Sunday, October 4, 2020

જીવનઉપયોગી સાત શબ્દો કયા? - વાંચો શબ્દસંપુટ!

 

જો તમને કોઈ જીવનોપયોગી કોઈ પણ છ કે સાત શબ્દો કહેવાનું કહે તો..? આજે આપણે શબ્દસંપુટમાં એવાં જ થોડા શબ્દો વિષે વાત કરવા જઈ રહ્યાં છીએ. ચાલો તો સંપુટમાંથી થોડા ખુબ જ ઉપયોગી એવા શબ્દો બહાર કાઢીએ!

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને એક માણસે એક વાર પત્ર લખ્યો હતો કે, આપ જગતના મહાન વિજ્ઞાની છો એ જ રીતે મહાન વિચારક પણ છો, તો આપના વિચારના  નિચોડરૂપ મને છ શબ્દો ન લખીને મોકલી શકો? 

એના જવાબમાં આઇન્સ્ટાઇને લખ્યું: 'ઈશ્વર, દેશ, પત્ની, ગણિત, મનુષ્ય, શાંતિ!'

કોઈ પણ માણસ આ છ શબ્દો ઉપર વિચાર કરશે તો તેમાં તેને આઈન્સ્ટાઈનના મહાન વિચારોનું રહસ્ય અને જીવન વિશેની તેમની ઊંડી સમજણ ચોક્કસ પ્રતીત થશે. શબ્દોને આજકાલ આપણે સાવ છીછરા અને અર્થહીન બનાવી મુક્યા છે! ત્યારે એક શબ્દ કેટલું બધું કહી શકે છે એનો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આજે તો બધું ગરમાગરમ જ વેચાય છે, મોટા મોટા શબ્દો અને ખોટી ખોટી વાતો! ક્યારેક તો જેનો કશો જ અર્થ ન હોય એવા ભારે અને નિરર્થક શબ્દોના ઢગલા જ વાચકો સામે ખડકાયેલા હોયછે. લખનારને જયારે કશું જ કહેવાનું નથી હોતું ત્યારે તે મોટા શબ્દોમાં ખોટી વાતો કહેવાનું શરુ કરે છે. અને હમણાં તો એનો જાણે અતિરેક થઇ રહ્યો છે. કોવીડ-19 ના આવા તોફાની અને દુર્ગમ સમયમાં ફરી એક વાર, આખાયે વિશ્વમાં જેનું વરદાન માત્ર માણસને મળ્યું છે એ શબ્દની શક્તિનો અને એના રહસ્યનો આપણે ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તે જરુરી લાગે છે.


જોશુઆ લિબમેન (1907-1948)

જોશુઆ લિબમેનએ લખ્યું છે કે, હું જયારે યુવાન હતો ત્યારે મારા ભાવિ જીવનની પસંદગી માટે મેં છ શબ્દો પસંદ કર્યા છે અને તેને મારા ઓફિસના ટેબલ ઉપર મારી સામે રાખતો હતો. એ શબ્દો હતા -- તંદુરસ્તી, પ્રેમ, નિપુણતા, સત્તા, ધન, કીર્તિ!

એક અમેરિકન માટે એના જીવનનો આખો નકશો દોરી શકે એવા આ છ શબ્દોને ચોક્કસ ગણી શકાય (પાછળથી એણે એમાં એક ફેરફાર કર્યો હતો, એની વાત પછી ક્યારેક!) આમ, શબ્દ એક એવી શક્તિ છે જે આખાય પ્રાણીજગતમાં મનુષ્ય સિવાય કોઈને મળી નથી! જોન ગાર્ડનરની વાત કરીએ તો એમને એક આર્ટિકલમાં એવો પ્રશ્ન કર્યો છે કે એકવીસમી સદીમાં જીવનાર કોઈ પણ વ્યક્તિ માટે સાચી શિખામણનો માત્ર એક જ શબ્દ તમારે આપવાનો હોય તો તમે કયો શબ્દ એને આપો?


આ વાત એણે  અનેક માણસોને, અનેક સંમેલનોમાં અને મિત્રોને જુદી જુદી મહેફિલોમાં પૂછેલું અને ઘણાબધા માણસો પાસેથી જુદા જુદા શબ્દો જાણ્યા પછી તેમાંથી સૌથી અગત્યનો એક શબ્દ તેણે પસંદ કર્યો છે: "live!"-- "જીવનને બરાબર જીવી જાણો!"


જ્હોન ગાર્ડનર (1933-1982)

આમ તો આ શબ્દ ખુબ જ સામાન્ય જણાય છે. પરંતુ એકવીસમી સદીના આ ઐતિહાસિક કાળખંડમાં આપણે જે ઉતાવળિયું, અધકચરું, ભયયુક્ત અને મૂર્ખાઈભર્યું જીવન જીવી રહ્યા છીએ એ જોતા એમ લાગે છે કે એકવીસમી સદીના કોઈપણ માણસ માટે "Live" શબ્દ કદાચ સૌથી ઉપયોગી નીવડશે! જીવન જીવવું એટલે માત્ર આ પૃથ્વી-ધરા પર હોવું, ખાવું-પીવું અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એટલું જ નથી, એનો અર્થ ઘણો વિશાળ છે!

થોન્ટર્ન વાઇલ્ડર (1897-1975)

થોન્ટર્ન વાઇલ્ડરના એક નાટક 'અવર ટાઉન'માં એક યુવાન સ્ત્રી એકાએક મૃત્યુ પામે છે. પરંતુ તેને તેના જીવનનો માત્ર એક દિવસ જીવવાની એક તક ફરીથી આપવામાં આવે છે. આ દિવસ તેણે  કયો પસંદ કરવો એ તેની મુનસફી ઉપર હોય છે. એ યુવાન સ્ત્રી પોતાની વીસમી વર્ષગાંઠનો દિવસ પસંદ કરે છે, એ દિવસ તેને પુરેપુરી તીવ્રતાથી જીવી લેવાની, જાણી લેવાની ઈચ્છા હોય છે. બધું જ જોઈ લેવાની, જાણી લેવાની અને માણી લેવાની ઈચ્છા હોય છે.

પરંતુ અફસોસ સાથે તેને ખ્યાલ આવે છે કે જે ઉત્કટતાથી એ પોતે સમજતી હતી એવી કોઈ ઉત્કટતા કે સમજણ તેના કુટુંબીજનોમાં નહોતી! તેના સગાવ્હાલા અને કુટુંબીઓ પોતાની જિંદગીના દિવસને જાણે બેફિકરાઈથી વેડફી રહ્યા હતા. તેની માતાનો હાથ પકડીને તે ઉત્તેજનાથી કહે છે, "બા, તું એક વાર મારી સામે તો જો!"

અને આખરે વિશાળ ધરતી સામે જોઈને અફસોસથી બોલી ઉઠે છે, "ઓ સુંદર ધરા, ઓ ધરતી! તું કેટલી અદભુત છે! કેટલી  ભરપૂર છે! પરંતુ તારા ઉપર જીવનાર કયો મનુષ્ય તારા સૌંદર્યને જોઈ શકે છે! ઓહ, જીવન જીવવું તે કેટલું રહસ્યમય અને ભર્યું ભર્યું છે, પરંતુ માણસને તેની ખબર જ નથી અને આ ભરપૂર જિંદગીમાંથી આખરે તૅ  ખાલી હાથે જ વિદાય લે છે!"

આ જ નાટકમાં લેખકે એક સરસ વાત કહી છે, જે અહીં એમના જ શબ્દોમાં મુકું છું (ખુબ જ ધ્યાનથી સમજજો!): "It seems to me that once in your life before you die you ought to see a country where they don't talk in English and don't even want to!"

આ નાટકમાં લેખક જે કહી રહ્યા છે એનાથી આપણને લાગે છે કે લાખો કરોડો માણસો પોતાનું જીવન માત્ર વેડફી રહ્યા છે. એટલે કે આ એકવીસમી સદીમાં મનુષ્ય માટે કોઈ ઉત્તમ શબ્દ હોય તો તે છે: "LIVE" - જીવનને બરાબર જીવવું, માણવુ, અનુભવવું, તેના પ્રત્યે સજાગ રહેવું અને જીવનનો જે સ્વાભાવિક ક્રમ છે તે પ્રમાણે હર પળે હર ક્ષણે વિકાસ પામવો!

કેટલાક માણસોએ live ને બદલે love શબ્દ પસંદ કર્યો છે. અહીં પ્રેમ એટલે પતિપત્નીનો, ભાઈબહેનનો કે જીવમાત્ર ઉપરનો પ્રેમ, એટલું જ નહિ, પરંતુ પ્રેમનો ખરો અર્થ છે: "કોઈ પણ  વ્યક્તિ સાથે કશીયે લેતીદેતીની ઈચ્છા વિનાનો વ્યવહાર!" એવો પ્રેમ જ શુદ્ધ અને નિર્દોષ હોઈ શકે છે. 

કેટલાક લોકોએ ઉપરના બંને શબ્દોને બદલે "LEARN"- શીખવું એવો શબ્દ પસંદ કર્યો છે. આ શબ્દ પણ જીવનમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. અઢાર, ઓગણીસ, વીસમી સદીમાં તે અગત્યનો હતો અને એકવીસમી સદીમાં તો ખાસ અગત્યનો છે તથા બાવીસમી સદીમાં પણ એટલો જ અગત્યનો રહેશે! અહીં ખાસ સમજજો કે  શીખવું એ માત્ર અને માત્ર શિક્ષણ નથી! આપણે આ બે શબ્દોને સાથે જોડીને શીખવું શબ્દને નિરાશ અને કંટાળાજનક બનાવી દીધો છે. જ્યાં સુધી કોઈ પણ વસ્તુને તમે પ્રેમથી અને રસપૂર્વક શીખતાં નથી ત્યાં સુધી તમે ખરેખર કશું જ શીખી શકતા નથી! કેટલાક માણસો કહે છે કે, ખરેખર તો માણસે પોતાની જાત સાથે સંવાદ સાધીને જીવતા શીખવાની જરૂર છે અને એનો જ અર્થ શીખવું અથવા તો સાચા અર્થમાં શિક્ષણ છે. આ પણ વિચારવા જેવી એક બાબત છે!

આમ ત્રણ બહુ જ અગત્યના શબ્દો "જીવન જીવવું, પ્રેમ કરવો અને શીખવું" એ આપણે જોયા, પરંતુ તમે જુદા જુદા ક્ષેત્રના માણસોને એક જ શબ્દ પસંદ કરવાનું કહેશો ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જ અલગ અલગ શબ્દો પસંદ કરશે! કોઈ ધાર્મિક માણસ એક જ શબ્દ પસંદ કરશે: "શ્રદ્ધા", વૈજ્ઞાનિક કહેશે: "શોધ" અને ઉદ્યોગપતિ કહેશે: "ઉત્પાદન"!

કેટલાક તત્વજ્ઞાનીઓને એક શબ્દ પસંદ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમની પસંદગી હતી: "THINK" આ થિન્ક એટલેકે વિચારવાની પ્રક્રિયામાં UNDERSTAND અને KNOW  એટલેકે સમજવાની અને જાણવાની વાત પણ આપોઆપ જ આવી જાય છે. બીજા કેટલાકે જુદા જુદા શબ્દો પણ પસંદ કર્યા છે!

જોન ગાર્ડનરને જયારે તેની પોતાની પસંદગી વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે  અનેક ક્ષેત્રોના અનેક અનુભવી માણસના પસંદ કરેલા શબ્દોમાંથી સાત શબ્દો પસંદ કર્યા છે. એટલે કે, એકવીસમી સદીમાં જાણનાર કોઈ પણ વ્યક્તિ માટે તેની પાસે એક નહિ પરંતુ સાત શબ્દો છે. એ શબ્દો છે: "જીવન જીવો, પ્રેમ કરો, શીખતાં રહો, વિચારો, આપો, હસો, પ્રયત્ન કરો"! (LIVE, LOVE, LEARN, THINK, GIVE, LAUGH, TRY)


ઉપરના સાત શબ્દોમાં તમે કશું ઉમેરી શકો એમ છો?


મને પોતાને એમ લાગે છે, કે ઉપરના સાત શબ્દોમાં લગભગ બધું જ આવી જાય છે. છતાં એકવીસમી સદીમાં અને ખાસ તો હાલના અત્યારના વિકટ સમયમાં જેની બહુ જ જરુર પડતી હોય કે આગળ પડવાની હોય તેવો એક શબ્દ જો મારે સૂચવવાનો હોય તો એ શબ્દ હું સૂચવું -- "RELAX"!

 મને લાગે છે કે જોન ગાર્ડનરે સૂચવેલા સાત શબ્દો પ્રમાણે જીવનાર માણસને આ શબ્દની અચૂક જરૂર પડવાની અને તો જ તે ઉપરના સાતેય શબ્દોને ખરા અર્થમાં જીવી શકશે અને જીવનનું સાચું સુખ પામી શકશે, તમે શું માનો છો?


રજુઆત: કાર્તિક શાહ (પંખ મેગેઝીન, અંક ૪૫, ઓક્ટોબર, ૨૦૨૦)

Wednesday, August 26, 2020

જીવન જીવવાની કળા !

વાત વિચારવા જેવી છે. જીવનનો નકાર એટલે ઈશ્વરનો ઇન્કાર. કેટલાક લોકો જિંદગી શું છે એ જાણવામાં જ સમય વેડફે છે અને તમે... જાણીને પણ કેટલું જાણો ? માણવું  એજ જાણવું! નદીમાં હોવું એ જ નદીનું જ્ઞાન! જીવનમાં હોવું એટલું જ પૂરતું છે. ખુલ્લા મનથી જીવનનો સ્વીકાર કરવો જોઈએ. આપણી પ્રિય વ્યક્તિને જોઈને એને મળવા કે ભેટવા આપણા હાથ અને મન ખુલ્લા થાય તો જ એ આપણી ભીતર અંકાય છે તેમ જ ખુલ્લા મને અને ખુલ્લા હાથે જીવનને ઝીલવું જોઈએ - ચાહવું જોઈએ!

ચાહવું એટલે પ્રત્યેક પળમાં રસ! ઉદાસીની પળને પણ ચાહવી જોઈએ -- એને પાળ્યા કે પંપાળ્યા વિના! જીવનરસથી મધુર (કઠિન સમયમાં પણ!) બીજો કોઈ રસ જ નથી! 


ઉદાસ થઇએ તો એમ કહીએ: "રામ રાખે તેમ રહીએ!" જે કંઈ કરવું હોય તે પૂર્ણ મનથી કરવું જોઈએ, કોઈ પણ જાતના દ્વિધા કે મનોમંથન વિના સંકલ્પના શિખર ઉપર પલાંઠી વાળીને અને ધૂણી  ધખાવીને!! જે કાર્ય કરીએ એમાં  એવા ઓતપ્રોત થઇ જઈએ કે જાણે કાલે મોત ના આવવાનું હોય! એક વાત હંમેશા યાદ રાખો કે પૂર્ણ રીતે સજ્જ અને સંપુક્ત (ઇન્વોલ્વ) થયા વિના કંઈ જ થતું નથી!


જ્ઞાન ગુરુ પાસેથી જ મળે એવું નથી. હું તો ત્યાં સુધી કહું છું કે જેની પાસેથી આપણને નવું  જ્ઞાન મળે એ આપણા ગુરુ!

પણ ઘણીવાર મેં જોયું છે કે જીવનનું સત્ય સમજાવતા અને જીવનની કઠિન પરીક્ષાઓમાં પાસ થવાનું શીખવાડતાં ઘણાં માણસો કે માર્ગદર્શકોને આપણે પોતે જ ગુરુ તરીકે સન્માન નથી આપતાં જે ખરેખર યોગ્ય નથી. આજે હું એ તમામ પથદર્શકોને ગુરુતુલ્ય માની આપ સૌની સાક્ષીમાં જાહેરમાં નમન કરું છું! 


ઘણીવાર, હું લિફ્ટમેનને જોઉં છું ત્યારે એમ થાય છે એની જિંદગીમાં રૂટિન-રોંજીદાપણું કેટલી હદે છે એની વચ્ચે પણ શંકર નામનો લિફ્ટમેન લખલૂટ આનંદ લૂંટતો જાય છે જતા-આવતા દરેક માણસો સાથે આનંદથી વાતો કરી કરી ને! કામને કેવી મોજથી કરે છે અને જરા પણ ભાર નહિ કામનો મન ઉપર!  મારુ માનવું છે કે લિફ્ટમેનને જીવનનો જેટલો ખ્યાલ આવતો હશે એટલો બહુ ઓછાને આવતો હશે! સતત ચડતી-પડતીનો ચકરાવો! એને બરાબર ખબર છે કે આજે હમણાં જ તો હું ઉપર આવ્યો છું કે તરત નીચે પડવાનો છું, અરે કદાચ એમ જ કહું કે બહુ જલ્દીથી કોઈ મને નીચે ખેંચવાનું છે! ઉપર-નીચે તો ક્યારેક મધ્યમાં બરાબર અટવાયેલા રહેવું અને પાછા પ્રફુલ્લિત રહેવું એનાથી વધુ બીજી સ્થિતપ્રજ્ઞતા બીજી કઈ!?


એ જ રીતે ટેક્સી કે રીક્ષા ચાલક પણ ઘણું શીખવાડી જાય છે. એક રીક્ષાચાલક કહે કે આપણા રાજકારણીઓ એટલી હદે પૈસા બનાવે છે કે એમને પાંચસો પાંચસોની નોટોથી બાળીએ તો, એમનો આખો દેહ રાખ થઇ જાય એ પછી પણ કરોડોની નોટો શેષ રહેશે! વાતવાતમાં એણે  મને પૂછી નાખ્યું, "સાહેબ, આમાં કોઈ સુખી હશે ખરું?"


મેં કહ્યું, "દુઃખ હશે તો ય સહન કરી શકાય એવું હશે. આ બધા જીવે છે તે કંઈક ને કૈંક આશામાં જ જીવતા હશે, આશા રાખવી અને ભ્રમણામાં ના રહેવું એવો મારો મંત્ર!" ઘણાને એવુંય કહેતા સાંભળ્યા છે કે જીવન શબ્દની અંદર જ "વન" છે એટલે એક વાર ભગવાન શ્રી રામ જેવું વનવાસ તો ભોગવવું જ પડે! પણ જીવન ને જીવન નહિ પણ સંજીવન ગણવું! જે પોતાનામાં રસ લેતો નથી એ બીજામાં રસ લઇ શકતો નથી. રસ લેવા માટે કશું જ નાનું કે મોટું નથી. 

વાતવાતમાં નિર્વેદ, કંટાળો કે થાક -- આ બધા વિચારો માણસને મારી નાખે છે. સફળતા થી વિમુખ કરે છે અને હતાશા તરફ ધકેલે છે. આદત તો છેવટે આદત જ છે. નોકરી-સલામતી, એને કારણે મળતી સત્તા, ફાયદા --- આ બધાની સૌને ટેવ પડી જાય છે!  

બાળક માતાના ગર્ભમાં સુરક્ષિત છે. પ્રસવ થયા બાદ તુરંત જ આપણે એને કપડામાં વીંટાળી દઈએ છીએ. જેથી એને કોઈ કવચ મળી રહે! પછી એ બાળક મોટું થાય છે  ત્યારે પણ એ જ કપડું / ગાભું લઈને ફર્યા કરે છે. આપણે પણ આવી જ અસલામતીમાં જીવીએ છીએ. જે આ અસલામતીના ગાભાને પોતાના જીવનથી દૂર ઉતારીને ફેંકી શકે છે એ બચી જાય છે!


જીવનરસ હોય તો નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ મળી જ રહે છે. કશું ના કરવું એ પણ પ્રવૃત્તિ નથી એમ નહિ, પણ મનની નિષ્ક્રિયતા ન હોવી જોઈએ! કેટલું બધું જોવાનું છે, વાંચવાનું છે, સાંભળવાનું છે, હજુ તો કેટલાય માણસોને મળવાનું છે , અરે હજુ તો કેટલું બધું જાણવાનું અને જીવનને ઓળખવાનું બાકી છે! માણસ પગ છૂટો કરવા ચાલવા જાય છે, પણ મન છૂટું કરવા માટે મિત્રોને મળે નહિ અને પોતાના જ કોચલામાં ભરાઈ જાય તો એ પોતાના જ ઘરની દીવાલમાં ગૂંગળાઈ મરે છે! 

મરણ ના આવે ત્યાં સુધી જીવવાનું તો છે જ ને! તો પછી આનંદભરી સમજણથી કે સમજણભર્યા આનંદથી છલોછલ રસથી કેમ ન જીવવું?


સંકલિત: "ડો. કાર્તિક શાહ"

Wednesday, August 12, 2020

માણસો કામ કેમ ટાળે છે?

 


જીવનમાં નિષ્ફળ જતી વ્યક્તિઓની અનેક કુટેવોમાંથી એક કુટેવ કામને મુલતવી રાખવાની એટલેકે ટાળવાની હોય છે. 

અને પાછા એ લોકો એ કામ ટાળવાની કેમ ખાસ જરૂર હતી અને કેવા અસાધારણ અને અદ્વિતીય સંજોગોના કારણે એ કામ ટાળ્યું છે એ બહુ જ ભારપૂર્વક તમને સમજાવી પણ શકે છે !! એમના એ  કારણો સાચા લાગે એવા હોય તેમ છતાં એ લોકો એ સમયે એ  ભૂલી જતા હોય છે કે એમના જીવનમાં જ કેમ એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે?!

જે વિદ્યાર્થીએ પરીક્ષાની પુરી તૈયારી નથી કરી, એ નક્કી કરે છે કે જો આ વખતે પાસ થઇ જવાય, તો આવતા વર્ષે પહેલા જ દિવસથી વાંચવા બેસી જવું છે. માણસ બીમારીમાંથી સાજો થાય  પોતે ખાન-પાન, વ્યાયામમાં કેવો નિયમિત રહેશે એનો નિર્ણય કરે છે. અમુક કામ નહિ કરવા બદલ નુકસાન થાય ત્યારે એ કામ પોતે ક્યારેય ટાળશે નહિ એવું તે પ્રણ પણ લે છે!

અને છતાં, પાસ થઇ ગયા પછી, બીજે વર્ષે પણ વિદ્યાર્થી અભ્યાસ શરૂ કરવાનું મુલતવી  રાખે છે.આવતીકાલથી વહેલો જાગીશ (આજે નહિ) એમ વિચારીને સવારે ચાલવા જવા કે વ્યાયામ કરવાનું માણસ પાછું ઠેલ્યા કરે છે. અગત્યના મેઈલ ચેક કરીને એના રીપ્લાય નહિ કરવાથી હજારો કે કોઈ વાર લાખોનું નુકસાન થાય તેમ હોય છતાં તે કરવાનું માણસ ટાળે  છે. ફોનબિલ, પાણીનું બિલ, ઈલેક્ટ્રીસીટી બિલ, ક્રેડિટ કાર્ડ બિલ, ઈન્ક્મટેક્સ વિગેરેની તારીખો આવીને  વીતી જાય ત્યાં સુધી એને ભરવાનું ટાળે છે. પૈસા હોય છે, સમય હોય છે, સગવડ પણ હોય છે છતાં આજે કરવાના કામો બીજા દિવસ ઉપર મુલતવી રાખે છે. 


આવું કેમ બને છે? શું લાગે છે આપને ?


કામ ટાળવાની ટેવમાં માણસનું અજાગ્રત મન (સબકોન્શિયસ માઈન્ડ) બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક મનોવિજ્ઞાનીઓ માને છે કે આ ટેવને માણસની ભૂલી જવાની ટેવ સાથે સીધો સંબંધ છે. જે બાબત પોતાને અણગમતી હોય જેમાં પોતાને કોઈક શંકા હોય કે કોઈક છાનો ડર  હોય, અથવા જેની સફળતામાં શંકા હોય એ જ વસ્તુ માણસ ભૂલી જાય છે  અથવા ભૂલી જવા મથે છે! કેટલાક કામો માણસને બોજારૂપ લાગતા  હોય છે છતાં એ કરવાની ના પાડી શકે તેમ હોતો નથી ત્યારે તે કાં તો ભૂલી જાય છે, કાં તો પાછા ઠેલ્યા કરે છે. ઘણી વાર અમુક કામ કરવાથી પોતાની પાસેથી માણસને કંઈક ખુંચવાઇ જતું હોય લાગે છે એ કામ કરવાનું પણ મન પસંદ કરતુ નથી. 


ભૂલી જવાની અને ટાળવાની ક્રિયા ઘણી વાર એક "સાંત્વન" હોય છે. "અરે, એ તો હું ભૂલી જ ગયો!" કે " એ કામ કરવાનું તો રહી જ ગયું!" એમ કહેનાર માણસ ગુનાની ભાવનાથી કે કોઈક પ્રકારના ઠપકાથી બચવા ઈચ્છતો હોય છે. 


એમાં સારી વાત એ છે કે ભૂલી જવાની આદત જેટલું મુશ્કેલ છે એટલું મુશ્કેલમુલતવી રાખવાની આદત સુધારવાનું નથી. કારણકે ભૂલી જવાની ક્રિયા સંપૂર્ણ માનસિક છે જયારે મુલતવી રાખવાની ક્રિયા સંપૂર્ણપણે માનસિક તો નથી જ! વળી તો આપણે મુલતવી રાખવાની ક્રિયાને ગંભીર ના લેતા હોઈએ તો ચેતી જવાની જરુર છે. "ઘી ન્યુયોર્ક ટાઈમ્સ"માં કેટલાક મનોવિજ્ઞાનીઓએ આ  વિષયમાં પોતાના મંતવ્યો રજુ કર્યા છે, જે મુજબ આ કુટેવ એ ઘણી જ ગંભીર છે. અને માણસે એમાંથી જલ્દીથી મુક્ત થઇ જવું જોઈએ! 


કામ મુલતવી રાખનાર ને એ ખ્યાલ નથી આવતો કે આજે મુલતવી રાખેલું કામ કાલે નદીના પટ જેમ વધુ પહોળું થવાનું છે. આજે જે નદી તરવાનું એ મુલ્તવી રાખે છે તે જ તરવાનું કાલે વધારે અઘરું કે  કદાચ, અશક્ય પણ બની જવાનું છે!


આપણી જિંદગી એવી છે કે દરેક વ્યક્તિને એનો કડવો અને મીઠો બંને હિસ્સો ચાખવો જ પડે છે. જે કામ આપણે કરવાના હોય છે એ બધા કંઈ આપણને ગમે એવા નથી હોતા. છતાં, તે કર્યા વિના ચાલે તેવું નથી હોતું. જે વ્યક્તિ આજનું અણગમતું કામ કાલ ઉપર ટાળે  છે એને સમજી લેવું જોઈએ કે કાલે પણ એ જ કામ અણગમતું જ રહેવાનું છે!  એટલું જ નહિ પણ મુલ્તવી રાખેલા કામોનો એટલો મોટો ઢગલો એની સામે ખડો થઇ જવાનો છે કે એની સામે જોતા જ દૂર ભાગી જવાની ઈચ્છા થઈ જવાની છે. પણ, જિંદગીથી કોણ ભાગી શકે છે? જે કોઈ જીવે છે એને કામ કર્યા વિના છૂટકો જ નથી. એટલે, કામથી ભાગવાના બદલે સમયસર કરી લેવાથી જ જિંદગીનો બોજો આસાનીથી ઉપાડી શકાય છે. 


જોકે, એક પણ કામ મુલતવી ન રાખતી હોય એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે, છતાં સામાન્ય રીતે આપણે એમ જરૂર કરી શકીએ કે જે વ્યક્તિ પોતાના કામ ઓછામાં ઓછા મુલ્તવી રાખે, જેને ઓછામાં ઓછા બહાનાંઓનો આશરો લેવો પડે તે વધુમાં વધુ સફળતા પ્રાપ્ત કરી શકે છે!

કામ ના ટાળવાની  અને પોતાના મનને આવી જ રીતે કેળવવાની કેટલીક યુક્તિઓ નિષ્ણાતોએ સૂચવી છે જેના વિષે આપણે આવતા અંકમાં જોઈશું!!



Thursday, June 11, 2020

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય - કહેવત, લોકોક્તિ, લોકગીત કે રચના?

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!
લોકોક્તિ, કહેવત, લોકગીત કે રચના? 
―  એક સંશોધન (ડો. કાર્તિક શાહ)
અવિનાશ વ્યાસજી

આજે આપણે વાત કરવી છે ગુજરાતી સાહિત્યની તદ્દન અજાણી એવી એક હકીકત વિશે….ચાલો, તો શરૂઆત કરીએ ફ્લેશ બેકમાં વિહરવાની!!

ગુજરાતી ભાષાનાં આ અમર અવિનાશી ગીતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે! એમાંય "દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!"  પંક્તિઓ તો જાણે લોક-કહેવત, લોકગીત કે લોકોક્તિ તરીકે સદાય ગુજરાતી ભાષા જોડે રહેશે, એમ કહું તો જરાય ખોટું નથી! 

અનિલ આચાર્યે એક વાર લખ્યું છે કે, દીકરી પોતાની છે છતાંય પારકી છે એથી તે વધુ નજીક હોય છે. ‘દીકરી’ શબ્દનાં ‘દી’ અને ‘રી’ દિર્ધમાં છે. તે શબ્દનાં ઉચ્ચારને પણ નહીં છોડવાની આટલી જીદ હોય તો દીકરીને છોડવા મન ક્યાંથી તૈયાર થાય?

દીકરી, એક શમણું, આપણું છતાં પરાયું.  દીકરી શું નથી? દીકરી આપણી હથેળીની સૌથી લાડકી ટચલી આંગળી છે. દીકરી જિંદગીની શુષ્કપળોમાં ભીનાશ જન્માવતી ભીની ભીની લાગણી છે. દીકરી માબાપનાં વૃદ્ધત્વનાં એકલતાનાં કિનારાને ભર્યાભર્યા રાખતી, સતત લાગણી છલકાવતી છાલક છે. દીકરી એ માબાપનાં જીવનમાં પરીકલ્પનાનું સુખ આપતી જીવનવાર્તાની ‘પરી’ છે. દીકરી તમારા સ્તબ્ધ, વિષાદી, આઘાતભર્યા મનમાં થીજી ગયેલા આંસુને વહેતા કરી તમને હળવા રાખે છે. દીકરી તમારા સ્મિત પાછળનાં રૂદનને વાંચી શકે છે. દીકરી તમારા વિષાદી મનનો સંગાથ છે. દીકરી પ્રભાતનાં ફૂલ પરનું ઝાકળબિંદુ છે. તેના મુલાયમ સ્પર્શમાં તમને તમારા અસ્તિત્વની સાર્થકતા અનુભવાય છે. દીકરી એટલે કદી ‘ડિલિટ’ નહીં થતી અને સદા ‘રિફ્રેશ’ રહેતી લાગણી. દીકરી તમારા દિલનાં સ્ક્રીન પરનું છે મનોહર ‘સ્ક્રીન-સેવર’ ! દીકરી એટલે તમારા રંજને પરાજિત રાખતો ઉમંગનો આફતાબ. તમારી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી શું નથી ?

આવી જ ઘણી બધી અવ્યક્ત લાગણીઓને વાચા આપતું, વર્ષ ૧૯૭૯માં આવેલી ગુજરાતી ફિલ્મ "પારકી થાપણ"નું આ ગીત, સ્વ. અવિનાશ વ્યાસજીએ રચેલું અને પુત્ર શ્રી ગૌરાંગભાઈનું એટલું જ અદ્ભૂત સ્વરાંકન છે. આ ગીતનું સર્જન પણ એટલું જ રોચક છે. જેની વિસ્તૃત ચર્ચા આપણે આ અગાઉ કરી ચુક્યા છીએ કે કઈ રીતે આ અદભુત સ્વરાંકનને એટલો જ અદભુત સ્વર પ્રાપ્ત થયો, લતા મંગેશકરજી નો!! જી હા, આ ગીતમાં સ્વરની પ્રથમ પસંદગી અલકાજીની હતી, અને એક અહેવાલ મુજબ, બાદમાં લતાજી ખૈયામજીનું રેકોર્ડિંગ ટાળીને આ ગીતનું રેકોર્ડિંગ કરવા સાંજે પધારેલા! એવું કહેવાતું હતું, કે લતાજી સાંજે ગીત ગાતા નથી, છતાંય આ ગીત માટે તેઓએ પોતાની પ્રથા તોડી હતી!

આ ગીત, એ સમયે બનતી વખતે બીજા પણ રસપ્રદ અનુભવોમાંથી પસાર થયું છે. ‘પારકી થાપણ’ ફિલ્મનું ટાઇટલ સોંગ કરવાનું અને વળી લોકોને ગમે એવું કરવાનું અને વળી લખાય અને રેકોર્ડિંગ થાય પછી શૂટિંગ કરવાનું. ‘પારકી થાપણ’ – આ શબ્દો છેલ્લે રાખીએ તો એના પ્રાસમાં શબ્દો ગાઈ શકાય. એ યાદગાર રહી જાય એવા ના પણ બને! પણ, અવિનાશ વ્યાસની સર્જકતાએ અને એમની સ્વર સજ્જતાએ કવિતામાં પ્રાણ પૂર્યો અને “દીકરી તો પારકી થાપણ કહેવાય” એવી પંક્તિઓ લખી. ‘કહેવાય’-ના પ્રાસમાં-કાફિયામાં ગીતને આગળ વધાર્યું અવિનાશ વ્યાસે. નિર્માતા અરુણ ભટ્ટની સામે જ પ્રથમ સીટિંગમાં જ ગીતનું મુખડું અને એક અંતરો લખાઈ ગયા!

સાથે સાથે અવિનાશ વ્યાસ ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’-ની કહેવાતી લોકોક્તિ/કહેવત પણ ગીતમાં સાચવે છે. આનાથી મોટી બીજી કઈ વાત હોય! 

આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી, આપણા આજના આ લેખનાં મૂળ ઉદ્દેશ્ય પર આવી જઈએ! નહીં તો, આ ગીત, સંગીત, મહાનુભાવો વિશે લખતાં શબ્દો ખૂટી પડે પણ વાતો નહિ!!

"દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!" ― કેટલા ટૂંકા શબ્દોમાં માર્મિક રજુઆત થઈ ગઈ છે! તો, શું આ લોકોક્તિ જ માત્ર છે? કે કહેવત કે લોકગીત? શું છે ખરેખર આ? અને ગુજરાતી સાહિત્યમાં આ અગાઉ ક્યાંય કોઈ જગ્યાએ એ રજુ થઈ છે કે કેમ? અને જો જવાબ હા હોય તો, કોણ છે રચયતા એના? 

આના જવાબમાં, આજે એક રોચક ઇતિહાસનું થોડું કરેલું સંશોધન રજૂ કરવા જઈ રહ્યો છું. આશા છે આપને કંઈક નવીનતમ માહિતી મળી રહેશે! જી હા, જો હું એમ કહું કે આ પંક્તિ એના આ જ મૂળ સ્વરૂપમાં આજથી બરાબર 110 વર્ષ પહેલાં રજૂ થઈ હતી, તો?

ખરેખર, એવું જ બન્યું હતું. ઇ.સ. 1909માં માત્ર આ પંક્તિ જ નહીં પણ એને સમાવતું એક આખું ગીત, અરે આખું એક નાટક રજૂ થયેલું છે!! અને ત્યારે સ્વ. અવિનાશ વ્યાસજીનો જન્મ પણ નહોતો થયો. તેમનો જન્મ થયો હતો ઇ.સ. 1912માં. જ્યારે આ પંક્તિને સમાવતા નાટ્યગીતના નિર્માતાનો જન્મ થયો હતો 18 માર્ચ,  ઇ.સ. 1862માં એટલે કે, સંવત 1918ની ફાગણ વદ ત્રીજના દિવસે! એટલે કે, આ રચના વખતે એ 47 વર્ષના હતા. એટલે કે અવિનાશજી થી 50 વર્ષ મોટાં!! અને હજુ એક ડગલું આગળ, આજથી 110 વર્ષ પહેલા જે નાટકમાં એ ગીત રજુ થયેલું, એ સંપૂર્ણ કાર્યક્રમ એ નિર્માતાએ ઇ.સ. 1867ના 25માં એક્ટ મુજબ કોપીરાઈટ પણ કરાવેલો!! અને સર્વ હક્ક સ્વાધીન રાખ્યા હતા!  અને એમાંથી આ ગીત ખૂબ જ પ્રચલિત થયું અને લોકમુખે ચઢી ગયું!! 

આ નિર્માતા એ ઉત્તમ કવિ હતા. અને ગુજરાતી ઉપરાંત તેઓ સંસ્કૃત, ઉર્દુ અને હિન્દી ભાષાના પણ પ્રખર નિષ્ણાત હતા. બાલ્યવયથી જ એમની નોખી બુધ્ધિપ્રતિભાની પ્રતીતિ થતી હતી. કચ્છ-ભુજમાં પોશાળ (કવિની પાઠશાળા)માં અભ્યાસ કર્યો અને સંવત 1937માં વધુ અભ્યાસ અર્થે કાશીતીર્થમાં સંસ્કૃત, કાવ્ય  અને અલંકારશાસ્ત્રનો અભ્યાસ કર્યો.  તદુપરાંત પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ વિદ્વદવર્ય વૈદ્યરાજ લક્ષ્મીશંકર નરોત્તમ ભટ્ટ પાસે વૈદિક ધર્મ અને સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરી એમને ગુરુપદે  સ્થાપ્યા.

કવિની વિદ્વત્તાના વાવડ શ્રી હરિસિંહજીને મળ્યા અને એમણે પોતાના રાજકવિ તરીકે એમને નીમ્યા. ત્યારબાદ ભાવનગરનરેશ શ્રી તખ્તસિંહજીએ એમને પોતાના રાજકવિ તરીકે નીમ્યા. રાજકવિએ હિન્દી તથા વ્રજભાષામાં પણ પ્રભુત્વ મેળવ્યું હતું, તેથી રાજપ્રશસ્તિના હિન્દી કાવ્યોના ગ્રંથો પણ લખ્યા જેમ કે, તખ્તયશત્રિવેણિકા, ભાવ સુયશવાટિકા, ભાવ આશીર્વચન, અમર કાવ્યાલપ, અને કરુણરસપ્રધાન ગ્રંથો ઝંડુવિરહ, ભાવવિરહ અને ત્રિભુવનવિરહ પણ લખ્યા!

છત્રીસ વર્ષની ઉંમરે એમને સંસ્કૃત ગ્રંથ "ભરતનાટ્યશાસ્ત્ર"નો ગુજરાતી અનુવાદ કરવાની ઈચ્છા થઇ જે એમણે  ગુરુવર્ય લક્ષ્મીશંકર ભટ્ટને જણાવી અને એમના માર્ગદર્શન હેઠળ એ કાર્ય  એમણે સંપન્ન પણ કર્યું. ઘણા કાળ સુધી એ ગ્રંથ એમ ને એમ પડ્યો રહ્યો કારણકે એ ભાષાંતર સમજણપૂર્વક સુધારી અને નવેસરથી લખવાના કાર્ય માટે યોગ્ય વ્યક્તિની શોધમાં હતા જે પછી વર્ષ 1902માં જામનગરના રાજકવિ શ્યામજી જયસિંહના પુત્ર કેશવલાલને સોંપાયું અને ભાવનગરમાં જ આનંદ પ્રિન્ટિંગ પ્રેસમાં એની પ્રથમ આવૃત્તિ છપાઈ!

તેઓએ ઘણા નાટકો પણ લખ્યા જેમાં પૌરાણિક, ઐતિહાસિક અને સામાજિક નાટકોનો સમાવેશ થાય છે. જેમાંના એકની નોંધ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે એમના પુસ્ત્તક "સ્મરણમંજરી"માં આલેખી છે. એમના નાટકોની એ જ ખૂબી હતી કે એમના ગીતો ઘર ઘર ગુંજતા અને અત્યંત લોકપ્રિય થઇ જતા.  "દાસ પર દયા લાવો રે, હું ભજન કરીશ હરિનું", " બોલું ક્યા મેરે પ્યારકી બતિયાં, સર પર ગાગર ધર કર" -- આ બધી પંક્તિઓ રસિક પ્રેક્ષકોને હજુય યાદ રહેશે. ગુર્જર જનતા આ મહાકવિની ઋણી છે, પણ એમને અનુરૂપ સન્માન એમનું થયું નહિ!

એક દિવસ કવિશ્રીએ રસકવિને ભોજનનું આમંત્રણ આપેલું, જમવામાં ઉત્તમ જાતના માદક પીણાં અને ઘી નીતરતી મસાલેદાર ખીચડી હતી. આ મહાપ્રસાદ આરોગવાની રસકવિમાં શક્તિ ન હતી. એમના માન ખાતર એક કોળિયો ભરી રસકવિ ઉઠી ગયા એટલે કવિશ્રી બોલ્યા, 

"હટ ભૂંડા, ગુજરાતી ખરો ને! ખાવાપીવામાં શું સમજે?"

ત્યાર બાદ સુરદાસ અને નાગરભક્ત નામે નાટકો ઈ.સ. 1909માં રજુ થયા. જેના સુંદર અને ભાવવહી ગીતો લોકજીભે રમી રહ્યા. 

તા. 25.11.1909ના રોજ લેખક ગોપાલજી કલ્યાણજી દેલવાડાકર કૃત નાટક "નીલમ માણેક" રજુ થયું. એ વાંકાનેર કંપનીની પ્રસ્તુતિ હતી. જેના સ્થાપક ત્ર્યંમ્બકલાલનું મૃત્યુ થતા કંપની મુશ્કેલીમાં આવી પડી. સંસ્થાનું ગુડવીલ સારું હોવાથી આ રાજકવિએ એમની સાથેના નાટ્યધુરંધરોની સાથે મળીને એક સમિતિ રચી. અને  "નીલમ માણેક" નાટકને કોપીરાઈટના 1867ના 25માં એક્ટ મુજબ રજીસ્ટર કરાવ્યું અને સર્વ હક્ક સ્વાધીન રાખ્યા! જેમા એમનું  એક ગીત અતિ લોકપ્રિય થયું હતું અને લોકમુખે ચડી ગયું હતું એ કૈક આ મુજબ હતું, 

"દીકરી ને ગાય દોરે ત્યાં જાય 
રંક બિચારીનો નહિ ઉપાય 
એક આધાર તારો છે કિરતાર-"

આ કૃતિ "નીલમ માણેક". આમ તો સાત ભાગમાં સચિત્ર નવલકથા તરીકે પ્રસિદ્ધ થઇ હતી. 

આ રાજકવિનું  નામ હતું નથુરામ સુંદરજી શંકર! નામ જાણીને નવાઈ લાગી ને...? કદાચ કોઈએ સાંભળ્યું પણ નહિ હોય...પણ આ રાજકવિશ્રીએ ગુજરાતી ભાષામાં જ નહિ પણ, હિન્દી, સંસ્કૃત અને વ્રજભાષામાં પણ ઉત્તમ ગ્રંથો લખ્યા છે અને નાટ્ય, ગદ્ય અને પદ્ય સાહિત્યમાં એમનું બહુ મોટું યોગદાન છે. 

એટલે છેલ્લે હા, એ ચોક્કસ કહી શકાય કે અવિનાશજીએ પોતાની સ્વતંત્ર રચના લખી છે અને એમાં માત્ર આ પંક્તિનો ઉપયોગ કર્યો છે જે લોકોક્તિમાં એ સમયે ખપી ગઈ હતી...એટલે કે એની રજુઆતના આશરે 70 વર્ષ પછી!! આ લેખનો મૂળ ઉદ્દેશ વાચકમિત્રોને એના મૂળ શબ્દ-સર્જક સાથે પરિચય થાય અને ગુજરાતી ભાષા-સાહિત્યના ઇતિહાસ પરથી ક્યાંક પડદો ઊંચકાય એ શુભ-આશય જ માત્ર છે. આ ઉપરાંત આવી અનેક અમર પંક્તિઓ રસિક વાચકોને યાદ રહે તથા ગુર્જર પ્રજા આ રચયતાઓને યાદ કરી ઋણ ચૂકવે તો એમને અનુરૂપ સન્માન પણ મળે!

ડો. કાર્તિક શાહ (પંખ E-મેગેઝીન, અંક 41, જૂન, 2020)

Sunday, May 10, 2020

મોહે પનઘટપે નંદલાલ છેડ.. અજાણી વાત: આ ગીત માટેની


"રસકવિ" જેમનું ઉપનામ છે, શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ... એક સિદ્ધહસ્ત નાટ્યકાર હતાં. અને એમના નાટકો  ખાસ એમનાં ગીતો માટે જ વખણાતાં!!

નડિયાદના આ ગીતકાર દ્વારા પોતાના જ ગુજરાતી નાટક "છત્રવિજય"માં કથ્થક નૃત્ય માટે હિંદી ગીત લખવામાં આવ્યું હતું. નડિયાદના આ ગીતકાર દ્વારા નિર્માણ પામેલા "મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…" ની કોઈપણ જાતની મંજુરી વિના એમ કહી શકાય કે શબ્દોમાંથી પ્રેરિત થઈને એક આવું જ ગીત કે.આસીફની મુગલે આઝમ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યું હતું, જે તે સમયે તેનો કોઈ વિરોધ ગીતકારે ઉઠાવ્યો નહોતો, પરંતુ ચાર દાયકા પછી મુંબઈમાં રહેતા ગીતકારના પૌત્રએ વાંધો ઉઠાવતાં ધ ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિટી ઓફ ધ રાઈટર્સ દ્વારા ૯ જાન્યુઆરી ર૦૦૬ના રોજ વિવાદનો ચુકાદો આપીને એ વાત માન્ય રાખી હતી કે મોહે મનઘટ પે નંદલાલ છેડ ગયો રે… ગીતના ખરા નિર્માણકર્તા નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા.

સૌથી વધુ સાહિત્યકારોની જન્મભૂમિ, કર્મભૂમિ કે વતન છે તેવા નડિયાદ શહેરના જ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૮૯રમાં થયો હતો. અભ્યાસ બાદ કવિતાઓ લખવામાં નિપુણ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે ગુજરાતી નાટકમાં કથ્થક નૃત્ય માટે મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…હિંદી ગીત (ફરી વાંચો:ગુજરાતી નાટક માટે હિન્દી ગીત!) લખ્યું હતું. નિર્માતા કે.આસીફ દ્વારા હિન્દી ફિલ્મ મુગલે આઝમ બનાવવામાં આવી ત્યારે ગીતકાર શકીલ બદાયુનીએ આ ગીતથી ઇન્સપાયર થઈને સાચા ગીતકાર રઘુનાથ બ્રહ્મભટ્ટની મંજુરી વિના મુખડું સમાવી લીધું હતું.


વર્ષ ૧૯૬૦માં જ્યારે મુગલે આઝમ ફિલ્મ રીલીઝ થઈ ત્યારે રઘુનાથ બ્રહ્મભટ્ટ દ્વારા કોઈ જ વાંધો ઉઠાવવામાં આવ્યો નહોતો, પરંતુ ૪ દાયકા પછી તેઓના મુંબઈમાં રહેતા પૌત્ર ડો.રાજ બ્રહ્મભટ્ટ દ્વારા આ બાબતનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેને પગલે મોટો વિવાદ ઉભો થતાં ફિલ્મ રાઈટર્સ એસોસિએશન દ્વારા પણ આ મામલે સહકાર આપવામાં આવ્યો હતો, જેને પગલે વર્ષ ર૦૦૪માં જ્યારે મુગલે આઝમ ફિલ્મની કલર ડી.વી.ડી. બહાર પાડવામાં આવી ત્યારે આ ગીતના નિર્માણકર્તા તરીકે રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ ઉમેરવામાં આવ્યું હતું.

મુગલે આઝમનું પુનઃ નિર્માણ કરનાર નિર્માતા બોનીકપુર અને દિનેશ ગાંધી સાથે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર રાજ બ્રહ્મભટ્ટે ગીત બાબતે સાચી જાણકારી આપતાં અને સમગ્ર બાબતથી વાકેફ કરતાં પુનઃ નિર્માણ થયેલી મુગલે આઝમ ફિલ્મના મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….ગીતના નિર્માણકર્તા તરીકે રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ સમાવી લેવામાં આવ્યું હતું. જે અંગે શકીલ બદાયુનીના પૌત્ર જાવેદ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે ૪પ વર્ષે ધ ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિટી ઓફ ધ રાઈટર્સ દ્વારા ૯ જાન્યુઆરી ર૦૦૬ના રોજ વિવાદનો અંત આણીને ચુકાદો આપીને એસોસિએશને એ વાત માન્ય રાખી હતી કે "મોહે પનઘટ પે નંદલાલ છડો ગયો રે…." ગીતના સાચા નિર્માણકર્તા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જ હતા!!

હવે થોડી અજાણી વાત: આ ગીત માટેની


આ એક ઠુમરી છે. ઠુમરી એટલે? "ઠુમક રી" પરથી આવેલો શબ્દ અને પ્રકાર એટલે ઠુમરી!!

"મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે” રાગ ગારા માં સ્વરબદ્ધ થયેલી આ ઠુમરી (દાદરા) લખનૌના નવાબ વાજિદઅલી શાહના દરબારમાં ગવાતી હતી અને તેના કંઈક આવા શબ્દો હતા:

"નિપટ ઝપટ મોરી સર કી ગાગરિયા ફોડી

ઔર ચુનરિયાં કસાઇ દિયો રે,

મોહે પનઘટપે પર નંદલાલ છેડ લિયો રે

મોહે પનઘટપે પર નંદલાલ...."


આ ઠુમરી સાથે સૌ પ્રથમ નામ જોડાયેલું છે તે છે શ્રી કાલકા-બિન્દાદિન. તેઓ બે ભાઈઓ હતા કે જેમાંથી મહારાજ કાલકા પ્રસાદ એ નૃત્ય સમ્રાટ પંડિત શ્રી બિરજુ મહારાજના વડ દાદા થાય. તેમનો જન્મ 1842માં થયો અને મૃત્યુ 1913માં. તેઓશ્રી ઠુમરી ગાયન અને નૃત્ય એકસાથે કરવામાં ખુબ જ પ્રખ્યાત હતા. જયારે મહારાજ બિન્દાદિન પ્રસાદનો જન્મ 1830માં અને મૃત્યુ વર્ષ 1918માં થયું હતું. તેઓશ્રી લખનૌ ઘરાનાના મૂળ સ્થાપક કહેવાય છે. શ્રી કાલકા-બિન્દાદિન લખનૌના નવાબ વાજિદઅલી શાહ  (જે પોતે પણ કવિ અને નૃત્યનો શોખીન હતા) ના દરબારમાં કથ્થક ગુરુ અને રાજગાયક હતા. એમના મૃત્યુ બાદ લખનૌ કાલકા-બિન્દાદિન ઘરાના આજે પણ પંડિત શ્રી બિરજુ મહારાજના વડપણ હેઠળ કાર્યરત છે જે ખુબ જ લોકપ્રિય અને પ્રચલિત છે. 

ઠુમરીનો આરંભ ક્યારથી થયો તેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી. કેટલાંક ઠુમરી શબ્દને તોમર રાજપૂતો સાથે સાંકળે છે તો કોઈ વળી છેક મહાભારતકાળ સુધીય ઠુમરીનું પગેરું લંબાવે છે. ભરત મુનિ રચિત 'અષ્ટનાયિકાભેદ'માં પણ કવિતા, સંગીત અને નૃત્યના સહિયારા સ્વરૃપ માટે બંધાયેલી વ્યાખ્યા ઠુમરીની પૂર્વજ લાગે. છતાં એટલું અવશ્ય કહી શકાય કે, અવધના નવાબ વાજિદઅલી શાહના દરબારમાં ઠુમરીને પોષણ મળ્યું.

નવાબ પોતે 'અખ્તર પિયા'ના તખલ્લુસથી દિલકશ ઠુમરીઓ લખતા અને તેના ગવૈયાઓ તેને સ્વરબદ્ધ કરતાં એ પછી ઠુમરી દરેક પ્રણયીની આતુરતા, બેબાકી, ઉત્કટતા અને ઝુરાપો બનીને લોકકંઠે ટહુકી ઊઠતી. ઠુમરીય કેવી, જે આજે પોણા બસો વર્ષ પછી પણ તમામ સ્તરના શાસ્ત્રીય ગાયકો, ગઝલગાયકો, ફિલ્મી ગાયકો માટે ગાવી ફરજિયાત થઈ જાય. બહુ જ થોડાં શબ્દો, નશીલી ગાયકી વડે શ્રુંગાર અને પ્રણયનું એક અદ્ભૂત ચિત્રણ એટલે ઠુમરી!

વાજિદઅલીનો દેશનિકાલ થયા પછી લખનૌના ઠુમરીગાયકોએ સ્થળાંતર કર્યું અને તેમાં બનારસનો રંગ ઉમેરાયો. એ રીતે સચવાઈ ગયેલી ઠુમરી આજે ફિલ્મી ઠુમરી તરીકે હજુ ય ક્યારેક કાને પડી જાય છે ત્યારે દિવસ જે હોય તે, પણ દિલમાં એ ૧૪ ફેબ્રુઆરી યાને વેલેન્ટાઈન્સ ડે યાને કે પ્રેમનો દિવસ બની જાય છે.

લખનૌમાં આજે પણ જિર્ણ દશામાં એક હવેલી છે છે તેનું નામ છે  “કાલકા બિન્દાદિન કી દયોધી”  (Kalka-Bindadin ki Dyodhi) 
પંડિત શ્રી બિરજુ મહારાજ અને તેમના સાથીદારોના પ્રયત્નો થી આ હવેલી ને કથ્થક અને લખનૌ ઘરાના નું મ્યુઝિયમ બનાવી રહ્યા છે.
હવે આ ટૂંકા ઇતિહાસ પરથી "મોહે પનઘટ..." પ્રસિદ્ધ ઠુમરીના મૂળ રચયેતા કોણ એ આપ જ નક્કી કરી લો!!

નૌશાદ અને શકીલ બદયુનીએ એક જ ભૂલ કરી...રઘુનાથજીનું ગીતનું મુખડું સીધું જ ઉઠાંતરી કર્યું.......!

― કાર્તિક શાહ ( પંખ e-મેગેઝીન, અંક ૪૦, મે, ૨૦૨૦)

Monday, March 16, 2020

કર્તવ્યનિષ્ઠા અને પુરુષાર્થ




આ સમય જે ભાગી રહ્યો છે, આપણે તેને પકડી રાખવાનો છે. એટલે કે એનો સદુપયોગ કરવાનો છે. ધન ગયું તો કશું નહિ, પણ સમય ગયો તો જિંદગીનો એક અંશ ગયા બરાબર છે. ફક્ત રાત્રિમાંસૂવા અને દિવસમાં નિત્ય કર્મ તેમજ જરૂરી આરામના પળ સિવાય સમય વ્યર્થ કરવો ભગવાનનું આપેલું જીવન નષ્ટ કરવાની સમાન છે. નિત્ય-પ્રતિના કાર્યોને કરવા સમયની બરબાદી નથી. ફક્ત આળસ તેમજ પ્રમાદવશ બસ એમ જ પડે-પડે સમયને પસાર કરતો જોવો હકીકતમાં એટલા સમયની આત્મહત્યાની સમકક્ષ છે. કેટલાક વ્યક્તિ સમયને એમ સમજી કાપી રહ્યા હોય છે જેમ કે એમને હજારો વર્ષો જીવવાનું છે. પળ-પળ, મિનિટ, કલાકો તો વીતતા નજરે આવે છે, પણ એમની સાથે સાથે જીવન પણ ચાલી જઈ રહ્યું છે, એ ખબર નથી પડી શકતી!! પણ જયારે એ સમયની અણમોલતાનો આભાસ થાય છે, ત્યારે પક્ષી ઉડી ચૂક્યું હોય છે અને પશ્ચાતાપ તેમજ આત્મગ્લાનિ સિવાય કશું નથી બચતું.

હકીકતમાં સમયનો સર્જનાત્મક કાર્યોમાં ખર્ચ થવો એ જ એનો સાચો ઉપયોગ છે. સમયનો તકાજો એ છે કે ધનને છોડીને સમયને પકડો, ધન તો આપમેળે આવી જશે. જેણે  પણ સમયના મહત્વને જાણી લીધું, સમજો કે એણે  સૌથી મોટી દોલત મેળવી લીધી. સમયની નિયતિ એ છે કે તે બતાવ્યા વગર દિવસ-રાત સતત વીતતો રહે છે. જે કોઈએ પણ સમયનો યોગ્ય ઉપયોગ કર્યો તે જ વ્યક્તિ જીવનમાં સફળ થયો છે. આજ સુધી કોઈ પણ એવો વ્યક્તિ મહાપુરુષ નથી બન્યો જે જીવનભર હાથ પર હાથ ધરીને બેઠો હોય.

એથી જ આદર્શ અને અનુકરણીય જીવન જીવવાની ગાંઠ બાંધી લો. તમારું પ્રત્યેક કાર્ય જનહિતમાં હોય, આ જ જીવનનો ચરમોત્કર્ષ છે કેમ કે માનવતા બીજાઓ માટે જીવવાનું શીખવે છે. કહેવા માટે તો ઘણી નાની વાત લાગે છે કે સમયનો આદર કરો, ઠીકથી ઉપયોગ કરો, પણ હકીકતમાં એના પર પ્રામાણિકતાથી અમલ કરવામાં આવે તો એક જ વર્ષમાં આપણો દેશ ક્યાંથી ક્યાં પહોંચી જાય? 

અહીં બે પ્રસંગો મને યાદ આવે છે. જે આવા જ એક મહાનુભાવના જીવનમાંથી ટાંકી રહ્યો છું. નામ અત્યારે નથી આપતો પણ તમે વાંચતા જશો એમ તમને ખ્યાલ આવતો જશે જ....

આ મહાનુભાવનો જન્મ 6 સપ્ટેમ્બર, 1962ના રોજ હરિયાણાના હિસ્સારના એક નાનકડા પ્રદેશ નાલવામાં થયો હતો. સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું અને આઠમું ધોરણ સારા અંકોથી પાસ કર્યું. એ સમયે હરિયાણા સરકારે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે "હરિયાણા ગ્રામીણ છાત્રવૃત્તિ પરીક્ષા"નું આયોજન કર્યું હતું! આ વિદ્યાર્થી ગામના તેજસ્વી છાત્રોમાંથી એક હતો એટલે એનું નામ પણ એની શાળા તરફથી ભલામણ તરીકે મોકલાયુ! 

હવે આ પરીક્ષાનું કેન્દ્ર ભિવાનીમાં હતું તથા પરીક્ષા સવારે 9.00 વાગે શરૂ થવાની હતી. પોતાના ગામ નાલવા થી ભિવાની જવા માટે એક જ બસ સવારે હતી જે ત્યાં સવારે વહેલામાં વહેલા 10 વાગે પહોંચાડી શકે એમ હતી. બીજા કોઈ જ માધ્યમ ત્યારે એમને પરવડે એમ ન હતા. બધું વિચારીને એના પિતાએ નિર્ણય લીધો કે આપણે આગલી રાત્રે જ ત્યાં પહોંચી જઈએ. પિતાજીના નાનપણના એક મિત્ર મામનચંદ જિંદાલ જે ભીવાનીમાં રહેતા હતા એમના ઘરે રાત રોકાવાનો નિર્ણય લીધો! 

પરંતુ ત્યાં પહોંચ્યા પછી મામનચંદે કહ્યું કે "મારા ઘરમાં એટલી જગ્યા નથી કે હું તમને રોકી શકું!" ત્યારે આ મહાનુભાવે એમ કહ્યું કે "અમને તમારા ઘરમાં જગ્યા ના હોય તો કાંઈ વાંધો નહિ અમે તમને તકલીફમાં નહિ મૂકીએ પણ તમારા ઘરની છતમાં જગ્યા આપી દો, અમે રાત ગમે તે રીતે ત્યાં પસાર કરી દઈશું!" મામનચંદ એના માટે રાજી થઇ ગયા. 

તેઓ ત્યાં એક દરી અને ચાદર લઈને ગયા અને જોયું તો ઘરનો ફાલતુ તૂટેલો-ફૂટેલો સમાન આખી છત પર વિખરાયેલો પડ્યો હતો. તેથી એક ટીન શેડની નીચે થોડી સફાઈ કરીને એક નાઈટ લેમ્પ લગાવીને અડધી રાત સુધી પરીક્ષાનો અભ્યાસ કરીને રાત પસાર કરી. સવારે તેઓ 6.00 વાગે ઉઠ્યા અને છત પર વિખરાયેલો તમામ સમાન ઢંગથી ગોઠવવાના કામે લાગી ગયા અને છતને પાણીથી ધોઈને વ્યવસ્થિત સાફ કરી દીધી! જ્યાં આગલી રાત્રે 2 માણસ પણ મુશ્કેલીથી સુઈ શકે એમ હતા ત્યાં એમણે હવે 20-25 માણસો શાંતિથી સુઈ શકે એવી વ્યવસ્થા કરી દીધી!

લગભગ 7.30 વાગ્યે તેઓ મામનચંદ પાસે આભાર માનવા આવ્યા, પણ ખબર નહિ કેમ સવારે આવાજ થતો સાંભળી મામનચંદ અને એમના પત્ની ત્યારે જ છત પર ગયા, તો એમની આંખો તો ફાટીને પહોળી જ રહી ગઈ. અને પોતાની ઉપર ખુબ જ અકળાયા. જેઓએ આગલી રાત્રે સરખી વાત પણ નહોતી કરી એ હવે આ મહાનુભાવ અને એના પિતાને બપોરે પરીક્ષા પતે એટલે જમીને જ જવાનો આગ્રહ કરવા  લાગ્યા. પરંતુ આ મહાનુભાવ ફક્ત એમનો આભાર માની પરીક્ષામાં બેસી ગયા અને ધોરણ 9 તથા 10 એમ બંને માટે 350 રૂપિયા પ્રતિ ત્રિમાસિકની છાત્રવૃત્તિ પ્રાપ્ત કરીને જ પરત ફર્યા!!

ત્યારબાદ તેઓએ આગળની તાલીમ મદ્રાસ એટલે કે અત્યારના ચેન્નાઇમાં લીધી હતી.  

તેઓની દેશદાઝ અને રાષ્ટ્ર માટે કૈક કરી છૂટવાની ભાવનાએ જ એમને ઈંડિયન એર ફોર્સમાં એરમેન તરીકે જોડાવાની પ્રેરણા આપી. 
પોતાના અનુશાસિત દિનચર્યા અને પ્રતિભાથી તેઓ અધિકારીઓમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં સમર્થ થયા. 

હવે, બીજી ઘટના એ સમયની છે કે જયારે તેમની બદલી ઇન્ડિયન એરફોર્સમાં એરમેન તરીકે શ્રીનગર-કાશ્મીરમાં થઇ. પોતાના પ્રશિક્ષણના સમયથી પોતાની અલગ ઓળખ બનાવી તેઓ એક સર્વશ્રેષ્ઠ કેડેટ તરીકે સ્થાપિત થઇ ચુક્યા હતા. અને એમની કેરિયર એ-પ્લસના રેટિંગથી આગળ વધી રહી હતી. આ વાત કાશ્મીરમાં રહેલા એરફોર્સના કેટલાક સિનિયર અધિકારીઓને ખટકી હતી. હું અહીં એ અધિકારીઓનો ઇરાદાપૂર્વક નામોલ્લેખ ટાળું છું જેથી આ લેખના મૂળ ઉદ્દેશથી ચલિત ના થઇ જવાય! આ અધિકારીઓએ ભેગા મળીને આ મહાનુભાવને પાઠ ભણાવવાનું નક્કી કર્યું! ડ્યુટીના આરંભમાં લગભગ 10-12 દિવસ સુધી કોઈ ખાસ કામ કરવા માટે આ મહાનુભાવને કહેવામાં ના આવ્યું !! તેઓએ સામેથી જઈને કહ્યું કે મને કૈક કામ આપો, તો તેમને એક જ જવાબ મળતો કે આવી રીતે બેસી રહેવું એ પણ એક કામ જ છે!! હવે એરફોર્સમાં એરમેન તરીકે ઉચ્ચ કેડેટ્માં આવીને આ રીતે બેસી રહેવું એ તો પોતાની કર્તવ્યનિષ્ઠાનું અપમાન છે એવું એમને લાગવામાં માંડ્યું! 

તેઓનું સ્પષ્ટ માનવું હતું કે ફોર્સમાં નિયુક્ત માત્ર  થઇ જવું એ જ એક વેતનપ્રાપ્તિનો આધાર નથી. પરંતુ જ્યાં સુધી માતૃભૂમિની સેવાર્થે કંઈક કાર્ય ના કરવામાં આવે ત્યાં સુધી વેતન લેવું એ નાઇન્સાફી છે. રાષ્ટ્રની સાથે વિશ્વાસઘાત છે અને પોતાના કામ, કર્તવ્યથી વિમુખ રહેવું એ વાત જ એમને બેચેન કરતી હતી. લગભગ 12 દિવસ આમ ચાલ્યું પછી એમનાથી ના રહેવાયું અને પોતાના સેક્શન કમાન્ડર શ્રી એસ. કે. નિગમને વિસ્તાર સહીત એક પત્ર લખીને પુરી ઘટનાનું વર્ણન કર્યું અને સાથે પત્રમાં પ્રાર્થના કરી કે "મને છેલ્લા 12 દિવસનું વેતન ન આપવામાં આવે." સાથે જ એ પણ લખ્યું કે, "જો ભવિષ્યમાં પણ મને આ પ્રકારે ખાલી બેસવાનું હોય તો મારે આવું વેતન નથી જોઈતું!!"

પત્ર પહોંચતા જ પુરા વિભાગમાં હડકંપ મચી ગયો કે ઉપસ્થિત કર્મચારીનું વેતન કાપવાનું કર્મચારી પોતે જ કહી રહ્યો છે કે જેણે પોતાના પુરા સમય પર ડ્યુટી કરી જ છે! જે અધિકારીઓએ આ મુજબ વર્તન કર્યું હતું એમને બોલાવવામાં આવ્યા અને સ્વાભાવિક રીતે જ તેઓ નિરુત્તર હતા! એને એમના પર પાછળથી વિભાગીય કાર્યવાહી પણ કરવામાં આવી. પાછળથી આ મહાનુભાવને  સર્વશ્રેષ્ઠ એરમેનથી નવાજવામાં પણ  આવ્યા. એમના આ કૃત્યથી પૂરા વિભાગમાં એક અનુકરણીય સંદેશ પણ બધાને મળ્યો.

પોતાની કર્તવ્યનિષ્ઠા, મહેનત અને કામ પ્રત્યેની લગનથી તેઓ સદૈવ સહકર્મચારીઓથી આગળ રહ્યા પરંતુ અંતે તેઓએ 1986માં એરફોર્સને વિદાય આપી. બધાય અધિકારીઓએ એમને ખુબ રોક્યા, સમજાવ્યા પરંતુ એમની મજબૂરી હતી. રિટાયરમેન્ટ પર તેમને બધું થઈને કુલ એક લાખ રૂપિયા મળ્યા, તેમાંથી ઘરનો સામાન અને અન્ય ચીજવસ્તુઓમાં 57000 જેવા ખર્ચાઈ ગયા. બાકી બચેલા 43000 રૂપિયા એમણે  "વૉર વીડો  રાહતકોષ"માં દાન કરવાની ઘોષણા કરી!! તેમના નાના-મોટા સૌ અધિકારીઓએ સલાહ આપી કે ભાઈ આ શું કરો છો? પોતાની મહેનતની કમાણીને કોઈ આ રીતે ના આપે! તમે એનો સદુપયોગ કરો, વેપાર-ધંધો કે ઇન્વેસ્ટમેન્ટ કરો! ત્યારે આ મહાનુભાવે કહ્યું, "હું વાણીયાનો દીકરો છું, અને કોઈ પણ કાર્ય નુકસાન માટે નથી કરતો! મારો વિશ્વાસ છે કે , "જે પ્રભુ પર વિશ્વાસ રાખીને સદ્કાર્ય કરે છે પ્રભુ એના કાર્યમાં પાર્ટનર બની જાય છે." અને ખરેખર એમણે બાકી બચેલું બધું ફંડ વેલ્ફેર માટે વિંગ કમાન્ડર નિગમ સાહેબને અર્પણ કરી દીધું!

ટૂંકમા, સર્વે નવયુવાનોને સંદેશ છે કે જે કોઈ પણ કાર્ય માટે વેતન વગેરેનો લાભ લઇ રહ્યા હો, એ કાર્યને પુરી નિષ્ઠાથી પોતાનું કાર્ય સમજીને કરો. એનાથી તમારું સ્વાભિમાન પણ જાગૃત થશે અને સમાજમાં પ્રતિષ્ઠા પણ જળવાઈ રહેશે. પોતાના કાર્યને પુરી કર્તવ્યનિષ્ઠાથી યોગ્ય સમય પર કરવું એ કાર્યના પ્રત્યે સાચી પ્રમાણિકતા છે. આ આપણે કોઈને ખુશ કરવા માટે નથી કરવાનું બલ્કે આ આપણી જવાબદારી છે. જે વ્યક્તિ કામચોર અથવા આળસુ હોય છે, એને વેતન તો પૂરું મળી જાય છે, પણ સન્માન જરા પણ નહિ. એવા વ્યક્તિ કંપનીને જ નહિ, પરંતુ ખુદને પણ દગો આપે છે. જયારે પણ કંપનીમાંથી કર્મચારીઓની છટણી  કરવામાં આવે છે તો એવા વ્યક્તિઓનો નંબર સૌથી પહેલો હોય છે!



અંતમાં આ મહાનુભાવની ઓળખ આપું કે જેને તમે ઓળખી જ ગયા છો! રાહતકોષમાં દાન કર્યા બાદ તેઓ 1987માં હૈદરાબાદ આવ્યા, જ્યાં એમને એક મોટા અધિકારી સ્કવૈડ્રન લીડર સુભાષ ગુપ્તાએ યાદ કર્યા! તેમનો કેટલોક ખુબ જ જરૂરી સામન એરફોર્સ સ્ટેશન ડૂન્ડીગલથી બાલાસોર મોકલવાનો હતો. તેઓ આ ભાઈથી ખુબ જ પ્રભાવિત હતા અને એમને ખ્યાલ હતો કે એ એક નીતિવાન અને મહેનતુ માણસ છે અને  એરફોર્સ છોડયા બાદ એ એક ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ છે. અને આ ખુબ જ અગત્યનું કામ તેઓ જ હેમખેમ પૂરું પાડશે ! કાર્ય સુખરૂપ સંપન્ન થયા બાદ ખુશ થઈને પોતાના એક મિત્રથી મળવાનું ગુપ્તાજીએ આ મહાનુભાવને કહ્યું! અને એ મિત્રે એમને એક હાઉસહૉલ્ડ શિફ્ટિંગનો વ્યવસાય ચાલુ કરવાનું કહ્યું અને મદદની ઓફર પણ કરી. ત્યાર બાદ તેમેણે એમના નાના ભાઈ સાથે અગ્રવાલ હાઉસહૉલ્ડ કેરિયર નામની કંપની બનાવીને વેપાર શરૂ કર્યો જે આજે 1000 કરોડથી પણ ઉપર પહોંચી ગયો છે અને આજે આખો દેશ એમના આ નામને ઓળખે છે "અગ્રવાલ પેકર્સ એન્ડ મુવર્સ" ના સ્થાપક શ્રી રમેશ અગ્રવાલ!

― ડો. કાર્તિક દિલીપકુમાર શાહ (પંખ e-મેગેઝીન, અંક ૩૯, એપ્રિલ, 2020)