Friday, September 29, 2017

અમિતાભ બચ્ચન - સંસ્કાર


અમિતાભ બચ્ચન નાનામાં નાનાં માણસને પણ મોટામાં મોટું માન આપતા રહે છે. આ એમના સંસ્કાર છે. પણ આ માન એ એમનો શિષ્ટાચાર છે. ખરેખર હ્રદયમાંથી એ જેનો આદર કરે છે એવી જૂજ વ્યક્તિઓ કેટલી છે અને કોણ છે?!

અમિતજી જાહેરમાં માત્ર ચાર જ ફિલ્મી હસ્તિઓના ચરણ સ્પર્શ કરે છે.
૧. અબ્બાસ સાહેબ  કે જેમણે અમિતાભને 'સાત હિન્દુસ્તાની' માટે પસંદ કરીને હિંદી ફિલ્મોમાં કામ કરવા માટેની પ્રથમ તક આપી હતી.

૨. ઓમ પ્રકાશ (ચરીત્ર અભિનેતા જેમણે ફિલ્મ 'નમક હલાલ'માં બિગ-બીના દદ્દુનું યાદગાર પાત્ર ભજવ્યું હતું) એ એક એવા પીઢ કલાકાર હતા જેમણે સૌ પ્રથમ વાર અમિતાભના અભિનયના મોંફાટ વખાણ કર્યા હતા. પછી તો સૌ કોઇ એમની પ્રસંશાના કોરસ ગાવા લાગ્યા હતા, પણ મહત્વ 'પ્રથમ વાર'નું હોય છે. ઓમ પ્રકાશના હ્રદયની આ વિશાળતા અમિતાભજી જિંદગીભર ભૂલ્યા નહીં. 

૩. હ્રષિદાએ અમિતજીને લઇને આનંદ, ચુપકે ચુપકે, મિલી અને અભિમાન જેવી સુંદર, સફળ અને યાદગાર ફિલ્મો બનાવી એ એકમાત્ર કારણ ન હતું જેના લીધે અમિતજી એમને જાહેરમાં આટલું માન આપતા હતા. હકીકત એ હતી કે હ્રષિદા રોજ-બ-રોજની જિંદગીમાં પણ વડીલની અને માર્ગદર્શકની ભૂમિકા બજાવતા રહેતા હતા. હ્રષિદા તો જયા અને અમિતાભને મન પિતા તુલ્ય હતા.

જ્યારે પણ અમિતાભને પોતાની અંગત જિંદગીમાં કે ફિલ્મી કારકિર્દીમાં કોઇ તકલીફ ઉભી થાય તો તરત જ તેઓ જયાને લઇને હ્રષિદાની પાસે પહોંચી જતા હતા. જે વડીલ પિતાની ફરજો અદા કરતા હોય તેને જાહેરમાં પગે લાગવામાં શરમ શાની?!


૪. ચોથી વ્યક્તિ તે નિરૂપા રોય. આપણાં ગુજરાતના ગૌરવરૂપ જાજરમાન અભિનેત્રી. જૂનાં જમાનાની ફિલ્મ 'રાની રૂપમાન'ની સુંદર હિરોઇન. પછીથી એમણે મા તરીકે અસંખ્ય ફિલ્મોમાં નામ કાઢ્યું. એમાં પણ 'દીવાર'માં અમિતાભની મા બન્યાં પછી તો એમના નામનો સિક્કો જામી ગયો. પડદા ઉપર અમિતાભ હોય એટલે આપણે સ્વીકારી જ લેવાનું કે હમણાં "બેટા, અભી તૂ ઇતના બડા નહીં હો ગયા કિ અપની માં કો ખરીદ સકે!"જેવો ચોટદાર સંવાદ બોલવા માટે નિરૂપાજી આવી જશે.
પડદા પરની માતાને અમિતાભે પડાદાની બહાર પણ મા જેટલો જ આદર આપી જાણ્યો.
અફસોસ! આ ચારમાંથી એકપણ વ્યક્તિ આજે જીવીત નથી રહી. અમિતજી ચરણસ્પર્શ કરવા ઇચ્છે તો પણ કોને કરે? અને હવે સ્થિતિ એવી બની ગઇ છે કે જાહેરમાં આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આ શહેનશાહના પગમાં પડવું પડે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...