Sunday, December 31, 2017

લગ્નજીવન - વહેવાર

એક હકીકત, હૈયા પર હાથ રાખીને મૂલવજો.

આપણે પતિ-પત્નીને ‘નજીક’ જ જોતાં હોઈએ છીએ અને જો એમ જ હોય તો લગ્નજીવનમાં પ્રવર્તતા લડાઈ-ઝગડા, અસંતોષ, અંજંપો ક્યાંથી હોય ? પણ આ નજીકતામાં ક્યાંક કંઈક ખૂટે છે. નજરે દેખાતી ‘નિકટતા’ એ ભૌતિક છે, આપણી વાત ‘માનસિક નિકટતા’ની છે, મનમેળની છે.

પત્નીને અમુક રંગની સાડી કે ડ્રેસ પસંદ નથી જ્યારે પતિ તેને એવા જ રંગની સાડી ભેટ આપે અને પાછી એવી અપેક્ષા રાખે કે પત્ની પોતાની ભેટની કદર કરે. પત્નીને ઘરકામમાં કોઇ ટોકે એ ગમતુ નથી, પતિ પોતાનો અહમ સંતોષવા કે જ્ઞાનનું પ્રદર્શન કરવા ઘરકામમાં માથુ મારે. પત્ની ઇચ્છે કે પતિ વ્યવસાયમાંથી પરવારી સાંજનો સમય ઘરમાં વિતાવે, જ્યારે પતિને, પત્ની કે ઘર કરતાં મિત્રોમાં વધુ રસ હોય.

સામે પક્ષે પણ પરસ્થિતિ સરખી જ છે. પતિને હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ નથી પણ રજાના દિવસે રસોડામાં પણ રજા જ પડી હોય. વ્યવસાયમાંથી થાકેલો પતિ ઘરમાં પગ મૂકે ને ઘરપારાયણ શરુ થઈ જાય. બહેનપણીનો પતિ અમુક પ્રકારના કપડા પહેરે એટલે પોતાના પતિને પણ એવા જ કપડા પહેરવા જોઈએ એવો દુરાગ્રહ સેવાય.

તમને બહુ સામાન્ય દેખાતા, આવા અસંખ્ય દાખલાઓ ગણાવી શકાય પણ આવા જ ‘એડજસ્ટમેન્ટ’ ધીમે ધીમે ‘મનમેળ’ ઘટાડે અને લગ્નજીવનનું ‘રગશીયું’ ગાડું આગળને આગળ ખેંચાતું ચાલે. આમ ભૌતિક રીતે નજીક દેખાતા પતિ-પત્ની માનસિક રીતે જોજનો દૂર ઉભા હોય.

હૈંયા પર હાથ મુકી જાતને પુ્છો ને ‘તમે તમારા સાથીદાર થી નજીક છો ?’

જવાબ સ્પષ્ટપણે ‘હા’ કે ‘ના’ માં ન પણ મળે, પણ ‘હા’ કે ‘ના’ માંથી કોઈ એક તરફ તો ઢળતો હોય શકે. જો ‘હા’ તરફ ઢળતો હોય તો જીવન જીવવા જેવું લાગતું હોય, જો ‘ના’ તરફ હોય તો …….(મારે લખવાની જરુર નથી, જવાબ તમારો જ છે, ખાનગી છે અને ખાનગી રહેશે.). મને તો માનવીય લાગણીઓમાં શ્રધ્ધા છે અને તેથી હું તો માનું છું કે પતિ-પત્નીના સંબંધો એ અમદાવાદના ઝુલતા મીનારા જેવા છે, બન્ને દુન્યવી રીતે એકબીજાથી સ્વતંત્ર દેખાય છે, પણ એક્ને ઢંઢોળો તો બીજો તુરંત જ આંદોલીત થાય. જો આવું ન હોય તો ? એમાં ફેરફાર થઈ શકે ? જરુર થઈ શકે. ફક્ત એકબીજાના લાગણીતંત્રને જોડતા કંપનો આડેથી અવરોધો દૂર કરવા પડે. આ માટે પ્રયત્ન કરવો પડે, જેઓને અવરોધ દેખાય છે તેમણે અવરોધ દૂર કરવા માટે અને જેમને કોઈ અવરોધ નથી તેમણે જીવનને વધુ મધુર બનાવવા માટે.


તમને ધીરજપૂર્વક પ્રયત્ન કરવાની ઇચ્છા છે ? તો આત્મ નિરીક્ષણ કરવું પડશે. આત્મનિરીક્ષણની વાત સાંભળી આધ્યામિકતામાં સરી પડવાની જરુર નથી, 😂🤣એવી કોઈ વાત જ નથી.

હવે એક મુંઝવતો પ્રશ્ન:
"ભારત દેશમાં કેટલી વાર પત્નીપીડિત પતિઓ વિશે અથવા તો પતિ પર થતાં શોષણ કે અત્યાચાર વિશે મુક્ત ચર્ચા કે મીડિયામાં કવરેજ થયું હશે?" 

ચાલો, બહુ વિચારીએ તો કંઈક યાદ આવી પણ જાય અને જો આવી જ જાય તો કેટલી સંસ્થાઓ આવા વિકટીમ પતિઓને મદદ કરે છે અથવા તો સમાજ કેટલી સહાનુભૂતિ દર્શાવે છે?

મને તો ઘણી વાર વિચાર આવે કે આ અમુક કાયદાઓ  જેન્ડર ન્યુટ્રલ કેમ ન હોઈ શકે, જે રીતે આપણે જેન્ડર ન્યુટ્રેલિટી ને પણ સમર્થન આપીએ છીએ.


જો ડોમેસ્ટિક વાયોલન્સમાં કેસ દર્જ થાય તો પતિશ્રીએ દર દસ દિવસે થતી સુનાવણીમાં ફરજિયાત હાજર રહેવાનું, ને એમ ન કરે તો એ રોંગ-ડુઅર સાબિત થાય! લો બોલો. અને મહિલા માટે એમ નથી. આ કેસોનો નિકાલ ૬ મહિને થઈ જવો જોઇયે પણ એમ ન થતા લાંબો ચાલે તો પણ પ્રથા આમ જ ચાલુ રહે.

પુરુષ માટે કોઈ ડોમેસ્ટિક વાયોલન્સ એકટ નથી! અથવાતો એમાં જોગવાઈ પણ નથી. એટલે કાયદો જેન્ડર બાયસડ છે જેનો છડેચોક ગેરલાભ ઉઠાવાય છે.

પુરુષનેતો ખાસ આવા અત્યાચારનો ભોગ બન્યા બાદ આપણો સમાજ સપોર્ટ નથી આપતો..ઉલટો ખોટા ડોમેસ્ટિક વાયોલન્સ, dowry કેસનો ગેરલાભ ઉઠાવી તગડા કંપેન્શેષન મેળવવાની તરકીબો આપણાં જ આ સમાજમાં ચાલે જ છે....તો શું બધી મહિલાઓ એવું જ કરે વિચારે છે?? ના, સબળી બાજુ પણ છે જ બંને પક્ષે. પુરુષને તો કાયદાકીય, સામાજિક, આર્થિક કે એકેય પ્રકારની સહાનુભૂતિ નથી પ્રાપ્ય આ સંજોગોમાં!! ઊલટું તેઓ હાંસીને પાત્ર બની જાય...

એક સર્વેક્ષણમાં ડોમેસ્ટિક વાયોલન્સમાં વિકટીમ મહિલાઓ કરતા વિકટીમ પુરુષો વધારે ડિપ્રેસડ અને સહન કરતાં માલુમ પડ્યા છે. કારણ?? 
૧. સમાજની શરમ 
૨. ખોટા કેસોની બીક 
૩. જેન્ડર બાયસડ ડોમેસ્ટિક વાયોલન્સ એકટની બીક 
૪. માતાપિતાનું દબાણ 
૫. પુરુષસહજ સ્વભાવ અને સૌથી અગત્યનું 
૬. ડીનાયલ એટલે કે પરિસ્થિતિનો જ અસ્વીકાર. પુરુષો એમ માનવા જ તૈયાર નથી હોતા કે તેમની જોડે આમ થયું. તેઓ એમ જ માને કે એ પરિસ્થિતિ સુધારી લેશે!!


યુ.એન ના એક સર્વેક્ષણ મુજબ (2016) પતિઓ પર અત્યાચાર કરવામાં પત્નીઓમાં (જી હા, બરાબર જ વાંચી રહ્યા છો આપ...!!!) ભારત, દુનિયામાં ત્રીજા નંબરે આવે છે. વળી યુ.એસ. માં દર 37.8 સેકન્ડે એક પતિ  અત્યાચારનો ભોગ બને છે એટલેકે પત્નીપીડિત છે, અને આ આંક ચોંકાવનારી ગતિએ વધી રહ્યો છે. 


યુ.કે માં ડોમેસ્ટિક વાયોલન્સમાં 40% ભોગ પુરુષો પણ બન્યા છે. લેટેસ્ટ 2017ના આંક મુજબ દર ત્રણે- એક મહિલા અને દર ચારે-એક પુરુષ ઘરેલુ અત્યાચારનો ભોગ બની રહ્યા છે.

વળી, લેટેસ્ટ એટલે કે ઔગસ્ટ 2017માં ભારતની (જી હા ભારતની!!) સુપ્રીમ કોર્ટે, ડોમેસ્ટિક વાયોલન્સનો મહિલાઓ દ્વારા વધુ પડતો દુરુપયોગ ઉજાગર કરીને પત્નીપીડિત પુરુષોને રક્ષણ આપવા એક લેન્ડમાર્ક ચુકાદો પણ આપ્યો છે. . .!!

અહીં ઘરના કિંગ કે કવીન બનવાની કેમ મહેચ્છા હોય છે એ જ નથી સમજાતું? ડબલ્સની ટેનિસ મેચની જેમ બંને ટીમ મેટ સાથે જ જીવન રૂપી રમતને કેમ આગળ ન ધપાવી શકે ? એમાં કોઈ કિંગ કવીન ન હોય, સરખું જ એકદમ. ગુસ્સો, ઓળખનો અસ્વીકાર, નકારાત્મક લાગણીઓ, અહમ, અપેક્ષા અને એવા બીજા ગુણ કે લાગણીઓ પતિ-પત્ની કે અન્ય સંબંધોમાં તીરાડ પાડવાના કે સંબંધોમાં વિસંવાદિતતા (Conflicts) ઊભા કરવા માટેના ટ્રીગરો છે. મનમાં કડવાશ ઊભી કરે છે. જ્યારે જ્યારે આપણી અપેક્ષા મુજબનું વર્તન સામેવાળાનું ન થાય ત્યારે આપણને ખૂંચે છે. આપણી અપેક્ષાઓની અવગણના કે અવહેલના થાય ત્યારે સંબંધોમાં કડવાશ આવે છે.

‘અહમ’ વિશે તો આપણે એટલું બધું જાણીએ છીએ કે સ્વાભિમાન અને અભિમાન વચ્ચેની ભેદરેખા પણ ભૂસી નાખી છે. પતિ-પત્નીના સંબંધમાં વધુમાં વધુ કડવાશ, અહમનો ટકરાવ પેદા કરે છે. જે સંબંધમાં (પતિ-પત્નીના) સ્વાભિમાનને પણ ઓગાળી નાખવું જોઈઍ ત્યાં આપણે અહમને જીવતો રાખી જીવનમાં કડવાશ ઊભી કરીએ છીએ. મનુષ્ય જીવનની એક મજબૂત સંબંધ બાંધવાની પ્રક્રીયા – લગ્નવિધીને આપણે એક “વહેવાર”માં ફેરવી નાખી  છે. એમાં સંબંધ બાંધવા સિવાયનું બીજુ બધું જ આવે છે. અહમ અને સરખામણી ના વહેવારોથી બંધાયેલો પતિ-પત્નીનો સંબંધ પણ એક વહેવાર જ બની જાય ને ! હકીકત એ છે કે વહેવારો હંમેશા નાજુક હોય છે. જો વહેવારમાં બરાબરી (Equilibrium) ન જળવાય તો બેલેન્સ ખોરવાય અને સંબંધોમાં તિરાડ પડે.

પ્રેમ સંબંધથી બંધયેલા પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં અહમનો અભાવ, સમાનતા ની ભાવના, જતુ કરવાની વૃતિ, બાંધછોડ્ની તૈયારી, આ બધુ જ બંને પક્ષે સમાયેલું છે અને ઍટલે જ મજબુત છે. પતિ-પત્નીના મજબુત સંબંધને અહમ, માન્યતાઓ, પૂર્વગ્રહો સાથે ટકરાવીને આપણે જ નાજુક બનાવી દીધો છે.

― ડો. કાર્તિક શાહ

શુભેચ્છાઓનો અતિરેક

શુભેચ્છાઓનો અતિરેક

નવરાત્રિના પહેલા દિવસથી શુભેચ્છાઓનું જે બૉમ્બાર્ડિંગ શરૂ થયેલું તે છેક લાભપાંચમ સુધી ચાલુ રહ્યું. થોડાક અઠવાડિયાના યુદ્ધવિરામ પછી આવ્યું ક્રિસમસ અને ઈસુનું નવું વર્ષ એટલે ફરી પાછી શરૂ થઈ ગઇ આ ગોલાબારી. પછી ઉતરાણ વખતે, હોળી વખતે, રામનવમી, અષાઢી બીજ અને રક્ષાબંધન વખતે, ગણેશોત્સવ અને જન્માષ્ટમી વખતે. હેપી ધિસ તહેવાર અને હેપી ધૅટ તહેવાર. ફલાણા ફેસ્ટિવલ નિમિત્તે શુભેચ્છાઓ અને ઢીંકણા ત્યોહાર પ્રસંગે શુભકામનાઓ.

આ આપણી સંસ્કૃતિ જ નથી. હેપી ન્યુ યર અને મેરિ ક્રિસમસ એવી લાગણીઓની શાબ્દિક આપલે "એ" લોકો કરે. આપણે ત્યાં બોલીને નહીં, વર્તીને શુભ લાગણીઓ - આશીર્વાદોને આપલે કરવાનો રિવાજ હતો જે દેખાદેખીમાં ખોવાઈ ગયો. દિવાળી પછીના બેસતા વરસના દિવસે વડીલોને તમે પગે લાગો અને એ તમારા માથા પર હાથ મૂકે એટલે હેપી ન્યુ યર કે સાલ મુબારક બોલવા કરતાં અનેકગણી તીવ્રતાએ તહેવાર નિમિત્તના આનંદની આપલે થઈ ગઈ. 

તમે મારે ત્યાં મગસ-મોહનથાળ, અને હું તમારે ત્યાં મઠિયાં-ચોળાફળીની થાળી મોકલો એટલે અપાઈ ગઈ શુભેચ્છાઓ. બોલવાની કંઈ જરૂર નથી. મારાં અને તમારાં છોકરાંઓ સાથે મળીને ફટાકડા ફોડે, રંગોળીઓ પૂરે કે પછી સાથે મળીને પતંગ ચગાવે, લાકડાં-ભૂસું ભેગું કરીને હોળી પ્રગટાવે, રંગીન પાણીની પિચકારીઓથી તેમ જ ગુલાલથી એકબીજાને રંગે કે સાથે મળીને હનુમાન ચાલીસાનું પઠન કરે કે ભાઈબહેનના સંબંધોમાં રાખડી બાંધી કે ગણપતિની પૂજા કરીને આરતી ગાય કે દહીંની મટકી ફોડે કે નવ દિવસ સુધી રાસગરબા ગાય અને દસમે દિવસે રાવણ બાળે કે ધાબે જઈને બધા સાથે મળીને દૂધપૌંઆ આરોગે ત્યારે જે લાગણીઓ પ્રગટે છે તે બોલીને કે લખીને અપાતી - મોકલાતી શુભેચ્છાઓ કરતાં અનેકગણી મૂલ્યવાન પુરવાર થાય છે.

હૅપી ન્યુ યર કે સાલ મુબારક કહ્યા પછી સામેની વ્યક્તિનું બાકીનું વરસ કેવું જાય છે એની ફિકર કરી છે ક્યારેય? શુભેચ્છાઓને સસ્તી બનાવી દીધી છે આપણે. શુભ લાગણીઓમાંનું હીર ચૂસી નાખ્યું છે. પછી રસ વિનાના શેરડીના સાંઠાના ડૂચા જેવી શુભેચ્છાના સંદેશાઓ ઢગલામોઢે વૉટ્સઍપ પર મોકલ્યા કરીએ છીએ. સુખનાં તોરણ ઝૂલે ને એવા બધા ચાંપલા, વાયડા, વેવલા શબ્દોના સાથિયાને દીવડાઓના, ક્રિસમસ ટ્રીઓના, સાન્ટા ક્લોઝના, લેમ્પોના અને લાઈટોના ફોગટિયા પિક્ચરો સાથે ફોરવર્ડ કર્યા કરીએ છીએ.

માંડ એક ટકો લોકો તહેવાર પ્રસંગે નિરાંત કાઢીને રૂબરૂ મળવાનું કે પછી ફોન પર ખરા દિલથી વાતો કરીને એકબીજાની સાથે હૂંફાળી લાગણીઓ વહેંચતા હોય છે. નવ્વાણું ટકા લોકો ઔપચારિકતાઓ આટોપવાના આશયે હેપી દશેરા, હેપી રક્ષાબંધન, હેપી હોલી, હેપી મકરસંક્રાન્તિ, હેપી ન્યુ યર, મેરી ક્રિસમસ વગેરેના સંદેશાઓ મોકલી મોકલીને સામા પક્ષે ત્રાસ ત્રાસ કરી નાખતા હોય છે.

હેપી દિવાળીના ગ્રીટિંગ્સ કાર્ડ પણ શરૂ થયા ક્રિસમસ વગેરેની દેખાદેખીથી. સાલ મુબારક કહેવાની પ્રથા સુધ્ધાં નહોતી. અંગ્રેજો હેપી ન્યુ યર કહેતા એટલે એમનું જોઈને પારસીઓએ આપસમાં સાલ મુબારક કહેવાનું શરૂ કર્યું અને પછી એમના હિન્દુ મિત્રો-ઓળખીતાઓને પણ કારતક સુદ એકમે તેઓ સાલ મુબારક કહેવા લાગ્યા. એમનું જોઈને આપણે પણ આપસમાં ‘સાલ મુબારક’ ‘સાલ મુબારક’ કરવા લાગ્યા. કેટલાકને વળી લાગ્યું કે આ તો ‘ઈદ મુબારક’ની જેમ પરધર્મવાળી છાંટ છે આમાં એટલે એનું શુદ્ધિકરણ કરીને ‘નૂતન વર્ષાભિનંદન’ કરી નાખ્યું એટલે આપણે માનવા માંડ્યા કે આ તો આપણી સંસ્કૃતિની પરંપરા થઈ! ના, એવું નથી. દીવા પ્રગટાવીએ, રંગોળીઓ પૂરીએ, નવાં કપડાં પહેરીને એકબીજાના ઘરે નાસ્તાઓ લઈ જઈએ. વડીલોને પગે લાગીને અને નાનાઓને કવરમાં આશીર્વાદ ભરીને આપીએ જેથી તેઓ ફટાકડા ખરીદીને ખુશ થાય, નોકરચાકરોમાં સન્માનપૂર્વક બક્ષિસો વહેંચીએ - આ બધી દિવાળીની ઉજવણીઓ છે. દરેક તહેવારની આ રીતની આગવી ઉજવણીઓ હોય. તહેવારો દરમ્યાન ઘરનાં સભ્યો, કુટુંબ-પરિવારના સભ્યો, સગાંમિત્રો વગેરેને મળીએ, એમની સાથે ક્વોલિટી ટાઈમ ગાળીએ, હસીખુશીની વાતો કરીએ, ભવિષ્ય માટેની સ્મૃતિઓ બનાવીએ તો પછી તહેવારો માટે કૃત્રિમ રીતે અપાતી શુભેચ્છાઓની આપલે કરવાનો વારો ના આવે.

એક જમાનામાં દિવાળીના ગાળામાં ટપાલીઓ નવરા પડતા નહીં. દરેક ઘરે ઢગલો શુભેચ્છાપત્રો પહોંચાડવાના આવતા. હવે ટપાલીઓને બેકાર બનાવીને માર્ક ઝકરબર્ગ એકલાએ આ કામ ઉપાડી લીધું છે. એના વૉટ્સઍપ પર જાતજાતના અપડેટ્સ આવતા રહે છે.

અને છેલ્લે:

બહુ જલદી એક એવું અપડેટ આવે તો સારું: તમારે આવા શુભેચ્છાના સંદેશાઓ બ્લોક કરવા છે?
હા કે ના?


રજુઆત:- ડો  કાર્તિક શાહ. (વિચારબીજ:સૌરભ શાહ,  થોડા પ્રસંગોચિત ફેરફાર સાથે) 

Thursday, December 28, 2017

ફાધર પણ આખરે એક માણસ છે

ફાધર પણ આખરે એક માણસ છે

શ્રી કૃષ્ણકાંત ઉનડકટના શબ્દો ને મારી રીતે રજૂ કરું છું. "પપ્પા" વિશે મારા થોડા વધુ લેખોની પાછળ કદાચ કોઈ અજ્ઞાત શક્તિ, ઈચ્છા કે અભિલાષા કારણભૂત હોઈ શકે એ બદલ ક્ષમાયાચના🙏
સંપાદન: ડો. કાર્તિક શાહ
નજર નજરથી મિલાવો તો હું કરું સાબિત, 
કે દિલની વાત મેં શબ્દો વિના કરી કે નહીં?
-મરીઝ

બાપુ, પિતા, ડેડી, પપ્પા, સંબોધન ગમે તે હોય સંબંધ એક છે. લોહીનો સંબંધ, જિન્સનો સંબંધ, પ્રકૃતિનો સંબંધ અને પીડાનો સંબંધ. દીકરો હોય કે દીકરી, દરેક સંતાન માટે એનો ફાધર ફર્સ્ટ હીરો હોય છે. જોકે આ હીરોઈઝમ કાયમ માટે એકસરખું લાગતું નથી. હીરો હોય છે એ જ ક્યારેક વિલન લાગવા માંડે છે. કોઈ માણસ ક્યારેય એકસરખો રહી શકતો નથી તો પછી ફાધર ક્યાંથી રહી શકે ?ફાધર પણ આખરે એક માણસ છે.

દરેક સંતાનને જિંદગીમાં કોઈ ને કોઈ તબક્કે એક વખત તો એવું લાગતું જ હોય છે કે મારા પપ્પા કંઈ સમજતા જ નથી. એની જગ્યાએ હોઉં તો મેં આવું કર્યું હોત,પણ આપણે એની જગ્યાએ હોતા નથી. આંગળી ઝાલીને જેણે ચાલતા શીખવ્યું હોય એ જ જ્યારે કોઈ વાતે આંગળી ચીંધે ત્યારે સહન થતું નથી. ફાધર્સ ડે ના દિવસે આમ તો પિતાની ડાહી ડાહી અને સારી સારી વાતો જ થતી હોય છે. મહાન ઉદાહરણો અપાતાં હોય છે. આમ છતાં એવા કિસ્સાઓ પણ હોય છે જે સારા નથી હોતા.
ઘણાં બાળકો એવાં હોય છે જેના મોઢે એવું સાંભળવા મળે છે કે આઈ હેટ માય ફાધર. મને મારા પપ્પા નથી ગમતા. કારણો ઘણાં હોય છે. મારે કરવું છે એ નથી કરવા દેતા, મારા પર રાડો જ પાડે છે, એ કહે એમ જ મારે કરવાનું એવો આગ્રહ રાખે છે, મારી સાથે શાંતિથી વાત નથી કરતા, સીધા ઓર્ડર જ કરે છે, મારી પસંદ નાપસંદની એને કોઈ પરવા જ નથી, એને ખબર જ નથી કે હું શું ભણું છું, મારા મિત્રો એને ગમતાં નથી, મારી મમ્મી સાથે ઝઘડા જ કરે છે, એની આદતો જ સારી નથી, કેટલાં બધાં કારણો હોય છે પિતાને હેટ કરવાનાં. બધાં ખોટાં જ હોય એ જરૂરી નથી, કેટલાંક સાચાં પણ હોય છે.
શોધવા બેસીએ તો પપ્પામાં સો વાંધા મળી આવે. દરેક પિતા સારો જ હોય એ જરૂરી નથી. પિતાની પણ અમુક મર્યાદાઓ હોય છે,અમુક આદતો હોય છે. અમુક દુરાગ્રહો હોય છે, અમુક પૂર્વગ્રહો હોય છે. રામ સારા હતા એનું કારણ દશરથ હતા? દુર્યોધન સારો ન હતો એનું કારણ ધૃતરાષ્ટ્ર હતા? આપણે જેવા છીએ એનું કારણ આપણાં ફાધર છે? પાર્વતીના પિતા શંકરને પસંદ કરતા ન હતા એટલે એ સારા ન હતા? કૃષ્ણનો ઉછેર નંદ અને યશોદાના બદલે દેવકી અને વસુદેવ સાથે થયો હોત તો એ જુદા હોત? જો અને તોમાં કોઈ સંબંધ જિવાતો હોતો નથી. જે હોય છે એ સંબંધ જીવવાના હોય છે. દરેક સંબંધની પોતાની પરિસ્થિતિ હોય છે અને દરેક વખતે એ ગમતી જ હોય એવું જરૂરી નથી. ગાંધીજી મહાન હતા પણ તેમના દીકરા હરિલાલને પિતામાં મહાનતા દેખાઈ ન હતી. હરિલાલ પિતાને નફરત જ કરતા હતા.
એક પુત્ર હતો. પિતા ઉપર એને નફરત હતી. બચપણથી જ હોસ્ટેલમાં મૂકી દીધો હતો. બધી જરૂરિયાતો પૂરી કરી દેતા. બંને વચ્ચે ક્યાંક કોઈક અભાવ રહેતો હતો. વેકેશનમાં ઘરે જાય ત્યારે પણ સંબંધોમાં સ્વાભાવિકતા વર્તાતી ન હતી. આમ ને આમ દીકરો મોટો થઈ ગયો. સારી નોકરી મળી. અલગ રહેવા લાગ્યો. બાપ દીકરાને બહુ ઓછું મળવાનું થતું. હા, સમાચાર પૂછી લેતા પણ લાગણી કે ચિંતાની ગેરહાજરી રહેતી. ફાધર્સ ડે આવતાં અને જતાં. ઉલટું દીકરા માટે તો આ દિવસ દુઃખ લઈને આવતો. બીજા વિશે જાણી અને વાંચીને થતું કે કાશ મારા પપ્પા પણ આવા હોત, જેનું હું ઉદાહરણ આપી શકતો હોત.
એક ફાધર્સ ડેની વાત છે. દીકરો અચાનક જ પિતાના ઘરે પહોંચી ગયો. માનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પિતા ઘરે એકલા હતા. ડોરબેલ સાંભળી પિતાએ દરવાજો ખોલ્યો તો સામે દીકરો ઊભો હતો. ઘરમાં દાખલ થયો કે પિતાએ પૂછયું, આજે તો તું ઘરે આવ્યો?મને આશ્ચર્ય થાય છે, પણ મને ગમ્યું. કેમ ઘરે આવવાનું મન થયું ? દીકરાએ કહ્યું કે, આજે ફાધર્સ ડે છે, પિતાને ખબર હતી પણ એ કંઈ ન બોલ્યા. થોડીક વાર છત સામે જોયું, આંખો ભીની ન થઈ જાય એની સાવચેતી રાખવા. પછી દીકરાની આંખ સામે જોયું. પિતાએ કહ્યું કે તો તું ફાધર્સ ડે નિમિત્તે મને ગિફ્ટ આપવા અને ડિનર પર લઈ જવા માટે આવ્યો છે. દીકરાએ કહ્યું કે ના, હું એવા કશા માટે નથી આવ્યો. હું તો તમને માફ કરવા આવ્યો છું, એ તમામ વાતો ભૂલવા આવ્યો છું, જેને હું તમારી ભૂલ સમજતો હતો. હું તમને સોરી કહેવા આવ્યો છું. કદાચ જેને હું તમારી ભૂલો સમજતો હતો એ સમજવામાં મારી ભૂલ હતી. સોરી ડેડ, હેપી ફાધર્સ ડે. દીકરાની આંખો ભીની હતી. પિતાએ ગળે વળગાડીને કહ્યું કે ઈટ ઈઝ ધ બેસ્ટ ગિફ્ટ ઓફ માય લાઇફ. કેટલા લોકો એના પિતાને માફ કરી શકે છે?
સુપ્રસિદ્ધ શાયર જાવેદ અખ્તરને તેના પિતા જાંનિસાર અખ્તર પ્રત્યે બહુ લાગણી ન હતી. તેનું કારણ એ હતું કે જાંનિસાર અખ્તરે જાવેદજીનાં માતાને છોડી બીજા નિકાહ કર્યા હતા. જાવેદજીને સતત એવું થતું હતું કે પિતાએ તેમને તરછોડી દીધાં. પિતા જાંનિસાર પાસે પોતાનાં કારણો હતાં. પિતા એ સમજાવી ન શક્યા અથવા તો જાવેદજી એ સમયે સમજી ન શક્યા. જાંનિસાર અખ્તરનો ઇન્તેકાલ થઈ ગયો.
સમય વીતતો ગયો. જાવેદજીના નિકાહ થઈ ગયા. ગમે તે થયું પણ પત્ની હની ઈરાની સાથે તેનું બરાબર ન જામ્યું. એવામાં એની જિંદગીમાં શબાના આઝમીનો પ્રવેશ થયો. બંનેએ નિકાહ કર્યા. જાવેદજીને એ પછી સમજાયું કે જિંદગીમાં આવું થઈ શકે છે. પિતા પ્રત્યેની નફરત સાચી ન હતી. જોકે પિતા ચાલ્યા ગયા હતા. જાવેદજીની વાતોમાં પિતા પ્રત્યેની નફરત ને અફસોસ ઘણી વખત તરવરી જાય છે. કેવું છે, આપણે ઘણી વખત સમજીએ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
કેટલા લોકો પિતાની માનસિક અવસ્થાના જાણકાર હોય છે? કેટલા બધા નિર્ણયો પિતાએ હસતાં મોઢે લીધા હોય છે અને આપણને અંદાઝ સુધ્ધાં આવવા નથી દેતા કે ખરેખર પરિસ્થિતિ શું હતી. નાના હોઈએ ત્યારે પૂરતી સમજણ નથી હોતી. જે દેખાતું હોય છે એને જ સાચું માની લેતા હોઈએ છીએ. વાસ્તવિકતા ઘણી વખત બહુ જુદી, વિચિત્ર, અટપટી, અઘરી અને ન સમજાય તેવી હોય છે. પિતાની ભૂલ હોય તો તેને પણ માફ કરવાનું જીગર હોવું જોઈએ.
ફાધરને પણ આપણે ઘણી વખત ટેકન ફોર ગ્રાંટેડ લઈ લેતા હોઈએ છીએ. સો વોટ, ઇટ્સ માય લાઈફ, ફાધરને જે સમજવું હોય એ સમજે, હું તો જે કરવું હશે એ કરીશ જ. આવી જીદમાં ફાધરના દિલને કેટલી વખત ઠેસ પહોંચાડતા હોઈએ છીએ? કેટલાં સંતાનો પોતાના ફાધરને સોરી કહેતાં હોય છે? કોઈ માણસ માટે એના ફાધર 'કાયમી' હોતા નથી. મોડું થઈ જાય એ પહેલાં ઠેસ પહોંચેલા એના દિલને આપણે ઋજુતા બક્ષીએ છીએ?
બાપ દીકરી અને દીકરા માટે જુદા હોય છે. દીકરી કાળજાનો કટકો છે અને દીકરો કુળદીપક કે વારસદાર છે. દીકરી વિશે એક પ્રિડિસાઈડેડ સત્ય એ હોય છે કે એ એક દિવસ લગ્ન કરીને ચાલી જવાની હોય છે. દીકરી ક્યારેક જવાની છે એવી માનસિક તૈયારી પણ હોય છે. દીકરી સાસરે જાય ત્યારે તો પિતા રડીને મન મનાવી લે છે પણ દીકરો ઘર છોડીને જાય ત્યારે બાપ નથી રહી શકતો કે નથી કહી શકતો. અંદર ને અંદર તૂટતો અને ઘૂંટાતો રહે છે.
એક મિત્રની વાત છે. બિઝનેસમેન મિત્રએ એના દીકરા માટે બિઝનેસ તૈયાર રાખ્યો હતો. દીકરો મોટો થઈ બધું સંભાળી લેશે. એક જ સપનું હતું કે દીકરા માટે બધું તૈયાર કરી રાખું. દીકરાને એમબીએ કરવા અમેરિકા મોકલ્યો. દીકરો ડાહ્યો હતો. દીકરામાં કોઈ ખરાબી ન હતી. અમેરિકા ગયા પછી એને થયું કે લાઇફ તો અહીં જ છે. ઇન્ડિયા કરતાં અહીં જ બિઝનેસ ન કરું? એ ઉપરાંત સાથે જ સ્ટડી કરતી યુવતી સાથે પ્રેમ થયો. ઇન્ડિયા આવીને પિતાને કહ્યું કે હું આ છોકરીને પ્રેમ કરું છું, તેની સાથે મેરેજ કરી અમેરિકા જ સેટલ થવા માંગું છું. મારાં સપનાં ઊંચાં છે. મારે તો ત્યાં જ રહીને બિઝનેસ કરવો છે. પિતાના મનમાં સવાલ ઊઠયો કે મારા સપનાનું શું? પણ એ બોલી ન શક્યા.
ઓ.કે. દીકરા, એઝ યુ વિશ. એટલું જ કહીને એ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. એક સાથે અનેક સપનાંના ચૂરેચૂરા થઈ ગયા હતા. આંખો ભીની થઈ ગઈ. દીકરાના સપનાથી મોટું શું હોઈ શકે? એવા ઈરાદે એણે પોતાના સપનાનું ગળું ઘોંટી દીધું અને કોઈને ખબર સુધ્ધાં ન પડવા દીધી કે તેના દિલ પર શું વીતે છે. જોકે હવે કંઈક નવું કરવાની વાત આવે છે ત્યારે તેના મનમાંથી એક જ સવાલ ફૂટી નીકળે છે કે, હવે આ બધું કોના માટે કરવાનું? કંઈ જ નથી કરવું.
આપણને ખબર હોય છે કે આપણે પિતાનાં કેટલાં સપનાંની કતલ કરી હોય છે? ના ખબર નથી હોતી,કારણ કે પિતા એની ખબર પડવા જ દેતા નથી. તમને તમારા પિતાની માનસિક અવસ્થા ખબર છે? એ જ્યાં છે ત્યાં કઈ અને કેવી સફર કરીને પહોંચ્યા છે એની દરકાર છે? પિતાએ કેટલી ભૂલો માફ કરી હોય છે? આપણે તેમની એકેય ભૂલોને માફ કરી શકીએ છીએ? દરેક પિતા મહાન હોતા નથી, કેટલાંક બહુ સામાન્ય કે મિડિયોકર હોય છે. એનાથી પણ ભૂલો થઈ ગઈ હોય છે. એની પ્રત્યેના અણગમા દૂર કરી ક્યારેક કહી જોજો કે લવ યુ ડેડી.
દરેકને પિતા પ્રત્યે લાગણી અને અહોભાવ હોય છે, પણ એવા લોકો પણ છે જેને પિતા પ્રત્યે નફરત છે અથવા નારાજગી છે, એ લોકોએ એટલું જ સમજવાનું અને સ્વીકારવાનું છે કે ફાધર પણ એક માણસ છે. બધા જ અણગમા, નારાજગી છોડી ક્યારેક પિતાને એક માણસ તરીકે મૂલવજો, ઘણા અણગમા દૂર થઈ જશે. ડેડને સમજવા માટે ખરા દીકરા કે દીકરી બનવું પડે, ડેડ ઘણી વખત સમજાય ત્યારે એ હોતા નથી, પછી માત્ર અફસોસ જ રહે છે, એ પહેલાં જ કહી દો કે પ્રાઉડ ઓફ યુ ડેડી.
અને છેલ્લે :

પિતા કોઈને પોતાની પસંદગીથી મળતા નથી પણ જે છે તેને તમે શ્રેષ્ઠતાપૂર્વક પસંદ કરો તે જ સાચો સંબંધ છે. -અજ્ઞાત       

Saturday, December 23, 2017

પ્રામાણિકતા


હિંમતનગરના બપોરના ચાર વાગ્યા હતા. હું મારી ઓપીડીનાં કામમાં વ્યસ્ત હતો. દરરોજ અનેક દર્દીઓને જોવા પડતા હોવાના કારણે અમે અત્યંત વ્યસ્તતા અનુભવતા હોઈએ છીએ. દરરોજ મશીનની માફક અમારું કામ ચાલતું હોય. અબાળ-વૃદ્ધ દર્દીઓને તપાસવા, એમના રિપોટ્ર્સને જોવા, દવા લખી આપવી, ખોરાકથી માંડીને દવા વિશે સમજાવવું, ઓપરેશન પહેલાની તૈયારીઓ, ઓપરેશન વિશે સમજ આપવી, ઓપરેશન કરવા, ઓપરેશન પછીની સારસંભાળ, અન્ય એડમિનિસ્ટ્રેશન લગતાં કામો, મેડિકલેઇમ અને કેશલેસ કેસોનું કો-ઓરડીનેશન એમ ઢગલાબંધ કામ ક્રમબદ્ધ ચાલતા હોય.
સાહેબ, એક બાળક ખૂબ સિરિયસ લાગે છે, મોકલું?’ એ યંત્રવત કામોની ભરમાર વચ્ચે મારા માણસે મને કહ્યું.

‘શું થયું છે?’ મેં પૂછ્યું.

‘નાનું બાળક છે અને પેટમાં ખૂબ દર્દની બુમ પાડે છે.’ એણે જવાબ આપ્યો. મેં એને મોકલવા માટે માથું હલાવીને સંમતિ આપી.
થોડીવારમાં જ એક માજી અને એક દીકરાને લઈને મારી ચેમ્બરમાં દાખલ થયાં. બંનેનાં કપડાં પરથી એમનાની સ્થિતિનો તરત જ અંદાજ આવી જતો હતો. અનેક થીંગડાંવાળાં કપડાં બતાવી જ આપતાં હતાં કે એમની પરિસ્થિતિ કેવી હશે. બાળકને પણ એવાં જ ગાભામાં વીંટાળ્યું હતું. મેં એમને મારી બાજુમાં બેસવાનો ઈશારો કર્યો. માજી એ દીકરાને લઈને મારી બાજુમાં બેસી ગયાં.

ક્યા ગામથી આવો છો?’ મેં પૂછ્યું.
ધડકણની બાજુના ગામડેથી’ માજીએ જવાબ આપ્યો.
બાળક કેટલા દિવસથી બીમાર છે?
ત્રણ દિવસથી. ત્રણ દિ’પહેલાં એને ઉલટી શરૂ થઈ હતી અને ગઈકાલથી ઊભો શ્વાસ થઈ ગયો છે અને પેટમાં ખૂબ દુખે છે, ઝાડો પણ ત્રણ દિ'થી નથી ગ્યો!’ માજીએ કહ્યું.

મેં બાળકને ઓઢાડેલું કપડું હટાવ્યું. સાવ હાડપિંજર જેવું એ બાળક ધમણની માફક હાફતું હતું. કુપોષણ અને ઘણાં બધાં વિટામિનની ખામીથી એ કૃશ શરીર કાળું મેશ જેવું બની ગયું હતું. આંખો અર્ધી ખુલ્લી હતી. એનું શરીર પણ ખાસ્સું તપતું હતું. હાથપગના નખ ફિક્કા થઈ ગયા હતા. આ બધી બાબતો એને શરીરમાં સારું એવું ઇન્ફેક્શન વ્યાપી ગયો હોવાની ચાડી ખાતી હતી.

માજી ! આને દાખલ કરવો પડશે. કદાચ એને ઓપરેશન કરવાની અને ત્યાર બાદ અથવા એ અગાઉ પણ શ્વાસના મશીનની જરૂર પણ પડે (વેન્ટીલેટરની). એ સગવડ મારી પાસે નથી. તમે એક કામ કરો. અમદાવાદના સરકારી દવાખાને આને દાખલ કરી દ્યો. ત્યાં હવે આવી બધી સુવિધાઓ હોવાથી આ બાળકના બચી જવાની શક્યતા વધારે રહેશે.’ મેં કહ્યું.  
‘પણ બાપા ! અમે બે જ જણ આવ્યાં છીએ. અમને તો એમ હતું કે દવા લઈને પાછાં જતાં રહીશું !’ માજી બોલ્યાં.
નહીં માડી ! પાછાં જવાય એવું નથી. બાળક ખૂબ સિરિયસ છે. ઘરે દવા થઈ શકે એવું નથી લાગતું. તમારે એને દાખલ તો કરવું જ પડશે.’ મેં ભાર દઈને કહ્યું
પણ… ! પણ…’ માજી બે વખત ‘પણ’ બોલીને અટકી ગયાં. એને શું કહેવું હતું એનો અંદાજ લગાવતા હું બોલ્યો, ‘માડી ! તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. એ સરકારી દવાખાનું છે. ગરીબ માણસોને સાવ મફતમાં સારામાં સારી સારવાર ત્યાં મળે છે, એટલે તમે ખર્ચની ચિંતા નહીં કરતા.’

પણ અમે સાસુ-વહુ ત્રણસો રૂપિયા લઈને નીકળ્યાં છીએ ! એમાંથી ચોથા ભાગના ટિકિટમાં વયા ગ્યા. હવે અમારી પાસે માંડ બસોએક રૂપિયા વધ્યાં છે. અમારે દવા કે એવું કાંઈક લાવવું પડશે તો?’ માડીએ વાત કઈ જ નાખી.
મને એમના ખચકાટનું કારણ શું હોઈ શકે એનો લગભગ અંદાજ તો હતો જ. મેં એમને પાંચસો રૂપિયા આપ્યા અને કહ્યું, ‘માડી ! અત્યારે તમે આ લઈને જાવ અને દાખલ થઈ જાવ. એક વાર દીકરાની સારવાર શરૂ થઈ જાય પછી બીજું બધું જોયું જાશે.’
પરંતુ મારી નવાઈ વચ્ચે માજીએ એ લેવાની સાફ ના પાડી.
કેમ માડી?’ મેં કહ્યું. ‘અત્યારે આ લઈને તમે જલદી જાવ અને આને દાખલ કરી દ્યો.’
પણ મારો હાથ પાછો ઠેલતાં માજી બોલ્યાં, ‘ના સાહેબ ! અમે હમણાં બસટેંડે જઈને કો’ક ઓળખીતા ભેગું કે’વડાવશું એટલે ઘરે સમાચાર મશી જાશે. પછી આ ચોકરાનો બાપ ગમે ઈમ કરીને પૈસાનું કરશે. પણ તમારા થોડા લેવાના હોય?’

માડી !’ મેં કહ્યું, ‘અત્યારે એવો બધો સંકોચ છોડો અને મારી વાત ધ્યાનથી સાંભળો. તમારે જતાવેંત મોંઘા ઈન્જેકશન લાવવાના થયા તો? તમે કહેવડાવો અને છોકરાનો બાપ વ્યવસ્થા કરીને અમદાવાદ આવે એટલી વારમાં તો મોડું ન થઈ જાય? એના કરતા આ પૈસા લેતા જાવ અને જલદી એને મોટા દવાખાનામાં દાખલ કરી દ્યો. અને હા ! જો ત્યાં દાખલ થયા પછી પણ કોઈ દવા કે ઈન્જેકશન લાવવા માટે પૈસાની જરૂર પડે તો મારી પાસેથી લઈ જજો. પણ હવે જલદી જાવ !’ મેં એમને સમજાવવાની કોશિશ કરી.
મારા આપેલા પૈસા લેવાની એમની જરા પણ ઈચ્છા નહોતી. પરંતુ મારી સમજાવટની અસર હોય કે પછી બાળકની ગંભીર સ્થિતિ એ ગમે તે હોય પણ માજીએ વધારે રકઝક કરવાનું માંડી વાળ્યું અને બાળકને લઈને સાસુ-વહુ સરકારી દવાખાને જવા રવાના થયાં.
એ વાતને ત્રણ દિવસ વીતી ગયા. ચોથા દિવસે બપોરે હું ઓપીડીના બાકી રહેલા છેલ્લા દર્દીને તપાસી રહ્યો હતો. મેં મારા માણસને પૂછ્યું કે, ‘બહાર કોઈ છે હવે?’
‘હા સાહેબ ! ત્રણ દિવસ પહેલા જે સિરિયસ છોકરાને મોટા દવાખાને મોકલ્યો હતો એના દાદીમા બહાર બેઠાં છે. મોકલું?’
મેં હા પાડી. રોજની દોડધામમાં અમે એ વાત ભૂલી પણ ગયા હતા. પછી હું વિચારમાં પડી ગયો. મને થયું કે, ‘કદાચ પેલા છોકરા માટે વધારે મદદની જરૂર પડી હશે. નહીંતર મોટાભાગે તો બીજા દવાખાને મોકલેલા દર્દીના સગા ભાગ્યે જ મળવા આવતા હોય છે.’ હું આગળ કાંઈ વિચારું એ પહેલા જ પેલા માજી અંદર આવ્યા.
મેં માજીને બેસાડ્યાં. પછી પૂછ્યું, ‘બોલો માડી ! કેમ આવવું થયું?’
આ પેલા પાંચસો રૂપિયા પાછા આપવા આવી છું, સાહેબ !’ માજી બોલ્યાં.
પાછા આપવા? કેમ?’ મને નવાઈ લાગી.
હા સાહેબ ! પાછા આપવા આવી છું.’ માજીએ કહ્યું
પણ કેમ માડી?

સાહેબ અમે મોટા દવાખાને ગયા પછી બે કલાકમાં જ દીકરો તો ગુજરી ગ્યો. ત્યાંના દાકતરે એકેય દવા બજારમાંથી નહોતી માંગવી. દીકરો તો ઈ પહેલા જ પાછો થયો હતો. તે દિ’તો અમે મૈયત લઈને ઘરે વયાગ્યા’તા. આજ જિયારત પત્યા પછી હું આ પૈસા દેવા આવી છું.’

પણ માડી, એ રાખવા હતા ને? ઘરમાં કામ આવત. એટલાક રૂપિયા માટે આટલો લાંબો ધક્કો થોડો ખવાય?’ મેં કહ્યું.
ના સાહેબ ! એ તો હરામના કે’વાય તમે તો દીકરાની દવા માટે આપ્યા’તા. દીકરો તો પાછો થયો. એના માટે ફદિયું પણ વપરાયું નહોતું. હવે ઈ પૈસા અમારે નો જ રખાય. તમે ઈ પાછા લઈ લ્યો.’ માડીએ મારા ટેબલ પર પૈસા મૂક્યા.
હું નિઃશબ્દ બની ગયો. આજકાલ દરેક બાબતમાં કળિયુગ આવી ગયો છે એવું બોલાય છે. ઘણી વખત અનુભવાય છે. પણ એ ક્ષણે હું જે જોઈ રહ્યો હતો એ થોડીક મિનિટો ચોક્કસપણે કહી શકાય કે કળિયુગની તો નહોતી જ ! ધરતી માનવીઓનો ભાર કદાચ એમ જ ઝીલી નહીં લેતી હોય. આવા લોકોના કારણે જ એ શક્ય બનતું હશે. ગામડામાં વસતો સાવ છેવાડાનો માણસ વ્યવહારમાં હજુ આવો અણીશુદ્ધ રહી શક્યો છે ત્યાં સુધી આ દેશની ચડતી જ હોય એવો વિશ્વાસ મને આવી ગયો. મારા દેશના આવા કહેવાતા ‘નાના’ પરંતુ હકીકતમાં ‘વિરાટ’ માણસો માટે મારી છાતી એકાદ ગજ ફૂલી ગઈ. આપણા સમાજની ઈમારતનો ઉપરનો માળ ઘણો સડી ગયેલો લાગે છે, પણ એનો પાયો હજુ મજબૂત છે એવી નક્કર હૈયાધારણ મળી ગઈ.
માડી !’ મેં માજીના હાથમાં પાંચસો રૂપિયા પાછા મૂકતા કહ્યું, ‘આ પૈસા તમારે રાખવાના છે. તમારી ઈમાનદારીના છે. નહીંતર આજના જમાનામાં આમ કોઈ ગાંઠના પૈસા ખર્ચીને પાછા આપવા આવે ખરું? તમે વાપર્યા કે નહીં એ હું ક્યાં જાણું છું કે ક્યાં પૂછવાનો હતો?’
પણ ઉપરવાળો તો પૂછશે ને?’ માજી બોલ્યાં.
માડીનો જવાબ સાંભળીને હું ફરી એકવાર નિઃશબ્દ બની ગયો. મને થયું કે નીતિ-અનીતિની સાવ સ્પષ્ટ સમજણ જે આ અભણ માણસોમાં છે એ આ ભ્રષ્ટાચાર આચરતા ભણેલાગણેલા લોકોમાં નહીં હોય? કદાચ હશે તો પણ એ લોકો પોતાના અંદરના અવાજને દબાવી દેતા હશે
મેં માંડ માંડ એ માજીને સમજાવ્યા. એ નહોતાં જ માનતાં. જ્યારે મેં કહ્યું કે ‘માડી ! એ પૈસા પેલો ગુજરી ગયો એ દીકરાના નામના છે, હું એ પાછા ન લઈ શકું. એટલે એની યાદમાં ક્યાંક વાપરજો.’ ત્યારે છેક એમણે એ સ્વીકાર્યા.

અને છેલ્લે:
મારી સામે જોઈ, આંસુભરી આંખે અને હળવે પગલે મારી ચેમ્બરમાંથી એ માજી બહાર ગયાં. તે વખતે એમની વળેલી કમર જોઈને મને થતું હતું કે ખરેખર, આ આખી ધરતીને ટકાવી રાખવાના ભારથી માણસની કમર આટલી તો વળી જ જાય ! એ કાંઈ નાનો સૂનો ભાર થોડો છે?

રજુઆત: ડો કાર્તિક શાહ (વિચારબીજ: ડો. આઈ કે વીજળીવાળા)

બાળકો સાથે શી રીતે વાત કરશું ?

આપણને ખબર પડે કે ઘરકામની નોટબુક દીકરો ફરી એકવાર સ્કૂલમાં ભૂલી આવ્યો છે ત્યારે સમજુ ગણાતા હોવા છતાં આપણે ઊકળી ઊઠશું, અને બોલી ઊઠશું, ‘આવો જડ ક્યાંથી પાક્યો ?’ વેકૅશનમાં તમારે ત્યાં ભેળાં થયેલાં ભૂલકાં આપસમાં ઝઘડતાં હશે ત્યારે તમે અતિ ધીરજવાન હશો છતાં ગળું ફાડીને બોલી ઊઠશો, ‘ક્યાંથી આ બધાં મારે નસીબે આવી ભરાયાં ?’
બાળ ઉછેર સૌની ધીરજને કસે એવું કાર્ય છે. બાળકનું સ્વમાન ઘવાય તેવા શબ્દો બોલતાં પહેલાં પૂરતો વિચાર કરીને બોલવું અતિ આવશ્યક છે. બાળકને સદવર્તન શીખવવું હશે તો સૌ પ્રથમ માતાપિતાએ જાત પર નિયંત્રણ રાખવું પડશે. પ્રાપ્ત પરિસ્થિતિને સંભાળી લેવાની માનસિક તેમજ ભાવનાત્મક સહજતા બધી પરિપક્વ વ્યક્તિઓમાં સ્વાભાવિક હોય છે. બાળકોથી અકળાયેલાં માતાપિતા વખતોવખત બોલી ઊઠે છે એવાં અતિશય કડવાં લાગતાં કેટલાંક વિધાનો અહીં આપ્યાં છે.
[1] તું કેમ ફલાણાની માફક કામ નથી કરતો ?
બિરાજની નાની બહેન મીરા સ્કૂલનું ઘરકામ નિયમિતપણે કરે છે. સવારે ઊઠતાં વેંત જ મોં સાફ કરી લેવાની તે કાળજી રાખે છે. બિરાજને બધું વારંવાર યાદ કરાવી આપવું પડે છે. શા માટે મીરા જેમ તે પણ બધું કામ નિયમિત અને કાળજીપૂર્વક નથી કરતો ? – સરખામણી કરવાથી વ્યક્તિમાં સંઘર્ષ પેદા થાય છે એ જાણીતી હકીકત છે. બાળકની સરખામણી બીજા બાળક સાથે કરી તેને ઉતારી પાડશું તો બાળકને પોતાનાં ભાઈ-બહેન પ્રત્યે અણગમો પેદા થશે. બાળકની તુલના અન્ય બાળક સાથે કરવાને બદલે તેની પાસેથી તમે શી અપેક્ષા રાખો છો તે સ્પષ્ટપણે કહો. તેની અભ્યાસની જગ્યા વધુ વ્યવસ્થિત રાખવી છે ? ભોજન વખતે યોગ્ય રીતભાત જાળવે એમ ઈચ્છો છો ? તમે જે ફેરફાર કરાવવા ઈચ્છતા હો તેના પર જ ભાર મૂકો. બાળકને કહો, ‘જમતી વખતે બધાં ભોજન પૂરું ન કરે ત્યાં સુધી તારે બેસી રહેવાનું.’ સારી ટેવો ફાયદો કરે છે તે વાત બાળકને સમજાવો. ઉદાહરણાર્થ સમયસર ગૃહકાર્ય કર્યું હશે તો તેને વધુ ગુણ મળશે. એક વખત બાળકને સમજાય કે તેની અમુક ટેવમાં ફેરફાર થાય એમ તમે ઈચ્છો છો, પછી ભલે ને બાળક નાનું હોય યા મોટું, તેની ટેવો સુધારવામાં તમને સફળતા સાંપડશે.
[2] આવડી ઢાંઢી થઈ હવે તો સમજ !
સાત વર્ષની તમારી દીકરી ચાર વર્ષના બાળક જેવું વર્તન એક ભભકાદાર રેસ્ટોરાંમાં કરે છે. તમે મૂંઝાઈ જાઓ છો. તરત જ તેને કહેશો, ‘તું હવે નાની નથી. સરખી રીતે ખા !’ દીકરીને અપમાન જેવું લાગશે. ઈડલીના સંભારમાં લગરીક મીઠું નાખતી હતી તે હવે પુષ્કળ નાખશે. દીકરીને છંછેડવાને બદલે તે તમારી ઈચ્છા મુજબ વર્તે તેવું કશુંક કહો તો ? આટલું જ કહો, ‘આજે રાત્રે ટીવી પર અમુક સીરિયલ તારે જોવી હશે તે તું જોઈ ન શકે એમ મારે નથી કરવું પણ અત્યારે જો સરખું વર્તન નહીં કરે તો તને સીરિયલ જોવા નહીં મળે.’
[3] તારે આમ ગોબરા જ દેખાવું છે ?
બાળકનાં કપડાં કે તેની વાળ ઓળવાની રીતની ટીકા કરી તમે તેને સ્વાધિકાર જમાવવાની ઈચ્છા તરફ ધકેલી રહ્યા છો. માતાપિતાએ વિચારતાં થવું જોઈએ કે, ‘બાળક શા માટે મારી ઈચ્છા પ્રમાણે વર્તે ?’ બાળક દોસ્તો સાથે જ્યારે ફરવા જાય ત્યારે તેની મરજી પ્રમાણે કપડાં પહેરવા દો. હા, લગ્નપ્રસંગે બાળક તમારી સાથે આવે ત્યારે તેની મરજી ન ચાલે. પ્રસંગ-પ્રસંગનો પહેરવેશ અલગ હોય છે તે સત્ય બાળકે જાણવું જોઈએ. માબાપને મર્યાદારેખા નક્કી કરવાનો અધિકાર છે જ.
[4] તું રમૂજ કરાવે છે ! તું તાકાત ધરાવે છે ! તું ખૂબ જ સુંદર લાગે છે !
આવું અવાસ્તવિક વર્ણન બાળકમાં ટૂંકી દષ્ટિ પેદા કરે છે. પોતાની જાતને સાચી રીતે ઓળખવામાં બાધા ઊભી કરે છે. દાખલા તરીકે ‘હોશિયાર’નું લેબલ લગાડીએ ત્યારે પોતાને ક્યારેય નિષ્ફળ જવાનું નથી એવા વૈચારિક દબાણ હેઠળ બાળક જીવશે. ગણિતશાસ્ત્રીનું લેબલ લગાડશો અને પછી જુઓ કે તેને લલિતકળામાં રુચિ હશે તે દબાઈ જશે. સંતાનની આવડત વિષે તમે જાણતા હો ત્યારે તે અનન્ય છે એવી છાપ મારવાને બદલે તેની આવડતને પ્રેરણા મળે તેમ કરો. ઉદાહરણાર્થ ‘તું તો હોશિયાર છો આમ કરવું તને બહુ સહેલું લાગશે.’ એમ કહેવાને બદલે ‘તું ચાલાક છો. મને ખાતરી છે કે આ તું કરીશ.’ એમ કહેશો તો બાળકને થોડું ઓછું કરડું લાગશે.
નકારાત્મક કથન બાળક માટે ભાવિ આદેશની ગરજ સારે છે. બાળક આળસુ છે એમ તેને કહેશો તો કદાચ તે વધુ આળસુ બનશે કારણ કે વ્યક્તિગત આક્ષેપ દ્વારા તમે તેને જાણ કરશો કે આ અવગુણ તેના જીવનનું અંગ છે. બાળકની ખામી બતાવવાનું મન થાય ત્યારે આવા આક્ષેપો કરી માતા-પિતા બાળક પાસેથી શી અપેક્ષા રાખે છે તે વિષે ચોક્કસપણે વિચારી લેવું જોઈએ. બાળક બધી રીતે આળસુ છે ? બને કે બાળક યાદી આપ્યા પછી જ બધું કામ કરતું હોય. તેવી પળોમાં માતાપિતાએ પારિતોષિક કે સામાન્ય સજા દ્વારા બાળક પાસેથી કામ કઢાવવું જોઈએ. ‘તારું વાચન-ટેબલ સાફ કરવાનું ભૂલી જઈશ તો તારા જન્મદિવસની ભેટમાંથી પાંચ રૂપિયા કપાઈ જશે !’
[5] તું આવી મંદ કેમ છે ?
આપણો મુખ્ય ઉદ્દેશ બાળકને આત્મવિશ્વાસ ધરાવતું બનાવવાનો છે. જો એમ કહીશું કે, ‘આવું બુદ્ધુ જેવું તેં કેમ કર્યું ?’ તો બાળકને માઠું લાગશે. એમ કરવાને બદલે બાળકને સ્પષ્ટપણે મદદ કરો. તેમ કરશું તેથી બાળકના વર્તનમાં સુધારો થશે. કામ કઈ રીતે પાર પાડવું તે બાળકને દર્શાવવું હોય તો ઉતાવળ ન કરો. રસ્તે ચાલતાં બાળક વાહનોની કાળજી રાખ્યા વિના દોડીને રસ્તો ઓળંગતું હોય તો કહો, ‘રસ્તો ઓળંગતી વખતે મારો હાથ પકડી રાખજે.’ બાળક હાથ પકડીને ચાલે એટલે કહો : ‘મારો હાથ પકડ્યો તે ઘણું સારું કર્યું. આપણે સલામતીથી રસ્તો ઓળંગી જશું.’
[6] ક્યારેક તો થાય છે કે ‘છોકરાં જ ન હોત તો !’
જ્યારે માબાપ આવા ઉદ્દગારો કાઢે છે ત્યારે બાળકને અલગ ધ્વનિ સંભળાય છે, ‘તું નમાલો છે. મને તું નથી જોઈતો.’ બાળકનું મન આ ઉદ્દગાર સંગ્રહી રાખે છે. ઉંમરલાયક થાય ત્યારે પણ તેનું મન આ લાગણી ભૂલતું નથી. ‘તું મારે પેટે જન્મ્યો ન હોત તો સારું હતું.’ એમ કહેવાની જરૂર ઊભી થાય ત્યારે એટલું જ કહો, ‘ક્યારેક તું મને બહુ કવડાવે છે.’ સારું તો એમ છે કે એટલી હદે તમે અકળાઓ તે પહેલાં જ બાળકે શું, શી રીતે કરવું તે તેને સ્પષ્ટપણે સંભળાવી દો. પોતાના વર્તન વિષે માતાપિતા સ્પષ્ટ વાત કરશે એની બાળકને ખાતરી હશે તો તે યોગ્ય વર્તન કરશે જ.
[7] અહીંથી ચાલતી થા, મને એકલી પડી રહેવા દે !
સૌને થોડા એકાંતની જરૂર હોય છે. પણ જો બાળકને ચીડાઈને ચાલ્યા જવાનું કહેશું તો તેને લાગશે કે તે અળખામણું છે. જે કંઈ કામ તમે કરો તેમાં બાળકને સામેલ કરવાની કોશિશ કરો. ત્રણ વર્ષનું બાળક પણ માતાને રસોઈમાં મદદ કરવા આતુર હોય છે. ક્યારેક એકલા રહેવું તમને અત્યાવશ્યક થઈ પડ્યું હોય ત્યારે ‘તું મને બહુ જ વહાલો છે. પણ અત્યારે હું ખૂબ કામમાં છું.’ એમ કહેવું વાજબી લાગશે. બાળકને સ્પષ્ટ શબ્દોમાં કહો કે અમુક વખત પછી તે તમારી પાસે છો આવે. તેમ છતાં, બાળક તમારી પાસે જ રહેવાની હઠ કરે તો પ્રેમથી શિસ્તની વાત સમજાવીને દૂર મોકલી શકાય.
[8] ચૂપ રહે !
આ શબ્દો સાંભળી બાળકને થાય છે કે તેના અભિપ્રાયનું તમારે મન કશું મૂલ્ય નથી. ધીરે ધીરે તેને લાગવા માંડશે કે કશું ઉપયોગી કહી શકવાની તેનામાં આવડત નથી. આવું કહેવાને બદલે કહી શકાય, ‘શાંત થા. હળવે મને વિચાર, શાંતિ રાખ.’ આમ કહેવાથી બાળક ન સમજે તો શાંતિપૂર્વક પણ મક્કમપણે તેને શિસ્ત જાળવતાં શીખો. ટીવી બંધ કરી દો. તેને રૂમમાંથી ચાલ્યા જવા કહો. બાળક અનુકરણથી શીખે છે એ યાદ રાખો. બાળક વિનયી બને એમ ઈચ્છતા હો તો તમારે તેના પ્રત્યે વિનયી બનવું જોઈએ. કોઈ અધિકારીને તમે ‘ચૂપ રહો’ એમ ક્યારેય નહીં કહો. એ પ્રમાણે બાળકને પણ ચૂપ રહેવા ન કહેવું જોઈએ.
[9] કરી નાખ, નહીંતર…..
આવી મિથ્યા ધમકી તમારા પ્રભાવને કમ કરે છે. કંઈક આમ કહો કે ‘ફરીથી આમ કરીશ તો તને બહાર રમવા નહીં જવા દઉં.’ આ આદેશનો અમલ કરશો એટલે બાળકને લાગશે કે તમે જેમ બોલ્યા છો તેમ કરશો. બાળકને શિસ્તબદ્ધ બનાવવાનો દઢ નિશ્ચય કરી મા-બાપ એક વખતે તે પ્રમાણે વર્તન કરશે એટલે માતાપિતાના આદેશનું પાલન કરવું પડશે એમ બાળક સમજી જશે.
[10] મારી સાથે તું નહીં આવે તો તને મૂકીને ચાલી જઈશ.
એકલો છોડી જવાનો ડર બાળકને ક્યારેય દર્શાવો નહીં. સમગ્ર સમાજરૂપી સાગર પાર કરવા બાળકને મન માતાપિતા અતિશય સલામત આશ્રય સમાન છે. એ આશ્રય વિના તેનું આચરણ પરાવલંબી અને પરાધીન બનશે. શેરીની રમતમાં મશગૂલ બાળકને માબાપે કહેવું જોઈએ, ‘તું જો અત્યારે મારી જોડે નહીં આવે તો મારે તને ઊંચકીને લઈ જવો પડશે.’ જરૂર પડે તો ઊંચકીને લઈ જાઓ પરંતુ તેને નિરાધાર ન મૂકો. બાળકને આનાકાની કરવાની આદત હોય તો તમે તેની પાસેથી શી અપેક્ષા રાખો છો તે અગાઉથી જણાવી દો. દાખલા તરીકે, ‘રમવા માટે તને હવે પાંચ મિનિટ વધુ આપું છું. પાંચ મિનિટ પૂરી થયે તારે મારી સાથે આવવાનું છે.’ આમ કહેશો તો તમારી ઈચ્છા મુજબ પરિણામ આવશે. બાળકને ડારો દેવાની જરૂર નહીં રહે.
બાળકને માઠું લાગે તેવું ક્યારેક કહેવાઈ ગયું હોય તો તેને સારું લગાડવાના અનેક રસ્તા છે. સદભાગ્યે બાળકનું મન મોટું હોય છે. બાળકને ગોદમાં લઈને કહો, ‘મેં ખોટું કહ્યું, નહીં ? ગુસ્સામાં ક્યારેક મારાથી ન બોલવાનું બોલાઈ જાય છે. ભૂલી જા.’ બાળકને આથી નિરાંત થશે. ક્યારેક ગુસ્સામાં કશુંક આડુંઅવળું બોલાઈ ગયું હોય ત્યારે શું કરવું તે પણ તે શીખશે. એક અગત્યનો સિદ્ધાંત મનમાં અગ્રસ્થાને રાખો, ‘બાળકને હમેશાં વહાલ ગમે છે.
(એક અંગ્રેજી લેખ પર આધારિત.)

સમયનું મહત્વ

પૈસા-દોલત એ કીમતી ધન નથી પણ સમય સૌથી કીમતી ધન છે એ વસ્તુ તમે હંમેશાં યાદ રાખો. સમયસર કરેલાં કામ જ ઊગી નીકળે છે. સમય વીતી ગયા પછી કામનું ફળ મળતું નથી. કેટલાંક કાર્યો એવાં હોય છે કે જે નિશ્ચિત સમયે ન કરવામાં આવે તો તેનું પરિણામ સારું આવતું નથી.
યુરોપનો વિજેતા નેપોલિયન સમયની કિંમત સુપેરે સમજતો હતો અને તે યુદ્ધ જીતવામાં અનુકૂળ સમયને ધ્યાનમાં રાખી સંગ્રામ ખેલતો અને તેને વિજય જ હાંસલ થતો. અંતિમ યુદ્ધ વેળા તે યોગ્ય સમય ચૂકી ગયો અને વોટરલૂના મેદાનમાં તેણે અને સેનાપતિ ગ્રાઉચીએ થોડી મિનિટનું મોડું કર્યું અને પરિણામે બાજી પલટાઈ ગઈ. વિજેતા બનવાને બદલે તે પરાજિત બની ગયો.
કેટલીક વખત તક સામે આવીને ઊભી હોય છે પરંતુ એ વખતે લાંબો વિચાર કરવા રહો, અન્યની સલાહ લેવા જવાનું તમે વિચારો, કોઈ હા પાડે અને કોઈ ના પાડે ત્યારે દ્વિધા અનુભવો અને કોઈ એક ચોક્કસ નિર્ણય પર ન આવી શકો તો હાથમાં આવેલી એ તક સરી પડે છે અને કેટલીક વાર તો જીવનમાં એવી તક ફરી સાંપડતી નથી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જશો નહિ. વિશ્વના મહાન પુરુષો સમયની કિંમત સારી પેઠે જાણતા હતા અને તેમને મળતી પ્રત્યેક ક્ષણોનો તેમણે સદઉપયોગ કર્યો છે. પૂજ્ય ગાંધીજીનું જ દષ્ટાંત લઈએ તો તેઓ સમયનું મહત્વ સારી પેઠે સમજતા હતા. થોડાં જ વર્ષોમાં તેમણે ભારતની જે કાયાપલટ કરી તેનું એક કારણ એ પણ હતું કે તેઓ એક પણ ક્ષણ નકામી જવા દેતા નહોતા.
નોંધી રાખો કે જે સમયસર કરવામાં આવે છે તે ઉત્સાહ તથા ઉલ્લાસની સાથે પૂરું થાય છે. દિવસો સુધી કામ મુલતવી રાખવાથી તે એક ભારરૂપ બની જાય છે. અને તે ઉકેલવામાં શક્તિ તેમજ સમય ખર્ચાય છે. જે લોકો તેમને સોંપેલા કાર્ય અંગે એમ કહે કે ‘થોડા સમય પછી હું તે જરૂર કરીશ.’ તો માની લેવું કે તે કામ તેઓ ક્યારેય સમયસર કરશે જ નહિ. યોગ્ય સમયે જો બી વાવવામાં આવે તો જ તેનું સંતોષકારક પરિણામ આવે છે, તેવી રીતે યોગ્ય સમયે કરેલું કામ સારી રીતે ફળે છે.
યુરોપ વગેરે સ્થળે જે જે મહાન સમ્રાટો થયા તે બધા વહેલા ઊઠીને કાર્ય કરતા હતા. રશિયાનો પીટર ધી ગ્રેટ હમેશાં અંધારામાં જ પથારીનો ત્યાગ કરતો હતો. એ કહેતો હતો કે જે રીતે બની શકે તે રીતે મારી જિંદગી હું લંબાવવાનું ઈચ્છું છું. એ માટે હું ઊંઘવાનો સમય ઓછો કરું છું. નેપોલિયન તેનાં યુદ્ધોની યોજના પ્રાત:કાળે જ ઘડતો હતો. જર્મનીનો પ્રસિદ્ધ સમ્રાટ આલ્ફ્રેડ ધી ગ્રેટ પણ વહેલો ઊઠી જતો હતો. આ બધા મહાનુભાવો સમયનું મૂલ્ય સમજતા હતા. એક વિદ્વાનનું કહેવું છે કે : ‘તમારા સમયનો પૂરેપૂરો ઉપયોગ ન કરવાનું તમને વારંવાર મન થશે પણ ક્યારેય એવા મનને તાબે થશો નહિ. જે કામ કરવાનું હોય તે તુરત જ કરી નાખો અને એ કરી લીધા પછી જ આરામનો વિચાર કરો. એ સિવાય એનો વિચાર ન કરો.’ ‘આ કામ કાલે કરીશું’ એમ તો તમે કદી વિચારશો જ નહિ, કેમ કે ‘કાલ’ કદી આવતી જ નથી. સાચું જ કહ્યું છે કે, ‘આજનો લ્હાવો લીજીયે રે કાલ કોણે દીઠી છે.’
જે માનવી સમયનું મૂલ્ય સમજે છે, તેઓ કોઈ પણ કાર્યમાં એક મિનિટ જેટલું પણ મોડું કરતા નથી. તમે પણ સમયનું મૂલ્ય સમજો અને સુખી થાઓ.

સ્નેહપૂર્ણ વ્યવહાર


આ પૃથ્વી પર એવી કેટલીક વસ્તુઓ છે, જે મેળવવા માટે પૈસા ખર્ચવા પડતા નથી અને જેના ઉપયોગથી પૈસો જે કામ કરી શકતો નથી તે કામ તે કરી શકે છે. એમાંની એક છે સહાનુભૂતિ. તમારા કોઈ સંબંધીની તબિયતના સમાચાર પૂછવા તમારે હોસ્પિટલમાં જવાનો પ્રસંગ આવે ત્યારે દરદીની તબિયત અંગે શાંતિથી પૂછપરછ કરો. તેની વાત સહાનુભૂતિથી સાંભળી તેને આશ્વાસનના બે શબ્દો કહેશો તો તેને એટલું બધું સારું લાગશે કે વાત જ ન પૂછો. પોતાના પ્રત્યે હમદર્દી દાખવનાર પણ કોઈ છે એ વાતની પ્રતીતિ સામી વ્યક્તિને થતાં જ એ તમારા પ્રત્યે આદરની લાગણી અનુભવશે. હા, સહાનુભૂતિના શબ્દોમાં દંભ કે દેખાડો ન હોવો જોઈએ.
તમારે સૌનો પ્રેમ જીતવો હોય તો તમે ટીકાકાર બનશો નહિ. ટીકાકાર બનતા પહેલાં તમારી જાતને પૂછજો કે મારી અંદર કશી જ નબળાઈઓ નથી ને ? જો તમે સંપૂર્ણ ન હો તો બીજાના દોષ જોવાનો તમને અધિકાર નથી. અને ધારો કે તમે દોષરહિત છો તો પણ અન્યની ટીકા કરતા રહેવું એ ઈચ્છનીય નથી. એમ કરવાથી તમે વધુ ને વધુ અળખામણા બનતા જશો.
જગતમાં આપણે બધા જ માનવીઓ છીએ અને માનવતા પણ જગતમાં રહેલી છે. તો પણ આપણામાંના ઘણા જણ એકબીજાથી ભય પામીએ છીએ. જાણીતા વિચારક અને લેખક સત્યકામ વિદ્યાલંકારનું કહેવું છે કે ‘માનવી એકબીજાનો ડર રાખે છે એના કારણ માટે તમે કદી વિચાર્યું છે ખરું ? જગત આપણા સૌને માટે છે અને આપણે સૌએ આપસમાં એકબીજાને મિત્ર સમજવા જોઈએ અને એકબીજાને ચાહવા જોઈએ. આ જગત અત્યંત વિશાળ છે. એમાં હસવા, ખેલવા માટે પૂરતો અવકાશ છે. તો પણ આપણે કેટલા વિચિત્ર છીએ ? જ્યારે આપણે કોઈ વ્યક્તિને પસંદ કરતા નથી ત્યારે બીજાઓ સમક્ષ એ વ્યક્તિ વિશે ખરાબ બોલવા માંડીએ છીએ. જો કોઈ વ્યક્તિ આપણા જેવી નથી હોતી તો તેનું સૌથી મુખ્ય કારણ એ છે કે આપણે પણ તેમના જેવા નથી હોતા. એ બધી વાતો જવા દઈએ પણ આખરે તો આપણે બધા માનવી તો છીએ ને ?’
આપણે એકબીજાને સારી રીતે ઓળખવા જોઈએ. અધિક સહિષ્ણુ બનવું જોઈએ. અધિક ઉદાર, વધુ સહાયક અને લેવા કરતાં આપવાની ટેવ પાડવી જોઈએ. આપણે એકબીજાને મદદરૂપ બની શકીએ એવી ટેવ પાડવી જોઈએ. એકબીજાને પ્રેમ કરી શકીએ અને એકબીજાના જીવનને વધુ સુંદર બનાવી શકીએ એવો વર્તાવ રાખવો જોઈએ.
તમે તમારા ઘરથી જ શરૂઆત કરો અને તેનું પરિણામ જુઓ. તમારા કુટુંબની પ્રત્યેક વ્યક્તિને પ્રેમથી ચાહવા લાગો. તેમની વાત શાંતિથી સાંભળો. તેમને કોઈ અગવડ હોય, કોઈ દુ:ખદર્દ હોય તો સહાનુભૂતિ વ્યકત કરો. તેમને આશ્વાસન આપો. દુ:ખ-દર્દમાંથી તેમનો છુટકારો અવશ્ય થશે જ એવી આશા આપો. તમારા એવા પ્રેમાળ વર્તાવથી તમારું કુટુંબ તમને હૃદયથી ચાહવા લાગશે. આ જ પ્રમાણેનો વર્તાવ તમારા મિત્રમંડળમાં કરજો. તમારા આશ્ચર્ય વચ્ચે તમે જોશો કે એમ કરવાથી તમારું મિત્રમંડળ ઝડપથી વધવા માંડશે. તમને તેઓ હૃદયથી ચાહશે. તમારો આદર કરશે અને તમને આવકારશે. 

તમે જો સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર રાખશો તો અન્ય પણ તમારા પ્રત્યે એવો જ ઉમદા વ્યવહાર રાખશે એમાં શંકાને સ્થાન નથી. આ જગત તમે માનો છો એટલું ખરાબ નથી. ઠેરઠેર ભલમનસાઈ, માનવતા પડેલી છે જ એ તમે ક્યારેય ભૂલશો નહિ. તમારો સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર એ માનવતાને જાગ્રત કર્યા વિના નહિ રહે. અને જાગ્રત માનવતા શું નથી કરી શકતી એ જ પ્રશ્ન છે. માનવતા જેવો બીજો કોઈ ધર્મ નથી. માનવતા અને સ્વર્ગને છેટું નથી. સ્વર્ગીય સુખ ઈચ્છનારે સાચા માનવી બનવું જ પડે.

અમિતાભની રિલીઝ ન થઈ શકેલી ફિલ્મો વિશે


એક્ટિંગના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચનનો અાજે આ ઉંમરે પણ ૪૪૦ વોલ્ટનો કરંટ જળવાયેલો રહ્યો છે. અાજે પણ અમિતાભની એક્ટિંગમાં એ જ દમ છે, જે દાયકાઅો પહેલાં જોવા મળતો હતો. અાજે પણ સ્ક્રીન પર અમિતાભ બચ્ચન દેખાય ત્યારે થિયેટર મૌન બની જાય છે.

અમિતાભ બચ્ચને સાડા ચાર દાયકાની કરિયરમાં ૧૮૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. અા સંખ્યા હજુ પણ વધી શકત, પરંતુ અોછામાં અોછી ૪૦થી વધુ ફિલ્મ શૂટિંગ દરમિયાન જ બંધ થઈ અથવા તો કોઈ કારણસર બચ્ચને તે ફિલ્મમાં કામ ન કર્યું.


યશરાજ ફિલ્મ્સે અમિતાભ બચ્ચનને લઈને ‘રિશ્તે’ ફિલ્મની જાહેરાત કરી હતી, પરંતુ અા ફિલ્મ શરૂ ન થઈ શકી. રાજ કપૂરે એક વાર અમિતાભ બચ્ચનને લઈને ‘પરમવીરચક્ર’ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ અા ફિલ્મ ન બની.  પ્રકાશ મહેરાઅે ફિલ્મ ‘જાદુગર’ની સાથે ‘સાધુ અૌર સંત’ નામની એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. ફિલ્મમાં અમિતાભની સાથે મિથુન ચક્રવર્તી અને મીનાક્ષી શેષાદ્રી હતાં. જોકે ‘સાધુ ઔર સંત’ ફિલ્મ ડબ્બાબંધ જ રહી. ક્રાંતિવીર જેવી ફિલ્મ બનાવનાર મેહુલ કુમારે અમિતાભ બચ્ચન અને અરશદ વારસી સાથે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, પરંતુ ફિલ્મ શરૂ ન થઈ શકી.

રમેશ સિપ્પીઅે પણ અમિતાભ બચ્ચન અને શશી કપૂરને લઈને ૮૦ના દાયકામાં ત્રણ હીરોવાળી ફિલ્મ ‘રાસ્તા’ની જાહેરાત કરી હતી, પરંતુ તે ફિલ્મ ન બની. વિધુ વિનોદ ચોપરાઅે અમિતાભ બચ્ચન સાથે તાલિસ્માન નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ફાઈનાન્શિયલ કારણસર અા ફિલ્મ ડબ્બામાં પડી રહી.

ફિલ્મ ‘અાલિશાન’ ટીનુ અાનંદનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. અા ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને માધુરી દીક્ષિત એકસાથે હતાં. ફિલ્મનું શૂટિંગ એક અઠવાડિયા સુધી ચાલ્યું અને પછી બંધ થઈ ગયું. અમિતાભની અન્ય કેટલીક ફિલ્મોમાં ‘યે મેરી જિંદગી’, ‘કરિશ્મા’, ‘શિવા’, ‘ટાઈગર’ અને ‘શિનાખ્ત’ જેવી ફિલ્મો સામેલ છે, જે ક્યારેય બની ન શકી.

Monday, December 11, 2017

ઉંબટુ (Ubuntu)

આફ્રિકન જન-જાતિની રહેણી-કરણી અને રિવાજોનું અધ્યયન કરતો એક માનવ-વિજ્ઞાની મોટાભાગનો સમય કબીલાનાં બાળકોથી ઘેરાયેલો રહેતો હતો. એક વાર તેણે બાળકો સાથે એક નાનકડી રમત રમવાનું વિચાર્યું. 

તેણે વાડકીમાં કેટલીક ચોકલેટ્સ લઈ તેને એક ઝાડ નીચે મૂકી દીધી. ત્યારબાદ તેણે બાળકોને સમજાવ્યાં કે જેવું તેઓ ‘રન’ બોલે, ત્યારે બાળકોએ ઝાડ તરફ દોડવાનું શરૂ કરવું અને જે બાળક ત્યાં સૌથી પહેલાં પહોંચશે, બધી જ ચોકલેટ્સ તેની. બધાં બાળકો એક લાઈનમાં ઊભાં રહી ગયાં અને તેના સંકેતની રાહ જોવા લાગ્યાં. જેવું તેણે ‘રન’ કહ્યું, દરેક બાળકે એકબીજાના હાથ પકડી લીધા અને સૌ સાથે તે ઝાડ તરફ દોડવા લાગ્યાં. તે બધાં એક સાથે તે ઝાડ સુધી પહોંચ્યાં અને ત્યાં મૂકેલી ચોકલેટ્સ વહેંચી લીધી. આ જોઈ માનવ-વિજ્ઞાની તેમની પાસે ગયો અને તેમને પૂછ્યું કે બધાં સાથે જ કેમ દોડ્યાં ? જો કોઈ એક જણ સૌથી પહેલાં ત્યાં પહોંચી ગયો હોત તો બધી જ ચોકલેટ્સ મેળવી શક્યું હોત.

ત્યારે બાળકોની પ્રતિક્રિયા હતી – ‘ઉબંટુ.’ તેમનામાંથી એક બાળક બોલ્યો, ‘જો બાકીનાં દુઃખી હોય તો અમારામાંથી કોઈ એક ખુશ કેવી રીતે થઈ શકે છે ?’ 

ઉબંટુ’ આફ્રિકન જન જાતિઓની એક ફિલસૂફી છે. જેને આ રીતે સમજાવી શકાય છે કે, ‘હું જે કંઈ છું તે અમે બધા છીએ.’ ‘ઉબંટુ’ ખાસ કરીને એ તથ્યને રેખાંકિત કરે છે કે તમે માણસ તરીકે માત્ર પોતાની જાત સુધી જ સીમિત ન રહી શકો અને જ્યારે તમારી અંદર આ ખૂબી ‘ઉબુંટુ’ હોય છે, ત્યારે તમે તમારી ઉદારતા માટે ઓળખાવ છો. આપણે મોટાભાગે એક-બીજાથી અલગ રહીને માત્ર પોતાના વિશે વિચારીએ છીએ. હકીકત એ છે કે આપણે જે કરીએ છીએ, તેનાથી આખી દુનિયા પ્રભાવિત થાય છે. ખાસ તો, જ્યારે કોઈપણ સારું કામ થાય ત્યારે તેનો ફેલાવો સમસ્ત વિશ્વમાં થાય છે.

કમ્પ્યુટરો જ્યારથી આપણી રોજબરોજની જિંદગીના આટલા બધા મહત્વના ભાગ બની ગયા ત્યારે તેનો ફાયદો લઈને બિલગેટ્સ જેવાએ Microsoft નામની કંપની બનાવી. Microsoft એક એવી Operating System બનાવી જેના પર એકાધિકાર હોય. આવી પદ્ધતિ વિકસાવવાને લીધે જ તે દુનિયાનો સૌથી શ્રીમંત માણસ બન્યો. કેટલાક સોફ્ટવેર એન્જિનીયર્સને આ કઠતું હતું. તેમને થયું આવું તો ન ચાલે. એમણે એક ગ્રુપ (કમ્યુનિટી) બનાવી જેનું નામ પાડ્યું ‘ઉબુંટુ’. આ મિત્રોએ ખૂબ પ્રયત્ન કરી, પોતાનાં સમય-શક્તિ વાપરીને Microsoft ના આ એકાધિકારને તોડવાનું નક્કી કર્યું. તેમણે Linux નામનો પ્રોગ્રામ વિકસાવ્યો – જેને કોઈ પણ વાપરી શકે, જેના પર કોઈનો અધિકાર ન હોય. 

ઉબુંટુનો અર્થ થાય છે સહકાર અને એકબીજા સાથે વહેંચીને જીવવું. Microsoftના એકાધિકારને તોડવા માટે રચાયેલ Operating Systemનું નામ તેથી જ Ubuntu રાખવામાં આવ્યું. જેના નામમાં જ ‘વહેંચવું’ નિહિત છે. આજે વિશ્વના ખૂણે ખૂણે આ સિસ્ટમ વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે, કારણ કે તેને સામાન્ય લોકો પણ સહેલાઈથી વાપરી શકે તેવી બનાવવની મહેનત તેની પાછળ થઈ રહી છે. તેમ જ તેણે Microsoft જેવી વિશાળકાય કંપની સામે એક મોટો પડકાર ઊભો કર્યો છે. આને માટે કામ કરનારા છે નાના-મોટા-સ્વતંત્ર અને ન્યાયપ્રેમી એવા સોફટવેર એન્જિનીયરો.

અને છેલ્લે:

માઈક્રોસોફટ અને એપલ જેવી કંપનીઓએ પોતાની બંધિયાર અને માલિકીવાળી સિસ્ટમને આધારે ભલે અબજો ડોલર ઘર ભેગા કર્યા હોય પરંતુ, સમાજે બતાવી દીધું છે કે જેટલો ઝડપી ફેલાવો ઓપન સિસ્ટમનો થાય છે તેટલો આવી બંધિયાર સિસ્ટમનો નથી થતો...!!

Saturday, December 9, 2017

સંભાષણ - તકરાર - એક કુનેહ


પરસ્પર ઝઘડો થાય ત્યારે કુટુંબના સભ્યોએ શી કાળજી રાખવી જોઈએ ?

આ ઉપરાંત સંતાનોના દેખતા થતા કેટલાંક લડાઈ-ઝઘડામાં કુટુંબમાં કેટલીક આચારસંહિતા જાળવવી સંતાનોના સામાજિક વિકાસની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે.

* પોતાનો ગુસ્સો શાંત પાડવો જોઈએ. ગુસ્સામાં સામેના પાત્ર પર બેહુદા આક્ષેપો ન કરવા જોઈએ. સામેનું પાત્ર વિવાદની ગરમીમાં આક્ષેપો અને દલીલો કરવા પર ઊતરી આવે ત્યારે બીજી વ્યક્તિએ શાંત રહેવું જોઈએ અને પોતાના આવેગ પર કાબૂ જાળવી રાખવો જોઈએ.

* પોતાનો અવાજ ધીમો રાખવો જરૂરી છે. લડવામાં ચીસો કે બૂમબરાડા પાડવાથી કશો હેતુ સરતો નથી. સામેના પાત્રની દલીલ કે તેના આક્ષેપનો જવાબ ધીમા અને હળવા અવાજમાં આપવો જોઈએ.

* સામેની વ્યક્તિની વાત જરૂરથી સાંભળો. એ તમારી પાસેથી શું ઈચ્છા રાખે છે તેની નોંધ લો. પોતાનો પક્ષ ઉગ્ર રીતે રજૂ કરવા જતાં એની વિનંતી કે એના આગ્રહની ઉપેક્ષા થાય તે બરાબર નથી.

* દલીલબાજીમાં પોતાનો દ્રષ્ટિકોણ કે વિવાદનો મૂળભૂત મુદ્દો ભુલાઈ ન જવો જોઈએ. મોટેભાગે લડાઈ-ઝઘડામાં એવું બનતું હોય છે કે ગુસ્સામાં અને પ્રસંગની ગરમાગરમીમાં લડાઈનો મૂળ મુદ્દો ભુલાઈ જાય છે અને વાત આડે પાટે ચઢી જાય છે. પછી જુની વીતી ચૂકેલી વાતોને યાદ કરીને લડાઈ આગળ વધે છે અને બંને પક્ષ એકબીજા પર ભળતા આક્ષેપો કરવા લાગે છે. આવામાં સમાધાન અશક્ય બની જાય છે.

* બંને પક્ષ સામસામા આક્ષેપો અને ફરિયાદો કરવાને બદલે પોતાના દ્રષ્ટિકોણથી શક્ય તે ઉકેલ સૂચવવો જોઈએ.

આ ઉપરાંત, મારુ એવું સ્પષ્ટ માનવું છે કે યુવાધન અને તરુણોને સમાજમાં તથા આપસમાં કે કુટુંબમાં વાતચીતની કળા કેળવવામાં પણ શાળાકીય સંસ્થા, સમાજ, કુટુંબનો બહુ મોટો ફાળો રહેલો છે. સામાજિકતાના પાયાના ગુણોમાંના એક એવા સાદી ભાષામાં કોમ્યુનિકેશન એટલે કે  "સંભાષણ" વિષે હવે થોડુંક !


દરેક તરુણને બીજા સાથે સંભાષણ કરતા આવડવું જરૂરી છે. સામાજિક વિકાસનો આ પાયાનો ગુણ છે. જો એને આનાથી વંચિત રાખવામાં આવે તો આગળ જતાં વ્યક્તિગત સંબંધો તેમ જ વ્યાવસાયિક જીવનમાં એને ઘોર નિષ્ફળતા સાંપડી શકે છે. સફળ સામાજિક જીવન માટે નીચેનાં કૌશલ્ય એને એના ઉછેર અને શિક્ષણ દરમિયાન કુટુંબ અને શાળાએ શીખવવા જોઈએ જ !

* વાતચીતની કળા – માબાપ એને માત્ર ઉચ્ચ શિક્ષણ જ આપીને બેસી રહે તે પૂરતું નથી. અભ્યાસો અને અવલોકનોથી એવું જણાયું છે કે જે લોકો કોમ્યુનિકેશનની સારામાં સારી આવડત ધરાવે છે તે શૈક્ષણિક યોગ્યતાની ઊણપ હોવા છતાં કોઈપણ વ્યવસાયમાં ઝળહળતી સફળતા મેળવતા હોય છે. તરુણોની મુશ્કેલી એ છે કે એમને પોતાની વયના મિત્રો સાથે પોતાની સાંકેતિક ભાષામાં વાતચીત કરતા સારું આવડે છે, પણ પોતાના વડીલો અને મોટેરાઓ સાથે સંવાદ કરવામાં એ કાચા પડી જાય છે. એમની પરસ્પરની વાતચીત સમજવાનું આપણું ગજું નથી. પણ મોટેરાં સાથે વાત કરવા જતાં અણઆવડતને કારણે તે ખભા ચઢાવે છે, મોં મચકોડે છે કે ઉદ્ધત વાણીમાં સામે થતા હોય છે. આમાંથી એમને બહાર આણીને સઘળી ઉંમરના લોકો સાથે અર્થપૂર્ણ વાતચીત કરવાની કળા એમને શીખવવાનું આપણું કર્તવ્ય છે.

* સાંભળવાની કળા – પોતાનો કક્કો ખરો કરાવતાં અને એકપક્ષી વાતચીત કરતાં તો દરેકને આવડે, પણ સામેના માણસની વાતને ધીરજપૂર્વક સાંભળવાનું, એના મતને સમજવાનું અને એની લાગણીઓને ને જરૂરિયાતને સમજવાનું સહેલું નથી. કોઈની પણ સાથે વાત કરીએ ત્યારે આપણે એને બોલવાની પૂરતી તક આપવી જોઈએ. એ એની વાત બરાબર રજૂ ન કરી રહે ત્યાં સુધી આપણે બોલીએ નહીં. એને માત્ર કાનથી જ નહીં, હ્રદયથી સાંભળીએ. એની સાથે આંખોનો સંપર્ક જાળવી રાખીએ, જરૂર પડે તો વચ્ચે માત્ર ટૂંકો હુંકારો ભરીએ અને એની વાત આપણે બરાબર સમજ્યા છીએ એ એકાદ-બે વાક્યોમાં ખુલાસો કરીને સ્પષ્ટ કરીએ.

* સહકારની ભાવના – એકબીજાની સાથે રહીને કામ કરીને સમાન ઉદ્દેશને સિદ્ધ કરતાં શીખવીએ.

* વાટાઘાટ કરવાની કળા – સંબંધોમાં પેદા થતા તણાવ અને ઘર્ષણને દૂર કરવા માટે આ આવડત હોવી જરૂરી છે. એમાં બંને પક્ષે થોડી થોડી બાંધછોડ કરવી જરૂરી હોય છે. કમનસીબે આજની નવી પેઢી ફિલ્મો, ટેલીવિઝન અને વિડીયો ગેમ્સમાંથી ખોટો સંદેશ મેળવીને તૈયાર થતી હોય છે. આક્રમક બનો. મારામારી કરો. બંદૂક ઉઠાવો અને બદલો લો. આ આજની દુનિયાનું નવું ચલણ બની રહ્યું છે.

* ભેગા મળીને જીવવાની અને વહેંચવાની ભાવના – સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારાં કામ એ ઉક્તિને સાર્થક કરવાની કળા દરેક યુવાનને શીખવવી જરૂરી છે. જો ઊછરી રહેલી આ પેઢી પોતાનાં સપનાં અરસપરસ વહેંચે, સાથે મળીને આયોજન કરે અને ખભે ખભા મેળવીને કામ કરે તો સમાજજીવન ઊજળું બની શકે. આપણે એમને માનવતાનાં કામોમાં જોતરવા જોઈએ.

અને છેલ્લે : 

જે માબાપ અને વડીલો આ કળામાં પાવરધાં હશે તે જ પોતાનાં સંતાનોને તે શીખવી શકશે. આ મુદ્દાઓ કઈ ઉપદેશ આપવા કે શિખામણ માટે નથી લખ્યા. કેમ કે, એ માટેની મારી ઉંમર અને અનુભવ બંને કાચા જ કહેવાય, પણ આ મુદ્દાઓ મને મારા વાંચન દરમ્યાન (જનકલ્યાણ માંથી)આપણા આ સમાજ અને સામાજિક ઉત્થાન માટે જરૂરી લાગ્યા એટલે અહીં શબ્દો રૂપે થોડા મઠારીને રજુ કર્યા છે.

સંપાદન: ડો. કાર્તિક શાહ 
   


Friday, December 8, 2017

બ્રેઇન ડ્રેઈન આવું પણ!!!


પ્રસંગ ૧~~~ ' મમ્મી, આમ તો અમે લંડનમાં સેટલ થઈ ગયાં છીએ. પણ એક વિચિત્ર મુશ્કેલી છે. રસોઈ કરતી વખતે કંઈ શેકીએ કે તળીયે તો રસોડાનાં એલાર્મની સીટી વાગવા માંડે, કેમ જાણે કોઈ ગુનો કર્યો હોય…' નવી નવી લંડનમાં આવેલી સીમાએ રજનીને ફોન પર કહ્યું.

‘આપણા ઘરમાં આપણે ગમે તે રસોઈ કરીએ એમાં સીટી શા માટે થવી જોઈએ ?’ રજનીએ પૂછ્યું.

જવાબમાં સીમાએ ખુલાસો કર્યો : ‘અહીં બધાંને આગ લાગવાની બીક રહે છે, કારણ કે ઘરની બાંધણીમાં લાકડું બહુ વપરાય છે. ઘરમાં જરા જેટલો ધુમાડો થાય કે સ્મોક ડિટેકટર સીટીઓ વગાડવા માંડે. તળવાનું તો ઠીક પણ કોઈ વાર વઘાર બળી જાય, ધૂપ કે અગરબત્તી કર્યા હોય તોપણ એલાર્મ વાગે. પહેલાં મેં કહ્યું કે બધી બારી ખોલી નાખીએ એટલે ધુમાડો બહાર નીકળી જાય, પણ એવું કરીએ તો પડોશીને વાસ આવે, છીંક અને ઉધરસ આવે એટલે એ ફરિયાદ કરે. આમ પણ ઠંડીની ઋતુમાં તો બારી ખોલવાનો સવાલ જ નથી. ઠંડીમાં તો બંધ બારીએ પણ ઠરી જવાય છે.’

થોડા દિવસ પછી સીમાએ રાજી થઈને રજનીને ફોન કર્યો : ‘યૂ નો સમથિંગ ? ખૂબ વિચાર કર્યા પછી સુબોધે એ સ્મૉક ડિટેક્ટરનું એલાર્મ જ બંધ કરી દીધું. એ એન્જિનિયર છે ને એટલે એને આવાં રોડાં કરતાં આવડે. હવે ઘરમાં ગમે તેટલો ધુમાડો થશે તોપણ સીટી નહીં વાગે. બહાર કોને ખબર પડવાની હતી….?’ આનું નામ બ્રેઈન ડ્રેઈન !!

પ્રસંગ ૨~~~ ભારત સરકારે જ્યારે પાંચ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો ત્યારે કોઈકે ભેજું લડાવીને એ જ સિક્કાના કદના આઠ આનાના – પચાસ પૈસાના બે સિક્કા ચોંટાડી બેધ્યાન હોય કે ઉતાવળમાં હોય તેવી વ્યક્તિને પાંચ રૂપિયાના સિક્કા તરીકે પધરાવવાનું શરૂ કર્યું. આમતેમ ફેરવીને જોઈએ નહીં તો એ પાંચ રૂપિયાનો સિક્કો નથી એવો ખ્યાલ પણ ન આવે. ટંકશાળાએ પાંચ રૂપિયાના સિક્કાનું ઉત્પાદન શરૂ કર્યું તેના થોડા જ દિવસો પછી પાંચના સિક્કાની અછત નિર્માણ થઈ. નાની નાની કોથળીઓ ભરી આ સિક્કાઓની ઈંગ્લેન્ડમાં ગેરકાયદે નિકાસ થવા માંડી. 

કારણ ? આ સિક્કો એક પાઉન્ડના સિક્કા જેટલું જ કદ અને વજન ધરાવતો હોવાથી ત્યાંના વેન્ડિંગ મશીનમાં (સિક્કો નાખતાં કબાટમાંથી આપમેળે ચીજ બહાર આવે તેવા મશીન) આપણા ભારતીયોએ પાંચિયું નાખીને એક પાઉન્ડ… તે સમયે લગભગ પંચોતેર રૂપિયાની કિંમતની ચોકલેટ, બિસ્કિટ વગેરે ચીજો ઝપાટાબંધ ખરીદવાનું શરૂ કર્યું. 
આ છેતરપિંડીની જાણ થઈ કે તરત ભારત સરકારને પાંચ રૂપિયાના સિક્કાનો અવતાર બદલવાની તાકીદ થઈ. ઈંગ્લૅન્ડના દુકાનદારો પાઉન્ડના સિક્કાને બદલે પાંચ રૂપિયાનો સિક્કો પધરાવી દેવા જેટલા સ્માર્ટ નહોતા !! આનું નામ બ્રેઈન ડ્રેઈન !!

પ્રસંગ ૩~~~ અમેરિકા જવા ઈચ્છનાર ડૉક્ટરોએ ત્યાં જતાં પહેલાં એક પરીક્ષા પાસ કરવી પડે છે. પાંત્રીસેક વર્ષો પહેલાં ઈ.સી.એફ.એમ.જી. (હાલની યુ.એસ. એમ.એલ.ઈ.) પરીક્ષા બીજા દેશોમાંની જેમ ભારતમાં પણ લેવાતી. 

અમેરિકા જવા ઉત્સુક તાજા પાસ થયેલા ડૉક્ટરોનો આ પરીક્ષામાં બેસવા ધસારો થતો હતો. ત્રણ-ચાર વર્ષમાં જ ભારતમાં આ પરીક્ષા લેવાનું બંધ કરવામાં આવ્યું અને પરીક્ષા આપવા ઈચ્છનાર ડૉક્ટરોને સિંગાપોર કે બીજા દેશમાં જવાની ફરજ પડી. 

ભારતમાં પરીક્ષા લેવાનું બંધ થવાનું કારણ આપણા અતિ ડાહ્યા ભારતીયો જ હતા. મુંબઈ અને દિલ્હીમાં પરીક્ષા લેવાતી હોવા છતાં અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સિંગાપોર પહોંચી જતા. પરીક્ષાના હોલમાં દસેક મિનિટ ગાળી, કંઈ આવડતું નથી તેવું જણાવી કોરું પેપર મૂકી, છાપેલું પ્રશ્નપત્ર લઈ બહાર આવી જતાં. ત્યારબાદ ફેક્સની મદદથી આ પ્રશ્નપત્ર ભારત મોકલતા. સિંગાપોરનો સમય ભારત કરતાં અઢી કલાક આગળ હોવાથી દસ વાગે શરૂ થનારી પરીક્ષાનું પ્રશ્નપત્ર સવારે સાડા સાતે મળી જતું !! 

અલબત્ત ભારે કિંમત ચૂકવનારને સિંગાપોર જનાર ડૉક્ટરને અમેરિકા જવા કરતાં પૈસા કમાઈ લેવામાં વધુ રસ હતો. આ કૌભાંડ બહાર આવતાં જ ભારતમાં લેવાતી ઈ.સી.એમ.એફ.જી. પરીક્ષા બંધ થઈ ગઈ અને વિદ્યાર્થીઓને સિંગાપોર, સિલોન વગેરે સ્થળે જવાની ફરજ પડી. 

આનું નામ બ્રેઈન ડ્રેઈન !!