Saturday, August 5, 2017

મૃત્યુ મિત્રનું હોઈ શકે છે, મિત્રતાનું નહીં !!


મિત્રો, આપણે ‘મિત્ર’ શબ્દ થી તો પરિચિત છીએ જ પરંતુ ચાલો આજે આપણે આ શબ્દ વિશે વધુ ઊંડાણમાં જોઈએ. આપણી માતૃભાષામાં એક કહેવત છે કે ‘મિત્ર એવો શોધવો જે ઢાલ  સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુ:ખમાં આગળ હોય’ જીવનમાં આવો સાચા હૃદયનો મિત્ર મળવો એ તો સૌભાગ્યની વાત છે.

મિત્રતા એટલે ભાઈબંધી એટલે કે ભાઈ જેવું બંધન. સાચી મિત્રતા એ તો એક છોડ જેવી છે જે ધીમેથી વધે છે. પછી વિરાટ વૃક્ષ થઈ જીવનભર તેની શીતળ છાંયા આપે છે. કલાઉટ મેમેટે કહ્યું છે કે ‘મિત્રો તરબૂચ જેવા હોય છે. કારણ શું? કારણકે, ઉત્તમને શોધવા બધાનો સ્વાદ ચાખવો પડે છે.’ મહાન વિચારક સોક્રેટીસે પણ કહ્યું છે કે ‘મિત્ર બનાવતા પહેલા સો વખત વિચારો અને મિત્ર બનાવ્યા પછી તેને કાયમ માટે ટકાવી રાખો.’ ઉત્તમોત્તમ મિત્રમાં પુસ્તકોનો પણ સમાવેશ કરી શકાય છે. માણસના એકાંતને, એના જીવનને જે ક્યારેય દગો દેવાના નથી એવા મિત્રો માત્રને માત્ર પુસ્તકો જ ગણાય છે. સંત તુલસીદાસે પણ કહ્યું છે કે, ‘બિપતિકાલ કર સતગુન નેહા, શ્રુતિ કહ સંત મિત્ર ગુન એહા.’ દુ:ખમાં પણ સાથ આપે તે મિત્રનો ગુણ છે. મિત્રતા તો એક રેશમી ઋણાનુંબંધ છે. એક ઉત્તમ અનુભવ છે. મૈત્રી એ તો શીતળ-મધુર છાંયડો છે. જીવનમાં જેમ મા-બાપ અને ભાઈ-બહેનની જરૂર છે તેમ મિત્રની પણ જરૂર છે. ખલિલ જિબ્રાને કહ્યું છે કે, ‘જેની સાથે તમે મોજ માણી હોય તેને તમે કદાચ ભૂલી જાઓ, પણ જેની સાથે તમે આંસુ સાર્યા હોય તેને હરગિજ ના ભૂલતા.’

લગ્ન વખતે સપ્તપદીનો, સાત ડગલાં વરવધૂ સાથે ચાલે એનો વિધિ હોય છે તે આ મૈત્રીના ઉદયના પ્રતીક રૂપે હોય છે. લગ્ન અને મિત્રતા – માણસે વિકસાવેલી આ બધી કલાઓ સરખી છે ! શેક્સપિયરે પણ અમસ્તું નથી કહ્યું કે, ‘મૈત્રી એ બે ઉદ્દાત માણસોનું લગ્ન છે !’ કવિવર શ્રી સુરેશ દલાલ કહે છે, ‘મૈત્રી એ તો કળા છે.’

મિત્ર એટલે મનથી અને હૃદયથી આપણી સાથે હોય. જીવનના તડકાં-છાયાની મોસમ પસાર થયા પછી જે ટકી રહે છે તે મૈત્રીનો વૈભવ છે. સાચી મિત્રતા એ તો જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ છે. વ્યક્તિ જન્મે છે, ત્યારથી તેની આજુબાજુ સંબંધોના સરોવર રચાતા જાય છે. આવા અનેક સંબંધોની વચ્ચે મૈત્રી એક પરમ પવિત્ર વસ્તુ છે. મૈત્રીમાં લોહીનો સંબંધ નથી હોતો છતાં પણ તે લોહીની સગાઈ જેવું જ અતૂટ બંધન છે. જન્મથી માંડી મરણ સુધીની સળંગ યાત્રામાં જો એકાદ વ્યક્તિને તમે મિત્ર ન બનાવી શકો તો તમારે સમજવું કે તમારામાં જ કંઈક ખૂટે છે.


મિત્ર એટલે એવી વ્યક્તિ કે જેની સાથે વાત કરવા વિષય શોધવા ન પડે, વાતવાતમાં કંઈ ખુલાસા ન આપવા પડે, તેમજ જે તમારા પહાડ જેવા દુ:ખને પીંછા જેવું હળવું કરી દે. શિયાળાની ઋતુમાં જેમ અગ્નિ હૂંફ આપે છે તેમ મિત્ર હુંફ આપે. શ્રી સુંદરમ્ ની પંક્તિ મને અહીં યાદ આવે છે.. ‘સ્નેહની સર્વ કડીઓમાં મૈત્રી સર્વની વડી.’ મૈત્રી એટલે જીવનના આકાશનું મેઘધનુષ. મહાભારતમાં મિત્રતાના સચોટ દષ્ટાંતો છે. એક તો ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામા, બીજુ શ્રીકૃષ્ણ અને અર્જુન અને ત્રીજું દાનવીર કર્ણ અને દુર્યોધન. સુદામાજી જ્યારે શ્રીકૃષ્ણને મળે છે ત્યારે શ્રીકૃષ્ણ ઉંચનીચના સર્વ ભેદભાવ ભુલીને તેમના મિત્ર સુદામાજીને પ્રેમથી ભેટી પડે છે અને તેના સર્વ દુ:ખો દૂર કરે છે. અર્જુન સાથે પણ શ્રીકૃષ્ણ હંમેશા તેના દુ:ખમાં સાથ આપે છે. યુદ્ધમાં જ નહી પરંતુ અર્જુનના જીવનના પણ તેઓ સારથી બની રહે છે અને તેને હંમેશા મદદ કરતા રહે છે. દાનવીર કર્ણ અને દુર્યોધનની મિત્રતા પણ ઉમદા છે. કર્ણને જ્યારે શ્રીકૃષ્ણ તેના જન્મવિશે તેની માતા વિશે જણાવી, તેને સમજાવી તેને જ્યેષ્ઠ કુંતી પુત્ર બનવાની, જ્યેષ્ઠ પાંડવ થવાની, ઈન્દ્રપ્રસ્થના મહારાજ થવાની તેમજ દ્રોપદીના પતિ થવાની વાત કરે છે, ત્યારે કર્ણ એ બધુ છોડી મિત્રતા નિભાવવા દુર્યોધન સાથે જ ઉભો રહે છે. મૈત્રીના તો આવા અનેકરૂપ છે. મિત્ર વર્તુળ ભલે મોટું હોય, પરંતુ એનું કેન્દ્ર તો એક જ હોય છે.

ફાધર વાલેસ કહે છે કે, ‘મિત્રતા એ સંસાર સાગરની લહરી, બગીચાની સૌરભ અને હૃદયમંદિરનો અખંડ દીપ છે. મિત્ર પ્રેમ એ હૃદયવૃંદાવનનું અમૃત કુળ છે. મિત્રતાનું બીજ એક જ ક્યારમાં એક વેગથી ઉગેને એક જ વસંતમાં ખીલે. મિત્રમાં નાનો કોણ અને મોટો કોણ એ પ્રશ્ન અર્થ વગરનો છે. તોરણના બંને સ્તંભ સરખા હોય તો જ એના પર કમાન બેસે.’
દરેક સંબંધનું અલગ સ્થાન, આગવી પહેચાન હોય છે અને સાથે સાથે આપોઆપ બંધાતી આવતી અપેક્ષા હોય છે. તે અપેક્ષા દરેક સંબંધની નિર્બળ કડી છે. અપેક્ષા જ્યારે તૂટે છે ત્યારે મજબૂત સંબંધો પણ ધરાશાયી થઈ કાટમાળ સમા બની જાય છે.
આમ સૂર છે જે સંવાદોમાં, ચર્ચાઓમાં કહેવત કક્ષાએ ઊછળતો રહે છે – “દરેક વસ્તુનો આરંભ હોય છે તેમ અંત પણ હોય છે.” કદાચ આશ્વાસનની શોધની ક્ષણોમાં વપરાતું આ વાક્ય છે જે પૂર્ણ સત્ય નથી. આરંભ અને અંતનાં દ્વંદ્વંથી પરની પણ એક દુનિયા છે, સંબંધ છે, ભાવ છે અને તે છે – ‘મિત્રતા’.

મિત્રતા ખરી શકે ? જવાબ ના છે. હા, મિત્રો જુદા પડી શકે છે. સંબંધોની મધુરતામાં ક્યારેક કટુતા જન્મે, પૂર્વગ્રહો, અહમ, ગેરસમજૂતીનાં વહેણમાં મિત્રો દૂર દૂર ફેંકાઈ જાય. પણ તે તો વ્યક્તિઓની વાત છે, મિત્રતાની નહીં.
હૈયામાં સ્થાયી થયેલ, મુલાયમ પણ નક્કર મિત્રતાનો છોડ, વિશેષ તો દુનિયાદારીની નાદાનીના સમયમાં બંધાયેલી ‘મિત્રતા’નો ભાવ, વ્યવહાર જગતના વ્યવહારની બે-દિલી વચ્ચે પણ અકબંધ હોય છે. વ્યક્તિ તો માધ્યમ છે આ ભાવના પ્રકટ, વ્યક્ત, પ્રવાહિત થવા માટે. મિત્ર નિમિત્તે ખીલેલ આ સંવેદના કદી નિરાધાર નથી હોતી, મુરઝાતી નથી.

આ મિત્રતા અંતે તો શું છે ? ઠંડીભરી ઠૂંઠવાતી રાતની એકલતામાંનું તાપણું છે. મિત્રતાનું કદી મૃત્યુ ન હોઈ શકે. ભાવની વાત છે, આપણી મરજી નહીં પણ હિતને ચાહે, સુખ અને દુઃખના કિનારા વચ્ચે અથડાતી રહેતી જિંદગીમાં ‘હાલ’ પામવાનો મુકામ એટલે ‘મિત્રતા’.
જ્યાં અનાવૃત થઈ શકાય, મન મૂકી રડી શકાય, સ્મિત જ નહીં ખુલ્લું હાસ્ય વહેતું કરી શકાય, કૃત્રિમતાની સરહદથી પરની આ દુનિયા છે. વૈભવ નિર્ધનતાને ભેટવા ઉન્માદી બની, કૃષ્ણ બની – સુદામાને મળવા, ભેટવા વ્યાકુળ બની ઊઠે, આ છે – ‘મિત્રતા’.

અહીંયા દંભ નથી. તમે જેવા છો તેવા જ પેશ થઈ શકો છો માટે ભાર નથી. કશું જ છુપાવવાનું નથી. અહીંયા તમારી હથેળીને મળેલી છઠ્ઠી આંગળીનો પણ સ્વીકાર છે. ઈસ્ત્રી ટાઈટ કપડા, દંભી એટિકેટ નથી. તમારું ઈન્શર્ટ અડધું બહાર આવી ગયું છે કે દાઢીનાં વધી ગયેલા વાળ છે કે અસ્ત-વ્યસ્ત તમારા ઝુલ્ફો છે કે તૂટી ગયેલા તમારા સ્લિપર છે કે તમને ગમતી છોકરી તમને ભાવ નથી આપતીની વાત છે. પિતા માટેનો આક્રોશ છે કે તમારો કોઈ(?) માટેનો ઉન્માદ છે – બધાથી બધા જ જાણકાર છે, બધું શેર થાય છે એને માટે હળવું હળવું રહેવાય છે. દિવાસ્વપ્નો અને શમણાંઓ રચાય છે, ચર્ચાય છે, ભુલાય છે. તૂટેલા દિલના દર્દની એક એક કરચ ભેગા મળીને એકઠી કરી ‘ડસ્ટબીન’માં નાખે છે. આ છે મિત્રતાની મધુરતા. ત્યાં બધી મર્યાદાનો સ્વીકાર છે. ત્યાં તમે જેવા છો તેવા પૂરેપૂરાનો સ્વીકાર છો માટે ખચકાટ નથી.

ખામી સહિતનો સ્વીકાર ‘મિત્રતા’માં જ હોય માટે મિત્ર અપંગ હોઈ શકે મિત્રતા નહીં. મિત્ર નિર્ધન હોઈ શકે મિત્રતા નહીં, મિત્ર નબળો હોઈ શકે મિત્રતા નહીં. અહીંયા મહેફિલમાં દરેક રંગો, દરેક મિજાજ, દરેક મુકામને સ્થાન છે. બધાને જેવા છે તેવા જ પેશ થવાનું છે. માટે તો કૃષ્ણને ગમતી ક્ષણો સુદામા કે રાધા સાથેની છે. દેશનાં સૌથી શ્રીમંત વ્યક્તિ થયા પછી પણ નિરાંતનું સરનામું તો વતનના મિત્રો રહે છે. દેશના બે ભાગલા પડ્યા પછીયે મિત્રોની મિત્રતા અખંડ રહે છે. અહીંયા મિત્રતા એ જ ભાગવત, રામાયણ, કુરાન કે બાઈબલ છે. માંદગીની પથારીએ પડેલ માટે ‘મિત્ર’નું સાથે હોવું તે તેના દર્દની દવા છે, દિલાસો છે, હૂંફ છે. ફિક્કા ચહેરા પર જે સ્મિત જન્મે છે તે ‘મિત્રતા’નું પ્રતિબિંબ છે.  બે મિત્રો વચ્ચે શેર થતી એક રકાબી ‘ચા’માં પૂરા કપ ચા પીધાની પરિતૃપ્તિ છે. મિત્ર જેવો તેના ઘેર પરત થાય છે કે તે ક્ષણથી તેનું ફરી આવવાનું COUNT DOWN મનમાં શરૂ થઈ જાય છે. મિત્રતાને ભરેલા ગજવા નહીં પણ ભર્યાભર્યા હૃદયથી નિસબત છે. મિત્રતાને બોલકી ચંચળતા કરતાં મૌન હૂંફથી નિસબત છે. મિત્રો ભાવને જીવતા, ભાવમાં જીવતાં ઈન્સાનો છે. તેઓ સતત સાથે હોય ત્યારે કે દૂર દૂર હોય તોપણ મિત્રતાના આફતાબમાં જીવે છે. માટે જ,

“મૃત્યુ મિત્રનું હોઈ શકે છે, મિત્રતાનું નહીં !!”

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...