Wednesday, April 5, 2017

મરસીડીઝની માનસિકતા (ડો. કાર્તિક દિલીપકુમાર શાહ)

"મરસીડીઝની માનસિકતા"

(ડો. કાર્તિક દિલીપકુમાર શાહ)
અક્ષરશઃ સત્યઘટના

"શાહ સાહેબ, ક્યાં છો? એક પેશન્ટ તાત્કાલિક દાખલ કરવું પડે એમ છે. મારે ત્યાં આવ્યા છે પણ શરીર એકદમ ફિક્કું પડી ગયું છે. નાડી 160 ઉપર દોડી રહી છે! અને બ્લડ પ્રેશર મેઝર થાય એમ જ નથી.!! પેશન્ટને ઝાડા વાટે ખૂબ જ લોહી વહી રહ્યું છે!!" ડો. પટેલ (જનરલ પ્રેક્ટિશનર) નો ઇમર્જન્સી ફોન આવ્યો!

હું એ વખતે મારા પપ્પાજીના બાયપાસ ઓપરેશન સમયે એમની જોડે બીજા હોસ્પિટલમાં બીજા સગા વ્હાલા ની જેમ જ એક રિલેટિવ તરીકે ચિંતામાં હતો...

ફોનની વાત સાંભળી તરત પ્રત્યુત્તર આપતા કહ્યું, "પટેલ સાહેબ, આમ તો હું ના ન પાડું પણ હું અહી મારા પપ્પાજીના બાયપાસ ઓપરેશન માં છું. તમે થઈ શકે તો બીજા કોઈ ડોક્ટર ને રીફર કરી શકો તો સારું."
"અરે, મેં તો એને તમારી હોસ્પિટલ તરત જ મોકલી દીધા છે ને ત્યાં મેં જાણ પણ કરી દીધી છે...તમે પહોંચી જાવ તો સારું. એ કદાચ ત્યાં પહોંચી પણ ગયા હશે..મારે ત્યાં રાહ જોવાય એમ જ નહોતી!! "

"જો જો દર્દી ઝટ એટેન્ડ કરવું પડે એમ છે. વાર ના કરતા" છેલ્લે ટકોર થઈ....!

હવે મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો. એ દર્દી મારી હોસ્પિટલ પહોંચે ત્યારે એની સ્થિતિ શુ હશે એની ચિંતા મને પેઠી! જે વર્ણન ડો. પટેલે કરેલું એ પરથી જો એ દર્દી અડધો પોણો કલાક પણ મોડો પહોંચે તો એના જીવ નું ચોક્કસ જોખમ હોય એવું મને લાગ્યું.  એટલે તાત્કાલિક વળતો ફોન હોસ્પિટલ જોડ્યો, "સિસ્ટર, એક ઇમર્જન્સી કીટ તૈયાર રાખો, અમુક દર્દ ને લાગતી દવા, ઇન્જેક્શન, પાઇન્ટ, લેબોરેટરી, અને બ્લડ બેંકના ફોર્મ વિગેરે રેડી રાખવાનું અને દર્દી આવે એવું ફટાફટ કન્ડિશન રિપોર્ટ કરવાનું" કહી એક હોસ્પિટલમાંથી રિલેટિવ તરીકે વિદાય લઈ હું નીકળ્યો મારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકેની ફરજ બજાવા...!

હું પહોંચ્યો. એક 30 વર્ષનો નવયુવાન, પરફ્યુમથી મઘમઘતા રૂમમાં બેડ પર એકદમ ફિક્કા શરીર સાથે પડ્યો હતો. હાથમાં, ગળામાં એમની શ્રીમંતાઇ સોના સ્વરૂપે છલકાતી નહોતી સમાતી. ફૂલ એર કન્ડિશન્ડ રૂમમાં એનું આખું શરીર પરસેવે થી રેબઝેબ હતું. બેડ પર સુતા સુતા પણ એને વિક્નેસ અને ચક્કર લાગતા હતા. પટેલ સાહેબે કહ્યું હતું એમ જ ઇમર્જન્સી જણાતી હતી.આજુબાજુ 2-3 તરવરતા યુવકો પણ હતા. દર્દીની કન્ડિશન સેટલ કરવાની પ્રાથમિક સારવાર બાદ મેં દર્દીની અને દર્દની બંનેની ઉલટતપાસ ચાલુ કરી.

"ક્યારથી છે...તમને આવું?"
"સાહેબ એક મહિના થી!!!!! આજે જરા ચક્કર વધારે આવી રહ્યા છે."
"સગામાં કોણ?"
"કોઈ નહીં...!"
મેં કહ્યું, "તો આ બધા??"
"એ તો બધા પાડોશી છે. મારો ભાઈ ને વાઈફ આવે છે. રસ્તા માં હશે."

"અરે પણ, તમારી કન્ડિશન સિરિયસ લાગે છે, તાત્કાલિક લોહીની 3-4 બોટલ જોઇશે, કદાચ ICU માં શિફ્ટ કરવા પડે અને જરૂર પડે એન્ડોસ્કોપી પણ કરવી પડે! આ બધું કરવા તમારા વતી કોણ સંમતિ આપશે ને કોણ દોડશે?" આવેલા પાડોશીને પૂછ્યું, તો કહે;  "સાહેબ, અમે તો અહીં સુધી એમને લઇ આવ્યા હવે બધું તમારું કામ. તમે જ એને બચાવો. બાકી એમના સગા આવે એટલે વાત કરજો."

હું ચમક્યો, આમાં એ પડોશીએ હળવેકથી પોતાનો હાથ બહાર સરકાવી દીધાનું મને ભાન થઈ ગયું. દર્દીને જો તાત્કાલિક સારવાર અને બ્લડ ના મળે તો એનું મૃત્યુ નિશ્ચિત હતું એટલે દર્દીની સામે જોઈ બ્લડબેન્ક માં ફોન કરી વિના વિલંબે તાત્કાલિક 3 બોટલ મોકલવાનું ફરમાન જારી કરવામાં આવ્યું.

બ્લડ આવી ગયું, ઇમર્જન્સી ટ્રીટમેન્ટ ચાલુ થયાને 4-5 કલાકમાં સ્થિતિ થાળે પડવા માંડી. નાડી, બી.પી., અને બ્લીડીંગ બધું સેટ થવા માંડ્યું. દર્દી ને મને બંને ને જીવમાં જીવ આવ્યો. ત્યારબાદ સગા આવ્યા!! "સાહેબ, આ શું થયું, મારો ભાઈ સારો થઈ જશે ને?" વિગેરે વિગેરે પ્રશ્નોના જવાબ આપ્યા બાદ હું આશ્વાસન આપી નિકળ્યો.

ત્રીજા દિવસે, સાંજે પેશન્ટ એકદમ દુરુસ્ત હતો. બ્લીડીંગ જોકે ચાલુ હતું પણ ઓછું. અત્યાર સુધીમાં એને સ્ટેબલ કરવાની જ ટ્રીટમેન્ટ ચાલતી હતી. રોગ ની તો મૂળ સારવાર બાકી હતી. હવે મેં એને સમજાવ્યું કે "તમારે ઓપરેશનની જરૂર છે. મસા હદ બહારના છે, આ લોહી જે ચઢાવ્યું એ આમ જ નીકળી જશે જો ઓપરેશન નહીં કરાવો તો....."

"ના, ના, સાહેબ મને હવે સારુ છે. મને ડિસ્ચાર્જ આપી દો તો સારું...!"

મેં એક આંચકો ખાધો. હજુ ભાઈ માંડ થોડા સેટલ થયા ને મૂળ દર્દ પણ ઠીક નથી થયું, બ્લીડીંગ પણ ચાલુ, મારે એમને રજા કઈ રીતે આપવી??

"સાહેબ, જુઓ કાલ કરતા હું આજે એકદમ સ્વસ્થ છું. ખરેખર. અને આવું બ્લીડીંગ તો મને વરસથી છે જ ને...મને ક્યાં કંઈ થયું?? મારે કોઈ ઓપરેશન નથી કરાવવું!!!"

એમના ભાઈએ પણ સુર પુરાવ્યો. એમની આ અજ્ઞાનતા પિછાણી મેં કહ્યું, "ભાઈ તમારે જવું જ હોય તો જાઓ પણ તમારી મરજીથી હું રજા આપીશ, મારી ઈચ્છા વિરુદ્ધ. અને આ દર્દ તમારો પીછો નહીં છોડે."

એમ કહી, વાત પહોંચી બિલ પર.

"સાહેબ, અમારે કોઈ ક્લેઇમ નથી. જો જો અમારી તરફ. ઇમર્જન્સી વિઝીટ, બ્લડ, હોસ્પિટલ ચાર્જ, મેડીસીન્સ એમ મળીને કુલ 12500 નું બિલ થયું."


"સાહેબ, આટલો બધો ચાર્જ!!! કૈક ઓછું કરો. હું ના ભરી શકું એટલો બધો ચાર્જ!! અને ઇમર્જન્સી ચાર્જ શેનો ?? બ્લડ નો ચાર્જ?? આવું તો કઈ હોતું હશે??"

મેં કીધું, "આ 3 બોટલ પહેલા દિવસે જે ચઢાવી એનો જ અડધો ભાગ છે આ બિલ માં,  કે જે બ્લડ બેન્ક માં જમા કરવા પડે અને જેની વ્યવસ્થા આપના કોઈ સગા હાજર ન હોવાથી સંસ્થાએ કરી હતી એટલે કે સંસ્થાએ ભર્યા હતા.!!!"

"ઓહો, તમારે રાહ તો જોવી જોઇયે ને અમારી?? અમને આવ્યા બાદ કીધું હોત તો અમે લાઇ આપતા..."

મને વધુ દલીલ કરવાનું ના ફાવ્યું, "સાચી વાત છે તમારી, મારે રાહ જ જોવી જોઈતી હતી, મારી જ ભૂલ છે!!! એક કામ કરો, તમને યોગ્ય લાગે એ રકમ તમે ભરજો. અત્યારે સગવડ ના હોય તો પછી આપી જજો."

"અમે 5 દિવસ પછી બતાવા આવશું ત્યારે લેતા આવશું."

નવાઈ ની વાત એ કે ડિસ્ચાર્જ લીધાના ત્રીજા જ દિવસે ભાઈ એ જ ઘટનાક્રમ અને કન્ડિશન સાથે ફરી પાછા રજુ થયા. ઇમર્જન્સી માં મારે પાછું જવાનું થયું.  આ વખતે ભાઈ 4-5 દિવસ રોકાયા. છતાંય ઓપરેશનની તાત્કાલિક જરૂર હોવા છતાંય આગળ ઓપરેશન કરાવાની ઈચ્છા એમની જરાય નહોતી. એ ઈચ્છાને માન આપી,  ડિસ્ચાર્જ માં ફરી એ જ તખ્તો રચાયો. 

આ વખતે ભાઈ એ કહ્યું,  "સાહેબ, હવે બીજી વાર અમને રાહત આપો." 

મેં કહ્યું, "તમને યોગ્ય લાગે એ રકમ જ્યારે યોગ્ય લાગે ત્યારે જમા કરાવજો."

ટોટલ ખર્ચની સામે લગભગ અડધી જ રકમ જમા કરાવી તેઓએ ડિસ્ચાર્જ લીધો. અને મરસીડીઝ માં બેસી વિદાય થયાં!!!!!

બરાબર, 7 દિવસ બાદ તેમના ભાઈ આવ્યા, "સાહેબ, અમારે એક કંપનીમાં ફાઇલ મુકીએ તો ખર્ચ રીઈમ્બર્સ થાય માટે એક કામ કરોને આટલાં આટલાં જગ્યાએ સહી સિક્કા કરી આપોને...!!"

મારી ફરજ માં હોવાથી મેં તે કરી આપ્યા.

"...અને અમને બિલ તો પુરી એમાઉન્ટનું જ આપજો....!! કદાચ થાય તો વધુ પણ!! આમતો, આ ક્લેઇમ પાસ થવાનો નથી. પણ તમારે થોડું 15-20% બિલ વધારે જ બનાવી આપવું પડશે."

હવે, મારુ સ્વમાન થોડું ઘવાયું! મેં કહ્યું, "ભાઈ તમે જે એમાઉન્ટ ભરી છે એની પાકી રસીદ બહાર ડેસ્ક ઉપર તૈયાર છે. તમને એ જ મળશે. બાકી બીજી કોઈ મદદ હું તમને નહીં કરી શકું....!! અને કદાચ આ આપણી છેલ્લી મુલાકાત રહેશે." ભાઈ આ સાંભળી પોતાનું અપમાન થયું હોય એમ હબકી ગયા પણ એ રસીદ લઈને મરસીડીઝ માં બેસી વિદાય થયા.

અને હવે આ જ ભાઈ સમાજમાં ફરિયાદ કરશે, " ડોક્ટર તો લૂંટવા જ બેઠા છે, કંઈ માણસાઈ કે માનવતા જેવું જ નથી એમનામાં!"

શું કરવાનું આપ જ કહો......?  (અક્ષરશઃ સત્યઘટના -- ડો. કાર્તિક શાહ, અમદાવાદ)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...