Saturday, September 30, 2017

૧લી ઓક્ટોબર: "યહાં કૌન હૈ તેરા, મુસાફિર જાયેગા કહાઁ?"


૧ ઓક્ટોબર, આ મહાન સંગીતકાર સચિન દેવ બર્મન ― સચિનદા નો જન્મદિન....આવો થોડુંક ડોકિયું કરીયે આ ઇતિહાસ રચયતાના ઇતિહાસ પર!!
૧૯૪૯માં આવેલી ફિલ્મ શબનમ, તેમાં સચિન દેવ બર્મને બનાવેલું અને સમશાદ બેગમે ગાયેલું ગીત એવું હિટ સાબિત થયું કે સચિન હવે આવનારા સમયમાં સંગીતકાર એસ.ડી. બર્મન તરીકે ઓળખાવાના હતા. પણ અચાનક જાણે એસ.ડી.ને મુંબઈ નગરીનો મોહ ભંગ થયો અને તેઓ અશોક કુમારની ફિલ્મ મશાલ કરી રહ્યા હતા તે અધુરી છોડી પહેલી ટ્રેનમાં કલકત્તા રવાના થઈ જવાનું નક્કી કર્યુ. પણ હિન્દી સિનેમા જગતના એક સુપર સ્ટારને લીધે તે રોકાઈ ગયા. કોણ હતા એ સુુપરસ્ટાર?? ૧૯૫૦માં તેમણે દેવ આનંદના નવકેતન પ્રોડક્શનસાથે ટીમ બનાવી અને કામ શરૂ કર્યુ. અફસર ફિલ્મથી શરૂ થયેલી આ સફરટેક્સી ટ્રાઈવર, નૌ દો ગ્યારહ, કાલા પાની, મુનીમજી, પેઈંગ ગેસ્ટ વગેરે અનેક ફિલ્મો છે લીસ્ટ આથી પણ લાંબુ છે. એસ.ડીની દોસ્તી દેવ આનંદ સાથે હોય અને તેનો સંબંધ ગુરૂદત્ત સાથે નહીં બંધાય તે કઈ રીતે બની શકે. ગુરૂદત્ત સાથે પણ એસ.ડીની જોડી જામી ગઈ. પ્યાસા, કાગઝ કે ફૂલ હોય કે દેવદાસ, હાઉસ નં. ૪૪ અને ફંટૂસ અને આ બધા પછી આવી ૧૯૫૯માં બિમલ રૉયની માસ્ટરપીસ ફિલ્મ સુજાતા અને એસ.ડી એ એક ગીતથી આ ફિલ્મમાં જાદૂ પાથરી દીધો 'જલતે હૈ જીસકે લિયે' તલત મહેમૂદ પાસે તેમણે ગવડાવેલું આ ગીત આજે પણ લોકો એટલી જ મિઠાશથી સાંભળે છે. 

આ એ સમય હતો જ્યારે લત્તા માટે એસ.ડી. બર્મનદા બાપ કે મોટાભાઈ સમાન હતા. લત્તા સાથે એસ.ડીના સંબંધ એટલા ઘનિષ્ઠ હતા કે એસ.ડી.જ્યારે પણ કામથી થાક્યા હોય ત્યારે ફ્રેશ થવા માટે તેઓ જાતે ખીર બનાવવા બેસી જતા અને પોતાને ફ્રેશ ફિલ કરતા. પણ ખીર બની ગયા પછી શું ? લત્તાજી એક માત્ર એવા વ્યક્તિ હતા જેને એસ.ડી. ખીર ખાવા માટે આમંત્રણ આપતા અને એસ.ડીની ઘરે ખીર ખાઈ લીધા બાદ એસ.ડી. લત્તાજીને પોતાના હાથે પાન બનાવીને પણ ખવડાવતા. અહીં એક વાત એ નોંધવા જેવી છે કે સચિનદાને પાન ખાવાની આદત હતી અને તેમને તેના પાનખૂબ જ પ્રિય હતા. એસ.ડી.ને તેમના પાન એટલા પ્રિય હતા કે તેઓ તે પાન કોઈની પણ સાથે ક્યારેય શેર કરતા નહોતા. ( લતાજી સિવાય)
લત્તાજી આજે પણ એસ.ડી. ના એ પાન અને ખીરને યાદ કરે છે. આ વાત ઉપરથી તમને મારા આ અગાઉના લતાજી અને સચિનદા પરના લેખ વાંચીને સમજાઈ ગયું હશે કે આ જોડીને એવો દિવસ પણ જોવાનો આવશે કે બેઉ પરસ્પર કટ્ટર દુશ્મનની જેમ ક્યારેય એકબીજાની સાથે કામ નહીં કરવાની સોગંદ લેશે!!!  છે ને વિધિની વિચિત્રતા...(એ ઘટના કઇ રીતે અને કેમ થઈ એ માટે વાંચો શબ્દ સંપૂટનો એ વિસ્તૃત લેખ)

હવે એસ.ડીના દીકરો આર.ડી પણ મોટો થઈ રહ્યો હતો. આ તરફ એસ.ડી.ની પણ હવે નવી ટીમ બની રહી હતી. લત્તાની નાની બહેન આશા, કિશોર કુમાર અને ગીતકાર તરીકે મજરૂહ સુલતાનપુરી. કહે છે કે આશાને એક પ્લેબેક સિંગર તરીકે ઘડવામાં ઓ.પી નય્યર અને એસ.ડી બર્મનનો ખુબ મોટો ફાળો હતો.

એસ.ડી ભલે તે સમય દરમિયાન પોતાની ફિલ્મી કરિઅરમાં ટોચ તરફ સફર કરી રહ્યા હોય અને ભલે તેમનું પોતાનું બાળપણ પણ રાજવી ઘરાનામાં વિત્યું હોય તેઓ પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ હિસાબનીશ, કરકસરવાળાઅને ગણીને પગલા લેનારા હતા. એક મજેદાર કિસ્સો આ સમયે યાદ આવે છે...

એસ.ડી. રોજ પોતાના ઘરથી સ્ટેશન જતા અને ટ્રેન પકડી સ્ટુડિયો પહોંચતા. સ્ટુડિયો જવા માટે તેઓ બસ કે રિક્ષા પકડતા હવે એક દિવસ તેમને ત્યાં કામ કરતા તેમના આસિસ્ટન્ટે કોઈક કામને કારણે વહેલા ઘરે જવાનું હતુ. તેણે બર્મનદા પાસે પરવાનગી માગી. બર્મનદાનું પણ તે દિવસનું લગભગ બધું જ કામ પૂર્ણ થઈ ચૂક્યુ હતુ આથે તેમણે તેના આસિસ્ટન્ટને કહ્યું, બે મિનિટ રોકાઈ જા આપણે સાથે જ નીકળીએ છીએ. બંને સ્ટુડિયો બંધ કરી નીકળ્યા અને બર્મનદાએ જોયું કે તેમના આસિસ્ટન્ટે બાજૂમાં પાર્ક કરેલી સાયકલ બહાર કાઢી. બર્મનદા એ અચંબાથી જોયું અને પછી પૂછ્યું, 'મેં બેઠ જાઉં પિછે ?' અને પેલા માણસે હા કહેતા જ તેઓ બેસી ગયા. પછી રસ્તે તેમણે તેમના એ આસિસ્ટન્ટને પૂછ્યું, 'યે સાયકલ તુમ્હારી હૈ ? તુ રોજ ઈસપે હી આતે હો ?' પેલા એ હાપાડી કે તરત બર્મન દા એ કહી દીધું, 'કલ સે રોજ સ્ટેશન આ જાન, કલ સે રોજ તુમ્હે મુજે બિઠા કે સ્ટુડિયો લે જાના હૈ. યે બસ ઔર રિક્ષાકા ભાડા આજ-કલકિતના મહેંગા હો ગયા હૈ.'

સચિન દેવ બર્મન એક માત્ર એવા મ્યુઝિક ડાયરેક્ટર છે જેમણે નંબરની દ્રષ્ટિએ કિશોર કુમાર અને રફી બંને પાસે લગભગ એકસરખા ગીતો ગવડાવ્યા હતા. જો કે એ વાત સાચી કે સચિનદા કિશોરને તેમના બીજા દીકરા જેવો માનતા હતા એટલું જ નહીં એ સચિન દેવ બર્મન જ હતા જેમણે હિન્દી સિનેમા જગતને કિશોર કુમાર નામનો ગાયક આપ્યો હતો એમ કહો તો પણ ચાલે. કારણ કે કિશોરને પહેલો ચાન્સ આપનારા મ્યુઝિક ડાયરેક્ટર હતા સચિન દેવ બર્મન. એક સમયની વાત અહીં યાદ આવે છે. ફિલ્મ મીલીના રિકોર્ડિંગ માટે રિહર્સલ ચાલી રહ્યું હતું અને સચિન દાને રિહર્સલ પછી અચાનક હાર્ટ એટેક આવ્યો. કિશોર દા તુરંત હોસ્પિટલ દોડી ગયા અને બર્મનદાને ધરપત આપી કે દાદા ચીંતા નહીં કરો તમારા ગીતનું રિકોર્ડિંગ હજી ત્રણ દિવસ પછી છે અને તમે જો જો કે ગીત કેટલું સરસ રેકોર્ડ થશે. અને સાચે જ આજે પણ એ ગીત કિશોર દા નું એકમાઈલ સ્ટોન ગીત ગણાય છે. ગીત હતું 'બડી સૂની સૂની હૈ.' 

એટલું જ નહીં સચિન દા કેટલીય વાર અડધી રાત્રે પણ કિશોર દાને ફોન કરતાઅને તેમણે તૈયાર કરેલી ધૂન સંભળાવતા અને કિશોર દાને તેમની સાથે સાથેગાવા માટે કહેતા. પણ દુઃખની વાત એ છે કે મિલીના આ ગીતના રિહર્સલ પછી બર્મન દાને જ્યારે એટેક આવ્યો તેમાં તેઓ કોમામાં ચાલી ગયા અને ત્યારબાદ ૩૧મી ઓક્ટોબર ૧૯૭૫ના રોજ મુંબઈ ખાતે તેમનું નિધન થઈ ગયું. ૧૯૭૦ના દાયકામાં સચિન દાએ લાઈન બધ્ધ હિટ મ્યુઝિક આપ્યા હતા. તેરે મેરે સપને, શર્મિલી, અભિમાન, પ્રેમ નગર, ચૂપકે ચૂપકે વગેરે અનેક હિટ પછી ૧૯૭૫ની મિલી તૈયાર થઈ રહી હતી જે સચિન દાનું છેલ્લું મુવી ગણાવી શકાય. ત્યારબાદ પણ તેમના મ્યુઝિક વાળી ફિલ્મો આવી ખરી એમકે બારૂદ, અર્જૂન પંડિત, ત્યાગ, દિવાનગીનું એક ગીત અને બંગાળી ફિલ્મ આરધના અને આ સિવાય પણ સચિન દેવનું મ્યુઝિક એક ફિલ્મમાં હતું પણ તે ફિલ્મ રિલીઝનહોતી થઈ શકી. અને આ ફિલ્મ એટલે 'સાઝ'.

શું તમને ખબર છે આપણા મહાન ક્રિકેટરનું નામ સચિન તેંડુલકરનું નામ પણ આપણા આ મ્યુઝિક ડાયરેક્ટર સચિન દેવ બર્મનને કારણે જ પડ્યું હતું. વાત કંઈક એવી છે કે સચિનના દાદા એસ.ડી. બર્મનના ડાયહાર્ટ ફેન હતા અને તેમની ઘરે જ્યારે દીકરાને ત્યાં દીકરો જનમ્યો ત્યારે તેમણે નક્કી કર્યુ કે તેનું નામ સચિન જ રાખવામાં આવે.

સામાન્ય રીતે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિનારીયો એવો છે કે કોઈ પણ મ્યુઝિક ડાયરેક્ટર તેમની ધૂન હાર્મોનિયમ કે પિયાનો સાથે બનાવે છે જ્યારે આપણા સચિન દા તેમની કેટલીય ધૂન જે-તે તાલમાં તાળીઓ પાડીને બનાવતા હતા.

આપણે ગત સપ્તાહમાં જ વાત કરી લતાજી અને સચિનદા વિશેના ખટરાગની.... પહેલી ઓક્ટોબર સચિન દેવની વર્ષગાંઠનો દીવસ છે. અને ૨૦૦૭ની પહેલી ઓક્ટોબરે આપણા બર્મનદાની એકસો એકમી જન્મ જયંતિને કારણે ભારત સરકાર દ્વારા એક પોસ્ટલ સ્ટેમ્પ પણ શરૂ કરવામાં આવી હતી. 

આ સિવાય ભારતીય લોક સંગીત અને બંગાળી લોક સંગીત સચિન દાની એટલા નજીક હતા કે તેમણે લોક સંગીતની છાપ વાળા અનેક ગીતો બનાવ્યા અને ગાયા છે.

ટહુકો ; સચિન દેવ બર્મન એક માત્ર એવા મ્યુઝિક ડાયરેક્ટર છે જેમને સંગીત નાટ્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે.

અહમ, અહંકાર, અમિતાભ, અભિમાન અને અમિયા!!


સામાન્ય માનવીની જેમ જ અહમની અથડામણ બે કલાકારો (પતિ-પત્ની)ની વચ્ચે પણ થતી રહેતી હશે જ ને? સમજુ વાંચકો સમજી ગયા હશે કે મારી કલમ ફિલ્મ 'અભિમાન'ની દિશામાં જઈ રહી છે.

હકીકતમાં જ્યારે 'ઝંઝીર' બની રહી હતી, ત્યારે જ ઋષિકેશ મુખરજી પણ બે ફિલ્મો નિર્માણાધિન હતી, નમકહારમ અને અભિમાન. એક દિવસ જયા ભાદુડી સામે ચાલીને ઋષિકેશ મુખર્જી પાસે ગયાં અને રજુઆત કરી, "ઋષિદા! અમિત આજકાલ ડીપ્રેસનમાં રહે છે. ઝંઝીર પછી એની પાસે બીજી એક પણ ફિલ્મ નથી. એ ખૂલીને હસતો નથી કે બરાબર વાત પણ કરતો નથી. મને એની ચિંતા રહ્યાં કરે છે. તમે એના માટે કંઈક કરો ને!"

"તું જ બોલ ને કે હું શું કરું?"ઋષિદા હસ્યા.

"તો એ ફિલ્મના નિર્માણ માટેના પૈસા અમે આપીશું.", જયાએ દરખાસ્ત મૂકી. ઋષિદા સમજતા હતા કે આ વાક્યમાં રહેલો શબ્દ 'અમે' એટલે 'એકલી જયા' એવો થતો હતો. કારણ કે 'ઝંઝીર' હજુ રીલિઝ થઈ ન હતી, માટે અમિતની આર્થિક સ્થિતિ દુષ્કાળગ્રસ્ત રાજ્યની સરકારના જેવી હતી.

ઋષિકેશ મુખર્જીએ કહ્યું, "જોઊ છું. કંઈક વિચારીને તને જણાવું છું." વાસ્તવમાં ઋષિદાના દિમાગમાં એક ફિલ્મ માટેની કથા ઘણા સમયથી ઘૂમરાઈ રહી હતી.

એ કથા જરા 'હટકે' પ્રકારની હતી. આપણાંમાંથી મોટા ભાગના લોકો એવું માને છે કે અભિમાનની વાર્તા ખુદ જયા-અમિતાભની રીઅલ લાઈફ ઉપર આધારિત હતી પણ જ્યારે આ ફિલ્મ બનાવવાનો વિચાર પ્રથમવાર ઋષિદાના મનમાં જન્મ્યો હતો. ત્યારે તો હજુ જયા અને અમિતાભના લગ્ન પણ થયા ન હતાં.
તો પછી આ વાર્તા ઋષિદાને કોનાં જીવન પરથી સૂઝી હશે!

હિંદી ફિલ્મોના સુપ્રસિદ્ધ ગાયક કિશોરકુમારે ચારવાર લગ્ન કર્યાં હતા એ વાત સુવિદિત છે. બીજી પત્ની મધુબાલા, ત્રીજી પત્ની યોગિતા બાલી અને ચોથી પત્ની લીના ચંદાવરકર, આ ત્રણ નામો જગજાહેર છે. પણ એમની પ્રથમ પત્નીનું નામ સિનેરસિકોને બાદ કરતાં એટલું બધું જાણીતું એટલા માટે નથી કે એ વખતે ખુદ કિશોરકુમાર હજુ 'લાઈમ લાઈટ'માં આવ્યાં નહતાં.

કિશોરકુમારની પ્રથમ પત્ની રૂમા દેવી હતાં. રૂમાં બંગાળી હતાં અને એક પ્રતિભાવાન અભિનેત્રી તેમજ ગાયિકા હતાં. એ વખતે કિશોરકુમાર એક બંગાળી ફિલ્મ બનાવી રહ્યાં હતાં. એનું નામ હતું: ચુકોચરી. આ ફિલ્મના એક ગીતના રેકોર્ડિગ માટે કિશોર રૂપતારા સ્ટુડિયોમાં આવ્યાં હતા સાથે રૂમાદેવી હતાં.

ઋષિદા એ સમયે રૂપતારામાં હતાં. કોણ જાણે કેમ પણ એમને એ સમયે એવું લાગ્યું હતું કે રૂમાદેવી કિશોર કરતાં વધારે સુંદર પણ છે અને ટેલેન્ટેન્ડ પણ. આ જોઈને એમના મનમાં વિચાર આવ્યો કે કોઈ પુરુષ પોતાના કરતાં ચડિયાતી પત્નીને સહન કરી શકે ખરો? પ્રારંભમાં તો પત્નીનાં વખાણ સાંભળીને એ ખુશ થાય, એ વિચારે કે આ બધાં જેના વખાણ કરે છે એ સ્ત્રી આખરે તો પોતાની પત્ની જ છે ને! પણ જ્યારે પત્નીની લોકપ્રિયતા એના ખુદના કરતાં વધી જાય ત્યારે એનો 'મેઈલ ઈગો' જરૂર ઘવાવાનો જ. આ પુરુષ પ્રધાન દેશનો કોઈ પણ પતિ પોતાનાથી ચડિયાતી પત્નીને સહન કરી શકે જ નહીં.

ઋષિદાને એ સમયે એવું લાગ્યું હતું કે કિશોર અને રૂમાનું લગ્નજીવન લાંબુ ચાલશે નહીં. પછી ખરેખર એવું જ બન્યું. એ બંને છુટ્ટા પડી ગયાં. દીકરો અમિત પિતાની પાસે રહ્યો અને રૂમાદેવી કિશોરની જિંદગીમાંથી કાયમને માટે ચાલ્યા ગયાં.

કિશોર-રૂમાનાં છુટાછેડા પાછળ બીજાં કારણો પણ હશે, પરંતુ એક મહત્વનું કારણ પ્રતિભાઓની પ્રતિસ્પર્ધા અને અહમનો ટકરાવ તો ખરો જ.

આ વિચારબીજ ઉપરથી ઋષિદાએ એક ફિલ્મ-વાર્તા લખીને તૈયાર કરી દીધી. એનું શીર્ષક રાખ્યું: અભિમાન. એમની તીવ્ર ઈચ્છા હતી કે આ અનોખા કથા વિષય પરથી એક ફિલ્મ બને, પણ એના માટે એમને બે એવા કલાકારોની જરૂર હતી જેઓ વાસ્તવિક જિંદગીમાં પણ પતિ-પત્ની હોય. ઉપરાંત બંન્ને જણાં એક જ ક્ષેત્રના કલાકારો હોવા જોઈએ. અને જો પત્ની પ્રતિભાની બાબતે પતિ કરતાં ચડિયાતી હોય તો સોનામાં સુંગધ એકલી શા માટે ?? સાથે સાથે સ્વાદ પણ ભળી જાય!! આવું એક પણ કલાકાર યુગલ ફિલ્મ જગતમાં દીવો લઈને શોધવા છતાં મળતું ન હતું.

આ સંજોગોમાં જયાએ એકવાર સામે ચાલીને એમને વિનંતી કરી - "ઋષિદા! પ્લીઝ, તમે અમિતને લઈને એક ફિલ્મ ન બનાવી શકો? અથવા અમને બંનેને સાથે લઈને...! ફિલ્મના નિર્માણ માટેના પૈસા અમે...!

ઋષિદા મનોમન કેટલા ખુશ થયા હશે એ હવે તો તમે પણ સમજી ગયા હશો. મુશ્કેલી માત્ર એક જ હતી: એ સમયે રિયલ લાઈફમાં આ બંન્ને પતિ-પત્ની ન હતા!!

ઋષિદાએ જવાબમાં કહ્યું હતું: "જોઉં છું, વિચારીને તને જણાવું છું." એ પછી ખૂબ ટૂંકા સમયમાં જયા અને અમિતાભ પરણી ગયા. ઋષિકેશજીનો જવાબ બદલાઈ ગયો: "હવે હું જરૂર તમને બેયને લઈને એક સુંદર ફિલ્મ બનાવીશ."

જયા-અમિતાભનું આ એક માત્ર પ્રોડક્શન. અમિતાભના નામમાંથી 'અમિ' અને જયાનાં નામમાંથી 'યા' લઈને એમના પ્રોડક્શન હાઉસનું નામ રાખવામાં આવ્યું: અમિયા પ્રોડક્શન. માત્ર એક જ ફિલ્મ બનાવ્યાં પછી બેનરને સમેટી લેવામાં આવ્યું. કોઈ બેટ્સમેનની સદી પૂરી થાય એ પછી તરત જ દાવ પૂરો થયેલો 'ડિક્લેર' કરી નાખવામાં આવે એવી આ ઘટના છે. પણ સત્ય એ છે કે એ પછીનાં પ્રોડક્ષન હાઉસ બનવાની કોઈ જરૂર રહી ન હતી.

મૂડીરોકાણની દરખાસ્ત ઋષિદાએ મંજુર રાખી લીધી એ પાછળ એમની મજબૂરી કારણભૂત હતી. ત્યાં સુધીમાં જયા-અમિતાભ સાથે હોય તેવી બે ફિલ્મો ટિકીટબારી ઉપર સંદતર પીટાઈ ચૂકી હતી. 'બંશી બિરજુ' અને 'એક નજર'. આવી હાંજા ગગડાવી નાખે તેવી ઘોર નિષ્ફળતા જોઈ લીધા પછી ફિલ્મ ઉદ્યોગનો એક પણ નિર્માતા જયા અને અમિતાભને સાથે લેવા માટે તૈયાર થાય તેમ ન હતો. ઋષિદા જેવા ઋષિદા પણ કોઈને સમજાવી શકે તેમ ન હતા કે "મારી આગામી ફિલ્મમાં તમે નાણાં રોકો, તમારા પૈસા ડૂબશે નહી."

'અભિમાન' શરૂ થઈ, પૂરી થઈ અને રીલિઝ પણ થઈ ગઈ. દેશભરમાં આ ફિલ્મને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો. આ ફિલ્મ જ્યારે બની રહી હતી ત્યારે એક દિવસ ફિલ્મની નિષ્ફળતાની બીકે અમિતજીએ ઋષિદાની પાસે જઈને ફિલ્મના ગીતો વિષે નારાજગી વ્યક્ત કરી - " દાદા, આ ફિલ્મના ગીતો બકવાસ છે. મને જરા પણ ગમ્યાં નથી. ધૂનો પણ જામે તેવી નથી. મને લાગે છે કે આના કારણે ફિલ્મ પીટાઈ જશે."

ઋષિદાએ એને આશ્વસ્ત કર્યો હતો. "તારા કરતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મેં વધુ વર્ષ કાઢ્યા છે. આ ફિલ્મના ગીત-સંગીત માટે મેં બે જૂનાં અને નીવડેલા કલાકારોને લીધાં છે. એસ.ડી.બર્મનદા ની ધૂનો સદાબહાર હોય છે. એવું જ મજરૂહ સાહેબના ગીતોનું. એમની કલમમાંથી ગીતો નથી ટપકતાં, પણ જાદુ જન્મે છે. તું તારે શાંતીથી જોયા કર!"

'અભિમાન'ના તમામ ગીતોએ દેશ ગજાવી મૂક્યો. એક-એક ધૂન સફળ સિદ્ધ થઈ. અમિતાભે જિંદગીમાં ક્યારેય ઋષિદાની સાથે ફરીવાર આ મુદ્દા વિષે વાત ન કરી, અલબત્ત એના મૌનમાં જ એની શરમિંદગી સમાઈ જતી હતી.

ભારતમાં તો 'અભિમાન'ની રજૂઆત સાથે જ થિયેટરો છલકાઈ ગયા, પણ શ્રીલંકા જેવા પડોશી દેશમાંયે એણે નવો વિક્રમ સર્જ્યો. શ્રીલંકામાં 'અભિમાન' પૂરા બે વર્ષ સુધી ચાલતી રહી. બેવડી સુવર્ણજંયતિ ઉજવી.

'73'માં અમિતાભની ત્રણ ફિલ્મોએ ધૂમ મચાવી, ઝંઝીર, અભિમાન અને નમકહરામ. આ ત્રણમાંથી બે ફિલ્મો તો ઋષિદાની હતી.

'અભિમાન'નું સંકુચિત અને માનસિક રીતે અટપટુ પાત્ર ભજવવું એ અમિતાભ માટે એક મોટો પડકાર હતો. પણ આવી અધરી ભૂમિકા એણે સુંદર રીતે ભજવી બતાવી. એ પછી તો ઋષિદા અને અમિતાભની જોડી જામી ગઈ. ઋષિદાની ફિલ્મ હોય એટલે એમાં અમિતાભ તો હોય જ એવું સમીકરણ બની ગયું. કુલ મળીને અમિતાભે ઋષિકેશ મુખર્જીની આઠ ફિલ્મોમાં અભિનય કર્યો. આનંદ, અભિમાન, નમકહરામ, બેમિસાલ, મિલી, ચુપકે-ચુપકે, આલાપ અને જુર્માના.

એકવાર અમિતાભ બચ્ચને એક ઈન્ટર્વ્યુમાં પોતાના અભિનયવાળી શ્રેષ્ઠ દસ ફિલ્મોના નામ જાહેર કર્યાં હતાં. એમાંની ત્રણ ફિલ્મો એકલા ઋષિદાની દિગ્દર્શિત કરેલી ફિલ્મો હતી. એ હતી આનંદ, નમકહરામ અને બેમિસાલ. એ યાદીમાં 'અભિમાન'ને સ્થાન આપવામાં આવ્યું નથી.

પણ ઋષિદાની ખુદના મત અનુસાર એમની તમામ ફિલ્મોમાં અમિતજીનો શ્રેષ્ઠ અભિનય જો ગણાવો હોય તો એ 'અભિમાન'માં કરેલો અભિનય હતો...!!

(આ વાંચનસામગ્રી વિષેના આપના અભિપ્રાયો ચોક્કસથી જણાવતાં રહેશો!!)

Friday, September 29, 2017

અમિતાભ બચ્ચન - સંસ્કાર


અમિતાભ બચ્ચન નાનામાં નાનાં માણસને પણ મોટામાં મોટું માન આપતા રહે છે. આ એમના સંસ્કાર છે. પણ આ માન એ એમનો શિષ્ટાચાર છે. ખરેખર હ્રદયમાંથી એ જેનો આદર કરે છે એવી જૂજ વ્યક્તિઓ કેટલી છે અને કોણ છે?!

અમિતજી જાહેરમાં માત્ર ચાર જ ફિલ્મી હસ્તિઓના ચરણ સ્પર્શ કરે છે.
૧. અબ્બાસ સાહેબ  કે જેમણે અમિતાભને 'સાત હિન્દુસ્તાની' માટે પસંદ કરીને હિંદી ફિલ્મોમાં કામ કરવા માટેની પ્રથમ તક આપી હતી.

૨. ઓમ પ્રકાશ (ચરીત્ર અભિનેતા જેમણે ફિલ્મ 'નમક હલાલ'માં બિગ-બીના દદ્દુનું યાદગાર પાત્ર ભજવ્યું હતું) એ એક એવા પીઢ કલાકાર હતા જેમણે સૌ પ્રથમ વાર અમિતાભના અભિનયના મોંફાટ વખાણ કર્યા હતા. પછી તો સૌ કોઇ એમની પ્રસંશાના કોરસ ગાવા લાગ્યા હતા, પણ મહત્વ 'પ્રથમ વાર'નું હોય છે. ઓમ પ્રકાશના હ્રદયની આ વિશાળતા અમિતાભજી જિંદગીભર ભૂલ્યા નહીં. 

૩. હ્રષિદાએ અમિતજીને લઇને આનંદ, ચુપકે ચુપકે, મિલી અને અભિમાન જેવી સુંદર, સફળ અને યાદગાર ફિલ્મો બનાવી એ એકમાત્ર કારણ ન હતું જેના લીધે અમિતજી એમને જાહેરમાં આટલું માન આપતા હતા. હકીકત એ હતી કે હ્રષિદા રોજ-બ-રોજની જિંદગીમાં પણ વડીલની અને માર્ગદર્શકની ભૂમિકા બજાવતા રહેતા હતા. હ્રષિદા તો જયા અને અમિતાભને મન પિતા તુલ્ય હતા.

જ્યારે પણ અમિતાભને પોતાની અંગત જિંદગીમાં કે ફિલ્મી કારકિર્દીમાં કોઇ તકલીફ ઉભી થાય તો તરત જ તેઓ જયાને લઇને હ્રષિદાની પાસે પહોંચી જતા હતા. જે વડીલ પિતાની ફરજો અદા કરતા હોય તેને જાહેરમાં પગે લાગવામાં શરમ શાની?!


૪. ચોથી વ્યક્તિ તે નિરૂપા રોય. આપણાં ગુજરાતના ગૌરવરૂપ જાજરમાન અભિનેત્રી. જૂનાં જમાનાની ફિલ્મ 'રાની રૂપમાન'ની સુંદર હિરોઇન. પછીથી એમણે મા તરીકે અસંખ્ય ફિલ્મોમાં નામ કાઢ્યું. એમાં પણ 'દીવાર'માં અમિતાભની મા બન્યાં પછી તો એમના નામનો સિક્કો જામી ગયો. પડદા ઉપર અમિતાભ હોય એટલે આપણે સ્વીકારી જ લેવાનું કે હમણાં "બેટા, અભી તૂ ઇતના બડા નહીં હો ગયા કિ અપની માં કો ખરીદ સકે!"જેવો ચોટદાર સંવાદ બોલવા માટે નિરૂપાજી આવી જશે.
પડદા પરની માતાને અમિતાભે પડાદાની બહાર પણ મા જેટલો જ આદર આપી જાણ્યો.
અફસોસ! આ ચારમાંથી એકપણ વ્યક્તિ આજે જીવીત નથી રહી. અમિતજી ચરણસ્પર્શ કરવા ઇચ્છે તો પણ કોને કરે? અને હવે સ્થિતિ એવી બની ગઇ છે કે જાહેરમાં આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આ શહેનશાહના પગમાં પડવું પડે.

કુલી સમયની ઇમરજન્સી -- તબીબી ભાષામાં


સેંટ ફિલોમિના હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં સદીનું સૌથી જાણીતું ઓપરેશન શરૂ થયું. દર્દી હતા હિંદી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન અને ડોક્ટરોની ટુકડીમાં હતા ડો. ભટ્ટ, ડો. જોસેફ એન્ટોની અને ડો.જયસિંહ. પેટ ચીરતાંની સાથે જ ફુવારો ઉડ્યો. પેટની અંદર જમા થયેલું લોહી, ગેસ અને પરુ દબાણ હેઠળ એકઠા થયેલા હતા, તે અચાનક દબાણ હટી જતાં ફુવારાની પેઠે બહાર ઘસી આવ્યા. હવે હોસ્પિટલના સ્થાનિક સર્જનોને પોતની ભૂલ સમજાણી. અંદર થયેલી ઇજાની કોઇ જ બાહ્ય નિશાની ભલે દેખાતી ન હતી, પણ ડો. ભટ્ટે એક્સ-રે જોઇને કરેલું નિદાન સાચું પડ્યું હતું.

પેટની અંદરનો તમામ બગાડ બહાર કાઢી લીધા પછી ડો. ભટ્ટે આખું નાનું આંતરડું તપાસવાનું શરૂ કર્યું. બાવીસ ફૂટ લાંબું આંતરડું બારીક નજરે તપાસતાં ગયા. જ્યાં નાનું આંતરડું મોટા આંતરડાને મળતું હતું તે જગ્યાએ એની દિવાલમાં એક છિદ્ર જોવા મળ્યું. તો બધી જ તકલીફનું કેન્દ્રબિંદુ ત્યાં હતું. ડોક્ટરોએ ટાંકા લઇને એ છિદ્રને સાંધીને બંધ કરી દીધું. પછી પેટની દિવાલ બંધ કરતાં પહેલાં ત્રણ જગ્યાએ ડ્રેઇન્સ મૂક્યાં. (અંદર જમા થનારો બગાડ બહાર આવી શકે તે માટેની નળીઓ જેનો એક છેડો પેટની અંદર હોય અને બીજો છેડો બારની તરફ હોય. હકીકતમાં આ એક રબરનો બનેલો ટુકડો હોય છે, જે થોડાંક દિવસ પછી કાઢી લેવામાં આવે છે.)


ઓપરેશન લગભગ ત્રણ કલાક સુધી ચાલ્યું. જ્યારે એ પૂરું થવામાં હતું ત્યારે જ તેજી બચ્ચનનું આગમન થયું. ફોન ઉપર થયેલી વાત પ્રમાણે તેજીજી મુંબઇના ત્રણ નામાંકિત ડોક્ટરોને પોતાની સાથે લઇ આવ્યાં હતાં. એમાં સૂરી હોસ્પિટલના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડો. એમ.કે. ગાંધી, આંતરડાના નિષ્ણાત ડો. શરદ શાહ તથા આંતરડાના પ્રખ્યાત સર્જન ડો. શિરીષ ભણસાલી સામેલ હતા.

અમિતાભ પેટનું ઓપરેશન તો પૂરું થઇ ગયું હતું, પણ પછી બધા ડોક્ટરો એક ઓરડામાં ચર્ચા કરવા માટે બેઠા. સેંટ ફિલોમિના હોસ્પિટલના ડોક્ટરો, મુંબઇથી આવેલા તજજ્ઞો અને ડો.ભટ્ટ ખૂલ્લી નિખાલસ ચર્ચાના અંતમાં ત્રણ બાબતો અંગે એક નિર્ણય ઉપર આવ્યા. એક, અમિતાભની માંદગીના નિદાનમાં અક્ષમ્ય વિલંબ થયો હતો; બીજું, ઓપરેશન કરવાનો નિર્ણય ભલે મોડો હતો, પણ યોગ્ય હતો. ત્રીજી વાત, અમિતાભની જિંદગી હજુ ચોવીસ કલાક સુધી ખતરામાં હતી. ડોક્ટરોની ટીમે જયાજી અને તેજીજીને પોતાની પાસે બોલાવીને આ પ્રમાણે કહી દીધું, "ઓપરેશન સરસ રીતે પતી ગયું છે, પણ એની સફળતા માટે આપણે ચોવીસ કલાક સુધી રાહ જોવી પડશે. એ દરમ્યાન દર્દીની સ્થિતિમાં કોઇ ગરબડ પેદા ન થવી જોઇએ."

અમિતાભને ઘનિષ્ઠ સારવાર અને નિરીક્ષણ માટે આઇ.સી.યુ.માં રાખવામાં આવ્યા. જયા અને તેજી આંખનું મટકુંયે માર્યા વગર જાગતાં બેસી રહ્યાં હતાં. આ તો થઇ હોસ્પિટલની અંદરની વાત! બહારની શી પરિસ્થિતિ હતી? 

અત્યાર સુધીમાં અમિતાભ વિષેના સમાચાર દેશભરમાં આગની જેમ ફેલાઇ ગયા હતા. એમના ઓપરેશનના ખબર પણ મિડીયામાં આવી રહ્યા હતા. એમના ચાહકોને જાણ થઇ ચૂકી હતી કે એમનો માનીતો અભિનેતા જીવન અને મરણ વચ્ચેનો જંગ ખેલી રહ્યો હતો. અને આ એક એવું યુધ્ધ હતું જેની સ્ક્રિપ્ટ સલીમ-જાવેદે નહીં, પણ સ્વયં વિધાતાએ લખેલી હતી. એનો અંત કેવો હશે એની કોઇને ખબર ન હતી; સારવાર કરતાં ડોક્ટરોને પણ નહીં. દવાની સરહદ પૂરી થઇ ગઇ અને દુઆની હદ શરૂ થઇ રહી હતી.


હોસ્પિટલના મુખ્ય ઝાંપાની સામે હજારોની ભીડ જમા થઇ ગઇ હતી. એ દિવસે બેંગલોરમાં વરસાદ પડતો હતો. પણ અમિતાભના પ્રશંસકો શાંતિથી ઊભા હતા; દિલમાં દુવા ભરીને, આંખોમાં ભીનાશ આંજીને અને મનમાં ઊચાટ લઇને, બસ, ઊભા હતા. 'કૂલી'ના દિગ્દર્શક મનમોહન દેસાઇની હાલત સૌથી કફોડી હતી. આખો દેશ આ સ્થિતિ માટે એમને જ દોષી માનવાનો હતો. અમિત માત્ર એમની ફિલ્મોનો હીરો જ ન હતો, પણ એમનો અંગત મિત્ર પણ હતો. એને જો કંઇ થઇ ગયું, તો મનમોહન દેસાઇ પોતે જ પોતાને ક્યારેય માફ કરી શકવાના ન હતા. ફિલ્મનું શૂટીંગ તો સંપૂર્ણ પણે અટકી ગયું હતું. મનમોહન દેસાઇ, સારવાર સિવાયની બીજી તમામ વાતો 'મેનેજ' કરી રહ્યા હતા. જ્યારે એમની ઘીરજનો બંધ તૂટવાની અણી ઉપર આવી જતો, ત્યારે એ ભગવાનના શરણમાં દોડી જતા હતા. બેંગલોરમાં એક મંદિર આવેલું હતું. રાજેશ્વરનું મંદિર. છેલ્લાં ત્રણ દિવસથી આ મંદિર એ જ મનમોહન દેસાઇનું ઘર બની ગયું હતું. અત્યારે પણ મનમોહન નીકળી પડ્યા. વરસતા વરસાદમાં પગે ચાલતા તેઓ રાજેશ્વરના મંદિરે જવા માટે નીકળી પડ્યા. ભગવાન પાસે અમિતની જિંદગીની ભીખ માંગવા માટે અને પોતાના વ્યાકૂળ મનને તસલ્લી આપવા માટે. પણ ભગવાન તસલ્લી નહીં, તકલીફ આપવા માગતો હતો. 

મધરાત સુધી તો બધું ઠીક હતું. ડોક્ટરોએ નિરાંતનો દમ ભર્યો. કહી દીધું, "હવે વાંધો નહીં આવે તેવું લાગે છે. ઓપરેશન પછી સારા એવા કલાકો નીકળી ગયા છે. હીઝ કન્ડીશન ઇઝ સ્ટેબલ. બસ, સવાર સુધી આવું ને આવું રહે તો અમિતાભની તબિયત ઝડપથી સૂધરવા લાગશે." 

આ આશ્વાસન પછી જયા અને તેજીજી આડે પડખે થયાં. પણ આ આશ્વાશન એક રાત પૂરતું જ હતું. સવાર પડતાંની સાથે કોમ્પ્લીકેશન્સનું ટોળુ મગરની જેમ જડબાં ફાડીને ઊભું હતું. 

ડોક્ટરોએ અમિતાભને તપાસ્યા. એમને તેજ બુખાર હતો. એનો અર્થ એ કે શરીરમાં ક્યાંક 'ઇન્ફેક્શન' હતું. ઓપરેશન દરમ્યાન પેટમાં ગોઠવેલા ડ્રેઇન્સમાંથી ખાસ બગાડ જેવું કશું જ બહાર આવતું ન હતું. એનો મતલબ એ ઓપરેશનમાં તો બધું બરાબર હતું. તો પછી ચેપ ક્યાં લાગ્યો હતો?

ડોક્ટરોને ચેપનું સરનામું જડી ગયું. અમિતજીને ન્યૂમોનિયા થયો હતો. એમના શ્વાસની ગતિ તેજ બની ગઇ હતી. આ વાતના ખાતરીપૂર્વકના નિદાન માટે શ્વાસનળીમાં દૂરબીનવાળું સાધન નાખીને તપાસ કરવાનું જરૂરી હતું; પણ આવી હાલતમાં બ્રોન્કોસ્કોપી કરવી કે નહીં એ વિચારણા માગી લે તેવી વાત હતી. 

અમિતાભનો તાવ ઊતરવાનું નામ લેતો ન હતો. તાવની ગરમી હવે એમના દિમાગ ઉપર થવા લાગી હતી. તેઓ સનેપાત થયો હોય તે રીતે બકવાસ કરવા માંડ્યા હતા. જોર-જોરથી રાડો પાડીને ગ્લુકોઝની નળી, કેથેટર અને ગળામાં ભરાયેલી રાઇલ્સ ટ્યુબ ખેંચીને ફેંકી દેવાની કોશિશો કરી રહ્યા હતા. જયા અને તેજી એમને પકડી રાખવાના નિષ્ફળ પ્રયત્નો કરીને હતાશ બની રહ્યાં હતાં. 

આ દરમ્યાન ડોક્ટરોએ એમના લોહીનું લેબોરેટરીમાં પરિક્ષણ કરાવ્યું, જેનો રીપોર્ટ સારો ન હતો. અમિતાભના રક્તમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું હતું. ડોક્ટરોએ તરત જ એમને નાક વાટે ખાસ પ્રકારનો ઓક્સિજન આપવાનો નિર્ણય લેવો પડ્યો.

મધરાત સુધીમાં હાલત વધારે કથળી ગઇ. હવે ડોક્ટરોને નવી તકલીફની જાણ થઇ. અમિતાભની બંને કિડનીઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આને 'એક્યુટ રીનલ ફેઇલ્યોર' કહે છે. આવા દરદીઓને જો સમયસર શ્રેષ્ઠ કક્ષાની આધુનિકતમ સારવાર ઉપલબ્ધ કરાવવામાં ન આવે, તો એમનો પ્રાણ બચવાની શક્યતા ઓછી થઇ જાય છે. 

ગુરુવારની સવારે ડોક્ટરો એ નિર્ણય પર આવતા જતા હતા કે અમિતાભને મુંબઇ લઇ જવા પડશે; પણ ત્યાં એવું જાણવા મળ્યું કે અમિતજીની સ્થિતિમાં કંઇક સુધારો થઇ રહ્યો છે. 

ફરી પાછી દરદીની હાલત બગડતી ચાલી. એક ડોક્ટરને લાગ્યું કે અમિતાભને કમળાની અસર દેખાવી શરૂ થઇ છે. ત્યાં વળી બીજી દિશામાંથી પણ મોંકાણના સમાચાર આવ્યા. લોહીના પરીક્ષણના તાજા રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અમિતાભના લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા અઢીથી ત્રણ લાખ જેટલી હોય છે; પણ અત્યારે અમિતજીના લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ફક્ત એંશી હજાર જેટલા જ જણાતા હતા. 

પ્લેટલેટ્સ આપણાં શરીરમાં એટલાં માટે હોય છે કે જ્યારે આંતરિક કે બાહ્ય ઇજા થાય અને લોહીનું વહેવાનું શરૂ થાય ત્યારે આ તંતુઓ એને જમાવી દેવામાં મદદ કરે છે. જો આ પદાર્થ ન હોય અથવા પૂરતી સંખ્યામાં ન હોય, તો માત્ર એક દાંત પડવાથીયે શરીરનું બધું લોહી બહાર વહી જાય અને માનવી મૃત્યુ પામે. પ્લેટલેટ્સ લોહીમાં હોય છે અને એની ખોટ ભરપાઇ કરવા માટે માનવ રક્તની જ જરૂર પડે છે. બેંગ્લોરમાં આવી સગવડ એકાદ વાર પૂરતી તો થઇ શકે તેમ હતી, પણ એની સાતત્યભરી સગવડ મળી શકે તેમ ન હતી. માનવીના લોહીમાંથી પ્લેટલેટ્સને અલગ પાડવા માટે ખાસ મશીનની જરૂર પડે છે, જે માત્ર મુંબઇની મોટી લેબોરેટરીમાં જ ઉપલબ્ધ હતું. બેંગ્લોર કે ચેન્નઇમાં (એ સમયે) આવું મશીન ન હતું. આ કારણે અમિતાભને હવે તો મુંબઇ લઇ જવા જ પડે તે વાતમાં તમામ ડોક્ટરો એકમત થઇ ગયા. 

પહેલાં એવું વિચારવામાં આવ્યું કે અમિતાભને મુંબઇ લઇ જવા માટે ભાડાનું વિમાન પસંદ કરવું. પણ એમાં બે મુશ્કેલીઓ હતી. ભાડાનું વિમાન ખાનગી કંપનીનું હોય અને એ નાનું જ હોય. એમાં વધારે પ્રવાસીઓ પણ સમાઇ ન શકે. માટે ઊડતી વેળાએ (આસમાનમાં પણ) એને વધુ સંખ્યામાં તીવ્ર આંચકાઓ લાગે જે અમિતાભની નાજુક હાલતમાં પ્રાણઘાતક સાબિત થઇ શકે.

છેવટે એકત્રીસમી જુલાઇએ ઇન્ડિઅન એરલાઇન્સ સાથે વાત કરવામાં આવી. બપોરનો સમય હતો. એવી વિનંતી કરવામાં આવી કે એરબસની એક્ઝિક્યુટીવ ક્લાસની ત્રણ હરોળની બધી જ બેઠકોને હટાવી દેવામાં આવે. એ જગ્યામાં ઇન્ટેન્સીવ કેર યુનિટ ઊભું કરી દેવામાં આવે. એ રીતે અમિતજીને મુંબઇ સુધી પહોંચાડવામાં આવે. ઇન્ડિઅન એરલાઇન્સના અધિકારીઓ આ માટે તૈયાર થઇ ગયા. 


હવે પ્રશ્ન એ હતો કે 'સેંટ ફિલોમિના' હોસ્પિટલથી બેંગલોરના વિમાન મથક સુધી અમિતાભને ક્યારે, ક્યા વાહનમાં અને કેવી રીતે લઇ જવા?! હોસ્પિટલના બહાર તો વિશ્વભરના પત્રકારો અને કેમેરામેનો ડેરાતંબુ તાણીને દિવસોથી બેઠેલા જ હતા. અને એમના કરતાંયે દસ ગણી મોટી સંખ્યામાં અમિતજીના પ્રશંસકો ઊભા હતા. આવી બેકાબુ ભીડમાંથી રસ્તો કાઢીને એમ્બ્યુલન્સને લઇ જવાનું કામ માત્ર મુશ્કેલ જ ન હતું, નામુમકિન પણ હતું. (આ છેલ્લું વાક્ય 'ડોન'નો ડાયલોગ નથી, પણ બેંગલોરની 'સેંટ ફિલોમિના' એ જોયેલા એના ઇતિહાસના સૌથી મોંધેરા દરદી માટે અનુભવાયેલી કપરી વાસ્તવિકતા હતી.) 


આ મુશકેલીમાંથી માર્ગ કાઢવો એ હોસ્પિટલ મેનેજમેન્ટના હાથની વાત ન હતી. અહીં ફરી પાછા મનમોહન દેસાઇની મદદ લેવી પડી. મનમોહનએ પૂછ્યું, "સમય ક્યો પસંદ કર્યો છે?"

સમય પસંદ કરવો એ સંજોગોના હાથમાં હતું. અને સંજોગો અત્યારે અમિતાભના શત્રુની ભૂમિકા ભજવી રહ્યા હતા. મુંબઇથી એરબસ આવતાં જ ત્રણ કલાકનો વિલંબ થઇ ગયો. બેંગલોરના એરપોર્ટ ઉપર એની ત્રણ હરોળની બેઠકો દૂર કરવામાં અને એની જગ્યાએ આઇ.સી.યુ. ઊભુ કરવામાં બીજા ત્રણ કલાક પસાર થઇ ગયા. 

આટલા કલાકો દરમ્યાન ભીડનું કદ અનેકગણું વધી ગયું હતું. મનમોહન દેસાઇએ માથું ખજવાળ્યું. રસ્તો મળી ગયો. 


એમણે ઝાંપા પાસે આવીને ટૂંકું ઉદબોધન કર્યું, "ભાઇઓ તથા બહેનો! અને પત્રકાર બંધુઓ! શાંતિ રાખજો. અમિતજીને આ જ ઝાંપામાં થઇને બહાર લાવવામાં આવશે. તમને બધાંને એમને જોવાની તક મળશે. માટે નાહકની ધક્કા-મુક્કી ન કરશો અને ધીરજ રાખજો." 


લગભગ અડધું બેંગલોર આગળના ઝાંપા આગળ જમા થઇને અમિતાભની પ્રતિક્ષા કરતું હતું, ત્યારે મનમોહન દેસાઇએ અમિતાભને લઇ જતી એમ્બ્યુલન્સના ડ્રાઇવરને આદેશ આપ્યો, "પીછે કે દરવાજે સે ગાડીકો બાહર નિકાલો!"

કોઇને ગંધ સરખીયે ન આવી અને અમિતજીવાળી એમ્બ્યુલન્સ હોસ્પિટલના પાછળના ઝાંપામાંથી બહારની તરફ સરકી ગઇ. એમ્બ્યુલન્સ જ્યારે બેંગલોરના વિમાન મથક પર પહોંચી ત્યારે મધરાતનો સમય થવા આવ્યો હતો. એરબસના બારણાં ખૂલ્યા. અમિતાભને સ્ટ્રેચરમાં સૂવાડીને અંદર લઇ જવામાં આવ્યા. ત્યારે પણ એમના વાટ જોઇ રહેલા લોકોના ટોળાં ને ટોળાં સેંટ ફિલોમિના હોસ્પિટલના મુખ્ય ઝાંપાની સામે ઊભા હતા....


વધુ મુંબઈની હોસ્પિટલ માં આગળ શું થયું એ તમે આગાઉના લેખમાં વાંચ્યું જ છે.....ક્રમશ:

Thursday, September 28, 2017

અ નો ચમત્કાર: આનંદ, અબ્બાસજી, ઓમ પ્રકાશજી અને અમિતાભ


અમિતાભ બચ્ચનને જિંદગીમાં સાંપડેલા કેટલાંક સારા માણસોમાંના એક એટલે એ જમાનાના જાણીતા ફિલ્મ નિર્દેશક ખ્વાજા અહેમદ અબ્બાસ. અમિતજી ની પ્રથમ ફિલ્મ 'સાત હિંદુસ્તાની'ના નિર્માતા તથા દિગ્દર્શક .....!!

કોઈ પણ જાતની સિફારીશ વગર એક સાવ અજાણ્યા જુવાનને અબ્બાસ સાહેબે પોતાની ફિલ્મમાં તક આપી. પોતાના બજેટ અનુસાર એને મહેનતાણું પણ ચૂકવ્યું. આટલું ઓછું હોય તેમ એક દિવસ અમિતાભને લઈને તેઓ હિંદી ફિલ્મોના મહાન દિગ્દર્શક ઋષિકેશ મુખરજી ની પાસે પહોંચી ગયા.

જે સમયે ચોપરા સાહેબ, મનમોહન દેસાઇ, તારાચંદ બડજાત્યા અને પ્રમોદ ચક્રવર્તી જેવા માંધાતાઓ અમિતજીને હતોત્સાહિત બની જવાય એ હદ સુધી ઠુકરાવી ચૂક્યા હતા, એવા કપરા સમયમાં અબ્બાસ સાહેબ કોઇ પણ જાતના સ્વાર્થ વગર અમિતનો હાથ પકડીને ખુદ ભલામણ વજન સાથે એક મોટા ગજાની છાવણીમાં લઇ ગયા.

એક દિવસ બપોરના સમયે યુવાન અમિત અગાઉથી નિર્ધારીત થયેલી મુલાકાત અનુસાર ઋષિકેશને મળવા જઇ પહોંચ્યો. એ 1968નું વર્ષ હતું. ઋષિદા પગના દુ:ખાવાથી પીડાઇ રહ્યા હતા. એમને કૂતરાઓ પાળવા નો શોખ હતો. અમિતનું સ્વાગત એક કરતાં વધારે કૂતરાઓએ ભસીને કર્યું. અમિતજી ડરીને પાછળ હટી ગયા.

ઋષિકેશ હસીને બોલ્યા, '' ડરશો નહીં, અંદર આવી જાવ. અહીં કુલ સાત કૂતરાં છે. ''

અમિત આશ્ચર્યમાં પડી ગયા. કારણ કે એમણે કૂતરાંની સંખ્યા ગણી જોઈ, તો માત્ર છ જ હતાં. એનાથી પૂછાઇ ગયું, ''સાત?''

''હા, તમે મને ગણવાનું તો ભૂલી જ ગયા.'' આટલું કહીને ઋષિદાએ અમિતને પલંગ ઉપર બેસવાનો આગ્રહ કર્યો. અમિતે એમની બાજુમાં બેસવાની આનાકાની કરી, તો ઋષિદાએ સમજાવ્યા, ''અહીં જ બેસો. મારી બાજુમાં. આરામથી બેસો. તો જ નીરાંતે વાત કરવાની મજા આવશે.''

ઋષિદાને એ વાત યાદ હતી જ્યારે અબ્બાસ સાહેબે અમિતાભનો પરીચય આ શબ્દોમાં આપ્યો હતો, '' આનું નામ અમિતાભ છે. મારી ફિલ્મ 'સાત હિંદુસ્તાની' માં એણે ઉત્તમ કામ કર્યું છે. એના પિતાજીને હું ઓળખું છું. ડૉક્ટર હરિવંશરાય બચ્ચન. આ છોકરો કામ શોધી રહ્યો છે. તમે એને તમારી ફિલ્મમાં તક આપી શકો તેમ હોવ તો તેમ કરવા મારી વિનંતી છે.''

કે.એ.અબ્બાસ જેવા મોટા ગજાના માણસ જ્યારે 'વિનંતી' કરતા હોય ત્યારે કોણ એને ઠુકરાવી શકે?

ઋષિદા આંખનું મટકુંયે માર્યા વગર આ નવા અભિનેતા ને તાકી રહ્યા. જાણે કે એની ભીતરમાં છુપાયેલી પ્રતિભાને માપી રહ્યા!

અમિતનો ચહેરો એ વખતે સૂક્કો અને ગાલમાં ખાડા વાળો હતો. એ ચહેરામાં સુખનું માંસ અને સમૃધ્ધિની ચરબી ભરાવાની હજુ વાર હતી. એ ઘણો દૂબળો -પાતળો અને ખાસ્સો ઊંચો હતો. પણ એની આંખોમાં સાગરનું ઊંડાણ હતું. ઋષિદાને લાગ્યું કે આ છોકરાની આંખોમાં એક ન સમજાય તેવી વેદના પડેલી છે. એમણે અમિતની સાથે થોડી વાતો કરી. એમને લાગ્યું કે અમિતનો અવાજ ઊંડો ને ઘૂંટાયેલો હતો.

અચાનક એમના દિમાગમાં ચમકારો થયો: ''આ છોકરાને ડૉ.ભાસ્કરની ભૂમિકા માટે પસંદ કર્યો હોય તો કેવું રહેશે?''

ઋષિકેશ મુખરજી એ સમયે 'આનંદ' બનાવી રહ્યા હતા....અને અમિતાભ 'આનંદ'માં આવી ગયા

રાજેશ ખન્નાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ગણાયેલી 'આનંદ'ની વાર્તા ઋષિદાએ જાતે લખી હતી. છેક 1960માં એ કથા લખાઇ ચૂકી હતી. 'અનાડી' ફિલ્મ પૂરી થઇ ગયા પછી ઋષિદાએ પોતાના અને રાજકપૂરના સંબંધો વિષે એક ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું.


'આનંદ' ફિલ્મ બનાવવાનો વિચાર તો છેક 1962માં આકાર ધરી ચૂક્યો હતો, પણ એક યા બીજા કારણસર એને અમલમાં મૂકી શકાતો ન હતો. સૌથી મોટી મુશ્કેલી એ હતી કે આ ફિલ્મના નિર્માણ માટે નાણાં રોકવાની કોઈ પણ નિર્માતાની તૈયારી ન હતી. એ બધાંને આ 'પ્રોજેક્ટ'માં કસ જણાતો ન હતો. આ એક ગંભીર પ્રકારની 'આર્ટ ફિલ્મ' જેવી વધારે લાગી રહી હતી. એમાં કોઇ હીરોઇન માટે, રોમાન્સ માટે કે ગીતો માટે અવકાશ દેખાતો ન હતો.

બીજી તકલીફ મુખ્ય ભૂમિકા ભજવવા માટે હીરોની તલાશની હતી. ફિલ્મ જ્યારે બનવાની તૈયારીમાં આવી ગઈ, ત્યાં સુધીમાં રાજકપૂર યુવાનને બદલે આધેડ વય તરફ પ્રસ્થાન કરી ચૂક્યા હતા. એમના જેવો ખુશમિજાજ અદાકાર બીજો મળવો મુશ્કેલ હતો. શશીકપૂર પાસે તારીખો ન હતી. કિશોર કુમાર સ્વાભાવિક વિકલ્પ હતો, પણ એના નખરાં અને પાગલપણાની સાથે પનારો પડવાનું કામ અઘરું હતું.

અચાનક એક દિવસ રાજેશ ખન્ના સામે ચાલીને મળવા માટે આવ્યો. ઋષિદાને કહે,'' મારે 'આનંદ'નું પાત્ર ભજવવું છે. મને વાર્તા સંભળાવો. ''

''સોરી, હું વાર્તા કોઈને સંભળાવતો નથી. અને બીજી એક વાત પણ તારે સ્વીકારી લેવી પડશે; હું જ્યારે ફિલ્મ બનાવતો હોઊં છું ત્યારે 'બોસ' ફક્ત હું જ હોઉં છું. તારે ભૂલી જવું પડશે કે તું દેશનો સૌથી વધારે લોકપ્રિય અભિનેતા છે. તારે સુપરસ્ટાર તરીકેના નાઝ-નખરા અને અહંકાર જૂતાની સાથે જ બહાર ઊતારીને સ્ટુડિયોમાં આવવું પડશે.'' ઋષિદાએ ચોખ્ખી વાત કરી દીધી. આ એમની શૈલી હતી. એમની ફિલ્મના 'સેટ' ઊપર સ્પોટ બોય અને સુપરસ્ટાર એક સમાન બનીને જીવતા હતા. જહાજના કેપ્ટન માત્ર ઋષિદા જ રહેતા હતા, બાકીના તમામ માત્ર પ્રવાસીઓની ભૂમિકામાં રહેતા હતા.

રાજેશ ખન્નાએ વાર્તા સાંભળવાનો આગ્રહ ચાલુ રાખ્યો. ત્યારે ઋષિદાએ શરત મૂકી, ''વાર્તા તો સંભળાવું; મને વિશ્વાસ છે કે એ તને ગમી જશે. પણ પછી તારે ફિલ્મના શૂટીંગ માટે બધી તારીખો સળંગ આપવી પડશે.'' રાજેશ ખન્ના તૈયાર થઇ ગયા.

જેમણે 'આનંદ' જોઇ છે એને યાદ હશે કે ઋષિદાએ ખન્ના પાસેથી કેવું ફક્કડ કામ કઢાવ્યું છે! સુપરસ્ટારને કોઈ ચમકદાર મેકઅપ કે ગ્લેમરસ કપડાં વગર એક મરીઝના રૂપમાં એમણે રજૂ કર્યો અને ખન્ના છવાઇ ગયો. વિવેચકોના મતે તો રાજેશે જિંદગીમાં આ એક જ ફિલ્મમાં અભિનય કર્યો છે, બાકી તો જીવનભર નિખરાંઓ, ગિમિક્સ અને મેનરીઝમ્સથી જ કામ ચલાવ્યે રાખ્યું છે.

ઋષિકેશ મુખરજી જમાનો જોઈ ચૂકેલા માણસ હતા. એમના મનમાં તો ડૉ. ભાસ્કરના પાત્ર માટે અમિત વસી ગયો હતો, પણ એમણે અમિતને એ વિષે જણાવ્યું નહીં. આડી-અવળી વાતો કરીને બંને છૂટા પડ્યા. એ પછી ઋષિદાએ 'સાત હિંદુસ્તાની' ફિલ્મ જોઈ લીધી. એમાં અમિતનું કામ એમને ખાસ કંઇ પ્રભાવિત કરી શક્યું નહીં. તેમ છતાં એમણે એના નામ ઉપર ચોકડી ન મારી દીધી. નિયમિત સમયાંતરે અમિત એમને મળતો રહ્યો. અમિતને કામની તલાશ હતી અને ઋષિદાને ડૉ.ભાસ્કરની. એ ઝીણું નિરીક્ષણ કરતા રહ્યા. આખરે એમને લાગ્યું કે આ જુવાન ડૉ.ભાસ્કરનું પાત્ર ભજવી શકે તેવો છે.

'આનંદ'નો ડૉ.ભાસ્કર અંતર્મુખી માણસ છે. બંગાળનો ભદ્ર બાબુ મોશાય. જે જ્વલ્લે જ હસે થે. જે પોતાને ગમતી યુવતીની સાથે પણ શરમાતો રહે છે, ફાલતુ બક-બક કરતા માણસો (આનંદ જેવા) પ્રત્યે એને ચીડ છે અને દિવસભર દરમ્યાન મનમાં ઉઠતી સંવેદનાઓને રોજ રાત્રે એ પોતાની અંગત ડાયરીમાં ટપકાવતો રહે છે.

નવ્વાણુ ટકા જેટલો મામલો પતી ગયો હતો. એક ટકા જેવી અધૂરપ જો કે હજુ બાકી હતી, તો એ ઓમપ્રકાશે પૂરી કરી આપી.

એક દિવસ ઓમપ્રકાશ અને ઋષિકેશ મુખરજી ભેગા થઇ ગયા. રણજીત સ્ટુડિયોની આ ઘટના. કોઇ સંદર્ભ વગર જ ઓમ પ્રકાશે વાત કાઢી,'' તાજેતરમાં મેં એક નવા છોકરાની સાથે કામ કર્યું છે. ફિલ્મ 'પરવાના'માં. ફિલ્મનો હીરો નવીન નિશ્ચલ છે, પણ કમાલનું કામ તો વિલન બનતા એક છોકરાએ કર્યું છે. અદભુત કલાકાર છે એ....''

''શું નામ છે?''

'' અમિતાભ...!! નવા અભિનેતાઓમાં એનો જોટો જડે એમ નથી. યાદ રાખજો મારા શબ્દો. આવનારા સમયમાં એ બીજો પાલમુનિ સાબિત થશે.'' ઓમ પ્રકાશની પ્રશંસાએ ઋષિદાએ રહી-સહી અવઢવ પણ દૂર કરી દીધી. 'આનંદ' માટે ડૉ. ભાસ્કરનું પાત્ર અમિત માટે 'રીઝર્વ' થઇ ગયું.


અમિતાભને લાગ્યું કે આ વિશ્વમાં બધાં માણસો સ્વાર્થી કે ગણતરીબાજ નથી હોતા. ઊગતા સૂરજની વંદના તો સહુ કરે છે; પણ ક્ષિતીજની પૂર્વ રેખામાં ઊગવા મથતાં કોઈ પણ અગનગોળાને સૂરજ તરીકે પીછાણી અને પ્રમાણી શકે તેવા માણસો કેટલા હશે? અને ક્યાં હશે?

ખ્વાજા એહમદ અબ્બાસ અને ઓમ પ્રકાશ આ બે જણાં આવા સાત્ત્વિક મહાનુભાવો હતા. અને એટલે જ અમિતાભ એમને કદિયે ભૂલ્યા નથી.

વિશ્વમાં એવી ચાર જ વ્યક્તિઓ છે (હતી) જેમને અમિતાભ બચ્ચન જ્યાં, જ્યારે અને જે હાલતમાં મળે ત્યાં અને ત્યારે જાહેરમાં ચરણસ્પર્શ કરી લેતા હતા. એમાંની બે વ્યક્તિઓ આ હતી; અબ્બાસ સાહેબ અને ઓમ પ્રકાશ...!!

તો મિત્રો, બીજી બે વ્યક્તિઓ કોણ હતી?!

એ વિષે ભવિષ્યમાં વાત કરીશું. આજ કે લિયે બસ ઇતના હી.....
કહીં ભી જાઇયેગા નહીં હમ યૂં ગયે ઔર યૂં આયે!

અમિતાભ ઉર્ફ અમિત શ્રીવાસ્તવ ઉર્ફ મુન્નો ઉર્ફ અમિતાભ બચ્ચન


વાસ્તવિક જિંદગીમાં આ સવાલનો જવાબ શોધવા માટે બહુ દૂર સુધી લાંબા થવું પડે છે. કોઇએ કહ્યું છે ને કે મોરનું પીંછું શોધતાં-શોધતાં ગોકૂળમાં પહોંચી જવાય છે...!! અમિતાભનું પગેરુ શોધતાં-શોધતાં છેક ઉત્તર પ્રદેશના બસ્તી જીલ્લાના ગામ અમોઢા સુધી પહોંચી જવાય છે. અમિતાભ બચ્ચનના પૂર્વજો મૂળ આ ગામ અમોઢામાં વસતાં શ્રીવાસ્તવ બ્રાહ્મણો હતા.બસ્તી જીલ્લો એ શ્રીવાસ્તવના અપભ્રુંશમાંથી બનેલુ નામ છે. પ્રાચિન શ્રીવાસ્તવના રાજઓ શ્રાવ નામથી પ્રખ્યાત હતા. શ્રીવાસ્તવ જાણીતા અને મહત્વના માણસો પોતાના નામની પાછળ શ્રીવાસ્તવ લગાડવા માંડ્યા. આના પરથી શ્રાવસ્તીના કાયસ્થ બ્રાહ્મણો ધીમે-ધીમે શ્રીવાસ્તવ બની ગયા. 

આજથી લગભગ ત્રણસો એક વરસ પહેલાં શ્રાવસ્તીના અનેક કાયસ્થ બ્રાહ્મણ પરિવારો કોઇ અકળ કારણને લઈને શ્રાવસ્તી નગરી છોડીને ચાલ્યા ગયા. એમાંથી મનસા નામનાં એક દરીદ્ર પુરુષે પ્રતાપગઢમાં આવીને નિવાસ શરૂ કર્યો. આ મનસા અત્યંત કંગાળ બ્રાહ્મણ હતો. થોડાક સમય બાદ પત્નીને લઈને એ પ્રયાગમાં આવી વસ્યા. પ્રયાગ એ જ આજનું અલ્લાહાબાદ. અહીં જન્મેલો જાતક આગળ જતાં આવું ગાવાનો હક્કદાર ગણી શકાય : “મૈં છોરા ગંગા કિનારે વાલા...” મનસા એટલે એ જમાનાના પ્રયાગના સુદામા. એમની છઠ્ઠી પેઢીએ પ્રતાપનારાયણનો જન્મ થયો. આ પ્રતાપનારાયણ એ આપણા મહાનાયક અમિતાભના દાદા થાય. એ બંન્નેને જોડતી કડી એટલે હરિવંશરાય

પ્રતાપનારાયણની પત્નીનું મૂળ નામ સરસ્વતી હતું, પણ લોકમુખે થઈ ગયું સુરસતી. એમણે કુલ આઠ સંતાનોને જન્મ આપ્યો. હરિવંશરાય એમનું છઠ્ઠું સંતાન. એમના પછી અવતરેલો શાલિગ્રામ નામનો દીકરો અને શૈલજાકુમારી નામની દીકરી જીવી ગયાં; અન્ય પાંચ સંતાનો મ્રુત્યુ પામ્યા. 

છઠ્ઠા પુત્રના જન્મના સમાચાર જ્યારે મળ્યા, ત્યારે પિતા પ્રતાપનારાયણ હરિવંશ વાંચી રહ્યા હતા; તરત જ એમણે દીકરાનું નામ પાડી દીધું : હરિવંશરાય. નાનકડાં હરિવંશને ઘરમાં સૌ લાડથી બચ્ચન કહીને બોલાવતા હતા.આપણાં ગુજરાતમાં પણ એવો રીવાજ પ્રચલિત હતો (આજે પણ છે) કે જો બાળકો જીવીત રહેતા ન હોય તો જન્માતાની સાથે જ એને "પારકા" કરી દેેેવામાં આવે! એ બાળક ભલે ઊછરે પોતાના જ ધરમાં, પણ એના માતા-પિતા એને પરાયું સંતાન સમજીને ઊછેરે. ‘ત્યાગીને ભોગવી જાણો’ એ આપણું શાસ્ત્ર-વાક્ય આવા કિસ્સાઓમાં અલગ અર્થ પામીને ઊઘડે છે. 

પ્રતાપનારાયણે પણ પોતાના આ નવજાત બચ્ચનને એક હરિજન પરિવારે દત્તક આપી દીધો. ભાવનાત્મક દ્રષ્ટિએ જ માત્ર નહીં. લછમનિયા નામની હરિજન માતાને ધાવીને એ મોટા થયા. આજે ન્યાત-જાતના ભેદભાવ મિટાવી દેવાની ગુલબાંગો દેશના નેતાઓ છાશવારે પોકારતા રહે છે, પણ સાંપ્રત સમયમાં આવા ભેદભાવ ભૂંસે નાંખવાનું જવલંત દ્રષ્ટાંત જો કોઇએ જોવું હોય તો તે બચ્ચન પરિવરનું છે. હરિજન માનાં ધાવણથી જીવીત રહેલા હરિવંશરાયનો એ પરિવાર સાથેનો સંબંધ એમના પુત્ર અમિતાભે જાળવી રાખ્યો છે. બ્રાહ્મણો હોવાં છતાં છેલ્લી ત્રણ પેઢીઓથી એમણે યજ્ઞોપવિતનો ત્યાગ કરી દીધો છે, બ્રાહ્મણ જ્ઞાતિનો ઊલ્લેખ ચૂડી દીધો છે અને ખાનદાની અટક શ્રીવાસ્તવે પણ ભૂંસી નાખી છે. અમિતાભને જ્યારે પણ તક મળી છે ત્યારે સમગ્ર પરિવારની સાથે તેઓ લછમિયાનાં ધરમાં જઈને, જમીન ઉપર બેસીને પોતાના આ ભાઈ-બહેનોની સાથે એક જ પંગતમાં ભોજન આરોગવા પહોંચી ગયા છે. આ સંસ્કારનું મૂળ પિતા હરિવંશરાયના માનવવાદમાં રહેલું છે. 

ઘણીવાર કેરીનો સ્વાદ જાણવા માટે આંબાને જાણવો જરૂરી થઈ પડે છે. એમ સંતાનને જાણવા માટે એના માવતર વિષે માહિતી મેળવવી ફરજીયાત બની જાય છે. માટે આજના અમિતાભને સારી રીતે જાણવા ને પામવા માટે ગઈ કાલના કવિ હરિવંશરાય બચ્ચનજીને જાણવા જરૂરી છે. 


વિધાતાની એક ક્રૂર મજાક જુઓ.... ભવિષ્યમાં જે મહાન કવિની રચનાઓ યુનવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન મેળવવાની હતી, તે પોતે મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં નપાસ થયો હતો !
કવિ હવે સંપૂર્ણપણે કવિતા તરફ વળી ગયા. પાંચ વરસ દરમ્યાન બીજા ત્રણ કાવ્યસંગ્રહો પ્રકટ થયા જેને કારણે કવિનું નામ હિંદી સાહિત્ય વિશ્વમાં મશહૂર બની ગયું. ઘરનું હુલામણું નામ બચ્ચન હવે એમણે પોતાના તખલ્લુસ તરીકે અપનાવી લીધું.

પણ આ શબ્દ બચ્ચનની ખરી પ્રગતી થવાની બાકી હતી. હિંદી ફિલ્મોના મહાનાયક અભિતાભને જ્યારે પહેલીવાર શાળામાં દાખલ કરવાનો સમય આવ્યો ત્યારે રજીસ્ટરમાં વિદ્યાર્થીનું પુરૂ નામ લખાવવાનો પ્રસંગ ઉભો થયો. 

કવિ હરિવંશરાયને  જ્ઞાતિસૂચક અટક સામ સખત અણગમો હતો. આથી એમણે હેડમાસ્તરને કહી દીધું અમારી અટક શ્રીવાસ્તવ છે, પણ મારા પુત્રના નામમાં અટકના સ્થાને માત્ર મારૂ તખલ્લુસ લખજો. આમ વિદ્યાર્થીનું નામ દર્જ થયુ અમિતાભ હરિવંશરાય બચ્ચન. અમિતાભ બચ્ચનને ઘરમાં સૌ મુન્નો કહીને બોલાવતા હતા; ખાસ તો એમની માતા તેજી બચ્ચન. મુન્નો જ્યારે અઢી વર્ષનો હતો ત્યારે એક વાર ખોવાઈ ગયો હતો.....એ પ્રસંગ
ફરી ક્યારેક.....!!


બંટી અને અમિતાભ (મુન્નો)

અમિતાભ અને અજિતાભ વચ્ચે સાડા ચાર વરસનો ફરક છે. જ્યારે અમિતાભનો જન્મ થયો ત્યારે 1942ની ‘હિંદ છોડો’ ચળવળ ચાલતી હતી. કવિ બચ્ચનજીનાં મિત્ર અમરનાથ ઝાએ સૂચન કર્યું હતું, “તમારા દિકરાનું નામ ઈન્કિલાબ રાય પાડો! ‘42ની ચળવળની સ્મૃતિ કાયમી બની જશે.”

પણ તેજી બચ્ચનને આવું નામ પસંદ ન પડ્યું. કવિ સુમિત્રનંદ પંતના હોઠો પરથી અનાયાસ સરી પડેલો શબ્દ ‘અમિતાભ’ એમને ગમી ગયો. સાડા ચાર વરસ પછી જ્યારે બીજા દીકરાનો જન્મ થયો ત્યારે પણ આવું જ બન્યું. 1947નું વરસ હતું. ભારતની આઝાદી હાથવેંતમાં હતી. ફરીથી એ જ મિત્ર અમરનાથ ઝાએ સૂચન કર્યું, “આ બીજા દીકરાનું નામ આઝાદરાય રાખો!”

આ નામ પણ તેજીને પસંદ ન પડ્યું. જોગાનુજોગ આ વખતે પણ કવિ સુમિત્રાનંદ પંત એમના ઘરે મહેમાન બનીને પધારેલા હતાં. એમણે કહી દીધું, “જો મોટો ભાઈ અમિતાભ હોય તો નાનો ભાઈ અજિતાભ જ હોઈ શકે.” આમ નાનાં દીકરાનું નામ પણ નક્કી થઈ ગયું.

આમ મુન્નો અને બંટી એટલે આજના અમિતાભ અને અજિતાભ બચ્ચન (મૂળ શ્રીવાસ્તવ બ્રાહ્મણ)!!!

સંકલન ...વધુ આવતા લેખમાં......

Wednesday, September 27, 2017

અમિતાભ બચ્ચન -- એન્ગ્રી યંગમેન



ફિલ્મનું નામ યાદ નથી, પણ એમાં આવતો એક ડાયલોગ શબ્દશઃ યાદ છે. ફિલ્મનું પાત્ર ભજવતાં અમિતજી બોલે છે, “પૈસે આતે નહીં, પૈસે પૈદા કિયે જાતે હૈ.” આ જાલીમ જગત પાસેથી છીનવી લેવાની વ્યવહારુ વાતમાં મને ક્યારેય રસ પડ્યો નથી. પણ બચ્ચન સાહેબનાં ધેરા અવાજમાં અને દાદાગીરીભર્યા અંદાજમાં બોલાયેલું આ વાક્ય ત્યારે મને ગમી ગયું હતું. 

શરદ ઠાકર પણ એમ કહે છે કે, ‘દીવાર’ જોયું ત્યારે મારી ઉમર ઓગણીસ વર્ષની હતી. હું ત્યારે ફર્સ્ટ એમ.બી.બી.એસ.માં હતો. પણ અમિતાભનો અભિનય અને ખાસ તો આખી ફિલ્મમાં છવાઈ ગયેલા એક-એક વાક્યનાં ટૂંકા, ચોટદાર સંવાદો મારા મનને એ હદે સંમોહિત કરી ગયેલા કે ત્રણ દિવસમાં હું બે વાર એ ફિલ્મ જોઈ આવ્યો હતો. વાર્ષિક પરિક્ષા માથા ઉપર ગાજતી હોવા છતાં...!

સલીમ-જાવેદની જોડીએ કેવા ધાંસુ સંવાદો લખ્યા હતાં અને અત્યાર સુધી લાંબો, પાતળો, કંઢગો લાગતો આવેલો અમિતાભ એની નવી હેરસ્ટાઈલને કારણે એટલો બધો હેન્ડસમ, સ્માર્ટ અને ડાયનેમિક લાગવા માંડ્યો હતો કે એની સામે અત્યાર સુધીનાં તમામ હીરાઓ ઝાંખા લાગવા માંડ્યા હતાં. ( આ નવો હેરલૂક હબીબ નામનાં હેર-આર્ટીસ્ટે અમિતાભને ફિલ્મ ‘જંઝીર’માં પહેલીવાર આપ્યો હતો. પણ એની સાચી જમાવટ ‘દીવાર’થી શરૂ થઈ હતી. અને આ જ હબીબ ની હેર સ્ટાઇલ માટેની સલૂનો પછી બ્રાન્ડ રૂપે હબીબ અને જાવેદ હબીબ રૂપે અત્યારે ભારત અને વિદેશોમાં ધૂમ મચાવે છે!!)

આપણે વાત કરતાં હતાં પૈસાની. ખૂબ ઓછી મહેનતથી, ખૂબ ઓછા સમયમાં, ખૂબ વધારે રૂપિયા કમાઈ લેવાની વાત ચાલતી હતી. અમિતાભનાં મનમાં આવી વાત ક્યારે આવી હશે? વાસ્તવિક જીંદગીમાં એનું બાળપણ ઘણાં બધાં સીમિત મોજશોખમાં પસાર થયું હતું. એના માટે મોજશોખ શબ્દ પણ ખોટો ગણાય. પિતાજી અલ્હાબાદમાં અધ્યાપક હતાં. પગાર આવતો હતો, પણ મર્યાદિત હતો. 

માતા તેજી બચ્ચન એક ચોક્કસ સ્તરની લાઈફ સ્ટાઈલ માટે ટેવાયેલા હતાં. ઘર ભલે ભાડાનું હોય, પણ તે મોટું હોવું જોઈએ. કપડાં ભલે થોડાં હોય, પણ સારા મળવાનું એમને ગમતું હતું. ઘરમાં વાર-તહેવારો ઉત્સવોની ઊજવણી કરાતી હતી. શાનદાર પાર્ટીઓ અપાતી હતી અને લેવાતી હતી. ઘરની સજાવટ, રંગોની પસંદ, ફોટોગ્રાફીનો શોખ અને બાગકામનો રસ. કવિ બાપડા ગમે તેટલું કમાય, તો પણ બે છેડાઓ ભેગા થવામાં મુશ્કેલી પડતી.

આવી પરિસ્થિતિમાં નાનકડો અમિત શું વિચારતો હશે એના દિમાગમાં ક્યારેય અઢળક પૈસા કમાઈ લેવાની કામના જન્મી હશે કે નહીં અમિતાભની જિંદગીમાંથી આવા કેટલાક પ્રસંગો જડી આવે છે.

એક પ્રસંગ અલ્હાબાદનો જ છે. તેજી બંને બાળકોને પોતાની પાંખમાં લઈને ભારે કરકસરથી ઘર ચલાવી રહ્યાં હતાં; પતિ વિલાયત હતાં. ત્યાં એમનો નિર્ધારીત સમય પૂરો થઈ ગયા પછી અચાનક એમનું રોકાણ લંબાઈ ગયું હતું. કવિએ છેલ્લી ઘડીએ નક્કી કર્યું હતું કે અલ્હાબાદ પાછા ફરીને પી.એચ.ડી. કરવાને બદલે વિલાયતમાં જ થોડા મહિના વધારે રહીને ત્યાં જ પી.એચ.ડી. પૂરૂ કરી લેવું.

તેજીએ પોતાનાં ઘરેણાં વેચવા પડ્યાં. જરૂરી રોજીંદા ખર્ચાઓ ઉપર મોટાપાયે કાતર ફેરવી દેવી પડી. કવિને તો આ વાતનો અંદાજ પણ ન હતો. એ પોતાનું ધ્યેય પુરું કરીને ભારત પાછા આવ્યાં. એમણે તારીખ અને સમય અગાઉથી જણાવી દીધા હતાં. પણ તેજીએ જવાબમાં કહી દીધું હતું કે હું તમને લેવા માટે બંદર ઉપર નહીં આવી શકું.

કવિ મુંબઈ ઉતરીને ટ્રેનમાં અલ્હાબાદ પહોંચ્યા. ઘરે જઈને પત્ની અને દીકરાઓને મળ્યાં. અમિત માટે એરગન લાવ્યા હતાં એ એને આપી. નાના બંટી માટે પાંચ ડબ્બાવાળી ચાવી ભરવાથી ચાલી શકે તેવી ટ્રેન લાવ્યા હતાં. બંને બાળકો ખુશ થઈ ગયાં.

સાંજનું ભોજન કરીને બધાં પથારીમાં પડ્યાં. બંટી ઊંધી ગયો. અમિત ઊંધવાનો ડોળ કરીને જાગતો પડ્યો હતો. ત્યાં એના કાન પર માતા-પિતાની વાતચીત પડી.

કવિ બચ્ચન પૂછતાં હતાં, “તેં મને લખ્યું હતું કે તું બંદર પર મને ‘રીસીવ’ કરવા માટે નહીં આવી શકે પણ મને આશા હતી કે તું આવીશ જ. હું સ્ટીમરમાંથી ઉતરીને બહાર આવ્યો ત્યારે છેક છેલ્લે સુધી મારી આંખો તને જ શોધી રહી હતી. તું શા માટે ન આવી?

જવાબમાં તેજી ઘ્રુસકે-ઘ્રુસકે રડી પડ્યાં, “તમને ખબર છે કે ઘરની આર્થિક હાલત કેવી છે? આજે રાત્રે આપણે જે ભોજન જમ્યાં, તે છેલ્લું ભોજન છે. ઘરમાં અનાજનો એક દાણો પણ બચ્ચો નથી. તમને આવકારવા માટે અલ્હાબાદથી મુંબઈનું ગાડી ભાડું ક્યાંથી લાવું?."

તેજીની વાત સાંભળીને કવિ સ્તબ્ધ બની ગયાં. પોતે પી.એચ.ડી.ની ડીગ્રી લઈને વિલાયતથી પાછા આવ્યા હતાં એ વાતનો આનંદ ઓલવાઈ ગયો. ખિન્ન ચહેરા સાથે તેઓ બબડતા રહ્યાં, “આવી હાલત થઈ ત્યાં સુધી તેં મને અંધારામાં રાખ્યો?! જો મને જણાવ્યું હોત તો હું ભણવાનું પડતું મુકીને ઘરે પાછો આવી ગયો હોત ને...

અને અમિત પથારીમાં પડ્યો પડ્યો ગુસ્સાની આગમાં સળગી રહ્યો હતો. ના, એને રડવું નહોતું આવતું. એના મગજમાં આ જગતની સામે રોષ જન્મી રહ્યો હતો. શો વાંક હતો એના પિતાનો? શા માટે આવા ઉત્તમ કવિને ઈશ્વરે ગરીબ અવસ્થામાં રાખ્યો હશે? અને શા માટે બીજા અપ્રમાણિક અને નિમ્ન કક્ષાનાં માણસોને અઢળક દોલત આપી હશે?

આપણે તો એંગ્રી યંગમેનનો જન્મ હિંદી સિનેમાનાં પડદા ઉપર છેક 1973-‘74માં ફિલ્મ ‘દીવાર’માં થતો જોયો છે; હકીકતમાં ‘એંગ્રી લિટલ મેન’નો જન્મ તો 1954ની પાંચમી જુલાઈની મધરાતે કવિ હરિવંશરાય બચ્ચનનાં બેડરૂમમાં થઈ ચૂક્યો હતો. જ્યારે માતાને રડતી અને ભાંગી પડતી જોઈને અમિત સમાજનાં આ અન્યાય સામે મુઠ્ઠીઓ ઊગામતો હતો, ત્યારે એની ઉંમર હતી ફક્ત બાર વર્ષ!

બીજા દિવસની સવારે અમિતની સવારે અમિતનાં હાથમાં પિતાએ અપાવેલી ‘એરગન’ હતી એ વિચારતો હતો: “આનાથી હું કોને મારું?

એ ક્ષણ હતી, જ્યારે અમિતના મનમાં મબલખ ઘન કમાવવાની ઝંખના આકાર લઈ રહી હતી. એ સ્વપ્ન જોતો હતો; આંખોમાંથી આંસુ ખેરવતી માની હથેળીમાં લાખો રૂપિયાની કરન્સી નોટો મૂકવાનું સપનું! અને ભોળા પિતાનાં ખિસ્સા હીરા, મોતી અને ઝવેરાતથી છલકાવી દેવાનું સપનું!!! 

અન્ય વધુ પ્રસંગો ફરી ક્યારેક....


Tuesday, September 26, 2017

એન્થની ગોન્સાલ્વીસ


એન્થની ગોન્સાલ્વીસને કોણ નહીં ઓળખતું હોય? મનમોહન દેસાઈની ફિલ્મ‘અમર અકબર એન્થની’માં એન્થની ગોન્સાલ્વીસની ભૂમિકા કરનાર અમિતાભ બચ્ચને આ પાત્રને ઘેરઘેર જાણીતું કરી દીધું હતું. ‘માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વીસ’ ગીતની આ લીટી સાંભળીએ એટલે અનાયાસે જ તેના પછીની લીટી ‘મૈં દુનિયામેં અકેલા હૂં’ હોઠ પર આવી જાય. જાણકાર હોય એ એમ પણ કહે કે આ એન્થની ગોન્સાલ્વીસ નામની એક વ્યક્તિ વાસ્તવમાં છે અને એ પણ ફિલ્મી દુનિયામાં.આટલું જણાવીને એ રહસ્ય ખોલતા હોય એમ જણાવે કે અસલી એન્થની ગોન્સાલ્વીસ એટલે સંગીતકાર પ્યારેલાલના ગુરુ. અને આ ગીત દ્વારા પ્યારેલાલે ખરેખર તો પોતાના આ ગુરુને અંજલિ આપી છે. વાત સાચી છે. 

૨૦૧૨ના જાન્યુઆરીની ૧૯મી તારીખે એન્થની 
ગોન્સાલ્વીસનું અવસાન થયું ત્યારે પણ ટી.વી.ચેનલ પર કે અખબારોમાં આટલી જ માહિતી આપવામાં આવી હતી. એ બહાનેય એન્થની ગોન્સાલ્વીસને યાદ કરાયા એ આનંદની વાત છે. પણ તેમની ઓળખ ફક્ત આટલી જ છે? આ ઓળખ  સાચી  ખરી,  પણ અધૂરી  કે  એકાંગી  કહી  શકાય. અમિતાભ બચ્ચનની  ઓળખ કેવળ  ઐશ્વર્યાના સસરા તરીકે  કે રાજ કપૂરનો પરિચય રણબીર કપૂરના દાદા તરીકે આપવા જેવી ચેષ્ટા એ કહેવાય.

વાસ્તવમાં એન્થની ગોન્સાલ્વીસનું કામ હિન્દી ફિલ્મ સંગીતમાં એવું અને એટલું પ્રચંડ  અને પાયાનું છે કે કોઈ એક ઓળખમાં તેમને કેદ કરવા મુશ્કેલ બને. સંગીતના વાતાવરણમાં જ જન્મેલા એન્થનીનો, તેમના પ્રદાનનો પરિચય મેળવવા જેવો છે.

૧૯૨૭માં ગોવામાં જન્મેલા એન્થનીના પિતા જોઝ ગોન્સાલ્વીસનું પોતાનું ‘યુનિવર્સલ’  નામનું બેન્ડ હતું.

ગોન્સાલ્વીસ કુટુંબમાં કોયર (ચર્ચમાં ગવાતાં સમૂહગાન) ની પરંપરા હતી. જોઝ પોતે સંગીતશાળા ચલાવતા. તેમની પાસેથીએન્થનીને વાયોલીન શીખવા મળ્યું. વાયોલીન પર તેનો હાથ 
એવો બેઠો કે માત્ર તેર વરસની  ઉંમરે  તો  એ પોતાના પિતાને ત્યા ભણવા આવતા અન્ય વિદ્યાર્થીઓને શીખવવા લાગ્યો, જે તેનાથી ઉંમરમાં  ઘણા મોટા હતા. સોળ વર્ષની ઉંમરે તરુણ વયનો એન્થની સંગીતકાર તરીકે નસીબ અજમાવવા માટે મુંબઈ આવ્યો. 

એ સમયે એન્થની વાયોલીન વગાડતો. ફિલ્મોના સંગીત માટે ત્યારે એવો રિવાજ પ્રચલિત હતો કે વાદકો સમૂહમાં વગાડતા અને સંગીતકાર એમાંથી નક્કી કરતા કે સોલો ટુકડા કોણ વગાડશે.
 
એન્થનીને કારદાર પ્રોડક્શન્સની ફિલ્મ ‘શારદા’ (૧૯૪૨) માં કામ મળ્યું, જેના સંગીતકાર હતાનૌશાદ/Naushad. નૌશાદની ઓરકેસ્ટ્રામાં જોડાયેલા એન્થનીએ પાર્શ્વસંગીતનું પાસું બખૂબી સંભાળી લીધું. 
નૌશાદ સાથે તેમને એવું ફાવી ગયું કે એ પછી નૌશાદ માટે તેણે અનેક ફિલ્મો કરી, જેમાં સ્ટેશન માસ્ટર(૧૯૪૨), સંજોગ(૧૯૪૩), ગીત (૧૯૪૪), રતન(૧૯૪૪), અનમોલ ઘડી (૧૯૪૬), દુલારી(૧૯૪૯), દાસ્તાન (૧૯૫૦), જાદુ(૧૯૫૧),  બૈજુબાવરા(૧૯૫૨), મધર ઈન્ડીયા(૧૯૫૭) વગેરેનો સમાવેશ થાય છે. વાયોલિન  વગાડવા ઉપરાંત એન્થનીનું મુખ્ય કામ હતું નોટેશન્સ બનાવવાનું, ગોવાના અનેક વાદકો ત્યારે ફિલ્મસંગીતના ક્ષેત્રે નસીબ અજમાવવા માટે મુંબઈ આવી રહ્યા હતા. એ સમયે ત્યારના જાણીતા વાયોલીન વાદક પીટર સેક્વેરા સાથે એન્થનીનો પરિચય થયો અને તેમના થકી ઓળખાણ થઈ સંગીતકાર અનિલ બિશ્વાસની. દેવિકા રાણી અને અનિલ બિશ્વાસ ત્યારે બોમ્બે ટૉકીઝ માટે પ્રતિભાશાળી વાદકોની તલાશમાં હતા. શરૂઆતમાંતો ગીતમાં ઈન્ટરલ્યૂડ (બે અંતરાની વચ્ચેના ભાગના) સંગીતમાં વૈવિધ્ય ભાગ્યે જ જોવા (સાંભળવા) મળતું. મોટે ભાગે સીધાસાદા આરંભ પછી ગીતના શબ્દો આવે અને ગાયન દરમ્યાન તેમજ બે અંતરાઓની વચ્ચે ટ્રમ્પેટ કે અન્ય વાદ્યની એકધારી સંગત ચાલ્યા કરતી. એન્થનીએ ધીમે ધીમે આ પદ્ધતિમાં પરિવર્તનનો આરંભ કર્યો અને સૂરોની ગોઠવણીમાં ફેરફાર કરવા માંડ્યો. નૌશાદથી ઘણા સિનીયર, છતાં તેમના સહાયક સંગીતકાર ગુલામમહમ્મદને આ રીતમાં મઝા ન આવતી. એટલે તે કહેતા, ‘બેસૂરા લગતા હૈ.’ જોકે, એન્થનીની આવી સ્વરબાંધણીઓ લોકપ્રિય  થવા લાગી.

સચિન દેવ બર્મન નો ફિલ્મસંગીત  ક્ષેત્રે  ‘શિકારી’થી પ્રવેશ થયો ત્યારે તેમને પણ એન્થનીની જરૂર પડી. માસ્ટર ગુલામ હૈદર, ખેમચંદ પ્રકાશ, જ્ઞાન દત્ત, હુસ્નલાલ-ભગતરામ, સી.રામચંદ્ર જેવા લોકપ્રિય અને પ્રતિભાશાળી સંગીતકારો પણ એન્થનીની પ્રતિભાનો લાભ લેવા  લાગ્યા. ચાલીસના દાયકામાં ઓરકેસ્ટ્રાથી સજાવેલાં ગીતોનું સંગીત રચવામાં એન્થની ગોન્સાલ્વીસનું પ્રદાન મહત્વનું બની રહ્યું. ગીતની મૂળભૂત મેલડી(માધુર્ય) ને જાળવી રાખીને એન્થની તેમાં ઓરકેસ્ટ્રાના સંગીતની એવી મેળવણી કરતા ગીતની અસર વધુ પ્રભાવક બની જતી. પશ્ચિમી સંગીતના તૈયાર ટુકડાઓને એમના એમ ગોઠવી દેવાને બદલે એ નવું પાશ્ચાત્ય સંગીત રચતા, જેમાં પૂરેપૂરી ભારતીયતા રહેતી. 

હિંદી ફિલ્મોમાં મ્યુઝીકલ એરેન્જમેન્ટનો આરંભ તેમણે પોતે કર્યું હોવાનું એન્થનીએ કુશલ ગોપાલક સાથેના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.  એન્થની પોતે ફ્રી-લાન્સર તરીકે કામ કરતા હોવાથી એ સમયના અનેક મહારથી સંગીતકારો સાથે કામ કરવાનો મોકો  તેમને મળ્યો. 

રાજ કપૂરની ‘આવારા(૧૯૫૧) ફિલ્મનું સંગીત તૈયાર કરતી વખતનો એક પ્રસંગ બહુ જાણીતો  છે. ‘તેરે બિના  આગ  યે ચાંદની’ ગીતના આરંભે આવતા વાયોલિનના પીસની પ્રેકટીસ  એન્થની અને તેમના સાથીદાર ડોરાડો કરી રહ્યા હતા. આ ટુકડા બહુ અટપટા હતા. એ અરસામાં રાજ કપૂર ત્યાં આવી ચડ્યા. ફિલ્મમાં વિલંબ થયો હોય કે બીજું કોઈ કારણ હોય, રાજ કપૂર આ દૃશ્ય જોઈને નારાજ  થઈ ગયા. તેમણે આ બન્નેને ફિલ્મના સંગીતમાં દખલ ન કરવાની તાકીદ કરી દીધી. બન્ને જણા પોતાનો સામાન બાંધીને ચૂપચાપ નીકળી ગયા. એ પછી ગીતનું રેકોર્ડિંગ ગોઠવાયું ત્યારે એક પણ વાયોલિનીસ્ટ  આ અટપટા ટુકડા વગાડી શક્યો નહીં. છેવટે રાજ કપૂરે એન્થનીને વિનંતી કરી અને તેમને માનભેર બોલાવ્યા. એન્થની વિનંતી સ્વિકારીને આવ્યા. એ વખતે સામાન્ય રીતે વાદકોના સમૂહ વચ્ચે એક કે બે માઈક મૂકવામાં આવતાં, એને  બદલે ખાસ   આ બન્ને વાયોલિનીસ્ટ વચ્ચે માઈક મૂકવામાં આવ્યું. ગીત રેકોર્ડ થયું.  

એન્થનીએ એમ પણ કહેલું કે લતામંગેશકર એવી ગાયિકા હતી કે જે બીજો ‘ટેક’લેવા માટે કદીઈન્કાર નહોતી કરતી. અન્ય સાજિંદાઓ થાકીને કંટાળી ગયા હોય તો પણ લતા તેને પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી ‘ટેક’નો આગ્રહ રાખે છે.

પ્યારેલાલને તેમના પિતા રામપ્રસાદ શર્મા એન્થની પાસે તાલિમ લેવા મોકલેલા અને પ્યારેલાલે તેમની પાસે તાલિમ લઈનેઆગળ જતાં સ્વતંત્ર (જોડીમાં) સંગીતકાર તરીકે પોતાની પ્રતિભા પુરવાર કરીહતી.  એ ઘટનાના દાયકાઓ પછી ‘અમર અકબર એન્થની’ ફિલ્મ બનવાની હતી અને તેનાં ગીતો લખાયાં પછી રેકોર્ડિંગની તૈયારી ચાલતી હતી. આ ફિલ્મમાં હિંદુ, મુસ્લિમ અને ગોવાનીઝ ખ્રિસ્તીના ત્રણ મુખ્ય પાત્ર પૈકી ખ્રિસ્તી પાત્રનું નામ એન્થની ફર્નાન્ડીસ રાખવામાં આવેલું. અને તેને માટે ‘માય નેમ ઈઝ એન્થની ફર્નાન્ડીસ’ ગીત પણ આનંદ બક્ષીએ લખેલું. પણ રેકોર્ડિંગ સમયે ગીતકાર અને સંગીતકારને લાગ્યું કે આ પહેલી લીટી બરાબર જામતી નથી. એ વખતે ફિલ્મની સંગીતકાર જોડી લક્ષ્મીકાન્ત પ્યારેલાલ પૈકીના પ્યારેલાલને પોતાના ગુરુનું નામ યાદ આવ્યું. આ નામ રાખીને તેમણે તર્જ બેસાડી જોઈ તો વાત જામી ગઈ. બસ, પછી તો પૂછવું જ શું? અસલી એન્થની ગોન્સાલ્વીસને કોઈ ઓળખે કે ન ઓળખે, તેમનું નામ લોકોના હોઠો પર ગૂંજતું થઈ ગયું. ભલે ને લોકો એન્થનીગોન્સાલ્વીસ તરીકે પરદા પરના અમિતાભને ઓળખતા હોય! એ પછી તો ‘માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વીસ’/ My name is Anthony Gonsalves નામની ફિલ્મ પણ આવી ગઈ. તેને પણ આ ગીતની જેમ જ અસલી ગોન્સાલ્વીસ સાથે કશી લેવાદેવા નહોતી. 

એન્થનીની કાર્યશૈલી એવી હતી કે વિખ્યાત રેકોર્ડીસ્ટ કૌશિક તેમને‘પરફેક્શનિસ્ટ’ કહેતા. તેમણે લખેલી એકે એક નોટનું સંગીતમાં આગવું સ્થાન અને મહત્વ હતું.
૮૫ વરસનું દીર્ઘ આયુષ્ય ભોગવનાર સંગીતના આ ઉસ્તાદે જાણીબૂઝીને પાછલાં વરસોમાં ફિલ્મક્ષેત્રથી છેટું રાખ્યું હતું. છતાંય પ્રતાપ અમિતાભે ભજવેલા ફિલ્મના પાત્રનો કે તેમના અવસાનના સમાચાર પ્રસારમાધ્યમોમાં ચમક્યા.બાકી તો ફિલ્મસંગીતના પાયાના પથ્થર સમા આવા કેટલાય કલાકારો નિવૃત્તિ પછી ગુમનામ અવસ્થામાં જ જીવ્યા છે અને મૃત્યુ પામ્યા છે. બાકી તો સ્થિતિ એવી છે કે ફિલ્મના ક્રેડીટ ટાઈટલ્સમાં સ્પોટ બૉયનું નામ જોવા મળશે,પણ વાદકોનાં નામ ભાગ્યે જ જોવા મળશે.


રેડિયો સિલોનને લોકપ્રિયતા અપાવવામાં આ મહાશયનો પરોક્ષ ફાળો હતો. પણ એ વાત ફરી ક્યારેક.

(માહિતી સ્રોત: ‘ધ અનસન્ગ હીરોઝ’ અને ‘બીહાઈન્ડ ધ કર્ટન્સ’ પુસ્તકો)





Monday, September 25, 2017

લતાજી અને સચિનદા વચ્ચે એવું તે શું થયું ???


હિન્દી ફિલ્મોમાં સંગીતકાર તરીકે સચિન દેવ બર્મનની કારકર્દિીની શરૂઆત ફિલ્મ ‘શિકારી’ (૧૯૪૬)થી થઈ. જોકે તેમને લોકપ્રિયતા મળી ૧૯૫૧માં ફિલ્મ ‘સઝા’થી.

ત્યાર બાદ તેમણે લતા મંગેશકર સાથે મળીને એકથી એક ચડિયાતાં અમર ગીતો સંગીતપ્રેમીઓને આપ્યાં. યાદ આવે છે આ ગીતો...

તુમ ન જાને કિસ જહાં મેં ખો ગએ (૧૯૫૧, ‘સઝા’, સાહિર લુધિયાનવી)

ઠંડી હવાએં, લહરા કે આએં, રુત હૈ જવાં, તુમ કો યહાં કૈસે બુલાએં (૧૯૫૧, ‘નૌૈજવાન’, સાહિર લુધિયાનવી)

યે રાત યે ચાંદની ફિર કહાં, સુન જા દિલ કી દાસતાં (૧૯૫૨, ‘જાલ’, સાહિર લુધિયાનવી) અને બીજા કેટલાય....

પરંતુ ૧૯૫૮માં એક એવી ઘટના બની જેના કારણે આ બે મહાન કલાકારોના મીઠા સંબંધોમાં કડવાશ આવી ગઈ. એવું શું બન્યું એની વિગતવાર વાત લતા મંગેશકર અમીન સાયાનીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહે છે...

"દાદા કી એક ફિલ્મ થી. શાયદ ‘મિસ ઇન્ડિયા’. ઉસમેં નર્ગિસ હિરોઇન થી. ઉસકા એક ગાના રેકૉર્ડ હોનેવાલા થા. વો ફિલ્મ ક્યા થી, ઉસમેં નર્ગિસ કા ક્યા રોલ થા ઉસકા મુઝે કુછ પતા નહીં થા.

દાદાને મુઝસે કહા, ‘લતા, ઇસમેં મુઝે મીઠાસ ચાહિએ.’

મૈંને કહા, અચ્છા દાદા.

તો મૈંને ઉસ પ્રકાર સે ગાના થોડા સૉફ્ટ ગાયા. ઉનકો બહોત અચ્છા લગા.

બાદ મેં ક્યા હુઆ માલૂમ નહીં. ઉનકા ફોન આયા - ‘નહીં લોતા, ગાના ઠીક નહીં હુઆ. ફિર સે કરના પડેગા.’

મૈંને કહા, ‘દાદા, ઉસ દિન તો આપકો અચ્છા લગા થા.’

‘નહીં, હમ ફિર સે કરેગા.’ દાદાએ કહ્યું.

તો ફિર મૈંને કહા, ‘ઠીક હૈ દાદા, જૈસા આપ કહો.’

બાદ મેં ઉન્હોંને અપને એક ખાસ આદમી સે કહા તુમ લતા કે પાસ જાઓ ઔર ઉનકા ડેટ લે કર આઓ.

અચ્છા, ઉસકા કોઈ પ્રૉબ્લેમ નહીં થા, પર ઉન દિનોં મૈં બહોત ઝ્યાદા રેકૉર્ડિંગ કર રહી થી. તો મૈંને ઉસ આદમી કો કહા, ‘અગલે પાંચ-છ દિન મૈં રેકૉર્ડિંગ નહીં કર સકતી, મેરી સબ ડેટ ફિક્સ હો ગઈ હૈ.’

તો ઉસ આદમી ને જાકર દાદા કો કુછ ઇસ તરહ સે બોલા (જો મુઝે બાદ મેં પતા ચલા) : યે (દાદા) જબ મરઝી આએંગે તબ ગાના બદલેંગે ઔર મૈં (લતા) ગાઉંગી? મૈં તૈયાર નહીં.

ઐસા કુછ કહા.

હાલાંકિ મૈંને ઐસા કુછ નહીં કહા થા. મૈંને ઇતના હી કહા થા, ‘ચાર-પાંચ દિન મૈં બહુત બિઝી હૂં. ઔર દાદા કો મૈં ઐસા કહ નહીં સકતી. મૈં ઉનકો અપના પિતા સમાન માનતી હૂંં.’

તો ઉનકો જાકર યે આદમીને ઐસા કહા તો ઉનકો ગુસ્સા આ ગયા. અચ્છા, તો ફિર હમ લતા સે ગાના નહીં લેગા ઐસા કહા ઔર બાદ મેં વો ગાના ઉન્હોંને આશા સે લિયા. જો મુઝે બાદ મેં પતા ચલા.

અબ હમ લતા સે કભી નહીં ગવાએગા ઐસા ઉન્હોંને કિસીસે કહા જો ઉનકા ખાસ આદમી થા. વો જબ મુઝે મિલે તો ઉન્હોંને કહા, ‘દાદા કહતે થે કે અબ હમ લતા સે ગાના નહીં લેગા.’

મૈંને કહા, ‘દાદા ક્યૂં નહીં લેંગે? મૈં  હી નહીં ગાઉંગી. અગર ઉનકો ઝરૂરત નહીં હૈ તો મુઝે ભી ઝરૂરત નહીં હૈ. મૈં ભી નહીં ગાઉંગી.’

ઔર ઇસ તરહ હમારા મિલના-જુલના બંદ હો ગયા ઔર ગાના ભી બંદ હો ગયા."

અને એ દિવસથી આ બે મહાન કલાકારોના અબોલાની શરૂઆત થઈ જેનું સરવાળે તો નુકસાન થયું સંગીતને. બાળસહજ સ્વભાવના સચિનદાને કિશોરકુમાર, દેવ આનંદ અને બીજા કલાકારો સાથે વાંકું પડતું, પરંતુ તે દરેક કલાકાર અહમને વચમાં લાવ્યા વિના સચિનદાના સ્વભાવની આવી બાળસહજ હરકતોને વધુ મહત્વ ન આપતા.

જ્યારે અહીં તો લતા મંગેશકર હતાં. મોહમ્મહ રફી, સી. રામચંદ્ર, રાજ કપૂર અને બીજા અનેક દિગ્ગજ કલાકારો સાથે તેમને ક્યાંક અને ક્યારેક મનમુટાવ રહ્યો છે. (ઓ. પી. નૈયરની સાથે કોઈ જ અણબનાવ નહોતો એ વાત વિસ્તારથી આ પહેલાં લખી ચૂક્યો છું.) એ કિસ્સાઓની વાત ફરી ક્યારેક. એમાં ભૂલ કોની અને સત્ય શું હતું એ શોધવાની જરાપણ કોશિશ આપણે નથી કરવી. અહીં તો શું બન્યું એની સાક્ષી ભાવે વાત કરવી છે.

આ ઘટના બાદ ફિલ્મ ‘લાજવંતી’નાં ગીતો આશા ભોસલેએ ગાયાં અને ત્યાર બાદ સચિનદાની ફિલ્મોમાં આશા ભોસલે અને ગીતા દત્તના સ્વરને પ્રાધાન્ય મળવાની શરૂઆત થઈ.

૧૯૫૮માં સચિનદાના સંગીતમાં આવેલી ફિલ્મો હતી ‘સોલવાં સાલ’, ‘સિતારોં સે આગે’, ‘કાલા પાની’, ‘ચલતી કા નામ ગાડી’ અને ‘લાજવંતી’.

૧૯૫૯માં તેમના સંગીત-નિર્દેશનમાં જે ફિલ્મો આવી એ હતી ‘સુજાતા’, ‘કાગઝ કે ફૂલ’, ‘ઇન્સાન જાગ ઉઠા’. આ ફિલ્મોમાં પણ આશા ભોસલે અને ગીતા દત્તના સ્વરનો ઉપયોગ સચિનદાએ કર્યો.

આ પરંપરા આગળ વધી. ૧૯૬૦ની ફિલ્મોમાં ‘મિયાં બીવી રાઝી’, ‘મંઝિલ’, ‘કાલા બાઝાર’, ‘એક કે બાદ એક’, ‘બંબઈ કા બાબુ’, ‘બેવકૂફ’ અને ‘અપના હાથ જગન્નાથ’માં આશા ભોસલે અને ગીતા દત્તના સ્વરનો મહદંશે સચિનદાએ ઉપયોગ કર્યો.

અપવાદરૂપે તેમણે બે બીજા અવાજની અજમાયશ કરી.
સુધા મલ્હોત્રા અને 
સુમન કલ્યાણપુર.... એક ફિલ્મ હતી ‘બાત એક રાત કી’

જેમાં સુમન કલ્યાણપુરે ગાયેલું મજરૂહ સુલતાનપુરીનું ગીત કેમ ભુલાય?

ના તુમ હમેં જાનો, ના હમ તુમ્હેં જાને

આ સમય દરમ્યાન તેમનાં ગીતો લોકપ્રિય થયાં જ હતાં, પરંતુ સચિનદા અને લતા મંગેશકરની જોડીનો જાદુનો અભાવ સંગીતપ્રેમીઓને ખટકતો હતો.

જેમ લતા મંગેશકરના મોહમ્મદ રફી સાથેના અબોલા દરમ્યાન શ્રોતાઓની સાથે સંગીતકારો પણ બન્નેનો મેળાપ જલદી થાય એમ ઇચ્છતા એવું જ આ બન્ને દિગ્ગજોની બાબતમાં સૌકોઈ ઇચ્છતા હતા.

‘તેરે મેરે મિલન કી યૈ રૈના’ જેવી ઘટના અંતે કઈ રીતે ઘટી એ વાત ફરી ક્યારેક.....