Monday, April 23, 2018

રુસો


ફ્રાન્સના મહાન વિદ્વાન રુસો એ સમયે બાળક હતા. તેઓ રવિવારે રજાના દિવસે દરરોજ પોતાના કાકાના ઘરે જતા હતા. કાકાના દીકરા ફેજી સાથે રુસોને સારી દોસ્તી હતી. 

રુસોના કાકાનું એક કારખાનું હતું. રવિવારે જ્યારે રુસો કાકાના ઘરે ગયા તો ફેજીએ તેને કારખાને જવા કહ્યું. રુસો માની ગયા. બંને બાળકો કારખાને પહોંચ્યાં અને મશીનો જોવા લાગ્યાં. રુસોનો હાથ એક મશીનના પૈડાં પર હતો. તે સમયે ફેજીનું ધ્યાન ક્યાંક બીજી તરફ હતું. તેણે મશીનનું પૈડું ફેરવી નાખ્યું. તેમાં રુસોની આંગળીઓ ચગદાઈ ગઈ. લોહીનો ફુવારો ઉડયો. તે દુ:ખાવાને કારણે ચીસ પાડી ઊઠ્યા. ફેજી એકદમ ગભરાઈ ગયો. તેણે તુરંત જ પૈડું ઊંધું ફેરવ્યું અને રુસોની આંગળીઓ મશીનમાંથી બહાર કાઢી. પછી તે દોડીને રુસો પાસે આવ્યો અને બોલ્યો, ભાઈ, બૂમો ના પાડ. મારા પિતાજી સાંભળી લેશે તો મને ખૂબ મારશે. રુસોએ પણ ખૂબ કોશિશ કરીને પોતાનું મોઢું બંધ કરી લીધું. ઘણા સમય સુધી ધોયા બાદ રુસોની આંગળીઓમાંથી લોહી વહેવાનું બંધ થયું. ફેજીએ એક કપડું ફાડીને આંગળીઓ પર પાટો બાંધ્યો. ફેજીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ભાઈ, હવે ઘરે જઈને તમે આ ચોટ વિશે શું જણાવશો? રુસોએ તેના ભાઈને આશ્ર્વાસન આપતાં જણાવ્યું કે, ભાઈ, ચિંતા ના કર. 

બંને જ્યારે ઘરે પહોંચ્યા તો ઘરના લોકો હાથમાં પાટો જોઈને પૂછવા લાગ્યા કે, શું વાગ્યું છે? રુસોએ ગોળ-ગોળ જવાબ આપ્યો કે, રમતાં-રમતાં વાગી ગયું છે. પૂરા ચાળીસ વર્ષ સુધી કોઈને પણ આ ઘટના અંગે ખબર ના પડી. કોઈની ભલાઈ માટે બોલાયેલું અસત્ય ક્ષમાયોગ્ય તો હોય જ છે, સાથે-સાથે આદરણીય અને વખાણવાલાયક પણ હોય છે.

મહાદેવી વર્મા - હિન્દી કવયિત્રી


સુપ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માના શરૂઆતના દિવસોનો પ્રસંગ છે. એકવાર એમના મનમાં બૌદ્ધ ભિક્ષુણી બનવાનો વિચાર આવ્યો પણ છેવટની ઘડીએ એમનો વિચાર બદલાઈ ગયો, આમ કેમ બન્યું એ એમના જ શબ્દોમાં સાંભળીએ…..


ત્યારે હું કૉલેજના પ્રથમ વર્ષમાં ભણતી હતી. મનમાં વિચાર આવ્યો કે ભિક્ષુણી બની જાઉં. મેં લંકાના બૌદ્ધ-વિહારમાં પત્ર લખ્યો. એમને જણાવ્યું કે હું ભિક્ષુણી બનવા માગું છું. દીક્ષા માટે લંકા આવું કે આપના કોઈ ભિક્ષુ ભારત આવશે ?

એમણે જવાબ આપ્યો : ‘અમે ભારત આવીએ છીએ. નૈનીતાલમાં રોકાઈશું. તમે ત્યાં આવીને મળો.’ મેં ભિક્ષુણી બનવાનો નિશ્ચય કરી લીધો. મારી બધી મિલ્કત દાન કરી દીધી. જ્યારે નૈનીતાલ પહોંચી અને જ્યારે જોયું તો ત્યાં અંગ્રેજો જેવો ઠાઠમાઠ છે, મને થયું – આ કેવો ભિક્ષુ છે. ભાઈ, આવો જ ઠાઠમાઠ રાખવો હોય તો ભિક્ષુ શા માટે બનવું ? ખેર, તો પણ હું ગઈ.


સિંહાસન પર ગુરુજી બેઠા હતા. એમણે ચહેરાને પંખાથી ઢાંકી રાખ્યો હતો. એમને જોવા હું આગળ વધી. એમણે મ્હોં ફેરવી ફરી ચહેરો ઢાંકી દીધો. હું જોવાનો પ્રયત્ન કરતી અને તે ચહેરો ઢાંકી દેતા. કેટલીયે વાર આમ બન્યું અને અમને ગુરુનો ચહેરો જોવા ન મળ્યો. જ્યારે મંત્રીવર અમને વળાવવા બહાર સુધી આવ્યા, ત્યારે અમે એમને પૂછ્યું : ‘ગુરુજી મ્હોં પર પંખો કેમ રાખે છે ?’

એમણે જવાબ આપ્યો : ‘તે સ્ત્રીનું મ્હોં જોતા નથી.’

મેં મારા સ્વભાવ પ્રમાણે એમને સ્પષ્ટ કહી દીધું, ‘જુઓ, આવી નિર્બળ વ્યક્તિને અમે ગુરુ નહીં બનાવીએ. આત્મા ન તો સ્ત્રી છે, ન તો પુરુષ. ફકત માટીના શરીરને જ આટલું મહત્વ કે આ જોવાય અને આ ન જોવાય ?’

પછી હું પાછી આવી. એમના ઘણા પત્રો આવ્યા, વારેવારે પુછાવતા – ‘આપ ક્યારે દીક્ષા લેશો ?’
મેં કહ્યું : ‘હવે શું દીક્ષા લઈએ. આવા નિર્બળ મનોબળવાળા અમને શું આપશે ?’


અને આ રીતે મહાદેવીજી બૌદ્ધ ભિક્ષુણી બનતાં બનતાં રહી ગયાં, અને મહાદેવીના રૂપમાં હિન્દી જગતને મળ્યો છાયાવાદનો એક મહાન સ્તંભ…

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો હાજરજવાબ સ્વભાવ


એક ભોજન સમારંભમાં અંગ્રેજોનાં વખાણ કરતાં એક અંગ્રેજે કહ્યું, ‘ઈશ્વર અમને અંગ્રેજોને ખૂબ જ ચાહે છે. એમણે અમારું નિર્માણ ખૂબ જ મહેનત અને પ્રેમથી કર્યું છે. એ કારણે જ અમે ગોરા અને સુંદર છીએ.’

એ સમારંભમાં ડૉ. રાધાકૃષ્ણન્ પણ ઉપસ્થિત હતા. એમને આ વાત ન ગમી. એટલે એમણે હાજર રહેલા મિત્રોને એક મજાકનો પ્રસંગ કહ્યો.

‘દોસ્તો, એકવાર ઈશ્વરને રોટલી બનાવવાનું મન થયું. એમણે જે પહેલી રોટલી બનાવી તે જરા ઓછી શેકાઈ. પરિણામે અંગ્રેજોનો જન્મ થયો. બીજી રોટલી કાચી ન રહે તેથી ભગવાને એને વધુ વાર શેકી અને તે બળી ગઈ. એમાંથી નિગ્રો લોકો પેદા થયા. પણ આ વખતે ભગવાન સચેત બની ગયા. તે ધ્યાનથી રોટલી શેકવા લાગ્યા. આ વખતે જે રોટલી શેકાઈ તે ન તો વધુ કાચી હતી કે ન વધુ શેકાયેલી. બરાબર શેકાયેલી હતી અને એના પરિણામ સ્વરૂપ અમે ભારતીયોનો જન્મ થયો.
આ પ્રસંગ સાંભળી પેલા અંગ્રેજનું માથું શરમથી ઝૂકી ગયું. અને બાકીનાનાં તો હસીહસીને પેટ દુખ્યાં.