Saturday, October 14, 2017

અમેરિકા અમેરિકા - મોહભંગ


અમેરિકામાં વસવાની આ દોડ શું સૂચવે છે ? એવું તે ત્યાં શું છે કે અમેરિકા જવા માટેની લાલસા લોકોમાં ઘટતી નથી ? ત્યાંની સમૃદ્ધિ આંખે વળગે છે. ડોલરની આવકને રૂપિયા સાથે ગુણાકાર કરીને પોરસ માતો નથી. કાર, એરકંડિશન, સુખ-સાહેબી તો જાણે ત્યાં સૌ કોઈને માટે હાથવગી છે. ખરૂં ને ? શ્રી વિજયભાઈ શાહની ‘વિદેશે વસવાટ’ કોલમ વાંચી હશે તેને ખ્યાલ આવશે કે વ્યક્તિએ પોતે કરેલી અમેરિકાની પરિકલ્પના કેટલે અંશે વાસ્તવિક રીતે સત્ય છે તે તો ત્યાં વસેલ વિજયભાઈ જેવી જ કોઈ વ્યક્તિ પોતાની અનુભવી કલમે ખ્યાલ આપી શકે. ગ્રાંડ કેન્યનની પ્રાકૃતિક સુંદરતા, ડિઝનીલેન્ડની મનોરંજકતા, હોલીવુડની ચકાચૌંધ કરી દે તેવી દુનિયા, લાસવેગાસની રંગબેરંગી દુનિયા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ફિલસુફી, નાસાની સિદ્ધિઓ અને ઘણું બધું.. . હા, આ બધાનો ઈન્કાર નથી થઈ શકતો. ઘણું બધું ઉડીને આંખે વળગે તેવું છે જેને કદાચ શબ્દોમાં વર્ણવવું અસ્થાને છે. સૌ કોઈ જાણે છે માટે જ તે તરફ દોટ મૂકી છે અને મૂકે છે. પણ સિક્કાની બીજી બાજુ પણ જો જોઈશું તો ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના સંરક્ષણ માટે ભારતના નાગરિક માટે ભારતીય બની રહેવું સહેજ પણ ખોટું નથી.
મને યાદ આવે છે તેજલ અને તિમિરની વાત. ઝાલાવાડના નાના એવા એક ગામમાં ઉછરેલી તેજલના માતાપિતાએ તો તેને જેટલું ભણવું હોય તેટલું ભણાવવા કમર કસી હતી. તેના પિતા માટે તો તે ‘વાઘ’ હતી. નાના એવા ગામમાં ઉછરેલી આ તેજલે તો અમદાવાદમાં એકલા રહીને સી.એ. સુધીની વાણિજ્ય શાખાની ઉચ્ચ પદવી સ્વ-મહેનતે મેળવી લીધી હતી. પણ દીકરી મોટી થાય એટલે પિતાને તેને વળાવવાની ચિંતા પહેલી જાગે છે. તેજલના પિિતાએ મુરતિયાની શોધ કરવી શરૂ કરી અને મળી ગયો સંસ્કારી એવો તિમિર. પ્રથમ મુલાકાતે જ તિમિરના વ્યક્તિત્વથી તેઓ અભિભૂત થઈ ગયા અને ગોળ-ધાણા ખવાયા. ઘરે તો ખુશી ખુશી. પણ આડોશી પાડોશીએ જાણ્યું કે ‘તેજલને અમેરિકા આપી’ ત્યાં તો કચર પચર શરૂ થઈ ગઈ. પણ તેજલના કુટુંબીજનો કાચા કાનના ન હતા. એમાં જ્યારે અમેરિકામાં તિમિરના ખાસ મિત્ર સૌરભે જાણ્યું કે તિમિરના બોલ બોલ્યા છે કે તરત જ તેનો તેજલના પિતા પર ફોન આવ્યો કે તમે કોઈ ચિંતા ન કરશો. તિમિરને હું સારી રીતે ઓળખું છું. તે 15 વર્ષથી અહીંયા છે પણ અમેરિકાના કોઈ લક્ષણ તેના જીવનમાં પ્રવેશ્યા નથી. સૌરભ તેજલના કાકાનો પણ ખાસ મિત્ર હતો.
લગ્નનું મુહૂર્ત નક્કી થયું. તેજલના પિતાના ઉમંગનો તો પાર ન હતો. લગ્નની કંકોત્રી પોતાના ગામમાં છપાવવા માટે કોઈ પ્રિંટિંગ પ્રેસ ખુટી નહોતા ગયા પણ તેમને તો કોઈએ જોઈ ન હોય તેવી કંકોત્રી છપાવવી હતી. તે માટે તો અમદાવાદ ઉપડ્યા. કંકોત્રીના બબ્બે ફોલ્ડર બનાવડાવ્યા. દરેક ફોલ્ડર પર કવિતા છપાવી. કંકોત્રી, હરખના તેડાં, આણાની યાદીનું કાર્ડ અને ‘લગનમાં વેવાઈ સાગમટે વહેલાં વહેલાં પધારજો’નું ભાવભીનું નિમંત્રણ કાર્ડ જોવા, સુધારવા હરખપદુડા એવા પિતા અમદાવાદ હડિયા -પાટી કાઢે. તેમના પગમાં શી ખબર ક્યાંથી જોમ આવ્યું હતું કે સહેજેય નિરાંતનો દમ લેતા નહીં… અને લેવાયા તેજલના લગ્ન. લગ્નની આગલા દિવસની સંધ્યા એ ‘સંગીત સંધ્યા’ રાખવામાં આવી. આ ‘સંગીત સંધ્યા’ પણ કંઈક અલગ હતી. ‘સંગીત સંધ્યા’ના ગીતો તેજલે ગાયા અને તેના ભાઈ, પિતરાઈ બહેનો અને પિતાએ પોતપોતાની ગીતોની અને નૃત્ય કૃતિ રજૂ કરી રમઝટ બોલાવી દીધી.
છ માસમાં તો તેજલે અમેરિકાનું પ્લેન પકડયું. તિમિરનું મિત્ર વર્તુળ એટલું બધું હતું કે ભાભી ઉપડે ઉપડાતી ન હતી. તિમિરની ધાર્મિક પ્રવૃત્તિમાં તેજલ ઓતપ્રોત થઈ ગઈ. પોતાના મધુર કંઠે ભક્તિ સંગીતથી સૌના મન મોહી લીધા. પણ અમેરિકા એવો દેશ હતો તેવી તેને પ્રતીતિ થઈ કે જ્યાં હુતો-હુતીએ કામ કરવું જ પડે ! તે માટે ભારતની એકલી પદવીથી નોકરી ન મળે. અમેરિકામાં ભણવું પડે અને ત્યાંની પદવી લેવી પડે. તેજલે એક વરસ તનતોડ મહેનત કરી અને અમદાવાદમાં મેળવેલ પદવીઓ અનુભવના સહારે અમેરિકાની પદવી સારા સ્કોર સાથે મેળવી એટલું જ નહીં એક ઓઈલ કંપનીમાં ઓડિટર તરીકેની નોકરી પણ મેળવી લીધી. તિમિરે પણ ઓછી તકલીફ નહોતી વેઠી. બારમા ધોરણ પછી અમેરિકાની વાટ પકડી ત્યારે એકલ પંડે, નવી અને પારકી દુનિયામાં વસવાટ કરવો તે સહેલી વાત ન હતી. એક દિલાસો હતો કે ત્યાં રહેતા તેના કાકા તેના ઘડતર માટે આ અજાયબ દુનિયામાં પ્રેરણાસ્રોત હતા. ગેસ સ્ટેશનોમાં રાતો જાગી, ખડે પગે ઉભા રહીને નોકરી કરવી તે તો તેના માટે ખાંડાના ખેલ ખેલવા સમાન હતું પણ ધ્યેય એક જ હતું અભ્યાસ કરવો અને મોભાદાર હોદ્દાવાળી નોકરી શોધી લેવી. તિમિરે ‘નાસા’ જેવી ઉચ્ચતમ કંપનીમાં નોકરી મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું.
સંસારનો રથ પૂરપાટ ચાલતો હતો. તેજલને ઓઈલ કંપનીમાં જોબ મળી ગઈ હતી. કંપનીની અનેક શાખા દેશ-પરદેશમાં હતી. આ કંપનીનું ઓડિટ તો કરવું પડે. તેજલ 11 – 11 કર્મચારીઓને લઈને દેશ-વિદેશ ઓડિટ કરવા હિંમતભેર નીકળી પડતી. ખાવાનો પ્રશ્ન તો થાય જ. તિમિરને દસ-દસ દિવસ એકલા રહેવું પડે. પણ જિંદગીમાં સંઘર્ષ વેઠ્યા વગર સિદ્ધિ ન મળે તેની તેમને બન્નેને સમજણ હતી. જોતજોતામાં તેજલે બે વર્ષ અમેરિકામાં વિતાવી દીધા. આલિશાન ઘર ખરીદ્યુ. બંનેની પાસે પોતપોતાની ઓફિસે જવા મોંઘામાં મોંઘી કાર હતી. બધું જ કાર્ય સમયના ચક્ર પ્રમાણે ગોઠવાઈ ગયું હતું. સમૃદ્ધિ કોઈની પણ નજરે ચડે તેમ હતી. પણ તે સમૃદ્ધિ પરિશ્રમથી આવી હતી. તેના માટે બંનેએ સમય, શરીર અને આરામનો ભોગ આપવો પડ્યો હતો. એક દિવસ તેજલે તિમિરને ‘દિવસો રહ્યાના’ ખુશીના સમાચાર આપ્યા. તિમિરની ખુશીનો તો કોઈ પાર ન હતો. તિમિરે તો બીજા જ દિવસે રજા લઈ લીધી અને તેજલને ડોક્ટર પાસે ચેક અપ કરાવવા લઈ ગયો. ડોક્ટર પહેલા સ્ક્રિનિંગમાં તો કાંઈ ન કહી શક્યા પણ બીજી વારના સ્ક્રિનિંગમાં તો કહી જ દીધું કે તેજલને ટ્વીંસ બેબી ગર્લ છે. આ ભારત ન હતું. અમેરિકામાં અમુક સમય વિત્યા પછી ડોક્ટર બાળકની જાતિ કહી શકતા હતા. તિમિર તો રાજીના રેડ થઈ ગયો. વિદેશમાં પણ કોઈ જુદી જ રીતે ઉજવાય, જેને કહેવાય ‘બેબી શાવર.’ બંને તો ‘બેબી શાવર’ની ઉજવણીનો પ્લાન ઘડવા લાગ્યા. દેશમાંથી ભાઈએ ખુબસૂરત બેટીઓના પોસ્ટરોનું પાર્સલ કરી દીધું. તિમિરે તો આખું ઘર બેટીઓના પોસ્ટરથી સજાવી દીધું. જ્યાં નજર પડે ત્યાં હસી-ખુશી.
તિમિરે તેજલને કહી દીધું કે હવે આ દેશ-પરદેશ ઉડવાનું બંધ. પણ બંનેએ નોકરી કર્યા વગર આ દેશમાં ન ચાલે. તેજલને પોતાના અનુભવને આધારે નવી નોકરી પણ મળી ગઈ. પોતાની આવડતને લીધે આખી કંપનીનો વહીવટ કરવામાં તેને કોઈ તકલીફ નહોતી પડતી પણ થાક તો લાગતો. આપણે ત્યાં તો ઓફિસનું ઘણુ ખરું કામ તો પટાવાળો કરતો હોય. અહીં તો જાતે જ બધું કામ કરવું પડે. નોકરીથી આવી રસોઈ બનાવવી અને ઘરકામ તો ઉભું જ હોય. અમેરિકામાં જેમ બંનેએ નોકરી કરવી પડે તેમ ઘરકામમાં પણ હાથ કામે લગાડવો પડે. તિમિર તેના કામમાં પાવરધો હતો. તે પણ નોકરી કરીને આવે કે તેજલનું બાકી રહેલ કામ, ખરીદીનું કામ પતાવતો. પણ આ ભારત ન હતું. અહીં ઘરકામ કરવાવાળા સરળતાથી ન મળે અને મળે તો ડોલરમાં ચૂકવણી કરવી પડે. બંને નોકરી કરવા જાય ત્યારે તે આવી ઘર વાળીચોળી સાફ કરી નાંખે તેવી વિશ્વાસુ વ્યક્તિ શોધવી પડે. પણ ઇશ્વરકૃપાએ બધું જ ગોઠવાઈ ગયું.
વધુ શ્રમ ન પહોંચે તે માટે તેજલે તેના મમ્મી-પપ્પાને બોલાવી લીધા. હવે તો ઘરમાં ચાર જણા. તેજલને ઓફિસેથી આવીને કાંઈ કરવું પડતું ન હતું. છેક સુધી તેજલે નોકરી કરી અને સમય થતાં ‘હસી-ખુશી’નો જન્મ થતાં નાના-નાની તો બંનેને નીચે મુકતા નહીં. જોતજોતામાં હસી-ખુશી પાંચ માસની થતાં નાના-નાની ભારત પાછા આવ્યા. આપણે ત્યાં તો મેટરનિટી લીવ મળે અને નોકરીના સ્થળે પણ જોઈએ તે સગવડ મળે. કાયમી હોય તેને નિયમ મુજબ સગવડ મળે પણ અહીં નોકરીમાં કોઈ છૂટછાટ મેળવી ન શકાય. જિંદગીની ખરી તકલીફ ભોગવવાની શરૂઆત થઈ. નેની મળે પણ નેનીને ભરોસે હસી-ખુશીને મુકીને જવું ગમે નહિ. તોય બાજુમાં જ રહેતી પડોશી બાઈની ઈચ્છા જાણી તેના ભરોસે હસી-ખુશીને મુકવાનું શરૂ કર્યું. એક દિવસ ખ્યાલ આવ્યો કે તે તો નોન-વેજિટેરિયન છે ! આ ન પોષાય. તેને રજા આપી ડે-કેરનો ઉપાય અજમાવ્યો. આપણે ત્યાં આવી વ્યવસ્થા નથી પણ ત્યાં તો નાણાં કમાવવા માટે લોકો જાતજાતના નુસખા કરે. પ્રશ્ન એ છે કે દાદા-દાદી કે નાના-નાનીનો પ્રેમ કે સારસંભાળ જેવી લાગણી ક્યાંથી લાવવી ? આપણે ત્યાં કુટુમ્બ વ્યવસ્થાનું મોટું સારું પાસું એ છે કે બાળક ક્યારે મોટું થઈ જાય તે ખબર જ ન પડે ! અમેરિકામાં ઘરના વડીલોની હાજરી વગર બાળકોને મોટા કરવા તે સરળ કાર્ય ન હતું. બાળક ક્યારે માંદા પડી જાય અને નોકરી-ધંધો છોડીને હોસ્પિટલ દોડવું પડે ત્યારે આપણી આ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અચૂક યાદ આવી જાય. પોતાના ઉછેરમાં પોતાના દાદા-દાદી અને નાના-નાનીની પ્રેમભરી માવજત ડગલે ને પગલે બંનેને યાદ આવી જતી. વાત આટલેથી નથી અટકતી. બાળક સમજણું થાય કે તેને શીખવવામાં આવે કે જો કોઈ તેને પજવતું હોય તો 911 ડાયલ કરીને ફોન કરવાનો, પછી તેની ફરિયાદ માતા-પિતા વિરુદ્ધ પણ કેમ ન હોય !
એક રાતે ‘હસી-ખુશી’ સૂઈ ગયા હતા. વાતાવરણમાં વર્ષાની ભીનાશ હતી.
તિમિરથી તેજલને પૂછ્યા વિના ન રહેવાયું, ‘શું રજકણે સૂરજ થવાનું સપનું ન જોવાય ? દીવો મશાલ ના બની શકે ?’ તેજલે જવાબ આપ્યો, ‘રજકણે સૂરજ થવાનું હોય તો એણે ખુલ્લા આકાશમાં ઉગવું પડે. જવાબદારી સાથે ઉગવામાં ક્યાંક આ બાળકોનું ભવિષ્ય ધુંધળું બની જાય તો શું કરીશું ? આજે અમેરિકામાં ગમે તે રીતે વિહરવું હોય તો આપણાં બાળકો વિહરી શકશે, શ્રેષ્ઠતમ પદવી લઈ શકશે પરંતુ શું તેઓ આપણા બનીને રહેશે ખરાં ? આ સંસ્કૃતિ તેમને આપણા રહેવા દેશે ? શાળાએ જતાં ગન ફાયરિંગ નહીં થાય તેને ખાતરી શું ? તેઓ બહાદુર અને જિનિયસ બનશે તો શું ખાતરી છે કે સરકાર તેમની કારકીર્દિને રોળી નહીં નાંખે ? ગમે તે ઓઢી-પહેરી શકવાની સ્વતંત્રતા, ગમે તેને જાહેરમાં કીસ કરી શકવાની સ્વતંત્રતા શું આપણી સંસ્કૃતિને જીવવા દેશે ? કારણ વગર કાલે જેલમાં પુરી નહિ દેવાય તેની શી ખાતરી ? આપણે આપણા બાળકોને કેટલા અને ક્યાં સુધી બાંધી રાખી શકીશું ? તેમનામાં ઘાતકીપણું, સ્વચ્છંદતા અને લાગણીવિહીનતા કે જડતા નહીં ઘુસી જાય તેની કોને ખબર છે ? આ રજકણને તો ઘણી અભિલાષા છે પણ એ ઓરતા અધૂરા રહી જાય તેવી દહેશત પણ પૂરી છે.’
તિમિરને પણ તેજલની વાતમાં કાંઈક વજૂદ લાગ્યું. તેણે શબ્દદેહે એક પ્રસ્તાવ મૂકીને દિલની વાત અભિવ્યક્ત કરી દીધી. ‘તેજલ, તેં તો મારા મનની વાત કરી દીધી. ચાલને અમેરિકા છોડી દઈએ ને ભારત પાછા જતા રહીએ ! સૌના બાળકો અહીંયા મોટા તો થાય છે પણ તેનો ઉછેર અને આપણી સંસ્કૃતિમાં ઉછરેલ બાળકોના અભિગમમાં રહેલો તફાવત નરી આંખે જોતાં એમ નથી લાગતું કે અહીંયા ઉછરેલા બાળકોમાં કંઈક ખુટે છે ? ચાલને આપણે સૌરભને પૂછી તેનો અભિપ્રાય લઈએ કે અમે અમેરિકા છોડી દઈએ તો કેમ ?
બીજા દિવસે રજાઓ માણવા હસી-ખુશી સાથે સૌરભને ત્યાં બંને પહોંચી ગયા. મનમાં તો એ જ વાત ઘુમતી હતી કે રજકણે સૂરજ બનવાનું છોડી દેવું કે કેમ ? હસી-ખુશીને તો સૌરભને ત્યાં બંને ફીઆ (ફોઈ) મળી જાય એટલે બસ, કોઈની જરૂર નહીં ! જ્યારે જ્યારે સૌરભના ઘરે બધા ભેગા થાય ત્યારે સંગીતની મહેફિલ જામે. આજે ફરી અંતાક્ષરી જામી ને ‘અ’ આવતા તેજલથી ‘એક રજકણ સૂરજ થવાને શમણે, ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે’ પંક્તિ ગવાઈ ગઈ. તિમિરે મનમાં ઘુમરાતા પ્રશ્નને શબ્દદેહ આપી સૌરભને પૂછી લીધું, ‘સૌરભ, અમે ભારત પાછા જઈએ તો કેમ ?’ પહેલાં તો આ પ્રશ્ન સાંભળીને જ સૌરભ સ્તબ્ધ બની ગયો. મહેફિલમાં હાજર સૌ કોઈને બહુ મોટો શોક લાગ્યો. કારણ સૌરભ તિમિરને અઢાર વર્ષથી ઓળખતો હતો. તિમિરના પ્રશ્નનું તાત્પર્ય જાણીને સૌરભ તેને કહી ન શક્યો કે તારો વિચાર ખોટો છે. તેણે પણ ભારતીય સંસ્કૃતિને પોતાના ઘરમાં જાગૃત રાખી હતી.
તેણે પોતાનો અભિપ્રાય જણાવતા કહ્યું, ‘તિમિર તારો વિચાર ખોટો નથી. આજે આપણા ભારતીયોનો ઊંચા જીવનનો મોહ એટલો બધો વધી ગયો છે કે સંતોષ એ જ સાચું સુખ એ વાત જુની લાગે અને અસંતોષ, આગળ ને આગળ જવાનો અજંપો તેમને પ્રગતિનું એક લક્ષણ લાગે છે. આ કમાણી, ભૌતિક સુખ-સમૃદ્ધિ સામે પોતાની આગવી સંસ્કૃતિ, સંસ્કાર, જીવનના મૂલ્યો તેઓને મન તૂચ્છ છે. તેઓ માને છે કે જીવનધોરણ ઊંચુ આવ્યું છે. વેસ્ટર્ન કલ્ચરમાં તો આગળની હરોળમાં આવી ગયા છે પરંતુ ઘરની સુખ-શાંતિનું શું ? બાળકો પુખ્ત વયના થતાં માતા-પિતા પોતાના સંતાનોને કાંઈ કહેવા હરફ પણ ઉચ્ચારી ન શકે એ તો કેવી સંસ્કૃતિ ? હા, સોફિસ્ટિકેટેડ વાતો, આર્ટિફિસિયલ શિષ્ટાચાર શીખી જવાય પણ ડગલે ને પગલે સંવેદનાના પાઠો તો આપણા માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની સાથેના ધબકતા ઘરોમાં શીખવા મળે, નિર્જીવ દિવાલોના હાઉસમાં નહીં. તમારા સંતાનોને તમે કેટલો સમય આપી શકો છો ? સવારના સાત વાગ્યે નીકળી સાંજે સાતે આવી કલાક-બે કલાકમાં તો તમે તેમને સુવડાવી દો છો. કારણ કે બીજા દિવસે સાત વાગ્યે તો નિત્યક્રમ મુજબ નીકળી જવાનું છે. દિવસનો મોટો ભાગ તો પારકાને હવાલે આ બાળકો હોય. મોટા થાય ત્યારે તેમની સ્થૂળ હાજરી જ હોય, મન તો ક્યાંક બીજે જ ભમતું હોય. તમારા તરફની લાગણી, પ્રેમ, માયા, મમતાનો સેતુ તાંતણાનો જ બની રહે, નક્કર બ્રીજ ન બને. અડધી જિન્દગી પૈસા પાછળ દોડીને પાછલી જિન્દગી પોતાનાના વિના જીવવું તેના કરતાં વતનનો લુખો સૂકો રોટલો સારો. કરો ફતેહ. તમારા વિચારને લાખ લાખ સલામ.’
તિમિર અને તેજલના મનનો ભાર હળવો થઈ ગયો. પોતાના નિર્ણયને સાચા મિત્રની મહોર લાગતાં તેને અમલમાં મૂકવા તરફના પ્રયત્ન શરૂ થયા. આશાવરીને સમગ્ર કંપનીનો દોર હાથમાં આપી દેવાનું પ્રલોભન તેના બોસ આપવા લાગ્યા. તિમિરને પણ પ્રમોશનનું પ્રલોભન આપવામાં આવ્યું. અન્ય લોકોને તેમના નિર્ણયમાં મૂર્ખામી લાગી પણ સિટિઝન થયેલા તિમિર – તેજલ ટસ સે મસ ન થયા. ભવિષ્યમાં મળનારા લાભો તરફ નજર નાંખ્યા વગર, શું ગુમાવવું પડશે તેનો પણ સહેજેય વિચાર કર્યા વગર એક ઝાટકે વર્ષોના પરિશ્રમથી ઉભી કરેલી દુનિયાને અલવિદા કરી દેવા કમર કસી લીધી. એક માસમાં તો બધું જ સમેટીને વતનની ધૂળને મસ્તકે ચડાવી અમદાવાદ જ્યાં પોતાનું બચપણ વિતાવ્યું હતું, કેટલાય લાગણીભર્યાં સ્પંદનો માણ્યા હતાં ત્યાં પાછા આવીને માતા-પિતાની છત્રછાયા હેઠળ તમામ તણાવ, ચિંતા અને સમસ્યાને ત્યજીને ઉલ્લાસીત મામા-મામીના વ્હાલભર્યા સામ્રાજ્યમાં મુક્તપણે કિલ્લોલ કરતા જોઈ બંને એક સાથે હર્ષથી રોમાંચિત થઈ ઉઠ્યા !!! 
અને છેલ્લે:-
(આ સંપૂર્ણ સત્ય ઘટના છે, ફક્ત નામ બદલ્યા છે..અને આવી મનોવ્યથા અનુભવતા હજુય કેટલાય "તિમિર-તેજલ" અમેરિકાના મોહમાંથી મુક્ત થવા ઈચ્છે છે!! તે તમામને પ્રેરણાબળ મળી રહે એ જ મુખ્ય ઉદ્દેશ છે આ પ્રસ્તુતિનો - કાર્તિક શાહ)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...