Wednesday, September 27, 2017

અમિતાભ બચ્ચન -- એન્ગ્રી યંગમેન



ફિલ્મનું નામ યાદ નથી, પણ એમાં આવતો એક ડાયલોગ શબ્દશઃ યાદ છે. ફિલ્મનું પાત્ર ભજવતાં અમિતજી બોલે છે, “પૈસે આતે નહીં, પૈસે પૈદા કિયે જાતે હૈ.” આ જાલીમ જગત પાસેથી છીનવી લેવાની વ્યવહારુ વાતમાં મને ક્યારેય રસ પડ્યો નથી. પણ બચ્ચન સાહેબનાં ધેરા અવાજમાં અને દાદાગીરીભર્યા અંદાજમાં બોલાયેલું આ વાક્ય ત્યારે મને ગમી ગયું હતું. 

શરદ ઠાકર પણ એમ કહે છે કે, ‘દીવાર’ જોયું ત્યારે મારી ઉમર ઓગણીસ વર્ષની હતી. હું ત્યારે ફર્સ્ટ એમ.બી.બી.એસ.માં હતો. પણ અમિતાભનો અભિનય અને ખાસ તો આખી ફિલ્મમાં છવાઈ ગયેલા એક-એક વાક્યનાં ટૂંકા, ચોટદાર સંવાદો મારા મનને એ હદે સંમોહિત કરી ગયેલા કે ત્રણ દિવસમાં હું બે વાર એ ફિલ્મ જોઈ આવ્યો હતો. વાર્ષિક પરિક્ષા માથા ઉપર ગાજતી હોવા છતાં...!

સલીમ-જાવેદની જોડીએ કેવા ધાંસુ સંવાદો લખ્યા હતાં અને અત્યાર સુધી લાંબો, પાતળો, કંઢગો લાગતો આવેલો અમિતાભ એની નવી હેરસ્ટાઈલને કારણે એટલો બધો હેન્ડસમ, સ્માર્ટ અને ડાયનેમિક લાગવા માંડ્યો હતો કે એની સામે અત્યાર સુધીનાં તમામ હીરાઓ ઝાંખા લાગવા માંડ્યા હતાં. ( આ નવો હેરલૂક હબીબ નામનાં હેર-આર્ટીસ્ટે અમિતાભને ફિલ્મ ‘જંઝીર’માં પહેલીવાર આપ્યો હતો. પણ એની સાચી જમાવટ ‘દીવાર’થી શરૂ થઈ હતી. અને આ જ હબીબ ની હેર સ્ટાઇલ માટેની સલૂનો પછી બ્રાન્ડ રૂપે હબીબ અને જાવેદ હબીબ રૂપે અત્યારે ભારત અને વિદેશોમાં ધૂમ મચાવે છે!!)

આપણે વાત કરતાં હતાં પૈસાની. ખૂબ ઓછી મહેનતથી, ખૂબ ઓછા સમયમાં, ખૂબ વધારે રૂપિયા કમાઈ લેવાની વાત ચાલતી હતી. અમિતાભનાં મનમાં આવી વાત ક્યારે આવી હશે? વાસ્તવિક જીંદગીમાં એનું બાળપણ ઘણાં બધાં સીમિત મોજશોખમાં પસાર થયું હતું. એના માટે મોજશોખ શબ્દ પણ ખોટો ગણાય. પિતાજી અલ્હાબાદમાં અધ્યાપક હતાં. પગાર આવતો હતો, પણ મર્યાદિત હતો. 

માતા તેજી બચ્ચન એક ચોક્કસ સ્તરની લાઈફ સ્ટાઈલ માટે ટેવાયેલા હતાં. ઘર ભલે ભાડાનું હોય, પણ તે મોટું હોવું જોઈએ. કપડાં ભલે થોડાં હોય, પણ સારા મળવાનું એમને ગમતું હતું. ઘરમાં વાર-તહેવારો ઉત્સવોની ઊજવણી કરાતી હતી. શાનદાર પાર્ટીઓ અપાતી હતી અને લેવાતી હતી. ઘરની સજાવટ, રંગોની પસંદ, ફોટોગ્રાફીનો શોખ અને બાગકામનો રસ. કવિ બાપડા ગમે તેટલું કમાય, તો પણ બે છેડાઓ ભેગા થવામાં મુશ્કેલી પડતી.

આવી પરિસ્થિતિમાં નાનકડો અમિત શું વિચારતો હશે એના દિમાગમાં ક્યારેય અઢળક પૈસા કમાઈ લેવાની કામના જન્મી હશે કે નહીં અમિતાભની જિંદગીમાંથી આવા કેટલાક પ્રસંગો જડી આવે છે.

એક પ્રસંગ અલ્હાબાદનો જ છે. તેજી બંને બાળકોને પોતાની પાંખમાં લઈને ભારે કરકસરથી ઘર ચલાવી રહ્યાં હતાં; પતિ વિલાયત હતાં. ત્યાં એમનો નિર્ધારીત સમય પૂરો થઈ ગયા પછી અચાનક એમનું રોકાણ લંબાઈ ગયું હતું. કવિએ છેલ્લી ઘડીએ નક્કી કર્યું હતું કે અલ્હાબાદ પાછા ફરીને પી.એચ.ડી. કરવાને બદલે વિલાયતમાં જ થોડા મહિના વધારે રહીને ત્યાં જ પી.એચ.ડી. પૂરૂ કરી લેવું.

તેજીએ પોતાનાં ઘરેણાં વેચવા પડ્યાં. જરૂરી રોજીંદા ખર્ચાઓ ઉપર મોટાપાયે કાતર ફેરવી દેવી પડી. કવિને તો આ વાતનો અંદાજ પણ ન હતો. એ પોતાનું ધ્યેય પુરું કરીને ભારત પાછા આવ્યાં. એમણે તારીખ અને સમય અગાઉથી જણાવી દીધા હતાં. પણ તેજીએ જવાબમાં કહી દીધું હતું કે હું તમને લેવા માટે બંદર ઉપર નહીં આવી શકું.

કવિ મુંબઈ ઉતરીને ટ્રેનમાં અલ્હાબાદ પહોંચ્યા. ઘરે જઈને પત્ની અને દીકરાઓને મળ્યાં. અમિત માટે એરગન લાવ્યા હતાં એ એને આપી. નાના બંટી માટે પાંચ ડબ્બાવાળી ચાવી ભરવાથી ચાલી શકે તેવી ટ્રેન લાવ્યા હતાં. બંને બાળકો ખુશ થઈ ગયાં.

સાંજનું ભોજન કરીને બધાં પથારીમાં પડ્યાં. બંટી ઊંધી ગયો. અમિત ઊંધવાનો ડોળ કરીને જાગતો પડ્યો હતો. ત્યાં એના કાન પર માતા-પિતાની વાતચીત પડી.

કવિ બચ્ચન પૂછતાં હતાં, “તેં મને લખ્યું હતું કે તું બંદર પર મને ‘રીસીવ’ કરવા માટે નહીં આવી શકે પણ મને આશા હતી કે તું આવીશ જ. હું સ્ટીમરમાંથી ઉતરીને બહાર આવ્યો ત્યારે છેક છેલ્લે સુધી મારી આંખો તને જ શોધી રહી હતી. તું શા માટે ન આવી?

જવાબમાં તેજી ઘ્રુસકે-ઘ્રુસકે રડી પડ્યાં, “તમને ખબર છે કે ઘરની આર્થિક હાલત કેવી છે? આજે રાત્રે આપણે જે ભોજન જમ્યાં, તે છેલ્લું ભોજન છે. ઘરમાં અનાજનો એક દાણો પણ બચ્ચો નથી. તમને આવકારવા માટે અલ્હાબાદથી મુંબઈનું ગાડી ભાડું ક્યાંથી લાવું?."

તેજીની વાત સાંભળીને કવિ સ્તબ્ધ બની ગયાં. પોતે પી.એચ.ડી.ની ડીગ્રી લઈને વિલાયતથી પાછા આવ્યા હતાં એ વાતનો આનંદ ઓલવાઈ ગયો. ખિન્ન ચહેરા સાથે તેઓ બબડતા રહ્યાં, “આવી હાલત થઈ ત્યાં સુધી તેં મને અંધારામાં રાખ્યો?! જો મને જણાવ્યું હોત તો હું ભણવાનું પડતું મુકીને ઘરે પાછો આવી ગયો હોત ને...

અને અમિત પથારીમાં પડ્યો પડ્યો ગુસ્સાની આગમાં સળગી રહ્યો હતો. ના, એને રડવું નહોતું આવતું. એના મગજમાં આ જગતની સામે રોષ જન્મી રહ્યો હતો. શો વાંક હતો એના પિતાનો? શા માટે આવા ઉત્તમ કવિને ઈશ્વરે ગરીબ અવસ્થામાં રાખ્યો હશે? અને શા માટે બીજા અપ્રમાણિક અને નિમ્ન કક્ષાનાં માણસોને અઢળક દોલત આપી હશે?

આપણે તો એંગ્રી યંગમેનનો જન્મ હિંદી સિનેમાનાં પડદા ઉપર છેક 1973-‘74માં ફિલ્મ ‘દીવાર’માં થતો જોયો છે; હકીકતમાં ‘એંગ્રી લિટલ મેન’નો જન્મ તો 1954ની પાંચમી જુલાઈની મધરાતે કવિ હરિવંશરાય બચ્ચનનાં બેડરૂમમાં થઈ ચૂક્યો હતો. જ્યારે માતાને રડતી અને ભાંગી પડતી જોઈને અમિત સમાજનાં આ અન્યાય સામે મુઠ્ઠીઓ ઊગામતો હતો, ત્યારે એની ઉંમર હતી ફક્ત બાર વર્ષ!

બીજા દિવસની સવારે અમિતની સવારે અમિતનાં હાથમાં પિતાએ અપાવેલી ‘એરગન’ હતી એ વિચારતો હતો: “આનાથી હું કોને મારું?

એ ક્ષણ હતી, જ્યારે અમિતના મનમાં મબલખ ઘન કમાવવાની ઝંખના આકાર લઈ રહી હતી. એ સ્વપ્ન જોતો હતો; આંખોમાંથી આંસુ ખેરવતી માની હથેળીમાં લાખો રૂપિયાની કરન્સી નોટો મૂકવાનું સપનું! અને ભોળા પિતાનાં ખિસ્સા હીરા, મોતી અને ઝવેરાતથી છલકાવી દેવાનું સપનું!!! 

અન્ય વધુ પ્રસંગો ફરી ક્યારેક....


No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...