Tuesday, July 4, 2017

પિતા ભાસ્કરાચાર્ય અને પુત્રી લીલાવતી


આપને એ તો ખબર જ હશે  કે ગણિતમાં શૂન્યની શોધ ભારતે કરી છે અને દશાંશ પદ્ધતિ પણ ભારતે જ દુનિયાને આપી છે.

ભાસ્કરાચાર્ય ના પિતાશ્રી મહેશ્વરાચાર્ય ગણિતના મોટા વિદ્વાન હતા..અને તેઓએ જે સમયમાં આ લેટેસ્ટ કોમ્પ્યુટર વગર માત્ર ૩૬ વર્ષની વયે સિધ્ધાંત શિરોમણિ નામક મોટો ગ્રંથ રચ્યો છે..!  જે મારી જાણ મુજબ ચાર ભાગમાં છે. 1. લીલાવતી  2. ગોલાધ્યાય 3. ગણિતાધ્યાય અને 4. કર્ણકુતૂહલ. આખોય ગ્રંથ કાવ્ય સ્વરૂપે છે અને રસ પડે એવા સુંદર કોયડાઓ અસંખ્ય છે એમાં...એમાંનો એક છેલ્લે રજુ કરીશ...પણ અત્યારે વાત કરવાની છે આ લીલાવતી ની!!! ગ્રંથ ના બીજા તમામ ભાગ ના નામ વિષયવસ્તુ પરથી છે તો આ લીલાવતી નામ કેમ?? એ તો કોઈ સ્ત્રીનું નામ છે. હા એ ભાસ્કરચાર્યના દીકરી જ છે!! પણ કેમ એમનું નામ?

ભાસ્કરાચાર્યને દીકરી પર અગાધ પ્રેમ હતો. ગણિતના કોયડાઓ કહી કહીને તેમણે એને બાળપણથી જ ગણિતમાં રસ લેતી કરી હતી. લીલાવતીને ભણાવા માટે જ તેઓ ગણિતના અવનવા કોયડાઓ રચી કાઢતા..!

ભાસ્કરાચાર્ય આકાશના ગ્રહોની ગતિવિધિ જાણનારા પ્રખર જ્યોતિષ પણ હતાં. તેમણે લીલાવતીની કુંડળીમાં જોયું હતું કે દીકરીને વૈદ્યવ્યયોગ છે.પોતાની વિદ્યા ના બળે તેમણેએક મુહૂર્ત શોધી કાઢ્યું અને બાર વર્ષે એક વાર આવે એવું એ મુહૂર્ત હતું..!!

એ મુહૂર્તમાં લગ્ન કરવામાં આવે તો દીકરીનો વૈધવ્યયોગ ટળે એમ હતો. એ યોગનો અચૂક સમય જાણવા માટે તેમણે એક ઘટિકાયંત્ર બનાવ્યું. તેમાં ઉપરના પાત્રમાંથી પાણી ધીરે ધીરે નીચેના પાત્રમાં ટપકે એવી રચના કરેલી હતી. જે ઘડીએ ઉપરનું પાત્ર ખાલી થઈ જાય તે લગ્નનું શુભ મુહૂર્ત!!


લીલાવતીને લગ્ન લેવાયા, વરરાજા મંડપમાં પધાર્યા. પેલી મંગલ ઘડી આવે કે તરત જ હસ્તમેળાપ કરવાનો હતો.  એ માટે ઘટિકાયંત્ર પાસે ખાસ માણસને બેસાડવામાં આવ્યો હતો. દરમ્યાન બન્યું એવું કે પિતાશ્રીએ બનાવેલું આ અદભુત યંત્ર જોવાની લીલાવતી ને તાલાવેલી તથા કુતુહલ થયું. મંડપમાં જતા પહેલા એ યંત્રના દર્શન કરવા ગઈ. તેના કપાળમાં કંકુ-ચોખાનો ચાંલ્લો હતો જે સાહજિક જ દરેક વિધિમાં કર્યા જ હોય. ઘટિકાયંત્ર જોવા જતા એમાંથી એક ચોખાનો દાણો ખર્યો ને યંત્રમાં જે છિદ્રમાંથી જળ ટપકીને નીચેના પાત્રમાં પડતું હતું બરાબર એ છિદ્ર પર ગોઠવાઈ ગયો!!

મંડપમાં ગોર મહારાજ મુહૂર્તની પ્રતીક્ષા કર્યા કરે. પણ મુહૂર્ત ક્યારે આવ્યું ને જતું રહ્યું કોઈને ખબર ના પડી!! ને જ્યારે ખબર પડી ત્યારે બહુ મોડું થઈ ગયું હતું!! ને પિતાશ્રીનું જ્યોતિષ પાછળથી સાચું ઠર્યું! લીલાવતીને વૈદ્યવ્ય પ્રાપ્ત થયું ને ઘરે પાછી આવી..!!

ભાસ્કરાચાર્યે દીકરીનું મન રાખવા નૂતન ગણિતની રચના કરી અને પોતાની વ્હાલી દીકરીના નામ પરથી ગ્રંથનું નામ "લીલાવતી" રાખ્યું!!


આજે લીલાવતી ગ્રંથ ગણિતના વિદ્વાનોનો પ્રિય ગ્રંથ છે. ભારતમાં જ નહીં પણ પુરા વિશ્વમાં તેનું અધ્યયન થાય છે. લીલાવતી ગ્રંથ એ પિતાના પુત્રી પ્રત્યેના પ્રેમનું અને પિતા પ્રત્યેની પુત્રી ની અખૂટ શ્રદ્ધાનું પ્રતીક છે!!!

તો આવો એક કોયડો એમાંથી તમને પૂછી લઉ:  આપો જવાબ.

"ભમરાનું એક જૂથ હતું. તેનો પાંચમો ભાગ કદંબ ફૂલ પર બેઠો. ત્રીજો ભાગ ચમેલી પર બેઠો.  અને એ બે ના તફાવતના ત્રણ ગણા ભમરા મોગરાના ફૂલ પર બેઠા! ને બાકી રહેલો એક ભમરો કેતકી ફૂલ પર બેઠો! તો કુલ ભમરા કેટલા??" --- લ્યો આપો જવાબ  હવે આ લીલાવતી ગ્રંથનો જ એક કોયડો!!

સંકલન:- ડો. કાર્તિક દિલીપકુમાર શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...