Wednesday, March 21, 2018

આ કવિતા એટલે શું?

આ કાવ્ય/કવિતા એટલે શું?

આ કવિતા એટલે શું? ઘણી વાર મને આવો વિચાર આવે છે અને વિચારતા અને શોધખોળ કરતા એવું પણ જ્ઞાત થયું કે વેદકાળથી ભલભલા પંડિતોએ આ શબ્દ નો અર્થ શોધવામાં પોતાની જાત ઘસી નાખી છે. અને હું રહ્યો એક નાનો અબુધ જીવ...! મને કવિતાની ગૂઢ વ્યાખ્યાઓની તો ખબર નથી પણ મૂંઝવણ એક ચોક્કસ થઇ છે....

કવિતા લખે એ કવિ ? કે કવિ લખે એ કવિતા? 

કવિતાથી કવિનું અસ્તિત્વ/ઓળખ છે કે કવિથી કવિતાનું અસ્તિત્વ/ઓળખ છે? 

અન્ય મુંઝવણથી વાકેફ કરું તો છંદમાં લખાય એ કવિતા? જે ગાઈ શકાય એ કવિતા? જેનો પ્રાસ મળે એ કવિતા ? અલંકૃત શબ્દોથી મઢી હોય અને શબ્દો આગળ પાછળ કરી લખાઈ હોય એ જ કવિતા? આ કવિતા એટલે ખરેખર શું ? શું કવિતા સરળ અર્થસભર પણ હોઈ શકે? છંદ, લય, અર્થ, કલ્પના  અને પ્રાસનો સરવાળો એ જ કવિતા? શું કવિતા છંદોબદ્ધ ન હોય તો પણ ગાઈ શકાય? 

પંડિતો ની વ્યથા હવે મને સમજાઈ કે એ અમસ્તી જ નથી....અને આનો સરળ જવાબ ઘાયલ પણ કહી ગયા છે કે ...

તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારાં ,
પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી?

કાવ્યની વ્યાખ્યા કવિએ કવિએ,  કૃતિએ કૃતિએ, સમયે સમયે બદલાતી રહે છે. કાવ્યને કોઈ વ્યાખ્યાનાં ચોકકસ માપદંડથી બાંધી દેવી સરળ નથી. પણ તોય જુદાં જુદાં કાવ્યશાસ્ત્રીઓએ પોત પોતાની સમજ તેમજ મત મુજબ કાવ્યની વ્યાખ્યા આપી છે.

“काव्यालंकार” નાં રચયિતા भामः એ સૌ પ્રથમ વખત કાવ્યની વ્યાખ્યા આપી છે. ભામહની વ્યાખ્યા કાંઈ આમ છે. “शब्दार्थौ सहितौ काव्यम् ।”  અર્થાત્- શબ્દ અને અર્થનું સહિતત્વ એ કાવ્ય.  એટલે કે શબ્દ અને અર્થનું એકરૂપ થવું એટલે કાવ્ય.

વિશ્વનાથ નામનો કાવ્યશાસ્ત્રી કાવ્યની વ્યાખ્યા “साहित्यदर्पण”માં કરતાં કહે છે,  “वाक्यं रसात्मकं काव्यम् ।” અર્થાત્- રસયુક્ત વાક્ય તે કાવ્ય.  એટલે કે રસનો અનુભવ કરાવનાર વાક્ય તે કવિતા.

હેમચંદ્ર નામના વિદ્વાન કાવ્યની વ્યાખ્યા કાંઈ આમ આપે છે. “अदोषौ सगुणौ सालंकारौ च शब्दार्थौ काव्यम् ।” અર્થાત્- દોષહીન, સગુણી, સુઅલંકૃત શબ્દ તે કાવ્ય.

મમ્મટ નામનો વિદ્વાન પણ કાંઈ આવું જ કહે છે. “तददोषौ शब्दार्थौ सगुणावनलंकृति पुनः काव्यापि ।”  હેમચંદ્ર તેમજ મમ્મટ શબ્દ,  અર્થ ને મહત્વ આપે જ છે. પણ સાથે વધારાનું જોડે છે કે કાવ્ય દોષ રહીત હોય. જે શક્ય જ નથી. ગમે તેવાં મહાન કવિની કાવ્યમાં દોષ તો હોવાનો. વળી મમ્મટ કયારેક કાવ્ય અલંકાર રહીત હોય એમ પણ ઈચ્છે છે.

જયારે “वक्रोक्तिजीवितः” કૃતિનો કૃતા કુન્તક કાવ્યની વ્યાખ્યા આપતા કહે છે, 
“शब्दार्थौ सहितौ वक्रकविव्यापारशालिनि ।
बन्धे व्यवस्थितौ काव्यं तद्विदाहलादकारिणि ।।”
અર્થાત્ – કાવ્ય જ્ઞાતાઓને આનંદ આપનાર, તેમજ બંધમાં વ્યવસ્થિત રહેલાં (સંધિમાં) શબ્દ તેમજ અર્થ એ કાવ્ય.

પંડિત જગન્નાથ “रसगंगाधर”માં વળી કાંઈક કાવ્યની વ્યાખ્યા આમ કરે છે, “रमणीयार्थ प्रतिपादकः शब्दः काव्यम्।” અર્થાત્ – શબ્દનું રમણીય રીતે પ્રતિપાદન અર્થમાં કરે તે કાવ્ય.

દંડી કાવ્યની વ્યાખ્યા કરે છે કે ”शब्दार्थौ ईष्टार्थव्यवच्छिन्ना प्रतिपादकः काव्यम् ।” અર્થાત્ – જે સારા અર્થનું વિચ્છેદ પ્રતિપાદિત કરે છે તે શબ્દ કાવ્ય.

દરેકની કાવ્ય માટે ની વ્યાખ્યા ભિન્ન હોવાની. ! મારી વ્યક્તિગત કાવ્ય માટેની વ્યાખ્યા આવી છે. “શબ્દ, અર્થ, લાવણ્ય અને રસથી તરબોળ, મદમસ્ત તેમજ ભાવકનાં હ્રદયને  આનંદ કે ઝંકૃત કરનારી કન્યા તે કાવ્ય. ”
મારી દૃષ્ટિએ શબ્દ કાવ્યનું સ્થુળ સાધન છે અને અર્થ સુક્ષ્મ સાધન. રસ કાવ્યમાં સાધ્ય છે અને આનંદની અનુભૂતિ સાબિતી.

કાવ્યમાં શબ્દ, અર્થ, રસ, લાઘવ, તેમજ અનુભૂતિ જ મુખ્ય ઘટક છે.  

તો આપની કાવ્ય અંગેની વ્યાખ્યા શું છે? કાવ્યને સ્વ સમજ પ્રમાણે વ્યાખ્યાયિત કરશો તો ગમશે.

7 comments:

  1. કવિતાને કોઈ ઓળખ કે બંધન હોતા નથી. કે નથી કવિતા કોઈ વ્યાકરણ કે ગ્રામરથી બંધાયેલી. મોટા મોટા શબ્દો
    હોય પણ વાંચકો ને મઝા ના પડે એ કવિતા શુ કામની ?
    પિંજરા માં પુરાયેલા પંખી કે પછી આકાશમાં ઉડતા પંખી સારા લાગે ?
    કવિતાનું, એની પસંદગીનું એક જ ધોરણ હોવું જોઈએ અને તે છે વાંચવી ગમે કે માણવી ગમે તે ,એક લયમાં લખાયેલી હોય તે કવિતા.

    ReplyDelete
    Replies
    1. કવિતા એ પ્રકૃતિ છે . માણસે સંસ્કૃતિ છોડીને પ્રકૃતિ પાસે જવું પડે .
      શ્રી રામ મહેલની સંસ્કૃતિ છોડી ને પ્રકૃતિ પાસે ગયા અને રામાયણ ની રચના થઈ .

      કવિતા માં સ્ત્રી તત્વ નું પ્રાધાન્ય હોય છે .
      એની લાગણીઓ , એની વ્યથા , એનો આનંદ એના સુખ દુઃખ ને જ્યારે હૃદયપૂર્વક શબ્દો માં ઉતારી સર્જન કરીયે ત્યારે એ કવિતા બની જાય છે . કવિતા એટલે બે શબ્દો વચ્ચેનું મૌન .
      જેમ સ્ત્રી ને સમજવી અઘરી છે એમ કવિતાને સમજવી કઠિન છે .

      કવિતાને તો બસ પ્રેમ જ કરી શકાય .
      કલ્પના ના બે કાંઠા વચ્ચે નિનાદ કરતી ખળખળ વહી જતી લાગણીઓ નો પ્રવાહ એ જ કવિતા .

      Delete
    2. કવિતા એ પ્રકૃતિ છે . માણસે સંસ્કૃતિ છોડીને પ્રકૃતિ પાસે જવું પડે .
      શ્રી રામ મહેલની સંસ્કૃતિ છોડી ને પ્રકૃતિ પાસે ગયા અને રામાયણ ની રચના થઈ .

      કવિતા માં સ્ત્રી તત્વ નું પ્રાધાન્ય હોય છે .
      એની લાગણીઓ , એની વ્યથા , એનો આનંદ એના સુખ દુઃખ ને જ્યારે હૃદયપૂર્વક શબ્દો માં ઉતારી સર્જન કરીયે ત્યારે એ કવિતા બની જાય છે . કવિતા એટલે બે શબ્દો વચ્ચેનું મૌન .
      જેમ સ્ત્રી ને સમજવી અઘરી છે એમ કવિતાને સમજવી કઠિન છે .

      કવિતાને તો બસ પ્રેમ જ કરી શકાય .
      કલ્પના ના બે કાંઠા વચ્ચે નિનાદ કરતી ખળખળ વહી જતી લાગણીઓ નો પ્રવાહ એ જ કવિતા .

      Asha " Hope "

      Delete
  2. નર્મદ કેહતા કે કવિતા લખવા માટે કોઈ છંદ કે અલંકાર ની જરૂર નથી. કવિતા લખવા ની શરત ફક્ત એ છે કે શબ્દો હૃદય માંથી નીકળવા જોઈએ.

    ReplyDelete
  3. હૃદયની વ્યથા જયારે શબ્દો રૂપે બહાર આવે તો તે બની જાય કવિતા ! અને એમાં જો કલ્પનાનો ઉમેરો થાય તો તે બની જાય એક વાર્તા....વાંચવાથી રસ ની લહાણી થતી હોય એવું લાગે તો તે છે કવિતા..

    ReplyDelete
    Replies
    1. કવિતા એ પ્રકૃતિ છે . માણસે સંસ્કૃતિ છોડીને પ્રકૃતિ પાસે જવું પડે .
      શ્રી રામ મહેલની સંસ્કૃતિ છોડી ને પ્રકૃતિ પાસે ગયા અને રામાયણ ની રચના થઈ .

      કવિતા માં સ્ત્રી તત્વ નું પ્રાધાન્ય હોય છે .
      એની લાગણીઓ , એની વ્યથા , એનો આનંદ એના સુખ દુઃખ ને જ્યારે હૃદયપૂર્વક શબ્દો માં ઉતારી સર્જન કરીયે ત્યારે એ કવિતા બની જાય છે . કવિતા એટલે બે શબ્દો વચ્ચેનું મૌન .
      જેમ સ્ત્રી ને સમજવી અઘરી છે એમ કવિતાને સમજવી કઠિન છે .

      કવિતાને તો બસ પ્રેમ જ કરી શકાય .
      કલ્પના ના બે કાંઠા વચ્ચે નિનાદ કરતી ખળખળ વહી જતી લાગણીઓ નો પ્રવાહ એ જ કવિતા .

      Asha " Hope "

      Delete
  4. ભાષા કે શબ્દોતો માધ્યમ છે અભણ કે ભાષાવિહીન પણ મનોજગતમાં અનુભવતો આનંદ વિષાદ કે રસવૈભવ પણ કવિતા છે પિંડ કવિતા છે.

    ReplyDelete

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...