Monday, October 9, 2017

જયા-બચ્ચન



'દેખીયે, મૈં ભી પત્રકાર કી બેટી હું!’ મૈં બાત સમજ સકતી હૂં, પર પહેલે આપ ખાના ખા લિજીએ!’ એ અલગ વાત છે કે 1991માં રાજકોટમાં થયેલા આ ડાયલોગ પછી જયા બચ્ચને આ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. અમિતાભ બચ્ચન ત્યારે અફઘાનિસ્તાનમાં ‘ખુદાગવાહ’નું શૂટિંગ કરતા હતા. જયાએ એ ઇન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચન ઘરમાં અને હોલિડે પર કેમ રહે છે તેની વાતો કરેલી અને ડેની ડેન્ઝોગ્પા અંગત મિત્ર હોવાનું પણ કહેલું. એ વખતે ખબર હોત તો જયા બચ્ચન સાથે ગુલઝાર સાહેબની વાત થઈ શકી હોત કારણ કે ગુલઝાર તેમના રાખીભાઈ (માનેલા) છે. ત્રીજી જૂન, 1973ના એકદમ ઉતાવળે અમિતાભ - જયાનાં લગ્ન થયાં ત્યારે શણગાર સજેલી દુલ્હને વરમાળાની વિધિ માટે બહાર લાવનારા ગુલઝાર અને તેમનાં પત્ની-અભિનેત્રી રાખી જ હતાં. અમિતાભ-જયાનાં લગ્ન તેજીજી અને હરિવંશરાય બચ્ચનજીના આગ્રહવશ ઉતાવળે અને ખાનગી રાખીને કરવામાં આવ્યાં હતાં. જોકે મીડિયામાં તો આ ન્યૂઝ એક દિવસ અગાઉ લીક થઈ ગયા હતા.

હૂઆ યૂં કિ ‘બંસી – બીરજુ’, ‘એક નઝર’ અને ‘ઝંજીર’ (તેમ જ ‘ગુડ્ડી’ના રિજેક્શન) દરમિયાન અમિતાભ-જયા એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં. ‘ઝંજીર’ હિટ ડિક્લેર થઈ એટલે સેલિબ્રેશન માટે તેમને પરદેશ ફરવા જવું હતું, પણ શાદીબ્યાહ વગર સાથે કેમ રહી શકાય? રહે તો કેવું લાગે અને કેવી વાતો થાય? બડે બચ્ચન અને તેજીજીએ શરત મૂકી કે જવું હોય તો ડેફિનેટલી જાવ, પણ પહેલા લગ્ન કરી લો. વાગી શરણાઈ.

આમ તો અમિતાભ બચ્ચનના જુહૂમાં જલસા, જનક અને પ્રતીક્ષા નામના ત્રણ બંગલા છે, જેમાં બિગ બી ‘જલસા’માં રહે છે અને મુંબઈમાં હોય તો રવિવારે દર્શન પણ આપે છે. જનક બંગલામાં એબીસીએલ, સરસ્વતી ક્રિયેશન (ટીવી સિરિયલ બનાવતી કંપની)ની ઓફિસ અને જિમ છે. ‘સત્તે પે સત્તા’ના પેમેન્ટના ભાગરૂપે મળેલા જલસા ઉપરાંતના પ્રતીક્ષા બંગલામાં અમિતાભ વરસો સુધી માબાબુજી સાથે રહ્યા હતા. પ્રતીક્ષામાં જ તેમની લાઇબ્રેરી પણ છે. આ જ બંગલાના ગ્રાઉન્ડમાં અભિષેક-શ્વેતા નાનાં હતાં ત્યારે બિગ બી બચ્ચાલોગનું ફૂટબોલ પણ રમતા. જોકે લગ્ન વખતે તેઓ જુહૂના જ ‘મંગલ’ નામના ફ્લેટમાં રહેતા હતા. લગ્નના દિવસે એ ઇમારતને અને અમિતાભની પોંટીએફ કારને પણ ફૂલોથી સજાવવામાં આવી હતી. બિગ બીની જાન કારના કાફલામાં નીકળીને મલબાર હિલ વિસ્તારના સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં ગઈ હતી, જ્યાં પત્રકાર તરુણકુમાર ભાદુરી રહેતા હતા.

મેગાસ્ટારનાં આ લગ્નમાં કોણ કોણ હતું? મંગલમાં બારાતીઓં કા સ્વાગત પાન પરાગથી નહીં, બન્ટી એટલે અજિતાભ પગે લાગીને કરતા હતા. પુષ્પા ભારતીજી તો પ્રભાવિત થઈ ગયાં હતાં, આ ચરણસ્પર્શથી. તેમની સાથે ધર્મયુગના તંત્રી-સાહિત્યકાર-પતિ ધર્મવીર ભારતી હતા. અમિતાભને સૌપ્રથમ ફિલ્મમાં લેનારા ખ્વાજા અહેમદ અબ્બાસ હતા તો બડે બચ્ચનજીના સમકાલીન સાહિત્યકારમિત્રો ભગવતીચરણ શર્મા અને નરેન્દ્ર શર્મા હતા. ભગવતીચરણ શર્માજી બડે બચ્ચનજી અને તેજીનાં લગ્નમાં પણ હતા. જયા-અમિતાભનાં લગ્નમાં પણ તેમની હાજરીથી બડે બચ્ચનજી વધારે ખુશ હતા. જયાજીના ઘેર બારાતીઓનું સ્વાગત કરવા માટે કોમેડિયન અસરાની તૈયાર હતા. જયાજી સાથેના તેમના સંબંધ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા ત્યારના. નવાં નવાં પરણેલાં ગુલઝાર અને અભિનેત્રી રાખી ઘરમાં હતાં. જયા ભાદુરી બંગાલી હોવાથી અમિતાભ-જયાના એક બંગાળી પંડિત, બંગાળી વિધિ મુજબ કરાવવાનાં હતાં.

તમને ખબર છે એમ અમિતાભ-અજિતાભને બહેન નથી એટલે શુકનનું તિલક અને સાફો બાંધવા માટે તેમની મુંહબોલી બહેન નીરજા ખેતાન હાજર રહેતાં. તેમણે વિધિ પતાવી પછી બિગ બીની જાન નીકળી. સૌથી આગળ પોતાની સિંગર કારમાં અજિતાભ બચ્ચન હતા. તેમની સાથે બાળપણનો એક દોસ્ત પણ વધેલી દાઢી સાથે બેઠા હતા. તેમનું નામ સંજય ગાંધી.


જયા ભાદુરીના ઘેર લગ્ન સંપન્ન થતાં હતાં ત્યારે તેના દાદીમા વિધિમાં શંખ વગાડતાં હતાં તો જયાજીની નાની બહેન નીતા ભાદુરી દીદીની સાથે જ રહેતી હતી. ફેરા ફરતી વખતે નીતા જયાજીનાં જાજરમાન વસ્ત્રો સંકોરીને તેમની સાથે જ ફરતી હતી. તેણે બે ફેરા ફરી લીધા, એ જોઈને તેજી બચ્ચનથી રહેવાયું નહીં. તેમણે કહ્યું, અરે પગલી, આ રીતે સાત ફેરા ફરી લઈશ તો અમિતનો તારા પર અધિકાર થઈ જશે! નેચરલી, બધાં હસી પડેલાં અને નીતા એ પછી બીજા મહેમાનો પાસે જઈને બેસી ગયેલી. લગ્નની વિધિમાં સંજય ગાંધી ઠરેલ વ્યક્તિની જેમ બેઠા રહ્યા હતા. વિધિ પછી વરવધૂ વડીલોને પગે લાગવા માંડ્યાં ત્યારે અજિતાભે પણ મોટા ભાઈના ચરણસ્પર્શ કર્યા. એ જોઈને તેજીજીએ કહ્યું કે, બન્ટી, ભાભી કે પાંવ ભી છૂઓ! જોકે જયાજી અજિતાભને રોકી લીધા હતા.



દરેક લગ્નમાં થાય તેવો ચણભણાટ આ દરમિયાન અમિતાભ-જયાનાં લગ્નમાં પણ થયો હોવાનું પુષ્પા ભારતીજીએ નોંધ્યું હતું. વાત એમ હતી કે જયાનાં મમ્મીજી ઇચ્છતાં હતાં કે કન્યાવિદાય બીજા દિવસે થાય, પણ જયા-અમિતાભ બીજા જ દિવસે લંડન જવાનાં હોવાથી તેજીજી ઇચ્છતાં હતાં કે કન્યાવિદાય આજે જ થઈ જાય. ધાર્યું તેજીજીનું જ થયું. તૈયારી કરવા માટે તેઓ પોતાના દિયર રજ્જનજી અને દેરાણી ઇન્દિરાની સાથે પહેલાં નીકળી ગયા કે જેથી વરવધૂનું સ્વાગત કરી શકાય. બડે બચ્ચનજી જયા અને અમિતાભને લઈને નીકળ્યા.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...