Tuesday, November 22, 2016

જુલિયન એફ. ડેટમેર ની ધીરજ અને વેપારકુશળતા


જુલિયન એફ. ડેટમેર

જુલિયન એફ ડેટમેરે ડેટમેર વુલન કંપની ની સ્થાપના કરી અને તે દરજી ના વ્યાપાર માં ગરમ કપડાંની સૌથી મોટી વિતરક કંપની બની. આ ડેટમેર ની વાતોમાંની એક છે:

"વર્ષી પહેલાં, એક સવારે એક ગુસ્સે થયેલ ગ્રાહક મારી ઓફિસમાં ધસી આવ્યો. તેણે અમને 15 ડોલર્સ આપવાનાં હતાં. તેણે તેનો ઇન્કાર કર્યો, પરંતુ અમે જાણતા હતા કે એ જુઠ્ઠો હતો. આથી અમારા ક્રેડિટ ડિપાર્ટમેન્ટે તેને નિયમિત યાદ કરવાનું શરૂ કર્યું. અસંખ્ય વખત યાદ દેવડાવ્યા બાદ તે એમ કહેવા માટે મારી શિકાગોની ઓફિસમાં આવ્યો કે તે માત્ર બિલ જ નહોતો ચૂકવવાનો પણ ભવિષ્યમાં ક્યારેય ડેટમેર  વુલન કંપનીમાંથી એક ડોલરનો પણ માલ ખરીદવાનો નહોતો."

"તેને જે કહેવાનું હતું તે બધું જ મેં  ધૈર્ય પૂર્વક સાંભળ્યું. મને વચ્ચે બોલવાની લાલચ થઈ પણ મને લાગ્યું કે તે ખરાબ રીત બનશે, આથી મેં તેને પોતાને જ બોલવા દીધો. છેવટે જ્યારે તેનો ઉભરો શમ્યો, ત્યારે મેં શાંતિ અને ધીરજપૂર્વક કહ્યું:"

"આના વિશે તમે કહેવા છેક શિકાગો આવ્યાતે માટે હું તમારો આભારી છું. તમે મારા પર ઘણો જ ઉપકાર કર્યો છે કારણકે જો અમારા ક્રેડિટ ડિપાર્ટમેન્ટે તમને પજવ્યા છે, તો તે અન્ય ગ્રાહકોને પણ ચીડવી શકે છે અને તે અત્યંત ખરાબ થશે. મારુ માનો તો તમે આ જેટલા કહેવા ઉત્સુક છો તેના કરતાં હું સાંભળવા વધારે ઉત્સુક છું."

ડેટમેરે ઉમેર્યું કે, "તે 15 ડોલર્સ માંડી વાળશે, કારણકે તેમનો ગ્રાહક ઘણો જ સાવધાન માણસ હતો, જેને માત્ર એક જ એકાઉન્ટ નું ધ્યાન રાખવાનું હતું, જ્યારે ડેટમેરના કારકુનોએ તો હજારો ખાતાઓનું ધ્યાન રાખવાનું હતું. આથી તે ખોટો હોય તેવી શક્યતા ઓછી હતી."

ગ્રાહક ડેટમેર વુલન કંપની માંથી ત્યાર પછીથી કઈં જ ખરીદવા માંગતો નહોતો. તેથી ડેટમેરે બીજા વુલન હાઉસ ની ભલામણ કરી. તેણે તે દિવસે તેને પોતાની સાથે ભોજન લેવા આમંત્રણ આપ્યું, જેની સાથે ગ્રાહક આનાકાની વગર તૈયાર થયો. તેઓ ઓફિસમાં પાછા ફર્યા પછી, ગ્રાહકે અગાઉ ક્યારેય નહોતો મુકયો તેટલો ઓર્ડર આપ્યો. તે હળવાશ ભર્યા મિજાજમાં ઘેર પાછો ફર્યો અને યોગ્ય ને ન્યાયી બનવાની ઈચ્છાથી તેણે ફરી એક વખત પોતાના બિલ પર નજર નાખી તો એક બિલ મળી આવ્યું જેણે તેને ગેરમાર્ગે દોર્યો હતો અને માફી માંગવા સાથે 15 ડોલરનો ચેક ડેટમેરને મોકલી આપ્યો !!

પછીથી, જ્યારે તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તેણે પુત્રને ડેટમેરનું વચ્ચેનું નામ આપ્યું. તેનાથી પણ આગળ, તે બાવીસ વર્ષ પછી મૃત્યુ પામ્યો ત્યાં સુધી તે એ કંપનીનો મિત્ર અને વિશ્વાસુ ગ્રાહક રહ્યો...!

( ક્યારેય દલીલ ન કરવી જોઈએ, દરેક વ્યક્તિ તેની/તેણી ની દ્રષ્ટિએ સાચી હોય છે. ધૈર્ય થી સાંભળો. ધીમે ધીમે નિર્ણય લો. લોકોની પ્રામાણિકતા માં માનો અને તેઓ તેમની પ્રમાણિકતા પ્રદર્શિત અવશ્ય કરશે. દલીલો કરતા વાટાઘાટો દ્વારા સમસ્યાઓ સહેલાઈથી ઉકેલી શકાય છે.)


Monday, November 7, 2016

સ્વ-નિયંત્રણ


સ્વ-નિયંત્રણ 

એક ઉડાન પર (ફ્લાઈટમાં) ભોજન પીરસવામાં આવ્યું. એક સ્ત્રીએ પહેલું કામ ચોકલેટ કેક ના સ્વાદિષ્ટ ટુકડા પર ખુબ જ મીઠું અને મરી છાંટવાનું કર્યું. તેની આવી વિચિત્ર હરકત જોઈને ઉડાન સહાયકે (ફ્લાઇટ એટેન્ડટ) ટિપ્પણી કરી કે "એમ કરવું જરૂરી નહોતું. તમારે એ એમ જ ખાવું જોઈએ." 

" ઓહ , પણ એ બહુજ જરૂરી છે!!" મહિલાએ સ્મિત સાથે જવાબ આપ્યો અને આગળ કહ્યું, " તે મને એ ખાવાથી દૂર રાખશે! "

Sunday, November 6, 2016

સર આઇઝેક ન્યુટન

સર આઇઝેક ન્યુટન 
(25.12.1642-20.03.1726/7)

આઇઝેક ન્યુટનને નજીકના મિત્રએ રાત્રિભોજ માટે આમંત્રણ આપ્યું હતું. ન્યુટન તે સ્થળે મોડા પહોંચ્યા અને પોતાના આગમનની કોઈને જાણ કર્યા વગર દીવાનખંડ માં જઈને બેસી ગયા. થોડો સમય રાહ જોયા પછી, તેમના મિત્રએ ગણી લીધું કે ન્યુટન ક્યાંક અટવાયા હશે અને તેમણે ધારી લીધું કે ન્યુટન નહોતા આવવાના, આથી તેમણે જમી લીધું અને સુઈ ગયા.

ન્યુટન, મહત્વની વૈજ્ઞાનિક બાબતોમાં સંપૂર્ણ ડૂબી જઈને ખાવાનું અને સુવાનું બંને ભૂલી જઈને, આખી રાત દીવાનખંડમાં બેસી રહ્યા.

બીજી સવારે તેમના યજમાને તેમેને દીવાનખંડમાં બેઠેલા જોયા. સ્વાભાવિક રીતે અસ્વસ્થ થયેલા યજમાનને જોઈને ન્યુટને તેમની માફી માંગી.

ખરેખર, એકાગ્રતા એ દરેક પ્રખર બુદ્ધિશાળીનો હોલમાર્ક છે.

ચાર્લ્સ સ્ટેઇનમેટઝ

ચાર્લ્સ સ્ટેઇનમેટઝ, મહાન ઇલેકટ્રીકલ સંશોધક 
(09.04.1865-26.10.1923) 

એક ઇલેક્ટ્રિકલ જાદુગર અને સંશોધક તરીકે પ્રખ્યાત, ચાર્લ્સ સ્ટેઇનમેટઝ જનરલ ઈલકટ્રીક માટે કામ કરતા હતા. તેઓ એક રૂઢ સિગારેટ પીનાર હતા. (ચેઇન સ્મોકર)

આ આદતથી પ્રભાવિત થયા વગર સ્ટેઇનમેટઝના કારખાના ના મેનેજરે કાર્યસ્થળે  સિગારેટ પીવાની મનાઈ ફરમાન કરતો નિયમ દાખલ કરવાનું નક્કી કર્યું. આને લગતી નોટિસો કારખાને ઠેર ઠેર લગાડી દેવાઈ.

સ્ટેઇનમેટઝે નવા નિયમને અવગણ્યો અને ધુમર્પાન (સ્મોકિંગ) ચાલુ રાખ્યું. એક દિવસ એક અધિકારીએ તે નિયમથી અવગત હતા કે નહિ તે પૂછ્યું. સ્ટેઇનમેટઝે જવાબ ના આપ્યો પરંતુ તેના પર ઠંડી નજર જરૂર નાખી.

પછીના બે દિવસ સ્ટેઇનમેટઝ ઓફિસ ના આવ્યા. અને કેટલાક અતિ મહત્વના તથા પેચીદા કાર્યો ધ્યાન અપાયા વગરના બાકી રહ્યા. કામમાં તેમની હાજરી અનિવાર્ય હતી. સત્તાધારી અને મેનેજર તેમની શોધમાં ગયા. છેવટે, બફેલો શહેરમાં એક હોટેલની લોબીમાં તેઓ સિગાર ફૂંકતા  મળ્યા.

"આખી કંપની તમને શોધે છે, સ્ટેઇનમેટઝ! તમે કેમ અહીં છો? શું કારણ છે કે તમે આ રીતે અવિધિસર કામ છોડી અહીં બેઠા છો ?"

" હું અહીં ધુમ્રપાન કરવા આવ્યો છું!!" પછી સ્ટેઇનમેટઝને કામ પર આવવા વિનંતી કરવામાં આવી, અને તેમને વચન આપવામાં આવ્યું કે ફરી ક્યારેય ધુમ્રપાનનો નિયમ તેમના પાર લાગુ કરવામાં નહિ આવે..!"


-- આપની જાણ સારું --- ચાર્લ્સ સ્ટેઇનમેટઝ  A.C. કરન્ટ થિયરી તથા ઇન્ડક્શન મોટરના  મહાન સંશોધક હતા.
(પરિણામો આપો, તમારા દુષણો અને અવગુણો કદાચ સમાવી/ચલાવી લેવાય એવું પણ બને.)

બેર્ટેલ થોરવાલ્ડ્સન

બેર્ટેલ થોરવાલ્ડ્સન, ડેનિશ શિલ્પકાર 
(19.11.1770-24.03.1844)

પ્રખ્યાત ડેનિશ શિલ્પી, થોરવાલ્ડ્સનએ ક્યારેય પોતાની કલા ની ખ્યાતિ ના ગૌરવ પર આધાર કે અભિમાન નહોતું રાખ્યું. જયારે તેને પૂછવામાં આવ્યું કે, " તમે તમારા કયા શિલ્પને સૌથી મહાન ગણો છો?" 

થોરવાલ્ડ્સને જવાબ આપ્યો, " મારુ હવે પછી નું !!!!"

(ખુદના જ તમે પ્રતિસ્પર્ધી બનો. આ એ વલણ છે જે બધા મહાન માણસો તેમના જીવનમાં અપનાવે છે. તમારે એકધારા અને સતતપણે તમારા પોતાના કાર્યને સુધારવું અને તેનાથી આગળ નીકળી જવું જોઈએ.)


અબ્રાહમ લિંકન


અબ્રાહમ લિંકન 

અબ્રાહમ લિંકનના હાથ નીચેનો એક સેક્રેટરી સ્ટેન્ટન ગુસ્સાથી આગ બબુલા હતો કારણકે એક અધિકારી આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગયો હતો. અધિકારીએ ઇરાદાપૂર્વક આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું કે તેના આદેશનું પાલન કરવામાં એ નિષ્ફળ ગયો હતો તે અપ્રસ્તુત હતું. સ્ટેન્ટનની નજરે આ ભૂલ અક્ષમ્ય હતી. તેણે કહ્યું, "મને લાગે છે કે મારે બેસીને એ માણસને બરાબરનો ઠપકો આપવો પડશે."

લિંકને કહ્યું, " એમ કર, તારા મન પર જે છે તે હમણાં જ લખી નાખ અને લખાણ ને એકદમ ધારદાર બનાવજે. એને ઉભો ને ઉભો વેતરી નખાય એવું જ લખજે !"

સ્ટેન્ટન તત્પરતા સાથે લિંકનની સલાહને અનુસર્યો. તેણે એક ધારદાર અને અતિશય નિખાલસપણે ઠપકો લખ્યો અને લિંકનને વાંચી સંભાળવ્યો. 

લિંકને કહ્યું, " બરાબર છે, સરસ લખ્યું છે!"

"આને હું કોના દ્વારા મોકલાવું?", સ્ટેન્ટને વિચાર પ્રસ્તુત કર્યો.

"મોકલવો???!!!, શા માટે??" લિંકને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, "તે મોકલ જ નહીં!!, એને ફાડી નાખ હવે. તે આ વિષય માંથી તારા મનને મુક્ત કર્યું છે અને એ જ જરૂરી પણ હતું. તારે ક્યારેય આવો પત્ર મોકલવાનું ઇચ્છવું ન જોઈએ. હું ક્યારેય તેમ નથી કરતો!"

(દબાયેલ ગુસ્સો આરોગ્ય સમસ્યા ઉભી કરશે. સંડોવાયેલ વ્યક્તિને અસર કર્યા વગર ગુસ્સો વ્યક્ત કરવો તે વધારે યોગ્ય છે.)

લુડોવિકો એન્ટોનિયો મુરાટોરી


લુડોવિકો એન્ટોનિયો મુરાટોરી
(૨૧.૧૦.૧૬૭૨ - ૨૩.૦૧.૧૭૫૦)

ઈટાલીના વિગ્નોલા ની એક શાળામાં એક શિક્ષક પોતે જે ભણાવતા હતાં તેમાં સંપુર્ણ ડૂબી ગયા હતાં. જો કે, તેમનાં પર ધ્યાન આવ્યુ કે તેમનાં કેટલાંક વિદ્યાર્થીઓ સતતપણે બારીની બહાર જોતાં હતાં. પહેલા તો શિક્ષકને લાગ્યું કે તેં બાલિશ કુતુહલ હશે પણ જ્યારે આ ખલેલ લાંબો સમય ચાલુ રહી ત્યારે શિક્ષકે પોતે જઇને બારી પાસે જોવાનું નક્કી કર્યું. તેઓ બારી નીચે ઊભેલા ચિંથરેહાલ અને ઠંડીમાં થરથરતાં એક નવ વર્ષના છોકરાને જોઈને આઘાત પામી ગયા. શિક્ષકે વર્ગને ખલેલ પહોંચાડવા બદલ તેનાં પર રાડો પાડી.

બિચારો છોકરો રડી પડ્યો. તેણે કહ્યુ, "મેં કઈં જ ખોટું નથી કર્યું, હું અહી તમે જે શીખવો છો તેં દૂરથી સાંભળવા અને સ્ટોર પર જતા પહેલા કાંઇક નવું શીખવા માટે ઉભો હતો. જો તમે મને અહી ના ઇચ્છતા હોવ તો હું પાછો નહીં આવુ."

" તું શાળાએ કેમ નથી આવતો તો? "

" મારી પાસે ભણવાના પૈસા નથી...! ", છોકરાએ કહ્યુ.

"જો તુ ભણવા વિશે ખરેખર ગંભીર છે કે નહીં તેં મને જોવા દે. મેં ગઇકાલે અને તેની પહેલાંના દિવસે જે વિષયો સમજાવ્યા હતાં તેનાં વિશે કાંઇ કહે."

છોકરાને બધુંજ યાદ હતુ ને તેં બધું કડકડાટ બોલી ગયો. ડઘાઈ ગયેલાં શિક્ષકે કહ્યું, "૬ લીરા (ઇટાલીનું ચલણ) ની તુ હવે જરાય ચિંતા ના કરીશ, તું ખાલી ભણવા આવ બાકીની તમામ વ્યવસ્થા હું કરીશ!"

છોકરાએ એટલી પ્રગતિ કરી કે વર્ષનાં અંતે શિક્ષકને ખબર નહોતી પડતી કે તેને બીજું શું શીખવવું? તેને મદદ કરવા ત્યાર બાદ ઘણાં લોકો આગળ આવ્યાં. તેં એક મહાન વિદ્વાન, ઇતિહાસનો મહાન વ્યાખ્યાતા અને ઇટલિનો મહાન લેખક બન્યો. એ છોકરો હતો "લુડોવિકો એન્ટોનિયો મુરાટોરી" !