Sunday, June 11, 2017

પપ્પા - Happy Father's Day


પપ્પા એટલે પપ્પા જ… 
“ માથે હાથ ફેરવતો એક જણો ગયો,
બસ ત્યારથી હું સમજણો થયો!!!”


એક જાપાનીઝ વાર્તા છે. વાર્તામાં એક સાત વર્ષની  દીકરી ચર્ચમાં ગોડને પ્રેયર કરી રહી છે, 'હે ગોડ, મને એક નાનકડો ભાઇ, નવા લીધેલા ડ્રેસ સાથે મેચ થાય એવી બ્લુ-પિંક અને પર્પલ હેરક્લીપ્સ, એક નાની ઢીંગલી-જે બોબ્ડ કટ હોય અને ઓરેંજ ફ્લેવરના વેફર બિસ્કીટ્સ જોઇએ છે. આવતા ફ્રાઇડે પ્રેયર માટે ફરી ચર્ચમાં આવું ત્યારે આ બધું જ મને આપી દે જે..! નહિંતર મારા પપ્પાને બોલાવી લાવીશ..!’ 

આ સાત વર્ષની દીકરી ભગવાન પાસે એક વિશ લીસ્ટ મૂકે છે. એણે આપેલી સમય મર્યાદામાં જો ભગવાન એનું વિશ લીસ્ટ પૂરું ન કરી શકે તો એ પપ્પાને બોલાવી લાવીશ એવી ધમકી પણ આપે છે. મજાની વાત તો એ છે કે, પપ્પા ભગવાન પાસે ધાર્યું કરાવી શકે છે એવો વિશ્વાસ હોવા છતા એ પપ્પાને વિશ લીસ્ટ નથી આપતી. કારણ કે એને પપ્પાનો ડર છે. પણ ભગવાન જો દીકરીની ઇચ્છા પૂરી ન કરી શકે તો એનાં પપ્પા ભગવાનની ખબર લઇ નાંખશે એવો એને વિશ્વાસ પણ છે. 

પપ્પા સલામતીની દિવાલ હોય છે. એમની છાતી પ૬ની હોય. રાક્ષસો એમનાથી બીતા હોય. બોટલમાંનો જીન એમના કહ્યામાં હોય. એમને બધ્ધું જ આવડતું હોય. ગજવામાં હોય એના કરતા વધારે પૈસા એ ખર્ચી શકતા હોય. મમ્મી એમનાથી બીતી હોય. જો કે, પપ્પા પણ મમ્મીથી બીતા જ હોય, પણ એમની બીક એ પોતાની પ૬ની છાતી પરના કાળા-ધોળાં વાળ વચ્ચે છૂપાવી શકતા હોય. પપ્પા એટલે એક એવા મર્દ, જેમની આંખે પાણી ભરાય પણ આંસુની મજાલ નથી કે એમની આંખ સુધી પહોંચી શકે. 

પપ્પા..પપ્પા જ હોય. રોજ સવારે વહેલા ઉઠી છાપાના પાના વચ્ચે દેશ-વિદેશના સમાચારો શોધી લેતા પપ્પાને ન્હાવા જતી વખતે ટુવાલના રેકમાં મૂકેલો ટુવાલ જડતો નથી હોતો અને પપ્પાની આ અણઆવડત છતી ન થઇ જાય એટલે મમ્મી એમને ટુવાલ હાથમાં આપી દેતી હોય છે. મમ્મી-પપ્પાને છાવરી લે છે. ‘પપ્પાને કહી દઇશ..!’ આ વાક્ય એનું તકિયાકલામ બની જતું હોય છે. રિમો‌ર્ટ કંટ્રોલ કારને તોડીફોડીને એનું મિકેનિઝમ ચેક કરતા નાના અમથા દીકરાને એ ‘પપ્પાને કહી દઇશ..!’ એવું કહીને એ ગણિતના દાખલા ગણવા બેસાડી શકે છે. પપ્પાનું નામ જ દીકરાને કૂતુહલના વિશ્વમાંથી દુનિયાદારીની દુનિયામાં લઇ આવતું હોય છે. દીકરી માટે આવું નથી હોતું. ઢીંગલીના વાળ ઓળવામાં બિઝી દીકરી પાસે પપ્પાનું નામ કિચનમાં રોટલીઓ નથી વણાવી શકતું. દીકરાએ ગણવું જ પડે અને દીકરીએ રમવું તો પડે જ ને..એવું માનતા પપ્પા દીકરા માટે જુદા અને દીકરી માટે જુદા હોય છે. 

દીકરી માટે પપ્પા સલામતી હોય. દીકરી પપ્પાએ દોરી આપેલી સલામતીની લાઇન ન ઓળંગવામાં ગૌરવ અનુભવતી હોય જ્યારે દીકરો પપ્પાને ઓળંગી જવામાં ગૌરવ અનુભવતો હોય. દીકરી માટે પપ્પા ‘આઇડિઅલ મેન’ હોય-બહારની દુનિયામાંના બધા જ પુરૂષોને એ પપ્પાના માપદંડે માપી લેતી હોય. દીકરીને પપ્પાને સાચા પાડવામાં અને દીકરાને પપ્પાને ખોટા પાડવામાં મજા પડતી હોય. પોતાનો દીકરો પોતાને ખોટા સાબિત કરે છે એ વાતે પપ્પાની નસોમાં વહેતું લાલ રંગનું લોહી થોડું વધારે ગાઢું બની જતું હોય છે. દીકરી માટે જીતી જવાની અને દીકરા સામે હારી જવાની પપ્પાને મજા પડતી હોય છે. 

દીકરીના ભાવ વિશ્વમાં પપ્પાનો ભાવ આસમાને હોય છે, દીકરાના ભાવ વિશ્વમાં પપ્પાનો ભાવ શેરબજારના માર્કેટની જેમ ચડઉતર થતો રહે છે. દીકરા માટે પપ્પા જરૂરિયાત છે. લેટેસ્ટ આઇપેડથી લઇને પોલિસે જપ્ત કરી લીધેલા બાઇકને છોડાવવા સુધીનાં દરેક કામમાં દીકરાને પપ્પાની જરૂર પડે છે. એ પપ્પા પાસે બહુ જ સરળતાથી બધું જ માંગી શકે છે. પપ્પાનું શર્ટ પહેરીને આખાં ઘરમાં રોફ મારી શકતો દીકરો પપ્પા જેવા ન બનવાની કોશિશ વચ્ચે મોટો થતો રહે છે. દીકરી આવું નથી કરી શકતી. એને તો એનો વર પણ પપ્પા જેવો જ જોઇતો હોય છે. ચશ્મા પાછળથી પપ્પાની ઉંચી થતી આંખો દીકરીને જલદી સમજાય જાય છે. દીકરી કશું પણ કરતાં પહેલાં પપ્પાની પરમિશન લે છે, દીકરાને પપ્પાનાં બધાં જ નિર્ણયો ખોટાં લાગે છે. ‘તમને કશી જ સમજણ નથી પડતી’ આવું એ ખૂબ સરળતાથી પપ્પાને કહી શકે છે. જો કે, પપ્પાને ખોટાં સાબિત કરવા મથતાં દીકરાને પપ્પા સાચાં હતાં એવું સમજાવા માંડે ત્યારે એનો દીકરો એને ખોટો સાબિત કરવા તૈયાર ઊભો હોય છે. 

પપ્પા ક્યારેય કશું બોલતાં નથી હોતાં. ઓફિસેથી ઘરે પાછાં ફરે ત્યારે ટીવીનું રિમોટ એમનાં જ હાથમાં રહેવું જોઇએ-એનો આગ્રહ રાખતાં પપ્પા બહુ જ સરળતાથી દીકરા અને દીકરીનું જીંદગીનું રિમોટ બીજાં કોઇનાં હાથમાં સોંપી શકતાં હોય છે. મમ્મી આવું નથી કરી શકતી. દરેક મમ્મી સારી સાસુ પુરવાર થાય એ જરૂરી નથી, પણ દરેક પપ્પા સારા સસરાં તો બની જ શકે છે. 

જેમનું નામ આપણાં નામની પાછળ લખાતું હોય, જેમનું લોહી આપણી નસોમાં વહેતું હોય, જેમનો ગુસ્સો આપણને વારસામાં મળ્યો હોય..જેમને ખોટાં સાબિત કરવામાં આપણો અહમ સચવાતો હોય-જેમનાં શુઝ આપણાં પગમાં મોટાં પડતાં હોય-જે ખૂબ ગુસ્સો કર્યાં પછી ધ્રુજવા માંડે-જેમને આપણે ક્યારેય આઇ લવ યુ ન કહ્યું હોય-એ આપણાં માટે કેટલાં અગત્યનાં છે એવું જેમને જતાવવાનું આપણે કાયમ ચૂકી જતાં હોઇએ અને જેમનાં પ્રાયોરિટી લીસ્ટમાં કાયમ આપણે જ ટોપ પર રહ્યાં હોઇએ-એ આપણાં પપ્પા એટલે પપ્પા જ…!! પણ જો આ પપ્પા જ આપણને કાયમ માટે અલવિદા કહી ગયા હોય ને ખાસ તો એવા દીકરા-દીકરીઓ કે જેઓએ નાની ઉંમરે આ વજ્રાઘાત અનુભવ્યો હોય એમના પર શુ વિતતી હશે??!! 

મા નુ કાર્ય કુંભાર જેવુ છે. બાળકને સાચવીને જન્‍મ આપવો લાગણી થી તેનો ઉછેર કરવો..પરંતુ પિતા નુ કાર્ય બાહય દ્રષ્‍ટિએ સલાટ (મૂર્તિ ઘડનાર) જેવુ છે. તેના જ સંતાનને ઘડવા માટે તેને સલાટ (મૂર્તિ ઘડનાર)ની ભૂમિકા ભજવવી પડતી હોય છે. ખૂબજ કુશળતા પૂરવક છીણી અને હથોડી થી તેને (બાળકને) તરાશવાનુ હોય છે. છીણી અને હથોડીના ઘા બાળકને માટે અને જોનાર ને માટે પણ જે તે સમયે ખૂબજ અસહય અને લાગણીહીન લાગે અને મહદઅંશે પિતા દ્રારા કરવામાં આવતી ક્રિયા ક્રુર લાગતી હોય છે. પરંતુ જયારે આ જગતના મંદિરમાં આ મૂરત આવે છે. ત્‍યારે જ બઘા તેને નમે છે.ભજે છે. અને ત્‍યારે બહુજ ઓછા લોકો આ મૂરતના ઘડનારા ને યાદ કરે છે અને હા… એટલેજ કહેવાય છે કે, બાપ ને તાપ જેટલા આકરા તેટલી પ્રેમની વર્ષા  હેલી વધુ…અને બાપની છત્રછાંયા જેને ગુમાવેલ છે.તેને આ  ખૂબજ સ્પર્શી જશે જ…. (આજે 20 વર્ષથી આ ખોટ અનુભવુ છુ.) 

જીવનમાં ઘણી ચઢતી ને પડતી આવે છે. પણ પપ્પાના મરણ જેવું મોટું તોફાન જીવનમાં ભાગ્યે જ આવે છે. તેમના ગુજરી જવાનો ઘા તો સહેવો જ પડે છે, સાથે સાથે ધાર્યા કરતાં સાવ જુદું જ ભાવિ હવે તમારી આગળ ઊભું છે એનો આભાસ થવા માંડે છે. 

કદાચ તમે પાસ થઈને ગ્રેજ્યુએટ થવાની, ડૉક્ટર કે એન્જીનીયર થવાની, પહેલી નોકરી મેળવવાની  કે તમારા લગ્નની ખુશી તેમની સાથે માણવાનાં સપનાં જોયાં હોય પણ હવે તે ન હોવાથી તમે કદાચ નિરાશામાં ડૂબી જાવ, વાતવાતમાં ચીડ ચઢે, અરે ગુસ્સો પણ આવે. પપ્પાના ગુજરી જવાથી લાગણીઓનું તોફાન ઊઠે ત્યારે, તમે કઈ રીતે એના પર કાબૂ મેળવી શકો? 

દીકરા માટે પપ્પા તાકાત હોય છે. પિતાને અગ્નિ‌દાહ આપ્યા પછી વિરાટ કોહલી મેદાનમાં સદી ફટકારી શકે છે. એક સદી ફટકાર્યા પછી આકાશમાં જોઇને પિતાને યાદ કરતો સચીન તેંડુલકર તરત જ બીજી સદી ફટકારી શકે છે. પણ દીકરી માટે પપ્પા નબળાઇ છે. ઇન્દિરા ગાંધી એક પત્રમાં પિતા જવાહરલાલ નહેરુને લખે છે, ‘શરીરમાં કરોડરજ્જુ જરૂરી છે, એમ દીકરીના જીવનમાં પિતાનું હોવું જરૂરી છે. કરોડરજ્જુ વિનાનું શરીર અક્કડ રહી શકતું નથી, એમ પિતા વિનાની દીકરી પણ અક્કડ રહી શકતી નથી. મારી નબળાઇ તમે છો..!’ 

પિતાનું મૃત્યુ દીકરાને મર્દ બનવાની પ્રક્રિયા સુધી લઇ જાય છે, જ્યારે દીકરીને એ તોડી નાંખે છે, સલામતીના વિશ્વમાંથી અસલામતીની દુનિયામાં ફેંકી દે છે. દીકરો પિતાને અગ્નિદાહ આપે છે ત્યારે પિતાની ચિતામાં એનાં આંસુઓ સૂકવીને એ મર્દ બની જાય છે. પિતાની ચિતા દીકરીને આગ જેવી લાગે છે, જેમાં એ એનું બધું જ સળગાવી દેતી હોય છે. પપ્પાનું મૃત્યુ અકળાવી મૂકે એવું ભયાનક હોય છે. 

શું પિતાનાં મૃત્યુ પછી ઘરનો દીકરો એમનું સ્થાન લઈ શકતો હોય છે? કદાચ, ના. અંગત અનુભવના આધારે તથા પત્રકાર-લેખક નરેશ શાહનો આ જ નીચોડ છે કે સમજણથી, સાહસથી, નસીબથી કે મહેનતથી તમે ગમે તે બની શકો છો, પણ તમે તમારા ‘બાપ’ બની શકતા નથી! મૃત્યુ પામેલા પિતાનું સ્થાન ઘરમાં હંમેશાં ખાલી જ રહે છે! હું આ વાતને સુપેરે સમજી શકુ છું. કારણ કે અનુભવું છું. સાવ સાચી વાત છે એ સ્થાન ક્યારેય ભરી શકવું શ્ક્ય નથી.....!! 

એટલે જ લેખનું શીર્ષક આપ્યું છે, “ માથે હાથ ફેરવતો એક જણો ગયો, બસ ત્યારથી હું સમજણો થયો!!!(શિર્ષક પંક્તિ: ડો. નિમિત ઓઝા)” 

💐-- ડો. કાર્તિક દિલીપકુમાર શાહ 





8 comments:

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...