Friday, June 30, 2017

દર્દ ડોક્ટરનું! -- સત્યઘટના



આજથી બરાબર ૧૦ વર્ષ પહેલાંની વાત છે. મારી ઓપીડી માં એક ૧૩-૧૪ વર્ષની સાવ એકવડીયું શરીર ધરાવતી અત્યંત બીમાર હાલતમાં છોકરીને લઈને એક મુસ્લિમ પરિવાર પ્રવેશ્યું. છોકરીનું નામ બેનઝિર. હાડપિંજર દેખાતું હતું જાણે. વજન માંડ આશરે 27-28 કિલો હશેઆખા શરીર પર કરચલીઓ, પાતળી સૂકી ચામડી, મોં પર ખૂબ ચાંદા પડી ગયેલ સાથે હોઠ અને જીભ સુજી ગયેલા લાલઘૂમ....કોઈપણ તબીબ સિવાયનો સામાન્ય માનવી પણ સમજી શકે હદે બીમાર અને બિસ્માર હાલત હતી એના સ્વાસ્થ્યની !!!


વાત ચાલુ થઈ. "શાહ સાહેબ, તમે હવે છેલ્લો આશરો છો, મારી દીકરી માટે! કેવી હાલત કરી દીધી છે બીમારીએ મારી રૂપ રૂપની અંબાર છોકરીની. ગામના તથા શહેરના કેટલાય ડોક્ટરોને બતાવ્યું....પણ સ્થિતિ લથડતી જાય છે. તો ભલું થજો ડો.ભટ્ટ સાહેબનું કે એમણે એક છેલ્લું આશાનું કિરણ અમને બતાવ્યું છે ને તમારી પાસે અમે બહુ આશા લઈને આવ્યા છે. મારી દીકરીને સાજી કરી 'લો બસ!!" આટલું બોલતા તો દીકરીના મમ્મી રડી પડયા.

હું પરિસ્થિતિ સમજી ગયો. ને જાણતાં મને વધુ વાર ના થઇ કે તેઓ છેલ્લાં એકાદ વર્ષથી અહીં તહીં સારવાર માટે મથ્યા કરતા હતા. ને સાચે શહેરના બધાજ નામાંકિત ડોક્ટરોને બાકી નહોતા રાખ્યા એમણે...!

બેનઝિરને શુ બીમારી હતી જાણ્યા બાદ સ્થિતી વધુ વિકટ લાગી. એને સંગ્રહણી - અલસરેટિવ કોલાઈટીસ નામના રોગની બીમારી હતી. રોગમાં દર્દીને પુષ્કળ ઝાડા થાય પણ પાછા લોહીના ઝાડા !! પેટનો દુઃખાવો, સાંધાનો દુખાવો, વજન ઓછું થઈ જવું, વાળ ખરી જવા, શરીર પર ચાઠા પડવા, વિટામિન લોહીની અછત રહેવી, કુપોષણ વિગેરે વિગેરે એના તમામ ચિહ્નો એનામાં મોજુદ હતાં!! ભાવનાઓ માંથી બહાર આવી હવે એક વિજ્ઞાનની ભાષા મારે બોલવાની હતી. ...

જુઓ, અલસરેટિવ કોલાઈટીસની બીમારી છે. અને મને દુઃખ વાત કહેતા થાય છે કે આટલી નાની ઉંમરે રોગનો ભોગ આપની દીકરી બની છે. અને રોગ આખી જિંદગી એની સાથે રહેશે!! હા આખી જિંદગી! અને હા જુઓ સારું ના થાય તો અમુક મોંઘી દવાઓ જીવનપર્યંત લેવી પડે ને એય અસર ના કરે તો આખેઆખું મોટું આંતરડું કાઢી નાખવું પડે!! "

"સાહેબ કૈક તો દવા હશે એની...આવું બોલો..."

મેં કહ્યું"દવાઓ છે. પણ લાંબી ચાલશે ને કદાચ જીવનપર્યંત પણ...કેટલીકની આડઅસરો પણ છે. અને સારું રહે તો આપણે જંગ જીત્યા એવું પણ નથી...રોગ શરીરને ભરડો ક્યારે લે કહી ના શકાય. એપિસોડિક રોગ છે...લક્ષણો આવે જાય ..આવે જાય એમ ચાલુ પણ રહે."

સૌ પ્રથમ બધા બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી, કોલોનોસ્કોપી, બાયોપ્સી વિગેરે કરવા પડશે...
સાહેબ, જે કરવું હોય બધું કરો...પણ મારી દીકરીને સાજી કરો. હવે અમે થાક્યાં, બીજે ક્યાંય જવું નથી!!

કોલોનોસ્કોપી, બાયોપ્સી કર્યા બાદ નિદાન મજબૂત થયું.

અમદાવાદ દાખલ થયા બાદ સારવાર ચાલી. લોહીના ઝાડા, ચાઠા, વિગેરે ગાયબ થવા માંડ્યુંદવાઓ બધી હતી જે પહેલા અમદાવાદના નામાંકિત ડોક્ટરોએ આપેલી હતી. પણ ખબર નહીં વખતે અલ્લાહ એમની જોડે હતો કે શું..?? બધું ધાર્યા મુજબ થતું હતું. દીકરી ને એના માબાપ ખુશખુશાલ હતા..!! અમુક રેગ્યુલર લેવાની દવાઓ આપી, રોગ વિશે અને એની ફરી ઉથલો મારવાની ક્ષમતા નો વિસ્તારથી પરિચય આપી બેનઝીરને રજા આપવામાં આવી...શરૂઆતમાં મહિને મહિને બતાવાનું હતું. જે તેઓ રેગ્યુલર આવતા.

બરાબર ચાર મહિના પછી, બેનઝિર, મારી ઓપીડીમાં ખટક ખટક સેન્ડલના અવાજ સાથે પુરી સ્ફૂર્તિથી એના માબાપ સાથે પ્રવેશી"શુ જાદુ કર્યું આપે? મારી દીકરીની તો કાયાપલટ થઈ ગઈ!! જુઓ તો ખરા...એનું વજન પણ 38 કિલો થઈ ગયું!! મારુ કરમાઈ ગયેલું ફૂલ તમે પાછું ખીલવી દીધું!!" તમારો આભાર માનું એટલો ઓછો છે સાહેબ...", આટલું કહેતાં કહેતા   ફરી પાછા રડી પડ્યા ને મારા પગ તરફ નમવા જતા હતા ત્યાંજ મેં એમને રોક્યા!! "માજી શું કરો છો...હું તમારા દીકરા જેવો છું...મારા પગે તમે??? મને શુ કામ શરમમાં નાખો છો? ને મેં કાઈ નથી કર્યું... બધી ટ્રીટમેન્ટ તમારે પહેલેથીજ ચાલુ હતી. મેં તો ખાલી માર્ગદર્શન આપ્યું છે. આપ અલ્લાહની મહેરબાની માનો, નહીં કે મારી...!!"

"હા, તમે મારા દીકરા જેવા તો બેનઝિર પણ તમારી બેન છે. ને બધું અમને ના ખબર પડે!! અમને તો તમારી દવાથી સારું થયું છે ભલે તમે અમારું મન વાળવા અમને આવું કહેતાં હો! તેઓ રડતા રડતા આગળ બોલ્યા. આગળ ભણશે, પરણશે ને જ્યાં પણ જશે તમારે માર્ગદર્શન આપવાનું હવે!!"

મેં કીધું શું બોલો છો? તમે વડીલ છો એને સાચી દિશા આપશો . ને મારા લાગતી કાઈ પણ મદદ હું આપને કરીશ. હવે બેનઝીરને આગળ ભણવા વડોદરા જવાનું છે એટલે ત્યાંથી દર વર્ષે એક વાર બતાવા આવવુ પડશે એમ સલાહ આપવામાં આવી.

બીજા વર્ષે સારું હોવાથી ટ્રીટમેન્ટ કહ્યા મુજબ ચાલુ રાખવાનું કહીને મેં આગળ કહ્યું"હવે જરૂર હોય તો આવવું, બાકી ફરી આવવાની જરૂર નથી...!"

વાત ના ત્રણ વર્ષ પછી એના મમ્મી અચાનક મારી ઓપીડીમાં આવ્યા. જૂની વાતોને યાદ કરી આંખો ફરી ભીની કરી તેઓએ એક મીઠાઈનો ડબ્બો આપ્યો"લો સાહેબ, બેનઝીરનું ભણવાનું સરસ રીતે પૂરું થઈ ગયું ને હવે તે વિલાયત જાય છે. ખાસ કેહવડાવ્યું છે કે ભાઈને કહેજો ત્યાં કાંઈ તકલીફ થશે તો તમને ફોન કરશે...એટલે નંબર ને .મેઈલ આપશો પ્લીઝ...?" 
મેં કહ્યું"કોઈ જરૂર નહીં પડે..બધું સારું રહેશે. છતાં વિજ્ઞાનની ભાષા એમના મમ્મી ને જણાવી કે રોગ નું નક્કી નહીં, 6 મહિના સારું રહે ને 6 વર્ષ સુધી પણ...તમારું નસીબ પછી!!"

વાત ભુલાઈ ગઈ. સમય ક્યાં અટકે છે...કોઈના માટે...? ત્રણેક વર્ષ પછી ફરી પાછા એમના  વાલી મારી ઓપીડી માં રજુ થયા
"બેનઝીરની શાદી છે આવતા મહિને ને તમારે આવાનું છે..બેનઝીરે ખાસ કીધું છે!!" મેં પણ બધાઈ આપતા આવવાનું વચન આપ્યું!

બરાબર બે વર્ષ પહેલાં બેનઝીર અને એના હસબન્ડ મારી જોડે આવ્યા. એના હસબન્ડે કીધું"સાહેબ તમારા બહુ વખાણ કરે છે ને કાંઈ પણ થાય તો તમને બતાવાની જીદ પકડે છે. એટલે આજે હું જાતે લઈને આવ્યો...જુઓને સ્થિતિમાં પણ માનતી નથી. એને સમજાવો કે નાજુક પ્રેગ્નન્ટ સ્થિતિમાં દૂધ, ઘી, ભારે ખોરાક બધું લેવું પડે...નહીં તો...!!" હું સમજી ગયો. બેનઝિર બોલી હસબન્ડ ને કે તમે નથી જાણતા કે હું મરણપથારીએ હતી ને ત્યાંથી તમારી સામે ભાઈ લઇ આવ્યા છે, કહે એમ થશે..! ફરી બધું સમજાવી વાત પૂર્ણ થઈ. ને કેટલાક મહિના પછી ફરી તેઓ એમના બાળકને લઈ ને મારી પાસે આવ્યા, શું નામ રાખવું એના માટે!! મેં કહ્યું"અરે કામ મારુ ના હોય...તમે ખુશખુશાલ છો અને રોગમુક્ત છો  અને તમારું હસતું રમતું કુટુંબ જોઈને મને આનંદ છે..." ....હજુ સિલસિલો ચાલુ રહેશે. ...

સત્યઘટના એટલા માટે રજુ કરી છે કે આજે કેટલાય લોકો ની એવી માન્યતા છે કે ડોકટર પ્રોફેશનલ થઈ ગયા છે. ..અરે એવું નથી...જેમ પોતીકાપણું દર્દીને ખુશ રાખે છે..એજ રીતે ડોક્ટરને પણ પોતીકાપણું સંતોષ આપે છે!

આપણે સૌએ કયારેક ડોક્ટરને પણ આભાર ચૂકવવો જોઇયે... પણ સમાજમાં કેટલાય વર્ષો એની પોતાની ફેમિલી લાઈફ સેકરીફાઇસ કરીને દિવસ રાત કામ કરી રહ્યાં હોય છે. અન્યના છોકરાને સાજા કરવાની લ્હાયમાં ક્યારેક સમયના અભાવે, ડોક્ટર પોતાના બાળકને માંદગી વખતે બીજા ડોક્ટર પાસે જાતે લઈ જઈ શકતો નથી હોતો...!! અરે અન્યની માંદગી દૂર કરવામાં પોતાની બર્થડે, મેરેજ એનિવર્સરી, જાહેર રજાઓ ને એની સાથે પોતાના ફેમિલી સાથે ગાળવાનો ઘણો ખરો સમય ને સાચું કહું તો મોટા ભાગની ઉંમર  બધાનુંય એણે બલિદાન કરી દેવાનું હોય છે. પણ માણસ છે, એને ભગવાન બનાવો...માણસ રહેવા દો....અને પોતીકાપણું ડોક્ટરને પણ ગમે છે

ક્યારેક તમારા ડોક્ટરને પણ કારણ વગર હોસ્પિટલમાં જઇ થેન્ક યુ કહી તો જુઓ....!! માંદા માણસ તો સૌ કોઈ જાય છે પણ જ્યારે  સાજા માણસ એમનેમ હોસ્પિટલમાં જઇ ને ડોકટરને એમની સેવા બદલ બિરદાવે તો કેવું સારું!!! ડોક્ટરને પણ કોઈ અપેક્ષાઓ વગર સેલ્ફ-મોટીવેટેડ રહી સેવાઓ પુરી પાડવાનું બળ મળી રહે...

સાચે 1લી જુલાઈ એટલે કે ડોક્ટર્સ ડે નિમિત્તે ડોકટર્સને એમની સેવાઓ માટે બિરદાવીયે અને આપણે તથા આપણો સમાજ એટલા પણ thankless --  થેન્કલેસ નથી  માટે એમની સેવાઓ સમાજ માટે ઘણી  અમૂલ્ય છે એવું પ્રતીત કરાવીએ!!! 

કહેશોને તમારા ડોક્ટરને? "થેન્ક યુ ડોક્ટર, ફોર બીઈંગ ઘેર ફોર અસ!!"

કાર્તિક દિલીપકુમાર શાહ