Monday, October 30, 2017

આઈન્સ્ટાઈન

આઈન્સ્ટાઈનની બીજી પત્ની એલ્સા ઘણું ઓછું ભણેલી હતી. એના માટે તેમના સિદ્ધાંતો માત્ર ગૂઢ રહસ્યો જ હતા. આથી એકવાર એણે કહ્યું : ‘તમારા બધા સંશોધનોનો મને થોડો પરિચય આપો. લોકો એ અંગે ચર્ચાઓ કરે છે ત્યારે મને એ કહેતાં શરમ લાગે છે કે એ અંગે હું કંઈ જાણતી નથી.’

એકક્ષણ માટે આઈન્સ્ટાઈનનું માથું ચકરાવા લાગ્યું, ‘એને કઈ રીતે સમજાવું ! વળી ના પાડવામાં પણ જોખમ છે !’ પણ બીજી ક્ષણે તેમને એક યુક્તિ સૂઝી અને સ્મિત કરતાં તેમણે કહ્યું : ‘જ્યારે લોકો તને પ્રશ્નો પૂછે તો એમ કહેવું કે તું એ વિશે બધું જાણે છે, પણ આ અંગે કશું કહી શકે નહિ, કેમ કે એ એક મહાન રહસ્ય છે !’

અને છેલ્લે:

ઈંગલેન્ડના વડાપ્રધાન ગ્લેડસ્ટન રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરી રહ્યા હતા એ જોઈને એક મિત્રે કહ્યું : ‘તમારો પુત્ર હંમેશાં ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરે છે ને તમે આ દેશના વડાપ્રધાન હોવા છતાં થર્ડ કલાસમાં ?’

ગ્લેડસ્ટને તેમના ખભે હાથ રાખીને જવાબ આપ્યો : ‘હું એક ખેડૂતનો પુત્ર છું, જ્યારે એ એક વડાપ્રધાન નો !’

એલેકઝાંડર ફ્લેમિંગ




સ્કોટલેંડમાં ફ્લેમિંગ નામનો એક ખેડૂત તેનાં ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ વખતે તેણે અચાનક જ કોઇની મદદ માટેની ચીસ સાંભળી. સાંભળતા જ ફ્લેમિંગ એ તરફ દોડ્યો. જોયું તો એક છોકરો ત્યાંની રેતાળ જમીનમાં રેતીની અંદર ખૂપી રહ્યો હતો. દોડીને ફ્લેમિંગ બાજુમાંથી ઝાડની એક મોટી ડાળી લાવ્યો અને તેને તે છોકરા તરફ મદદ માટે લંબાવી. છોકરો તે ડાળી પકડીને બહાર આવીને બચી ગયો.


એ પછીનાં દિવસે છોકરાનાં પિતા એવા એક ધનાઢ્ય સજ્જન તે ખેડૂત પાસે તેનો આભાર માનવા આવ્યાં. એ વખતે ફ્લેમિંગનો પુત્ર ત્યાં જ ખેતરમાં રમી રહ્યો હતો. તેનાં ભાવિ વિશે પૂછતા ફ્લેમિંગે જવાબ આપ્યો કે તે પણ મારી જેમ ખેતરમાં જ કામ કરશે. પેલા સજ્જને ફ્લેમિંગને એનાં પુત્રને શહેરમાં પોતાની સાથે લઇ જઇને અભ્યાસ કરે તે માટે મનાવ્યો. ફ્લેમિંગ તેમાં સમંત થયા.


આગળ જતાં પેલા ધનાઢ્ય સજ્જનને ત્યાં અભ્યાસ કરતો પેલો ખેડૂતપુત્ર એલેકઝાંડર ફ્લેમિંગ નામનો મહાન વૈજ્ઞાનિક બન્યો. તેણે શોધેલ પેનિસિલિનને કારણે લાખો દર્દીઓને રાહત અને નવજીવન મળ્યું. 

અને છેલ્લે: 
એકવખત એવું બન્યું કે પેલા ધનિક સજ્જ્નનાં પુત્રને ન્યુમોનિયા થયો. એ વખતે તેનાં બચાવમાં પણ પેલી પેનિસિલિનની દવા જ કામ આવી. ખેડૂત ફ્લેમિંગે કોઇ અપેક્ષા વગર જ મદદ કરી હતી, અને પેલા સજ્જને પણ. 

Sunday, October 29, 2017

ગોવિંદ રાનડે


મહાદેવ ગોવિંદ રાનડે
એક દહાડો એક છોકરાની સાથે રમનાર કોઈ ન મળ્યું. એકલો બેઠો બેઠો કંટાળ્યો એટલે પોતાની ફોઈબા પાસે પહોંચ્યો. કહે, ‘ફોઈબા, ચોપાટ આપો ને!’
ફોઈબાએ પૂછ્યું, ‘ચોપાટ કોની સાથે રમીશ?’
છોકરો કહે, ‘એ તો ગોતી કાઢીશ.’
ફોઈબાએ ચોપાટ આપી. છોકરો ઘરની ઓશરીમાં એક થાંભલા સામે બેઠો. બેયની વચ્ચે ચોપાટ પાથરીને એણે રમત શરૂ કરી. થાંભલાને કહે, ‘દોસ્ત, તારા દાણા હું નાખીશ અને તારી ચાલ હું ચાલીશ. ડાબે હાથે મારા દાણા નાંખીશ અને જમણે હાથે તારા દાણા પાડીશ.’
બસ, આટલું નક્કી કરીને એણે રમવા માંડ્યું. પહેલા થાંભલાનો દાવ લીધો, એ માટે જમણે હાથે દાણા નાંખ્યા, જેટલા દાણા પડ્યા એ પ્રમાણે થાંભલાની કુકરી ચલાવી, પછી ડાબે હાથે પોતાના દાણા નાખ્યા. આમ રમત ચાલતી રહી. ઘણી વારે રમત પૂરી થઈ ત્યારે થાંભલો જીતી ગયો હતો !
થોડે છેટે બેઠાં બેઠાં ફોઈબા આ ખેલ જોતાં હતાં અને હસતાં હતાં. એ બોલ્યા, ‘કેમ રે મહાદેવ, એક થાંભલાથી હારી ગયો?’
છોકરાએ કહ્યું, ‘શું કરું ફોઈબા, ડાબે હાથે દાણા પાડવાની ટેવ નથી ને, એટલે મારા દાણા ઓછા પડતા હતા. થાંભલાનો જમણો હાથ હતો એટલે એ જીતી ગયો.
ફોઈએ કહ્યું, ‘તો પછી તેં પોતાને માટે જમણો હાથ કેમ ન રાખ્યો? તો તું જીતી જાત ને? એક જડ થાંભલાથી તો હારવું ન પડત !’
છોકરાએ અદબ ભીડી, ગૌરવથી કહ્યું, ‘હારી ગયો તો શું થયું ? મને કોઈ બેઈમાન તો નહીં કહે ને ! મારે માટે જમણો હાથ રાખું અને બિચારા અબોલ થાંભલાને ડાબો હાથ આપું, એ તો બેઈમાની ગણાય, અન્યાય ગણાય.’
અભણ ફોઈબાને બાળકનો આ જવાબ બહુ સમજાયો નહીં, પણ એને એટલું જરૂર લાગ્યું કે ભત્રીજો અસાધારણ પ્રતિભા ધરાવતો છોકરો છે.
એક થાંભલા સાથેની રમતમાં પણ બેઈમાની ન કરનાર આ છોકરો આગળ જતાં ખૂબ મોટો ન્યાયાધીશ બન્યો, સમાજ સુધારક બન્યો. સર એલન ઑક્ટેવિયન હ્યુમની સાથે મળીને એણે હિન્દી મહાસભાની સ્થાપના કરી.
એમનું નામ મહાદેવ ગોવિંદ રાનડે. એમનું ચરિત્ર વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે ભારતમાં  આવા સાચા મહાપુરુષો પેદા થયા છે.
એકવાર એમને કશાક કામે કલકત્તા જઈને રહેવાનું થયું, ઠીક ઠીક લાંબો સમય રહેવાનું હતું એટલે રાનડેને લાગ્યું કે જ્યાં કામ કરતા હોઈએ ત્યાંની ભાષા શીખી લેવી જોઈએ એટલે એમણે બંગાળી ભાષા શીખવા માંડી.
એમને બંગાળી શીખવનાર કોઈ ખાસ શિક્ષક નહોતા, તેઓ જાતે જ કેટલીક પ્રાથમિક ચોપડીઓ મેળવીને વાંચતા અને બંગાળી શીખતા. કેટલીક વાર કર્યું ન સમજાય તો જે બંગાળી હાથવગો હોય તેને પૂછી લેતા!
એક વાર એવું બન્યું કે એક પુસ્તકમાં કેટલાક શબ્દો એમને સમજાયા નહીં, એ કોને પૂછવા એનો પોતે વિચાર કરતા હતા. એટલામાં એમની હજામત કરનારો નાયી આવી ચડ્યો. રાનડેએ હજામત શરૂ કરાવતા પહેલા કહ્યું, ‘ભાઈ, મને તમારી ભાષાના કેટલાક શબ્દો સમજાતા નથી, એ સમજાવશો ? ચોપડી લઈ આવું ?’
નાયીએ હા પાડી એટલે રાનડે પોતાના ઓરડામાંથી એક ચોપડી લઈ આવ્યા. પછી તો હજામત કરાવતા જાય અને સવાલો પૂછતા જાય. એમ ઘણા વખત સુધી ચાલ્યું.
આખરે નાયી પોતાનું કામ પતાવીને ગયો એટલે રસોડામાંથી રાનડેના પત્ની બહાર આવ્યાં અને રાનડેની હાંસી કરતા કરતાં કહેવા લાગ્યા, ‘વાહ રે, મોટા વિદ્વાન ન્યાયમૂર્તિજી, એક નાયી પાસે વિદ્યા ભણવા બેઠાં !’
ત્યારે જરાય હસ્યા વગર, ગંભીર બનીને રાનડે બોલ્યા, ‘બાઈ ! તમને ગુરુ દત્તાત્રયની કથા યાદ છે? એમણે એક હજાર ગુરુ કર્યા હતાં. એમાં કૂતરાનો પણ સમાવેશ થયો હતો, કારણ કે કૂતરા પાસેથી પણ વફાદારીનો ગુણ ગ્રહણ કરવા જેવો છે. એ જ રીતે નાયી જેવા સામાન્ય માણસ પાસેથી પણ ગુણ અને વિદ્યા ગ્રહણ કરવામાં મને કશી નાનમ લાગતી નથી.’
– ‘અત્તરનાં પૂમડાં’માંથી સાભાર

અને છેલ્લે:-
ઝંખના વિનાનું જીવન અંધકારમય છે, જ્ઞાન વિનાની ઝંખના આંધળી છે, કાર્ય વિનાનું જ્ઞાન નિરર્થક છે અને પ્રેમ વિનાનું કાર્ય વંઠે છે. પ્રેમપૂર્વક કાર્ય કરવું એટલે હ્રદયના તારથી પ્રિયજનમાટે વસ્ત્ર વણવું. પ્રિયના નિવાસ માટે સ્નેહની રેતીથી કુટિર ચણવી ને પ્રિયના આહાર માટે પ્રેમથી ખેતર ખેડવું.
ખલિલ જિબ્રાન

અમિતાભ બચ્ચન અને ડેની ડેન્જોગપા

"અમારા બચ્ચન ફેન વ્હોટ્સ એપ ગ્રૂપને સમર્પિત"

ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયામાં ડેની અને જયા ભાદુરી સાથે હતાં એટલે એ સંબંધના નાતે બચ્ચન-ફૅમિલી સાથે યારી-દોસ્તી વધી જે આજ સુધી રહી. એમ છતાં અમુક બાબતોમાં સિદ્ધાંતોને ક્લિયર રાખ્યા હતા. એંસી-નેવુંના સમયમાં અમિતજી સાથે કામ કરવા માટે લોકો રાહ જોતા ત્યારે ડેની તેમની સામે ઑફર થતી ફિલ્મો નકારી દેતો. તેમના સ્ટારડમથી ડરીને નહીં પણ તેમની ઑરાની સામે ટકી રહેવા માટે પ્રૉપર રોલ હોવો જોઈએ એવું ધારીને. લગભગ અઢાર વર્ષ સુધી ડેનીએ તેમની સાથેની ફિલ્મમાં કામ કરવાની ના પાડી છે, જે રોલ ત્યાર પછી અમજદ ખાન કે અમરીશ પુરીને ઑફર થતા અને એ લોકો રોલ કરતા. આંકડો તો યાદ નથી, પણ એવું ચોક્કસ કહીશ કે એ લોકોએ અમિતાભ બચ્ચન સાથે કરી એમાંની ફિફ્ટી પર્સન્ટ ફિલ્મ ડેનીને ઑફર થઈ હતી અને ડેનીએ ના પાડી એટલે એ અમરીશ પુરી કે અમજદ ખાન પાસે ગઈ. 

ડેની પોતે કહે પણ છેે કે, "હું ના પાડતો એ તેમને પણ ખબર જ હતી. એટલે અમિતાભ બચ્ચન પણ ઘણી વખત સારો રોલ હોય તો ફોન કરીને કહે પણ ખરા. જોકે મારે એવો રોલ કરવો હતો જે ઇક્વલ લેવલ પર હોય."

અમિતાભ બચ્ચન સાથેની મારી પહેલી ફિલ્મ ‘અગ્નિપથ’. કાંચા ચીના. 

ગબ્બર પછી જો કોઈ વિલન યાદ રહી ગયો હોય તો તે આ કાંચા ચીના છે.
વિલનનું આ નામ ડિરેક્ટર મુકુલ આનંદને મેં આપ્યું હતું. પહેલાં એ કૅરૅક્ટરનું નામ બીજું કંઈ હતું, પણ એમાં વજન નહોતું એટલે કાંચા ચીના નામ સજેસ્ટ કર્યું અને મુકુલને એ નામ ગમ્યું. બહુ ઓછી ફિલ્મો એવી છે જેમાં અમિતાભ બચ્ચનની સામે કોઈ કૅરૅક્ટર ઊભું રહ્યું હોય, એ કૅરૅક્ટર દેખાયું હોય. ‘અગ્નિપથ’નું કાંચા ચીના કૅરૅક્ટર એવું હતું કે જેટલું અમિતાભનું કૅરૅક્ટર પૉપ્યુલર થયું હતું એટલો જ લોકોને કાંચા ચીના યાદ રહ્યો હતો. ‘અગ્નિપથ’ પછી કરેલી ‘હમ’ અને ‘ખુદા ગવાહ’ પણ લોકોને યાદ રહી જેમાં માત્ર અમિતાભ જ નહીં, તેમનાં બીજાં કૅરૅક્ટર્સ પણ યાદ રહ્યાં હતાં. આ બન્ને ફિલ્મ પણ મુકુલે જ ડિરેક્ટ કરી હતી. નોટિસ કરવા જેવી વાત એ છે કે અમિતાભ સાથે કરેલી આ ત્રણેય ફિલ્મ ‘અગ્નિપથ’, ‘હમ’ અને ‘ખુદા ગવાહ’ માટે હું અલગ-અલગ કૅટેગરીમાં ફિલ્મફેર અવૉર્ડ માટે નૉમિનેટ પણ થયો અને ‘ખુદા ગવાહ’ માટે બેસ્ટ સપોર્ટિંગનો અવૉર્ડ પણ મળ્યો.

અમિતાભ બચ્ચન ક્યારેય બીજા કોઈના કૅરૅક્ટરમાં જરાય ઇન્ટરફિયર નહોતા કરતા. તેમની સ્ક્રીન-પ્રેઝન્સ જ એવી હતી કે તેમની સામે કોઈ પણ આવે તો તે ખોવાઈ જાય, ખવાઈ જાય. મને યાદ છે કે એક સમયે તો ઇન્ડસ્ટ્રીમાં હિરોઇન પણ તેમની સાથે કામ કરવામાં ડરતી અને કહેતી કે અમિતાભ બચ્ચનની ફિલ્મમાં અમારી પાસે કરવા માટે કંઈ હોતું જ નથી, જે સાવ જ ખોટું હતું. પુષ્કળ કામ હતું તેમના માટે કરવા જેવું અને તેમને કરવા પણ મળતું, પરંતુ સ્ક્રીન પર જેવા મિસ્ટર બચ્ચન આવે કે ઑડિયન્સ મેસ્મરાઇઝ થઈ જતું. તેમની આ ઑરા આજે પણ અકબંધ છે. તમે જુઓ કે ટીવી હોય કે થિયેટરની સ્ક્રીન, ઍડ-ફિલ્મ હોય કે ફીચર ફિલ્મ; બિગ બી સ્ક્રીન પર આવે અને બધા અભિભૂત થઈ જાય. તેમનો આ જે પ્રભાવ છે એ તેમની મહેનતનો પ્રભાવ છે અને વાત જ્યારે મહેનત કરવાની આવે ત્યારે અમિતાભ બચ્ચન પોતાની કોઈ તકલીફને જોતા નથી. ‘અગ્નિપથ’ સમયે તેમણે જે મહેનત કરી હતી એ અનબિલીવેબલ છે. એક સ્ટાર પોતાની એક ફિલ્મમાં મહેનત કરે એનાથી દસગણી મહેનત તેમણે કરી હતી.

મીર આલમ - ગાંધીજી


મીર આલમ નામે એક પઠાણ દક્ષિણ આફ્રિકામાં રહેતો. ગાદલાંગોદડાં ભરાવી વેચવાં અને તેમાંથી ગુજરાન મેળવવું એ એનો ધંધો હતો. આ મીર આલમને ગાંધીજીની ઠીક પિછાન હતી. કામકાજ પડતાં એ તેમની સલાહ લેતો અને તેમનું માન રાખતો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત આદરી હતી તેમાં આ પઠાણ રસ લેતો.
હવે બન્યું એવું કે સત્યાગ્રહ કરતાં ગાંધીજી અને બીજા ઘણા હિંદીઓ બહાદુરીથી જેલમહેલમાં ગયા. આખરે સરકાર નમી અને સમાધાન થયું. કેટલાકને સમાધાન ગમ્યું નહીં. મીર આલમને પણ ન ગમ્યું અને ગાંધીજી ઉપર તેને ગુસ્સો ચડ્યો. એ દેશમાં એક ઘણો જ ખરાબ અને અપમાનજનક કાયદો થયો હતો. આપણા લોકોએ બધાએ સરકારી પરવાના કઢાવવા અને તેમાં દશ આંગળાની છાપ આપવી. તે સાથે લઈને જ ફરવું; પરવાનો પાસે ન હોય તેને સજા થાય ! આવો તે કાયદો હતો. હિંદીઓએ એ કાયદા સામે સત્યાગ્રહ ઉપાડ્યો હતો. સમાધાની એવી થઈ કે જેની ખુશી હોય તે પરવાના કઢાવે. ન કઢાવવા હોય તેને ન કઢાવવાની છૂટ.
સત્યાગ્રહની જીત થઈ. સરકારે ગાંધીજીને જેલમાંથી છોડી મૂક્યા. બીજા બધા સત્યાગ્રહીઓને પણ છોડ્યા પછી જીત ઊજવવા સભા ભરાઈ. સભામાં મીર આલમે ઊભા થઈને કહ્યું : ‘આમાં આપણી કઈ જીત થઈ ? પરવાના કઢાવવા તો રહ્યા જ ને ?’

ગાંધીજીએ સમજાવ્યું : ‘જેને ન કઢાવવા હોય તેને માટે છૂટ છે જ. તમે ભલે ન કઢાવશો.’


‘અને આપ ?’


‘હું તો સૌથી પહેલો કઢાવીશ અને દશ આંગળાં આપીશ.’
‘લોકોને વહેમ છે કે તમે સરકાર પાસેથી લાંચ ખાધી છે.’
‘એવું મારે માટે કોઈ ન માને.’
‘ઠીક છે, પણ હું ખુદાના કસમ ખાઈને કહું છું કે જે કોઈ પરવાનો કઢાવવા પહેલો જશે એને હું ઠાર કરીશ.’ ગાંધીજીએ કહ્યું : ‘ભાઈને હાથે હું આનંદથી મરીશ, પણ સત્ય નહીં છોડું.’
આ વાતને ત્રણેક માસ થઈ ગયા. પરવાના કઢાવવાની તારીખ આવી. ગાંધીજી અને બીજા આગેવાનોએ સૌથી પહેલાં પરવાના કઢાવવા જવું એમ સંતલસ કરી રાખી હતી. મીર આલમ સભામાં ખાધેલા કસમ ભૂલી ગયો ન હતો. ક્રોધે ભરાઈને તે મનમાં બોલ્યો : ‘જોઉં છું એ કેવા પરવાના કઢાવે છે !’ આમ કહી બેત્રણ પઠાણ દોસ્તોની સાથે તે રસ્તામાં ઊભો રહ્યો. 

રસ્તામાં ગાંધીજી નીકળ્યા. પહેલાં તો એમને મળે ત્યારે મીર આલમ સલામ ભરીને માન બતાવતો, પણ આજે તેણે સલામ ન ભરી. ગાંધીજીએ તેની આંખ પારખી, તેમાં ખૂન હતું, જાણ્યું કે આજે કંઈક નવાજૂની થવાની હતી. પઠાણે સલામ ન કરી તો ગાંધીજીએ પોતે જ કરી અને પૂછ્યું : ‘કૈસે હો ?’
તેણે ગુસ્સામાં માથું નમાવી કહ્યું : ‘અચ્છા હૈ.’
વખત થયો એટલે ટોળી પરવાના કઢાવવા ચાલી. મીર આલમ અને એના દોસ્તોય પાછળ પાછળ ચાલ્યા. થોડું છેટું રહ્યું ત્યાં મીર આલમ ગાંધીજીને પડખે ચડ્યો ને બોલ્યો : ‘કહાં જાતે હો ?’


દશ આંગળાં આપી પરવાનો કઢાવવા. તમારે આવવું હોય તો તમે પણ ચાલો. તમારે આંગળાં આપવાની જરૂર નથી.’ આટલું બોલ્યા ત્યાં તો પાછળથી ગાંધીજીની ખોપરી ઉપર ડંડાનો સખત ફટકો પડ્યો. તેઓ પહેલે જ ફટકે બેભાન થઈને પડ્યા. બેભાન થયા પછી પણ પઠાણોએ લાકડીઓ અને પાટુઓનો માર માર્યો. ગાંધીજી સાથે બીજા આગેવાન હતા, તેમને બચાવ કરવા જતાં માર પડ્યો. મારીને પઠાણો નાઠા, પણ રસ્તે જનારાઓએ તેમને પકડી પોલીસને સ્વાધીન કર્યા.
બેભાન સ્થિતિમાં જ લોકોએ ગાંધીજીને ઉપાડી નજીકના ઘરમાં લઈ જઈ સુવાડ્યા અને સારવાર કરી. તેમનો હોઠ ચિરાઈ ગયો હતો, દાંતને ઈજા થઈ હતી અને પાંસળીઓમાં દર્દ થતું હતું. થોડી વારે ભાન આવ્યું ત્યારે ગાંધીજીએ પહેલો જ સવાલ કર્યો કે : ‘મીર આલમ ક્યાં છે ?’
સારવાર કરનારે કહ્યું : ‘તમે આરામ કરો, એને અને એના ગોઠિયાઓને પોલીસે પકડ્યા છે.’


‘નહીં, નહીં. એ લોકોને તરત છોડાવવા જોઈએ.’ એમ કહી તેમણે પોલીસના વડાને પત્ર લખી ભલામણ કરી કે આ પઠાણ ભાઈઓને સજા થાય એવું હું ઈચ્છતો નથી; તેમને છોડી દેવાની મારી વિનંતી છે. આ ભલામણનું માન રાખી પોલીસે મીર આલમ અને તેના સાથીઓને છોડી મૂક્યા. જોકે પાછળથી ગોરા લોકોએ ટીકા કરી તેથી પોલીસે તેમને ફરીથી પકડ્યા અને છ માસની સજા કરાવી. આ મારને પરિણામે ગાંધીજીના આગલા દાંત ગયા. એ ખાડો તેમના મુખનો સુંદર અલંકાર છે. તે સત્ય પાળતાં મળેલો છે, ભાઈએ આપેલો છે અને પ્રેમથી ઝીલેલો છે.
અને છેલ્લે, આ કથાનો ખરો ભાગ તો હવે આવે છે.
દક્ષિણ આફ્રિકાની સરકારે પોતાનું વચન પાળ્યું નહીં એટલે ગાંધીજીએ ફરીથી લડત આપી. લોકોને ખબર આપી દીધી કે સરકારે દગો કર્યો છે. બધાએ ફરીથી સત્યાગ્રહ કરવાનો હતો, બધાએ રાજીખુશીથી પરવાના કઢાવ્યા હતા તે ભેગા કરીને તેની હોળી કરવાની હતી. માટે જેમણે લડતમાં ભળવાનું હતું તેમણે પોતાના પરવાના મોકલવાના હતા. લોકો ગાંડા ગાંડા થઈ ગયા. ગાંધીજીને ત્યાં પરવાનાઓનો વરસાદ થયો.
હોળી કરવાનો દિવસ નક્કી કર્યો. તે દિવસે મોટી સભા ભરી અને સભાની વચમાં પરવાનાઓનો ઢગલો કર્યો. ગાંધીજીએ પૂછ્યું : ‘બોલો ભાઈઓ, સૌએ રાજીખુશીથી પરવાના બાળવા આપ્યા છે ને ?’
‘હા જી. રાજીખુશીથી આપ્યા છે ને.’
‘હજુ કોઈને પાછા લેવા હોય તો કહેજો.’
‘ના, ના. અમારે પાછા નથી જોઈતા.’
જો જો, લડત સહેલી નથી, જેલમાં જવું પડશે.’
‘કાંઈ ફિકર નહીં, હોળી કરો.’
એટલામાં એક પઠાણ સભામાંથી ઊભો થયો. ‘ગાંધીભાઈ, લો આ મારો પરવાનો પણ બાળો. મારા ગુના માટે મને માફ કરો. મેં આપને ઓળખ્યા નહોતા. આપ ખરેખરા બહાદુર છો !’ આ પઠાણ તે બીજો કોઈ નહીં, પણ આપણો મીર આલમ જ !
ગાંધીજીએ તેનો હાથ જોરથી દબાવ્યો. આખી સભા તાળીઓના ગડગડાટથી ગાજી રહી અને ગાંધીજીએ ગ્યાસતેલ છાંટી પરવાનાઓની હોળી કરી. ત્યારથી મીર આલમ ગાંધીજીનો ભક્ત બન્યો અને ગાંધીજી ન ઈચ્છે તો પણ તેમનો અંગરક્ષક થઈ સાથે રહેવા લાગ્યો.

Saturday, October 28, 2017

રેડી ફોર એ ફ્લેશબેક - અમિતાભ બચ્ચનના અમુક પ્રસંગો



અમિતાભ બચ્ચન સિર્ફ નામ હી કાફી હૈ...તેઓ કોઈ ભૂમિકા જ નહીં મિત્રતા પણ તેઓ એમ નિભાવી જાણે છે, સાત હિન્દુસ્તાની, અમિતની ફિલ્મ. જે રોલ તેમણે કર્યો તે રોલ પહેલાં ટીનુને કહ્યું, ‘તમારે તો ડિરેક્ટર કે. એ. અબ્બાસ સાથે સારા સંબંધ છે. ભલામણ કરો ને.’ ટીનુએ અમિતનો એક ફોટો અબ્બાસને બતાવ્યો. વાત એમ હતી કે તેમને પોતાને તો ડિરેક્ટર જ બનવું હતું, સત્યજિત રાયની સંસ્થામાં તેમને એડમિશન પણ મળ્યું હતું. અને બસ અમિતને મળી ગયો ચાન્સ. ટીનું આનંદે કહ્યું કે ‘એ રોલ કરીને હું અમિત ન બની જાત પરંતુ તેમણે કેવી દોસ્તી નિભાવી કે એબીસીએલની ફિલ્મો માટે મને ડિરેક્ટરશીપ ઓફર કરી અને અમે મેજરસાહબ સહિત ઘણી ફિલ્મો બનાવી પણ ખરી.’

    શહેનશાહનું ઓડિયો આલ્બમ થવાનું હતું. ટીનું આનંદે થોડા પૈસાની વ્યવસ્થા કરીને સૂટ સિવડાવ્યો હતો. બચ્ચન બધું જાણે. પાર્ટી શરૂ થઈ અને તેઓ ટીનુને કામ છે તેમ કહી બહાર લઇ ગયા. અચાનક સ્વીમિંગપુલમાં ધક્કો મારી દીધો. ટીનુ તો ગુસ્સે થયા. અમિત કહે, ‘મારે ઘરે જઈ કપડાં બદલી આવ.’ પણ તેઓ ન ગયા. અંતે રાત્રે અમિતે પોતાની કાર મોકલી, ટીનુને બોલાવ્યા. તેમના માટે એક જોડી નવાં કપડાં સાંજથી તૈયાર હતા. શૂઝ પણ હતા અને બચ્ચને કહ્યું, ‘તને મારી ઘડિયાળ ગમે છે ને ? મેં એક લીધી છે તારા માટે.’ ટીનું આનંદના કહેવા મુજબ, અમિતે તેને જે ઘડિયાળ ભેટ આપી તેની કિંમત શહેનશાહના દિગ્દર્શન માટે મળેલી રકમ કરતાં વધારે હતી!!! ટીનુને અમિતે કુલ ૨૪ ઘડિયાળ ભેટ આપી છે.

    અન્ય એક પ્રસંગની વાત કરું તો, હરિવંશરાયના મિત્ર-હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર ધર્મવીર ભારતીના પત્ની પુષ્પા ભરતી બચ્ચનજીને અલ્લાહાબાદ યુનિવર્સીટીએ આપેલો એવોર્ડ પહોંચાડવા ઘરે ગયા, પરત ફર્યા ત્યારે અમિત તેમને દરવાજે સુધી મુકવા આવ્યા. કમાડ ખુલ્યું અને તેમના ચાહકોએ તો બૂમાબૂમ કરી મૂકી. પુષ્પા ભારતીએ અમિતાભનો હાથ પકડી અંદર ધકેલ્યા કે તમે જાઓ. અચાનક એ ભીડને ચીરતી એક યુવતી આવીને પુષ્પાજીને હાથ ચૂમવા લાગી, ‘કહે તમે આ જ હાથે અમિતને અડ્યા હતા ને ? લોકપ્રિયતાની આ એક નાની નાની સાવ નાની ઝલક છે. હા, અમિતાભની ફિલ્મો પણ ફ્લોપ ગઈ, ગઈ જ વળી. ફીલ્મો ફ્લોપ ગઈ છે. અમિતાભ ફ્લોપ ક્યારેય ગયા નથી...!!

- કાર્તિક દિલીપકુમાર શાહ

વિન્સટન ચર્ચિલ

વિન્સટન ચર્ચિલ

વિન્સટન ચર્ચિલ એ વખતે ઇંગ્લેન્ડનાં વડાપ્રધાન હતાં. તેમનાં એક અનન્ય સ્નેહીને ત્યાં ખૂબ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચર્ચિલ પણ આ પાર્ટીમાં હાજર હતાં. દેશનાં નામાંકિત મહાનુભાવો આ પાર્ટીમાં એકત્રિત થયેલાં. સૌ મોજમાં હતાં, આનંદમાં હતાં. પાર્ટીનાં આયોજક યજમાને ખાસ આ પાર્ટીમાટે એક અણમોલ ચાંદીનો સેટ ઉપયોગમાં લીધો હતો, જેની એક એક વસ્તુ આકર્ષક હતી.

        હવે બન્યું એવું કે પાર્ટીમાં આવેલ તમામ મહેમાનોમાનાં એક સદ્દ્ગૃહસ્થને થયું, ચાંદીનાં સેટમાંથી એક પીસ કે ગમે તે એક વસ્તુ તો ગમે તેમ કરીને પણ રાખી લેવી કે સેરવી લેવી. તેમણે ધીરે રહીને એક ચાંદીનો ચમચો કોટનાં આગળનાં ખિસ્સામાં સેરવી દીધો. અચાનક ઘટના પર અને આ વ્યક્તિ પર પાર્ટીનાં આયોજક યજમાનની નજર પડી, ને તેમણે જોયું કે તેનાં મહેમાને શું કરેલું. ચમચો લેનાર સજ્જનને કંઇ કહી શકાય તેમ હતું નહીં, સાથોસાથ ચાંદીનાં મૂલ્યવાન સેટને પણ ખંડીત કરી શકાય તેમ હતો નહીં. આ ઉપરાંત ચમચા જેવા બાબત માટે આટલી મોટી પાર્ટીની મજા મરી જાય અને કંઇ અનર્થ સર્જાય એ પણ યજમાનને મંજૂર નહોતું. હવે કરવું શું. બરાબરનાં મૂંજાણા…

 છેવટે તેમણે તેમની મૂંજવણ ચર્ચિલ પાસે રજૂ કરી.

        ચર્ચિલે વિગત જાણી યજમાનને કહ્યું કે, “જરા ચિંતા કરશો નહીં, બેફિકર રહો.” મોઢામાં ચિરૂટ અને હાથમાં વાઇનનાં ગ્લાસ સાથે વાતો કરતાં કરતાં ફરતાં ફરતાં ચર્ચિલ ચમચો ચોરી લેનાર પેલા વ્યક્તિ પાસે આવી પહોંચ્યા. તેમની સાથે થોડી વાર ખૂબ આત્મિયરાથી વાતો કરી અને છેવટે નજીક આવીને પેલાનાં કાનમાં કહ્યું, “ચાંદીનો સેટ અણમોલ છે, એન્ટિક છે, ખોટું શું કામ કહું? મેં તો એક ચમચો લઇ લીધો.” આમ કહી ચર્ચિલે પોતાના કોટનાં ખિસ્સામાં મૂકેલો ચાંદીનો ચમચો પેલા વ્યક્તિને બતાવ્યો. ચર્ચિલ જેવી વ્યક્તિ આટલી લાગણી બતાવી વિશ્વાસ મૂકી આવી વાત પોતાને કહી એટલે પેલા વ્યક્તિનો વિશ્વાસ વધી ગયો. તેમણે પણ ચમચો બતાવીને કહ્યું કે, “તમારી જેમ મેં પણ એક ચમચો ઉપાડી લીધો છે.” થોડી આડીઅવળી વાતો કરી ચર્ચિલ ત્યાંથી ચાલ્યા ગયા.

        પાર્ટીનાં ભોજનની વ્યવસ્થા થઇ રહી હતી, ટેબલો સજાવ્યા હતાં, સંગીતનાં સુર રેલાઇ રહ્યા હતાં, ડ્રિંક્સ અને વાઇનનાં જામ ભરાઇ રહ્યા હતાં. સૌ ખુશખુશાલ હતાં, આનંદમાં હતાં… યજમાન તરફથી સૌને જમવા માટે ડિનર ટેબલ પર સ્થાન લેવાની વિનંતી કરવામાં આવી. 

        એ વખતે ચર્ચિલ ફરી પેલા ચમચો ચોરનાર વ્યક્તિ પાસે આવ્યા અને થોડા ચિંતાતુર અવાજમાં કહ્યું કે, “મને વહેમ છે કે યજમાનને ખ્યાલ આવી ગયો છે. અંદર સેટની ગણતરી શરી થઇ ગઇ છે. મારી હિંમત નથી ચાલતી. કદાચ બેઇજ્જ્તી થાય તો? પકડાઇ ગયા તો? હું તો મારો ચમચો મૂકી દઉં છું.” તેમ કહી તેમણે પોતાનો ચમચો ધીરે રહી ટેબલ પર મૂકી દીધો. ચર્ચિલની આવી વાત સાંભળી ચમચો ચોરનાર વ્યક્તિ પણ મૂંઝાઇ ગયો અને મનમાં વિચાર્યું કે, “તો પછી હું પણ શા માટે જોખમ વહોરી લઉં? હું પણ મૂકી દઉં છું.” આમ કહીને તેણે પણ ચમચો ટેબલ પર મૂકી દીધો. ચર્ચિલે યજમાનને કહ્યું કે, “સમસ્યા હલ થઇ ગઇ છે.” યજમાન ખૂબ ખુશ થયાં. પાર્ટી શાનદાર રીતે પૂરી થઇ.


આમ, કોઇ પણ કાર્યનું મૂલ્યાંકન તેની પાછળ એ કાર્ય કરવાનાં ઇરાદા પરથી નક્કી થાય છે.

વ્યવહારકુશળતા ની સમજ


એક માલસામાનનું વહન કરતી કંપનીને મેનેજરની જરૂર હતી, ઇન્ટર્વ્યુ માટે ઘણાં લોકો આવ્યા હતાં, પરીક્ષા માટે એક સામાન્ય કાર્ય કરવાનું હતું. એક વજનદાર સોફાને રૂમના એક ખૂણામાંથી બીજા ખૂણામાં મૂકવાનો હતો.
ઘણાં લોકોએ ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો, ઘણાંએ તેને એક તરફથી ઉઠાવીને ફેરવવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયાં, આખરે એક યુવાનને એ કામ કરવાનું કહેવાયું ત્યારે તેણે કહ્યું, ‘ત્રણેક જણને બોલાવી આપશો?’
અને તેને નોકરી મળી ગઈ…
કારણ:- 
૧) કંપનીને મેનેજરની જરૂર હતી. 
૨) બધું કામ હુ એકલો કરી શકીશ એવો વધુ પડતો આત્મવિશ્વાસ કાર્યસફળતાની સૌથી મોટી બાધા છે. 
૩) પોતાની ક્ષમતાઓની પૂરી ખાતરી હોવી જરૂરી છે.
અને છેલ્લે:-
ફોજમાં એક પગે સહેજ ખોડંગાતા સૈનિકની તેના સાથીઓ મજાક ઉડાવી રહ્યા હતા.
યુદ્ધમાં દુશ્મનની સામે બહાદુરીપૂર્વક લડીને પોતાના સાથીઓને બચાવવાની, સફળતાની ઉજાણી કરતા તેણે પોતાના કમાંડરને કહ્યું, ‘ભલે હું ખોડંગાતો રહ્યો, પણ હું અહીં લડવા માટે આવ્યો છું, રેસમાં દોડવા નહીં…’

સંબંધોમાં તિરાડ કેમ પડે છે?



છાપામાં જાહેરાત છપાય છે :

'નીચેના ફોટાવાળા ભાઈ અમારા કહ્યામાં નથી. એમની સાથે કોઈ લેવડદેવડ કરવી નહિ. કરશો તો અમારી જવાબદારી રહેશે નહિ.’ નીચે સહી કરનાર કાં તો કુટુંબીજનો હોય છે અથવા જે તે વ્યક્તિ જ્યાં કામ કરતી હોય તેના માલિક અથવા શેઠ.

અર્થાત ક્યારેક એકમેકની અત્યંત નિકટ રહેલાઓ વચ્ચે જ આવી જાહેરાતની સ્થિતિ સર્જાતી હોય છે. બંને જણ એકબીજાના અંગતથી પરિચિત હોય છે. ક્યારેક એકબીજાની જવાબદારી નક્કી થઈ હોય છે. આવા સંબંધોમાં તિરાડ પડે છે ત્યારે વાત ચર્ચાય છે. ચર્ચાનો વિષય બની જાય છે. સંશોધન થાય છે અને એ સવાલ કેન્દ્રમાં આવે છે કે વાંધો ક્યાં પડ્યો છે ? આ સવાલના જવાબમાં, સંશોધનકર્તાનું પોતાનું તાટસ્થ્ય જેટલું જળવાય એટલા જ સત્યની નજીક જઈ શકાતું હોય છે. પૂર્વગ્રહ સાથે શરૂ થયેલ સંશોધન જવાબ કે તારણને પુષ્ટિ આપે તેવાં જ કારણો એકઠાં કરે છે અને સત્ય ક્યાંક દૂર રહી જાય છે.

સંઘર્ષનું શરૂઆતનું બિંદુ સંઘર્ષની ચરમસીમાને સમયે શોધી શકાતું નથી. ધુમાડા વચ્ચે અગ્નિનું ઉદ્દગમસ્થાન સંતાયેલું રહે છે. માત્ર અગ્નિનું પરિણામ નજર સામે બળેલા કાટમાળ રૂપે દેખાય છે. આ કાટમાળની મુલાકાત લેનારા ઘણા હોય છે પણ એને કાટમાળમાં ફેરવનાર અગ્નિના આરંભને આગોતરા ઓળખી એને સમયસર સમજણના જળથી ઓલવનારા બહુ ઓછા હોય છે. એના કરતાં તો કેરોસીનના શીશા હાથવગા કરાવી આપનાર અને પવન નાખનારા વધુ હોય છે. એ લોકોને આગનો તાપ દઝાડતો નથી, અંદર શાતા આપે છે. આજે જેણે બાળ્યું છે એનું જ કાલે બળે તો ત્યાં પણ એ પોતાની રોટલી શેકી શકવાની મનોવૃત્તિ ધરાવે છે. એમને આગ ધુમાડો ગમે છે એટલે એ કેરોસીન, દીવાસળી અને પવન પોતાની સાથે જ લઈને ફરે છે. એમને બળે એમાં આનંદ આવે છે. કોનું બળ્યું એ કરતાં કેટલું બળ્યું એ એમના રસનો વિષય છે. અને બળવાનાં કલ્પિત કારણોની ઉઘાડી ચર્ચા એમની અંદરની હીન રસવૃત્તિને સંતોષે છે. જગતમાં આગથી જેટલું નુકશાન નથી થયું ને તેટલું આ આગ જોઈને રાજી થનારાઓથી થયું છે.

છાપામાં છપાયેલા ફોટા નીચેની નોટિસમાં એક વાક્ય ખૂબ મહત્વનું છે અને આ એક જ વાક્ય આ આખીય ઘટનાના મૂળમાં છે. ‘ઉપરના ફોટાવાળા નીચે સહી કરનારના કહ્યામાં નથી.’ – ઘણું દર્દ સાથે લખાયું હોય છે આ વાક્ય. દર્દનું કારણ એક જ છે : ‘અમારા કહ્યામાં નથી.’ કહ્યામાં ન હોવું એટલે શું ? કહ્યું ન કરવું તે. કહ્યા પ્રમાણે ન વર્તવું તે. આ રીતે વર્તનારની હવે પછીની કોઈ પણ વર્તણૂંક માટેની જવાબદારી લેવાય નહિ. કહ્યા પ્રમાણે કરતા હતા ત્યાં સુધીની વાત બરોબર હતી. કહ્યા પ્રમાણે કરનારથી ફાયદો થતો હતો. હવે, કહ્યા પ્રમાણે ન કરનારાથી નુકશાન થવાનો ભય છે. આવી વ્યક્તિની જવાબદારી ન લેવાય. કહ્યા પ્રમાણે ન કરીને એ એની ફરજ ચૂક્યો છે. હવે એને આવો કોઈ હક રહેતો નથી. વર્ષોનો સંબંધ, પરિચય, ઓળખાણ બધું જ મિથ્યા – માત્ર એક કારણ : કહ્યામાં નથી. 

આપણા સંબંધોને કેવી કેવી અપેક્ષાઓ આભડી ગઈ છે ? કોઈ સાથે સંબંધાયા કે તરત અપેક્ષાએ જન્મ લીધો જ સમજો. સંબંધાયા એટલે જન્મેલી આ અપેક્ષાકુંવરી દિવસે ન વધે એટલી રાતે વધે છે ને રાતે ન વધે એટલી દિવસે વધે છે. એને કોઈ હદ નથી. મર્યાદા નથી. એક અપેક્ષા સંતોષાય કે તરત બીજી જન્મ લે. બીજી પણ સંતોષાવી જ જોઈએ કારણ કે પહેલી સંતોષાઈ હતી. પહેલી સંતોષાઈ હતી કારણ કે સંબંધાયા છીએ. આપણે એ રીતે વિચારી જ નથી શકતા કે પહેલી અપેક્ષા સંતોષાઈ કારણ કે તે સમય-સંજોગોમાં એ શક્ય હતું. સંભવ હતું. કોઈક અપેક્ષાનું સંતોષાવું શક્ય ન પણ હોય એવીય શક્યતા હોય એનો સ્વીકાર જ નથી. અહીં તો અપેક્ષા જાગી કે બીજાએ સંતોષવી જ રહી. અપેક્ષા સંતોષાય તો જ સંબંધ સચવાય.

અલબત્ત, આવું બંને પક્ષેથી થાય તો જ સંબંધ સચવાય એવું આપણે માનતા નથી. જેની પાસેથી રખાયેલી અપેક્ષા ન સચવાયા બદલ આપણે આટલા અકળાયા છીએ, એણે પણ એવી અપેક્ષા નહીં રાખી હોય કે આ વખતે તમારી અપેક્ષા પ્રમાણે નહીં વર્તી શકવાનાં એનાં કારણો કે સંજોગોને તમે સમજશો ? આપણે અપેક્ષાના સંતોષ-અસંતોષ બાબતે આક્ષેપબાજી કરી શકીએ છીએ તો એના વિષે પોતાના મનની વાત સ્વસ્થતાપૂર્વક, મોકળાશથી ચર્ચી શકાય તેમ મૂકી ન શકીએ ? આક્રોશમાં જ આપણે પ્રગટ થઈ શકીએ ? બે પુખ્ત વ્યક્તિ વચ્ચે અસરકારક પ્રત્યાયન સધાવું સરળ હોવું જોઈએ. અંત્યતિક પગલું બંનેના હૃદયને ઠેસ પહોંચાડે છે અને અણગમાની કે અભાવની ગાંઠ ગંઠાતી રહે છે. ગાંઠ ઉકેલવાની એક માત્ર આવડત ધીરજ છે. ધીરજની જનની સમજણ છે. સમજણ હશે તો ધીરજ કેળવાશે. ધીરજ હશે તો ગાંઠ જરૂર ઊકલશે. સમજણ હશે તો નવી શરૂઆતની સંભાવના રહેશે. દરવાજા ખોલવામાં કે ખોલાવવામાં, દરવાજાની બંને બાજુએ ઊભેલી વ્યક્તિને સંકોચ ન થાય એનું નામ જ સાચો સંબંધ. સંબંધ એટલે સમ્યક બંધ. બંને બાજુએથી સરખા જોડાયેલાં હોવું તેનું નામ સંબંધ છે. સંબંધ એકપક્ષી ન હોય. અન્ય સહુને આપણા કહ્યામાં રહેવું જ એવો આગ્રહ અહંકારમાંથી જન્મે છે. અહંકારને જ આપણે અધિકારનું રૂપાળું નામ આપ્યું છે. આપણને આપણા અધિકારો યાદ રહે છે, આપણી ફરજો યાદ નથી રહેતી. કોઈ સંસ્થામાં પોતાની ફરજો બજાવવાની જાગૃતિ દર્શાવતા દેખાવો નથી યોજાતા, અધિકારને નામે લડવા સહુ તૈયાર હોય છે. ક્યારેક ક્યારેક ‘સ્વચ્છતા સપ્તાહ’ ઊજવાય છે, ત્યારે હસવું આવે છે. સ્વચ્છતા સચવાય એ તો પ્રત્યેક નાગરિકની ફરજનો ભાગ છે. સ્વચ્છતા સપ્તાહ તો સ્વચ્છતાનું કામ કરનારા કર્મચારીનું ગૌરવ કરવા માટે ઊજવાય તે જરૂરી છે.

કહ્યું કરાવવાનો આગ્રહ હઠાગ્રહ બને છે ત્યારે સંઘર્ષનો આરંભ થાય છે એમ માનવું ભૂલભરેલું છે. આવા હઠાગ્રહીઓ જે કહ્યું કરે તેવાઓની શોધમાં હોય છે અને એવા એમને આવી ય મળે છે. આવા આવી મળનારાને પોતાનો સ્વાર્થ હોય છે. આવા સ્વાર્થ અને સગવડ માટે રચાયેલા સંબંધની શરૂઆત જ આવનારા સંઘર્ષના મૂળમાં હોય છે. કહ્યું કરવા પાછળનો સ્વાર્થ સંતોષાતાં દૂર જવા મથનારને પકડી રાખવા જતાં અવિવેક અને અનાદરનું પ્રદર્શન કરાવતો સંઘર્ષ આકાર લે છે. એકનો હેતુ સરી ગયો છે, એને હવે જવું છે. બીજાનો અહંકાર હજી ભૂખ્યો છે, એ જવા દેવા માંગતો નથી. ત્યાં ટકરાવ સહજ છે. ટકરાવની સ્થિતિ આવા સ્વાર્થભૂખ્યા વચ્ચે જ સર્જાય છે એવું નથી. ક્યારેક જે હેતુ માટે સંબંધાવાયું હોય તેનાથી અલગ પડવાનું, એ આદર્શથી ઉફરા ચાલવાનું લાગે ત્યારે પણ છૂટા પડવાનું ઉચિત જણાય છે. ભેગા થવા પાછળનાં કારણો અને છૂટા પડવાનાં કારણોને ઊંડાણથી તપાસવાનો વિવેક હોય ત્યાં સંઘર્ષ ટળી શકાય છે. દામ્પત્યમાં છૂટાછેડાનાં કારણો અને એક થવાનાં કારણો ઘણીવાર એક જ હોય છે ! પહેલાં જેમાંથી પ્રેમની સુગંધ આવતી હોય છે એમાંથી જ પછી અધિકાર અને આશંકાની દુર્ગંધ છૂટતી અનુભવાય છે. વિચારશીલ દંપતી હોય તો એને ઓળખી જઈ, કારણનો જ ઉપચાર કરી નાખે છે. એમને છૂટા પડવું પડતું નથી. રાજીખુશીથી જોડાવું કે કહ્યામાં ન રહેવા બદલ છૂટા થવું તે બંને સાવ અંગત બાબત છે. એનાં પ્રદર્શન ન હોય. કહ્યામાં ન રાખવાનો આગ્રહ રાખનાર કોઈના ય કહ્યામાં રહેતા નથી. એમના પોતાના પણ. સ્વવિવેકના કહ્યામાંથી ય એ બહાર નીકળી જાય છે ત્યારે એમણે કરેલો અવિવેક એમનો તો ‘વટભર્યો વહેવાર’ જ લાગે છે, કારણ કે, એમાં હા જી હા ભરનારા એમની આગળ પાછળ જ ફરતા હોય છે. એમની વાહ વાહના ઘોંઘાટ પાછળ પેલો વિવેક જાળવવાની વાત સૂચવતો સ્વર ક્યાંય દબાઈ જાય છે. અને જો ભૂલથી આવો સ્વર બલવત્તર બને તો બહુમતી એને દબાવવા સક્ષમ છે. ત્યારે છાપામાં ફોટા છપાય છે અને નીચે લખાય છે : કહ્યામાં નથી.

કોઈને ય સતત એકધાર્યું કોઈના ય કહેવામાં રહેવું ગમતું નથી. એ શક્ય પણ નથી. એનો આગ્રહ પણ ન હોય. હઠાગ્રહ તો જરાય નહિ. પિતાની કાર્યશૈલીથી પુત્રની પદ્ધતિ જુદી પડવાની જ. પિતાએ માત્ર એ જોવાનું કે પદ્ધતિ પ્રગતિના માર્ગે લઈ જાય છે કે અવનતિના. અવનતિનો માર્ગ ઓળખાય તો સમયસર પુત્રને ચેતવાય. ચેતવું ન ચેતવું એ એની મરજી છે. કેટલાક જાતે જ પડીને શીખે છે. કેટલાક અનુભવીની સલાહ પણ ધ્યાનમાં લઈને અંગત નિર્ણય લે છે. કેટલાક નિર્ણય ગણતરીપૂર્વકના હોય છે તો કેટલાક સાહસપૂર્ણ. પણ, પિતા અને પુત્ર, પતિ અને પત્ની જેવા અતિ નિકટના સંબંધોમાં પણ આવી ક્ષણો આવતી જ રહેવાની. એનો ઉકેલ કાઢવામાં જ આપણી સમજની કસોટી થાય છે. ઓળખ થાય છે. ‘કહ્યામાં નથી’ની જાહેરાત માત્રથી સંબંધ પૂર્ણ નથી થતા. વાંચનારા રાજી થાય છે. કોઈ વળી સહાનુભૂતિ વ્યક્ત કરે છે તો કોઈને કારણ જાણવાનું, કૂથલી કરવાનું કુતૂહલ થાય છે. બધામાં સરવાળે આપણે જ પીડાવાનું થાય છે. સંબંધનું ગૌરવ જળવાય તે રીતે સંબંધાવું ને છૂટા પડવું તે જ પુખ્તતાની નિશાની છે. 

અને છેલ્લે:- 

કોઠી ધોવાથી કાદવ જ નીકળે. ઘરનાં ગંદાં વસ્ત્રો જાહેરમાં ન ધોવાય. કાળી ચૌદશે ઘરનો કંકાસ ચાર રસ્તે મૂકવા જનારા અણસમજુ એમ માને છે કે ઘરમાંથી કંકાસ ગયો ! પણ એ ચાર રસ્તે પહોંચ્યો એ ન સમજાયું ?  

સંકલન: ડો કાર્તિક શાહ ("ધુમ્મસની શેરીમાં ઉજાસ" - તુષારભાઈ શુકલના પુસ્તક  માંથી)

કળશપૂજા કેમ ?


કળશપૂજા કેમ ?

આજથી બે સદી પહેલાંનો વિચાર કરીએ તો આપણો દેશ નાનાં ગામડાંઓ અને નાનાં નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત હતી. એ સમયે વાહનવ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતો હતો. આ કળશમાં તે તેનું જીવન ટકાવવામાં સૌથી મહત્વનો ફાળો આપનાર પાણી ભરી લાવતો. આમ કળશ મનુષ્યના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયો હતો અને આજે પણ તે તેના જીવનનું મહત્વનું અંગ છે. ભલે આજે ઘરે ઘરે પાણીના નળ આવી ગયા છતાંય તે પાણીને ભરી રાખવા માટે તો ઘડા-કળશની તો જરૂર પડે જ છે.


યુગોથી જળ ભરેલા ઘડા-કળશને મનુષ્ય ખૂબ જ આદરપૂર્વક – પ્રેમપૂર્વક જોતો આવ્યો છે. તેને મન કળશ ભરપૂરતાનું અને પવિત્રતાનું પ્રતીક છે. આથી જ્યારે તે કોઈ શુભ કાર્ય – સારું કામ કરવા જઈ રહ્યો હોય છે ત્યારે સર્વપ્રથમ તે કળશને યાદ કરે છે. આજની સામાન્યમાં સામાન્ય વિધિમાં તે કુંભ સ્થાપના કરવાની વિધિ સર્વ પ્રથમ કરે છે. લગ્ન પ્રસંગ હોય, ગૃહપ્રવેશ હોય, કોઈનું સ્વાગત કરવાનું હોય કે પછી કોઈ પણ પ્રકારનું શુભકાર્ય કરવાનું હોય ત્યારે સર્વપ્રથમ શણગારેલા કુંભ-કળશની સ્થાપના કરવામાં આવે છે. જીવનને ટકાવી રાખનાર જળની આટલી સુંદર ઉપાસના ભારત સિવાય જગતના કોઈ દેશમાં નથી. જેનો યશ આપણા જ્ઞાની પૂર્વજો અને ઋષિમુનિઓને જાય છે. અત્યંત સુંદર રીતે શણગારેલા કળશનું ચિત્ર આપણે લગ્નપત્રિકા, નિમંત્રણપત્રિકા કે જાહેરાતમાં જોઈએ છીએ ત્યારે આપણને આપણી આ પરંપરા માટે ગૌરવ થયા વગર રહેતું નથી. સમગ્ર જીવન દરમિયાન કળશ દ્વારા જળને મહત્વ આપનાર મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેની અંત્યેષ્ઠિમાં પણ માટીના કુંભને સ્થાન આપવામાં આવ્યું છે. જીવન જળ હવે ખૂટી ગયું છે તે ભાવને વ્યક્ત કરવા અગ્નિસંસ્કાર પહેલાં જળ ભરેલા માટીના ઘડાને ફોડી નાખવામાં આવે છે.

જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે માટી અને જળની મહત્તા તેને સમજાઈ. ધન-ધાન્ય તે આ બે વસ્તુના સંયોજનથી જ મેળવી શકતો હતો. આથી જ્યારે સર્વપ્રથમ તેણે માટીનો ઘડો બનાવ્યો ત્યારે તેમાં જળ ભરવાનો જ તેનો આશય હતો. માટી અને જળના સુભગ મિલને તેને ખુશ કરી દીધો અને જળના સંગ્રહ માટે વિવિધ પ્રકારના ઘડા-કળશ તેણે બનાવ્યા અને જીવન તથા જીવંતતાના પ્રતીક તરીકે તેણે તેમાં વૃક્ષનાં પાન અને શ્રીફળનો સુશોભન તરીકે ઉપયોગ કર્યો. કળશ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતોનું સૌંદર્યવાન પ્રતીક છે. 

‘આવું કેમ ?’ પુસ્તકમાંથી સાભાર, સં: કાર્તિક શાહ 

જાણો મર્સીડીઝની ના સાંભળી હોય એવી કહાણી



વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગળ  વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી. 

એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ઉદ્યોગપતિનો ભેટો થયો. આ ઉદ્યોગપતિ ઝડપી કારનો આશિક તો હતો જ પરંતુ પોતાની પુત્રી ઉપર એને એટલો બધો પ્રેમ અને પુત્રીનું નામ પોતાની કોઈ શુકનવંતી માન્યતાને લીધે લખાવવાનું એવું પાગલપન કે તેણે ડેઈમલર કંપની સામે ઑફર મૂકી કે જો મારી પુત્રીનું નામ તમારી મોટર ઉપર લખો તો એકસાથે 35 કાર આ બંદો એકલો ખરીદી લેશે !

ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો ! એક નામ લખવા બદલ જો આખા વર્ષનું વેચાણ એક જ સોદે થતું હોય તો પછી કરાય જ ને કંકુના… – એમ માની ડેઈમલરે શરત માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ ને તેની પુત્રીનું નામ લખેલી 36 ગાડીઓ એક સાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી પણ નાખી. 

અને યુરેકા ! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ અને આવો જ સોદો એણે ફરી પણ કર્યો. ત્યારથી માંડીને આજ સુધી એ કારના નામે સિક્કા રણકતા રહ્યા છે. એમીલની જે લકી ડૉટર(પુત્રી)નું નામ કાર પર લખાયેલ એ હતી ‘મર્સિડિઝ’ ! (પુત્રીનું નામ હતું મર્સિડિઝ જેલીનેક) અને એ કંપની એટલે હાલની ‘મર્સિડિઝ બેન્ઝ’ ! આ કાર એટલી તો વિખ્યાત રહી કે આજ સુધી કંપનીએ તેનું નામ દૂર નથી કર્યું.
અને છેલ્લે :-
જરા વિચારો, જો એમીલને પોતાની દીકરી આટલી વ્હાલી ન હોત તો ? તો શાયદ આ કંપની પણ ના હોત. ક્યારેક ‘જો’ અને ‘તો’ ની વચ્ચે ઈતિહાસ રચાય છે અને એને આ કિસ્સામાં બેશક મર્સિડિઝ કહી શકાય ! 

-- કાર્તિક શાહ 

વીર ભગતસિંહ


છલકતો આત્મવિશ્વાસ


એક દિવસ ભગતસિંહ અને તેમના પિતા લાહોરના બજારમાં ફરી રહ્યા હતા. બપોરનો સમય હતો. દુકાનો પર ખરીદી માટે લોકોની ભીડ હતી. પિતાપુત્ર ફરતા ફરતા અનારકલી નામથી ઓળખાતા બજારમાં જઈ પહોંચ્યા. પણ ભગતસિંહ તો પ્રથમથી જ તોફાની ! તેમણે ચાલવાને બદલે કૂદકા મારવા માંડ્યા. પિતાને આ ગમ્યું નહિ. પિતાએ કૂદકા મારતા ભગતસિંહને એક તમાચો માર્યો.

બાદ પિતાએ પુત્રને કહ્યું : ‘આટલો બધો શાનો ફૂલાયા કરે છે ? ખબર છે તને કે તું મારા નામથી શહેરમાં ઓળખાય છે ! લોકો તને નહિ, મને ઓળખે છે. એટલે તો તેઓ કહે છે કે તું ફલાણાનો પુત્ર છે. તારા નામથી તો તને શહેરનું કોઈ ઓળખતું નથી. પછી આટલો બધો ફાંકો તું મનમાં શાનો રાખે છે ?’

પિતાના શબ્દો ભગતસિંહના હૃદયમાં શૂળની જેમ ભોંકાઈ રહ્યા. પિતાના નામથી પુત્ર ઓળખાય તેમાં પુત્રની શી હોંશિયારી ? એમ બાળક ભગતસિંહના મનને થયું. તે ઘડીભર તો પિતાને કશો જવાબ આપી શક્યો નહિ. પણ બેચાર ક્ષણ પછી એ ગર્વીલા અને મહત્વાકાંક્ષી પુત્રે પિતાને જે જવાબ આપ્યો તે આત્મવિશ્વાસના એક રણકાર સમાન હતો. ભગતસિંહે પિતાને કહ્યું : ‘પિતાજી, ગુસ્તાખી માફ કરજો ! પણ…. એક દિવસ એવો જરૂર આવશે કે લોકો તમને ઓળખશે ભગતસિંહના પિતા તરીકે ! હું તમારા નામથી નહિ, પણ તમે મારા નામથી ઓળખાશો.’ અને એ બાળકનો આ આત્મવિશ્વાસ એક દિવસ સાચો જ નીવડ્યો ! સમય જતાં લોકો એવું કહેતા થયા કે આ મુરબ્બી વીર ભગતસિંહના પિતા થાય ! આનું નામ તે છલકાતો આત્મવિશ્વાસ !

યશોદા ફાઉન્ડેશન



યશોદા એક ધોબણ, માત્ર પાંચ ચોપડી ભણેલી. દાદી માંદા પડતા શાળા છોડી દીધી અને પાછળથી તેમનું કામ પણ ઉપાડી લીધું. રાત-દિવસ એક જ કામ ! કપડાં ધોવા ઈસ્ત્રી કરવી અને ઘેર-ઘેર પહોંચાડવા. તેના કડક ઈસ્ત્રીવાળાં કપડાં પહેરી યુવાનો વટબંધ કૉલેજ જતા. સ્ત્રીઓ લગ્ન કે પાર્ટીઓમાં મહાલતી પણ એ બધું જોવાનો કે માણવાનો યશોદા પાસે સમય જ નહોતો. બસ કામ, કામને કામ !
નાનકડાં ઝૂપડાંમાં રહેતી યશોદા સમય વહેતાં એકલી પડી ગઈ. કામના બોજ હેઠળ લગ્ન કરવાનો વિચાર પણ ન આવ્યો. એકલો અટૂલો જીવ કામ કરતો રહ્યો. તેની જરૂરિયાતો બહુ ઓછી હતી તેથી વધારાનો પૈસો બૅંકમાં જમા થતો ગયો. ટીપે ટીપે સરોવર ભરાય તેમ 80 વર્ષની ઉંમરે ભેગી કરેલી પાઈ પાઈની કિંમત રૂ. 1 લાખ 50 હજાર જેટલી થઈ ગઈ. એકવાર બૅંકરે તેને પૂછ્યું : ‘આ પૈસાનું શું કરવું છે ?’

‘આટલા બધા છે ? તેની જરૂર તો મને ક્યારેય પડવાની નથી.’ ધોબણે ભોળાભાવે કહ્યું.

‘તો તારી શું ઈચ્છા છે ?’ બૅંકરે પૂછ્યું, ‘તારા નામે કોઈ ભણે આગળ આવે તો તને ગમે ?’

‘કેમ ના ગમે ? હું તો નિશાળે ના ગઈ, પણ કોઈ ગરીબ પણ હોંશિયાર હોય તે ભલેને ભણે… આગળ આવે…’

‘તો અહીંથી પાસે જ વિદ્યાપીઠ છે તેને દાન આપીશ તો કોઈ ગરીબ વિદ્યાર્થીનું જીવન સુધરશે. તારી બક્ષિસનો લાભ…’ બૅંકર બોલે જતા હતા
.

‘મારી હયાતીમાં હું જોઈ શકીશ.’ ધોબણ ઉત્સાહથી બોલી અને ઊમેર્યું, ‘બોલો ક્યારે જઈશું ?’
ભલી ભોળી ધોબણના સીધા સવાલથી બેન્કર પણ દિગ્મૂઢ બની ગયા. બૅંકર તેને લઈને પ્રિન્સિપાલને મળવા ગયા ત્યારે તે બિચારી બહાર ઊભી રહી. કોઈએ તેને અંદર પણ બોલાવી નહીં. બૅંકરની વાત સાંભળી પ્રિન્સિપાલ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સન્માન સાથે તેને અંદર તેડી લાવ્યા. એક ધોબણ અને રૂ. 1 લાખ 50 હજારનું દાન ! વાત વાયુવેગે પ્રસરી ગઈ. રિપોર્ટરો તેને મળવા આવ્યાં. તેની મુલાકાત છાપવાની ઈચ્છા સેવનાર તેની સાદાઈથી-ગરીબાઈથી અચંબામાં પડી ગયા. સ્કોલરશિપ મેળવવાની ઈચ્છા રાખનારની લાઈન તેની ઝૂંપડી બહાર દેખાવા લાગી. એની વાત વાંચતા એક વેપારીને શરમ લાગી કે આટલી ગરીબ સ્ત્રી આટલું બધું આપી શકે તો હું કેમ સ્વસ્થ બેસી શકું ? તેણે પણ બરાબરીનું દાન કર્યું અને યશોદા ફાઉન્ડેશનની સ્થાપના થઈ. તેના દ્વારા દર વર્ષે ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી રહી છે.
નિસ્વાર્થી, નિષ્કામ કર્મયોગી ધોબણે જાતે ગરીબ રહીને પોતાના સર્વસ્વનું દાન આપી દીધું. બદલામાં તેને શું મળ્યું ? તેની એક જ ઈચ્છા હતી કે તેણે આપેલી ગિફટનો ઉપયોગ કરી જે વિદ્યાર્થી સ્નાતક થાય તેના કોન્વોકેશનમાં હાજરી આપી તેને પદવી ગ્રહણ કરતાં જુએ અને સંતોષ અનુભવે. કેટલો પવિત્ર જીવ ! 

અને છેલ્લે:

આજે તેની ગિફટનો લાભ પામેલી પહેલી વિદ્યાર્થીની સ્મિતાએ યશોદાને જાણે મા તરીકે દત્તક લીધી છે. સ્મિતા જરૂરી સામાન ખરીદી લાવી તેની ઝૂંપડીને સજાવી રહી છે. સુખદુ:ખમાં સાથ આપી રહી છે...!!
યશોદાના પવિત્ર આત્માને કોઈની-કશાની જરૂર નથી. પણ આવા નિષ્પાપ જીવની સંભાળ લેવાની પ્રેરણા ઉપરવાળાએ કોઈને આપી છે. એ શું ઓછું છે ?

માનસી પ્રસાદ

આજની વાત પૈસા કરતાં સંગીતને વધુ વહાલું ગણતી એક યુવતીની અજોડ વાત છે કે જેણે સંગીતના શોખ માટે અમેરિકન બેન્કની 1 કરોડ રૂપિયાના પગારની નોકરીની ઑફર ફગાવી દીધી છે.

બૅંગલોરની ઈન્સિટટ્યૂટ ઑફ મેનેજમેન્ટની વિદ્યાર્થીની 25 વર્ષીય માનસી પ્રસાદે ન્યૂયોર્કમાં ઈન્ટર્નશીપ કર્યા બાદ તેને અમેરિકન ગોલ્ડમેન સાસની રૂપિયા એક કરોડના પગારની નોકરીની ઑફર થઈ હતી પરંતુ માનસીના મનમાં કંઈક બીજું જ હતું. તેણે એ ઑફરને ફગાવી દીધી અને કહ્યું કે પોતે બૅંગલોરમાં જ નોકરી કરી રહેવા માંગે છે, કે જેથી પોતે નોકરીની સાથે સાથે કર્ણાટકી સંગીત અને ભરતનાટ્યમ શીખી શકે. સંગીત ક્ષેત્રે માનસીની પ્રથમ ગુરૂ તેની માતા તારાપ્રસાદ હતી. હાલમાં માનસી સ્થાનિક સંગીતકાર ગુરૂ પાસે તાલીમ લઈ રહી છે. તે કહે છે કે, પોતે ચાર વર્ષની નાની વયથી જ સંગીત પ્રત્યે આકર્ષાયેલી હતી અને ઘણી સિદ્ધિઓ મેળવેલી છે.
માનસીના અત્યાર સુધીમાં 10 મ્યુઝિક આલ્બમ પ્રકાશિત થયાં છે. તાજેતરમાં મીરામાધુરી આલ્બમ પ્રસિદ્ધ થયેલ છે. માનસીએ ભારત તેમજ સિંગાપુર, અમેરિકા અને યુરોપમાં સંગીત અને નૃત્યના કાર્યક્રમો આપેલાં છે. એક અખબારને આપેલી મુલાકાતમાં માનસીએ કહ્યું હતું કે, પોતે બૅંગ્લોરમાં એક સંગીત શાળા સ્થાપવા માંગે છે. કર્ણાટકી સંગીતની મૂળ પરંપરાને જાળવી રાખવા તે આઈ.આઈ.એમ. જેવી સંગીત સંસ્થા સ્થાપવા માંગે છે. પોતાની ભવિષ્યની યોજના વિશે તે કહે છે કે, આઈ.આઈ.એમ.માં ઉચ્ચ ડિગ્રી મેળવ્યા બાદ તેના જ્ઞાન સાથે પોતાની સંગીત સર્જનકલાનો સમન્વય સાધી તે કંઈક વિશિષ્ટ સિદ્ધિ મેળવવા માંગે છે.

સ્મોલ મિરેકલ્સ

થોડાક વર્ષો પહેલા અમેરિકાના ‘એડમ્સ મિડિયા કૉર્પોરેશન’ દ્વારા પ્રકાશિત અને બે લેખિકાઓ યિટ્ટા હલ્બરસ્ટામ અને જુડિથ લેવેન્થેલ દ્વારા લિખિત ‘સ્મોલ મિરેકલ્સ’ નામના પુસ્તકે ખાસ્સી ધૂમ મચાવી હતી. આ પુસ્તકમાં લોકોના જિવાતા જીવનમાં બનેલી બિલકુલ સાચુકલા ચમત્કારોની વાત છે. આવા નાના નાના ચમત્કારો જગતના અસ્તિત્વના ગૂઢ અર્થને પ્રકટ કરે છે. આ પુસ્તકની પ્રસ્તાવના ડૉ. બર્ની સીગલે લખી છે. તેઓ લખે છે કે વાસ્તવમાં કોઈ ઘટના અમસ્તી નથી બનતી, તે તો પ્રભુના સર્જન અને આપણા પ્રતિભાવનો હિસ્સો જ હોય છે. આ પુસ્તકની લેખિકાઓ કહે છે કે ‘જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે આપણને પ્રભુની ઉપસ્થિતિનો અહેસાસ થાય છે. પ્રભુનો ન દેખાતો હાથ સતત આપણને દોરે છે.’ ‘સ્મૉલ મિરેકલ્સ’ ના તો એ પછી બે ભાગો પણ પ્રકાશિત થયા. અત્રે એ પુસ્તકમાંથી પ્રેમના ચમત્કારને પ્રતિપાદન કરતો એક પ્રસંગ પ્રસ્તુત છે. 
આ વાર્તા છે બીજા વિશ્વયુદ્ધના સમયની. હિટલરના નાઝીવાદે યુરોપ પર ભરડો લીધો હતો. હિટલરના પાગલ અને ઝનૂની દિમાગે ચોમેર હિંસાનું તાંડવ ખેલ્યું હતું. તેણે લાખો યહૂદીઓની કતલ કરી હતી. લાખો યુદ્ધકેદીઓ જર્મન કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં મોતની જિંદગી જીવી રહ્યા હતા. ઘણી વાર હિટલર યુદ્ધ કેદીઓને ગૅસ ચેમ્બરમાં કેદ કરીને ગૂંગળાવીને મારી નાખતો. આવી યાતનાઓનું વર્ણન વાંચતાં આજે પણ આપણે કમકમાટી અનુભવીએ છીએ. આવી યાતનાઓ વચ્ચે પાંગરેલા પ્રેમની આ સત્યકથા છે. મુશ્કેલીઓ, દર્દો અને યાતનાઓની વચ્ચે પણ ખીલે તે પ્રેમ. દુ:ખના ડુંગરાઓ તૂટી પડ્યા હોય ત્યારે પણ પ્રેમ જીવનને પોષે છે, જીવવા પ્રેરે છે તે સંદેશ આ નાનકડી કથા આપણને આપે છે.
1942નો એ ઠંડોગાર દિવસ હતો. હિટલરના એ નાઝી કોન્સન્ટ્રેશન કૅમ્પમાં એકલોઅટૂતો છોકરો શૂન્ય નજરે બેઠો હતો ને અચાનક એ છોકરાએ કાંટાળા તારની વાડને પેલે પાર પસાર થઈ રહેલી છોકરીને જોઈ. પેલી છોકરીને પણ આ છોકરાની હાજરીની ગજબની અસર થઈ. કશીય વાતચીત નહીં, કોઈ શાબ્દિક આપ-લે નહીં, કોઈ સંબંધ નહીં ને તોય કોણ જાણે કેમ એ છોકરીને પોતાની અંદર હિલ્લોળાતી લાગણીની નદી અનુભવાઈ. એ છોકરીએ લાલચટ્ટક સફરજન વાડ પરથી પેલા છોકરા તરફ ફેંક્યું. સફરજન એટલે જિંદગીની નિશાની, આશા અને પ્રેમની નિશાની. છોકરાએ નમીને સફરજન ઉપાડી લીધું. – જાણે કે એની અંધકારમય જિંદગીમાં પ્રકાશનું એક કિરણ પ્રવેશ્યું.

પછી છોકરાનેય કોણ જાણે શું થયું કે દરરોજ એ એની રાહ જોવા માંડ્યો. છોકરીના મનમાં પ્રેમની નદી તો છોકરાના હૃદયમાં પ્રેમનો દરિયો ઘૂઘવવા લાગ્યો. છોકરાને પેલી છોકરીને ફરી ફરી જોવાની ઈચ્છા થવા લાગી. તેને જોવાની પ્રબળ ઝંખના સાથે વળી વળીને તેની આંખો વાડની પેલે પાર તાકી રહેતી. તેની નજર વિશ્વાસસભર આશા અને વાડની પેલે પાર મંડાયેલી રહેતી ને પેલી બાજુ પેલી છોકરી પણ એ દુ:ખી ને એકલવાયા છોકરાને જોવા ઝંખતી રહેતી. ખબર નહીં શું સંબંધ હતો એ બન્ને વચ્ચે કે એ છોકરાનાં દુ:ખ અને એકલતા એને અંદર સુધી સ્પર્શીને હલબલાવી મૂકતાં. સમય પસાર થતાં બન્ને વચ્ચેનું ખેંચાણ એટલું વધ્યું કે શિયાળુ પવન સાથેની બરફવર્ષામાં કે તીરની જેમ ભોંકાતી ઠંડીમાં પણ બે મન (હૃદયો) તો હૂંફાળાં જ રહેતાં. ને ફરી પાછું એક સફરજન કાંટાળી વાડ પરથી પસાર થતું ને બીજી બાજુ પ્રેમનો સંદેશ બની અકબંધ પહોંચી જતું. આ દશ્ય ફરી ફરી દરરોજ ભજવાતું ને આમ ને આમ દિવસો વીતી ગયા. અલગ અલગ બાજુઓ પર રહેતાં બે યુવાન હૃદયને એકબીજાને જોવાની સતત તડપ, રાહ રહેતી. ભલેને પછી એ એકાદ ક્ષણ માટેનું જ દર્શન કેમ ન હોય ? પરસ્પરના પ્રેમ કે સંબંધમાં હંમેશાં અવર્ણનીય પ્રોત્સાહન અને શક્તિની આપ-લે થતી હોય છે. કંઈક એવું જ એ બન્ને વચ્ચે થયું.
ને એવા જ અલપઝલપ અંતિમ મિલન વખતે, એ યુવાને પેલી યુવતીને કહ્યું, ‘કાલથી મારા માટે સફરજન ન લાવીશ. હું અહીં નહીં હોઉં. આ લોકો મને બીજા કૅમ્પ પર મોકલી દેવાના છે.’ ને ભગ્નહૃદયી છોકરો એકપણ વાર પાછળ જોયા વિના ચાલ્યો ગયો.
ત્યાર પછી દુ:ખની પળોમાં હંમેશાં એની આંખો, એના શબ્દો, એની ગંભીરતા અને એનું લાલચટ્ટક સફરજન – આ બધું જ રાત્રે સ્વપ્નોમાં આવીને મધરાતે એને પરસેવે રેબઝેબ કરી મૂકતાં. તેનો સમગ્ર પરિવાર યુદ્ધમાં મૃત્યુ પામ્યો. એનું આખું જીવન બદલાઈ ગયું ને પહેલાંનું સુખી, પ્રેમસભર જીવન તો જાણે કે અદશ્ય જ થઈ ગયું, પરંતુ પેલી મીઠડી છોકરી અને એની મૂક લાગણી તેની યાદમાં જીવંત આશા બનીને વહેતાં રહ્યાં.
પરંતુ સમયને વહેતાં તો વાર જ ક્યાં લાગે છે ? 1957માં અમેરિકામાં બહારથી આવીને વસેલાં પુખ્ત વયનો યુવક અને યુવતી એકબીજાને અવારનવાર મળતાં હતાં. આ પરિચય પરિણયમાં પલટાવાની શક્યતા હતી. એક દિવસે સ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, ‘તમે યુદ્ધ વખતે ક્યાં હતા ?’
‘હું જર્મનીમાં કોન્સન્ટ્રેશન કૅમ્પમાં હતો.’ પુરુષ બોલ્યો.
‘મને યાદ છે કે હું કાંટાળી વાડની પેલે પાર કોન્સન્ટ્રેશન કૅમ્પના બંદી છોકરાની તરફ રોજ સફરજન ફેંકતી.’ એ સ્ત્રીએ યાદોમાં ખોવાતાં કહ્યું.
અદમ્ય આશ્ચાર્યાઘાતની લાગણી સાથે પુરુષ બોલ્યો : ‘તમને એ છોકરાએ એક દિવસ કહેલું કે હવે તું સફરજન નહિ લાવતી, કારણકે હવે મને બીજા કૅમ્પમાં મોકલવાના છે ?’
‘હા કેમ ?’ એ બોલી, ‘પણ તમને એ વાતની કેવી રીતે ખબર ?’
એણે એની આંખોમાં આંખો પરોવતાં કહ્યું, ‘હું જ એ છોકરો છું.’ થોડી વારના મૌન પછી એણે વાત ચાલુ રાખી. ‘હું ત્યારે તારાથી અલગ પડી ગયો પણ હવે પછી હું તારાથી ક્યારેય અલગ નહીં થાઉં. શું તું મને પરણીશ ?’ યુવતીએ મૌન સંમતિ આપી અને બન્ને પ્રેમભર્યા આલિંગનમાં જકડાઈ ગયાં.
1996ના વેલેન્ટાઈન્સ ડે ના રોજ ‘ઓપ્રાહ વિન્ફ્રે શૉ’ નામના અમેરિકન ટેલિવિઝન શૉમાં એ માણસે રૂબરૂ મુલાકાતમાં પોતાની પત્ની અને એના 40 વર્ષના સતત, પ્રબળ પ્રેમની સાબિતી આપેલી. ‘તેં મને કોન્સન્ટ્રેશન કૅમ્પમાં સફરજનથી પોષેલો અને આટલાં વર્ષોથી તું સતત અન્નપૂર્ણા બનીને મને પોષે છે પણ હજુય હું ભૂખ્યો છું – માત્ર મારા પ્રેમનો.’ જીવનની વિષમ ક્ષણોમાં પણ સુખદ ભવિષ્યનાં બીજ રોપાયેલાં હોય છે. 

Friday, October 27, 2017

હિટલર અને મેજર ધ્યાનચંદ

આજે તમને 1936 બર્લિન ઓલમ્પિકનો એ પ્રખ્યાત પ્રસંગ રજુ કરું છું જેના કારણે ધ્યાનચંદનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયુ છે. હિટલરને ધ્યાનચંદની રમત જોઇ તેને કર્નલ બનાવવાની ઓફર કરી હતી. જો કે ધ્યાનચંદનો જવાબ સાંભળી હિટલર પણ પાછો પડ્યો હતો.

ફાઇનલ પહેલા ભારતીય ટીમે ખાધી કસમ
- 1936ની ઓલિમ્પિક ટૂર્નામેન્ટ જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરના શહેર બર્લિનમાં યોજાઇ હતી. ભારત ફાઇનલમાં જર્મની સામે ટકરાવવાનું હતુ.
-  આ મેચ જોવા માટે તાનાશાહ એડોલ્ફ હિટલર પણ આવવાનો હતો. જેને કારણે ભારતીય ટીમ ગભરાયેલી હતી. ડ્રેસિંગ રૂમમાં ગભરાયેલી ટીમ સામે ટીમના મેનેજર પંકજ ગુપ્તાએ ગુલામ ભારતમાં આઝાદીનો સંઘર્ષ કરતા તિરંગાને પોતાની બેગમાંથી કાઢ્યો અને ધ્યાનચંદ સહિત દરેક ખેલાડીને તે સમયે તિરંગાની કસમ ખવડાવી કે હિટલરની હાજરીમાં ગભરાવવાનું નથી.
- ભારતીય હોકી ટીમે તિરંગાને લહેરાવ્યો અને જર્મનીની ટીમ વિરૂદ્ધ મેદાનમાં ઉતરી. હિટલર તે સમયે મેદાનમાં હાજર હતો.
પ્રથમ હાફમાં જ હિટલરે મેદાન છોડ્યુ
- ફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો જર્મની સામે હતો. હાફ ટાઇમ સુધી ભારતે જર્મની સામે 2 ગોલ ફટકારી દીધા હતા. 
- મેચના એક દિવસ પહેલા જર્મનીમાં જોરદાર વરસાદ થયો હતો, જેના કારણે મેદાન ભીનું હતું. ભારતની ટીમ પાસે સ્પાઇકવાળા બૂટ ન હતા અને સપાટ તાળવાવાળા રબરના બૂટ સતત લપસી જતા હતા. 
- ભારતીય કેપ્ટને આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો અને હાફ ટાઇમ પછી બૂટ વગર ખુલ્લા પગે રમવા ઉતર્યા હતા.
ધ્યાનચંદે ઇતિહાસ રચી દીધો
- જર્મનીનો પરાજય જોઈ હિટલર મેદાનમાંથી ચાલ્યો ગયો હતો. બીજી તરફ ખુલ્લા પગે રમી રહેલા ધ્યાનચંદે ગોલનો વરસાદ શરૂ કર્યો હતો. આ મેચમાં ભારતે 8-1થી જર્મની સામે વિજય મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.હિટલર ભારતને મેદાનમાં મેડલ આપવા પણ આવ્યો ન હતો.

હિટલરના આમંત્રણથી ઉંઘી ન શક્યો ધ્યાનચંદ
- ફાઇનલના આગળના દિવસે એલાન થયુ કે વિજેતા ભારતીય ટીમને હિટલર મેડલ પહેરાવશે. આ સમાચાર સાંભળીને ધ્યાનચંદ ઉંઘી શક્યો નહતો. હિટલર આવ્યો અને તેને ધ્યાનચંદની પીઠ થપથપાવી ત્યારબાદ હિટલરની નજર ધ્યાનચંદના અંગુઠા પાસે ફાટેલા જૂતા પાસે ગઇ. ધ્યાનચંદ સાથે તેને સવાલ જવાબ શરૂ કર્યા. જ્યારે હિટલરને માલુમ પડ્યુ કે ધ્યાનચંદ બ્રિટિશ ઇન્ડિયન આર્મીની પંજાબ રેજિમેન્ટમાં લાન્સ નાયક જેવા નાના પદ પર છે.
પણ ધ્યાનચંદનો આ જવાબ સાંભળી હિટલર પણ પાછો પડ્યો
- હિટલરે ધ્યાનચંદને ઓફર કરી કે જર્મનીમાં રોકાઇ જાઓ, સેનામાં કર્નલ બનાવી દઇશ. ધ્યાનચંદ અચાનક મળેલા પ્રસ્તાવને કારણે હતપ્રભ થયો પણ તેને પોતાની ભાવનાને ચહેરા પર આવવા દીધી નહતી. તેને વિનમ્રતાથી જણાવ્યુ, “મને પંજાબ રેજિમેન્ટ પર ગર્વ છે અને ભારત જ મારો દેશ છે.”

અને છેલ્લે:

ભારતના સ્ટાર હોકી પ્લેયર રહેલા મેજર ધ્યાનચંદના જન્મ દિવસને ભારત સરકાર સ્પોર્ટ્સ ડેના રૂપમાં મનાવે છે. ધ્યાનચંદ ભારતના ઇતિહાસનો એવો હિરો છે જેને એડોલ્ફ હિટલર જેવો ક્રુર તાનાશાહ પણ સલામ કરતો હતો