Saturday, December 9, 2017

સંભાષણ - તકરાર - એક કુનેહ


પરસ્પર ઝઘડો થાય ત્યારે કુટુંબના સભ્યોએ શી કાળજી રાખવી જોઈએ ?

આ ઉપરાંત સંતાનોના દેખતા થતા કેટલાંક લડાઈ-ઝઘડામાં કુટુંબમાં કેટલીક આચારસંહિતા જાળવવી સંતાનોના સામાજિક વિકાસની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે.

* પોતાનો ગુસ્સો શાંત પાડવો જોઈએ. ગુસ્સામાં સામેના પાત્ર પર બેહુદા આક્ષેપો ન કરવા જોઈએ. સામેનું પાત્ર વિવાદની ગરમીમાં આક્ષેપો અને દલીલો કરવા પર ઊતરી આવે ત્યારે બીજી વ્યક્તિએ શાંત રહેવું જોઈએ અને પોતાના આવેગ પર કાબૂ જાળવી રાખવો જોઈએ.

* પોતાનો અવાજ ધીમો રાખવો જરૂરી છે. લડવામાં ચીસો કે બૂમબરાડા પાડવાથી કશો હેતુ સરતો નથી. સામેના પાત્રની દલીલ કે તેના આક્ષેપનો જવાબ ધીમા અને હળવા અવાજમાં આપવો જોઈએ.

* સામેની વ્યક્તિની વાત જરૂરથી સાંભળો. એ તમારી પાસેથી શું ઈચ્છા રાખે છે તેની નોંધ લો. પોતાનો પક્ષ ઉગ્ર રીતે રજૂ કરવા જતાં એની વિનંતી કે એના આગ્રહની ઉપેક્ષા થાય તે બરાબર નથી.

* દલીલબાજીમાં પોતાનો દ્રષ્ટિકોણ કે વિવાદનો મૂળભૂત મુદ્દો ભુલાઈ ન જવો જોઈએ. મોટેભાગે લડાઈ-ઝઘડામાં એવું બનતું હોય છે કે ગુસ્સામાં અને પ્રસંગની ગરમાગરમીમાં લડાઈનો મૂળ મુદ્દો ભુલાઈ જાય છે અને વાત આડે પાટે ચઢી જાય છે. પછી જુની વીતી ચૂકેલી વાતોને યાદ કરીને લડાઈ આગળ વધે છે અને બંને પક્ષ એકબીજા પર ભળતા આક્ષેપો કરવા લાગે છે. આવામાં સમાધાન અશક્ય બની જાય છે.

* બંને પક્ષ સામસામા આક્ષેપો અને ફરિયાદો કરવાને બદલે પોતાના દ્રષ્ટિકોણથી શક્ય તે ઉકેલ સૂચવવો જોઈએ.

આ ઉપરાંત, મારુ એવું સ્પષ્ટ માનવું છે કે યુવાધન અને તરુણોને સમાજમાં તથા આપસમાં કે કુટુંબમાં વાતચીતની કળા કેળવવામાં પણ શાળાકીય સંસ્થા, સમાજ, કુટુંબનો બહુ મોટો ફાળો રહેલો છે. સામાજિકતાના પાયાના ગુણોમાંના એક એવા સાદી ભાષામાં કોમ્યુનિકેશન એટલે કે  "સંભાષણ" વિષે હવે થોડુંક !


દરેક તરુણને બીજા સાથે સંભાષણ કરતા આવડવું જરૂરી છે. સામાજિક વિકાસનો આ પાયાનો ગુણ છે. જો એને આનાથી વંચિત રાખવામાં આવે તો આગળ જતાં વ્યક્તિગત સંબંધો તેમ જ વ્યાવસાયિક જીવનમાં એને ઘોર નિષ્ફળતા સાંપડી શકે છે. સફળ સામાજિક જીવન માટે નીચેનાં કૌશલ્ય એને એના ઉછેર અને શિક્ષણ દરમિયાન કુટુંબ અને શાળાએ શીખવવા જોઈએ જ !

* વાતચીતની કળા – માબાપ એને માત્ર ઉચ્ચ શિક્ષણ જ આપીને બેસી રહે તે પૂરતું નથી. અભ્યાસો અને અવલોકનોથી એવું જણાયું છે કે જે લોકો કોમ્યુનિકેશનની સારામાં સારી આવડત ધરાવે છે તે શૈક્ષણિક યોગ્યતાની ઊણપ હોવા છતાં કોઈપણ વ્યવસાયમાં ઝળહળતી સફળતા મેળવતા હોય છે. તરુણોની મુશ્કેલી એ છે કે એમને પોતાની વયના મિત્રો સાથે પોતાની સાંકેતિક ભાષામાં વાતચીત કરતા સારું આવડે છે, પણ પોતાના વડીલો અને મોટેરાઓ સાથે સંવાદ કરવામાં એ કાચા પડી જાય છે. એમની પરસ્પરની વાતચીત સમજવાનું આપણું ગજું નથી. પણ મોટેરાં સાથે વાત કરવા જતાં અણઆવડતને કારણે તે ખભા ચઢાવે છે, મોં મચકોડે છે કે ઉદ્ધત વાણીમાં સામે થતા હોય છે. આમાંથી એમને બહાર આણીને સઘળી ઉંમરના લોકો સાથે અર્થપૂર્ણ વાતચીત કરવાની કળા એમને શીખવવાનું આપણું કર્તવ્ય છે.

* સાંભળવાની કળા – પોતાનો કક્કો ખરો કરાવતાં અને એકપક્ષી વાતચીત કરતાં તો દરેકને આવડે, પણ સામેના માણસની વાતને ધીરજપૂર્વક સાંભળવાનું, એના મતને સમજવાનું અને એની લાગણીઓને ને જરૂરિયાતને સમજવાનું સહેલું નથી. કોઈની પણ સાથે વાત કરીએ ત્યારે આપણે એને બોલવાની પૂરતી તક આપવી જોઈએ. એ એની વાત બરાબર રજૂ ન કરી રહે ત્યાં સુધી આપણે બોલીએ નહીં. એને માત્ર કાનથી જ નહીં, હ્રદયથી સાંભળીએ. એની સાથે આંખોનો સંપર્ક જાળવી રાખીએ, જરૂર પડે તો વચ્ચે માત્ર ટૂંકો હુંકારો ભરીએ અને એની વાત આપણે બરાબર સમજ્યા છીએ એ એકાદ-બે વાક્યોમાં ખુલાસો કરીને સ્પષ્ટ કરીએ.

* સહકારની ભાવના – એકબીજાની સાથે રહીને કામ કરીને સમાન ઉદ્દેશને સિદ્ધ કરતાં શીખવીએ.

* વાટાઘાટ કરવાની કળા – સંબંધોમાં પેદા થતા તણાવ અને ઘર્ષણને દૂર કરવા માટે આ આવડત હોવી જરૂરી છે. એમાં બંને પક્ષે થોડી થોડી બાંધછોડ કરવી જરૂરી હોય છે. કમનસીબે આજની નવી પેઢી ફિલ્મો, ટેલીવિઝન અને વિડીયો ગેમ્સમાંથી ખોટો સંદેશ મેળવીને તૈયાર થતી હોય છે. આક્રમક બનો. મારામારી કરો. બંદૂક ઉઠાવો અને બદલો લો. આ આજની દુનિયાનું નવું ચલણ બની રહ્યું છે.

* ભેગા મળીને જીવવાની અને વહેંચવાની ભાવના – સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારાં કામ એ ઉક્તિને સાર્થક કરવાની કળા દરેક યુવાનને શીખવવી જરૂરી છે. જો ઊછરી રહેલી આ પેઢી પોતાનાં સપનાં અરસપરસ વહેંચે, સાથે મળીને આયોજન કરે અને ખભે ખભા મેળવીને કામ કરે તો સમાજજીવન ઊજળું બની શકે. આપણે એમને માનવતાનાં કામોમાં જોતરવા જોઈએ.

અને છેલ્લે : 

જે માબાપ અને વડીલો આ કળામાં પાવરધાં હશે તે જ પોતાનાં સંતાનોને તે શીખવી શકશે. આ મુદ્દાઓ કઈ ઉપદેશ આપવા કે શિખામણ માટે નથી લખ્યા. કેમ કે, એ માટેની મારી ઉંમર અને અનુભવ બંને કાચા જ કહેવાય, પણ આ મુદ્દાઓ મને મારા વાંચન દરમ્યાન (જનકલ્યાણ માંથી)આપણા આ સમાજ અને સામાજિક ઉત્થાન માટે જરૂરી લાગ્યા એટલે અહીં શબ્દો રૂપે થોડા મઠારીને રજુ કર્યા છે.

સંપાદન: ડો. કાર્તિક શાહ 
   


No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...