Tuesday, November 22, 2016

જુલિયન એફ. ડેટમેર ની ધીરજ અને વેપારકુશળતા


જુલિયન એફ. ડેટમેર

જુલિયન એફ ડેટમેરે ડેટમેર વુલન કંપની ની સ્થાપના કરી અને તે દરજી ના વ્યાપાર માં ગરમ કપડાંની સૌથી મોટી વિતરક કંપની બની. આ ડેટમેર ની વાતોમાંની એક છે:

"વર્ષી પહેલાં, એક સવારે એક ગુસ્સે થયેલ ગ્રાહક મારી ઓફિસમાં ધસી આવ્યો. તેણે અમને 15 ડોલર્સ આપવાનાં હતાં. તેણે તેનો ઇન્કાર કર્યો, પરંતુ અમે જાણતા હતા કે એ જુઠ્ઠો હતો. આથી અમારા ક્રેડિટ ડિપાર્ટમેન્ટે તેને નિયમિત યાદ કરવાનું શરૂ કર્યું. અસંખ્ય વખત યાદ દેવડાવ્યા બાદ તે એમ કહેવા માટે મારી શિકાગોની ઓફિસમાં આવ્યો કે તે માત્ર બિલ જ નહોતો ચૂકવવાનો પણ ભવિષ્યમાં ક્યારેય ડેટમેર  વુલન કંપનીમાંથી એક ડોલરનો પણ માલ ખરીદવાનો નહોતો."

"તેને જે કહેવાનું હતું તે બધું જ મેં  ધૈર્ય પૂર્વક સાંભળ્યું. મને વચ્ચે બોલવાની લાલચ થઈ પણ મને લાગ્યું કે તે ખરાબ રીત બનશે, આથી મેં તેને પોતાને જ બોલવા દીધો. છેવટે જ્યારે તેનો ઉભરો શમ્યો, ત્યારે મેં શાંતિ અને ધીરજપૂર્વક કહ્યું:"

"આના વિશે તમે કહેવા છેક શિકાગો આવ્યાતે માટે હું તમારો આભારી છું. તમે મારા પર ઘણો જ ઉપકાર કર્યો છે કારણકે જો અમારા ક્રેડિટ ડિપાર્ટમેન્ટે તમને પજવ્યા છે, તો તે અન્ય ગ્રાહકોને પણ ચીડવી શકે છે અને તે અત્યંત ખરાબ થશે. મારુ માનો તો તમે આ જેટલા કહેવા ઉત્સુક છો તેના કરતાં હું સાંભળવા વધારે ઉત્સુક છું."

ડેટમેરે ઉમેર્યું કે, "તે 15 ડોલર્સ માંડી વાળશે, કારણકે તેમનો ગ્રાહક ઘણો જ સાવધાન માણસ હતો, જેને માત્ર એક જ એકાઉન્ટ નું ધ્યાન રાખવાનું હતું, જ્યારે ડેટમેરના કારકુનોએ તો હજારો ખાતાઓનું ધ્યાન રાખવાનું હતું. આથી તે ખોટો હોય તેવી શક્યતા ઓછી હતી."

ગ્રાહક ડેટમેર વુલન કંપની માંથી ત્યાર પછીથી કઈં જ ખરીદવા માંગતો નહોતો. તેથી ડેટમેરે બીજા વુલન હાઉસ ની ભલામણ કરી. તેણે તે દિવસે તેને પોતાની સાથે ભોજન લેવા આમંત્રણ આપ્યું, જેની સાથે ગ્રાહક આનાકાની વગર તૈયાર થયો. તેઓ ઓફિસમાં પાછા ફર્યા પછી, ગ્રાહકે અગાઉ ક્યારેય નહોતો મુકયો તેટલો ઓર્ડર આપ્યો. તે હળવાશ ભર્યા મિજાજમાં ઘેર પાછો ફર્યો અને યોગ્ય ને ન્યાયી બનવાની ઈચ્છાથી તેણે ફરી એક વખત પોતાના બિલ પર નજર નાખી તો એક બિલ મળી આવ્યું જેણે તેને ગેરમાર્ગે દોર્યો હતો અને માફી માંગવા સાથે 15 ડોલરનો ચેક ડેટમેરને મોકલી આપ્યો !!

પછીથી, જ્યારે તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તેણે પુત્રને ડેટમેરનું વચ્ચેનું નામ આપ્યું. તેનાથી પણ આગળ, તે બાવીસ વર્ષ પછી મૃત્યુ પામ્યો ત્યાં સુધી તે એ કંપનીનો મિત્ર અને વિશ્વાસુ ગ્રાહક રહ્યો...!

( ક્યારેય દલીલ ન કરવી જોઈએ, દરેક વ્યક્તિ તેની/તેણી ની દ્રષ્ટિએ સાચી હોય છે. ધૈર્ય થી સાંભળો. ધીમે ધીમે નિર્ણય લો. લોકોની પ્રામાણિકતા માં માનો અને તેઓ તેમની પ્રમાણિકતા પ્રદર્શિત અવશ્ય કરશે. દલીલો કરતા વાટાઘાટો દ્વારા સમસ્યાઓ સહેલાઈથી ઉકેલી શકાય છે.)


Monday, November 7, 2016

સ્વ-નિયંત્રણ


સ્વ-નિયંત્રણ 

એક ઉડાન પર (ફ્લાઈટમાં) ભોજન પીરસવામાં આવ્યું. એક સ્ત્રીએ પહેલું કામ ચોકલેટ કેક ના સ્વાદિષ્ટ ટુકડા પર ખુબ જ મીઠું અને મરી છાંટવાનું કર્યું. તેની આવી વિચિત્ર હરકત જોઈને ઉડાન સહાયકે (ફ્લાઇટ એટેન્ડટ) ટિપ્પણી કરી કે "એમ કરવું જરૂરી નહોતું. તમારે એ એમ જ ખાવું જોઈએ." 

" ઓહ , પણ એ બહુજ જરૂરી છે!!" મહિલાએ સ્મિત સાથે જવાબ આપ્યો અને આગળ કહ્યું, " તે મને એ ખાવાથી દૂર રાખશે! "

Sunday, November 6, 2016

સર આઇઝેક ન્યુટન

સર આઇઝેક ન્યુટન 
(25.12.1642-20.03.1726/7)

આઇઝેક ન્યુટનને નજીકના મિત્રએ રાત્રિભોજ માટે આમંત્રણ આપ્યું હતું. ન્યુટન તે સ્થળે મોડા પહોંચ્યા અને પોતાના આગમનની કોઈને જાણ કર્યા વગર દીવાનખંડ માં જઈને બેસી ગયા. થોડો સમય રાહ જોયા પછી, તેમના મિત્રએ ગણી લીધું કે ન્યુટન ક્યાંક અટવાયા હશે અને તેમણે ધારી લીધું કે ન્યુટન નહોતા આવવાના, આથી તેમણે જમી લીધું અને સુઈ ગયા.

ન્યુટન, મહત્વની વૈજ્ઞાનિક બાબતોમાં સંપૂર્ણ ડૂબી જઈને ખાવાનું અને સુવાનું બંને ભૂલી જઈને, આખી રાત દીવાનખંડમાં બેસી રહ્યા.

બીજી સવારે તેમના યજમાને તેમેને દીવાનખંડમાં બેઠેલા જોયા. સ્વાભાવિક રીતે અસ્વસ્થ થયેલા યજમાનને જોઈને ન્યુટને તેમની માફી માંગી.

ખરેખર, એકાગ્રતા એ દરેક પ્રખર બુદ્ધિશાળીનો હોલમાર્ક છે.

ચાર્લ્સ સ્ટેઇનમેટઝ

ચાર્લ્સ સ્ટેઇનમેટઝ, મહાન ઇલેકટ્રીકલ સંશોધક 
(09.04.1865-26.10.1923) 

એક ઇલેક્ટ્રિકલ જાદુગર અને સંશોધક તરીકે પ્રખ્યાત, ચાર્લ્સ સ્ટેઇનમેટઝ જનરલ ઈલકટ્રીક માટે કામ કરતા હતા. તેઓ એક રૂઢ સિગારેટ પીનાર હતા. (ચેઇન સ્મોકર)

આ આદતથી પ્રભાવિત થયા વગર સ્ટેઇનમેટઝના કારખાના ના મેનેજરે કાર્યસ્થળે  સિગારેટ પીવાની મનાઈ ફરમાન કરતો નિયમ દાખલ કરવાનું નક્કી કર્યું. આને લગતી નોટિસો કારખાને ઠેર ઠેર લગાડી દેવાઈ.

સ્ટેઇનમેટઝે નવા નિયમને અવગણ્યો અને ધુમર્પાન (સ્મોકિંગ) ચાલુ રાખ્યું. એક દિવસ એક અધિકારીએ તે નિયમથી અવગત હતા કે નહિ તે પૂછ્યું. સ્ટેઇનમેટઝે જવાબ ના આપ્યો પરંતુ તેના પર ઠંડી નજર જરૂર નાખી.

પછીના બે દિવસ સ્ટેઇનમેટઝ ઓફિસ ના આવ્યા. અને કેટલાક અતિ મહત્વના તથા પેચીદા કાર્યો ધ્યાન અપાયા વગરના બાકી રહ્યા. કામમાં તેમની હાજરી અનિવાર્ય હતી. સત્તાધારી અને મેનેજર તેમની શોધમાં ગયા. છેવટે, બફેલો શહેરમાં એક હોટેલની લોબીમાં તેઓ સિગાર ફૂંકતા  મળ્યા.

"આખી કંપની તમને શોધે છે, સ્ટેઇનમેટઝ! તમે કેમ અહીં છો? શું કારણ છે કે તમે આ રીતે અવિધિસર કામ છોડી અહીં બેઠા છો ?"

" હું અહીં ધુમ્રપાન કરવા આવ્યો છું!!" પછી સ્ટેઇનમેટઝને કામ પર આવવા વિનંતી કરવામાં આવી, અને તેમને વચન આપવામાં આવ્યું કે ફરી ક્યારેય ધુમ્રપાનનો નિયમ તેમના પાર લાગુ કરવામાં નહિ આવે..!"


-- આપની જાણ સારું --- ચાર્લ્સ સ્ટેઇનમેટઝ  A.C. કરન્ટ થિયરી તથા ઇન્ડક્શન મોટરના  મહાન સંશોધક હતા.
(પરિણામો આપો, તમારા દુષણો અને અવગુણો કદાચ સમાવી/ચલાવી લેવાય એવું પણ બને.)

બેર્ટેલ થોરવાલ્ડ્સન

બેર્ટેલ થોરવાલ્ડ્સન, ડેનિશ શિલ્પકાર 
(19.11.1770-24.03.1844)

પ્રખ્યાત ડેનિશ શિલ્પી, થોરવાલ્ડ્સનએ ક્યારેય પોતાની કલા ની ખ્યાતિ ના ગૌરવ પર આધાર કે અભિમાન નહોતું રાખ્યું. જયારે તેને પૂછવામાં આવ્યું કે, " તમે તમારા કયા શિલ્પને સૌથી મહાન ગણો છો?" 

થોરવાલ્ડ્સને જવાબ આપ્યો, " મારુ હવે પછી નું !!!!"

(ખુદના જ તમે પ્રતિસ્પર્ધી બનો. આ એ વલણ છે જે બધા મહાન માણસો તેમના જીવનમાં અપનાવે છે. તમારે એકધારા અને સતતપણે તમારા પોતાના કાર્યને સુધારવું અને તેનાથી આગળ નીકળી જવું જોઈએ.)


અબ્રાહમ લિંકન


અબ્રાહમ લિંકન 

અબ્રાહમ લિંકનના હાથ નીચેનો એક સેક્રેટરી સ્ટેન્ટન ગુસ્સાથી આગ બબુલા હતો કારણકે એક અધિકારી આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગયો હતો. અધિકારીએ ઇરાદાપૂર્વક આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું કે તેના આદેશનું પાલન કરવામાં એ નિષ્ફળ ગયો હતો તે અપ્રસ્તુત હતું. સ્ટેન્ટનની નજરે આ ભૂલ અક્ષમ્ય હતી. તેણે કહ્યું, "મને લાગે છે કે મારે બેસીને એ માણસને બરાબરનો ઠપકો આપવો પડશે."

લિંકને કહ્યું, " એમ કર, તારા મન પર જે છે તે હમણાં જ લખી નાખ અને લખાણ ને એકદમ ધારદાર બનાવજે. એને ઉભો ને ઉભો વેતરી નખાય એવું જ લખજે !"

સ્ટેન્ટન તત્પરતા સાથે લિંકનની સલાહને અનુસર્યો. તેણે એક ધારદાર અને અતિશય નિખાલસપણે ઠપકો લખ્યો અને લિંકનને વાંચી સંભાળવ્યો. 

લિંકને કહ્યું, " બરાબર છે, સરસ લખ્યું છે!"

"આને હું કોના દ્વારા મોકલાવું?", સ્ટેન્ટને વિચાર પ્રસ્તુત કર્યો.

"મોકલવો???!!!, શા માટે??" લિંકને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, "તે મોકલ જ નહીં!!, એને ફાડી નાખ હવે. તે આ વિષય માંથી તારા મનને મુક્ત કર્યું છે અને એ જ જરૂરી પણ હતું. તારે ક્યારેય આવો પત્ર મોકલવાનું ઇચ્છવું ન જોઈએ. હું ક્યારેય તેમ નથી કરતો!"

(દબાયેલ ગુસ્સો આરોગ્ય સમસ્યા ઉભી કરશે. સંડોવાયેલ વ્યક્તિને અસર કર્યા વગર ગુસ્સો વ્યક્ત કરવો તે વધારે યોગ્ય છે.)

લુડોવિકો એન્ટોનિયો મુરાટોરી


લુડોવિકો એન્ટોનિયો મુરાટોરી
(૨૧.૧૦.૧૬૭૨ - ૨૩.૦૧.૧૭૫૦)

ઈટાલીના વિગ્નોલા ની એક શાળામાં એક શિક્ષક પોતે જે ભણાવતા હતાં તેમાં સંપુર્ણ ડૂબી ગયા હતાં. જો કે, તેમનાં પર ધ્યાન આવ્યુ કે તેમનાં કેટલાંક વિદ્યાર્થીઓ સતતપણે બારીની બહાર જોતાં હતાં. પહેલા તો શિક્ષકને લાગ્યું કે તેં બાલિશ કુતુહલ હશે પણ જ્યારે આ ખલેલ લાંબો સમય ચાલુ રહી ત્યારે શિક્ષકે પોતે જઇને બારી પાસે જોવાનું નક્કી કર્યું. તેઓ બારી નીચે ઊભેલા ચિંથરેહાલ અને ઠંડીમાં થરથરતાં એક નવ વર્ષના છોકરાને જોઈને આઘાત પામી ગયા. શિક્ષકે વર્ગને ખલેલ પહોંચાડવા બદલ તેનાં પર રાડો પાડી.

બિચારો છોકરો રડી પડ્યો. તેણે કહ્યુ, "મેં કઈં જ ખોટું નથી કર્યું, હું અહી તમે જે શીખવો છો તેં દૂરથી સાંભળવા અને સ્ટોર પર જતા પહેલા કાંઇક નવું શીખવા માટે ઉભો હતો. જો તમે મને અહી ના ઇચ્છતા હોવ તો હું પાછો નહીં આવુ."

" તું શાળાએ કેમ નથી આવતો તો? "

" મારી પાસે ભણવાના પૈસા નથી...! ", છોકરાએ કહ્યુ.

"જો તુ ભણવા વિશે ખરેખર ગંભીર છે કે નહીં તેં મને જોવા દે. મેં ગઇકાલે અને તેની પહેલાંના દિવસે જે વિષયો સમજાવ્યા હતાં તેનાં વિશે કાંઇ કહે."

છોકરાને બધુંજ યાદ હતુ ને તેં બધું કડકડાટ બોલી ગયો. ડઘાઈ ગયેલાં શિક્ષકે કહ્યું, "૬ લીરા (ઇટાલીનું ચલણ) ની તુ હવે જરાય ચિંતા ના કરીશ, તું ખાલી ભણવા આવ બાકીની તમામ વ્યવસ્થા હું કરીશ!"

છોકરાએ એટલી પ્રગતિ કરી કે વર્ષનાં અંતે શિક્ષકને ખબર નહોતી પડતી કે તેને બીજું શું શીખવવું? તેને મદદ કરવા ત્યાર બાદ ઘણાં લોકો આગળ આવ્યાં. તેં એક મહાન વિદ્વાન, ઇતિહાસનો મહાન વ્યાખ્યાતા અને ઇટલિનો મહાન લેખક બન્યો. એ છોકરો હતો "લુડોવિકો એન્ટોનિયો મુરાટોરી" !

Monday, September 5, 2016

ગણેશ ચતુર્થી નું મહત્વ


ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રિધ્ધી સિદ્ધિ સાથે કૈલાસ જઇ રહ્યાં હતાં. આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈને ચંદ્ર હસવા લાગ્યો. તેમની મોટી ફાંદ, લાંબી સૂંઢ અને ગોળમટોળ દેહ જોઈને ચંદ્ર તેમની ઠેકડી ઉડાડવા લાગ્યો.

ચંદ્ર બોલ્યો: "કેમ ગણેશજી, આજે બ્રહ્મદેવ એ તમને ભૂખ્યા જ કાઢ્યા કે શુ? જુઓને, તમારુ પેટ તૌ દેખાતું જ નથી??!!"

છતાં ગણેશજી કાંઇ બોલ્યા નહીં. એ ધીમા પગલે ચાલતા જ રહ્યાં. એટ્લે વળી પાછો ચંદ્ર બોલ્યો, " આમ ધીમે પગલે કૈલાસ પર કયારે પહોંચશો ? વાહન જોઇયે તૌ લેતા જાઓ !!"

છતાં ગણેશજી એ પાછું વાળીને જોયું પણ નહીં અને ધીમા પગલે ચાલતા જ રહ્યાં. પણ ફરીથી " શુ રુપ ઘડ્યું છે, વાહ!" એમ કહીને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો.

અત્યાર સુધી ચુપ રહેલ ગણેશજી ચંદ્ર નું અભિમાન અને મશ્કરી હવે સહન ના કરી શક્યા. તેઓ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થયાં, અને શાપ આપતાં બોલ્યા:" ચંદ્ર, તને તારા રૂપનું ખૂબ જ અભિમાન છે ને?, તેં આજે મારી ઠેકડી કરીને મને ઉશ્કેર્યો છે આથી મારો તને શાપ છે કે આજના દિવસે એટલેકે ભાદરવા સુદ ચોથ ને દિવસે કોઈ તારી સામે જોશે નહીં.અને જો કોઈ ભૂલેચૂકે જોઇ જશે તૌ તેનાં પાર અણધારી આફત આવી પડશે." આટલુ બોલીને તેઓ પોતાના ધીમા પગલે મંદગતિએ આગળ ચાલવા માંડ્યા.

ચંદ્ર ને ગણેશજીની ઠેકડી મોંઘી પડી. શાપ સાંભળતા જ તેં ધ્રુજી ઉઠ્યો. પોતાની ભુલ સમજાઈ. પણ હવે શુ થાય?? શાપ ની જાણ થતાં જ ત્રિલોકમાં હાહાકાર મચી ગયો.બધાં એક જ વાત વિચારવા લાગ્યા કે જે ચંદ્ર સામે જોશે તેનાં પર મોટી આફત આવશે.

બિચારો ચંદ્ર હવે કોને મો બતાવે? લજ્જાનો માર્યો જળમાં રહેલાં કમળ માં જઇને છુપાઈ ગયો.
દેવો, ગાંધર્વ અને ઋષિઓને ચિંતા થઈ કે આ બારેમાસ અંધારી રાતો કેમ વીતશે?? બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને શાપ ની વાત કરી.

બ્રહ્માજી બોલ્યા: "વિઘ્નહર્તા ગણપતિનો શાપ કદી મિથ્યા થતો નથી. ગણપતિનો શાપ નિવારવા હું, શંકરજી કે વિષ્ણુ કોઈ સમર્થ નથી!! છતાં શાપ નું નિવારણ કરવા માટે ચંદ્રએ ગણેશજીનું વ્રત કરી ખુદ તેમને જ રીઝવવા પડશે. આ વ્રત ભાદરવા સુદ એક થી ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું હોય છે.

દેવતાઓએ આ સંદેશો ચંદ્રને પહોંચાડ્યો.
ભાદરવો મહિનો બેસતાં જ ચંદ્રએ ગણેશજીનું વ્રત કરવા શરૂ કર્યું. ગણેશજીની વિધિવત સ્થાપના કરી પ્રાર્થના કરી, " હુ જાણે અજાણે આપના દોષમાં આવ્યો છું. હવે મને ખુબજ પસ્તાવો થાય છે. હે દયાળુ દેવ, દયા કરો. ક્ષમા કરો! મને આપના શાપ માંથી મુકત કરો.

ગણેશજી ચંદ્રની ભક્તિ જોઇ પ્રસન્ન થયાં અને દર્શન આપતાં બોલ્યા, " હે ચંદ્ર, તને તારી ભુલ સમજાઈ ગઇ છે. તેથી મને ઘણો આનંદ થયો. મેં આપેલા શાપ માંથી સંપુર્ણ મુક્તિ શક્ય નથી!
પરંતું તારી ભક્તિ અને વ્રત નાં પ્રભાવે હુ મારો શાપ જરા હળવો બનાવું છું  જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્ર દર્શન કરી ચોથના દર્શન કરશે તૌ તેને કોઈ પણ દોષ કે સંકટ નડશે નહીં. પણ જો કોઈ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તૌ તેને કલંક લાગશે. એ કલંક્ને દુર કરવા માટે જે કોઈ મારુ ગણેશ ચોથ નું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે એનાં ઉપર મારી કૃપા ઉતરશે.


હે ગણપતિ દાદા, તમે જેવા ચંદ્રને ફળયા, તેમ તમારુ વ્રત કરનાર, આ કથા સાંભળનાર, સૌ કોઈને ફ્ળજો અને પરમ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો...

Sunday, August 21, 2016

" ગુર્જીએફ " -- ક્રોધ



ગુર્જીએફ
ગુર્જીએફ એક મહાન તત્વચિંતક હતાં જગતભરમાં જાણીતા થયાં હતાં.
તેઓ જ્યારે યુવાન હતાં ત્યારે ખૂબ જ સંઘર્ષ માં હતાં અને કોઈ તેમને વિશેષ ઓળખતું પણ નહોતું.


તેમનાં પિતા ઘણાં બુદ્ધિશાળી હતાં. જ્યારે તેઓ મરણ પથારી એ હતાં ત્યારે તેમણે પોતાના પુત્રને બોલાવીને કહ્યુ, " બેટા, હુ ગરીબ છું. તારા માટે કશી મૂડી મુકી જતો નથી. મારી પાસે તને આપવા યોગ્ય કોઈ વસ્તુ નથી. પરંતું મારા પિતાએ મને જે આપ્યું હતુ તેં હુ તને પણ આપતો જાઉં છું,  જીવનભર તુ એને સાચવજે અને નિભાવવજે. "

પુત્ર ગુર્જીએફએ જિજ્ઞાસા થી પુછ્યું, " એ શુ છે તેં કહો !! "
પિતાએ કહ્યુ, " ક્રોધ પર કાબુ!! બેટા, તુ હંમેશા ક્રોધ પર કાબુ રાખજે. તને જ્યારે ક્રોધ આવે ત્યારે ચોવીસ કલાક પછી જ એનો જે જવાબ આપવો હોય તેં આપજે. તેં પહેલા ક્રોધ કરતો નહીં. "

પછી તેમણે શાંત ચિત્તે કહ્યુ, " બસ, આ જ મારી મોટી મૂડી છે, તેને હુ તને આપુ છું. મને મળેલી આ મૂડી મેં સાચવીને રાખી છે તુ પણ સાચવીને રાખજે !!"

ગુર્જીએફએ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો, અપમાન સહન કર્યું....ગુસ્સો આવે ત્યારે ચોવીસ કલાક પછી જવાબ આપીશ એમ કહેતાં રહ્યાં....

અને ગુસ્સા પર કાબુ મેળવી જતે દિવસે તેઓ જગતમાં મહાન વિચારક તરીકે પ્રસિધ્ધ થઈ ગયા..!!

સફળતા- જ્યોર્જ બર્નાર્ડ શો

જ્યોર્જ બર્નાર્ડ શો

સમગ્ર વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શો નું નામ આગળની હરોળમાં છે.

એમની જીવન-આત્મકથા વાંચવા જેવી છે. જો વાંચીએ તૌ તેમનાં જીવન સંઘર્ષના પ્રસંગો વાંચીને આંખો ભીની થઈ જાય.

આર્થિક વિટંબણા મા તેમની યુવાની વીતી હતી. તેમણે જીવન જીવવા પ્રતિકૂળ સંજોગો સામે ભીષણ જંગ ખેલ્યો હતો.

ઘણા વર્ષો સુધી તેઓ નાટકો લખતા રહ્યાં, પરંતું તેમને એકેય પૈસો મળતો નહીં...!

એવાં સંઘર્ષમાં તેઓ નાટકો લખતાં જ રહ્યાં, બસ લખતાં જ રહ્યાં....અને છેવટે વિશ્વના મહાન નાટ્યકાર તરીકે જાણીતા અને માનીતા થયાં...!

એક જિજ્ઞાસુ માણસે તેમને એક દિવસ એક સમારંભમાં પ્રશ્ન પૂછયો: "આપ વિશ્વના મહાન નાટ્યકાર કેવી રીતે બની શક્યા?"

સફળતાનું સાચું રહસ્ય તેમનાં ઉત્તરમાંથી પ્રાપ્ત થાય છે. એમનો ઉત્તર હતો, " હુ દસ કામ કરતો હતો પરંતું તેમાંથી મને એકમાં જ સફળતા મળતી હતી! મારે સો ટકા સફળતા જોઈતી હતી, એટ્લે મેં મારા કાર્યોમાં દસ ગણો વધારો કરી દીધો!! પરિશ્રમ દસ ગણો થવાથી સફળતા શાને ન મળે???!!!"

Wednesday, June 8, 2016

"મોબાઈલ અને માણસ"

૧. હમણાં થોડા દિવસ પહેલાં સુરતની તાજ હોટલમાં રોકાવાનું થયું. તેમાં લંચ અને ડીનર લેતી વખતે એક વાત ઉડીને આંખે વળગે તેવી હતી. અડધો અડધ ટેબલ્સ પર પાશ્ચાત્ય વિદેશીઓ, બાકીના ટેબલ્સ પર આપણા સ્વદેશીઓ અને લાઇવ મ્યુઝિક. ખોરાક માણવાની મઝા આવે તેવું સો ટચનું વાતાવરણ, એમાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે આપણા લોકોનું એક પણ ટેબલ એવું નહતું કે જેમાં એક કે તેથી વધુ વ્યક્તિઓ તેમના મોબાઇલમાં વ્યસ્ત ન હોય...!

કો'ક સામેવાળાને તેના મોબાઇલ સાથે મૂકીને પોતે ફોન પર લટકેલું. કો'ક મફત વાઇફાઇનો લાભ લેવામાં વ્યસ્ત, વળી કેટલાક લાઇવ મ્યુઝીક વગાડનાર બેન્ડ બેકગ્રાઉન્ડમાં આવે તે રીતે સેલ્ફી એડજેસ્ટ કરવાની મથામણમાં, તો અમુક પોતાની ડીશમાં લીધેલી વાનગીઓનો ફોટો પાડવામાં અટવાયેલા અને કેટલાક મોબાઇલ ઉપર ગેમ રમવામાં - એ પણ સાઉન્ડ ઓન સાથે ! 

જ્યારે એક પણ વિદેશી એવો જોવા ન મળ્યો કે જે તેના ફોનમાં વ્યસ્ત હોવાની તો વાત જવા દો એનો મોબાઇલ પણ ટેબલ પર હોય ! આપણે તો ગ્રુપમાં હતા પણ વિદેશીઓ પૈકી ઘણા તો એકલા હતા અને તેમ છતાં'ય મોબાઇલ સાથે નહતા ! જ્યાં બે હતાં ત્યાં બંને એકબીજા સાથેની વાતોમાં મશગૂલ હતા અને જે એકલા હતા તે ત્યાંનું વાતાવરણ અને પોતાની પ્લેટની વાનગીઓ માણવામાં ઓતપ્રોત હતા. 

આમ તો આ વાતની નોંધ મારા મગજે વિદેશ પ્રવાસો દરમ્યાન અનેક વખત લીધેલી છે પરંતુ આ વખતે એ નોંધ તુલનાત્મક થઈ કારણ કે વિદેશીઓ અને સ્વદેશીઓ બાજુ બાજુમાં હતા. તરત સરખામણી થઈ શકે એમ હતી.

સુરતથી અમદાવાદ પાછા આવતા મગજમાં લંચ, ડીનર બંને સમયે નોંધેલી આ વાત ઘુમરાતી રહી. આપણે કૈંક વધારે પડતા મોબાઇલથી જોડાઈ ગયા છીએ. મેં આ જ કોલમમાં એકવાર લખ્યું હતું કે, આપણે ભારતીયો એવી રીતે વર્તી રહ્યા છીએ કે જાણે મોબાઇલ આપણા શરીરનું એક એક્ષ્ટેન્શન હોય. જ્યાં જઈએ ત્યાં એ આપણા શરીર સાથે જોડાયેલો જ હોય. રાત્રે સૂઈ જઈએ ત્યારે પણ હાથવગો અને સવારે ઉઠતાં જ પ્રભાતે કરદર્શનમ્ !ની જગ્યાએ ઉઠતાવેંત મોબાઇલ દર્શનમ્ !! હવે તો ચાર્જિંગમાં ય મોબાઇલ દૂર મૂકવાને બદલે પાવરબેંક સાથે હાથમાં જ. મે કોઈ વિદેશીને મોબાઇલ હાથમાં રાખીને ફરતા નથી જોયા સિવાય કે એ ફોન ઉપર વાત કરતા હોય. 

મારી પાસે કન્સલ્ટેશન માટે આવતા કોઈ વિદેશીએ મારા ટેબલ ઉપર મોબાઇલ ફોન મૂક્યો હોય તેવું મેં જોયું નથી. જ્યારે આપણા લોકોના હાથમાં બબ્બે મોબાઇલ હોય અને આવતાની સાથે એ ટેબલ ઉપર પાર્ક થાય ! કોઈ પણ વ્યક્તિ એકલી બેઠી હોય તો મોટા ભાગે મોબાઇલ પર જ વ્યસ્ત હોય અને ગુ્રપમાં પણ હોય તો વારેવારે મોબાઇલ સ્ક્રીન તો તપાસતી જ હોય !

મઝાની વાત એ છે કે આપણે આટલા લટકેલા રહીને કરીએ છીએ શું ? ફાલતું ફોરવર્ડ વાંચીએ, અને વાંચ્યું- નાવાંચ્યું અને આગળ ધકેલીએ, ઘણીવાર તો એટલા બેધ્યાન કે ફોરવર્ડની નીચે જ એ ફોરવર્ડ, યંત્રવત્ ગુડમોર્નિંગ- ગુડનાઇટ એક જણ વિશ કરે એટલે પાછળ લાઇન. અર્થ વગરની ચર્ચાઓ, પોતપોતાના ગુણગાન વગેરે સાવ ટાઇમપાસ ચાલતું રહે અને આપણો સમય ખર્ચાતો રહે. સાવ સાચી વાત તો એ છે કે મોબાઇલ વાપરતી વખતે મોટાભાગની વ્યક્તિઓના મગજ 'ઓટો પાયલોટ' મોડ પર ચાલે છે વિમાન નિશ્ચિત ઉંચાઈએ પહોંચ્યા પછી 'પાયલોટનું સંચાલન ઓછું અને ઓટો પાયલોટ મોડનું ' સ્વયં સંચાલન યંત્રવત ચાલે છે એમ મોબાઇલ ઉપર બુદ્ધિ ઓછી અને યંત્રવતતા વધુ ચાલે છે. 

એક હાસ્યકારે કહ્યું હતું કે, મનુષ્યમાં બુદ્ધિ છે એ તમારી વાત હું માનું છું, પરંતુ એ જ્યારે ટોળામાં હોય છે ત્યારે એનામાં નથી હોતી, એ મારી વાત તમે માનો ! વોટ્સએપ ગ્રુપમાં આવતી મોટા ભાગની ઠોકમઠોક પોસ્ટ આ વાતની ટાપશી પુરનારી છે ખરેખર આપણે બુદ્ધિ વાપરીને માત્ર કામનું કે ઉપયોગી જ શેર કરીએ તો પોણા ભાગના ફાલતુ ફોરવર્ડ બંધ થઈ જાય એમ છે. પણ એવું થશે નહિ કારણ કે ઘણી વ્યક્તિઓ પાસે કરવા જેવું બીજું કંઈ નથી અને બીજા કેટલાક અમે રહી જઈશુંના ડર ('ફીઅર ઓફ લેફ્ટ આઉટ')માં પોસ્ટ કરે જવાના. હા, આખી'ય વાતમાં પોઝીટીવ એ પણ છે કે ઘણી પોસ્ટ ઉપયોગી હોય છે. તમારા વિચારોને કૈંક નવીનતા આપનારી હોય છે. ચહેરા ઉપર હાસ્ય લાવનારી હોય છે અને કદાચ એટલે જ ફાલતુ ફોરવર્ડ સહન કરીને પણ લોકો ગુ્રપમાં જોડાયેલા હોય છે.

મૂળ મુદ્દો એ છે કે આપણી સાથે રહેલા આપણા અંગત લોકો સાથે વાતચીત કરવાને બદલે આજુબાજુના મઝાના વાતાવરણની મસ્તી માણવાને બદલે કોઈને આપણી જરૃર હોય એવી સંવેદનશીલ પળોમાં જો આપણે મોબાઇલ ઉપર લટકેલા રહીએ તો ચોક્કસ જાતને પ્રશ્ન પૂછવો કે 'યે કુછ જ્યાદા નહીં હો ગયા ?' 

આજે જ બનેલી એક ઘટનાનું ઉદાહરણ મારે આપવું છે - ડીપ્રેશનથી પીડાતા એક બેન રડતા રડતા તેમની હિસ્ટ્રી જણાવી રહ્યા હતા અને એ જ સમયે તેમની સાથે આવેલી યુવાન દીકરી મોબાઇલમાં વ્યસ્ત હતી. મારાથી રહેવાયું નહીં એટલે મેં તેને કહ્યું, 'તારી મા આટલી બધી પીડામાં છે. આત્મહત્યાના વિચારોની વાત કરે છે અને તું મઝાથી ફોન પર વળગેલી છું એના પ્રત્યે કોઈ સંવેદના લાગણી ખરી !' તેના હાવભાવ પરથી મને એટલું ખબર પડી કે તેને મારી આ વાત ના ગમી. એવું નથી કે વિદેશમાં લોકોને મોબાઇલનું વ્યસન નથી હોતું પરંતુ અમુક શિસ્ત એ લોકો હંમેશા જાળવે છે અને તે આપણે શીખવા જેવું છે. હવે જ્યારે મોબાઇલ હાથમાં પકડો ત્યારે બુદ્ધિને તાળું ના મારતા. સાધન મઝાનું છે, અગત્યનું છે, અત્યંત ઉપયોગી છે પરંતુ યાદ રાખજો કટારી સોનાની હોય તો પણ કમર પર જ બંધાય, કંઈ કાળજામાં ના ખોપી દેવાય !


- ડો. હંસલ ભચેચ


. ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું : આપણા સમયે *મૉબાઇલ* ન હતા...!!

હા પણ, બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા...

હા, મેં ત્રીસ વરસ નોકરી કરી, પણ એ નથી સમજી શક્યો કે..હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો...?? 

હા યાદ છે, તમે રિટાયર થયા તે પહેલાં ડાયાબિટીસ ન હતો ત્યારે, હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતી ત્યારે તમે કહેતા કે આજે બપોરે જ ઑફીસમાં વિચાર આવેલો કે આજે ખીર ખાવી છે....

હા ખરેખર, મને ઑફીસથી આવતાં જે વિચાર આવતો એ ઘરે આવીને જોઉ તો અમલમાં જ હોય....

અને યાદ છે, તમને હું પ્રથમ પ્રસુતીએ મારા પિયર હતી, અને દુઃખાવો ઉપડ્યો, મને થયું તમે અત્યારે હોત તો કેટલું સારું.... અને કલાકમાં તો જાણે હું સ્વપ્ન જોતી હોઉં એમ તમે આવી ગયા....

હા, એ દિવસે મને એમ જ થયું લાવ જસ્ટ આંટો મારી આવું...

ખ્યાલ છે..?? તમે મારી આંખોમાં જોઇ કવિતાની બે લીટી બોલતા...!! 

હા, અને તું શરમાઇને આંખો ઢાળી દેતી, એને હું કવિતાની *લાઇક* સમજતો...!! 

અને હા, હું બપોરે ચા બનાવતાં સહેજ દાઝેલી, 

તમે સાંજે આવ્યા અને ખીસ્સામાંથી બર્નૉલ ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મુક...

હા, આગલા દિવસે જ ફસ્ટઍઈડ ના બૉક્સમાં ખાલી થયેલી ટ્યુબ જોઇ એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લાવેલો...

તમે કહો કે આજે છુટવાના સમયે ઑફીસ આવજે આપણે મુવી જોઇ બહાર જમીને આવીશું પાછા...

હા, અને તું આવતી ત્યારે બપોરે ઑફીસની રીસૅસમાં આંખો બંધ કરી મેં વિચાર્યું હોય એજ સાડી પહેરીને તું આવતી...

 ( પાસે જઈ હાથ પકડીને ) 
હા .. આપણાં સમયમાં *મૉબાઇલ* ન હતા...!! 

સાચી વાત છે... 
પણ.. *આપણે બે* હતા...!! 

હા, આજે દીકરો અને એની વહુ એક મેકની જોડે હોય છે...

 પણ ....

એમને ....

વાત નહિ, *વૉટ્સએપ* થાય છૅ,
એમને હુંફ નહિ, *ટૅગ*થાય છૅ,
 સંવાદ નહિ, *કૉમૅન્ટ* થાય છૅ,
 લવ નહિ, *લાઇક* થાય છૅ, 
મીઠો કજીયો નહિ, *અનફ્રૅન્ડ* થાય છે, 
એમને બાળકો નહિ, 
પણ *કૅન્ડીક્રશ*, *સાગા*, *ટૅમ્પલ રન* અને *સબવૅ* થાય છે ..
 ........ છોડ બધી માથાકુટ... 
હવે આપણે *વાઇબ્રંન્ટ મોડ* પર છીએ,,, અને આપણી *બેટરી* પણ એક કાપો રહી છૅ.......

ક્યાં ચાલી....?
"ચા બનાવવા..."
અરે, હું તને કહેવા જ જતો હતો કે ચા બનાવ... 
હા ... હજું હું *કવરૅજમાં* જ છું, 
અને *મેસૅજ* પણ આવે છે...!! 

 ( બન્ને હસી ને...) હા પણ, આપણાં સમયમાં *મૉબાઇલ* નહોતા. . .!!! 

Sunday, May 29, 2016

પીઝઝા ના એ આઠ ટુકડા..........

પીઝઝા ના એ આઠ ટુકડા..........


ઘણા સમય પહેલા હિન્દી માં વાંચેલી એક પોસ્ટ આપની સમક્ષ અહી રજુ કરું છુ. સારી લાગે તો અચૂક શેર કરજો

પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે...
પતિ: કેમ???

પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ??
પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું

પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે?
પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો

પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે.
પતિ: વાહ...અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં???


ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું.
પતિ:કેમ રહી રજા?
કામવાળી: બહુ સારી રહી સાહેબ...દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને...તહેવાર નું બોનસ
પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને
કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા
પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયા નું???

કામવાળી: 
દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો, 
બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી, 
દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના, 
50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો, 
60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું, 
25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી, 
50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો 
અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા બુક અને પેન્સિલ લેવા માટે કચરા પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!!

પતિ: 500 રૂપિયા માં આટલું બધું????
મન માં જ વિચાર આવવા લાગ્યા....
તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો...

પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો. 
‪#‎પહેલો‬ ટુકડો છોકરા ની શર્ટ નો, 
‪#‎બીજો‬ ટુકડો દીકરી ની મીઠાઈ નો, 
‪#‎ત્રીજો‬ મંદિર માં પ્રસાદ નો, 
‪#‎ચોથો‬ ભાડા નો, 
‪#‎પાંચમો‬ ઢીંગલી નો, 
‪#‎છઠ્ઠો‬ બંગડી નો, 
‪#‎સાતમો‬ જમાઈ ના બેલ્ટ નો 
અને ‪#‎આઠમો‬ બુક-પેન્સિલ નો.

આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો.પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી...પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેને જીવન નો અર્થ સમજાવી ગયા હતા.“જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાય ગયું હતું.

Friday, May 27, 2016

રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન


" સર, આપનું જ્ઞાન અગાધ છે. અહીં હિન્દુસ્તાનમાં આપની કોઈ જ કદર નહિ થાય. આપના જેટલું જ્ઞાન ધરાવતી વ્યક્તિ યુરોપમાં તો ખુબ જ આદર અને પ્રસિદ્ધિ પામે. આપ અહીં નકામા સમય વેડફી રહ્યા છો.", એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ કોલેજકાળના પોતાના પ્રાધ્યાપકની પ્રશંશા કરતા કહ્યું. એ ભૂતપૂર્વ વિદ્યાર્થી અત્યારે ખુબ મોટો આઈ.સી.એસ. અમલદાર બની ગયો હતો.

"ભાઈ, આપણા હિન્દુસ્તાનમાં શાની ખોટ છે? મને પરદેશનો બિલકુલ મોહ નથી.", પ્રાધ્યાપકે વળતા કહ્યું.

"આપને ભલે મોહ ના હોય, પણ આપશ્રીની પ્રગતિમાં રસ મારા જેવા આપના ભૂતપૂર્વ વિદ્યાર્થીને તો હોય જ ને ! કેમ્બ્રિજ કે ઓક્સફર્ડની ડિગ્રી લઈને અહીં આવશો એટલે તમારા માનપાન અત્યારે છે એના કરતા અનેક ગણા વધી જશે."

આ વાત અંગ્રેજોનું હિન્દુસ્તાન પર શાસન ચાલતું હતું એ સમયની છે. ત્યારે વિદેશનું આકર્ષણ ખુબ હતું. એ પ્રાધ્યાપકે ખુમારીપૂર્વક જવાબ આપતા કહ્યું: " ભાઈ, મેં અહીં હિન્દુસ્તાનમાં જ રહીને વિદ્યાભ્યાસ કર્યો છે. જે કઈ જ્ઞાન ની તમે પ્રશંશા કરો છો એ મને આ દેશે જ આપ્યું છે. મારા પર મારા દેશનું ઋણ છે, એ કઈ કેમ્બ્રિજ કરતા લગીરેય ઉતરતો નથી. હું ઇંગ્લેન્ડ જઈશ તો ત્યાંના વિદ્યાર્થીઓને ભણાવવા માટે જ નહિ કે ભણવા માટે....!!"

આ પછી 1927માં આ તથાકથિત યુનિવર્સીટી તરફથી એમને " અપ્ટન લેક્ચર સિરીઝ " માટે સામેથી આમંત્રણ મળ્યું...! આ તેજસ્વી પ્રાધ્યાપક એટલે ભારત ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન.

Friday, May 20, 2016

" દીકરી "

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતારી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા.

એકદિવસ છોકરીના સાસરિયાં વાળાએ  વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા. દીકરીના સાસરિયામાં એમને આદર સાથે આવકાર આપવામાં આવ્યો. વેવાઈ માટે ચા આવી. ડાયાબિટીસ હોવાથી ડોક્ટરે ખુબ સાવચેતી રાખવાનું કહેલું અને ખંડવાલી ચા પીવાથી મનાઈ કરેલી પણ નવા સંબંધીને ખોટું ના લાગે એટલે ચા લઈ લીધી. ચાની પહેલી ચૂસકી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા હતી. ખાંડ વગરની અને ઈલાયચી નાંખેલી. છોકરીના પિતાને થયું મારા ટેસ્ટની આ લોકોને કેમ ખબર હશે ?

બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડોકટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા,  ઉઠીને તુરંત વરિયાળીનું પાણી બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.  છોકરીના પિતાને સમજાતું નહોતું કે નવા વેવાઈને આ બધી ખબર કેમ પડી? જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ત્યારે પૂછ્યા વગર ના રહી શક્યા કે મારે શું ખાવાનું છે ? શું પીવાનું છે ? મને કેવો ટેસ્ટ પસંદ છે ? આ બધી ખબર તમને કેમ પડી ?

દીકરીના સાસુએ કહ્યું , " કાલે સાંજે જ તમારી દીકરીનો મારા પર ફોન આવી ગયો હતો. એણે મને કહ્યું કે મારા પપ્પા એના સ્વભાવ પ્રમાણે કઈ બોલશે નહી પણ એની તબિયતને ધ્યાને લેતા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે મારા પપ્પાને સાચવજો." બાપની આંખ ભીની થઇ ગઈ.

છોકરીના પિતા ઘરે આવ્યો એટલે ડ્રોઈંગરૂમમાં રાખેલા સ્વર્ગવાસી માતાના ફોટા પરથી હાર ઉતારીને નીચે મૂકી દીધો. એના પત્નીએ પૂછ્યું," કેમ બાના ફોટા પરથી હાર ઉતારી લીધો." આંખમાં આંસુ સાથે પતિએ એની પત્નીને કહ્યું, " મને આજે ખબર પડી કે  મારુ ધ્યાન રાખનારી મારી માં ગઈ જ નથી. આ જ ઘરમાં હવે એ દીકરીના રુપે રહે છે."

મિત્રો, જેના ઘરમાં દીકરી હોય એને બે માનો પ્રેમ મળે છે એક જન્મદાત્રી મા અને બીજી દીકરીમાં રહીને બાપને જીવની જેમ સાચવતી મા. દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની મા પણ હોય છે...!!!

"બા"

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, " ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. મોટાભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી...."

હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કાપતા કહ્યુ, " મોટાભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? " પતિએ હળવેથી કહ્યુ, " હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? "

પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, " તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ."

બીજા દિવસે પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો. નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા કરી. પત્નિ જ્યારે બહારથી ઘરે આવી ત્યારે એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો. એમણે પતિને પુછ્યુ, " આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો ? " પતિએ દબાતા અવાજે કહ્યુ, " મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે એટલે વધારાનો સામાન બહાર કાઢ્યો."

પતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ એમના પતિ પર રીતસરની તાડુકી " મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને પાછા મુકી આવો નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઇશ."

નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, " બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા." પોતાની માનો અવાજ સાંભળીને પત્નિનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો. પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી.

પતિએ પત્નિ કહ્યુ, " તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી ? "
દરેક સ્ત્રી પોતાના માતા-પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરી શકે તો કોઇ દિકરા એના મા-બાપથી જુદા ન રહે. દિકરી તરીકે તમારા માતા-પિતાને તમારા ભાઇ અને ભાભી સાચવે એવું ઇચ્છો છો તો પછી વહુ તરીકે સાસુ-સસરાને સાચવવામાં શું તકલીફ પડે છે ?

સ્ટોરી નું મોરલ સમજાય તો શેર કરજો !!

Sunday, May 15, 2016

મોબાઈલ અને જીવનનું સામ્ય!


એક યુવાન જીવનથી ખુબ કંટાળેલો હતો. સુખ સુવિધાના તમામ સાધનો હોવા છતા પણ નિરાશા અને હતાશા એને સતત પરેશાન કરી રહી હતી.ફેસબુક પર હજારો ફ્રેન્ડસ હોવા છતા એને એકલતા કોરી ખાતી હતી. એકદિવસ એ કોઇ વિદ્વાન માણસને મળવા ગયો અને પોતાના જીવનની બધા પ્રશ્નો આ વિદ્વાન માણસ પાસે રજુ કરીને નિરાશા-હતાશાને દુર કરવાનો ઉપાય બતાવવા માટે વિનંતી કરી.


વિદ્વાન માણસે કહ્યુ, " ભાઇ તારી સમસ્યાઓનો ઉકેલ તારી પોતાની પાસે જ છે અને તું ઉપાય જાણવા માટે ભટકી રહ્યો છે." પેલા યુવાને વિદ્વાનને પ્રશ્ન કર્યો , " એ વળી કેવી રીતે ?" વિદ્વાને કહ્યુ , " તમે મોબાઇલનો ઉપયોગ કરો છો કે નહી?" સામે તુરંત જ જવાબ મળ્યો , " અરે મોબાઇલ વગર કેવી રીતે જીવી શકાય ! હું એક નહી ત્રણ-ત્રણ મોબાઇલ રાખુ છું"


વિદ્વાને વાતને આગળ વધારતા કહ્યુ , " આ તમારા મોબાઇલમાં કોઇના મેસેજ આવે તો પછી તમે શું કરો ? એ બધા જ મેસેજને સાચવીને રાખો ખરા?" યુવાને કહ્યુ, " ના મહારાજ, બધા મેસેજ સાચવીને રાખીએ તો મોબાઇલ કામ કરતો બંધ થઇ જાય અને આમ પણ બધા જ મેસેજ કંઇ કામના નથી હોતા. અમુક તો સાવ ફાલતુ હોય એને તો વાંચ્યા વગર જ ડીલીટ કરી નાંખું. જો સારા મેસેજ હોય તો મિત્રોને ફોરવર્ડ કરુ અને કેટલાક મેસેજ તો ખુબ જ સારા હોય તો એને સાચવીને રાખુ અને નવરાશના સમયે એને વાંચુ"

હવે પેલા વિદ્વાન માણસે યુવાનનો હાથ પકડીને કહ્યુ , " ભાઇ આ મેસેજની જેમ આપણા જીવનમાં પણ રોજ-બરોજ અનેક ઘટનાઓ બનતી રહે છે. જે ઘટનાઓ સાવ ફાલતુ હોય એને તુંરત જ ડીલીટ કરી દેવી. જે ઘટના સારી હોય એ આપણા પુરતી મર્યાદીત ન રાખતા મિત્રો વચ્ચે વહેંચવી અને કેટલીક ઘટનાઓ એવી હોય કે જેને હદયના ઉંડા ખૂણે સાચવીને રાખી મુકવી અને નવરાશના સમયે એ ઘટનાઓને વાગોળવી."

મિત્રો, આપણે બધા મોબાઇલનો ઉપયોગ કરીએ જ છીએ.મોબાઇલમાં આવતા ફાલતુ મેસેજને તુંરત જ ડીલીટ કરી નાંખનારા આપણે બધા જીવનની ફાલતુ ઘટનાઓને કેમ સેવ કરીને રાખીએ છીએ? અને જે સેવ કરવા જેવી ઘટનાઓ છે એને ડીલીટ કરી નાંખીએ છીએ. કોઇ બાળકે આપેલુ સ્મિત ભૂલાઇ જાય છે અને કોઇએ આપેલા અપશબ્દો જીંદગીભર યાદ રહે છે.

જૂલિયો ઇગ્લેસિયસનું દ્રઢ મનોબળ

જૂલિયો ઇગ્લેસિયસ (જન્મ: 23-09-1943)

સ્પેનની રાજધાની મેડ્રીડમાં તા. 23મી સપ્ટેમ્બર 1943ના રોજ જન્મેલો એક બાળક નાનપણથી ફુટબોલના ખેલાડી બનવાનું સપનું જોતો હતો.જ્યારથી સમજતો થયો ત્યારથી એણે પોતાની જાતને ફુટબોલ માટે સમર્પિત કરી. સ્પેનને પણ આ છોકરામાં ફુટબોલની રાષ્ટ્રીય ટીમ માટેનો એક શ્રેષ્ઠ ખેલાડી દેખાતો હતો.


કિશોરાવસ્થામાં જ એણે સ્પેનની ફુટબોલ ટીમમાં સ્થાન મેળવી લીધુ અને થોડા સમયમાં એ સ્પેનનો નંબર - 1 ગોલકીપર પણ બની ગયો. 1963ના વર્ષમાં મિત્રો સાથે બહાર ફરવા માટે ગયેલા આ યુવાનની કારનો અકસ્માત થયો અને એની કમરનો નીચેનો ભાગ કામ કરતો બંધ થઇ ગયો.


બે વર્ષ સુધી તે ચાલી શકે એવી સ્થિતીમાં પણ નહોતો. 18 મહીના સુધી તો પથારીવશ રહ્યો. આ સમયગાળા દરમ્યાન શરુઆતમાં એ ખુબ નિરાશ થઇ ગયો. પોતાના સપનાને રોળાતુ જોઇને એ ખુબ દુ:ખી થયો. તેની સેવામાં રહેલી નર્સે ઉદાસ યુવાનના જીવનમાં નવા રંગો પુરવા માટે એક ગીટાર ભેટમાં આપી. આખો દિવસ પથારીમાં બેસીને કંટાળેલા આ યુવાને ગીટાર વગાડવાનું શરુ કર્યુ.

ધીમે ધીમે ગીટાર વગાડવામાં એ નિપૂણ બની ગયો. હવે તો એ ગીતો પણ લખવા લાગ્યો. પોતે જ લખે , પોતે જ વગાડે અને પોતે જ ગાય. 1968માં સ્પેનમાં આયોજીત એક સંગિત સ્પર્ધામાં એણે લખેલ અને ગાયેલ ગીત " Life goes on the same " લોકોને ખુબ પસંદ પડ્યુ અને એ સ્પર્ધામાં એણે પ્રથમ ઇનામ જીત્યુ.

આ યુવાને હવે પોતાની બધી જ શક્તિઓ લેખન અને ગાયનના ક્ષેત્રે કેન્દ્રિત કરી જેના પરિણામે આજે એ વિશ્વના શ્રેષ્ઠ ગાયકોમાંનો એક ગાયક ગણાય છે. એણે ગાયેલા ગીતોના 30 કરોડથી વધુ આલ્બમ્સ વેંચાઇ ચુક્યા છે. જૂલિયો ઇગ્લેસિયસ કાર અકસ્માત બાદ ક્યારેય ફુટબોલ નથી રમી શક્યો પણ હતાશાને ખંખેરીને ફરીથી ઉભો થયો અને સંગિતનો બેતાજ બાદશાહ બની ગયો.

જીવનમાં મનગમતા ક્ષેત્રમાં આગળ વધવાની તક ન મળે તો જે ક્ષેત્રમાં જવુ પડે તે ક્ષેત્રને મનગમતુ કરીને જાતને સમર્પિત કરીએ તો આપણે પણ જૂલિયો ઇગ્લેસિયસ જ છીએ.

ગણગણી લે એ જે સહજ આપે,
રોજ ક્યાંથી એ જુદી તરજ આપે ?
- સંજુ વાળા

સાચી સમજ



એક કોલેજીયન છોકરી એની બહેનપણીઓ સાથે પીકનીક પર જઇ રહી હતી. છોકરીના પિતાએ પીકનીક પર જઇ રહેલી દીકરીને કહ્યુ, " બેટા, રાત્રે સમયસર પાછી આવી જજે." છોકરીને પપ્પાની આ વાત સહેજ ખટકી એટલે એણે એના પપ્પાને કહ્યુ, " પપ્પા, હું ક્યાંય પણ બહાર જાવ ત્યારે જાત-જાતની સુચનાઓ મને જ કેમ આપવામાં આવે છે ? ભાઇ જ્યારે બહાર જાય ત્યારે એને તો કોઇ સુચના આપવામાં નથી આવતી ! "

પિતાએ દિકરીના માથા પર હાથ ફેરવીને કહ્યુ, " બેટા, તારી મનોવેદના હું સમજુ છું, તું પણ મારી વેદનાને સમજવા માટેનો પ્રયાસ કર. " પિતા દિકરીનો હાથ પકડીને શેરીમાં લાવ્યા. જીઇબી વાળાનું કંઇક કામ ચાલતું હતું એટલે લોખંડની ઘણી વસ્તુઓ ત્યાં કેટલાક દિવસથી પડી હતી. પિતાએ દિકરીને આ વસ્તુઓ બતાવીને કહ્યુ, " બેટા, તને ખબર છે આ વસ્તુઓ ઘણા દિવસથી બહાર એમ જ પડી છે." છોકરીએ તુરંત જ જવાબ આપ્યો, " હા પપ્પા મને ખબર છે. "


પિતાએ દિકરીને કહ્યુ, " બેટા, આ જીઇબી વાળા લોખંડને એમ જ મુકીને જતા રહ્યા છે એના પર જો ખરોચ પડે તો ? " દિકરીએ હસતા હસતા કહ્યુ, " અરે પપ્પા, લોખંડ પર ખરોચ પડે તો એનાથી એના મૂલ્યમાં કોઇ મોટો ફેરફાર ન થઇ જાય." પિતાએ કહ્યુ, " બેટા, કોઇ ઝવેરી પાસે અત્યંત કિમતી હીરો હોય તો એ હીરાને આ લોખંડની જેમ રેઢો મુકી શકાય ? " છોકરીએ ના પાડી એટલે પિતાએ એમ ન કરવાનું કારણ પુછ્યુ.

દિકરીએ જવાબ આપતા કહ્યુ, " પપ્પા, હિરાના મૂલ્યને ધ્યાનમાં લઇને એની સલામતીની બધી જ વ્યવસ્થા કરવી જોઇએ. જો હીરામાં નાની ખરોચ આવે તો પણ એના મૂલ્યમાં બહુ મોટો ઘટાડો થાય. માટે લોખંડને રેઢુ મુકો એમ હીરાને રેઢો ન મુકી શકાય."

પિતાએ દિકરીને વહાલ કરતા કહ્યુ, " બેટા, તું મારો કિંમતી હીરો છે. તારા પર જરા સરખી પણ ખરોચ આવે તો તારુ અને આપણા પરિવારનું મૂલ્ય ઘટી જાય. બેટા હીરાની સલામતીની પુરી વ્યવસ્થા કરવાની હોય તો મારે મારા હીરાની સલામતીનો વિચાર નહી કરવાનો ? તારો ભાઇ લોખંડ છે એવું નથી પણ સમાજ દિકરી તરીકે તને તો હીરો જ સમજે છે.


મિત્રો, દિકરી એના બાપ અને પરિવાર માટે હીરા સમાન હોય છે અને એટલે જ બાપ અને પરિવાર દિકરીની સલામતીનો થોડો વધુ વિચાર કરે છે. સ્ત્રીસ્વાતંત્ર્ય બિલકૂલ ન છીનવાવુ જોઇએ પરંતું સ્વતંત્રતા , સ્વચ્છંદતા ન બની જાય એ જોવુ જોઇએ.

શિક્ષિકા હંસાબેન માઢક



એક શાળામાં શિક્ષકની વિદાયનો કાર્યક્રમ હતો. વર્ષો સુધી ગામડાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવીને વિદ્યાર્થીઓના વહાલા બહેન આજે વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા હતા. શાળાના આચાર્ય, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ કાર્યનિષ્ઠ શિક્ષકને વિદાય આપવા માટે શાળાના મેદાનમાં ભેગા થયા હતા.


નિવૃતિ લઇ રહેલા શિક્ષિકાની સેવાઓ યાદ કરીને બધા પ્રવચનો કરી રહ્યા હતા અને નિવૃતિ જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યા હતા. પ્રવચનો પુરા થયા એટલે શાળાના આચાર્ય તથા સૌ શિક્ષકોએ સાથે મળીને આ શિક્ષિકા બહેનને શાલ, શ્રીફળ અને સાકરનો પળો આપ્યો. કેટલાક શિક્ષકો એમના માટે ગીફ્ટ લાવ્યા હતા એ ગીફ્ટ પણ આપવામાં આવી.


સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક છોકરી ઉભી થઇ અને શરમાતા શરમાતા બોલી, " મારે પણ મારા તરફથી બહેનને કંઇક આપવું છે ". આચાર્યએ એ છોકરીને આગળ બોલાવી અને કહ્યુ, " બેટા, તારે જે આપવુ હોય તે આપ." છોકરીએ પોતાના દફતરમાંથી એક નાનુ લંચબોકસ કાઢ્યુ અને પોતાના વહાલા બહેનને આપ્યુ. બધાને આશ્વર્ય થયુ કે આ છોકરી લંચબોક્ષમાં શું લાવી. શિક્ષિકાએ લંચબોક્સ ખોલ્યુ તો એમાં થોડી રોટલી અને ગોળ હતો. શિક્ષિકાએ છોકરીને પુછ્યુ, " બેટા, તું મારા માટે રોટલી અને ગોળ કેમ લાવી ? "

છોકરીએ આંખમાં આંસુ સાથે કહ્યુ, " બહેન, હવે તમે આ નિશાળ છોડીને દુર દુર તમારા ગામમાં જશો તમને ભૂખ લાગે તો તમે શું ખાશો ? એટલે હું તમારા માટે ખાવાનું લાવી છું. મારી મા તો મને નાની મુકીને જ મરી ગઇ હતી. હું નિશાળમાં ભણવા માટે આવી અને મને મારી મરી ગયેલી મા તમારા રૂપે પાછી મળી. એક મા પોતાની દિકરીનું ધ્યાન રાખે એમ તમે પણ મને દિકરી સમજીને મારુ ધ્યાન રાખ્યુ છે એટલે હવે મારી પણ ફરજ છે કે હું મારી માનું ધ્યાન રાખુ. આજે માત્ર મારા શિક્ષિકા જ નહી મારી માની પણ વિદાય છે. હું ફરીથી મા વગરની થઇ જઇશ."

નાની છોકરીની વાતો સાંભળીને બધાની આંખો ભીની થઇ ગઇ. એક બીજા શિક્ષિકા બહેને આ દિકરીને ઉપાડી લીધી અને કહ્યુ, " બેટા હવે અમે તારી મા બનીને તારુ ધ્યાન રાખીશું"

આ કોઇ વાર્તા નથી. ધારી પંથકના એક ગામની આ સત્ય ઘટના છે. આ શિક્ષિકાનું નામ છે હંસાબેન માઢક.

મિત્રો, માત્ર કરવા ખાતર કામ કરવું અને દિલ દઇને કામ કરવું આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણને સોંપાયેલ કામ નિષ્ઠાપૂર્વક કરીએ ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલાય લોકોની બહુ મોટી સેવા પણ થતી હોય છે અને એ સેવાની યોગ્ય નોંધ પણ લેવાતી હોય છે

આત્મબળ અને પડકાર



એક રાજાને વિવિધ પ્રકારના પક્ષીઓ પાળવાનો શોખ હતો. એકવખત રાજા કોઇ બીજા રાજ્યની મુલાકાતે ગયા અને ત્યાંથી બે સરસ મજાના બાજ પક્ષી એમની સાથે લાવ્યા. બંને પક્ષી દેખાવમાં ખુબ સુંદર હતા. રાજાએ એ બંનેને તાલીમ આપીને બીજા બાજ પક્ષી કરતા જુદા પાડવાનું નક્કી કર્યુ.

પક્ષીઓને તાલીમ આપવા માટે રાજાએ એક ખાસ માણસની નિમણૂંક કરી. બંને બાજ પક્ષીઓને તાલીમ આપવાની એ નિષ્ણાંતે શરુઆત કરી. દિવસો પસાર થવા લાગ્યા. એક પક્ષી ખુબ સરસ રીતે આકાશમાં ઉડતું હતુ. ઉડતી વખતે જાતજાતના કરતબ પણ કરતુ હતુ જ્યારે બીજુ પક્ષી તો માત્ર ઝાડની ડાળી પર બેસી રહે.

તાલીમ આપનારાએ રાજા પાસે આવીને બધી વાત કરી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઇ વ્યક્તિ પક્ષીને ઉડતુ કરી દેશે તેને 100 સોનામહોરનું ઇનામ આપવામાં આવશે. ઘણા નિષ્ણાંતો આવ્યા. જાત જાતની તરકીબો અજમાવી પણ પક્ષી ઉડવાનું નામ જ ન લે. બધાએ કંટાળીને પ્રયાસો છોડી દીધા.

એકદિવસ એક સાવ સામાન્ય જેવો દેખાતો ખેડુત રાજાને મળવા આવ્યો અને પક્ષીને ઉડતુ કરવાની જવાબદારી સંભાળવાની તૈયારી બતાવી. રાજાએ કહ્યુ , " ભાઇ , આ ક્ષેત્રના મોટા મોટા નિષ્ણાંતો પણ આ કામ કરી શક્યા નથી મને લાગે છે કે તું તારો અને મારો બંને નો સમય બગાડે છે. " ખેડુતે કહ્યુ , " મહારાજા , મને એક તક તો આપો. " રાજાએ ખેડુતની વાત માન્ય રાખી.

થોડા દિવસમાં પેલુ પક્ષી ખુબ સારી રીતે ઉડવા લાગ્યુ. રાજા સહીત બધાને આશ્વર્ય થયુ કે પેલા ખેડુતે એવું તે શું કર્યુ કે માત્ર થોડા દિવસમાં જ પક્ષીએ ઉડવાની શરુઆત કરી દીધી. કારણ જાણવા માટે રાજાએ ખેડુતને દરબારમાં બોલાવ્યો.તમામ દરબારીઓ પણ પક્ષીના ઉડવાનું રહ્સ્ય જાણવા માટે આતુર હતા.

ખેડુતે સ્પષ્ટતા કરતા કહ્યુ , " મહારાજ , પક્ષીને ઉડતુ કરવા મેં કોઇ વિશેષ પ્રયત્ન નથી કર્યા. પક્ષી સતત એક ડાળ પર બેસી રહેતુ આથી એ ડાળ સાથે એને વળગણ થઇ ગયુ હતુ. મેં એ ડાળ જ કપાવી નાંખી જે ડાળ પર એ બેસી રહેતું. હવે એની પાસે ઉડવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. "

આપણે પણ કમ્ફર્ટ ઝોનમાં રહેવા ટેવાયેલા હોવાને કારણે જ ઉડી શકતા નથી. ક્ષમતાઓ તો આપણામાં પણ એ બાજ પક્ષી જેવી જ છે પણ કોઇ નાના-મોટા સહારે બેઠા છીએ અને એટલે જ ઉડી શકતા નથી. તમે સમાજમાં એવા કેટલાય લોકોને જોયા હશે કે એની સહારારુપી ડાળી કપાવાની સાથે જ સફળતાના આકાશમાં મસ્તીથી ઉડતા હોય છે

દુઃખ:- એક ઈશ્વરીય સંકેત




એક ભાઇને બોર ખુબ ભાવે. માણસોને કેરી ભાવે પણ આ ભાઇને બોર કેરી કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે. બોર જોઇને એ પોતાની જાતને રોકી જ ન શકે. એકદિવસ આ ભાઇ એના એક મિત્રની વાડીએ ગયા. મિત્રની વાડીમાં બોરડી પણ વાવેલી અને ખુબ સારા બોર આવેલા. પેલા ભાઇ તો સીધા જ બોરડી પાસે પહોંચી ગયા અને જાણે કે સાત જન્મના ભૂખ્યા હોય એમ બોર પર તુટી પડ્યા.

ઉતાવળે- ઉતાવળે બોર ખાવામાં બોરનો ઠળીયો અંદર જતો રહ્યો. ઠળીયો જો પેટમાં ઉતરી ગયો હોત તો તો બીજો કોઇ વાંચો નહોતો પરંતું એ અન્નનળીમાં ક્યાંક ફસાઇ ગયો. ઠળીયો ન તો બહાર આવે કે ન તો અંદર જાય. પેલા ભાઇ બરોબરની તકલીફમાં મુકાયા. આંખમાંથી આંસુ ચાલ્યા જાય અને કંઇ બોલી પણ ન શકાય. થોડીવાર પહેલાની મજા હવે સજામાં ફેરવાઇ ગઇ.

મિત્રની પરિસ્થિતી જોઇને ખેતરના માલીક એમના મિત્રને પોતાની ગાડીમાં લઇને હોસ્પીટલ પહોંચ્યા. ડોકટર દ્વારા તપાસ કરવામાં આવી પણ ઠળીયો ક્યાં સલવાયો છે તેની કંઇ ખબર પડતી નહોતી. ઠળીયાનું સ્થાન જાણવા માટે રેડીયોલોજીસ્ટ ડોકટરની સેવા લેવાનું નક્કી કરવામાં આવ્યુ અને દર્દીને રેડીયોલોજીસ્ટને ત્યાં રીફર કરવામાં આવ્યા.

રેડીયોલોજીસ્ટ ડોકટરે તમામ પ્રકારના ટેસ્ટ કર્યા અને ઠળીયા ક્યાં અટવાયો છે એ શોધી કાઢ્યુ. તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યુ અને ઠળીયો બહાર કાઢવામાં આવ્યો. એક નાનો ઠળીયો ગળામાં ફસાવાથી ભોગ બનનાર માણસને દિવસે તારા દેખાઇ ગયા અને એણે આવુ દુ:ખ આપવા માટે ભગવાનને ખુબ સંભળાવ્યુ.

અન્નનળીમાં ફસાયેલ ઠળીયો તો બહાર નીકળી ગયો પણ રેડીયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એક બીજી ગંભીર વાત બહાર આવી. તંદુરસ્ત દેખાતા આ ભાઇને કેન્સર પણ હતું. હજુ કેન્સર બીજા સ્ટેજ પર હતું એટલે એની યોગ્ય સારવાર ચાલુ કરી દીધી અને અમુક સમય પછી એ કેન્સર મુક્ત થઇ ગયા. જો આ ભાઇના ગળામાં ઠળીયો ન ફસાયો હોત તો એને કેન્સરની ખબર જ ન પડત અને કદાચ એ ભાઇ લાંબુ જીવી પણ ન શકત.


મિત્રો, જીવનમાં આવતા પ્રશ્નો અને દુ:ખો માત્ર અને માત્ર આપણને તકલીફ આપવા જ નથી આવતા ઘણીવખત આવા દુ:ખો કંઇક નવી ભેટ આપવા કે જીવનમાં નવો પાઠ શીખવવા પણ આવે છે. આપણે માત્ર આવી પડેલા દુ:ખને યાદ કરીને રડ્યા કરીએ છીએ પણ નાનકડા દુ:ખના બદલામાં ભવિષ્યમાં આવનારા કોઇ મોટુ દુ:ખ દુર થઇ ગયુ છે એની ખબર જ નથી. પ્રશ્નો અને પડકારો નુકસાનકારક જ નહી લાભદાયી પણ હોય છે.