Saturday, June 24, 2017

યુવા - મહત્વાકાંક્ષા

આજે સાંજના સમયે એક મિત્રની ઓફિસ પર બેઠો હતો. મારા એ મિત્ર રોકાણ સલાહકાર તરીકે કામ કરે છે. એને ઓફિસમાં આસિસ્ટન્ટ તરીકે અને કાઉન્સેલર તરીકે એક વ્યક્તિ રાખવી હતી એટલે ઇન્ટરવ્યૂ ચાલતા હતા.

બે છોકરીઓ ઇન્ટરવ્યૂ આપવા આવી. બી.કોમ. કરેલું હતું અને શેરબજારની કંપનીમાં નોકરી કરતી હતી. મિત્રએ એક પ્રશ્ન પૂછયો, "બેન્કવાળા 7% વ્યાજ આપે અને જો સારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે તો 10% વ્યાજ મળે. કોઈ ભાઈને 1,80,000નું રોકાણ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી એને 3%નો ફાયદો થાય એ તમારે રૂપિયામાં કહેવો હોય તો કેટલા રૂપિયાનો એને વર્ષે ફાયદો થાય ? " કોમર્સ ગ્રેજ્યુએટ આ બંને યુવતિઓ એકબીજાના મોઢા જોવા માંડી.

મિત્રએ સ્પષ્ટતા કરતા કહ્યું, "1,80,000નું 3% લેખે એક વર્ષનું વ્યાજ કેટલું થાય ?" એક યુવતીએ પોતાની વિદ્વતા પ્રગટ કરતા કહ્યું, "સર, કેલ્ક્યુલેટર વગર કેવી રીતે ગણી શકાય ?" થોડું વિચાર્યું પણ જવાબ તો ના જ આવડ્યો. છેવટે આ છોકરીઓએ પૂછ્યું કે અમને પગાર કેટલો આપશો ? મિત્રએ કહ્યું હું મહિને 6000 આપી શકું. પેલી બન્ને યુવતિઓ "અમે વિચારીને જવાબ આપશું" એમ કહીને હાથમાં મોબાઈલ રમાડતી રમાડતી જતી રહી.

આ બધું મારી સગી આંખે જોયું અને સગા કાને સાંભળ્યું. એ બંને ગઈ એટલે મેં પેલા મિત્રને પૂછયું, "એ બંનેને સામાન્ય વ્યાજની ગણતરી પણ ના આવડી અને તો પણ તમે એને નોકરીએ રાખવા તૈયાર હતા." હસતા હસતા મિત્રએ મને કહ્યું,"સાહેબ 15ના ઇન્ટરવ્યૂ લીધા બધાનું આવું જ છે. આને તો 1,80,000ના 3% પૂછ્યું એક કોમર્સ ગ્રેજ્યુએટને તો 1000ના 10% પણ ના આવડ્યા. એક તો એમબીએ વિથ ફાયનાન્સ થયેલ વ્યક્તિ હતી એ પણ વ્યાજ ગણી ના શકી."

આ સ્થિતિ દરેક ક્ષેત્રમાં અત્યારે વ્યાપક થઈ ચૂકી છે. દવાની કંપનીમાં, હોસ્પિટલ માં, કાપડની મિલમાં, ઓટોમોબાઇલમા તથા અન્ય કેટલાય ક્ષેત્રોમાં હાલનો ફાલ જે નોકરી પર આવી રહ્યો છે તેઓમાં આ વાત કોમન છે. હાલ અનુભવ નહિવત હોવા છતાં પણ યુવાધન ઉંચી અપેક્ષા વાળી નોકરી ની મહેચ્છાઓ રાખે છે. જરૂરી એ નથી કે અનુભવ નથી, પણ મૂળ મુદ્દો એ છે કે એમને અનુભવ લેવો પણ મંજુર નથી...આ રીતે તો કેમ કુશળ થવાશે? અત્યારે 500-1000 રૂપિયાના ઇન્ક્રીમેન્ટ માટે પણ યુવાઓ એક નોકરી છોડી બીજી અને પછી ત્રીજી બદલી રહ્યા છે. આમાં ક્યાં રહ્યો અનુભવ અને ક્યાં સ્ટેબિલિટી....થોડુંક વિચારી આ મુદ્દાનો શિક્ષણ વ્યવસ્થામાં સમાવેશ કરવા જેવો છે..!!
શું ખરેખર આપણા સંતાનો ભણી રહ્યા છે કે મોજમજા કરીને માં-બાપને ઉઠા ભણાવી રહ્યા છે ?

અમુક યુવાનો અને યુવતીઓ ખુબ મહેનત કરતા હોય છે અને પોતાના વિષયમાં પારંગત પણ  હોય છે હું આવા કેટલાય વિદ્યાર્થીઓને ઓળખું છું, એ કોઈની આ વાત નથી. મારે તો એ કહેવું છે કે આવા વિદ્યાર્થીઓ પણ છે જેને સાદું વ્યાજ ગણતા પણ નથી આવડતું અને પાછી 6000ની નોકરી પણ નથી કરવી !  

- કાર્તિક શાહ (વિચારબીજ-શૈલેષભાઇ)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...