Wednesday, August 26, 2020

જીવન જીવવાની કળા !

વાત વિચારવા જેવી છે. જીવનનો નકાર એટલે ઈશ્વરનો ઇન્કાર. કેટલાક લોકો જિંદગી શું છે એ જાણવામાં જ સમય વેડફે છે અને તમે... જાણીને પણ કેટલું જાણો ? માણવું  એજ જાણવું! નદીમાં હોવું એ જ નદીનું જ્ઞાન! જીવનમાં હોવું એટલું જ પૂરતું છે. ખુલ્લા મનથી જીવનનો સ્વીકાર કરવો જોઈએ. આપણી પ્રિય વ્યક્તિને જોઈને એને મળવા કે ભેટવા આપણા હાથ અને મન ખુલ્લા થાય તો જ એ આપણી ભીતર અંકાય છે તેમ જ ખુલ્લા મને અને ખુલ્લા હાથે જીવનને ઝીલવું જોઈએ - ચાહવું જોઈએ!

ચાહવું એટલે પ્રત્યેક પળમાં રસ! ઉદાસીની પળને પણ ચાહવી જોઈએ -- એને પાળ્યા કે પંપાળ્યા વિના! જીવનરસથી મધુર (કઠિન સમયમાં પણ!) બીજો કોઈ રસ જ નથી! 


ઉદાસ થઇએ તો એમ કહીએ: "રામ રાખે તેમ રહીએ!" જે કંઈ કરવું હોય તે પૂર્ણ મનથી કરવું જોઈએ, કોઈ પણ જાતના દ્વિધા કે મનોમંથન વિના સંકલ્પના શિખર ઉપર પલાંઠી વાળીને અને ધૂણી  ધખાવીને!! જે કાર્ય કરીએ એમાં  એવા ઓતપ્રોત થઇ જઈએ કે જાણે કાલે મોત ના આવવાનું હોય! એક વાત હંમેશા યાદ રાખો કે પૂર્ણ રીતે સજ્જ અને સંપુક્ત (ઇન્વોલ્વ) થયા વિના કંઈ જ થતું નથી!


જ્ઞાન ગુરુ પાસેથી જ મળે એવું નથી. હું તો ત્યાં સુધી કહું છું કે જેની પાસેથી આપણને નવું  જ્ઞાન મળે એ આપણા ગુરુ!

પણ ઘણીવાર મેં જોયું છે કે જીવનનું સત્ય સમજાવતા અને જીવનની કઠિન પરીક્ષાઓમાં પાસ થવાનું શીખવાડતાં ઘણાં માણસો કે માર્ગદર્શકોને આપણે પોતે જ ગુરુ તરીકે સન્માન નથી આપતાં જે ખરેખર યોગ્ય નથી. આજે હું એ તમામ પથદર્શકોને ગુરુતુલ્ય માની આપ સૌની સાક્ષીમાં જાહેરમાં નમન કરું છું! 


ઘણીવાર, હું લિફ્ટમેનને જોઉં છું ત્યારે એમ થાય છે એની જિંદગીમાં રૂટિન-રોંજીદાપણું કેટલી હદે છે એની વચ્ચે પણ શંકર નામનો લિફ્ટમેન લખલૂટ આનંદ લૂંટતો જાય છે જતા-આવતા દરેક માણસો સાથે આનંદથી વાતો કરી કરી ને! કામને કેવી મોજથી કરે છે અને જરા પણ ભાર નહિ કામનો મન ઉપર!  મારુ માનવું છે કે લિફ્ટમેનને જીવનનો જેટલો ખ્યાલ આવતો હશે એટલો બહુ ઓછાને આવતો હશે! સતત ચડતી-પડતીનો ચકરાવો! એને બરાબર ખબર છે કે આજે હમણાં જ તો હું ઉપર આવ્યો છું કે તરત નીચે પડવાનો છું, અરે કદાચ એમ જ કહું કે બહુ જલ્દીથી કોઈ મને નીચે ખેંચવાનું છે! ઉપર-નીચે તો ક્યારેક મધ્યમાં બરાબર અટવાયેલા રહેવું અને પાછા પ્રફુલ્લિત રહેવું એનાથી વધુ બીજી સ્થિતપ્રજ્ઞતા બીજી કઈ!?


એ જ રીતે ટેક્સી કે રીક્ષા ચાલક પણ ઘણું શીખવાડી જાય છે. એક રીક્ષાચાલક કહે કે આપણા રાજકારણીઓ એટલી હદે પૈસા બનાવે છે કે એમને પાંચસો પાંચસોની નોટોથી બાળીએ તો, એમનો આખો દેહ રાખ થઇ જાય એ પછી પણ કરોડોની નોટો શેષ રહેશે! વાતવાતમાં એણે  મને પૂછી નાખ્યું, "સાહેબ, આમાં કોઈ સુખી હશે ખરું?"


મેં કહ્યું, "દુઃખ હશે તો ય સહન કરી શકાય એવું હશે. આ બધા જીવે છે તે કંઈક ને કૈંક આશામાં જ જીવતા હશે, આશા રાખવી અને ભ્રમણામાં ના રહેવું એવો મારો મંત્ર!" ઘણાને એવુંય કહેતા સાંભળ્યા છે કે જીવન શબ્દની અંદર જ "વન" છે એટલે એક વાર ભગવાન શ્રી રામ જેવું વનવાસ તો ભોગવવું જ પડે! પણ જીવન ને જીવન નહિ પણ સંજીવન ગણવું! જે પોતાનામાં રસ લેતો નથી એ બીજામાં રસ લઇ શકતો નથી. રસ લેવા માટે કશું જ નાનું કે મોટું નથી. 

વાતવાતમાં નિર્વેદ, કંટાળો કે થાક -- આ બધા વિચારો માણસને મારી નાખે છે. સફળતા થી વિમુખ કરે છે અને હતાશા તરફ ધકેલે છે. આદત તો છેવટે આદત જ છે. નોકરી-સલામતી, એને કારણે મળતી સત્તા, ફાયદા --- આ બધાની સૌને ટેવ પડી જાય છે!  

બાળક માતાના ગર્ભમાં સુરક્ષિત છે. પ્રસવ થયા બાદ તુરંત જ આપણે એને કપડામાં વીંટાળી દઈએ છીએ. જેથી એને કોઈ કવચ મળી રહે! પછી એ બાળક મોટું થાય છે  ત્યારે પણ એ જ કપડું / ગાભું લઈને ફર્યા કરે છે. આપણે પણ આવી જ અસલામતીમાં જીવીએ છીએ. જે આ અસલામતીના ગાભાને પોતાના જીવનથી દૂર ઉતારીને ફેંકી શકે છે એ બચી જાય છે!


જીવનરસ હોય તો નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ મળી જ રહે છે. કશું ના કરવું એ પણ પ્રવૃત્તિ નથી એમ નહિ, પણ મનની નિષ્ક્રિયતા ન હોવી જોઈએ! કેટલું બધું જોવાનું છે, વાંચવાનું છે, સાંભળવાનું છે, હજુ તો કેટલાય માણસોને મળવાનું છે , અરે હજુ તો કેટલું બધું જાણવાનું અને જીવનને ઓળખવાનું બાકી છે! માણસ પગ છૂટો કરવા ચાલવા જાય છે, પણ મન છૂટું કરવા માટે મિત્રોને મળે નહિ અને પોતાના જ કોચલામાં ભરાઈ જાય તો એ પોતાના જ ઘરની દીવાલમાં ગૂંગળાઈ મરે છે! 

મરણ ના આવે ત્યાં સુધી જીવવાનું તો છે જ ને! તો પછી આનંદભરી સમજણથી કે સમજણભર્યા આનંદથી છલોછલ રસથી કેમ ન જીવવું?


સંકલિત: "ડો. કાર્તિક શાહ"

Wednesday, August 12, 2020

માણસો કામ કેમ ટાળે છે?

 


જીવનમાં નિષ્ફળ જતી વ્યક્તિઓની અનેક કુટેવોમાંથી એક કુટેવ કામને મુલતવી રાખવાની એટલેકે ટાળવાની હોય છે. 

અને પાછા એ લોકો એ કામ ટાળવાની કેમ ખાસ જરૂર હતી અને કેવા અસાધારણ અને અદ્વિતીય સંજોગોના કારણે એ કામ ટાળ્યું છે એ બહુ જ ભારપૂર્વક તમને સમજાવી પણ શકે છે !! એમના એ  કારણો સાચા લાગે એવા હોય તેમ છતાં એ લોકો એ સમયે એ  ભૂલી જતા હોય છે કે એમના જીવનમાં જ કેમ એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે?!

જે વિદ્યાર્થીએ પરીક્ષાની પુરી તૈયારી નથી કરી, એ નક્કી કરે છે કે જો આ વખતે પાસ થઇ જવાય, તો આવતા વર્ષે પહેલા જ દિવસથી વાંચવા બેસી જવું છે. માણસ બીમારીમાંથી સાજો થાય  પોતે ખાન-પાન, વ્યાયામમાં કેવો નિયમિત રહેશે એનો નિર્ણય કરે છે. અમુક કામ નહિ કરવા બદલ નુકસાન થાય ત્યારે એ કામ પોતે ક્યારેય ટાળશે નહિ એવું તે પ્રણ પણ લે છે!

અને છતાં, પાસ થઇ ગયા પછી, બીજે વર્ષે પણ વિદ્યાર્થી અભ્યાસ શરૂ કરવાનું મુલતવી  રાખે છે.આવતીકાલથી વહેલો જાગીશ (આજે નહિ) એમ વિચારીને સવારે ચાલવા જવા કે વ્યાયામ કરવાનું માણસ પાછું ઠેલ્યા કરે છે. અગત્યના મેઈલ ચેક કરીને એના રીપ્લાય નહિ કરવાથી હજારો કે કોઈ વાર લાખોનું નુકસાન થાય તેમ હોય છતાં તે કરવાનું માણસ ટાળે  છે. ફોનબિલ, પાણીનું બિલ, ઈલેક્ટ્રીસીટી બિલ, ક્રેડિટ કાર્ડ બિલ, ઈન્ક્મટેક્સ વિગેરેની તારીખો આવીને  વીતી જાય ત્યાં સુધી એને ભરવાનું ટાળે છે. પૈસા હોય છે, સમય હોય છે, સગવડ પણ હોય છે છતાં આજે કરવાના કામો બીજા દિવસ ઉપર મુલતવી રાખે છે. 


આવું કેમ બને છે? શું લાગે છે આપને ?


કામ ટાળવાની ટેવમાં માણસનું અજાગ્રત મન (સબકોન્શિયસ માઈન્ડ) બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક મનોવિજ્ઞાનીઓ માને છે કે આ ટેવને માણસની ભૂલી જવાની ટેવ સાથે સીધો સંબંધ છે. જે બાબત પોતાને અણગમતી હોય જેમાં પોતાને કોઈક શંકા હોય કે કોઈક છાનો ડર  હોય, અથવા જેની સફળતામાં શંકા હોય એ જ વસ્તુ માણસ ભૂલી જાય છે  અથવા ભૂલી જવા મથે છે! કેટલાક કામો માણસને બોજારૂપ લાગતા  હોય છે છતાં એ કરવાની ના પાડી શકે તેમ હોતો નથી ત્યારે તે કાં તો ભૂલી જાય છે, કાં તો પાછા ઠેલ્યા કરે છે. ઘણી વાર અમુક કામ કરવાથી પોતાની પાસેથી માણસને કંઈક ખુંચવાઇ જતું હોય લાગે છે એ કામ કરવાનું પણ મન પસંદ કરતુ નથી. 


ભૂલી જવાની અને ટાળવાની ક્રિયા ઘણી વાર એક "સાંત્વન" હોય છે. "અરે, એ તો હું ભૂલી જ ગયો!" કે " એ કામ કરવાનું તો રહી જ ગયું!" એમ કહેનાર માણસ ગુનાની ભાવનાથી કે કોઈક પ્રકારના ઠપકાથી બચવા ઈચ્છતો હોય છે. 


એમાં સારી વાત એ છે કે ભૂલી જવાની આદત જેટલું મુશ્કેલ છે એટલું મુશ્કેલમુલતવી રાખવાની આદત સુધારવાનું નથી. કારણકે ભૂલી જવાની ક્રિયા સંપૂર્ણ માનસિક છે જયારે મુલતવી રાખવાની ક્રિયા સંપૂર્ણપણે માનસિક તો નથી જ! વળી તો આપણે મુલતવી રાખવાની ક્રિયાને ગંભીર ના લેતા હોઈએ તો ચેતી જવાની જરુર છે. "ઘી ન્યુયોર્ક ટાઈમ્સ"માં કેટલાક મનોવિજ્ઞાનીઓએ આ  વિષયમાં પોતાના મંતવ્યો રજુ કર્યા છે, જે મુજબ આ કુટેવ એ ઘણી જ ગંભીર છે. અને માણસે એમાંથી જલ્દીથી મુક્ત થઇ જવું જોઈએ! 


કામ મુલતવી રાખનાર ને એ ખ્યાલ નથી આવતો કે આજે મુલતવી રાખેલું કામ કાલે નદીના પટ જેમ વધુ પહોળું થવાનું છે. આજે જે નદી તરવાનું એ મુલ્તવી રાખે છે તે જ તરવાનું કાલે વધારે અઘરું કે  કદાચ, અશક્ય પણ બની જવાનું છે!


આપણી જિંદગી એવી છે કે દરેક વ્યક્તિને એનો કડવો અને મીઠો બંને હિસ્સો ચાખવો જ પડે છે. જે કામ આપણે કરવાના હોય છે એ બધા કંઈ આપણને ગમે એવા નથી હોતા. છતાં, તે કર્યા વિના ચાલે તેવું નથી હોતું. જે વ્યક્તિ આજનું અણગમતું કામ કાલ ઉપર ટાળે  છે એને સમજી લેવું જોઈએ કે કાલે પણ એ જ કામ અણગમતું જ રહેવાનું છે!  એટલું જ નહિ પણ મુલ્તવી રાખેલા કામોનો એટલો મોટો ઢગલો એની સામે ખડો થઇ જવાનો છે કે એની સામે જોતા જ દૂર ભાગી જવાની ઈચ્છા થઈ જવાની છે. પણ, જિંદગીથી કોણ ભાગી શકે છે? જે કોઈ જીવે છે એને કામ કર્યા વિના છૂટકો જ નથી. એટલે, કામથી ભાગવાના બદલે સમયસર કરી લેવાથી જ જિંદગીનો બોજો આસાનીથી ઉપાડી શકાય છે. 


જોકે, એક પણ કામ મુલતવી ન રાખતી હોય એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે, છતાં સામાન્ય રીતે આપણે એમ જરૂર કરી શકીએ કે જે વ્યક્તિ પોતાના કામ ઓછામાં ઓછા મુલ્તવી રાખે, જેને ઓછામાં ઓછા બહાનાંઓનો આશરો લેવો પડે તે વધુમાં વધુ સફળતા પ્રાપ્ત કરી શકે છે!

કામ ના ટાળવાની  અને પોતાના મનને આવી જ રીતે કેળવવાની કેટલીક યુક્તિઓ નિષ્ણાતોએ સૂચવી છે જેના વિષે આપણે આવતા અંકમાં જોઈશું!!