળતા અને કહેતા, ‘યુવાન, હું તને એટલો વિકસિત જોવા માગું છું, જેથી તું મોટાં શહેરોમાં ખૂબ શિક્ષિત લોકોની સમકક્ષ ઊભો રહી શકે.

એક દિવસ તેમણે આ યુવાનને ભોજન માટે આમંત્રણ આપ્યું. એક મુસ્લિમ છોકરો પોતાના વૈદિક પવિત્ર રસોડામાં આવીને જમે તે ખ્યાલે જ તેમનાં પત્ની તો છળી જ મર્યાં ! તેમણે તેને રસોડામાં પીરસવાની ચોખ્ખી ના પાડી દીધી. શિવસુબ્રમણ્યા ઐયરને ન તો ખલેલ પહોંચી કે ન તો તે પોતાની પત્ની પર ગુસ્સે થયા. તેને બદલે તેમણે યુવાનને પોતાના હાથે ભોજન પીરસ્યું અને એની બાજુમાં જ જમવા બેઠા. તેમનાં પત્ની રસોડાનાં બારણાં પાછળ ઊભાં એમને નીરખતાં હતાં. આ યુવાનને પણ વિચાર આવતો હતો કે એ જે રીતે ભાત ખાતો હતો, પાણી પીતો હતો કે ભોજન પછી જે રીતે જમીન સાફ કરતો હતો, એ જોઈ શિવસુબ્રમણ્યા ઐયરના પત્ની તેમાં કોઈ તફાવત જોઈ શક્યાં હશે ? 

એ જ્યારે વિદાય લેતો હતો, ત્યારે શિવસુબ્રમણ્યા ઐયરે પછીના અઠવાડિયે ફરી જમવા આવવાનું એને આમંત્રણ આપ્યું!! મોં પર ખચકાટ જોઈ, જરાય મૂંઝવણ ન અનુભવવાનું કહી તેઓ બોલ્યા,એક વાર એક પ્રથા બદલાવવાનો તમે નિર્ણય લો છો, તો આવી સમસ્યાઓનો સામનો તો તમારે કરવો જ પડે.જ્યારેએ યુવાન બીજા અઠવાડિયે તેમના ઘેર ગયો, ત્યારે શિવસુબ્રમણ્યા ઐયરનાં પત્ની એને પોતાના રસોડામાં લઈ ગયાં અને પોતાના હાથે ભોજન પીરસ્યું!!
આ બાળક અને યુવાન એટલે આપણા લોકલાડીલા વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ શ્રી અબુલ પકીર જૈનુલબ્દીન અબ્દુલ કલામ આઝાદ!! અને પોતાના પ્રારંભિક શિક્ષણનો ખર્ચ ઉપાડવા તેઓએ છાપાં વહેંચવાનું કામ પણ કર્યું હતું..!!

આ ઉપરનાં તમામ ઉત્સાહવર્ધક ક્વોટ ચિત્રો (Inspirational Quotes) એમનાં જ છે! અને એવું પણ તારણ નીકળ્યું છે કે, દક્ષિણી કોરિયામાં એમના પુસ્તકો અને એ પોતે ખૂબ જ લોકપ્રિય છે. અને ત્યાં એમના પુસ્તકોની જબરદસ્ત ડિમાન્ડ છે. એ લોકો એમને કદાચ ભારતીયો કરતાં પણ વધુ વાંચે છે!!

સંકલન: ડો. કાર્તિક શાહ ( તેમના જ પુસ્તકો "વિંગ્સ ઓફ ફાયર" અને "ગાઈડિંગ સૌલ્સ - ડાયલોગ્સ ઓફ ધ પર્પઝ ઓફ લાઈફ" માંથી...)

Thursday, September 13, 2018

આ હતા એ આપણા ગુજરાતીના પ્રસિદ્ધ સાહિત્યકાર !


"સુખરૂ હોતા હૈ ઈન્સા આફ્તે સહને કે બાદ
રંગ લાતી હૈ હીના પથ્થર સે પીસને કે બાદ!"



(ડો. કાર્તિકની કલમેનાં 07.09.2018નાં ગતાંકથી ચાલુ.....)

બે વર્ષે પિતા અને બાર વર્ષે માતાને હમેંશ માટે ગુમાવી દેનાર, સદાય પોતાને 'એકલો' અનુભવતો બાળક ગટુ જીવનની કેવી કેવી વીટમ્બણાઓમાંથી પસાર થઈને જાતને ઘડે છે, એક સામાન્ય શ્રમજીવીમાંથી "શબ્દજીવી" કેવી રીતે બને છે, 
અ-શિક્ષિતોની દુનિયામાં રહી આપ-દીક્ષિત કેવી રીતે બને છે, અને શારીરિક યાતનાઓ સહીને જિંદગીરૂપી સંજીવનીની કેવી રીતે પ્રાપ્ત કરે છે એ આકૃતિને તાદૃશ કરવાનો આપ સૌ સમક્ષ હું માત્ર અને માત્ર પ્રયત્ન કરી રહ્યો છું. 

અત્યારે સુધી આપણે જોયું કે, માત્ર 6-7 વર્ષની ઉંમરે જે બાળક માવડિયો હતો એ એની માનો ખોળો છોડી, સાવ અજાણ્યા માણસની આંગળી પકડી અક્ષરજ્ઞાન પામવા નીકળી પડે છે. અને સંજોગોવશાત કુદરતના એક પછી એક વજ્રઘાત સહન કરી માત્ર આઠ ધોરણ સુધી ભણી શક્યા પછી જીવનની શાળામાં જાતને ઘડાવાનું શરુ કરે છે. 

કિશોરાવસ્થાથીજ આ મેં જે ઉપર ટાંક્યો છે એ શેર ગટુને બહુ ગમતો. અને વારે તહેવારે ચર્ચામાં એને જરૂરથી રજુ કરતો. ત્યાં સુધી કે જીવનના સફળ તબક્કામાં પાછળથી જયારે આકાશવાણી પર એમનો ઇન્ટરવ્યૂ પ્રસારિત થયો ત્યારે પણ એનો અનુવાદ કરીને બોલેલા કે, 'મારા સર્જનનો મુખ્ય સ્ત્રોત મારુ જીવન જ છે. બચપણથી માંડીને આજ ઘડી સુધી માનસિક કે શારીરિક રીતે જીવનમાં હું પીસાતો જ આવ્યો છું. બીજી બાજુ મહેંદીની જેમ જીવનનો રંગ પણ હું ધરતો જાઉં છું...!' અને પછી આ શેર ટાંકેલો.

આપણે જોયું કે 1930-33ના સમયગાળામાં અમદાવાદમાં ઓટલો મળી ચુક્યો હતો. ત્ત્યાંજ  એમને સમાચાર મળ્યા એમના મોટા ભાઈ ના અકાળે અવસાનનાં !! આ અવસાન પાછળ પણ આખો લેખ લખાઈ શકે એમ છે પણ એ પછી ક્યારેક! જે મોટાભાઈ એમને ભણાવવા માટે ખુબ ઉત્સુક હતાં અને ગટુને પણ મા પછી સૌથી વધુ લાગણી હતી એ માણસ પણ ઈશ્વરે એમની પાસેથી છીનવી લીધો. એમનું કારજ-પાણી કરવા ગયા ત્યાં વિધિએ બીજો એક ઝાટકો આપ્યો રેવા કરીને એમની ખાસ મિત્રના  મૃત્યુ નો....અને એમનું હૈયું કકળી ઉઠ્યું, " ભગવાને આ મોત શા માટે બનાવ્યું હશે? "

આમ એક પછી એક થાપટો ખાતા ખાતા 1936નું વર્ષ બેઠું. ભગવાન પણ કદાચ ગટુના સતત શ્રમભર્યા દિવસો જોઈને હવે થાક્યા હોવા જોઈએ. ગટુએ એમના જ એક મિત્ર પાસેથી પેલા બટુક - બાળગોઠિયા મિત્રનું સરનામું મેળવ્યું. મુંબઈનું એ સરનામું હતું. અને ત્યાં જવું ગટુ માટે અસંભવ હતું. એક પ્રસિદ્ધ કવિ ન્હાનાલાલના "ઉષા" નામે પુસ્તક ઉપર કાગળ રાખી ગટુ એ સમયે મુંબઈ કોલેજમાં પ્રોફેસર થઇ ચૂકેલા બટુકને મનોમન ઢાળ ઘૂંટી કવિતામાં પત્ર લખે છે: 

"મુંબઈ તણી સડકો ઉપર કંઈ મોજથી ફરતા હશો,
દરિયા તથા ડુંગર તણાં કંઈ કાવ્ય પણ કરતા હશો."

આ પત્રનો જવાબ આવવાની ભારોભાર અધીરાઈ સેવી. આઠ-દસ દિવસના અંતર ઉપર આશાનું લંગર નાખીને બેઠેલો આ ગટુ પાંચમા દિવસે ટપાલીએ આપેલા કવરને ધ્રુજતા હાથે ખોલે છે. 

શબ્દે શબ્દે બટુક ભૈબંધનો પ્રેમ ટપકતો હતો. મનમાં સંશય હતો કે આટ્લો મોટો પ્રોફેસર અને હવે તો એટલો જ મોટો સાહિત્યકાર એ આ સમાજના સાવ નીચલા ઠરે પડેલા માનવીનો એટલે કે ગટુનો મિત્ર હોય એવું કોઈ મને પણ ખરું? વળી પાછું ગટુની જિંદગી અને સાહિત્યને ક્યાંય સુધી ન્હાવા-નીચોવાનો સંબંધ સુદ્ધાં નહોતો!! 

બટુકે લખેલું કે એ નજીકના ભવિષ્યમાં જ અમદાવાદ આવશે અને ત્યારે તેને મળવાની તક પણ મળશે. અને લખ્યું પણ ખરું કે અમદાવાદમાં ટૂંકમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મળવાનું છે ત્યાં હું આવીશ. એક દિવસ ગટુએ છાપામાં વાંચ્યું, " 01.11.1936ના રવિવારથી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે મળી રહેલું ગુજરાતી સાહિત્ય પરિષદનું બારમું અધિવેશન. " 

ગટુભાઈ પહોંચી ગયા. અધિવેશનના પહેલા દિવસે પ્રેમાભાઈ હોલના પગથિયાં પર અધીરાઈભર્યા ગટુને હોલમાંથી નીકળતા ગાંધીજીના દર્શન થયા. ચાર વાગ્યાની નોકરી હતી. અને સામે જ ભદ્રના ટાવરે ઘડિયાળનો કાંટો તો ક્યારનોય એને વટાવી ચુક્યો હતો. સભા વિખરાઈ, માણસોનો ધોધ વછૂટ્યો. અને ત્યાં તો ગટુની પારખું નજરે પેલા બટુકને પારખી લીધો.  

ખાદીનું ધોતિયું, શર્ટ, કોટ ને ટોપીમાં સજ્જ ખરેખર સુંદર લાગતા બટુક, અડખે પડખે બે ભાઈઓ સાથે વાતચીત કરતા કરતા આવતા હતા.  સામે હાથ જોડીને ગટુ ઉભો રહે છે. અંદર શર્ટ નાખીને ચડ્ડી પહેરેલા આ જુવાનને બટુક તરત ઓળખી જાય છે. ખભે હાથ મૂકીને વાતે ચડ્યા. હોલ નીચેની એક હોટેલમાં બેસવાનું સૂચવ્યું. બટુક અને તેમના મિત્રોની પાછળ આ ગટુ સાયકલ દોરતો દોરતો ગયો. નોકરી પાર ચડવાનું એક બાજુ મોડું થતું હતું. અને કામ તો મિત્રને મળીને હરખાવા પૂરતું જ હતું ને!! ચા આવતાની સાથે જ ગટગટાવી ગયા. નિરાંતે મળી શકાય કે કેમ? એવું પૂછ્યું. એના જવાબમાં બટુકે ગટુનાં હવે પછીના જીવનમાં વળાંક લાવી નાખતા બે જ શબ્દો કહ્યાં, 

" તમે લખો!! "
"શું લખું ?
" જે આવડે તે."
" તમે મુંબઈ રહો છો, મને ખરાખોટાની કેમ ખબર પડે? "
"આ રહ્યા તમારા માર્ગદર્શક, એમને દેખાડવાનું !!

ગટુએ એ માર્ગદર્શક સામે જોયું, મલકાતો ચેહરો હતો અને રવિવારના સવારના સમયે ફરી મળવાનું નક્કી પણ કર્યું. આ માર્ગદર્શકનો એમની સાથેનો ફોટો અહીં નીચે રજુ કરું છું...



( વાંચનારને ખબર પડે એ સારું, કે આ લખી રહ્યો છું એ હુંય આવી જ રીતે આ પ્રવાહમાં સરી પડ્યો છું. મને પણ આ બટુકની જેમ જ કોઈએ એક દિવસ કહ્યું કે "તમે લખો !!", મેં પણ આશ્ચર્ય સાથે જ કહેલું, " શું લખું ?" જવાબ પણ એ જ મળ્યો, " તમને જે આવડે છે એ જ લખો ! લોકોને ગમશે !!")

ગટુને આજ દિનસુધી લખવાનો વિચાર સુદ્ધાં નહોતો આવ્યો, વાંચન પણ મર્યાદિત. બટુકે લખવાનું કહ્યું એટલે વિચાર્યું કે બટુક જે લખે છે એ મુજબ જ પદ્ય-સાહિત્યમાં ઝંપલાવાનું હશે. અને પેલા માર્ગદર્શક પણ પોતાને લખતો કરવાની બાબતમાં ગંભીર જણાયા. 

ને પછી તો લંગડાને પાંખો મળી !! દર રવિવારની રાજાએ આ ઉત્સાહી જુવાન પંદર રૂપિયામાં રાખેલી સેકન્ડ હેન્ડ સાયકલ લઈને એલિસબ્રિજથી  મણિનગર ભણી ફટાકરી મૂકે અને પેલા માર્ગદર્શકને કાવ્ય રૂપી જોડકણાં  સંભળાવે. ધીમે ધીમે પોતાના સ્વરમાં રાગમાં ગાઈને સંભળાવે, પણ પેલા હિમગિરિ સરખા માર્ગદર્શકના ચેહરા પર રાજીપાનો એક અંશ પણ જોવા મળે નહિ!! એમનું મસ્તિષ્ક આનંદથી સહેજેય ડોલે નહિ. છેવટે ગટુ વાત પામી ગયો. કવિતા- પદ્યમાં માલ નથી. 

અને પૂછ્યું, " વાર્તા લખું ? " માર્ગદર્શકે દરવખતની જેમ પ્રોત્સાહન આપ્યું અને પહેલી જ વાર્તા જેવી સંભળાવી એ હિમગિરિ ડોલવા લાગ્યો!! રાજીપો છલકાયો. અને ગટુની પ્રથમ વાર્તા જ માર્ગદર્શકે એ વખતના પ્રખ્યાત અઠવાડિક સામાયિક "ફૂલછાબ" માં પ્રકાશિત કરવા માટે મોકલાવી. 

આ વાર્તા હતી, "શેઠની શારદા" !!

અને આ માર્ગદર્શક હતાં, કવિ "શ્રી સુન્દરમ"!!

અને પેલો બટુક કે જે પેલા ગટુના ઈશારે શાળામાં ચાલતો અને જેણે ગટુને એના જીવનની સાચી દિશા નિર્દેશ કરી એ હતા, કવિ "શ્રી ઉમાશંકર જોશી" !!

અને ગટુમાંથી હવે જેનો ઉદય થયો એ વાર્તાકાર અને આપણા ગુજરાતીના પ્રસિદ્ધ સાહિત્યકાર હતા એ હતા, શ્રી પન્નાલાલ પટેલ !! 

હવે, ખરી પરીક્ષા ચાલુ થઇ. એમના મિત્રોએ કહ્યું આ અઠવાડિક નહિ પણ કોઈ માસિકમાં અને એમાંય જયારે "પ્રસ્થાન"માં તમારી વાર્તા આવે તો જ તું સાચો વાર્તાકાર!! પન્નાલાલને ખબરેય નહોતી કે સાહિત્યની દુનિયામાં અઠવાડિક, પાક્ષિક-પખવાડિક કે માસિક જેવું ય કઈ હોય છે. નામો તો દૂરની વાત છે.  એટલે સુંદરમને જઈને પૂછ્યું, " આ પ્રસ્થાન એ બહુ અઘરું માસિક છે ?" 

રામનારાયણ પાઠક એનું સંકલન કરતા. એટલે સુન્દરમે હસીને પાઠકજીની વિદ્વતાના અને કડક પરીક્ષાના વખાણ કર્યા. પણ પન્નલાલનો ઉત્સાહભંગ થતો જોઈને એમની "કંકુ" વાર્તા સાથે એક ચિઠ્ઠી લખી એમને મળવા જવાનું કહ્યું. 

પણ એ વાર્તા છાપવાને બદલે પાઠકજીએ સુંદરમને વળતો જવાબ લખ્યો, "વાર્તા સારી છે, પણ આજકાલ વિષયની નિર્બળતા ઉપર ઝાઝા ભાગની વાર્તાઓ લખાય છે, એ ભાઈને કહેજો કે કોઈ બીજી હોય તો મોકલે !!" 

અને આ જ નકારાયેલી વાર્તા પરથી ગુજરાતી ભાષામાં એક બહુચર્ચિત અને પ્રખ્યાત ફિલ્મ બની "કંકુ" !! જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક માઈલસ્ટોન ગણાય છે !!

એ પછી માનવીની ભવાઈ પણ એમની જ એક વાર્તાનું ફિલ્મ રૂપાંતર છે. 

" કોઈ પણ બાબતની કદી બડાઈ ન કરશો, તમારા કાર્યને જ તમારા વતી બોલવા દો. " -- આવું પન્નલાલ પટેલ જ્ઞાનપીઠ પુરસ્કારના સ્વીકાર-પ્રવચનમાં બોલેલા. 

"એકલો" નામનું બિરુદ એમના દોસ્તો તરફથી  મેળવનાર એમની શરૂઆતની નવલકથાનું નામ પણ "એકલો" રાખે છે.... અને એકલોથી આરંભાયેલી જીવનના અફાટ ભરતી-મોજાનો સામનો કરવાની યાત્રા ઝાઝી વેદના સાથેની, થોડીક રંગીન જિંદગીની આ કથા એમની જ આત્મકથનાત્મક નવલકથા "જીંદગી-સંજીવની"માં આલેખાઈ છે.  જેમાંથી અસંખ્ય જીવોને પ્રેરણા મળી રહે એ હેતુ થી અહીં મારા શબ્દોમાં એને રજુ કરી છે. 

આશા છે કે આપને ગટુની આ જીવન-કથા વાંચવી ચોક્કસ ગમી હશે. આવતા શુક્રવારે આપણા જ એક કલાકાર-કસબીની નવી વાત લઈને મળીશું.....

---- ડો. કાર્તિક શાહ. 

Thursday, September 6, 2018

કોણ છે આ ગટુ ? આપણાં શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકારોમાંથી જ એક!!

કોઈ પણ સર્જક/ સાહિત્યકારના સાહિત્ય સર્જન પર જે-તે સર્જકનો ઉછેર, જીવન પ્રસંગો, જીવનઘડતર અને અન્ય સારા-માઠાં પરિબળોનો પ્રભાવ પડતો જ હોય છે. એવા જ એક ગુજરાતી સાહિત્યકારની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ, આજે ડો. કાર્તિકની કલમેમાં આ  સુંદર શબ્દ-સંપુટમાં!!

એ વર્ષ હતું 1914નું...હજુ તો જન્મે માંડ 2 વર્ષ પુરા થયા છે ને ત્યાં એક ગટુ નામના છોકરાએ એના પિતાની છત્ર-છાયા ગુમાવી દીધી...!! પિતા વ્યવસાયે તો ખેડૂત હતા પણ વિદ્યાના ઘર તરીકે એમનું ઘર પૂજાતું. એની વ્હાલસોયી મા એક માત્ર આધાર બન્યા જીવનની હાડમારીઓમાં એના પ્રેરણાસ્ત્રોત તરીકે. આ છોકરો આમ તો કુટુંબમાં સૌથી નાનો એટલે સ્વાભાવિક રીતે જ લાડકવાયો હતો. અને એટલો જ માવડિયો પણ. મા ખેતરમાં ખેતી કરવા જાય ત્યાં પણ ગટુ એમની જોડે જ હોય. એ હંમેશા માના સાડલાની કોર જોડે કે આંગળીએ બંધાયેલો જ રહેતો. ખેતરમાં કામ કરતી વખતે મા ગટુને જીજ્ઞાસાપ્રેરક વાતો કરતાં અને એ જ વખતે માએ ગટુને છપ્પનિયા દુકાળ વિષે પણ જણાવેલું. પોતાના ગામડેગામથી દૂર ઉત્તર ગુજરાતના એક નાનકડા હજારેકની વસ્તીવાળા ગામમાં સ્થળાંતર કરી ત્યાં પ્રાથમિક અભ્યાસ માટે ગટુને એની માએ મુક્યો. ત્યાંથી બીજા એક ગામમાં વધુ આગળ અભ્યાસ માટે મુકવામાં આવ્યો. પોતાની ચતુરતા, વાક્પટુતા, અને સંગીતપ્રેમથી તેઓ અન્ય બાળકોથી અલગ તરી આવે. 

પોતાના સંગીતમય કાવ્યથી એ વખતના ઉત્તર ગુજરાતના રજવાડાના રાજાને પ્રસન્ન કરી દીધેલા. અને એમની જ આજ્ઞાને લીધે રાજ્યના ખર્ચે અંગ્રેજી શાળામાં આગળ ભણવાનું સૌભાગ્ય આ બાળકને પ્રાપ્ત થયેલું. રાજસ્થાનના એક પછાત ગામ ને પછી ત્યાંથી ઉત્તર ગુજરાતના મેઘરજ, ત્યાંથી મોડાસા, તલોદ, તલોદથી હિંમતનગર, ત્યાંથી ઇડર, એમ લગભગ વચ્ચેના એંશી ગામોમાં ફરતો ફરતો એ બાળક બોર્ડિંગ સ્કૂલમાં પહોંચ્યો. (આ એટલા માટે ખાસ ટાંક્યું છે કે તલોદ એ મારુ પણ ગામ છે અને આ ગટુની જેમ જ વત્તા-ઓછા અંશે મારી અને મારા સ્વ. પિતાની પણ થોડી ઘણી યાદો એની સાથે જોડાયેલી છે.) પરંતુ એકદમ આ રીતે શાળામાં દાખલ થયેલો હોવાથી એ અંગ્રેજી પેહલીથી પાંચમી સુધી (અત્યારનું આઠમું ધોરણ) બધાથી પાછળ રહ્યો. શરુ શરુમાં ના કોઈ સાથી, ના કોઈ સમોવડીયો, ના કોઈ સમકક્ષ મિત્ર. એથીજ કદાચ છોકરાઓએ એનું નામ પાડી દીધેલું, "એકલો" અને સાચે જ એના જીવન સાથે આ નામ પછી જાણે કાયમને માટે જોડાઈ ગયું. કઈ રીતે? વાંચો આગળ...

એ સમયે ગટુ એના એક બટુક સહાધ્યાયી ઉપર ગજબનો મુરબ્બીવટ રાખતો..અને પછીના વર્ષથી જ આ બટુક ગટુને પછાડી પહેલા નંબરે આવતો..આ બટુકને મેં અત્યારે એટલે વાગોળ્યો છે કે એ બટુક જ એને જિંદગીના કપરા વર્ષોમાં દિશા નિર્દેશ બતાવવાનો હતો....!! જે આપણે આગળ જોઈશું.

ગટુનો એક પ્રસંગ અહીં ટાંકવા જેવો ખરો. શાળાજીવનની આર્થિક દશાના સંદર્ભમાં આ પ્રસંગ તેઓ પ્રસિદ્ધિ પામ્યા બાદ પણ એટલે કે જિંદગીના પાછળનાં વર્ષોમાં પણ અચૂક સંભારતાં. જીવનમાં પહેલી વાર ગટુએ દોરીવાળા બુટ ખરીદ્યા. પણ ભૂતકાળમાં ના મળ્યા અને ભવિષ્યમાં પણ ના મળવાના હોય એમ આ નવા બુટ એણે ખુબ સાચવ સાચવ કર્યા, પહેરે ઓછા ને પંપાળે વધારે....!! પરિસ્થિતિ એ ઉભી થઇ કે આ સાવ નવા કોરા બુટ દોઢ-બે વર્ષ પછી એને નાના પડીને ઉભા રહ્યા અને પગમાં જ ન આવ્યા...!!! આ પ્રસંગને આપણા સૌના જીવનમાં મળતી નાની નાની ખુશીઓને સાથે જો સાંકળીને વિચારીયે તો આવું જ થતું હોય છે, એને ઉજવવાની જગ્યાએ આપણે એને પાછી ઠેલી દઈએ છીએ અને પછી એ ઉજવવા આપણે સમર્થ રહેતા નથી, એને ગુમાવી દઈએ છીએ!

પરંતુ આ નાનકડાં ગટુ માટે પ્રકૃતિએ કૈક અલગ જ વિચારી રાખ્યું હતું. જે મા એ અખૂટ પ્રેમથી પિતાના મૃત્યુ બાદ ગટુને લાડકોડથી ઉછેર્યો અને છાતી પર પથ્થર રાખી પોતાનાથી દૂર એક બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મોકલ્યો, ગટુને ક્યાં ખબર હતી કે એ વિદાય અને મા સાથેની મુલાકાત એ એની છેલ્લી મુલાકાત હશે અને ફરી માની છબી કદાચ હકીકતમાં જોવાની થશે પણ નહીં!! હા, ઉપર આપ જે ફોટો જોઈ રહ્યા છો એ એજ જગ્યાનો ફોટો છે કે જ્યાંથી એ માએ પોતાના કુમળા બાળકને હૃદયના વલોપાત સાથે ભણવા માટે અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનાથી દૂર કર્યો હતો. આ એ જ જગ્યા છે જ્યાં ગટુએ એની માને છેલ્લી વાર જોઈ હતી!!  જી, માત્ર 14 વર્ષની ઉંમરે કુદરતે આ કુમળા બાળક પર એક બીજો વજ્રઘાત ધર્યો અને માનું અણધાર્યું અવસાન ઈ.સ. 1926માં થયું. આમ, મા-બાપ બંનેને આ બાળકે આટલી નાની ઉંમરમાં ગુમાવી દીધા. ભણતર હવે છોડવું પડે એમ જ હતું. કેમ કે, આર્થિક ભીંસ વધતી જતી હતી.

1926થી દસ વર્ષ સુધી, ભણતર છોડ્યા પછીની એની વીતકકથા ગટુના જીવન સંઘર્ષને છતું કરે છે.  આ નાનકડા ગટુએ 1926થી શરુ કરીને નાની ઉંમરથી જ મિલમાં નોકરી કરી, કાપડની દુકાન ખોલી જોઈ, બોરીની ડિસ્ટલરીમાં કારકૂની કરી, રાજસ્થાનના એક ગામમાં દારૂના પીઠામાં મેનેજર બન્યો, પાછા વતનમાં જઈ પોતાની માની જેમ હળ હાંકવાનો અને બળદ ચરાવવાનો સ્વાદ ચાખ્યો, અમદાવાદમાં આવી વોટરવર્કસ અને ઇલેક્રીસીટીમાં ફરતી પાળીમાં કારીગર તરીકે, બોઇલરની રાખનાં ટોપલા ઉંચકવાનું, મિલજીન સ્ટોર્સના માલિકને ત્યાં ઝાડુ-પોતાં, પુરુષ વર્ગના કપડાં ધોવાના અને શેઠાણી ના હોય તો રસોઈ પણ કરવાના નોકરથી માંડીને કારકૂની, માસ્તરગીરી વિગેરે ભાતભાતની નોકરીઓ કરી જોઈ. આ ગટુ એ વખતે બાર-સોળ કલાક યંત્રની જેમ કામ કરતો પણ ગાવાનું અને સંગીત પ્રેમ ભુલ્યો નહોતો. ગમે તેટલો પરિશ્રમ હોય આ "એકલો" હૈયે ને હોઠે ગીત હંમેશા રમતું રાખતો અને જીવનના આ કપરા દિવસો ખુશી ખુશી થી ઝીલ્યે રાખતો......!! 

1928માં ગટુની સગાઇ માત્ર 6 વર્ષની કન્યા સાથે થઇ, જે એનાથી 10 વર્ષ નાની હતી....!! આપ-કમાઈથી તેઓ પરણ્યા. અને ન્યાતમાં પોતાની કમાણીથી પરણવાવાળા પહેલા મુરતિયા તરીકે એની ગણના થઇ!! આમ, બાળપણ અને તરુણવયના કિંમતી દીવસો અસ્થિરતામાં અને અનિશ્ચિતતામાં ગુજરતા ગયા. સખત મહેનત, ધંધા, નોકરી, ખેતી કરી અને જીવનની વરવી વાસ્તવિકતાનો સામનો હૃદયમાં ઊંડે ઊંડે વ્યથા, સંતાપ અને સંઘર્ષ સાથે કરતો રહ્યો આ ગટુ!! ત્યારબાદ ધીમે ધીમે મહેનત કરતા લગભગ 1930-33માં અમદાવાદમાં ઓટલો મળી ગયો હતો એને. 

અને હવે આવે છે આ જ કુદરતની પાછી એક કરામત.... શું થયું ? પાછો નવો આઘાત ? દુઃખદ કે સુખદ ? કોણ હતો આ ગટુ ઉર્ફે એકલો? કઈ રીતે આ ગટુ ગુજરાતી સાહિત્યમાં અમર બની ગયો? "એકલો" કઈ રીતે પ્રસિદ્ધિ પામ્યો?  

વાંચો આગળ, આવતા શુક્રવારે હવે પછી આપની જ રસપ્રદ ડો. કાર્તિક ની કલમેની પ્રતમાં....


લેખન: ડો. કાર્તિક શાહ