Thursday, July 26, 2018

અલબેલા કિશોરદા

ગત 20/07/2018ના રોજ અવસરના સ્થાપના દિવસના શુભ પ્રસંગે આપણે પ્રારંભ કર્યો "ડો. કાર્તિકની કલમે" વિભાગનો. જેમાં આપણે જોયું કે કિશોરકુમારજીએ કેવી રીતે એક ગુજરાતી સંગીતકારની પાસેથી ધાર્યું કામ કરાવી લીધું અને જોયું કે, "સાપ પણ મર્યો અને લાઠી પણ ના તૂટી"!! ચાલો તો આજે એ જ વાત ને થોડી હજુ આગળ વધારીએ. અને આજે જોઈએ કે કિશોરકુમારે એમના જીવનનું આ પ્રથમ ગુજરાતી ગીત ગાયું કેવા સંજોગોમાં અને કેવી યાદગાર ઘટનાઓ બની એ દરમ્યાન!!


છેવટે એ દિવસ આવ્યો જેની સૌને આતુરતાથી રાહ હતી. તાડદેવ ફિલ્મ સેન્ટરમાં એ ફિલ્મના ગીતનું રેકૉર્ડિંગ કરવાનું હતું. સવારની શિફટ જે નવથી એકની હોય છે એ સમય બુક થયો હતો.

આ ગીત અગાઉ જે ઘટના બની એ તો આપ સૌએ ગયા અઠવાડિયે "ડો. કાર્તિકની કલમે"ના પ્રથમ અંકમાં વાંચી જ હશે કે શું થયું હતું? અને કેમ કિશોરકુમારે કહેલું કે હું આ ગીત નહિ ગઈ શકું? હવે આગળ.....

સામાન્ય રીતે નવ વાગ્યે મ્યુઝિશ્યનો આવે અને તેમની સાથે રિહર્સલ થાય. લગભગ કલાક-દોઢ કલાક પછી ચા-પાણીનો બ્રેક થાય અને ત્યાર બાદ સિંગર્સ આવે અને તેમની સાથે એક-બે રિહર્સલ થયા બાદ ગીત ફાઇનલી રેકૉર્ડ થાય. અરેન્જર અનિલ મોહિલે મ્યુઝિશ્યનો સાથે રિહર્સલ કરતા હતા ત્યાં જ કિશોરકુમાર સ્ટુડિયોમાં આવી પહોંચ્યા. સૌને પણ નવાઈ લાગી.

આવીને કિશોરકુમાર કહે, ‘કલ રાત મુઝે ઠીક સે નીંદ ભી નહીં આઈ. મૈં બહુત નર્વસ હૂં. ઝિંદગી મેં પહલી બાર ગુજરાતી ગાના ગા રહા હૂં.’

અને પછી કહે, ‘મારે આ ગીત માટે પૂરતું રિહર્સલ કરવું છે.  મને આખું ગીત હિન્દીમાં લખીને આપો.’

તેમને એ ગીત લખીને અપાયું. પછી તે કહે, ‘હવે ગુજરાતીમાં ધીરે-ધીરે આ ગીત વાંચો. હું મારી રીતે આ ગીત લખતો જાઉં છું.’

આરામથી ધીરે-ધીરે એ ગીત વાંચીને તેમને સંભળાવ્યું. તેમના કાગળ પર તેમણે અનેક નોટ્સ, ચિહ્નો કર્યા અને પોતાની મેળે સુધારાવધારા કર્યા.

પછી કહે, ‘હવે હું આ વાંચું છું. ધ્યાનથી સાંભળજો. મારા બોલવામાં ક્યાંય પણ ગરબડ થાય તો મને કરેક્ટ કરજો.’

અને આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ તેમણે ગીત વાંચવાનું શરૂ કર્યું. જ્યાં-જ્યાં તેમના ઉચ્ચારણની ભૂલો હતી ત્યાં તેમને સમજાવ્યું. તે જરા પણ કંટાળ્યા વગર ભૂલો સુધારીને ધીરજથી વાંચતા ગયા.
આમ પૂરતું રિહર્સલ કર્યા પછી ગીત રેકૉર્ડ કરવાનું શરૂ થયું. એ પહેલાં કિશોરકુમારે કહ્યું કે ‘આપણે ગીત રેકૉર્ડ કરીએ છીએ પણ એ સાંભળ્યા બાદ તમને એવું લાગે કે આમાં ભૂલો થઈ છે તો આપણે ફરીથી રેકૉર્ડ કરીશું. સમય ગમેએટલો જાય, પણ કામમાં કોઈ ખામી ન રહેવી જોઈએ. એટલા માટે તો મેં આજે બપોરનું લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ સાથેનું રેકૉર્ડિંગ પણ કૅન્સલ કર્યું છે.

ગીત રેકૉર્ડ થયું. સાંભળીને કહે, ‘બરાબર છે? કોઈ ભૂલ નથીને?’

નિર્માતાએ કહ્યું કે એક જગ્યાએ ઉચ્ચારમાં નાની ભૂલ થઈ છે પણ એ એકદમ માઇનર છે, વાંધો નહીં આવે.
તો કહે કે નહીં... નહીં, ચાલો આપણે ફરીથી રેકૉર્ડ કરીએ.

જોકે સૌએ કહ્યું કે કોઈ જરૂર નથી, આ ભૂલ એટલી મોટી નથી, એ સિવાય બધું પર્ફેક્ટ છે, શક્ય છે બીજી વાર રેકૉર્ડ કરીએ તો આનાથી વધારે ભૂલો થઈ શકે.


મૂળ ઘટનાનો રસપ્રદ હાર્દ હવે શરુ થાય છે. વાંચજો મિત્રો આગળ....આ વાતો ખૂબ જ રસપ્રદ હતી, આ એ જમાનો હતો કે જયારે કિશોરકુમારે સફળતાનાં સર્વોચ્ચ શિખરે બિરાજમાન હતા. અને એ સમયે કિશોરકુમાર સામાન્ય રીતે રેકૉર્ડિંગ કરતાં પહેલાં જ પૈસા લઈ લેતા હતા. સામાન્યરીતે સંગીતના જાણકાર માણસોને આ વાતનો ખ્યાલ હશે જ.  તો એ બાબત શું થયું?’ 


રેકૉર્ડિંગ પહેલાં અવિનાશભાઈએ તેમને કહ્યું હતું કે આ નવા યુવાન પ્રોડ્યુસર છે અને મારો દીકરો પ્રથમ વાર સંગીતકાર તરીકે આવ્યો છે તો તમને કેટલા પૈસા આપવાના છે? 
ત્યારે કિશોરકુમારે કહ્યું, ‘હમણાં હું પૈસાની વાત નહીં કરું. પ્રથમ આ ગીત રેકૉર્ડ થવા દો. એ પછી હું જે માગું એ તમારે મને આપવાનું, પણ જો એ તમને વધારે લાગે તો પછી તમારે જેટલા આપવા હોય એટલા આપજો.’

સામાન્ય રીતે તેમનો પૈસાનો વ્યવહાર તેમનો વિશ્વાસુ ડ્રાઇવર અબ્દુલ સંભાળે. રેકૉર્ડિંગ પહેલાં કિશોરકુમાર અબ્દુલને પૂછે, "અબ્દુલ, ચાય પિયા?" મતલબ પૈસા મળ્યા? અને જવાબ હામાં આવે તો જ કિશોરકુમાર રેકૉર્ડિંગ કરે. પણ અહીં તો કૅબિનની બહાર ઊભેલો અબ્દુલ કિશોરકુમારના પ્રશ્નની રાહ જોતો ઊભો હતો. આ બાજુ કિશોરકુમાર પીઠ ફેરવીને બેઠા હતા જેથી તેમનો અને અબ્દુલનો કોઈ આઇ-કૉન્ટૅક્ટ નહોતો. એટલે અબ્દુલે નિર્માતા અને સંગીતકારને પૂછ્યું કે પૈસા બાબત તમારી સાહેબ સાથે શી વાત થઈ છે? પણ જ્યારે તેઓએ કહ્યું કે એ બાબત કોઈ વાતચીત જ નથી થઈ ત્યારે તેને પણ નવાઈ લાગી. કૅબિનની બહારથી કાચમાંથી કિશોરકુમારનો સંપર્ક કરવા કોશિશ કરી પણ એવી કોઈ શક્યતા જ નહોતી.

ગીત ખૂબ જ સુંદર રીતે રેકૉર્ડ થયું. સૌ ખુશ હતા. અવિનાશભાઈએ કિશોરકુમારને પૈસા માટે પૂછ્યું તો જવાબ મળ્યો, ‘હું એક પણ રૂપિયો નહીં લઉં. તમે મને ગુજરાતી ગીત ગાવાનો મોકો આપ્યો એમાં જ મારી કિંમત આવી ગઈ. હું તમારો આભાર માનું છું કે તમે મને આ તક આપી...!!’

આ હતા કિશોરકુમાર. તેમના સ્વભાવ અને તેમની હરકતો વિશે સાંભળેલા અનેક કિસ્સાઓથી વિપરીત થયેલો આ અનુભવ ગુજરાતી ફિલ્મજગતને હંમેશાં યાદ રહેશે.

કિશોરકુમારની યાદોનું સમાપન કરતાં હજુ એક ખાસ વાત આ જ ગીત માટે, ‘જ્યારે આ ગીતનું પિક્ચરાઇઝેશન થવાનું હતું ત્યારે એક સામાન્ય અભિનેતા ( કેવળ આ એક ગીત અને એક સીન માટે) નક્કી થયો હતો. પછી પ્રોડ્યૂસર-ડિરેક્ટરનાં મનમાં વિચાર આવ્યો કે આ ગીત અનુપકુમાર પર પિક્ચરાઇઝ કરીએ તો વાત કંઈક ઓર બને!  તેમનો સંપર્ક કર્યો તો તે તરત માની ગયા. અનુપકુમારના અભિનય પર કિશોરકુમારનું પ્લેબૅક આવે એ વાત જ ગુજરાતી ફિલ્મ માટે અનોખી ઘટના હતી.

તો આ હતી કિશોરકુમારે ગાયેલા પ્રથમ ગુજરાતી ગીતની પડદા પાછળની કહાણી. આ એજ ફિલ્મ હતી કે જેમાં આ સંગીતકારે પણ ગુજરાતી ફિલ્મોમાં બતૌર સ્વતંત્ર સંગીતકાર પદાર્પણ કર્યું અને આહા, શું સંગીત હતું....!!! હજુ આજે પણ એટલું જ સુપર હિટ!! કયું ગીત અને કઈ ફિલ્મનું હવે આપ જ કહો....હિન્ટ માટે ઉપર ફોટો આપ્યો જ છે...!!!

હજું એક નટખટ ઘટના આ જ ગીતની કે જે હતી કિશોરકુમારની ગાયક તરીકેની પસંદગી અંગેની, એ બાકી...!! જે ફરી ક્યારેક કહીશ. 
આશા છે કે આ અંકમાં આપને રસપ્રદ માહિતી મળી હશે.

સંકલન: ડો કાર્તિક શાહ 
સંપર્ક: kartikdshah2000@yahoo.com 

Saturday, July 21, 2018

ઉમાશંકર જોષી


ચાલો કૈક નવું આજે
~~~~~~~~~~~~~~~~

એક મિત્રની ષષ્ઠિપૂર્તિના સંદર્ભે કવિ સુરેશ દલાલે, કવિવર ઉમાશંકર જોશીને ટાંકીને એક યાદગાર પ્રસંગ કહેલો....!

કવિવર ઉમાશંકર જોશીને સાંઠ વર્ષ પૂરાં થયેલાં. તેથી સાહિત્યકાર મિત્રો એમને શુભેચ્છા આપવા ગયેલા. સાહિત્યાકર મિત્રોને જોઈને ઉમાશંકર જોશીને બુદ્ધિક્ષમતાનું માપ કાઢવાની રમત સૂઝી ! એમણે સાહિત્યકાર મિત્રોને પૂછ્યું : '' હમણાં જ ઘરમાંથી એક કુંવારી છોકરી ગઈ એ તમે આવતા હતા ત્યારે સામે જ મળી હશે નહીં ?'' 

સાહિત્યકાર મિત્રોએ 'ના' પાડી.

પછી ઉમાશંકર જોશી સાહિત્યકાર મિત્રો સાથે સાહિત્યરસમાં ગળાડૂબ બન્યા. પરંતુ કોઈ સાહિત્યકારનું ધ્યાન ઉમાશંકરભાઈની વાતમાં હતું જ નહીં ! એમને તો ઉમાશંકર જોશીના ઘરમાંથી કઈ કુંવારી છોકરી નીકળી એનું નામ જાણવામાં જ રસ પડેલો !

સાહિત્યકાર મિત્રોએ તો ઊમાશંકરને પૂછી જ લીધું કે અમે સાંઠની શુભેચ્છા આપવા આવ્યા છીએ પણ તમારા ઘરમાંથી કઈ છોકરી નીકળી ? 

એટલે ઉમાશંકર જોશીએ એમને છાજે એવો જવાબ આપ્યો: '' બુદ્ધિ ! આપણે ત્યાં એમ કહેવાય છે કે સાઠે બુદ્ધિ નાઠી ! એટલે મારા ઘરમાંથી પણ બુદ્ધિ તમે શુભેચ્છા આપવા આવ્યા ત્યારે નીકળી !''

રમૂજના આ કિસ્સાનો વળાંક તો હવે આવે છે. એમણે સાહિત્યકાર મિત્રોને કહ્યું કે સાઠે બુદ્ધિ નાઠી એ વાત સાચી. સાઠ વર્ષે બુદ્ધિ જાય પણ પ્રજ્ઞા આવે ! હવે પછીના દિવસો તો પ્રજ્ઞાવાન થવાના દિવસો છે !

કવિવર ઉમાશંકર જોશીનો આ કિસ્સો બુદ્ધિ અને પ્રજ્ઞાના સંદર્ભમાં પ્રગટ થવા મથતા સત્ય માટે આલેખ્યો છે. સાઠ સુધી રાહ જોયા વગર સોળના હોઇએ ત્યારે પણ પ્રજ્ઞાાને તો ચકાસવી જ જોઇએ ! ડીપ્રેશન 'ડીપ' ત્યારે જ બને, જ્યારે બુદ્ધિ છબછબિયાં કરતી હોય !

સંકલિત:  ડો.  કાર્તિક શાહ 

Wednesday, July 18, 2018

કિશોરકુમારે કોને ના પાડી દીધી? ભાઈ, આ ગીત હું નહીં ગાઈ શકું!



અને કિશોરદા એ સામે કહ્યું, "ભાઈ મારા !! મને ઓળખો છો? કોણ છું હું? મને કહો તો જરા..."
〰️〰️〰️〰️〰️

આજથી એક અલગ જ પ્લેટફોર્મ દ્વારા મારા આ શબ્દોને રજુ કરવા જઈ રહ્યો છું. આશા છે કે આપ સૌએ જેમ "શબ્દ-સંપુટ"ને વ્હાલથી વધાવ્યું છે એ જ વ્હાલ વરસતું રહેશે. "અવસર પરિવાર" એ એક નિઃસ્વાર્થ ભાવે ગુજરાતી સાહિત્ય અને સંગીત ક્ષેત્રે સેવા કરતું પરિવાર છે. હું એની પ્રસિદ્ધિ કરવાનો પ્રયાસ કરી નથી રહ્યો, ના તો એ માટે હું સમર્થ છું. પણ આ પરિવાર, એ ઘણાં જ ઉમદા હેતુથી કોઈ પણ પ્રસિદ્ધિ અને ભપકા-ઠાઠ વિના અવિરતપણે એનું કાર્ય છેલ્લા ઘણાં વર્ષોથી કરી રહ્યું છે.  અને મને એનો આનંદ છે કે હું આ ઘણાં વર્ષોનો સાક્ષી રહ્યો છું અને બીજો આનંદ એનો કે આજના આ ખાસ અવસર સ્થાપના દિવસે મને આ થોડાં ઘણાં શબ્દો "અવસર" પર લખવાનો અવસર મળ્યો!!

ગુજરાતી ગીત-સંગીત, સાહિત્ય અને ખ્યાતનામ હસ્તીઓની એવી કેટલીય અજાણી માહિતીઓ છે કે જે ખરેખર જાણતાં જ આપણને થઈ આવે, "ખરેખર? આવું થયું હશે? ના હોય!!" 

ચાલો, તો આપણી આ યાત્રાનો આરંભ એક લેજેન્ડરી ગાયક અને એવાં જ એક લેજેન્ડરી સંગીતકારથી કરીયે.

લિજેંડરી ગાયક કિશોર કુમાર આ સંગીતકાર પાસે એેક ગીતનું રિહર્સલ કરી રહ્યા હતા. અચાનક સંગીતકારે કંઇક નવું ઉમેર્યું.  કિશોર કુમાર વિસ્મિત થયા. "ચાર દિન પહલે આપને મુઝે જો કેસેટ દિયા થા ઉસમેં તો યહ નહીં થા... કુછ નયા લગતા હૈ..." સંગીતકારે વિનંતીના સૂરે કહ્યું  કે, "ડાયરેક્ટરે આ સૂચવ્યું છે, એટલે મારે ઉમેરવું પડયું." 

"ઠીક હૈ, સુનાઓ...", કિશોરદાએ કહ્યું. સંગીતકારે સંભળાવવા માંડયું. આમ તો ફક્ત બે પંક્તિ નવી ઉમેરાઇ હતી અને એ સાખી રૂપે લેવાની હતી. સંગીતકારે પોતે એક કરતાં વધુ વખત ગાઇને સમજાવવા માંડયું. કિશોરદા સંગીતકારના ચહેરા સામે વિચિત્ર નજરે જોઇ રહ્યા... થોડીક વારે એ તરફ સંગીતકારનું ધ્યાન પડયું. "ક્યા બાત હૈ, આપ ઇસ તરહ ક્યા દેખ રહે હૈં...?", સંગીતકારે કિશોરદાને પૂછ્યું.

'પહલે આપ યહ બતાઓ કિ મૈેં કૌન હું ?' કિશોરદાએ વળતો સવાલ ફેંક્યો. સહેજ ગૂંચવાયેલા સંગીતકારે કહ્યું, "ક્યોં ? આપ બહુત બડે પ્લેબેક સિંગર હૈં... "

'વો તો ઠીક હૈ, લેકિન મેરા નામ ક્યા હૈ ?' કિશોરદાએ વળી એક ગૂગલી ફેંક્યો!! વધુ ગૂંચવાયેલા સંગીતકારે નમ્રતાથી કહ્યું, 'ક્યા કહ રહે હૈં દાદા, આપ કિશોર કુમાર હૈં...'

"હાં... અભી આપને બરાબર બોલા, મૈં કિશોર કુમાર હું...બરાબર ના ? મન્ના ડે તો નહીં હું ના, તો ફિર યહ આપ ક્યા સુના રહે હો ? બહુત કોમ્પલીકેટેડ લગતા હૈ, મૈં નહીં ગા સકતા!!" કિશોર કુમારે બ્રહ્માસ્ત્ર છોડયું. 

સંગીતકાર સ્તબ્ધ થઇ ગયા. એમના ચહેરા પરની અવઢવ જોઇને કિશોર કુમારે જુદી ટ્રીક કરી. હાજર રહેલા એક છોકરાને કહ્યું, "અરે જરા ડાયરેક્ટર કો બુલા લાઓ..." આ બાજુ આવું થતું જોઈ સંગીતકાર તો રીતસરના ગભરાઈ જ ગયા. હવે શુંય થશે એવું વિચારીને!!

ડાયરેક્ટર હાંફળો ફાફળો થઇને દોડતો આવ્યો. ક્યા હુઆ, ક્યા હુઆ...? સંગીતકાર કંઇ કહે એ પહેલાં કિશોર કુમારે બહુ કુનેહપૂર્વક વાત ઉપાડી લીધી. 

કિશોર કુમારે કહ્યું, 'કેટલું સરસ ગીત બન્યું છે ! હવે એના પ્રવાહને આ સાખી અવરોધે છે...ટેમ્પોને અવળી અસર થાય છે. મને લાગે છે કે સાખી જતી કરો તો ગીત જામશે...' 

૧૯૬૮-૬૯માં આરાધના ફિલ્મ પછી તો રાતોરાત કિશોરદાનો સિતારો તેજ થઇ ગયો હતો. એમની કલાનો ચંદ્ર સોળે કળાએ ખીલી રહ્યો હતો. કિશોર કુમાર સૂચન કરે એ નકારવાની હિંમત ડાયરેક્ટર ક્યાંથી કાઢે ? ડાયરેક્ટરે નમતું જોખ્યું. સંગીતકારને કહ્યું, કિશોરદા કહે છે એવું લાગે તો આ સાખી રદ કરી દેજો... કિશોરદાએે સંગીતકાર સામે આંખ મીંચકારી, જાણે કહેતાં હોય, લો, તમારી મૂંઝવણનો માર્ગ મેં કાઢી આપ્યો, બસ ? હવે આગળ ચાલો... સંગીતકારના માથા પરનો બોજ હળવો થઇ ગયો. ગીતનું રિહર્સલ આગળ ચાલ્યું. સંગીતકારની મૂંઝવણનો પણ અનાયાસે અંત આવ્યો. અનુભવી ડાયરેક્ટરને એ પોતે કંઇ કહે એના કરતાં કિશોર કુમારે પોતે વીટો વાપરીને પરિસ્થિતિ સાચવી લીધી હતી. 

સતત જાત અનુભવે ઘડાયેલા આ સંગીતકારે પહેલવહેલું સ્વરનિયોજન કર્યું ત્યારે બનેલો એક અન્ય પ્રસંગ છે. મુંબઇમાં બેઠેલા પિતાને આ વાતની જાણ સમકાલીન સંગીતકારો-ગાયકો દ્વારા થઇ. પુત્ર મુંબઇ આવ્યો ત્યારે વહાલપૂર્વક કહ્યું, તું પણ સ્વરનિયોજન કરતો થયો છે એમ સાંભળ્યું છે.

તારું એ ગીત મને તો સંભળાવ...લિવિંગ લેજન્ડ જેવા એ ધુરંધર પિતા પાસે છોકરો થોડો નર્વસ થઇ ગયો. એણે ડરતાં ડરતાં કહ્યું, તમારી સામે બેસીને હું ગાઇ નહીં શકું. તમે બાજુના રૃમમાં જાઓ. હું અહીં બેસીને ગાઉં છું એ સાંભળજો...

પિતા નજીકના ઓરડામાં ગયા. પુત્રે ગાયું, ગીત પૂરું થયું ત્યારે આંખોમાં ઝળઝળિયાં સાથેે પિતા બહાર આવ્યા અને પુત્રને હેતથી ભેટી પડયા. ખભો થાબડયો. કહ્યું, તું હવે મારો સહાયક બની જા. બીજા બે આસિસ્ટન્ટ તો છે. તું સાથે હોય તો ચોવીસે કલાક જે સૂઝે એમાં તારી મદદ મળતી રહે!!

આપ સૌને ખબર તો પડી જ ગઈ હશે હું કયા મહાન સંગીતકારની વાત કરી રહ્યો છું....

સંકલિત --- કાર્તિક શાહ (૨૦.૦૭.૨૦૧૮)


Thursday, July 12, 2018

અલકા યાજ્ઞિક: પ્રથમ ગીત હિન્દી કે ગુજરાતી??


૨૦-૩-૧૯૬૬ના રોજ કોલકાતામાં જન્મેલી અલકાની મા શુભા યાજ્ઞિક શાસ્ત્રીય ગાયિકા હતાં એટલે અલકાને ગાયકીની પ્રારંભિક તાલીમ મા પાસેથી મળી. ગુજરાતી નાગર પરિવારમાં જન્મેલી અલકાએ માત્ર પાંચ વર્ષની ઉંમરથી કોલકાતા રેડિયો પર ગાવાનું શરૂ કરેલું. બોલિવૂડમાં ૧૯૮૦થી કારકિર્દીનો આરંભ કરનાર અલકા સાત ફિલ્મફેર એવોર્ડ, બે નેશનલ એવોર્ડ અને બીજા બાર-ચૌદ એવોર્ડ મેળવી શકી હોય તે પછી એની પ્રતિભા વિશે કહેવાનું શું બાકી રહે?

લતા મંગેશકર અને આશા ભોંસલેએ ૧૯૮૦- ‘૮૫ પછી પાર્શ્વગાયન ક્ષેત્રે પ્રવૃત્તિ મર્યાદિત કરવા માંડી ત્યારે વિકલ્પો રૂપે અનુરાધા પોંડવાલ, પૂર્ણિમા, કવિતા કૃષ્ણમૂર્તિ, સાધના સરગમ વગેરે ગુંજવા માંડ્યાં, પરંતુ આજે એ અઢી-ત્રણ દાયકાની પાર્શ્વગાયિકાઓમાં લોકપ્રિયતા, શ્રેષ્ઠતા અને સાતત્ય સાથે ટકી જનાર કોઇનું નામ લેવાનું હોય તો ઉપર ગણાવેલી ચાર ગાયિકા સિવાય ચર્ચીત સુનિધી ચૌહાણ કે શ્રેયા ઘોષાલનું ય નહીં, બલકે આપણી ગુજરાતણ અલકા યાજ્ઞિકનું જ નામ લેવું પડે. હિન્દી ફિલ્મોના પાર્શ્વગાયનમાં ચાહે પુરુષ યા સ્ત્રીનામ લેવાનાં હોય તો ગુજરાતીઓ ઓછા મળે, પરંતુ અલકા યાજ્ઞિકની હકીકત ગૌરવપૂર્વક યાદ કરી શકાય. લતા, આશા, ગીતા દત્ત યા એવી કોઇ પણ પાર્શ્વગાયિકા સામે અલકા યાજ્ઞિકની ઉત્તમતા તપાસી તેને શ્રેષ્ઠ ગણવા-ગણાવવાનો ઉપક્રમ નથી, કારણ કે એવી શ્રેષ્ઠતા માત્ર એકલ પ્રયાસે સિદ્ધ નથી થતી. ઉત્તમ સંગીતકારો, ગીતકારો અને ફિલ્મસર્જકો વડે તેમ બને છે.

અલકા યાજ્ઞિકે પાર્શ્વગાયન આરંભ્યું ત્યારે ભારતીય ફિલ્મસંગીતનો સુવર્ણયુગ સર્જનારા ઘણા વિદાય પામી ચૂક્યા હતા. જે હતા તે નિવૃત્ત હતા યા થોડી ઘણી ફિલ્મો કરી રહ્યા હતા. ફિલ્મસંગીતનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો હતો તેથી ઘણું વેરવિખેર હતું. સંગીતકારો જે ગાયિકા પાસે ગવડાવતા તે પણ પ્રયોગરૂપે જ હતું. બધી ગાયિકાઓ પ્રતિષ્ઠા પામવા મથી રહી હતી અને તે તેમણે સતત ગાતા રહેવાની તક શોધતાં રહેવાની હતી. અલકા યાજ્ઞિકે પુરવાર કર્યું કે જો કોઇ સારો વિકલ્પ છે તો હું જ છું. ૨૦- ૩-૧૯૬૬ના રોજ કોલકાતામાં જન્મેલી અલકાની મા શુભા યાજ્ઞિક શાસ્ત્રીય ગાયિકા હતાં. પિતા કોલકાતાની હુગલી રીવર સંસ્થામાં શિપિંગ પાઈલોટ હતા.

અલકાને ગાયનની પ્રારંભિક તાલીમ મા પાસે મળી અને પછી સત્યનારાયણ મિશ્રા, કલ્યાણજી (આણંદજી) પાસે પણ શીખી. રેડિયો સાંભળવો તેને હંમેશાં ગમતો અને પાંચ વર્ષની ઉંમરથી કોલકાતા રેડિયો પર ગાવું ય શરૂ થયેલું. રજાઓમાં મુંબઇ આવે ત્યારે પ્રયત્ન કરતી કે તેના આ ગાયનરસને કેળવવાની વધુ તક ઊભી થાય. કે. લાલ જેવા જાદુગર કોલકાતામાં જ વસતા હતા અને તેઓ અલકાને કલ્યાણજીભાઇ પાસે લઇ ગયા. મા શુભા યાજ્ઞિકનો પણ અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય વગેરે સાથે સંગીતના નાતે પરિચય હતો. અલકા પહેલેથી જ જાણે પોતાને ઘડી રહી હતી. 

રેડિયો પછી વી. બલસારા નાઇટમાં તેણે દસ વર્ષની ઉંમરે પ્રથમ જાહેર કાર્યક્રમ કર્યો હતો. કલ્યાણજી-આણંદજીએ ગાયન અને પાર્શ્વગાયનના ભેદ સમજાવી અલકાની સજજતામાં વધારો કર્યો. ઘણા લોકો માને છે કે ‘લાવારિસ’ ફિલ્મના ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...’ ગીતથી જ અલકાના પાર્શ્વગાયનનો આરંભ થયો, કારણ કે તેમાં સંગીતકાર કલ્યાણજી આણંદજી છે, પરંતુ અલકાનું પ્રથમ ફિલ્મી ગીત ગુજરાતી ફિલ્મ ‘સીતા ત્યાગ’નું છે જે સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે ગવડાવેલું. 

આ ફિલ્મ અધૂરી રહી એટલે તે ગીતની ચર્ચા ન થઇ. ૧૯૭૮માં વળી એ જ પુરુષોત્તમભાઇની ‘લવકુશ’માં તેણે બાળગીત ગાયું. ’૭૯માં ‘પાયલ કી ઝંકાર’ ફિલ્મ માટે સંગીતકાર રાજકમલે તેની પાસે શાસ્ત્રીય ગાયનનાં બોલવાળું ‘થિરક્ત અંગ લચકી ઝૂકી ઝૂમત તાલ તાલ દૈ તારી...’ગવડાવ્યું ત્યારે જ તેને સાંભળનારા પામી ગયા કે અલકામાં પ્રતિભાની કમી નથી. હા, તેનો અવાજ પાતળો હતો, જે ઊંચે જતાં ઓર પાતળો થતો. એ જ રીતે ભાવ પ્રગટ કરવામાં પણ હજુ પૌઢત્વ પ્રગટ્યું ન હતું. કલ્યાણજીભાઇએ તેને બાળગાયિકા તરીકે આરંભ કરવાનું તે માટે જ ના કહેલું, પણ તેમણે જ ‘લાવારિસ’માં અચાનક તક આપી. 

પ્રસંગ એવો બનેલો કે આ ફિલ્મના ‘મેરે અંગનેમે...’ ગીતનાં રિહર્સલ માટે કલ્યાણજી-આણંદજીને ત્યાં અમિતાભ રિહર્સલમાં આવતા હતા. એક વાર એવા રિહર્સલ વેળા તેમણે અલકાને કહ્યું કે, ‘આવ, અમિતાભ છે!’ રિહર્સલ દરમિયાન પૂછ્યું ‘આ ગીતમાં તું અમિતાભ સાથે ગાઇશ?’ અલકા કઇ રીતે ના પાડે? એચ.એમ.વી.ના સ્ટુડિયોમાં તે ગઇ. અમિતાભનું ગાવું પૂરું થયું પછી અવાજ ચકાસવાના હોય તેમ અલકાનેય ગાવા કહ્યું. ગાવા માંડી તો સૂચન આપવા માંડ્યા કે, આમ નહીં આમ ગા. આ રીતે શબ્દ પર ભાર આપ, ઉચ્ચારણ અલગ રીતે કર... તારે રાખી માટે ગાવાનું હોય તો કઇ રીતે ગાય તેમ ગા. અલકાએ બધાં સૂચનો ગ્રહી એક ટેક પછી બીજો ટેક કર્યો.

એ ટેક પછી કહેવાયું કે હમણાં તેં જે ગીત ગાયું તે અમિતાભની ફિલ્મ માટેનું હતું. તે આનંદથી છલકાઇ ઊઠી. બસ, એ ગીતે તેને પાર્શ્વગાયનના અંગનામાં પણ સફળતાપૂર્વક પ્રવેશ કરાવી દીધો. જો કે તે સમયે રાજેશ રોશને ‘હમરી બહુ અલકા’માં અને ‘નમકીન’ માટે આર.ડી. બર્મને અને ઉષા ખન્નાએ ‘હોટલ’ માટે પણ ગવડાવ્યું હતું, પરંતુ ‘લાવારિસ’ ફિલ્મે તેને પાર્શ્વગાયનની એક વારિસ જાહેર કરી દીધી. ત્યાર બાદ લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે તેની પાસે ગવડાવ્યું અને આ ક્રમ એ વો આગળ વધ્યો કે શંકર-(જયકશિન), રવિ, ચિત્રગુપ્ત ઉપરાંત ભપ્પી લહરી, અનુ મલિક, આનંદ-મિલિન્દ, રામ લક્ષ્મણ, જતિન-લલિત સહિતની નવી પેઢીના સંગીતકારો માટે અલકા અનિવાર્ય બનતી ગઇ.

અલકા યાજ્ઞિકની કારકિર્દીના એ તબક્કે અનુરાધા પૌડવાલ જરૂર સશક્ત પ્રતિસ્પધીઁ હતી, પરંતુ તે ગુલશનકુમારની મ્યુઝિક કંપની માટે વિશેષ રીતે બંધાયેલી હતી તેથી તે કંપની સિવાયના સંગીતકારો માટે અલકા સારો વિકલ્પ બની શકી. ૧૯૮૩માં તે મુંબઈ આવીને વસી ગઇ તે પણ આજ કારણે. તેણે એ વર્ષથી જ વિદેશમાં સ્ટેજ શો પણ કરવા માંડ્યા. તેને સમગ્ર રીતે વિકસાવવામાં આ અનુભવો ઉપયોગી થતા ગયા. ગીતની ધૂન તે બહુ ઝડપથી પકડી શકતી એટલે સંગીતકારોને ય રાહત અનુભવાતી. ગુજરાતી નાગર પરિવારમાં જન્મેલી એટલે ઉચ્ચારણ શુદ્ધતા તો હતી જ. 

‘મેરે અંગને મેં...’ પછી ‘તેજાબ’નું ‘એક દો તીન’ (૧૯૮૮) જબરદસ્ત સફળ ગયું. એ ફિલ્મથી માધુરી દીક્ષિત પણ હિરોઇનોમાં નંબર વન બનવા તરફ આગળ વધી ગઇ એટલે અલકા પણ તે વખતથી સફળ હિરોઇનોની મુખ્ય ગાયિકા બને તે સ્વાભાવિક હતું. ‘એક દો તીન’ ગીતે તેને પહેલો ફિલ્મફેર એવોર્ડ પણ અપાવ્યો. ’૮૮માં ‘ક્યામત સે ક્યામત તક’નાં ગીતો પણ એવાં જ લોકપ્રિય થયાં જો કે ’૮૨થી ’૮૮ દરમિયાન ‘તુમસે બઢકર દુનિયામેં’ જેવું કિશોરકુમાર સાથે ગાયેલું ગીત પણ એવું જ મશહુર થયું હતું. 

દર વર્ષે તેને ૧૫-૨૦ ફિલ્મોમાં ગાવાની તક મળવા માંડી હતી. વ્યાવસાયિક સ્પર્ધામાં પ્રવેશો તો સારા-નરસા બંને અનુભવો થઇ શકે. આનંદ-મિલિંદે તેની પાસે ‘દિલ’નાં ગીતો ગવડાવ્યા પછી એ જ ગીતો અનુરાધા પૌડવાલ પાસે એમ કહી ડબ કરાવેલા કે અલકાનો અવાજ માધુરી દીક્ષિત સાથે અનુકૂળ નથી. અલકાએ સહન કરી લીધું પણ ‘સાજન’માં અલકાએ માધુરી માટે જ ગાયેલું ‘દેખા હૈ પહલી બાર સાજનકી આંખોમેં પ્યાર’ જેવા ગીત સફળ થતા પોતાને મુઠ્ઠી પછાડી પુરવાર કરી દીધી. નદીમ-શ્રવણ સાથે તેણે એટલી બધી ફિલ્મોમાં ગાયું કે લોકો તેને તે ગ્રૂપની કહેવા માંડ્યા. અલકા યાજ્ઞિકમાં કારકિર્દીને સંભાળવાની સ્વસ્થ દ્રષ્ટિ હતી અને પૂરા આત્મવિશ્વાસ, મહેનત સાથે પડકારો માટે તૈયાર હતી તેથી તે કોઇ ગ્રૂપની ન રહી, દરેક સંગીતકાર પ્રથમ તેને યાદ કરે પછી બીજી પાર્શ્વગાયિકાને, એવું વર્ચસ્વ જમાવી દીધું. ‘ખલનાયક’નું ‘ચોલી કે પીછે ક્યા હૈ’, ‘હમ હૈ રાહી પ્યાર કે’ અને ‘બાઝીગર’નાં ગીતો પછી તેને કોઇ રોકે પણ કઇ રીતે? આ સિલસિલો ‘કરણ અર્જુન, ‘રાજા હિન્દુસ્તાની’, ‘ખામોશી: ધ મ્યુઝિકલ’, ‘પરદેશ’, ‘ગુપ્ત’ અને પછી ‘કુછ કુછ હોતા હૈ’ના ગીતોએ આગળ વધાર્યો. અલકામાં રહેલું શૈલી વૈવિધ્ય અને ભાવ વૈવિધ્ય દરેક પ્રકારનાં ગીતો સાથે વિસ્તર્યું. 

‘તાલ’માં એ.આર. રહેમાને ‘તાલ સે તાલ મીલા લે’ ગવડાવ્યું ત્યારે તે ચોથા ફિલ્મફેરે પહોંચી ગઇ. મજાની વાત એ હતી કે ‘તેજાબ’ પછી ‘ચોલી કે પીછે...’ (ખલનાયક) અને ‘ઝરા તસવીર સે તુ’ (પરદેશ) ગીતોએ ફિલ્મફેર અપાવ્યો ત્યારે તે સુભાષ ઘાઇની જ ફિલ્મ હતી જેમ ‘તાલ’ ઘાઇની છે. અલકા યાજ્ઞિક વિના કોઇ મોટા બેનરની ફિલ્મનું સંગીત જાણે વેચી શકાતું નથી. તેને ૧૯૯૩ની ‘હમ હૈ રાહી પ્યાર કે’નાં ‘ઘૂંઘટ કી આડસે દિલબરકા’ ગીત માટે ફિલ્મફેર ન મળ્યો તો નેશનલ એવોર્ડ મળ્યો. જો કે એવું ૧૯૯૮ની ‘કુછ કુછ હોતા હૈ’ના ટાઇટલ ગીત માટે ય થયું. 

૧૯૯૯માં તેને ‘તાલ’ માટે ફિલ્મફેર મળ્યો તો આ ગીત માટે બીજો નેશનલ એવોર્ડ. પણ ફિલ્મફેરે તેને તે ૨૦૦૦ વર્ષમા ‘ધડકન’ના ‘દિલને યે કહા દિલ સે’ માટે એવોર્ડ આપ્યો. આવું બધું ચાલતું રહે છે પણ ૧૯૮૦થી કારકિર્દી આરંભ કરનાર અલકા યાજ્ઞિક સાત ફિલ્મફેર એવોર્ડ, બે નેશનલ એવોર્ડ અને બીજા બારચૌદ એવોર્ડ મેળવી શકી હોય તે પછી એની પ્રતિભા વિશે કહેવાનું શું બાકી રહે? ખરેખર તો તેના જેટલા એવોર્ડ્સ તેની સમકાલીન ગાયિકાઓમાં કોઇને મળ્યા નથી.

આશા ભોંસલેને તેમની કારકિર્દીમાં સાત ફિલ્મફેર મળ્યા છે ને અલકાને પણ એટલા તો મળી ચૂક્યા છે. અલકા યાજ્ઞિકના અવાજમાં એક યૌવન છે, કસક ભરી મસ્તી પણ છે અને ‘પંછી નદીયાં...’ ‘જાને કયો... (દિલ ચાહતા હૈ), ‘કભી અલવિદા ના કહેના...’ ગીતો સાંભળતા વેદનાભરી ગંભીરતાનો ય અહેસાસ થશે. આવા ગીતોએ તેને વ્યસ્ત ગાયિકા બનાવી, પરંતુ તેણે લગ્નજીવન પણ પોતાની રીતે સંભાળ્યું. ૧૯૮૯માં નીરજ કપૂર નામના પંજાબી યુવકને પરણેલી અલકાને પતિ વ્યવસાયને કારણે તે સમયે શીલોંગ રહેતા હતા તેથી થોડા થોડા દિવસે ત્યાં જવું પડતું. પુત્રી સાયશાને ફિલ્મ પ્રોડક્શનની બે વર્ષની ટ્રેનિંગમાં મૂકી છે.

એક હજાર જેટલી હિન્દી ફિલ્મો, સો જેટલી ગુજરાતી ફિલ્મો તેમજ અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં સ્વર આપનાર અલકાએ લતા, આશા વિશે પણ કદી ટીકાત્મક ભાષામાં વાત ન કરી બલકે, તેમનો સતત આદર કર્યો, કોઇ સારું ગીત અન્ય ગાયિકા પાસે ચાલી જાય તોય તેણે બળાપો ન પ્રગટ કર્યો. ૨૦૦૬ની ‘ઉમરાવ જાન’નાં ગીતોમાં તેણે ખૂબ મહેનત કરી પણ ફિલ્મની નિષ્ફળતાએ ગીતોને લોકપ્રિય બનતાં અટકાવ્યાં, પણ અલકા હજુ ગાતી રહે છે. ગાતી રહેશે. અત્યારે તેનાં ગીતોની સંખ્યા ગણવી યોગ્ય નથી, તે હજુ કારકિર્દીમાં નવું કરવા સક્ષમ છે. આજની પેઢીની વરિષ્ઠ ગાયિકા ગુજરાતી છે તેનું આપણે ગૌરવ લઈ શકીએ.

સંકલિત: ડો. કાર્તિક ડી. શાહ