Thursday, August 17, 2017

ઉત્તર - એક કળા


 ઇ.સ. ૧૯૩૦ની સાલ. કારાવાસ ભોગવતાં સરદાર વલ્લભભાઈ પટેલને મળવા મહાદેવભાઈ દેસાઈ આવ્યા. મુલાકાત પૂર્ણ થઈ. વિદાયવેળાએ મહાદેવભાઈ કહે, " તમને ત્રણ મહિનામાં એક જ મુલાકાત મળે અને આ એક મુલાકાત તો થઈ ગઈ. હોવી તમે પાછા નહીં મળી શકો એનું દુઃખ થાય છે. "
સરદાર ― " મને અહીં કોઈએ મળવા આવાની જરૂર નથી. ઉલટા કોઈ મળવા આવે તો મને યાદ આવે છે કે આ હજી બહાર રહી ગયેલા છે !! "

 વાણીસ્વાતંત્ર્ય ના મિજાજી વિગ્રહ જેવા આચાર્ય રજનીશને એક દિવસ એક પત્રકારે પૂછ્યું, " તમે કહો છો કે ભારત શ્રેષ્ઠ દેશ  છે, પણ ક્યારેક તમે તદ્દન વિરોધી વાત કહો છો કે ભારત દંભી, ખોખલો અને કંનિષ્ઠ દેશ છે - તો સત્ય શુ છે ? "
ઓશો મૃદુ સ્મિત સાથે બોલ્યા ― " આત્મન! આપની બંને વાત સાવ સત્ય છે! ભારતમાં હું પણ રહું છું અને આપ પણ રહો છો ! "

 શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેમના વિશે પાકિસ્તાનના સરમુખત્યાર ઝિયાએ ઘણી વખત અણછાજતી, અયોગ્ય ટીકાઓ કરેલી. 
બન્યું એવું કે ઝિમ્બાબ્વેના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સલિસબરી શહેરમાં પાકિસ્તાની વડા જનરલ ઝિયા ઉલ હક અને ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને એક સાથે આમંત્રણ અપાયું!

સલિસબરીમાં બંને મળ્યા ત્યારે જનરલ ઝિયાએ કહ્યું ― " મેડમ, પ્લીઝ અખબારમાં રજુ થયેલી બધી વાતો સાચી ના માનતા! "
ઇન્દિરા ગાંધી ― " જરાય નહીં, જનાબ! અખબારો નો કદીય વિશ્વાસ ન કરાય. આ અખબારો તો તમને લોકશાહી નેતા અને મને સરમુખત્યાર કહે છે !!!"

Tuesday, August 15, 2017

ગુજરાતી લેખન: અધિકૃત, આકર્ષક અને સુવાચ્ય બનવાનો કસબ

અર્વાચિન ગુજરાતી લેખનમાં વિસ્ફોટ થવો અપેક્ષિત હતો. વાચક પાસે પ્રતિ સપ્તાહ લગભગ 500 કૉલમોનું વૈવિધ્ય પત્રો-સામયિકો દ્વારા ગુજરાતી ભાષામાં પ્રસ્તુત થાય છે, પણ હકીકત એ છે કે પાંચ, સાત જેટલી કૉલમો જ નિયમિત વંચાતી હોય છે. બાકીની કૉલમો પસ્તીબજારના ભાવ ટકાવી રાખવામાં સહાયક થાય છે.


આજે ગુજરાતી પત્રોમાં કૉલમો લખવી એ એક પૂર્ણત: પ્રોફેશનલ અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિ છે. શીર્ષકથી અંત સુધી લેખકે પોતાના માધ્યમનો કસબ દેખાડતા રહેવાનું છે, અને અંદર અધિકૃત માહિતી ભરવાની છે, શૈલી આકર્ષક અને ભાષા સુવાચ્ય બનાવવી પડે છે અને બીજી એક વધારે ભયાવહ ચૅલેંજ લેખક સામે ઊભી છે, ગુજરાતી વાચક હવે 21મી સદીના આરંભે વધારે સ્માર્ટ, વધારે જિજ્ઞાસુ, વધારે દક્ષ થઈ ગયો છે. ઘણી વાર જે વિષય પર લેખકે લખ્યું હોય છે એ જ વિષય પર લેખક કરતાં વાચક વધારે જાણતો-સમજતો હોય છે. વાચક હવે માત્ર સુજ્ઞ રહ્યો નથી, એ પ્રાજ્ઞ બની રહ્યો છે, દુનિયાભરમાં ફરે છે, અન્ય ભાષાઓની ગતિવિધિઓથી પરિચિત છે, લેખકની જડ બની ગયેલી મૂઢ માનસિકતાથી એ દસપાંચ વર્ષ કે એક પેઢી આગળ નીકળી ગયો છે. એના ડ્રૉઈંગ-રૂમમાં ટી.વી.ની 60 ચેનલો વરસી રહી છે, અને એના બેડરૂમમાં ઈન્ટરનેટનાં બટનો દબાવીને એ કરાચીના 'ડોન'થી લોસ એંજેલિસના 'લોસ એંજેલિસ ટાઈમ્સ' સુધીનાં વિશ્વનાં પ્રમુખ પત્રોના સમાચારો, વિચારો, પ્રતિ-વિચારો વિશે આગાહ થઈ શકે છે. અલાદીનનો જીન માહિતીઓના ખજાનાઓ લઈને હાજર ઊભો છે. વાચક પાસે આજે મૂર્ખ બનવાનો સમય નથી. વાચક એનું ત્રીજું નેત્ર ખોલીને લેખકની બેઈમાની અને બકવાસ અને બદનિયતની આરપાર જોઈ શકે છે. કૉલમલેખને ગુજરાતી ભાષામાં એક વાચક-યુગ લાવી દીધો છે.


આજે ગુજરાતી ભાષામાં કૉલમલેખકોમાંના કેટલાક સૌથી વધારે માનધન અથવા ધનરાશિ મેળવે છે, અને લેખક તરીકે ઉત્તરદાયિત્વ નિભાવવું પડે છે. પૈસા મળે છે માટે પ્રોફેશનલ થવું જ પડે છે, અને ગુજરાતી પત્રો તમને લાખો વાચકોના ઘરોમાં પહોંચાડે છે માટે તમારે ઠોસ, સંગીન, સમૃદ્ધ લખવું જ પડે છે. બેજવાબદાર, જૂઠ્ઠું, તફડંચી કરેલું, અશિષ્ટ, અશ્લીલ, પૂર્વગ્રહપીડિત, આત્યંતિક લેખન કૉલમોમાં લાંબું ટકતું નથી, કારણ કે કૉલમનો વાચક એ નાટકનો પ્રેક્ષક કે સંગીતનો શ્રોતા કે ચિત્રપ્રદર્શિનીનો દર્શક નથી જે એક વાર જોઈ-સાંભળી-અનુભવીને ઘેર ચાલ્યો જાય છે. 


કૉલમ પ્રતિસપ્તાહ પ્રકટ થતી રહે છે, તમારે એ જ વાચકના ચરણોમાં ફરીથી એ જ કૉલમ મૂકી દેવાની છે, લેખક-વાચકનો સંબંધ એક જ લેખ પૂરતો નથી, દૃષ્ટિનો સંબંધ બનાવ્યા વિનાનો એ એક મેઘધનુષી સેતુ છે, જે એના સાતેસાત રંગોની જાહોજલાલીમાં અડધા આકાશ પર ફેલાઈ જાય છે. કૉલમલેખકે વિશ્વસનીયતા પ્રકટાવવાની છે, એનો પરિશ્રમ એના ટપકેલા શબ્દોમાં વાચકને દેખાવો જોઈએ, એની હકીકતો સ્વીકૃત અને અધિકૃત હોવી જોઈએ. અને આ બધાની ઉપર લેખકના વિચારોની મૌલિકતા, ભય કે પ્રલોભન વિનાની અભિવ્યક્તિ, વાચકના નિર્ભીક સાથી હોવાનો અહસાસ... લેખકની ગર્દન ટટાર રાખે છે. વાચકને પણ પ્રામાણિક સ્પષ્ટ લેખન ગમે છે, આભાસી અને દોગલું અને શબ્દાળ અને બેઈમાન અને ઉપદેશાત્મક લેખન શું અને કેવું હોય છે એ આજના સતર્ક વાચકને ખબર છે. લેખકે વાચકના અંતરતમનાં સ્પંદનોને શબ્દો દ્વારા વાચા આપવાની છે. માટે લેખકનો શબ્દ પારદર્શક હોવો જોઈએ. કૉલમલેખક ધર્મગુરુ કે ઉપદેશક નથી, સૌદાગર કે તાબેદાર નથી, શિક્ષક કે સર્કસનો જોકર નથી, સરકાર સાથે વેવાઈ જેવું વહાલ રાખીને પૂછડી પટપટાવતા રહેવાનો એનો ધર્મ નથી. અઢી અક્ષરનો શબ્દ 'સત્ય' એ એનું નિશાન હોવું જોઈએ અને આ નિશાનની દિશામાં વાચક એનો બિરાદર છે, કોમરેડ છે, હમદમ છે અને દોસ્ત છે.


20મી સદીનાં અંતનાં વર્ષો અને 21મી સદીના આરંભના કાળમાં ગુજરાતી પત્રકારિતા શીર્ષસ્થ છે. કૉલમલેખકોના લાખો ગુજરાતી વાચકો છે. કૉલમલેખક હવે, જૂના સંસ્કૃતમાં અટવાતો હતો એ શબ્દ સાર્થક કરે છે: અભિપ્રાયજ્ઞ! એ 'ઓપિનીઅન-મેકર' બની ચૂક્યો છે. જનતાના વિચારોમાં વિરાટ પરિવર્તન લાવે છે, સ્વસ્થ માનસિકતાનું સંવર્ધન કરે છે, બેઝુબાન વંચિતને એક વાચા આપે છે.


― શ્રી ચંદ્રકાન્ત બક્ષી.

Monday, August 14, 2017

કલાકાર કે વૈજ્ઞાનિક??!!


લંડનના બર્લિંગ્ટન હાઉસમાં ભારતીય ચિત્રકળાનું પ્રદર્શન ભરાયું હતું. તેની બહાર લગાડેલા પોસ્ટર પર ઉપર બતાવેલો ફોટો પણ હતો.
એડિનબર્ગમાં શાસ્ત્રીય યુરોપિયન સંગીતનો સમારોહ યોજાઈ રહ્યો હતો; અને તેમાં વિશ્વ વિખ્યાત સંગીતકાર બીથોવનના સંગીત અંગે બહુ ઊંડાણથી ચર્ચા થવાની હતી. ઉપરોક્ત ફોટા વાળો યુવાન બીથોવનના સંગીતનો ખાં ગણાતો હતો; બીથોવનની એક તર્જને સમજવા માટે જરૂરી ઓપસ નમ્બર વિશે તેણે વિદ્વત્તાવાળો લેખ લખેલો હતો; અને તેને પણ આ સમારોહમાં એ સમજાવવા આમંત્રણ અપાયું હતું. પણ તેમાં આ યુવાન ભાગ લઈ શકે તેમ ન હતું. એનું કારણ જાણવાની મજા આવશે....!!
તે તેની લેબોરેટરીમાં એટોમિક એનર્જી અંગેની બહુ જટિલ ( અઘરી) ચકાસણી કરવામાં વ્યસ્ત હતો!

કેમ નવાઈ લાગી ને? ભારતીય ચિત્રકળા, યુરોપિયન સંગીત અને એટોમિક એનેર્જી ત્રણેમાં ખાં?
હા એ પ્રતિભાશાળી યુવાન હતો  હોમી ભાભા.
 —————–
આઝાદી પછી તરત જ ભારત માટે વિજ્ઞાનના રાહની કેડી કંડારનારા બે ગુજરાતીઓ હતા, ડોકટર હોમી ભાભા અને ડોકટર વિક્રમ સારાભાઈ. ગર્ભશ્રીમંત પરિવારમાં ઉછરેલા અને વિદેશી કેળવણીનો લાભ મેળવનારા આ બન્ને વૈજ્ઞાનિકોએ સંશોધનકાર્ય ઉપરાંત માતબર સંસ્થાઓ સ્થાપીને સ્વતંત્ર ભારતના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો.
હોમી ભાભાનો જન્મ ૩૦મી ઓકટોબર, ૧૯૦૯માં એક શિક્ષિત અને ધનાઢ્ય પારસી કુટુંબમાં થયો હતો. એમના પિતા જહાંગીર ભાભા ઓક્સફર્ડમાં ભણેલા બેરિસ્ટર હતા. માતાનું નામ મહેરબાઈ હતું. તેમનું કુટુંબ તાતા કુટુંબનું સંબંધી હતું.  હોમીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લીધેલું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા ઈંગ્લેન્ડ ગયા. ત્યાં તેઓ મિકેનિકલ એન્જિનિઅરીંગમાં સ્નાતક થયા. તેમનાં માતાપિતાની ઇચ્છા હતી કે હોમી તાતા સ્ટીલમાં કોઈ હોદ્દો સંભાળે, પણ હોમીની ઇચ્છા વૈજ્ઞાનિક બનવાની હતી.
બીજા વિશ્વયુધ્ધની શરૂઆત થઈ જતાં હોમી ભાભા ભારત પાછા ફર્યા અને મહાન વૈજ્ઞાનિક સી. વી. રામન સાથે બેંગલોરમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં જોડાયા. અહીં એમણે ઘણી મહત્ત્વની વૈજ્ઞાનિક શોધખોળો કરી. ૧૯૪૫માં તેમની પ્રેરણાથી તાતાએ મુંબઈમાં ‘તાતા ઈન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ની સ્થાપના કરી અને હોમી ભાભાને તેનો કારોબાર સોંપ્યો.

આઝાદીની પહેલાંથી જ જવાહરલાલ નહેરૂ હોમી ભાભાના મિત્ર હતા. આઝાદી મળ્યા પછી જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન થયા. હોમી ભાભાની સલાહથી તેમણે ૧૯૪૮માં એટોમિક એનર્જી કમિશનની સ્થાપના કરી અને હોમી ભાભાને તેના વડા બનાવ્યા. ૧૯૫૦ સુધીમાં હોમી ભાભા દુનિયાભરમાં અણુવિજ્ઞાની તરીકે જાણીતા થઈ ગયા.

૧૯૫૪માં તેમની સેવાઓની કદર કરવા ભારત સરકારે તેમને પદ્મભૂષણ ખિતાબથી નવાજ્યા. તેમને ભારત સરકારના ખાસ વૈજ્ઞાનિક સલાહકારનો દરજ્જો આપવામાં આવ્યો. તેમની દેખરેખ નીચે મુંબઈમાં ટ્રોમ્બે પાસે ૧૨૦૦ એકર જમીન ઉપર ભારતનું પ્રથમ અણુસંસ્થાન સ્થપાયું. આજે આ સંસ્થા ભાભા એટૉમિક રિસર્ચ સેન્ટર તરીકે ઓળખાય છે.
૨૪મી જાન્યુઆરી, ૧૯૬૬ના યુરોપની આલ્પ્સ પર્વતમાળાના માઉન્ટ બ્લેન્ક નજીક,  એક વિમાની અકસ્માતમાં,  હોમી ભાભાનું માત્ર ૫૬ વર્ષની વયે જ મૃત્યુ થયું. (વધુ એક રહસ્યમય મૃત્યુ!!, સુભાષચંદ્ર બોઝ, લાલબહાદુર શાસ્ત્રી અને બીજા અગણિત વૈજ્ઞાનિકોના રહસ્યમય મૃત્યુની જેમ જ, જેના પર ભવિષ્યમાં એક લેખ લખવાનો પ્રયત્ન કરીશ) વિજ્ઞાનની સેવા કરવાની રટને લીધે હોમી ભાભા જીવનભર અપરિણીત રહ્યા હતા. સંશોધક હોવા ઉપરાંત ભાભા નખશિખ કલાપ્રેમી હતા. પોતે પિયાનો અને વાયોલિન વગાડી શકતા હતા અને ચિત્રો પણ દોરતા હતા. આજે ડો. હોમી ભાભાની ગણના ભારતના અણુવિજ્ઞાનના પિતા તરીકે થાય છે.

Sunday, August 13, 2017

તુલસી


તુલસીનું મહત્વ કેવળ રોગ નિવારણમાં નથી. તુલસીનું મહત્વ કેવળ હિન્દુત્વના રક્ષણ કરવા માટે નથી. ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું મહત્વ વ્યવસ્થિત રીતે નિરૂપાયેલું છે. માટે તે સ્વીકારવું જોઈએ એ વાત વ્યાજબી ગણવી યોગ્ય નથી. હા, તુલસીનું મહત્વ આપણા ધર્મશાસ્ત્રોમાં ખુબ બતાવવામાં આવ્યું છે, પરંતુ એ કાંઈ લોકોને બહેકાવા માટે કે લોકોને અંધ વિશ્વાસમાં નાખવા માટે જરા પણ નહીં.
પોતાની વ્યક્તિગત દ્રષ્ટિબિંદુથી જો તુલસીનું મહત્વ અને તેનો ઉપયોગ સમજવામાં આવશે તો જે કોઈ જગ્યાએ અને જે કોઈ ધર્મમર્યાદામાં તેને વિષે કહેવામાં આવ્યું છે એ સંપુર્ણ સત્ય દેખાશે.
વિશ્વના પ્રબુદ્ધ વૈજ્ઞાનિકોએ તુલસીના મહત્વને વધારે સ્થાન આપ્યું. એમણે તુલસીના ઉપયોગ પાછળ ખૂબ પ્રયાસ આદરી દીધો છે. આપણા સિદ્ધ ઋષિમુનિઓની જે પ્રણાલિકા અને તુલસીના મહત્વ બતાવવાની રીત તેના કરતાં આજે વિજ્ઞાન લોકોને તુલસીના ઉપયોગ બતાવવામાં કાંઈ મણા ન રાખી. એ વિજ્ઞાન હજુ સંશોધન કરતું રહ્યું છે.
કેટલાક શારીરિક વૈજ્ઞાનિકો અને ડૉકટરો, કેટલાક માનસશાસ્ત્રીઓ અને માનસચિકિત્સકોએ તો તુલસીને સર્વાર્થ આપનારું એક અનોખું અમૃત કહ્યું છે. તુલસીનું પાંદડું હોય કે તેનું કાચું બીજ, તેની શાખા હોય કે તેનાં મૂળ અને તે સૂકાયેલું હોય કે લીલું અનેક રીતે તે અતિ ઉપયોગી છે. તુલસીનું બધું જ ઉપયોગી છે એમ આજે પુરવાર થયું.
આર્ષમેધાવીઓ તો એમ કહે છે કે તુલસી ‘ચતુર્વર્ગ પ્રદાયિકા – ચારે પ્રકારના પુરુષાર્થને આપનારી છે. કર્તવ્ય પાલનમાં મનની દૃઢતા તુલસી આપે છે. મનોવાંછિત અર્થ તુલસી સિદ્ધ કરે છે. સામાન્ય ઈરછાઓ અને સર્વવિધ કામનાઓ માતા તુલસી સિદ્ધ કરી આપે છે. આપણા પુરુષાર્થમાં તુલસી અનોખી ચેતના પૂરે છે. તુલસી તો ચરમ પુરુષાર્થ મુક્તિ પર્યતના સર્વે અર્થો સહજે આપે છે.
ભગવાનના આરાધકો જેમ પોતાના પરમદેવને ભાવથી આરાધે છે તેમ સાચા અને પ્રબુદ્ધ જ્ઞાનીઓ, માતાઓ અને વડીલો, બહેનો અને યુવાનો શ્રીતુલસીની પૂજામાં પોતાના પરમદેવ અને પોતાના ગુરુને જુએ છે. તુલસીની પૂજા કરવામાં સાધકોને અંતરમાં બ્રહ્માનંદનો લહાવો મળે છે. જેમ પરવરદિગાર બંદગી કરનારની કામનાઓ પૂર્ણ કરે છે તેમ તુલસીની પૂજા કરનારા પોતાની અનેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે.
સાચા સાધકો તો ભગવાનને નૈવેદ્ય અર્પણ કરે ત્યારે પણ તુલસી વિના તો ક્યારેય કરે જ નહીં! સિદ્ધ સાધકોએ અનુભવ્યું છે અને જોયું છે કે વિશ્વ વ્યાપક સર્વેશ્વર તુલસી વિના નૈવેદ્ય ગ્રહણ કરતો નથી.
ઔષધમાં કે રોગનિવારણમાં તુલસીનું કેટલું મહત્વ છે એ અત્યારે આપણો વિષય નથી. એમના વિષે તો આજનું આધુનિક વિજ્ઞાન બહુ કહી ચૂક્યું છે અને હજુ પણ કહેશે. આપણા સિદ્ધ આયુર્વેદના ગ્રંથોએ તુલસીના સબંધમાં ઘણું કહ્યું છે.

વિશ્વની એવી કોઈ ભાષા કે અતિપ્રાચીન સંસ્કૃતિ નથી જ, કે જેમાં તુલસીનું ગૌરવ બતાવવામાં ણ આવ્યું હોય! ફારસીમાં તુલસીને રેહાન કહેવામાં આવે છે અને અરબીમાં ઉલ્સી વાદૃત કહે છે. લેટિનમાં ઓસીમમ કે અલ્વમ કહે છે અને અગ્રેજીમાં બેસિલ કહે છે.
પરંપરાથી સંસ્કારી પરિવારે, એ અનુભવ્યું છે અને જોયું છે કે તુલસી વિનાનું ઘર એ કેવલ ભૂત અને પ્રેત, શેતાન અને રાક્ષસ અને દુરાચારી અને જાલીમો માટેનો અડ્ડો છે.
જેના ઘરમાં તુલસી નથી. જેના ઘરમાં તુલસીની પૂજા થતી નથી ત્યાં સંસ્કારી અને સિદ્ધ આત્મા પણ અવતાર ધારણ કરતી નથી. વિશ્વને રાહ બતાવનાર સિદ્ધ આત્માઓ તુલસીના પૂજનથી અને તુલસીની આરાધનાથી જ મહા પદવી પામ્યા છે. જેના ઘરમાં તુલસી હોય તેના ઘરમાં જાત જાતના રોગ પણ પોતાનો અડ્ડો નાખતા ખચકાય છે.
હવે જ્યાં તુલસી ન હોય પછી ત્યાં કોણ આવીને પોતાનો અડ્ડો જમાવે? અનાચાર, અત્યાચાર, દુરાચાર, અને ધુર્તાચાર જેવા ત્યાં પ્રેરણાના શ્રોત બની, ઘરને શ્મશાન જેવું બનાવે! જ્યાં કોઈને ઘરમાં શાંતિ ન હોય, કોઈને કોઈ ઘરમાં બીમાર પડ્યું જ રહે, એક સ્વસ્થ થાય તો બીજું કોઈ ગમે તેમ કરી ગબડે અને વ્યવહારમાં ખેંચા તાણ તો હટતી દેખાય જ નહીં.
તુલસી તો ઘરનું મોટું આભૂષણ છે. ઘરમાં કોઈ સંતાન ન હોય તો ઘર કેવું સૂનું લાગે? ઘરમાં સ્વચ્છતા ન હોય, ઘરમાં જેમ તેમ સમાન વિખેરાયેલો પડ્યો હોય તો ઘર કેવું લાગે? ઘરમાં જ્યાં ત્યાંથી ગંદકીની દુર્ગંધ આવતી હોય તો તે ઘર કોને સારું લાગે?
જેમ ઘરમાં મોજ શોકની કોઈ સાધન સામગ્રી ન હોય કે હાર ઉપહાર કે અલંકારો ન હોય તો ઘર એ ઘર લાગતું નથી. તેમ તુલસી અને ઘરમાં દેવનું સિહાસન એ ન હોય તો ઘર કેવું લાગે? જાણો છો એ ઘર કેવું ફળ આપે?
પવનપુત્ર હનુમાન જયારે પ્રભુરામની આજ્ઞાથી સીતાની શોધમાં લંકામાં ગયા છે ત્યારે તેણે વિભીષણનું ઘર જોયું તો, ઘરના આંગણામાં તુલસીનો મોટો બગીચો જોયો! વૃંદાનું વન જોયું!
રાસાયણિક દ્રવ્યોથી જે શરીરના હાનિકારક બેકટેરીયા કે સુક્ષ્માતિ સુક્ષ્મ જંતુઓ નાશ થતાં નથી એ તુલસીનાં મોગરા સહિતના પાન લેવાથી થાય છે. શરીરનું ઓજસ પણ તુલસીના સેવનથી વધે છે
જે કુમારિકાઓ પોતાના કંઠમાં નિત્ય તુલસીના કષ્ટમાંથી બનાવેલા પારાઓ કે તુલસીની શુદ્ધ બેવડી માળા પવિત્ર સાધક કે સાધ્વી થકી ધારણ કરી, કોઈ પણ શુદ્ધ સંકલ્પ કરે છે તો તે સંકલ્પ તુલસીના પૂજનથી અવશ્ય સિદ્ધ થાય છે. જો તુલસીનું ધુપ, દીપ અને જળથી પૂજન કરાય છે તો પુજાયેલા તુલસી સર્વ કાર્ય કરવાની શક્તિ આપે છે. સંતો કહે છે કે સારા કર્યો પરિપૂર્ણ કરવા માટે, પવિત્ર વંશની વૃદ્ધિ માટે, પોતાના સૌભાગ્ય માટે અને મૃત્યુ પછી સનાતન શાંતિ માટે તુલસીનું પૂજન અને કંઠમાં ધારણ કરવું ઘણું મહત્વ ધરાવે છે.
જે સાધકો વિધિથી તુલસીને પોતાના કંઠમાં ધારણ કરે છે અને ભગવાનના શરણાગત બનીને તેમની પૂજા આરાધના કરે છે તેમની અનેકવિધ શારીરિક વ્યાધિઓ અને માનસિક ઉપાધિઓ દુર કરવાની યુક્તિઓ આપોઆપ હાથ આવે છે અને સહેજે સહેજે બહુ વિધ સુખ સાંપડે છે.
શ્રી કૃષ્ણ ભગવાને તો સદા વૃંદાવનમાં રહેવું પસંદ કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન કંઠમાં તુલસી ધારણ કરી સર્વે સંત હરિભક્તને ધારણ કરાવી છે. સ્વામિનારાયણ ભગવાન સદા તુલસીની માળાથી જાપ કરવાના આગ્રહી રહ્યા છે. તુલસી માળાના જાપથી સિદ્ધિ પણ અનોખી હોય છે.
સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં એમ આદેશ આપ્યો કે સંસ્કારી ભક્તજનોને તો કંઠમાં તુલસીની માળા અવશ્ય ધારણ કરવી. જો તે સુલભ ન હોય તો ચંદનના કાષ્ટમાંથી બનાવેલ ધારણ કરવી.
આ વચનોમાં કાંઈક રહસ્ય છે પરંતુ એતો ભગવાન સ્વયં કૃપા કરે કે ગુરુદેવ કૃપા કરે અને જણાય એવું આપણે ભગવાન પાસે માંગીએ.

શબ્દો ― બોલતાં વિચાર કરજો!


એક વ્યક્તિએ આઈન્સ્ટાઈનને તેમના વિચારો ટૂંકમાં લખી મોકલવા વિનંતી કરી હતી. તેના જવાબમાં આઈન્સ્ટાઈને પણ માત્ર અમુક શબ્દો : દેશ, ઈશ્વર, વિજ્ઞાન વગેરે લખી મોકલ્યા હતા. શબ્દ ઘણી વાર લાંબા વાક્યો કરતાં વધારે સચોટ અને અસરકારક બની શકે છે. એ વાતને યાદ કરીને એક ભાઈએ મને પત્ર લખ્યો હતો કે સોનેરી શબ્દો તો ઠીક છે, પણ સૌથી આઘાતજનક શબ્દો કયા છે, તે કહેશો ?
એમની વાત વિચારવા જેવી હતી. દરેક ભાષામાં અમુક શબ્દો અત્યંત કડવા, તોફાની, આઘાતજનક હોય છે. એ સિવાય અમુક સંજોગોમાં અમુક સામાન્ય શબ્દ પણ ખૂબ જ આઘાતજનક બની જાય છે. એક વાર નવાં પરણેલાં પતિ-પત્ની એક નિર્જન રસ્તે એકલાં જઈ રહ્યાં હતાં. પતિ સ્વાભાવિક રીતે જ પોતે ભૂતકાળમાં કરેલાં પરાક્રમોની વાત કરતો હતો. બચપણમાં પોતે કેવો તોફાની હતો, કોલેજમાં અભ્યાસ કરતો ત્યારે કેવા કેવા ગુંડાઓ સાથે બાથ ભીડી હતી, સી.આર.ની અને જી.એસ.ની ચૂંટણીઓમાં કેવાં પરાક્રમો કર્યાં હતાં એનું બયાન કરતો હતો. અચાનક એ વખતે બે માણસ બાજુમાંથી નીકળી આવ્યા ને છરી કાઢીને એક જણ બોલ્યો : ‘જે હોય તે જલદી આપી દો !’ બહાદુર પતિએ જીભના લોચા વાળતાં કંઈક બોલવા પ્રયત્ન કર્યો, પણ પેલાએ છરીનો આછો ઘસરકો કર્યો એટલે તરત એ શાંત થઈ ગયો. છરીવાળા માણસે એની પાસેથી અને એની નવવધૂ પાસેથી જે કાંઈ હતું તે લઈ લીધું અને જતાં-જતાં નવવધૂ સાથે થોડાં અડપલાં પણ કરતો ગયો અને વટથી હસતો-હસતો ચાલ્યો ગયો.
પોતે તો ઢીલોઢફ થઈ ગયો. પત્ની પણ અવાક બની ગઈ. થોડીવાર પછી બંનેના જીવમાં જીવ આવ્યો, ત્યારે પત્નીએ માત્ર એટલું જ કહ્યું, ‘ચાલો હવે.’ એ બંને શબ્દો સામાન્ય હતા, પણ સંજોગોને કારણે પતિ માટે છરીની ધાર કરતાં પણ એ વધારે તીક્ષ્ણ બની ગયા. એટલે કોઈ પણ ભાષામાંથી સારા ઉત્સાહપ્રેરક શબ્દો શોધવાનું સહેલું છે, પરંતુ આઘાતજનક શબ્દો શોધવાનું કામ એટલું સહેલું નથી. ઘણી વાર ‘લાવો’, ‘લ્યો’, ‘આવો’ જેવા સરળ શબ્દો પણ આઘાતજનક બની જતા હોય છે. છતાં અમુક શબ્દો આઘાતજનક જ હોય છે. જેમ કે ‘જા-જા’, ‘હટ’, ‘ફૂટ અહીંથી’, ‘છટ’ વગેરે શબ્દો કોઈને માન આપવા માટે વપરાતા નથી.
પણ આવા શબ્દો એકદમ ખુલ્લા હોય છે. એના ઉચ્ચારથી આપણને સીધો જ આઘાત લાગે છે. કોઈ મહોરાં નીચે છુપાઈને પછી એ પ્રગટ થતા નથી. પરંતુ કેટલાક શબ્દો બહુરૂપી હોય છે. આવા એક શબ્દ વિશે વર્ષો પહેલાં મેં એક લેખ વાંચ્યો હતો એની છાપ હજુયે ઝાંખીઝાંખી જળવાયેલી છે. લેખ તો પૂરો યાદ નથી પણ શબ્દ યાદ રહી ગયો છે : ‘ઓહ !’ આ ‘ઓહ !’ શબ્દ માત્ર ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં વપરાતો નથી, જગતની ઘણી ભાષાઓમાં એ જુદા જુદા સ્વરૂપે ફેલાયેલો છે. ‘ઓહ !’ ‘આહ !’ ‘એહ !’ ‘યેહ !’ વગેરે એનાં જ રૂપ છે અને ઘણી વાર એ જોડકામાં જન્મે છે. ‘ઓહ !’ ત્યારે જાણે એ વધારે આઘાતજનક બની જાય છે.
ધારો કે તમારા ગળામાં થોડો દુઃખાવો થાય છે. ધારો કે એ વખતે તમારી પાડોશમાં રહેતા કોઈક જયંતીલાલ કે રતિલાલ ગળાના કેન્સરથી મૃત્યુ પામે છે અને તમને તમારું ગળું દગો દઈ રહ્યું હોય એમ લાગે છે. ધારો કે એ જ વખતે તમે માનવજાતના લાભાર્થે છપાયેલી કેન્સર વિશેની કોઈક જાહેરાત વાંચો છો : ‘કેન્સર એક જીવલેણ રોગ છે, પરંતુ પ્રાથમિક તબક્કામાં જો એનું નિદાન થાય તો તે મટી શકે છે. જો તમને શરીરમાં ક્યાંક ગાંઠ દેખાય, તમારા અવાજમાં ફેરફાર થાય, તમારી કુદરતી હાજતોના સમયમાં ફેરફાર થાય, ગળવામાં તમને કાંઈ તકલીફ થાય, વગેરે… તો જલદી કોઈ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો.’ આમ તો તમે મજબૂત મનના છો, પણ પાડોશી જયંતીલાલ કે રતિલાલ ગળાના કેન્સરથી મૃત્યુ પામે છે અને કેન્સરનાં ચિહ્નોમાંથી કેટલાંક એકસાથે તમારા શરીરમાં પ્રગટ થઈ રહેલાં તમને દેખાય છે : અવાજ ભારે થઈ ગયો છે, ગળામાં દુઃખે છે, ગળવામાં થોડી તકલીફ પણ પડે છે, કબજિયાત તો ઘણા વખતથી હેરાન કરે છે ! જલદી ડૉક્ટરને બતાવવાની જરૂર છે. પરંતુ તમે મજબૂત મનના છો, એટલે જલદી તો નહીં પણ મોડેમોડે ડૉક્ટર પાસે તો પહોંચો જ છો. (મોડેમોડે એટલે કેન્સરનાં ચિહ્નો વિશેની જાહેરાત વાંચ્યા પછી છત્રીસ કલાકે. જોકે તમને છત્રીસ દિવસ જેટલું મોડું કર્યું હોય એમ લાગે છે.)
ડૉક્ટર નિષ્ણાત છે. તમને ખુરશીમાં બેસાડે છે. તમારું મોં ખોલાવી તપાસ શરૂ કરે છે. કપાળ પર રિફલેક્ટિંગ મીરર છે. વચ્ચે વચ્ચે તમને ક્યારેક પ્રશ્નો પૂછે છે. તમારી જીભ બહાર કઢાવે છે. જીભ પર ટન્ગ-ડિપ્રેશર દબાવે છે અને કોણ જાણે કેમ, એકાએક એ ગંભીર બની જાય છે. તમે હેબતાઈ જાઓ છો. ડૉક્ટર ગંભીર છે. ચૂપ છે. તપાસ ચાલુ છે. તમારા ગળામાં એ તાકી રહે છે. અચાનક એનું મોં ખૂલે છે અને માત્ર એક જ શબ્દ બહાર નીકળે છે : ‘ઓહ !’ તમારા મોતિયા મરી જાય છે, શરીર પરસેવે રેબઝેબ થઈ જાય છે, આંખે અંધારાં આવી જાય છે ! તપાસ પૂરી થાય છે. ડૉક્ટર હજી ચૂપ છે. હાથ ધુએ છે. ખુરશી પર બેસે છે. તમને સામેની ખુરશી પર બેસાડે છે અને કોઈ ઉચ્ચ અદાલતનો ન્યાયાધીશ ફેંસલો ઉચ્ચારે એમ શબ્દો ઉચ્ચારે છે : ‘તમને માત્ર કાકડાની તકલીફ છે. કેન્સર જેવું કશું જ નથી.’ કહે છે કે ગયેલો જીવ ક્યારેય પાછો આવતો નથી, પરંતુ તમારા જીવનમાં તો ચમત્કાર બને છે. ઊડી ગયેલો જીવ એકાએક જાણે શરીરમાં પાછો આવે છે. તમારું હૃદય આનંદથી ધડકી ઊઠે છે. અને ઘણી વાર પછી તમે સંકોચ સાથે ડૉક્ટરને પૂછો છો :
‘સાહેબ, ખરેખર કશું ગંભીર નથી ?’
‘ના, કશું જ ગંભીર નથી.’
‘પણ….’
‘કાકડા છે, બીજું કશું જ નથી.’
‘પણ ગળું તપાસતી વખતે તમે ગંભીર થઈને “ઓહ !” બોલ્યા હતા, એટલે મને તો એમ કે…’
ડૉક્ટર હસી પડે છે, ‘અરે, ભાઈ, એ તો…..’
‘એવું કેમ બોલ્યા હતા, સાહેબ ?’
‘વાત એમ છે…..’ ડૉક્ટર મલકે છે, ‘મારા ટેલિફોનનું બિલ ભરવાનું બાકી છે. આજે એ ભરાઈ જ જવું જોઈએ. ન ભરાય તો ફોન કપાઈ જાય. આ વાત મને બરાબર તમારું ગળું તપાસતી વખતે જ યાદ આવી ગઈ એટલે મારાથી બોલાઈ ગયું કે ઓહ ! સારું થયું કે યાદ આવી ગયું, નહીં તો ફોન કપાઈ જાત !’
બોલો, વિના-કારણ કે અન્ય કારણે બોલાયેલા ‘ઓહ !’ની પણ કેટલી તાકાત છે ! ભલભલા માણસના હૃદયના ધબકારા વધારી દેવાની તો ક્યારેક બંધ કરી દેવાની પણ શક્તિ તે ધરાવે છે. એનો ઉપયોગ કઈ રીતે થયો છે એના ઉપર એની આઘાતજનક શક્તિનો આધાર છે. પરંતુ, આમાંથી એક વાત એ પણ શીખવા મળે છે કે : આપણા ગળા કરતાં, કેન્સર કરતાં કે આપણી જિંદગી કરતાં પણ ડૉક્ટરને મન એનું ટેલિફોનનું બિલ વધારે અગત્યનું હોઈ શકે છે ! એવી જ રીતે દરેક વ્યક્તિને એની પોતાની જ નાનકડી તકલીફો વધારે મહત્વની લાગતી હોય છે. દરેક માણસ પોતાની દુનિયામાં જ રમમાણ હોય છે. એટલે, કોઈ શબ્દના ઉચ્ચાર-માત્રથી આપણે આઘાત ન પામવો. એ શબ્દ જુદા કારણે પણ ઉચ્ચારાયેલો હોઈ શકે છે. આમ, આઘાતજનક શબ્દોમાં ‘ઓહ !’ જેવો નાનકડો શબ્દ પણ આપણને કેટલો ધારદાર લાગે છે ! લાંબાં વાક્યો અને હાંસી કરતાં કે ઠપકા કરતાં એ શબ્દ વધુ આઘાત પહોંચાડી શકે છે.

શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન


કેટલાક લોકોના મનમાં જે એવો ભ્રમ છે કે આપણી ભાષાઓ પૂરી સમર્થ નથી, અને આજના જમાનાનો બધો વહેવાર આપણી ભાષાઓમાં ચાલી શકે તેમ નથી, તે ભ્રમ સદંતર કાઢી નાખવા જેવો છે. આ હું આપણી ભાષાઓના અભિમાનને કારણે નથી કહી રહ્યો, પણ વાસ્તવમાં આ જ ખરેખર વસ્તુસ્થિતિ છે.

'શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન’ શ્રી વિનોબાજી નું વાંચવા જેવું પુસ્તક....કેટલાક અંશો રજૂ કરું છું....

ખરું જોતાં તો હકીકત એ છે કે આપણી ભાષાઓ બહુ જ વિકસિત ભાષાઓ છે. સેંકડો વરસથી આપણી બધી ભાષાઓનો વિકાસ થતો આવ્યો છે. આજ સુધી તે ઘણી વિકાસ પામી છે અને હજીયે વિકાસ પામતી રહેશે. જુઓ, કન્નડમાં એક હજાર વરસથી ઉત્તમ સાહિત્ય લખાઈ રહ્યું છે. તેમાં જ્ઞાનની કોઈ કમી નથી. ત્યારે ખરું જોવા જશો તો એક હજાર વરસ પહેલાં અંગ્રેજી ભાષા નહોતી. મેં જોયું કે તમિલમાં કેટલું બધું પ્રાચીન સાહિત્ય છે ! કદાચ સંસ્કૃતને બાદ કરતાં આટલું વિશાળ સાહિત્ય હિંદુસ્તાનની બીજી કોઈ પ્રચલિત ભાષામાં નથી. અને છતાં આપણે એમ માનીએ કે આપણી ભાષાઓ પૂરતી વિકસિત નથી, પૂરતી સમર્થ નથી ?!
બીજો એક દાખલો આપું ‘કેન્ટરબરી ટેઈલ્સ’ અંગ્રેજીમાં બારમી સદીનો ગ્રંથ છે. એ જ સમયનો લખેલો જ્ઞાનેશ્વર મહારાજનો ‘જ્ઞાનેશ્વરી’ ગ્રંથ મરાઠીમાં છે. બંને પુસ્તકો મેં વાંચ્યાં છે, બંનેનો મેં અભ્યાસ કર્યો છે. ‘જ્ઞાનેશ્વરી’ પાસે જેટલા શબ્દો છે, તેના ચોથા ભાગના પણ શબ્દો ‘કેન્ટબરી ટેઈલ્સ’માં નથી. અને ‘જ્ઞાનેશ્વરી’ કંઈ મરાઠીનો પહેલો ગ્રંથ નથી. તેની પહેલાં પણ પુસ્તકો લખાયાં છે. માટે મારું કહેવાનું એટલું જ છે કે આપણી બધી ભાષાઓ ઘણી વિકસિત ભાષાઓ છે. તેમાંયે સંસ્કૃત તો ખૂબ જ સમૃદ્ધ છે. હા, એ વાત ખરી કે આપણી ભાષાઓમાં જોઈએ તેટલી વિજ્ઞાનની વાતો નથી. પરંતુ આ આધુનિક વિજ્ઞાનનું સાહિત્ય કેટલાં વરસનું ? બહુ-બહુ તો સો-બસો વરસનું. અને તે બધું ખેડાણ અત્યાર સુધી આપણી ભાષાઓમાં થયું ન હોવાથી આજને તબક્કે વિજ્ઞાનનું સાહિત્ય અંગ્રેજીમાં વધારે છે. પરંતુ જેમ જેમ આપણી ભાષાઓમાંયે વિજ્ઞાનનું ખેડાણ થતું જશે, તેમ તેમ વિજ્ઞાનની બાબતમાં આપણી બધી ભાષાઓનો અવશ્ય વિકાસ થશે. આમાં કોઈ શક નથી.
આ વસ્તુને જ જરા બીજી દષ્ટિથી જોઈએ. એ હકીકત છે કે વિજ્ઞાનનું ખેડાણ અત્યાર સુધી આપણે ત્યાં વિશેષ ન થયું હોવાથી એ શબ્દો આપણી ભાષાઓમાં આજે નથી. પરંતુ તેવી જ સ્થિતિ અંગ્રેજી ભાષાની બીજાં ક્ષેત્રોમાં છે. મારો જ દાખલો દઉં. એક વાર બુનિયાદી શિક્ષણ અંગે એક સમિતિ દિલ્હીમાં મળી હતી. ડૉ. ઝાકિરહુસેન વગેરે પણ તેમાં હતા. અંગ્રેજીમાં ચર્ચા ચાલી રહી હતી. શબ્દ આવ્યો, Correlation. મેં કહ્યું કે હું ‘કોરિલેશન’ જાણતો નથી, પણ હું ‘સમવાય’ જાણું છું અને ‘સમવાય’ને અંગ્રેજીમાં શું કહે છે, તે હું જાણતો નથી. ‘સમવાય’ જાણું છું, કેમ કે તે મારી શિક્ષણની પદ્ધતિ છે. તે બહારથી આવી નથી, મારા જીવન સાથે વણાયેલી છે. એટલે પછી એ લોકોએ મને કહ્યું કે, તમે ‘સમવાય’નો અંગ્રેજી પર્યાય કહી શકતા ન હો, તો તેનો અર્થ સમજાવી દો. ત્યારે મેં તેમની આગળ ‘સમવાય પદ્ધતિ’ ઉપર એક વ્યાખ્યાન જ આપી દીધું. માટીનો ઘડો બન્યો, માટીથી ઘડો જુદો છે કે નહીં ? જો તમે કહેશો કે ‘જુદો છે’, તો હું કહીશ કે મારી માટી મને આપો, અને તમારો ઘડો તમે લઈ જાઓ ! અને ‘બંને એક છે’, એમ જો કહેશો તો હું કહીશ કે જુઓ, પેલી માટી ! તે લો, અને જો બંને એક હોય તો માટીમાં પાણી ભરી આપો ! તાત્પર્ય એ કે બંને એક છે એમ પણ કહી શકાતું નથી, અને જુદા છે એમ પણ કહી શકાતું નથી. તેવી જ રીતે જ્ઞાન અને કર્મ જુદાં પણ કહી શકાતાં નથી, અને એક પણ કહી શકાતાં નથી. આ છે, ‘સમવાય’. હવે આ માટે હશે કોઈ અંગ્રેજી શબ્દ, પણ મને તે ક્યાં આવડે છે ?
એટલે કે શબ્દોનું તો એવું છે કે જે ક્ષેત્રમાં ખેડાણ થયું હોય, તે ક્ષેત્રના શબ્દો એ ભાષામાં હોય. અંગ્રેજીમાં વિજ્ઞાનનું ખેડાણ થયું છે એટલે તે અંગેના શબ્દો અને તેની પરિભાષા વગેરે તેમાં છે. પરંતુ જે ક્ષેત્રનું ખેડાણ એમને ત્યાં ઝાઝું નહીં થયું હોય તેના શબ્દો ત્યાં ઓછા જ હશે. દા…ત, અધ્યાત્મનું ખેડાણ આપણે ત્યાં થયું, તેટલું ત્યાં નથી થયું. તેથી મને ઘણી વાર થાય છે કે જે. કૃષ્ણમૂર્તિનાં વ્યાખ્યાનો લોકો શી રીતે સમજતા હશે ! તેઓ ભારતીય ભાષાઓમાં નહીં, અંગ્રેજીમાં જ વ્યાખ્યાન આપે છે. હવે, જે શબ્દની સાથે વિચાર જોડાયેલો હોય, તેના ખાસ ‘કોનોટેશન’ હોય છે. પારકી ભાષાના જે ‘કોનોટેશન’ હોય, તે ઘણી વાર આપણા શબ્દના ‘કોનોટેશન’ને મળતા ન પણ આવે. જુઓ ને, અંગ્રેજીમાં માઈન્ડ કહેશો. હવે ‘માઈન્ડ’ એટલે તમે શું સમજશો ? આપણે ત્યાં કેટલી વિવિધ અર્થછાયાના શબ્દો છે ! મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ. કેમ કે આપણે ત્યાં અધ્યાત્મનું ક્ષેત્ર ઘણું બધું ખેડાયેલું છે અને દરેક બાબતનો ઘણો સૂક્ષ્મ વિચાર થયેલો છે. એટલે વિવિધ અર્થછાયાના અનેક શબ્દો બનેલા છે. તેવા શબ્દો અધ્યાત્મના ક્ષેત્રે તમને અંગ્રેજીમાં નહીં જડે.
મને તો એમ પણ લાગે છે કે માનસશાસ્ત્ર બાબતમાંયે આપણે ત્યાં ઘણું ઊંડું ખેડાણ થયું છે. આપણા શબ્દો જુઓ ! ચિત્તશુદ્ધિ અથવા ચિત્તવૃત્તિ-નિરોધ. અંગ્રેજીમાં આવા શબ્દો નહીં જડે. તત્વજ્ઞાનના ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પણ આ જ સ્થિતિ છે કે અધ્યાત્મના ક્ષેત્રે, રાજ્યશાસ્ત્રના ક્ષેત્રે, તત્વજ્ઞાનના ક્ષેત્રે, સમાજશાસ્ત્રના ક્ષેત્રે, રાજ્યશાસ્ત્રના ક્ષેત્રે જો આપણે અંગ્રેજી ઉપર અવલંબિત રહીશું, તો આપણી વિચાર કરવાની પદ્ધતિ confused રહેશે, અસ્પષ્ટ રહેશે. અંગ્રેજીમાં તે બધી બાબતોના સૂક્ષ્મ વિચાર માટે પૂરતા શબ્દો નથી. ટૂંકમાં, વિજ્ઞાનના ક્ષેત્રે આપણી ભાષાઓમાં પૂરતા શબ્દો ન હોય, તેટલા માત્રથી આપણી ભાષાઓ પૂરતી સમર્થ નથી, એમ માનવું બિલકુલ અવાસ્તવિક છે. આપણી ભાષાઓ તો ઘણી બધી વિકસિત ભાષાઓ છે. આપણે ત્યાં વિજ્ઞાનનું ખેડાણ જેમ જેમ વધતું જશે, તેમ તેમ તે ક્ષેત્રે પણ આપણી ભાષાઓ સમૃદ્ધ બનતી જશે. અને ત્યાં સુધી આપણે અંગ્રેજી શબ્દો વાપરીશું. તેમાં શું ખોટું છે ? તેમાં વળી મુશ્કેલી શી છે ? એક ભાગ ઑક્સીજન અને બે ભાગ હાઈડ્રોજન મળીને પાણી બને છે, એમ શું કામ ન કહેવાય ? એવી જ રીતે ‘લાઉડ સ્પીકર’ શબ્દ છે. તે આપણા કર્તા, કર્મ, ક્રિયાપદને અસર કર્યા વિના વાક્યરચનામાં બેસતો હોય, તો તે શબ્દ અપનાવી લેવાથી કોઈ નુકશાન નહીં થાય. એવા એવા શબ્દો સીધા અંગ્રેજીમાં જ આપણે ત્યાં પણ ચાલી શકે. મોટર, સ્ટેશન, ટેબલ વગેરે શબ્દો પણ આપણે અપનાવી લઈએ, તો તેમાં કશો વાંધો નથી.
મૂળમાં સમજવાની વાત છે કે શબ્દો તો વધે છે, વ્યવહારથી. એક યંત્રના પુર્જાઓનાં નામ અલગ-અલગ હોય છે. તે યંત્રને સારી રીતે સમજી લેવા માટે આવાં સો-દોઢસો નામો જાણવાં પડે છે. એ નામોથી મોટો શબ્દકોષ બને છે. પણ તેટલા માત્રથી ભાષાની શક્તિ નથી વધતી. એવી જ રીતે કેટલાક શબ્દો આપણી ભાષામાં ન હોય, તે કાંઈ ભાષાની કમી નથી. એ તો વ્યવહાર વધે છે, તો શબ્દો વધે છે. ખરું જોતાં ભાષાનું અસલ સામર્થ્ય તો ધાતુ-સામર્થ્ય છે. ભાષાની અસલ શક્તિ ધાતુની શક્તિ છે. કઈ ભાષામાં કેટલી ધાતુ છે, તેના પર તેની શક્તિ નિર્ભર છે. વધુમાં વધુ ધાતુ લેટિનમાં છે. અને સંસ્કૃતમાં છે. આપણી ભાષાઓમાં સરખામણીએ ધાતુ ઓછી હશે પણ તે સંસ્કૃતમાંથી સહેલાઈથી લઈ શકાય છે. એટલે સંસ્કૃત અને આપણી અત્યારની ભાષા બંને મળીને કાંઈ ઓછું સામર્થ્ય આપણી ભાષાઓમાં તમને નહીં જણાય. માટે આપણી ભાષાઓ સમર્થ નથી, એ ખ્યાલ જ તમારા મનમાંથી કાઢી નાખો. આપણી ભાષાઓમાં કોઈ કમી નથી. બલ્કે, આપણી ભાષાઓ તો ઘણી વિકસિત ભાષાઓ છે, સમર્થ ભાષાઓ છે. તેથી આપણી ભાષાઓમાં આજનો બધો વ્યવહાર થઈ ન શકે, એ વાત જ ખોટી. બલ્કે, બધો જ વ્યવહાર આપણી ભાષાઓમાં જ થવો જોઈએ. વિજ્ઞાન સુદ્ધાં આપણી ભાષાઓ મારફત જ સામાન્ય જનો સુધી પહોંચવું જોઈએ. એ વાત નિશ્ચિત સમજી લેજો કે વિજ્ઞાન જ્યાં સુધી માતૃભાષામાં લોકો સમક્ષ નહીં મુકાય, ત્યાં સુધી તે વ્યાપકપણે ફેલાઈ શકશે નહીં. એટલે તેને આપણી બધી ભાષાઓમાં લાવવું અનિવાર્ય છે.
માટે હું તો તમને કહું છું કે આ બધા શિક્ષિત ને ભણેલા-ગણેલા લોકો આપણી ભાષાઓમાં વિજ્ઞાન નથી, વિજ્ઞાન નથી એવી બૂમો પાડ્યા કરવાને બદલે એવું કરે કે વિજ્ઞાનને આપણી ભાષાઓમાં ઉતારવામાં કાંઈક યોગદાન આપે. અંગ્રેજીમાં વિજ્ઞાનનાં સારાંસારાં પુસ્તકો છે. તે બધાં આપણી ભાષાઓમાં લાવવાં છે. પણ એ દિશામાં કોઈ વિચાર જ નથી થતો. ભારે કષ્ટ ઉઠાવીને અંગ્રેજીનું જ્ઞાન મેળવે છે, પણ કોઈ બાપ એમ નથી વિચારતો કે જે ભાર મારે ઉપાડવો પડ્યો તે હવે મારાં બાળકોને ન ઉપાડવો પડે. ખરું જોતાં તો જેમણે પોતે અંગ્રેજીનું જ્ઞાન મેળવ્યું, તેમણે વ્રત લેવું જોઈએ કે હું મર્યા પહેલાં એક સારા અંગ્રેજી પુસ્તકનો મારી માતૃભાષામાં અનુવાદ કરીશ. એવો અનુવાદ કર્યા વિના મરવાનો મને અધિકાર નથી. આમ થશે, તો જ આપણા પછીની પેઢી અંગ્રેજીના બોજથી બચશે. પિતૃ-ધર્મનો આ તકાજો છે. આટલું તો બહુ સહેલાઈથી થઈ શકે તેમ છે. તેમાં રાજ્યની મદદ પણ લઈ શકાય. આટલું થાય તો દસેક વરસની અંદર વિજ્ઞાન અંગેનું અંગ્રેજીમાંનું જ્ઞાન આપણી ભાષાઓમાં આવી જાય, અને તે વિશે પછી કોઈને ફરિયાદ કરવાની રહે નહીં.
આ બધું એમનેમ નથી થઈ જતું, તેને માટે પુરુષાર્થ કરવો પડે છે. આજે ઘણાં ક્ષેત્રોમાં અંગ્રેજી વિના ચાલતું નથી, એમ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે સાથે સાથે એટલો વિચાર નથી કરતા કે અંગ્રેજીને આવું સ્થાન મળ્યું શી રીતે ? કાંઈ આપોઆપ તો નથી મળી ગયું. તે માટે અંગ્રેજોએ કેટલો બધો પુરુષાર્થ કર્યો છે ! તેને લીધે આજે તો સ્થિતિ એ છે કે આપણા પોતાના દેશની ભાષાઓ પણ જો આપણે શીખવી હોય, તો તે અંગ્રેજી મારફત જ શીખવી પડે છે ! ધારો કે મારે બંગલા ભાષા શીખવી છે. તો શું હું એને મરાઠી મારફત કે ગુજરાતી મારફત કે કન્નડ મારફત શીખી શકીશ ? નહીં, કેમ કે મરાઠી-ગુજરાતી-કન્નડમાં મને બંગલા કોષ નહીં મળે. તે અંગ્રેજીમાં મળશે. એટલે પછી મારે અંગ્રેજી મારફત જ બંગલા ભાષા શીખવી પડશે. એવું જ બહારની ભાષાઓ માટે પણ. વચ્ચે હું ચીની ભાષા શીખતો હતો. તો તેને માટે મારી પાસે જે પુસ્તકો આવ્યાં, તે અંગ્રેજીનાં જ આવ્યાં. એટલે આજે તો અહીંની ને બહારની ભાષાઓ અંગ્રેજી મારફત જ આપણે શીખી શકીએ એવી પરિસ્થિતિ છે, કેમ કે અંગ્રેજી ભાષામાં દરેક ભાષા માટેના કોષ મળી શકે છે. આ બધા કોષ એમનેમ બન્યા હશે ? તેને માટે કેટલી બધી મહેનત એ લોકોએ કરી હશે ! ખૂબ ખૂબ મહેનત કરીને એમણે પોતાની અંગ્રેજી ભાષાને આટલી સંપન્ન બનાવી છે. ત્યારે એમની પાસેથી બોધપાઠ લઈને આપણે પણ ખૂબ મહેનત કરવી જોઈએ અને આપણી ભાષાઓને આ દષ્ટિએ પણ સંપન્ન બનાવવી જોઈએ. આવું કાંઈ કરવાને બદલે બસ, અંગ્રેજી વિના ચાલશે નહીં તેનું જ ગાણું ગાયા કરીશું તો તે ઉચિત નહીં ગણાય. એ તો આપણા આળસની અને આપણી પુરુષાર્થહીનતાની નિશાની ગણાશે. આપણા ગુલામી માનસની નિશાની ગણાશે. આપણી ભાષાઓને પણ આપણે અંગ્રેજી જેવી સંપન્ન બનાવીએ, એવી ચાનક ભણેલાગણેલાઓને ચઢવી જોઈએ.
પરંતુ ક્યાં છે એવી ચાનક ? તેને માટે તો અધ્યયનશીલ બનવું પડે. વેપારી, એન્જિનિયર વગેરે બનવા માટે વિજ્ઞાન વધારવું પડશે. ઉદ્યોગ વધારવા પડશે, વિવિધ સામાજિક શાસ્ત્રો શીખવાં પડશે. આ બધું કરવું પડશે. પરંતુ આજે તો સ્કૂલ-કૉલેજ છોડ્યા બાદ આપણું અધ્યયન જ સમાપ્ત થઈ જાય છે ! પછી આ બધું ક્યાંથી થાય ? એટલે મારું એમ કહેવું છે કે આપણી ભાષાઓ પૂરતી સમર્થ છે એટલું નહીં, અંગ્રેજીની સરખામણીમાં ઘણી બધી વિકસિત પણ છે. તેમાં વિજ્ઞાન વગેરેની જે કમી છે, તેની પૂર્તિ આપણે કરી લેવી જોઈએ અને તે બાબતમાંયે આપણી બધી ભાષાઓને સંપન્ન બનાવી લેવી જોઈએ. તે માટે જબ્બર પુરુષાર્થ કરવો જોઈએ.

ઉપાધિનું પોટલું

 
એક વર્ગમાં પ્રોફેસરે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી ને તેના હાથમાં એક પાણીથી ભરેલો ગ્લાસ આપ્યો અને કહ્યુ કે તારે આ ગ્લાસને પકડીને ઉભા રહેવાનું છે. વિદ્યાર્થીને આ કામ તો બહુ જ આસાન લાગ્યુ એ ગ્લાસ પકડીને ઉભો રહ્યો થોડો સમય થયો એટલે વિદ્યાર્થીએ કહ્યુ કે સાહેબ હવે હાથ થોડો થોડો દુખે છે આ ગ્લાસને પકડી રાખવાથી. પ્રોફેસરે કહ્યુ ભલે દુખે તુ એમ જ પકડી રાખ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વિદ્યાર્થીંની દુખાવાની ફરિયાદ વધતી ગઇ અને એક સમય તો એવો આવ્યો કે સાહેબની મંજૂરી મેળવ્યા વગર જ પેલો ગ્લાસ ધડામ કરતો નીચે મુકી દીધો. 

પ્રોફેસરે વિદ્યાર્થીને પુછ્યુ કે બેટા હવે કેવું લાગે ? 


વિદ્યાર્થીએ કહ્યુ અરે સાહેબ વાત જ કરોમાં બહું મોટો ભાર હલવો થયો હોય એમ લાગે છે બહું જ રીલેક્ષ ફીલ કરું છું.

મિત્રો આપણે બધા પણ આપણા ભૂતકાળની કેટલીક એવી ઘટનાને પકડી રાખીએ છીએ. એને જેટલી વાર યાદ કરીએ એટલી વાર વધુ ને વધુ દુખી થઇએ છીએ એ ભૂતકાળની આવી યાદો વર્તમાનનો આનંદ પણ લેવા દેતી નથી. પેલા પાણીના ગ્લાસની જેમ આવી યાદોને પણ છોડતા શીખીએ તો કેવા હળવા થઇ જઇએ.....
હું સમજુ છુ કે આ બહુ અઘરું છે પણ અશક્ય તો નથી જ.

અવલોકન

અવલોકનની ટેવ : સમજીએ પ્રેરક પ્રસંગો દ્વારા
માણસો બે પ્રકારના જોવા મળે છે. કેટલાક જે દેખાય તે જુવે છે અને કેટલાક જે જુવે તેને ધ્યાનથી જુવે અને તેના ઉપર મનન કરે અથવા કહો કે નિરિક્ષણ કરી તેના આગળ પાછળનો ય વિચાર કરે. આપણે જાણીએ છીએ કે અવલોકન એ નિરિક્ષણ માટે પાયાનું પગથીયું છે. હવે, આપણે બે વાર્તારૂપી ઉદાહરણથી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ.

(1) એક વાર એક ફકીર ચાલતો-ચાલતો વગડામાં જતો હતો. રસ્તામાં તેને એક વાણિયો સામો મળ્યો. ફકીરે તેને પૂછયું, ''શેઠ, તમારું એકાદ ઊંટ ખોવાય છે ?''
વેપારીએ કહ્યું, ''હા, હું તેને શોધવા જ નીકળ્યો છું.''
એટલે ફકીરે કહ્યું, ''તેની જમણી આંખ ફૂટેલી છે ને તે ડાબે પગે ખોડું છે. તેનો આગલો દાંત પડી ગયો છે. તમે તેની એક બાજુ મધ લાદ્યું છે અને બીજી બાજુ ઘઉં લાદ્યા છે, ખરું ?''

વેપારીએ કહ્યું, ''ખરી વાત, બાબા. તમે એને આટલું ધારી-ધારીને જોયું છે તો ચાલો, બતાવો તે કઈ તરફ ગયું છે અને ક્યાં છે?

ફકીરે જવાબ દીધો, ''શેઠ, મેં તમારું ઊંટ જોયું નથી, તેમ તમારા સિવાય બીજા કોઈને મોઢે એની વાત પણ સાંભળી નથી, પછી હું તમને તમારું ઊંટ બતાવું ક્યાંથી?''
વાણિયાએ કહ્યું, ''બાબા, એ બધી વાત રહેવા દો, અને કહો કે એના ઉપર ઝવેરાત હતું તે ક્યાં છે?''
ફકીરે કહ્યું, ''શેઠજી, તમે મારું કહ્યું માનતા નથી. હું સાચું જ કહું છું કે મેં તમારું ઊંટ નજરે જોયું પણ નથી, તેમ તમારું ઝવેરાત  પણ ભાળ્યું નથી. હું એમાંનું કશું જ જાણતો નથી.''

એ સાંભળી વેપારીએ ફકીરને સિપાઈઓ દ્વારા પકડાવીને કચેરીમાં રજૂ કર્યો. ત્યાં તેની ઝડતી લેવામાં આવી, પણ તેની પાસેથી કશું નીકળ્યું નહિ. તેણે ચોરી કરી છે અથવા તે જૂઠું બોલ્યો છે, એના કોઈ સાક્ષી પણ મળ્યા નહિ. એટલે ન્યાયાધીશ પણ મૂંઝવણમાં પડી ગયો અને તેણે ફકીરને કહ્યું, ''બાબા, તમે ચોરી કરો કે જૂઠું બોલો એવું મને લાગતું નથી. પણ તમે ઊંટની જે નિશાનીઓ આપી તે ઉપરથી તો એમ જ લાગે છે કે તમે એ ઊંટને નજરોનજર જોયું હોવું જોઈએ. એ વાતનો ખુલાસો કરશો?''

ત્યારે ફકીરે કહ્યું, ''નામદાર, તમારી મૂંઝવણ હું સમજું છું, પણ તમે મારી વાત સાંભળશો એટલે એનો ખુલાસો મળી જશે. હું ઘણાં વરસો થયાં વગડામાં એકલો રહું છું. પણ એ વગડામાં મને ઘણું જોવા-વિચારવાનું મળી રહે છે. મને અવલોકન કરવાની ટેવ છે. રસ્તે ચાલતાં-ચાલતાં મેં ઊંટનાં પગલાં જોયાં. તેના માર્ગની એક જ બાજુનાં પાંદડાં કરડેલાં હતાં. એટલે મને થયું કે, તે આંખે કાણું હશે. વળી, જે પાંદડાં કરડેલાં હતાં તેમાં વચમાંનો થોડો ભાગ રહી ગયો હતો.  આ બધા અવલોકન ઉપરથી મેં અનુમાન કર્યું કે, વચમાંનો આગલો દાંત પડી ગયો હશે. તેનાં પગલાંમાંનું એક-એક આછું પડેલું હતું, એટલે મને થયું કે એ એક પગે લંગડું હશે. તેના રસ્તાની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા. તે લઈ જવા કીડીઓ ચઢી હતી ને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. તે પરથી મેં જાણ્યું કે તે ઊંટને એક બાજુ ઘઉં અને બીજી બાજુએ મધ લાદેલાં હશે, અને કોઈ માણસ જોડે હશે નહિ, કેમકે હોય તો ઘઉં વેરાય નહિ. આ બધા ઉપરથી મને થયું કે ઊંટ એના ધણી પાસેથી નાઠેલું હોવું જોઈએ.''

આ સાંભળીને ન્યાયાધીશ નવાઈ પામ્યો. આખી કચેરી પણ દંગ થઈ ગઈ. સૌ આ ફકીરની ઝીણી નજર એટલે કે અવલોકન કરવાની ટેવ તથા અનુમાન કરવાની શક્તિનાં વખાણ કરવા લાગ્યા.

(2) હવે, આવી જ બીજી વાત જોઈએ. એક શેઠ હતા. એમના ઘરે અને દુકાને કામ કરવા એક રામો રાખેલો હતો. એક દિવસ શેઠાણી પિયર જઈને આવેલા. તેમની સાથે તેમણો ભાઈ એટલે કે શેઠનો સાળો પણ આવેલો. બપોરે જમતી વખતે શેઠાણીએ શેઠને કહ્યું કે, આ રામાને આપણે વધારે પગાર આપીએ છીએ તેના કરતા મારા ભાઈને રાખી લો તો આપેલો પગાર પણ ઘરનો ઘરમાં જ રહે અને પારકા માણસની ઓશિયાળ પણ નહી. શેઠે કહ્યું, “સાંજે વિચાર કરીને નિર્ણય કરીએ” શેઠાણી કહે, “એમાં વિચાર શું કરવાનો? મારો ભાઈ મારી સાથે જ આવ્યો છે અને એ આપણું બધું કામ કરવા રાજી છે”. શેઠ કહે છતાં સાંજે વિચાર કરીને જોઈએ છીએ.
સાંજે જમીને શેઠ અને શેઠાણી હિંચકે બેઠા હતા ત્યાં શેઠે તેમના સાળાને કહ્યું, “ મહેમાન, આપણા ઘર પાછળના વાડામાં એક કુતરી વિયાણી છે, જરા નજર કરતા આવોને”. સાળાજી ગયા અને આવીને કહ્યું, “સાચી વાત છે કુતરી વિયાણી છે”. શેઠ કહે ‘કેટલા બચ્ચા છે?’ સાળાજી  હમણા જોઈ આવું કહી જોવા ગયા. આવીને કહે, ‘છ બચ્ચાં છે.’ શેઠે ફરી પૂછ્યું, ‘કુતરા કેટલા અને કુતરીઓ કેટલી છે?’. ફરી સાળોજી જોઇને આવ્યા અને કહ્યું, ‘ચાર કુતરા અને બે કુતરીઓ છે.’

શેઠે સાળાજીને પાસે બેસાડ્યા અને રામુને બોલાવ્યો. રામુને કહ્યું, ‘રામુ, આપણા ઘર પાછળના વાડામાં કુતરી વિયાણી છે, જરા નજર કરી આવ તો.’ રામુ ‘હા શેઠ, કહી જોવા ગયો. આવીને કહ્યું, ‘ શેઠ, કુતરી વિયાણી છે અને છ બચ્ચાં છે, જેમાંથી બે કુતરી અને ચાર કુતરા છે, ત્રણ કાબરચીતરા અને બે કાળા બચ્ચા છે એક ઘોળું બચ્ચું છે. કાલથી શીરો કરીને ખવડાવવો પડશે, કેમકે કુતરી બીમાર છે અને નહી તો મરી જશે.’ શેઠ કહે સારું હવે સુઈ જાઓ.

રાત્રે સુતા સુતા શેઠે શેઠાણીને પૂછ્યું, ‘રામુને રાખવો છે કે તારા ભાઈને?’ શેઠાણી કહે, ‘રામુ જ બરાબર છે.’
વાર્તાનો સાર એટલો જ છે કે, ધ્યાન દઈને અવલોકન–નિરિક્ષણ કરવામાં આવે અને તેનું મનન કરી વિચારીને નિર્ણય લેવામો આવે તો નિર્ણય અને તેનાથી થતું કાર્ય બન્ને સુપેરે સિદ્ધ થાય.

અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે !!

અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે 

જો કે સૂરજના ઠંડા થવાના ઘણા બધા ફાયદા પણ સામે આવશે.
ધરતી આવનારા 10 વર્ષમાં હિમયુગનો સામનો કરશે. આ દાવો વૈજ્ઞાનિકોએ સૂરજની અસામાન્ય ગતિવિધિઓ જોયા પછી કર્યો છે. વૈજ્ઞાનિકોનો તર્ક છે કે સૂરજની અસામાન્ય ગતિવિધિઓના પરિણામ સ્વરૂપે વર્ષ 2020 પછી ગ્લોબલ વોર્મિંગ ઓછુ થશે. અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે.

જો કે સૂરજના ઠંડા થવાના ઘણા બધા ફાયદા પણ સામે આવશે, પરંતુ સેટેલાઇટ અને ઉર્જા તંત્રમાં ફેરફાર ચોક્કસ આવી શકે છે. બ્રિટનની રાષ્ટ્રીય સૌર વેધશાળાના મુખ્ય શોધકર્તા ફ્રેંક હિલ અને તેમની ટીમ સૂરજના ધબ્બાઓમાં 3 પ્રકારના પરિવર્તનના આધારે આ ભવિષ્યવાણી કરી રહી છે.

તેમાં સૂરજના ધબ્બા નબળા થવા, સૂરજના ધ્રૂવોમાંથી કેટલીક ધારાઓ નીકળવી અને સૂર્ય ધારાઓને પ્રભાવિત થવી પણ સામેલ છે. સંશોધનના સહલેખક ભૌતિકવિદ ડો. રિચર્ડ એલ્ટ્રોકે જણાવ્યું છે કે આ 3 સંકેત દર્શાવે છે કે સૂરજની આવી અવસ્થા પાછી આવવામાં સમય લાગશે.

પહેલા પણ બન્યું છે!
સૂરજના ધબ્બા ગાયબ થવા એ કોઈ અનોખી ઘટના નથી, આવુ પહેલા પણ બની ચૂક્યું છે, પરંતુ 18મી સદી પછી આવો કિસ્સો ક્યારેય નથી બન્યો. ફ્રેંક હિલે જણાવ્યા પ્રમાણે સૂરજ ચક્ર ભંગ થવા જઈ રહ્યું છે.

આ શાંતિ શા માટે?
વૈજ્ઞાનિકોને એ સમજમાં નથી આવી રહ્યું કે સૂરજ શાંત શા માટે થઈ રહ્યો છે. સંશોધન સાથે જોડાયેલા પેન જણાવે છે કે સૂર્ય ધબ્બાઓની ચુંબકીય ક્ષેત્રની તાકાતમાં સન 1998 પછી સતત ઘટાડો થયો છે. જો આ ઘટાડો સતત ચાલતો રહેશે તો 2022 સુધી સૂર્યના ધબ્બા નબળા પડી જશે, જેનાથી આવી પરિસ્થિતિ સર્જાશે.

આર્યભટ્ટ

ઇ. સ. ૪૯૯ ની ૨૧ મી માર્ચનો દિવસ. નાલંદા વિશ્વવિદ્યાલયની વેધશાળા પાસે ખગોળશાસ્ત્રના અભ્યાસ માતે નવી શાળાના ખાતમુહુર્તની હવનક્રિયા ચાલતી હતી. પૂજાવિધિ પત્યા બાદ યજ્ઞ–બ્રાહ્મણોએ ૨૩ વર્ષના યુવાન ખગોળશસ્ત્રીની કલમ ઉપર પવિત્ર પાણી છાંટયું, શ્લોક ઉચ્ચાર્યા,અને માથા ઉપર તપતા સૂર્ય સામે જોયું. તેમણે કલમ લઇને ગ્રંથ ઉપર પ્રથમ અક્ષર લખ્યો. પછી મંત્રોચ્ચાર સાથે આ યુવાન ખગોળશાસ્ત્રી પર પુષ્પવર્ષા કરી. આ યુવાન ખગોળશાસ્ત્રીનું નામ આર્યાભટ્ટ અને તેમણે લખેલો ગંથ એટલે ‘આર્યભાટીય’. તેમનો જન્મ ઇ. સ. ૪૭૬ માં કેરાલામાં થયો હતો. એ વખતનાં વિદ્યાજગતના મહાકેંદ્ર સમા નાલંદા વિશ્વ વિધ્યાલયમાં તેમણે અભ્યાસ કર્યો અને પછીથી તેમના ગ્રંથ ‘આર્યાભાટીય’ને ચોમેરથી સ્વિકૃતિ મળતાં, બુધ્ધગુપ્ત નામના રાજવીએ તેમને વિશ્વવિદ્યાલયના વડા તરીકે નીમ્યા.


પૃથ્વી ગોળ છે.અને તેની ધરી પર ફરે છે એવું સૌ પ્રથમ અનુમાન કરનાર આર્યભટ્ટ હતા, વળી તેમણે જાહેર કરેલું કે, ‘ચંદ્ર કાળો છે અને તે સૂર્યપ્રકાશમાં જ પ્રકાશિત થાય છે. રાહુ નામનો ગ્રહ સૂર્ય અને ચંદ્રને ગળી જાય છે તેથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે’. એવા હિંદુ ધર્મશાસ્ત્રોનાં લખાણોને ખોટા ઠેરવીને એમણે જહેર કર્યુ કે ‘આ સર્વે ગ્રહણો પ્રુથ્વી અને ચંદ્રના પડછાયાથી થાય છે.’ ખગોળશાસ્ત્ર ઉપરાંત ગણિતક્ષેત્રમાં પણ તેમનું પ્રદાન બહુમૂલ્ય રહ્યું. તેમણે સૌ પ્રથમ પાઇ (π) ની કિંમત ૩.૧૪૧૬ નક્કી કરી આપી અને સૌ પ્રથમ સાઇન  (sine) નાં કોષ્ટકો પણ તેમણે જ આપ્યાં. જટિલ ગણિતીય સમીકરણોના ઉકેલ માટે તેમણે સમીકરણ આપ્યું, જે વિશ્વભરમાં જાણીતું બન્યું.

૧૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ જેવા મોટા આંકડાઓ બોલવા માતે તેમણે નવી પધ્ધતિ વિકસાવી. તેમનો ગ્રંથ ‘આર્યભાટીય’ સમજવામાં થોડો અઘરો હોવા છતાં સંપૂર્ણ ગ્રંથ છે. તેમાં ગણિતની અનેક બાબતો જેવી કે, ભૂમિતિ,વર્ગમૂળ, ઘનમૂળ, ઉપરાંત ખગોળશાસ્ત્રની ગણતરીઓ અને અવકાશક્ષેત્રની નોંધો છે. વૃધ્ધાવસ્થામાં આર્યભટ્ટે ‘આર્યાભટ્ટસિધ્ધાંત’ નામનો બીજો ગ્રંથ લખ્યો.

આજે પણ હિંદુપંચાંગ તૈયાર કરવામાં આર્યભટ્ટનો ગ્રંથ ઉપયોગમાં લેવાય છે. ખગોળશાસ્ત્ર અને ગણિતશસ્ત્ર બંને ક્ષેત્રમાંનાં તેમનાં પ્રદાનોની યાદગીરી માટે ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ‘આર્યભટ્ટ’રાખવામાં આવ્યું.     

ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી

તબીબી ક્ષેત્રે થયેલી વિશ્વની નોંધપાત્ર શોધોમાં પણ ભારતના અનેક વિજ્ઞાનીઓએ ફાળો આપેલો છે. આવા જ એક ઓછા જાણીતા એવા વિજ્ઞાની ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ કાલા અઝાર નામના ઝેરી તાવની દવા શોધીને અનેક દર્દીઓની જીંદગી બચાવી છે.


ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીનો જન્મ બિહારના જમાલપુર ખાતે ઇ.સ.૧૮૭૩ના ડિસેમ્બરની ૧૯ મી તારીખે થયો હતો.તેમના પિતા ભારતીય રેલ્વેમાં ડૉક્ટર તરીકે સેવા આપતા હતા. તેમની માતાનું નામ સૌરભસુંદરી હતું. જમાલપુરની રેલ્વે હાઇસ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ પૂરો કરીને ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ હુબલીની મોહસીન કૉલેજમાં ઇ.સ. ૧૮૯૩ માં ગણિત અને રસાયણશાસ્ત્રમાં ઉચ્ચ પરિણામ મેળવી બી.એ. ની ડિગ્રી મેળવી. ત્યારબાદ કલકતાની પ્રેસીડેન્સી કૉલેજમાં થી મેડીસીનમાં ઉચ્ચ અભ્યાસ કરીને એમ.એ.ની ડિગ્રી મેળવી. ઇ.સ. ૧૯૦૦ માં મેડીસીન અને સર્જરીમાં તેઓ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા અને ગુડ્ડેવ અને મેકલીઓડ એવોર્ડ એનાયત થયા. ઇ.સ. ૧૯૦૪ માં તેઓ પી.એચ.ડી. થયા. ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ ૧૮૯૮ માં નાની બાલાદેવી સાથે લગ્ન કરેલા.  ત્યારબાદ ઢાકાની મેડીકલ કૉલેજમાં પ્રધ્યાપક તરીકે જોડાયા. તે સમયગાળામાં તેમણે કાળા અઝાર તાવનો ઉંડો અભ્યાસ કરીને યુરીયા સ્ટીબામાઇન નામની દવા શોધી કાઢી. ઇ.સ. ૧૯૨૩ માં તેઓ મેડીકલ હૉસ્પીટલ કૉલેજમાં પ્રધ્યાપક તરીકે જોડાયા. ત્યાંથી નિવૃત થયા બાદ તેમણે તબીબી ક્ષેત્રે સેવાઓ ચાલુ રાખી અને નેશનલ મેડીકલ ઇન્સ્ટીટ્યૂટમાં ડૉક્ટર તરીકે જોડાયા. તે સમયે આસામમાં કાલા અઝાર તાવનો ભયંકર રોગચાળો ફેલાયો હતો. ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ શોધેલી દવાથી અનેક રોગીઓના જીવ બચી ગયા. તે સમયે એન્ટીબાયોટીક દવાઓની શોધ થઇ નહોતી એટલે ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીની આ શોધ સીમાચિહ્ન રૂપ ગાણાઇ. ઇ.સ. ૧૯૨૪ માં તેમણે ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટની સ્થાપના કરી. કલકતામાં તેમણે બ્લડબેંકની સ્થાપના કરી અને રક્તદાન ક્ષેત્રે આગવા પ્રદાન કર્યા. તેઓ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના પ્રથમ ભારતીય પ્રમુખ બન્યા. કલકતા યુનિવર્સીટીએ તેમને ગ્રીફીધ મેમોરીયલ પ્રાઇઝ એનાયત કરેલું. બ્રિટનની મહારાણીએ તેમને નાઇટહૂડનો ઇલ્કાબ આપેલો. ઇ.સ. ૧૯૩૬ તેઓ ઇન્ડીયન કેમીકલ સોસાયટીના પ્રમુખ પદે રહી ચૂકેલા. લંડનની રૉયલ સોસાયટીએ તેમને ફેલોશીપ એનાયત કરેલી. આમ અનેક ઉચ્ચ માન-સન્માન મેળવીને તેમણે ભારતનું ગૌરવ વધારેલું. ઇ.સ. ૧૯૪૬ના ફેબ્રુઆરીની ૬ ઠ્ઠી તારીખે તેમનું અવસાન થયેલું.        

વેણુ બાપ્પુ

અવકાશી સંશોધનોમાં ગ્રહો,તારા અને ધૂમકેતૂઓ વિગેરેનો ખૂબ જ ઊંડો અભ્યાસ કરવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનમાં અનેક સાધનો પદ્ધતિઓ વિકસ્યા છે કે જેના વડે અવકાશી પદાર્થોની વધુ ને વધુ માહિતી મેળવી શકાય છે. આવા સંશોધનોમાં વિશ્વભરમાં ભારતને પ્રતિષ્ઠા  અપાવનાર ભારતીય ખગોળશાસ્ત્રી ડૉ.વેણુ બાપ્પુનો ફાળો અનન્ય છે.

ડૉ. વેણુ બાપ્પુનો જન્મ ઇ.સ. ૧૯૨૭ ના ઑગસ્ટની નવમી તારીખે દક્ષિણ ભારતના એક શહેરમાં થયો હતો. સ્થાનિક શાળામાં પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પૂરો કરી તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયા હતા.ઉચ્ચક્રમે ગ્રેજ્યુએટ વેણુ બાપ્પુ વધુ અભ્યાસ માટે  અમેરિકા ગયા હતા અને ત્યાંની હાવર્ડ યુનિવર્સિટીમાંથી ખગોળ વિજ્ઞાનમાં પી.એચ.ડી ની પદવી  પ્રાપ્ત કરી હતી.

અમેરિકામાં જ તેમણે ખગોળીય સંશોધનો કરવાનું શરૂ કર્યુ હતું. ઇ.સ. ૧૯૪૯ માં તેમણે અન્ય સાથી વિજ્ઞાનીઓ સાથે મળીને એક નવો ધૂમકેતુ શોધી કાઢ્યો હતો. તે ધૂમકેતુ બપુ-બોક-ક્રિક ધૂમકેતુના નામે ઓળખાય છે.

વેણુ બાપ્પુએ તારાઓના ભૌતિકશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરેલો.તારાઓના રંગ અને ઉષ્ણતામાન વચ્ચે સંબંધ હોવાનું તેમણે શોધી કાઢ્યું હતું.

વિલ્સન બાપ્પુ ઇફેક્ટ તરીકે વિખ્યાત થયેલી આ શોધે તેમને વિશ્વમાં પ્રતિષ્ઠા અપાવી હતી. અમેરિકાથી પરત આવીને ભારતમાં નૈનિતાલની વેધશાળામાં જોડાયા. ત્યાં થોડો સમય સંશોધનો કરીને તેઓ બેંગલોરમાં સ્થાયી થયા અને ઇન્ડીયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સની સ્થાપના કરી અહીં તેમણે નવાં અને સક્ષમ  ટૅલિસ્કોપ વિકસાવવાના સંશોધનો કર્યા.

દેશમાં અનેક ટૅલિસ્કોપ અને વેધશાળા ની રચના કરવામાં તેમનો ફાળો મહત્વનો છે. કોવલુર ખાતે દેશનું સૌથી મોટું ટેલિસ્કોપ તેમણે સ્થાપેલું હતું. તેને આજે વેણુ બાપ્પુ ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. ખગોળશાસ્ત્રમાં આપેલા અનન્ય પ્રદાન બદલ તેમને ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ આપવામાં આવ્યો હતો. અંતિમ દિવસોમાં તેઓ કિડનીની બીમારીમાં સપડાયા અને સારવાર માટે જર્મની લઇ જવામાં આવ્યા જ્યાં ૧૯૮૨ માં તેમનું અવસાન થયેલું. 

ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ

દક્ષિણ ભારતના જાણીતી યાત્રાધામ રામેશ્વરના જાણીતા મંદિરથી થોડેક દૂર એક મસ્જિદ ગલી આવેલી છે. આ જ ગલીમાં અબ્દુલ કલામ નામનો એક ગરીબ માણસ રહેતો હતો. એ દરિયામાંથી છીપ, શંખ, મોતી વગેરે વીણીને એમને બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. અબ્દુલ કલામને પકીર ઝૈનુલાબુદ્દીન નામનો એક દીકરો હતો. જે એમના પિતાના કામમાં મદદ કરતો હતો. લગ્ન પછી પકીરનું કુંટુંબ વધવા લાગ્યું તો એણે માછલી પકડવાનો ધંધો શરૂ કર્યો. પકીરના મોટા દીકરાને ભણવામાં રસ નહોતો  એટલે એણે ગામમાં પાનની એક દુકાન શરૂ કરી. ૧૪ મી ઑક્ટોબર ૧૯૩૧ ના દિવસે પકીર ઝૈનુલાબુદ્દીનને ત્યાં બીજા દીકરાનો જન્મ થયો. જેનું નામ એના દાદાએ ‘અબ્દુલ’ પાડ્યું હતું. આ અબ્દુલ એટલે આપણા ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ. એ ભાઇઓમાં સૌથી નાના હતા, એટલે લાડમાં ‘થામ્બી’ કહેવાતા. અબ્દુલ કલામ કુંટુંબમાં ઉછરીને મોટા થવા લાગ્યા. પડોશમાં રહેતા લક્ષ્મણ શાસ્ત્રીના દીકરા રામનધા સાથે અબ્દુલ કલામને મિત્રતા હતી. બંને સાથે જ રમતા હતા. લક્ષ્મણ શાસ્ત્રી પણ અબ્દુલ કલામ પરિવારના સારા મિત્ર હતા.

ભણવાની ઉંમરના થયા એટલે રામેશ્વરની જ ‘સામીયાર’શાળામાં એમને દાખલ કરવામાં આવ્યા. અહીં પ્રાથમિક ભણતર પૂરુ કર્યું.  અબ્દુલ ભણવામાં પહેલેથી જ હોંશિયાર હતા. અને પહેલો જ નંબર લાવતા. ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં તેમને વધારે રસ હતો. સ્કૂલમાંથી છુટી ઘરે આવીને તેઓ મોટાભાઇની પાનની દુકાને કામમાં મદદ કરવા જતા હતા.

માધ્યમિક શિક્ષણ પૂરુ કર્યા બાદ તેઓ આગળ ભણવા માગતા હતા. પણ તેમના પિતાની એવી ઇચ્છા હતી કે અબ્દુલ કોઇ સ્કૂલમાં શિક્ષકની નોકરી મેળવી લે જેથી પરિવારને ટેકો થઇ જાય. જોકે, પરિવારના મિત્ર લક્ષ્મણ શાસ્ત્રીએ આ વાતનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે “અબ્દુલ ભણવામાં હોંશિયાર છે. જો તમે ભણવાનો ખર્ચ ન આપી શકતા હોય તો હું પૈસા આપીશ.” આથી ત્રિચિનાપલ્લીની સેન્ટ જૉસેફ કૉલેજમાં અબ્દુલને ભણવા માટે મોકલવામાં આવ્યો. અબ્દુલ કલામ આગળ ભણવા માગતા હતા. પોતે ભૌતિક શાસ્ત્રના સ્નાતક થયા હતા. રામેશ્વરના પહેલા સ્નાતક. હવે એરોનોટિકલ એન્જિનિયરીંગ (ઉડ્ડ્યન શાસ્ત્ર) ભણવા માગતા હતા. એ માટે નજીકમાં નજીકની કૉલેજ ચેન્નાઇ (મદ્રાસ) માં આવેલી મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હતી. પણ એમાં પ્રવેશ મેળવવો મોંઘો હતો. એની પ્રવેશ ફી જ એક હજાર રૂપિયા હતી. પરિવાર પાસે એક જમાનામાં એવડી મોટી રકમ ન હતી. અબ્દુલ કલામને પોતાની ભણતરની નાવ ડૂબતી લાગી તે સમયે તેમના બહેન જોહરા મદદે આવ્યાં. એમણે પોતાની સોનાને બંગડીઓ અને સાંકળી (ચેઇન ) ગિરવે મૂકીને હજાર રૂપિયા મેળવ્યા.

કૉલેજમાં ભણતા એક દિવસ અબ્દુલે એક બ્રિટિશ અખબારમાં યુદ્ધ વિષેનો એક લેખ વાંચ્યો. જેનું નામ હતું “સ્પ્રિટફાયર” ! સ્પ્રિટ ફાયર દુનિયાનું પહેલું રૉકેટ હતું. જેને ટીપુ સુલતાને બનાવ્યું હતું. ઇ.સ. ૧૭૯૨ થી ૧૭૯૯ સુધીમાં અંગ્રેજો સામે થયેલા યુદ્ધ દરમિયાન ટીપુ સુલતાને આ રૉકેટનો ઉપયોગ કર્યો હતો. આ રોકેટની ડિઝાઇન પરથી જ અંગ્રેજોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિસાઇલ છોડનારા રોકેટ બનાવ્યા હતા. અબ્દુલ કલામને આ લેખ વાંચીને નવાઇ લાગી કે દુનિયાના પહેલા રોકેટની શોધ ભારતમાં થઇ હતી...!! એના મનમાં રોકેટ વિશે જાણવાની તાલાવેલી જાગી. ત્યાં જ એને કોઇકે કહ્યું કે રામાયણ અને મહાભારતના યુદ્ધમાં પણ આવા અગ્નિ શસ્ત્રો વપરાયા હતા. અબ્દુલે આ ગ્રંથોના અભ્યાસ કરી એમાં આવતા અગ્નિશાસ્ત્રો વિશે જાણકારી મેળવી. અબ્દુલકલામે ત્યારે જ મનોમન નક્કી કરી લીધું હતું કે એ રોકેટ વિજ્ઞાનમાં સંશોધન કરવાનું કામ કરશે.  

ગ્રેજ્યુએટ થયા પછી અબ્દુલકલામે મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજીમાં એરોનોટિકલ એન્જિનિયરિંગના કોર્સમાં એડમિશન મેળવા લીધું. ઘરના બધા એના આગળ ભણવાના વિચારથી ખુશ નહોતા.પણ અબ્દુલકલામના દાદાજીએ એને આગળ ભણવાની મંજૂરી આપી દીધી. ભણવાનો ખર્ચ પૂરો કરવા માટે ઘરના ઉપર બોજ નાખવાને બદલે અબ્દુલ કલામે ટ્યુશન કરવાનું શરૂ કર્યું. એણે છાપામાં લેખ લખવાના શરૂ કર્યાં. અબ્દુલકલામના આ લેખ ખૂબ જ લોકપ્રિય થયા. અબ્દુલ કલામે એરોનોટિકલ એંજિનિયરિંગની પરીક્ષા પહેલા નંબરે પાસ કરી. એ વખતે આ પરીક્ષા પાસ કરનારને વિદેશમાં સારી નોકરી મળતી હતી. પણ અબ્દુલ કલામે તો દેશમાં જ રહીને દેશ માટે કામ કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું.

૧૯૫૮માં અબ્દુલકલામે હૈદરાબાદની ડિફેન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થામાં નોકરી મેળવી લીધી. ૧૯૬૨માં ચીનના હુમલા પછી આ સંસ્થાને અવનવા શસ્ત્રો વિકસાવવાનું કામ સોંપવામાં આવ્યું ત્યારે એની જવાબદારી અબ્દુલ કલામના માથે જ આવી પડી હતી.

અબ્દુલ કલામે  આ જવાબદારી ખૂબ જ ખંતથી નિભાવી. ૧૯૬૩માં એ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં જોડાયા. અહીં એમને કૃત્રિમ ઉપગ્રહ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અબ્દુલ કલામે અહીં વિક્રમ સારાભાઇ સાથે કામ કર્યુ હતું. એ વખતે રોકેટ બનાવવા માટેની સામગ્રી વિદેશથી મંગાવવામાં આવતી, જે ખૂબ જ મોંઘી પડતી હતી. ડૉ. વિક્રમ સારાભાઇની એવી ઇચ્છા હતી કે રોકેટ બનાવવા માટેની બધી વસ્તુઓ ઘરઆંગણે જ બનાવવામાં આવે. અબ્દુલ કલામે અમદાવાદની ફિઝીકલ રિસર્ચ લેબોરેટરીના સહકારથી ડૉ. વિક્રમ સારાભાઇનું  આ સપનું સાકાર કરી બતાવ્યું હતું.

૧૯૮૩માં ઇન્દિરા ગાંધીએ સ્વદેશી મિસાઇલ બનાવવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો ત્યારે જાણીતા વૈજ્ઞાનિક ડૉ. રાજા રામન્નાને એની જવાબદારી સોંપી હતી. રાજા રામાન્નાએ આ કામમાં અબ્દુલ કલામને પોતાની સાથે કરી લીધા હતા. અબ્દુલ કલામને હૈદરાબાદની ફિન્સરિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થાના અધ્યક્ષ બનાવાયા.એ વખતે રોકેટના ઉડ્ડ્યન માટે જરૂરી ક્રાયોજેનિક એન્જિન અમેરિકા અથવા તો રશિયા પાસેથી મંગાવવું પડતુ હતું. અમેરિકાએ ભારતની વધતી જતી તાકાત અટકાવવા માટે ભારતને ક્રાયોજેનિક એન્જિન  આપવાની ના પાડી દીધી. જ્યારે રશિયાએ ખૂબ જ આકરી શરતો મૂકી. એ જ વખતે અબ્દુલ કલામે નક્કી કરી લીધું કે ઘરઆંગણે ક્રાયોજેનિક એન્જિન  બનાવીને બતાવશે !     

સ્વદેશી મિસાઇલ બનાવવા માટે અબ્દુલ કલામે ૨૪ લેબોરેટરી, ૧૦ સૈક્ષણિક સંસ્થાઓ, ૭ રિસર્ચ લેબોરેટરી અને ૪૨ કંપનીઓની મદદ લીધી. ડૉ. અબ્દુલકલામ રોજના ૧૭-૧૮ કલાક કામ કરતા. એ જ્યાં જતા સહુને કહેતા, ‘મને આટલી વસ્તુઓની જરૂર છે. શું તમે મને આમાં મદદ કરી શકો છો ?’ અબ્દુલ કલામ અને એમના વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી. એ સમય આવી ગયો જ્યારે ‘અગ્નિ’ મિસાઇલનું પહેલું ટેસ્ટીંગ થવાનું હતું. બધાની ખુશીનો પાર નહોતો. પણ અગ્નિ મિસાઇલ ઊડયું પણ ૫૬૦ કિલોમીટર ઊંચે જઇને દરયામાં તૂટી પડ્યું. બધા નિરાશ થઇ ગયા. પણ અબ્દુલ કલામે બધાને હિંમત આપી અને કહ્યું, ‘સફળતાની જેમ નિષ્ફળતાનો સામનો કરતા શીખો. આપણી મહેનતમાં કોઇક ખામી રહી ગઇ હશે. વાંધો નહિ. આપણે બીજી વાર કોશિશ કરીશું.’    

અબ્દુલકલામની આ વાત સાંભળીને બધા વૈજ્ઞાનિકો હોંશે-હોંશે મહેનત કરવા લાગ્યા. પણ એમની નિષ્ફળતા ઉપર દેશવિદેશના અખબારો તૂટી પડ્યા. દિલ્હીના એક અખબારે એવું કાર્ટુન છાપ્યું જેમાં એક ગ્રાહક દુકાનદારને ફટાકડા પાછા આપતા કહી રહ્યો છે કે, ‘આ પાછું લઇ લો, કારણે કે એ અગ્નિની જેમ હવાઇ ગયું છે !’ અબ્દુલ કલામ સહિત બાજા ૬૦૦ વૈજ્ઞાનિકોએ અપમાનનો આ  ઘૂંટડો ગળી જઇ મહેનત કરવાની શરૂ કરી દીધી. થોડા દિવસો પછી ફરીવાર ‘અગ્નિ’નું ટેસ્ટીંગ કરવામાં આવ્યું પણ આ વખતે મિસાઇલ ઊડી જ  ન શકી ! આ જોઇ ડૉ. અબ્દુલકલામે કહ્યું, ‘ફિકર ન કરો ! આપણે લોન્ચિગ પેડ સુધી પહોંચી ગયા છીએ ! બસ ! મિસાઇલ ઊડે એટલી જ વાર છે.’ ફરી એકવાર બધા મહેનત કરવા લાગ્યા. બધાની મહેનત રંગ લાવી અને ‘ અગ્નિ ‘ મિસાઇલે આકાશમાં હરણ ફાળ ભરી આખીય દુનિયાને નવાઇમાં મૂકી દીધી. ‘અગ્નિ’ ઉપરાંત ત્રિશૂલ, પૃથ્વી, આકાશ અને નાગ એમ ચાર મિસાઇલો બનાવવામાં આવી. ને અત્યાધુનિક બ્રહ્નમોસ શ્રેણીની મિસાઈલ હમણાંજ ઉમેરાઈ. મિસાઇલોની  આ શોધથી ભારત એક શક્તિશાળી દેશ બની ગયો.

આ પછી અબ્દુલકલામની મદદથી ભારતે ‘ રોહિણી ' નામનો સંપૂર્ણ સ્વદેશી ઉપગ્રહ આકાશમાં તરતો મૂક્યો. ૧૯૯૮ માં અબ્દુલ કલામની મદદથી જ ભારતે ઘરઆંગણે અણુ ધડાકો કરી શક્તિશાળી અણુરાષ્ટ્ર બની બતાવ્યું. અબ્દુલ કલામ અને એમના સાથીદારો છેલ્લા એક વર્ષથી એકદમ ગુપ્ત રીતે આ કાર્યક્રમ પર મહેનત કરી રહ્યા હતા. ડૉ, અબ્દુલ કલામને આ પછી વડાપ્રધાન અટલબિહારી બાજપાઇના વૈજ્ઞાનિક સલાહકાર બનાવવામાં આવ્યા. ત્યારબાદ થોડા સમય પછી તેમણે આ પદેથી રાજીનામું આપી દીધું.

અબ્દુલ કલામે ફક્ત મિસાઇલ અને અણુબૉમ્બ જ નથી બનાવ્યા. બીજી અનેક વસ્તુઓ બનાવી છે. એમણે પોલિયોના દર્દીઓ માટે ઓછ વજનના સળિયા ( કેલિપર્સ ) બનાવી શકાય તેવા પદાર્થની શોધ કરી. જેને પહેરીને અપંગ લોકો સહેલાઇથી હરી-ફરી શકે. એમણે ‘અનુરાગ’ નામનું એક કૉમ્પ્યુટર બનાવ્યું. જેના વડે ગાંઠનું ઑપરેશન સહેલાઇથી કરી શકાય છે. અબ્દુલ કલામે હ્રદયરોગના ઇલાજ માટે અનેક સાધનો શોધ્યા છે. એમને ટાઇટેનિયમ નામની ધાતુ માંથી નકલી દાંત બનાવ્યા છે. જે ખૂબ સફળ રહ્યા છે. આ ધાતુની પ્લેટો (દિવ્ય નામની) હાડકાં જોડવાના કામમાં આવે છે. આ સિવાય અબ્દુલ કલામ આંખની સર્જરી અને ગર્ભાશય અને સ્તનના કૅન્સર પર સંશોધન કરી રહ્યા છે.  

નવાઇની વાત એ છે કે આખી દુનિયા જેમને ડૉક્ટર તરીકે ઓળખાવે છે એ ડૉક્ટર અબ્દુલ કલામ પાસે ડૉક્ટરની ડિગ્રી જ નથી. પણ દેશની ઘણી યુનિવર્સિટીઓએ એમને માનદ્ ડૉક્ટરની ડિગ્રી આપી છે.  ૧૯૮૧ માં પદ્મવિભૂષણ,૧૯૯૦ માં પદ્મવિભૂષણ અને ૧૯૯૭ માં ભારત રત્ન મેળવનાર ડૉ.કલામ એવા રાષ્ટ્રપતિ છે કે જે ‘ભારતરત્ન’ નું બિરુદ મેળવ્યા પછી રાષ્ટ્રપતિ બન્યા છે. અબ્દુલ કલામને કોઇએ પૂછ્યું કે, “વિજ્ઞાનના સમીકરણોની જેમ રાજનીતિના સમીકરણો ઉકેલી શકશો? “ અબ્દુલ કલામે જવાબ આપતાં કહ્યું, ”મને સમય આપો,હું થોડા સમયમાં રાજનીતિ શીખીને રાજનીતિના સમીકરણો ઉકેલી બતાવીશ.”

અબ્દુલ કલામનો માનીતો રંગ બ્લૂ અને સફેદ છે. અબ્દુલ કલામ પોતાનું કામ જાતે કરે છે. અબ્દુલ કલામ શાકાહારી છે.  અબ્દુલ કલામ ગીતાનું નિયમિત વાંચન કરે છે. ફુરસદના સમયે વીણા વગાડે છે અને સારી કવિતાઓ પણ લખી જાણે છે. એમણે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી. ગમે એટલું કામ હોય, દેશ હોય કે વિદેશ હોય અબ્દુલ કલામ ડાયરી લખવાનું ચૂકતા નથી. એમણે અત્યાર સુધી જીવનમાં બે જ રજા લીધી છે. એક તો એમના પિતા પકીર ઝૈનુલાબુદ્દીનનું  ૧૦૨ વર્ષની ઉંમરે અવસાન થયું ત્યારે અને બીજી એમની માતા અશીમ્માનું ૯૭ વર્ષની વયે અવસાન થયું ત્યારે!

અબ્દુલ કલામ પોતાની સાથે કામ કરતા નાનામાં નાના માણસનું પણ પૂરું  ધ્યાન રાખે છે. ૧૯૯૭ માં ભારત રત્ન મળ્યા પછી એમણે પોતાના અધિકારીઓને ખાસ તાકીદ કરી કે પોતાને એરપોર્ટ પર લેવા આવે ત્યારે ફૂલોનો હાર લઇને ન આવે.અબ્દુલ કલામ જૂની એમ્બેસેડર કારનો જ ઉપયોગ કરે  છે. અબ્દુલકલામ ભારતના પહેલા કુંવારા રાષ્ટ્રપતિ છે એક વાર અબ્દુલ કલામને લોકોએ પૂછ્યું કે ‘ તમે લગ્ન કેમ નથી કર્યા?’ તો તેમણે હસતાં-હસતાં જવાબ આપ્યો કે, મારા લગ્ન વિજ્ઞાન સાથે થઇ ચુક્યા છે.

વરાહમિહિર: ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતબીજના પ્રણેતા

લગભગ બે હજાર વર્ષ પહેલાં આચાર્ય વરાહ મિહિર ભારતના મધ્યપ્રદેશના ઉજજૈનની પાસે રહેતા હતા. રાજા વિક્રમાદિત્યની સભાના નવ રત્નોમાંના તેઓ એક હતા. વરાહમિહિર નામમાં બે નામોનો સમાવેશ થાય છે. ‘વરાહ’ એટલે વિષ્ણુ અને મિહિર એટલે સૂર્ય. આમાં ‘વરાહ’ તો વિક્રમાદિત્ય રાજાએ પાછળથી આપેલું બિરુદ હતું. વરાહ મિહિરે રાજકુમારના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પ્રમાણે એણે આ ભવિષ્યવાણી કરી હતી કે રાજકુમારનું મૃત્યુ અઢારમા વર્ષે થશે. અને તે ભવિષ્યવાણી સાચી ઠરી. વિક્રમાદિત્ય દુ:ખી હતા પરંતુ એક વાતનું ગર્વ હતું કે આવા વિદ્વાનો પણ તેમના રાજમાં છે. પંડિત મિહિરના આવા જ્ઞાનના કારણે વિક્રમાદિત્યે એમને ‘વરાહ’ નું બિરુદ આપ્યું હતું. 

ભારતના જ્યોતિષ,ખગોળ, ગણિત, ધાતુશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે વિજ્ઞાનોને ક્ષેત્રે વરાહમિહિરનો ફાળો ઘણો મોટો છે. છતાં એમના જીવન વિષે પણ કેટલીક દંત કથાઓ મળે છે. વરાહ મિહિર ઉજ્જૈન નજીકના કપિથ્થ નામે ગામે જનમ્યા હતા. બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા વરાહ મિહિરનું જન્મનું વર્ષ ઇ.સ. ૪૯૯ માનવામાં આવે છે. એમના પિતાનું નામ આદિત્યદાસ હતું. એમના પિતા આદિત્યદાસ સૂર્ય ભગવાનના ભક્ત હતા. એમણે મિહિરને જ્યોતિષ વિદ્યા શીખવાડી.

એમના કુટુંબમાં વંશપરંપરાથી જ્યોતિષ અંને  ખગોળનું જ્ઞાન ઊતરતું આવ્યું હતું. કુસુમપુર (પટના) જઈ  નાલંદાની મુલાકાત વેળાએ યુવાન મિહિર મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ દર્શન થયા. અહીંના વિદ્વાનોમાં આર્યભટ્ટને નાની ઉંમરમાં સ્થાન મળ્યું હતું. એમની સાથે વાતો કરવાનો લાભ મળ્યો. એમની પાસેથી એમને એટલી બધી પ્રેરણા મળી કે એમણે જ્યોતિષ વિદ્યા અને ખગોળના જ્ઞાનને જ પોતાના જીવનનું ધ્યેય બનાવી લીધું.

મિહિરે વિદ્યા પ્રાપ્ત કરવા ઉજ્જૈન જઇ વસવાનું નક્કી કર્યું. ઉજ્જૈન જ્ઞાન-વિદ્યાની બાબતમાં મહત્વનું હતું. છેલ્લા હજારેક વર્ષોથી દૂરદૂરથી આવતી નવી પ્રજાઓ અને એમની વિદ્યાઓનું મિલન કેન્દ્ર બની ગયું હતું. ગ્રીકો, શક, કુષાણ, યુએચી વગેરે જે કોઇ વિદેશી પ્રજા ભારતમાં આવી તે બધાનાં રાજકીય કેન્દ્રમાં ઉજ્જૈન મહત્વનું હતું. ત્યારબાદ વરાહમિહિરે ગ્રીસમાં જઇ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આમ ખૂબ વાંચી વિચારીને અને પ્રવાસ દ્વારા જ્ઞાન મેળવીને કેટલાક સિદ્ધાંતો તારવીને વરાહ મિહિરે કેટલાક ગ્રંથો રચ્યા. વરાહમિહિરે ખગોળ અને જ્યોતિષનાં પાંચ શાસ્ત્રો વિષે  એક વિરાટ ગ્રંથ ‘પંચસિદ્ધાન્તિકા’ નામે તૈયાર કર્યો. એમાં સૌ પ્રથમ તેમણે રોમક સિદ્ધાંતની ચર્ચા કરી. આ રોમક સિંદ્ધાંત એટલે રોમનોનું વિજ્ઞાન. ‘પંચસિદ્ધાંતિકા' એમનો મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથ પાંચ સિદ્ધાંતોનો સમંવય કરે છે. રોમક, પૌલીશ, પૈતામહ, વસિષ્ઠ અને સૂર્ય.

પૈતામહ સિદ્ધાંત આર્યોના બાપદાદાઓના વખત ના ખગોળના સિદ્ધાંતો જણાવે છે. વેદકાળના આર્યો આકાશી પદાર્થોને જોઇને શું વિચારતા હતા તે આ ભાગમાં જણાવાયું છે.રોમક સિદ્ધાંતમાં રોમન લોકોના ખગોળના સિદ્ધાંતોની ચર્ચા છે. તે આકાશી પદાર્થોની ગતિ કેવી રીતે ગણે છે અને એ પદાર્થો પૃથ્વી પરના લોકોને કેવી રીતે અસર કરે છે. તેવું બધું આ ભાગમાં છે.  પૌલીશ સિદ્ધાંતનું મૂળ રસપ્રદ છે. મહાન સિકંદરની યાદમાં સુએઝ નહેરના ભૂમધ્ય મહાસાગરવાળા છેડા પર વસેલા નગર એલેક્ઝાંડ્રિનસ માં પૌલશ નામનો એક ખગોળશાસ્ત્રી થઇ ગયો. એના જમાનામાં ખગોળ અને જ્યોતિષ અંગે જે કાંઇ શોધો-નોંધો કરી હતી તેનો સંગ્રહ આ ભાગમાં છે. વસિષ્ઠ અને સૂર્ય  સિદ્ધાંત પણ આ જ રીતે સિદ્ધાંતોનો ગ્રંથ છે. ભગવાન સૂર્યએ મય નામના અસુરને જે સિદ્ધાંતો જણાવ્યા એમનો આ સંગ્રહ સૂર્ય સિદ્ધાંતમાં છે. તે ઉપરાંત ‘બૃહત્સંહિતા’, બૃહજ્જાતક’ વગેરે ગ્રંથો પણ એમણે રચેલા છે. એ બધાને પ્રતાપે તેઓ ભારતીય વિજ્ઞાનના ઇતિહાસમાં અમર બની ગયા.

આર્યભટ્ટની જેમ તેઓ પણ માનતા હતા કે પૃથ્વી ગોળ છે. અને ગુરૂત્વાકર્ષણ બળની કલ્પના પણ સૌ પ્રથમ કરનાર વરાહ મિહિર જ હતા. આ સાથે તેમણે પૃથ્વીની પોતાનીધરી પર ફરવાની ગતિનો વિરોધ કરતી કલ્પના પણ કરી હતી. એમણે પોતાના ગ્રંથોમાં પોતાના ગ્રંથોમાં પર્યાવરણ, જળશાસ્ત્ર, ભૂમિશાસ્ત્ર, ધાતુ શાસ્ત્ર અને રત્ન્શાસ્ત્ર વિશે પણ ઘણી મત્વની વૈજ્ઞાનિક વાતો લખી છે. વરાહમિહિરે પર્યાવરણ વિજ્ઞાન (ઈકોલોજી), પાણી વિજ્ઞાન (હાઈડ્રોલોજી), ભૂવિજ્ઞાન (જિઓલોજી) વિશે કેટલીક મહત્ત્વની ટિપ્પણીઓ કરી. એમણે ઘણું બધું લખ્યું હતું. સંસ્કૃત વ્યાકરણમાં નિષ્ણાત અને છંદના જ્ઞાન પરના કાબૂના કારણે એમણે પોતાને એક અનોખી શૈલીમાં વ્યક્ત કર્યા હતા. એમના વિશાળ જ્ઞાન અને સરસ રજૂઆતને કારણે એમણે ખગોળ જેવા શુષ્ક વિષયને પણ ખૂબ જ રોચક બનાવી દીધો છે. જેથી એમને ખૂબ જ નામના મળી. એમનાં પુસ્તક ‘પંચ સિદ્ધાંતિકા’ (પાંચ સિદ્ધાંત), ‘બૃહત્સંહિતા’, બૃહદ્ જાતક’ (જ્યોતિષ) એ એમને ‘ફળ જ્યોતિષ’માં એ સ્થાન અપાવ્યું જે રાજનીતિ દર્શનમાં કૌટિલ્યનું, વ્યાકરણમાં પાણિનિનું,  અને કાયદામાં મનુનું છે. વરાહમિહિરનો ‘જલાર્ગલ અધ્યાય’ ભૂગર્ભ જળ સંશોધનની ચાવી છે. આજે ઘણાં વરાહમિહિર કેન્દ્રો ચાલે છે. તે રીતે પશુ ચિકિત્સા અને કૃષિ ઉપયોગી સંશોધનો પણ તેમણે કર્યાં છે.

એમનું અવસાન ઇ.સ. ૫૮૭ ની સાલમાં થયું.  

શ્રી વિજય ભાટકર

વિજય ભાટકરનો જન્મ અકોલા. મહારાષ્ટ્રના એક મરાઠા પરિવારમાં ૧૧ ઑક્ટોબર ૧૯૪૯ ના રોજ થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ અકોલા ગામમાં જ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ ૧૯૬૫ માં એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરવા તેઓ વી.એન.આઇ.ટી. નાગપુર ગયા. વી.એન.આઇ.ટી. મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત કોલેજોમાંની એક છે. આ કોલેજની સ્થાપના જૂન ૧૯૬૦ માં ભારતીય સરકારના શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત થઇ હતી. આ કોલેજનું પ્રથમ સત્ર ૧૯૬૦ માં શરૂ  થયું અને બોર્ડ ઓફ ગવર્નરે સર એમ. વિશ્વેશ્વરૈયા ના નામથી કોલેજનું નામકરણ કર્યું. એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૬૮ માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા તેઓ એન્જિનિયર વિશ્વવિદ્યાલય, વડોદરા ગયા. ૧૯૭૨ માં આઇ.આઇ.ટી. દિલ્હીથી તેમણે એન્જિનિયરીંગમાં ડોકટરેટની પદવી મેળવી. ત્યારબાદ વિજય ભાટકરે આઇ.ટી.માં  શિક્ષણના વ્યાપ માટે આંતરરાષ્ટ્રીય સૂચના પ્રૌદ્યોગિકી સંસ્થાનની સ્થાપના કરી. આ સંસ્થાનમાં ઉચ્ચતર શિક્ષણ માટે શોધ-સંશોધન સુવિધા ઉપરાંત  એક હજારથી વધુ વિદ્યાર્થીઓ એક સાથે શિક્ષણ મેળવી શકે તેવી યોજના તૈયાર કરવામાં આવી. શ્રી વિજય ભટનાગરના આઠ પુસ્તકો અને ૮૦ થી વધારે શોધ સંશોધન પત્રો પ્રકાશિત થઇ ચુકેલા  છે.

ભારતને સુપર કમ્પ્યુટર ટેકનોલોજી આપવાના અમેરીકાના ઈન્કારથી રાજીવ ગાંધી સમસમી ઉઠયા અને વિજય ભાટકરે સુપર કમ્પ્યુટર બનાવ્યુ.

અમેરીકા પાસે ‘ક્રે’ નામનુ સુપર કોમ્પ્યુટર તે સમયે હતુ. હવામાનની સચોટ આગાહી કરી શકાય તે માટે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ અમેરીકા પાસે આ કોમ્પ્યુટર ટેકનોલોજી માંગી હતી. અમેરીકાએ ભારતને એવુ રોકડુ પરખાવ્યુ હતું કે તમે તેનો ઉપયોગ સંરક્ષણ ક્ષેત્રે કરી શકો તેમ છે એટલે તમને આ ટેકનોલોજી નહી મળે. જેના પગલે રાજીવ ગાંધીએ ઘરઆંગણે આ પ્રકારની ટેકનોલોજી વિકસાવી શકાય કે નહી તેની શક્યતાઓ ચકાસવાના આદેશ પોતાની ટીમને આપ્યા હતા. જ્યારે આ માટે વિજય ભાટકરને બોલાવવામાં આવ્યા ત્યારે રાજીવ ગાંધીએ તેમને  સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે તમે સુપર કોમ્પ્યુટર બનાવી શકશો?  ત્યારે વિજય ભાટકરનો જવાબ  “હા” હતો. ભારતના સુપર કોમ્પ્યુટરના આર્કીટેક્ટ ડો.વિજય ભાટકરે ઘરઆંગણે સુપર કોમ્પ્યુટર બનાવવાનો પડકાર સફળતાપૂર્વક ઝીલી બતાવ્યો હતો.

મિસાઇલ તકનિક અને  ક્રાયોજનિક(નીચા તાપમાનના એન્જિન) અને પરમાણુ વિસ્ફોટો ના સમય દરમિયાન એક સાથે કરોડોની ગણતરી કરવી પડે છે. આના માટે સુપર કમ્પ્યુટરની જરૂર પડે છે. ‘પરમ’  શ્રેણીનું પ્રથમ સુપર કમ્પ્યુટરની શોધ કરીને ડૉ.વિજય ભાટકરે ભારત દેશને વૈશ્વિક પટલ પર શક્તિશાળી દેશના રૂપમાં સ્થાપિત કર્યો છે. સુપર કમ્પ્યુટર ‘પરમ’ ના સર્જક તરીકે ડૉ.વિજય ભાટકરનું નામ સર્વોપરી છે. જેઓનું નામ આઇ.ટી વૈજ્ઞાનિકોના જૂથમાં ઉલ્લેખનીય છે.

ઈ.સ.૨૦૦૦ ની સાલમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડો.ભાટકર ટોચના સાયન્ટીસ્ટ હોવા ઉપરાંત દેશને આઈટી ક્ષેત્રે ઉચ્ચ કક્ષાનું નેતૃત્વ પુરું પાડયું છે. હાલમાં તે ઈન્ડિયા ઈન્ટરનેશનલ મલ્ટિર્વસિટીના ચાન્સેલર, ઈ.ટી.એચ. રિસર્ચ લેબના ચેરમેન, આઈ.ટુ.આઈ.ટી.ના ચીફ મેન્ટર, વિજ્ઞાન ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્ર સરકારની કેબિનેટના વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. ઇ.સ. ૨૦૦૩ માં રોયલ સોસાયટી તરફથી દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવેલા વૈજ્ઞાનિકોની ટુકડીનું નેતૃત્વ વિજય ભાટકરે કર્યું હતું. હાલમાં તેઓ ઘરેલું શિક્ષણ પદ્ધતિ ઇ.ટી.એચ. અને જનકલ્યાણમાં વધારો થાય તેવી પરિયોજનાઓ પર કામ કરી રહ્યા છે. હાલમાં તેઓ ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર સમિતીના સભ્ય પદ પર પણ કાર્યરત છે. આ ઉપરાંત ભારત દેશમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સુવિધાને દૂરદૂર સુધીના અંતરિયાળ ક્ષેત્રોમાં પહોંચાડવાની પરિયોજનાપર કામ કરી રહ્યા છે.
ભારતીય આઇટી.ક્ષેત્રમાં મહાન યોગદાન બદલ વિજય ભાટકરને અનેક પ્રતિષ્ઠિત  પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. ૧૯૯૯-૨૦૦૦ માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર, ૨૦૦૦માં પ્રિયદર્શિની પુરસ્કાર, અને ૨૦૦૧ માં સૂચના પ્રદ્યોગિકી ક્ષેત્રમાં ઓમપ્રકાશ ભસીન ફાઉન્ડેશન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કહેવાય છે કે આજનો યુગ જ્ઞાન વિસ્ફોટનો યુગ છે. આ યુગમાં આગળ વધવા માટે સૂચના પ્રધોગિકી ક્ષેત્રમાં નિપુણતા મેળવવી જરૂરી બને છે.’પરમ’ શ્રેણીના સુપર કમ્પ્યૂટરની શોધ કરીને વિજય ભાટકરે ભારતને વિશ્વમાં ઉચ્ચ કક્ષાએ પહોચાડવાની આધારશિલા ઉપ્લબ્ધ કરાવી છે. મિસાઇલ અને પરમાણું ક્ષેત્રમાં ભારતે જે સિદ્ધિઓ હાંસલ કરી છે. તેનું શ્રેય વિજય ભાટકરના ફાળે જાય છે. પુનાના સી-ડેક ખાતે ૧૯૯૧ની સાલમાં તેમણે દેશનું સૌપ્રથમ સુપર કમ્પ્યુટર 'પરમ-૮૦૦૦' તૈયાર કર્યું હતું. ત્યારબાદ પરમ-૧૦૦૦૦ તૈયાર કર્યું હતું. હવે અમેરિકા અને જાપાન જ જે કમ્પ્યુટર બનાવી શક્યા છે તે 'પેટાસ્કેલ સુપર કમ્પ્યુટર' ડિઝાઈન કરવા પર કાર્યરત છે. ૧૯૯૧માં ‘પરમ’ અને ૧૯૯૮માં તેનુ વધારે અપગ્રેડેડ વર્ઝન બનાવનારા ડો.ભાટકરે આ સુપર કોમ્પ્યુટરની ક્ષમતાનો ખ્યાલ આપતા કહ્યુ હતું કે ૧૯૯૮માં બનેલા ‘પરમ’ સુપર કોમ્પ્યુટરના વધારે આધુનિક વર્ઝનની ક્ષમતા પ્રતિ સેકન્ડ ૧ ટ્રીલીયન (૧૦૦૦ અબજ) ગણતરી કરવાની હતી.’ આ ટેકનોલોજી જુની થઈ ગઈ છે. હાલમાં જે સુપર કોમ્પ્યુટર્સ વિકસીત દશોએ બનાવ્યા છે તે પ્રતિ સેકન્ડ એક પેટા સુધીની ગણતરી કરી શકે છે. એક પેટા એટલે ૧૦૦૦ ટ્રીલીયન ગણતરી થઈ.

ભારત જે સુપર કોમ્પ્યુટર બનાવવા જઈ રહ્યુ છે તેની ક્ષમતા પ્રતિ સેક્ન્ડ એક એક્ઝાની ગણતરી કરવાની હશે. એક એક્ઝા એટલે ૧૦૦૦ પેટા થાય છે..!! આમ ભવિષ્યમાં બનનારુ સુપર કોમ્પ્યુટર એક સેકન્ડમાં કેટલી ગણતરી કરશે તેનો અંદાજ કેલક્યુલેટર વડે બાંધવો પણ મુશ્કેલ હશે. આમ પદ્મ શ્રી ડો.ભાટકરનું આગલુ લક્ષ્ય ભારત માટે વિશ્વનુ સૌથી ફાસ્ટેટ સુપર કોમ્પ્યુટર 'એકઝાકલ સુપર કમ્પ્યૂટર’ બનાવવાનુ છે. આ સુપર કોમ્પ્યુટર બનાવવાનો ખર્ચે ૧૧૦૦૦ કરોડ રૂપિયા થશે. ભારત સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે.આ માટે હાલના તબક્કે ૫૦૦૦ કરોડ રૃપિયા મંજુર કરાયા છે. ભારતના જેટલા પણ કોમ્પ્યુટર નિષ્ણાતો છે તે આ સુપર કોમ્પ્યુટર પર કામ કરશે. આ લક્ષ્ય ૨૦૨૦ સુધીમાં આ કોમ્પ્યુટર તૈયાર કરી નાંખવાનુ છે ‘પરમ’ સુપર કોમ્પ્યુટર ૨ વર્ષના સમયગાળામાં તૈયાર થઈ ગયુ હતુ તે જ રીતે આ સુપર કોમ્પ્યુટર ૨૦૨૦ સુધીમાં ચોક્કસપણે તૈયાર થઈ શકે છે.

 ડો. ભાટકરની ઇચ્છા  'કમ્પ્યૂટરમાં સંસ્કૃત ભાષા હોય’ તે તરફની છે. જેની માટે મૂળભૂત રિસર્ચ જરૂરી છે. જે દિવસે કમ્પ્યૂટરમાં સંસ્કત ભાષાનો સમાવેશ થશે તે દિવસથી સમગ્ર દુનિયા સંસ્કૃત વાંચી શકશે. ડો. ભાટકરના સ્વપ્ન પ્રમાણે આગામી દિવસોમાં મનમાં વિચારશો તેનો સીધો જ જવાબ મળી રહે તેવા કમ્પ્યૂટર હશે. આગામી દિવસોમાં માત્ર વિચાર કરો અને તેનો જવાબ મળી જાય તેવા થ્રીડી, વર્ચ્યુઅલ કમ્પ્યૂટર હશે.
તેમનું કહેવું છે કે “સ્વતંત્રતાની શતાબ્દિ પર ભારત નંબર વન હશે.  દેશને આઝાદી મળી ત્યારે ભારતને ગરીબ દેશ માનવામાં આવતો હતો. આજે અર્થવ્યવસ્થા ક્ષેત્રે ભારત ત્રીજા સ્થાને છે. અમેરિકા, ચીન બાદ ભારતનો નંબર આવે છે. ૨૦૪૭ એટલે કે સ્વતંત્રતાની શતાબ્દિ વર્ષમાં ભારત આર્થિ‌ક, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ જેવા તમામ ક્ષેત્રમાં અગ્રેસર હશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.”