Wednesday, December 26, 2018

કરાંચીથી કેમ ભાગેલા આ ગુજરાતી કવિ? તખ્તો બોલે છે...


ગયા અંકમાં આપણે જોયું કે ગુજરાતના જ એક કવિ-લેખકશ્રીએ શોર્યરસથી ભરપૂર નાટક લખ્યું જે કરાંચીમાં ભજવાયું અને લોકોમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આઝાદીનાં લોકજુવાળ અને વિદ્રોહને વેગ આપતું એ નાટક હતું. જેના પ્રત્યેક સંવાદ લોકજીભે ચડી ગયા હતા. જેની અસર ગોરા અંગ્રેજ કલેક્ટર પર થતાં એમણે કવિની ધરપકડનો આદેશ આપ્યો અને કવિ કરાંચીમાંથી ભાગી વડોદરા સિંધીનાં પોષાકમાં પહોંચ્યા જ્યાં એક અમલદારે એમની મદદ કરી અને કરાંચીમાં અબુલ કલામ આઝાદ, જે ત્યાં વકીલાત કરી રહ્યા હતા એમને કેસ સોંપી કવિશ્રીનો આબાદ બચાવ કર્યો!! હવે આગળ....

આ નાટક હતું "સ્વામીભક્ત સામંત"!! જે વીર દુર્ગાદાસના જીવન પર આલેખાયેલું હતું. એમાં કવિશ્રીએ દેશની સ્વતંત્રતા અને બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્તિની વાતને વણી લીધી હતી. ચુનીલાલ લક્ષ્મીરામ નાયકે એનું દિગ્દર્શન કર્યું હતું અને પોતે જ દુર્ગાદાસની મુખ્ય ભૂમિકામાં ઉતર્યા હતા. કવિશ્રીની શોર્યરસથી છલકાતી તેજ કલમને એમણે આંગિક, વાચિક અને આહાર્ય અભિનયથી સંપૂર્ણ ન્યાય આપ્યો અને તે નાટકથી ચુનીલાલ નાયક "દુર્ગાદાસ" તરીકે પ્રસિદ્ધિ પામ્યા!! શ્રી વિજય નૌતમ નાટક સમાજે કરાંચીમાં પારસી થિયેટરમાં તા. ૨૭.૦૧.૧૯૧૭નાં રોજ રજૂ કર્યું, સંગીત હતું ત્રિકમલાલ લક્ષ્મીરામ નાયકનું અને સન્નિવેશ મશહૂર પેઇન્ટરો ખંડુભાઈ અને હિરજીભાઈ મિસ્ત્રીએ બનાવ્યા.

આ કવિ-લેખકશ્રી હતાં, વૈરાટનગરી તરીકે ઓળખાતી ધોળકામાં જન્મેલા ગૌરીશંકર રાવળ પરંતુ વૈરાટનગરીમાં જન્મેલા હોવાથી ગૌરીશંકર "વૈરાટી" કહેવાયા!! પિતાજીનું નામ આશારામ અને માતાજી રેવાબહેન!! સ્વામીભક્ત સામંત લખ્યું ત્યારે કુટુંબની પરિસ્થિતિ સાવ સાધારણ હતી. માતાની ગોદ તો તેમણે નાનપણમાં જ ગુમાવી હતી અને પિતાજી પણ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. એમના પત્ની સવિતાબહેન, જેઓ કવિશ્રી કરતા ૧૪ વર્ષ નાના હતા!! (જન્મ ૦૫.૧૦.૧૯૦૩) કવિશ્રી કુટુંબના નિભાવકાજે શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા અને જોડે જોડે નાટ્યલેખન અને નૃત્યનાટિકાઓમાં પ્રવૃત્ત થયાં હતાં. સ્વામીભક્ત સામંત બાદ કવિકુલગુરુશ્રી કાલિદાસનું નાટક માલવિકા અગ્નિમિત્ર એમણે ગુજરાતીમાં લખ્યું. આ નાટકોની સફળતાથી કવિશ્રીને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે કુટુંબ-નિર્વાહનો ભાર તેઓ પોતે ઉપાડી શકશે અને પિતાશ્રી નિવૃત જીવન ગાળી શકશે.

કવિ વૈરાટીએ લગભગ ૧૧૭ નાટકો, ૭ ચલચિત્રની કથા-પટકથા અને ૨૦૦૦ ગીતો લખ્યા છે!! (સંદર્ભ: સ્મૃતિગંથ, રમણલાલ પટેલ) છે ને અધધધ....?? આ બહોળું સાહિત્યસર્જન સૂચવે છે કે એ સમયે રંગભૂમિ કેટલી સક્રિય હશે!!

અંગ્રેજોની વાત નીકળતાં જ એમનું ત્રીજું લોચન ખુલતું! કેમકે અંગ્રેજો તેમને ય ગોરા કહીને બોલાવતા!! (ગૌરીશંકરનું ગોરા!)

તે કહેતા, મહેરબાની કરીને મને ગોરા ન કહેશો, ગોરાઓએ તો દેશને ગુલામ બનાવ્યો છે!! તેમનું અન્ય એક વીર પૂજન નાટક ખૂબ ચાલ્યું, એ નાટકના સંવાદો, ગીતો મશહૂર થયાં. ખુદ રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ એ નાટકને જોવા આવ્યા અને બોલ્યા,

"આ નાટક તો શબ્દશ: પ્રેક્ષકોએ કંઠસ્થ કર્યું છે!!"

ખુદ કવિશ્રી પોતે પણ એકવાર પ્રેક્ષકો સાથે નાટકના એક ગીત "આ બાલ્યવયમાં કોઈના માતા-પિતા મરશો નહીં!" જોતાં, આંખમાંથી શ્રાવણીયો વરસતા રોકી શક્યા નહોતા!! સતત નવ મહિના સુધી આ નાટક ચાલ્યું, જેની પ્રથમ હરોળની ટિકિટના એ સમયે ૧૦૦ રૂપિયા દર બોલાયા!!

ભગવાન શ્રી રામના પુત્ર લવકુમારની ૬૩મી પેઢીએ નકસેન રાજા થયો, એણે ગુજરાતમાં વડનગરમાં વસાવ્યું. તેની ચોથી પેઢીએ વલ્લભસેન જન્મ્યો જે વલ્લભી વંશનો મૂળ પુરુષ "પરમ ભટ્ટારક" કહેવાયો. એના વંશનો છેલ્લો તે શિલાદિત્ય અને એ જ વલ્લભીપતિ તરીકે ઓળખાયો!! આ "વલ્લભીપતિ" નાટક પણ પ્રસિદ્ધ રહ્યું!

૧૯૨૭ના ગુજરાત મહાપુર પર લખાયેલું "જલપ્રલય" નાટક જોવા સરદાર વલ્લભભાઈ પટેલ અને ભુલાભાઈ દેસાઈ આવેલા. જેમાં પ્રસંગોનુરુપ મંચ જોઈ સરદારે કવિશ્રીની પીઠ થાબડી અભિનંદન આપ્યા. કવિએ કહ્યું, "મને આપના કોંગ્રેસ મંડળમાં જોડી દો."

વંદન કરતા કવિના હાથ સરદારે પકડી લીધા, અને એમને ઉઠાડીને મક્કમ અવાજે બોલ્યા,
"તું જ્યાં છે ત્યાં જ તું ઉપયોગી છે. એમાંય તું બહેરો! ( કવિશ્રીને સાંભળવાની થોડી તકલીફ હતી) ઉગમણી કોર બૂમ પડે અને આથમણી કોર તું ભાગે અને પોલીસની ગોળી તને જ સૌથી પહેલી વાગે!! તું આ જે કરે છે ઉત્તમ રાષ્ટ્રસેવા જ છે! અને તારા સમો રાષ્ટ્રસેવક મારે ગુમાવવો નથી! સેવકો તો લાખો મળે પણ અણીના સમયે મદદગાર થઈ શકે એવા તારા જેવા જવલ્લે જ મળે! તું કરે છે તે જ કરતો રહેજે!"


૧૯૨૭-૧૯૪૦નો સમય એવો હતો એક સાથે ૫-૭ નાટ્યસંસ્થાઓના તખ્તા પર એક જ "વૈરાટી"નું નામ ગાજતું હતું! પુરાણકથાઓ, ૩૮ ઐતિહાસિક ઘટનાઓ, ૨૪ સામાજિક કથાઓ પર એમના નાટકો લખાયેલા છે! ત્યારબાદ ધીમે ધીમે પ્રવાહ ઓસરતો ગયો જેનું મુખ્ય કારણ ચલચિત્ર જગતનું આગમન ગણી શકાય! જેના લીધે, ફિલ્મની કથા અને પટકથા લખવાની માંગણીઓ પણ થવા લાગી. રણજિત ફિલ્મ કંપનીને શરૂઆતમાં 'દેહના દાન' અને 'સોરઠી બહારવટિયા' કથાઓ લખી પણ આપી! એમની ૫૦ વર્ષની રંગભૂમિની સફર વિશે એમના જ શિષ્ય જીતેન્દ્ર જ. ઠાકરે લખવું શરૂ કર્યું. આ માહિતી સંશોધકો માટે ઘણી જ ઉપયોગી છે.

અને છેલ્લે એક ખાસ પ્રસંગ:

કવિશ્રીના ૮૦માં જન્મદિવસ નિમિત્તે સન્માન સમારંભ યોજાયો. ૨૦.૧૦.૧૯૬૯ના રોજ સન્માન થયું અને સન્માન ગ્રંથ પણ પ્રગટ થયો! જેમાં તેમની એક કૃતિ "નારી કે નારાયણી?" મયુર ક્લામંચે રજુ કરી. આ નાટકની કથાનું બીજ ક્યાંથી આવ્યું તે ઘણું જ રસપ્રદ છે!

વીર પૂજન નાટક રજૂ થયું એ સમયની વાત છે. એક દિવસ બાબુલનાથના યોગેશ્વરની મુલાકાત લઇ કવિશ્રી અને ચુનીલાલ પાછા ફરતા હતા. ચુનીલાલ ટેક્સી કરી. 

કવિશ્રીએ પૂછ્યું, "ક્યાં જવું છે?"
"યાદ કરો કવિરાજ, તમારું નાટક આતમ જલે-નો એક અંક સાંભળતા જ એક શેઠે એડવાન્સમાં તમને ૭૦૦ રૂપિયા આપી દીધા હતા, એ તમારા સંગદિલ મિત્ર આજે કેન્સરના રોગથી પીડાય છે. આપણે ત્યાં જ જવાનું છે! આશા છે કે આપની મુલાકાતથી એમનું દુઃખ હળવું થાય!"


"અરે, હું એવો તો કંઈ માટીનો માનવી છું કે મને મળીને એમનો રોગ ઓછો થઈ જાય?", કવિ બોલ્યા.

ટેક્સી શેઠને બંગલે આવીને ઉભી રહી. તરત જ ઝડપથી પગથિયાં ચડતાં દીવાનખંડમાં પહોંચ્યા તો હેરત પમાડે એવું એક દૃશ્ય જોયું! દીવાનખંડની પાસેના જ એક ઓરડામાં શેઠને ભોંય પર કશું જ પાથર્યા વગર સુવડાવવામાં આવ્યા હતા, અને એક ચાદર ઓઢાડવામાં આવી હતી. 

બંનેને જોઈ શેઠ તરત બોલ્યા,
"અરે, ચુનીલાલ તમે?"

"હું એકલો નથી, મારી સાથે કવિરાજ પણ છે!"

"ક્યાં છે? ક્યાં છે એ દેવપુરુષ?" બોલતાં શેઠ બેઠા થવા ગયા પરંતુ નાદુરસ્ત તબિયતે એમને બેઠા થવા ન દીધા! ચુનીલાલે ઘરના નોકરને બોલાવ્યો.


"માધિયા! પલંગને બદલે શેઠને આ નીચે પથ્થર પર શા માટે પટક્યા છે?"

"શેઠ મરવાની તૈયારીમાં છે. પલંગમાં જીવ જાય તો અવગતિ થાય માટે શેઠાણીના હુકમથી જ અહીં સુવડાવ્યા છે."

આ સાંભળતા કવિથી ન રહેવાયું, "એટલે શેઠને વહેલા સ્વર્ગે વળાવવાની શેઠાણીની આ તરકીબ છે? ચુનીલાલ,આ જ બંગલામાં હું આવતો ત્યારે શેઠાણીના મુખેથી ગીતના શ્લોકો સાંભળતો અને નારી નહીં પણ નારાયણી કહીને બિરદાવતો! આજે એ જ નારી મને હળાહળ ભરેલી નાગણી લાગે છે!"

આ પ્રસંગે કવિશ્રીના મનમાં મંથન જગાવ્યું "માણસ બીમાર-અપંગ બને છે ત્યારે એના જીવનમાં કરુણતાની કેવી ઘેરી છાયા ફરી વળે છે!"

અને આ કથાબીજમાંથી નાટક લખાયું તે "નારી કે નારાયણી!" (સંદર્ભ: °તખ્તો બોલે છે" - ભાગ ૨)


આવી જ રોજિંદી ઘટનાઓ અને અનુભવોમાંથી પ્રત્યેક કવિ અને લેખક હૃદયને એમની સર્જનાત્મક પ્રતિભા વિકસાવવા માટે ઈંસ્પીરેશન મળતું હોય છે.
જીવનના અંતિમ તબક્કામાં તેઓ પોતે પણ લકવાના ભોગ બન્યા અને તા.૧૪.૦૧.૧૯૭૨નાં રોજ આ વયોવૃદ્ધ કવિ નાટ્યકારે હંમેશ માટે આંખો મીંચી દીધી!! તો, આ ઉત્તરાયણ પર એક લબ્ધપ્રતિષ્ઠ, ભુલાઈ ગયેલી પ્રતિભા સ્વ. ગૌરીશંકર રાવળ / વૈરાટીને સાદર પ્રણામ!!

-- ડો. કાર્તિક શાહ

Monday, December 24, 2018

તેજીને ટકોરો ➖ જેને લાગતું વળગતું હોય એ સમજે!


વિખ્યાત વૈજ્ઞાનિક બેન્જામીન ફ્રેન્કલીન સમયનું મૂલ્ય જાણતાં હતા. પોતાની પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક એક ગ્રંથભંડાર ધરાવતાં હતા. એક વાર એક વ્યક્તિ પુસ્તક ખરીદવા આવી અને એણે કાઉન્ટર પર ઉભેલા કર્મચારીને પૂછ્યું, "અરે ભાઈ! આ પુસ્તકની કિંમત કેટલી છે?"

પુસ્તક જોઈ નોકરે કહ્યું, "સાહેબ, એક ડોલર!"

"ઓહ! આની કિંમત એ....ક ડોલર? કંઈક સહેજ ઓછી કરોને!"

કર્મચારીએ કહ્યું, "સાહેબ, અમારી દુકાનમાં આ રીતે ભાવતાલ કરવાનો વ્યવહાર નથી! અને આવી પ્રથા નથી. એથી જો આપને આ પુસ્તક ખરીદવું હોય તો આપશ્રીએ એક ડોલર આપવો પડશે!"

ગ્રાહકને ખ્યાલ હતો કે આ બેન્જામીન ફ્રેન્કલીનનો ગ્રંથભંડાર છે એટલે તેણે પૂછ્યું, "અંદર મિસ્ટર ફ્રેન્કલીન છે? જરા બોલાવો તો?

કર્મચારીએ કહ્યું, "તેઓ મહત્વના કામમાં ડૂબેલા છે. આપને ખરેખર શું એમનું જરૂરી કોઈ કામ છે? તો જ એમને હું બોલાવું!"

પેલા ગ્રાહકે કહ્યું, "હા, બહુ જ જરૂરી કામ છે, પ્લીઝ એમને બહાર બોલાવો!"

પોતાનું કામ અટકાવીને બેન્જામીન ફ્રેન્કલીન બહાર આવ્યા. ત્યારે પેલા ગ્રાહકે ફરી એ જ પુસ્તક બતાવીને પૂછ્યું, "મિ. ફ્રેન્કલીન, આ પુસ્તકની ઓછામાં ઓછી કિંમત કેટલી?"

બેન્જામીન ફ્રેન્કલીને કહ્યું, "સવા ડોલર!"

ગ્રાહક આશ્ચર્યથી ઉછળ્યો અને બોલ્યો, "અરે, ખરાં છો તમે! તમારા કર્મચારીએ મને હમણાં જ આ પુસ્તકના એક ડોલર કહ્યા અને તમે સવા ડોલર કહો છો??!!"

ફ્રેન્કલીને કહ્યું, "વાત સાચી છે! એ ભાઈએ તમને એક ડોલર કહ્યા જ હશે. પણ આપે મને બહાર બોલાવ્યો. મારે કામ છોડીને આવવું પડ્યું. અને આપે મને ફરી એ જ પુસ્તકનો ભાવ પૂછ્યો! મારો સમય અને કામ બગડ્યુ તેથી આની કિંમત સવા ડોલર!"

ગ્રાહક હવે થોડો મૂંઝાયો, પોતાની વાત સમેટતાં તેણે કહ્યું, " બસ! હવે આપ મને છેલ્લીવાર એની ઓછાંમાં ઓછી કિંમત બતાવી દો, એટલે હું લઈ લઉં. મારે ઝાઝી રકઝક કરવી નથી. મારો પણ સમય વ્યર્થ થઈ રહ્યો છે! એક વાર આપ એની પાક્કી કિંમત કહી દો!"

બેન્જામીન ફ્રેન્કલીને કહ્યું, "મહાશય, દોઢ ડોલર!"
ગ્રાહકે કહ્યું, "કેવી વિચિત્ર વાત! હજું હમણાં જ તો મને તમે સવા ડોલરમાં આપવા તૈયાર થયા હતા અને હવે આપ જ એના દોઢ ડોલર કહો છો?"

બેન્જામીન ફ્રેન્કલીન બોલ્યા, "હા, મેં પહેલા સવા ડોલર જ કહ્યા હતાં, પણ હવે દોઢ ડોલર થશે! જેમ જેમ તમે વ્યર્થ સવાલો પૂછીને મારો સમય બરબાદ કરશો, તેમ તેમ પુસ્તકની કિંમત ઉપર મારા આ વ્યર્થ થયેલા સમયનું મૂલ્ય વધતું જશે."

પરિસ્થિતિનો ક્યાસ કાઢી પેલા ગ્રાહકે ચુપચાપ દોઢ ડોલર આપી પેલું પુસ્તક ખરીદી ચાલતી પકડી!!

➖ ડો. કાર્તિક શાહ

Sunday, December 23, 2018

વિલિયમ હેઝલીટ


પ્રસિદ્ધ નિબંધકાર વિલિયમ હેઝલીટનાં જીવનમાં પારાવાર મુશ્કેલીઓ આવી. ગરીબી અને હતાશાના બોજ હેઠળ એણે જીવનના ઘણાં વર્ષો કાઢ્યા. ઉત્તમ સર્જનકાર્ય કરનાર આ લેખકના માથે દેવું એટલું બધું વધી ગયું કે એને કારાવાસ ભોગવવો પડ્યો. સારા વોકર નામની યુવતીને એ ચાહતો હતો. એની સાથે લગ્ન કરવા માટે વિલિયમ હેઝલીટે પોતાની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા. પરંતુ એ પછી એને ખ્યાલ આવ્યો કે સારા વોકર તો એની સાથે પ્રેમનું નાટક કરતી હતી, પરણવા ચાહતી નહોતી. વિલિયમ હેઝલીટે છવ્વીસ વર્ષની વયે સાહિત્ય સર્જનનો પ્રારંભ કર્યો. બાવન વર્ષની વયે એ અવસાન પામ્યા. 25 વર્ષનાં આ સર્જનકાળમાં એમણે ઘણું સાહિત્યપ્રદાન કર્યું, કિન્તુ એની યોગ્ય પ્રતિષ્ઠા એમને પ્રાપ્ત ન થઈ.

જ્હોન કિટ્સની કવિતાની વિવેચકો અવગણના અને આકરી ટીકા કરતા હતા, જ્યારે હેઝલીટે એની પ્રતિભા પારખીને એની કવિતાને યોગ્ય સ્થાન આપ્યું. પોતાને યોગ્ય સાહિત્યિક સન્માન મળતું નહોતું તે છતાં એમણે બીજાને ઉચિત સન્માન આપવામાં કદીએ પાછીપાની કરી નહોતી.

જીવનમાં અને સાહિત્ય ક્ષેત્રે અનેક કટુઅનુભવો થયાં હોવા છતાં હેઝલીટે પોતાના મનની પ્રસન્નતા જાળવી રાખી અને નિજાનંદમાં રહ્યા. પોતાના આ વિધેયાત્મક અભિગમ ઉપર જીવનના વિષમ સંજોગોની અસર ના પડે એનો ખાસ ખ્યાલ રાખ્યો. એક દિવસ એમના દસ વર્ષના પુત્રને સંબોધી એક પત્ર લખ્યો: 

"સારી વાત એ છે કે 'હંમેશા શ્રેષ્ઠ જ થશે' એવી આશા રાખવી. અનિષ્ટોની કલ્પના કરવી નહીં. કોઈ પણ વ્યકિતને પૂર્વગ્રહથી જોવી નહીં.કારણકે આપણે એમની સાચી પરિસ્થિતિથી વાકેફ હોતા નથી. કદી કોઈનો તિરસ્કાર કરવો નહીં કે ઈર્ષ્યા પણ કરવી નહીં. દરેક વ્યક્તિને સારી જ ગણવી."

પોતાના જીવનની આસપાસ વેદનાનો દાવાનળ સળગતો હોવા છતાં વિલિયમ હેઝલીટે પોતાના હૃદયમાં શીતળતા અને જીવનનાં શુભમાં શ્રદ્ધા જાળવી રાખી!!

ડો. કાર્તિક શાહ

Thursday, December 20, 2018

કરાંચીથી ભાગેલા ગુજરાતી કવિ!!


આઝાદીની હાકલ પડી ચુકી હતી. દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ સામે સત્યાગ્રહની સફળ લડત કરી ગાંધીજી સ્વદેશે પરત ફર્યા હતા અને ભારતવાસીઓને એ મુક્તિમંત્ર સંભળાવ્યો હતો. એ મંત્રના શબ્દો એક લેખક-કવિને કાને પડે છે. અને એ એક નાટક લખે છે! ઇ.સ. ૧૯૧૫ની આ વાત છે. શ્રી વિજય નૌતમ નાટક સમાજ આ નાટકને ભજવે છે. કરાંચીમાં આ નાટક જોઈ જનતામાં દેશપ્રેમનો જુવાળ ઉઠે છે. નાટકના જુસ્સાભર્યા સંવાદો કરાંચીની ગલીએ ગલીએ લોકો બોલવા માંડે છે. અને એ સમાચાર ગોરા મેજિસ્ટ્રેટ રિચર્ડસનને મળે છે. નાટક બંધ કરાવવાનું વોરંટ નીકળે છે અને એટલું જ નહીં એ લેખક-કવિને કરાંચીથી તાત્કાલિક ભાગવું પડે છે!! લાગે છે ને, એક રોમાંચક ફિલ્મની સ્ટોરી!! આ રિયલ લાઇફનો પ્રસંગ છે, અને આવા જ બીજા ફિલ્મી પ્રસંગો જાણે આ કવિના જીવનમાં ઘટનાઓ રૂપે હકીકત પામ્યા છે!!

આ લેખક-કવિનો જન્મ સંવત ૧૯૪૪ આસો વદ બારસ એટલેકે ૧૪ ઓગષ્ટ, ૧૮૮૯ના રોજ ધોળકામાં થયો હતો! જ્ઞાતિએ તપોધન બ્રાહ્મણ હતા. ઘરમાં દારુણ ગરીબાઈ હતી, એટલે આ બાળક ધોળકાના ધોળેશ્વર મંદિરના ઓટલે પડી રહે. એથી લોકો એને ગાંડો ગણે. તેમ છતાં અક્ષરજ્ઞાન તો મેળવવું જ જોઈએ એ હેતુથી પિતાજીએ એને શાળામાં મુક્યો. પણ કોઈ ચોપડી એ રાખેય નહીં અને વાંચેય નહીં. શાળામાં શિક્ષક ભણાવે એ બધુ જ એને યાદ રહી જાય. ઘરે આવીને સ્લેટ પણ ખીટીએ ટીંગાડી દેવાની!! અને આમ છતાં, વરનાક્યુલરની છેવટની પરીક્ષામાં પ્રથમ નંબરે ભાઈ પાસ થયાં!!

એક વિદ્વાન સાધુના સંપર્કમાં આવ્યા પછી જ્ઞાનપિપાસા વધી અને એથી જ તીર્થોમાં પ્રવાસ વધ્યા. ભારતના અલગ અલગ પ્રાંતોમાં લાંબા પ્રવાસ થયાં...જેના પરિણામે તેઓ ગુજરાતીનો મહાવરો છૂટી ગયો અને બધા જોડે હિન્દીમાં જ વાતો કરવા લાગ્યા!! એમના પિતાજીને આ વાત ના ગમી. અને એક દિવસ કહ્યું,

"દીકરા, જ્ઞાનની વાત તો બરાબર. પણ ગુજરાતી એ આપણી માતૃભાષા કહેવાય, અને તું એ જ ભૂલી જાય એ કેમ પાલવે?"

આમ કહી, અનેક ગુજરાતી પુસ્તકો એને આપ્યા. અને ધીરે ધીરે વાંચન, મનનથી ગુજરાતી પર પ્રભુત્વ મેળવી હવે એ લેખક-કવિએ ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં કવિતાઓ લખવા માંડી!!

પણ અત્યારના કવિઓ માટે પણ જે સત્ય છે એ કે માત્ર કવિતાઓ કરવાથી ઘર ના ચાલે!! એક દિવસ, કોઈ સ્ટંટ ફિલ્મની વાર્તાની જેમ એક શ્રીમંતનો ઘોડો તોફાને ચડ્યો છે અને નાયક એને કાબૂમાં લાવે છે, બરાબર એ જ રીતે એક શ્રીમંતના ભાગી ગયેલા ઘોડાને વશમાં કરી આ કવિએ એ ઘોડો શ્રીમંતને સુપરત કર્યો. અને એ જ શ્રીમંતે પછી એને આબકારી ખાતામાં ઇન્સ્પેક્ટરની નોકરી અપાવી. પણ ત્યાં ભ્રષ્ટાચાર જોઈ મન માન્યું નહીં, પછી રેવેન્યુ ખાતામાં, સિવિલ કોર્ટમાં કારકુન, એક શિક્ષક વિગેરે નોકરીઓ કરી! પણ બધે આ જ અનીતિ અને ભ્રષ્ટાચાર જોઈ નોકરી કરવાનું જ માંડી વાળ્યું!!

ભાગ્યયોગે અમદાવાદના એક પુસ્તક વિક્રેતાના સંપર્કમાં આવ્યા જેમણે વાંચનમાળાની સમજૂતિ લખવા આપી. અને જીવનનિર્વાહ આગળ વધ્યો. હીરા, મોતી અને ઝવેરાતના એક દલાલ અતુલચંદ્ર પાસેથી બંગાળી પણ શીખી. અને એક બંગાળી નાટક "ઉલ્લુપી"નો ગુજરાતીમાં "ગંગાશાપ"નાં નામે અનુવાદ કર્યો!! આ એમની પ્રથમ નાટ્યકૃતિ!! પછી બીજા અનુવાદો પણ કર્યા. ધીમેં ધીમે કલમ વધુ નિખરતી ગઈ અને હવે એક સ્વતંત્ર નાટક "કનક કેસરી"ના નામે લખ્યું. અને શ્રી વિજય નૌતમ નાટક સમાજ નાટક સંસ્થા એ વખતે અમદાવાદ આવી હતી. જેના માલિક વિઠ્ઠલદાસ હેમજી જોડે પરિચય થયો. આ નાટક વાંચી તેઓએ પ્રભાવિત થઈ આ યુવાનને સંસ્થાના કવિપદે નિયુક્ત કર્યા!!

અને હવે આ સંસ્થાના માલિકે નવું એક શોર્યરસથી ભરપૂર બીજું નાટક માંગ્યું. જે આપણે ઉપર વાત કરી એ! કરાંચીમાં ધમાલ મચી ગઇ એ નાટક થી!! કરાંચીના મેજિસ્ટ્રેટ રિચર્ડસનને લાગ્યું કે આ નાટકથી લોકોમાં વિદ્રોહનો જુવાળ ઉઠશે એટલે કવિના નામનું ધરપકડનું વોરંટ નીકળ્યું!! સંસ્થાના માલિક વિઠ્ઠલદાસને આ વાતની જાણ થઈ એટલે પોલીસ કવિને પકડે એ પહેલાં જ પહેરેલ કપડે એ કવિને કરાંચી છોડવા કહ્યું!! નગરપતિએ એ કવિને સ્ટેશને વળાવવા આવ્યા એટલું જ નહીં પણ સાથે સિંધી પોશાક પણ લાવ્યા અને એ પહેરીને છટકી જવા કહ્યું કે જેથી એ કવિને કોઈ ઓળખે નહીં!

અને સિંધી પોશાકમાં એ કવિ વડોદરા ઉતર્યા! એમણે સાંભળ્યું હતું કે વડોદરાના મહારાજા સયાજીરાવ કળાપોષક છે. વડોદરામાં પાછું એમને કોઈ ઓળખે પણ નહીં. અને ઉપરથી સિંધી પોશાક! વડોદરામાં ચાલતા ચાલતા કવિ વિશ્વામિત્રી નદીના પુલ પરથી પસાર થતા હતા કે બે ગુંડાઓ એમની પર તૂટી પડ્યા. એમને એમ કે આ સિંધી પાસે પૈસા હશે!!

ફરી પાછું ફિલ્મના કોઈ સીનની જેમ આ કવિએ બરોબર સામનો કર્યો. જુવાન અને ખડતલ હતા એથી એક ગુંડાની છાતી પર જ ચડી ગયા...!! મારામારી ચાલુ જ હતી કે એક મોટરકાર પુલ પરથી પસાર થઈ. ડ્રાયવરને કાર ઉભી રાખવાનું કહેવામાં આવ્યું. એક વ્યક્તિ કારમાંથી નીચે ઉતરી. આ જોઈ રહેલા કવિની નજર ચૂકવી પેલો ગુંડો ભાગી ગયો!

"કયા શબ્દોમાં આપનો આભાર માનું?", કવિએ એ પેલા ગોરા વાન અને તેજસ્વી મુખમુદ્રા ધરાવતી વ્યક્તિને કહ્યું!

"તમે તો શુદ્ધ ગુજરાતી બોલો છો!!", આશ્ચર્ય સાથે પેલા ગાડીવાળા ભાઈએ કહ્યું.

"હું ગુજરાતી જ છું! મારુ મૂળ વતન ધોળકા છે અને તપોધન બ્રાહ્મણ છું."

"તો આ સિંધી પોશાક?"

"સંજોગોવશ પહેરવો પડ્યો!", એમ કહી કરાંચીની આખી વાત કવિએ કહી.

"કવિશ્રીને રાજના અતિથિગૃહમાં ઉતારો આપો. અને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખજો. અને કવિરાજ લો આ 100 રૂપિયા. બીજા કપડાં સીવડાવી લેજો. મનુષ્ય કદાચ પરદેશ પર્યટન માટે પણ જાય તો ય પોતાનો પોશાક એણે બદલવો ના જોઈએ, એ યાદ રાખજો!!"

કવિ ખુશ થયા અને બદલામાં પેલા નાટકની મૂળ પ્રત એ અમલદારને આપી. એ અમલદાર હતા, વડોદરાના રાજદીવાન સર મનુભાઈ નંદશંકર મહેતા!!

બે દિવસ પછી મનુભાઈએ કવિને નાટક માટે અભિનંદન આપ્યા અને કહ્યું, "તમારી લેખનશૈલી નિરાળી છે, એમાં લોર્ડ મીંટોની શૈલીની છાંટ જોવા મળે છે. આ જ શૈલીમાં લખતા રહેજો!!"

અને પછી કરાંચીમાં જે કેસ થયો છે એની પતાવટ કરવાની મદદ કરવા પણ કહ્યું. કરાંચીમાં એ વખતે મૌલાના અબુલ કલામ આઝાદ ઉગતા વકીલ હતાં. એમને મળવાનું કહી કવિને સલાહ આપી કે જો કોર્ટ પૂછે તો એમ કહેવું કે જરૂરી કામ આવી પડવાથી રાતોરાત એમના વતન ધોળકા જવું પડ્યું હતું!! અને કોર્ટમાં આ મદદથી એમનો નિર્દોષ રીતે છુટકારો થયો. ઉલટાનું આ કેસથી કવિ વધુ પ્રસિદ્ધિ પામ્યા!!

પછી શું થયું? 
કોણ હતા આ લેખક-કવિ?
શું હતું એ નાટકનું નામ?


એ બધું લઈને હું મળીશ આવતાં શુક્રવારે, ત્યાં સુધી અલ્પવિરામ!!

➖ ડો. કાર્તિક શાહ

Monday, December 17, 2018

ડોક્ટર અને બર્નાર્ડ શૉ - વિઝીટ ફી કોની?


ઇંગ્લેન્ડના વિખ્યાત નાટ્યસર્જક જ્યોર્જ બર્નાર્ડ શૉ અસ્વસ્થતાનો અનુભવ કરતા હતા. એમણે ડોક્ટરને વિઝિટે આવવા કહ્યું. જ્યોર્જ બર્નાર્ડ શૉની ઊંચી સીડી ચડતાં ડોક્ટર હાંફી ગયા. ડોક્ટરે પોતાની બેગ મૂકતા કહ્યું, 

"મિસ્ટર શૉ, આ તમારો દાદરો કેવડો ઊંચો બનાવ્યો છે! ભલભલા હાંફી જાય. મને તો પરસેવો વળી ગયો અને માથામાં ચક્કર આવવા લાગ્યા."

બર્નાર્ડ શૉએ ડોક્ટરને આરામથી બેસવા વિનંતી કરી અને પોતાની પાસે માથાના દુઃખાવાની જે ટેબ્લેટ હતી તે આપી. ડોક્ટરે ટેબ્લેટ લીધી અને શૉએ જાણે એમની તપાસ કરી નિદાન કરતા હોય એ છટાથી કહ્યું,

"ડોક્ટર સાહેબ, તમારે વધતી જતી ચરબીનું ધ્યાન રાખવું જોઈએ. મિષ્ટ વાનગીઓ પરથી મન હટાવી લેવું જોઈએ. રોજ ફળ ખાવા અને લીલા શાકભાજીઓને ભૂલવા નહિ." ડોક્ટર આ વિખ્યાત વ્યંગકાર લેખકને સાંભળી રહ્યા. એમણે કહ્યું, "વાહ, ધન્યવાદ!"

બર્નાર્ડ શૉએ આગળ ચલાવ્યું, "જુઓ, તમારે નિયમિત વ્યાયામની જરૂર છે! મારી ઉંમર તમારા કરતા બમણી છે, છતાં મારી સ્ફૂર્તિ અને સ્વસ્થતા જુઓ! મને આ સીડી ચડતાં કોઈ જ અગવડ પડતી નથી. એટલે મારી સલાહો માનો અને આ સલાહો માટે તમારે મને 15 પાઉન્ડની ફી આપવી પડશે!"

ડોક્ટરે બર્નાર્ડ શૉને કહ્યું, "માફ કરજો મિ. શૉ! ફી તો તમારે મને આપવી પડશે! મારે કારણે જ તમેં હાલ સ્ફૂર્તિવાન બન્યા છો!"

બર્નાર્ડ શૉએ કહ્યું, "તમને બેસાડ્યા, દવા મેં આપી, સલાહ મેં આપી, તો પછી ફી તો તમારે જ આપવાની થાય ને!!"

ડોક્ટરે હવે હસતાં હસતાં કહ્યું, "મિ. શૉ! તમે વ્યંગકાર અને હાસ્ય લેખક તરીકે ઘણીવાર સીધી વાણીને બદલે અવળવાણીનો પ્રયોગ કરો છો, એટલે કે કટાક્ષ કરો છો ને? બરાબર એ જ રીતે, એક ડોક્ટર તરીકે મારી આ વિશિષ્ટ પદ્ધતિ છે. જેમાં, બીમારના ત્યાં જઈ હું ખુદ બીમાર થઈ જાઉં છું, જેથી એ રોગી મારા રોગનો વિચાર કરે! અને એને થયેલા રોગ આગળ એને મારો રોગ મોટો અને ગંભીર લાગે! એ રીતે એ પોતાના રોગનાં વ્હેમમાંથી મુક્ત થઈ જાય. આ છે મારી વિશિષ્ટ ઉપચાર પદ્ધતિ!! અને હાલ, જે કંઈ બન્યું એ એનો જ એક ભાગ હતો! તો, હવે આપ લાવો મારી વિઝીટનાં 20 પાઉન્ડ!!"

રજુઆત:- ડો. કાર્તિક શાહ

Sunday, December 16, 2018

લિંકનની બીજી બાજુ


અમેરિકાના ગુલામોના મુક્તિદાતા અને માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન સ્પ્રિંગફીલ્ડમાં વકીલાત કરતા હતા, ત્યારની આ વાત છે. એ સમયે એમનો એક પાર્ટનર હતો વકીલ હર્નડન! એ ક્યારેક વહેલી સવારે ઓફિસમાં આવતો, ત્યારે ઓફિસના ઓરડાની છત તરફ ગ્લાનિભરી નજર કરીને ચત્તાપાટ સુતેલા અબ્રાહમને જોતો!

આ દૃશ્ય જોતાવેંત એ કળી જતો કે ઘરકંકાસથી ત્રાસેલો લિંકન આજે વહેલી સવારે ઓફિસે આવી ગયો છે. લિંકનના ચહેરા પર વેદના અને ગ્લાનિભરી રેખાઓને જોઈને હર્નડન એને બોલાવવાની હિમ્મત કરતો નહિ. દુઃખી મિત્રને હકીકત પૂછીને એ એને વધુ દુઃખી કરવા ચાહતો નહોતો! આથી હર્નડન ઓફિસમાંથી પોતાના જરૂરી કાગળો લઈને ચાલ્યો જતો.

રોજ બપોરે હર્નડન ભોજન માટે પોતાના ઘરે જતો. જયારે નજીકમાં રહેતો હોવા છતાં લિંકન ઘેરથી પાંઉનાં ટુકડા, થોડીક ચીઝ અને થોડા બિસ્કિટથી જ ઓફિસમાં બપોરનું ભોજન કરી લેતો. શનિવાર અને રવિવારે અદાલતનું કામકાજ બંધ હોય ત્યારે સાથી વકીલો પોતાને ગામ જતા હતા, પરંતુ લિંકન કંકાસભર્યા ઘરમાં જવાને બદલે એ ગામની નાનકડી વીશીમાં અનેક પ્રતિકૂળતાની વચ્ચે "વીક-એન્ડ" ગાળવાનું વધુ પસંદ કરતા.

ક્રિસમસના દિવસોમાં લિંકનને પોતાને ઘરે પોતાની માને બોલાવવાની બહુ ઈચ્છા થતી. સાવકી મા હતી, પરંતુ લિંકન એને સગી મા જેટલી ચાહતો હતો, પરંતુ  કર્કશા પત્ની મેરીને કારણે એ આવી હિંમત કરતો નહિ. એક-બે વખત મેરી સમક્ષ લિંકને માતાને બોલાવવાની ઈચ્છા પ્રગટ કરી હતી ત્યારે મેરીએ તોછડાઈથી ચોખ્ખી ના સુણાવી દીધી હતી. આથી બહુ મન થાય ત્યારે લિંકન પોતે માતાને મળવા જતા અને એની સંભાળ લેતા!

એના પિતા અને સાવકા ભાઈને લિંકન દૂર રહીને મદદ કરતા હતા, પરંતુ ક્યારેય એમને ઘેર બોલાવી શકતા નહિ. પોતાના નજીકના મિત્રોને ઘરે ભોજન માટે બોલાવવાની એમની ઘણી ઈચ્છા હોય, પણ એમને નિમંત્રણ આપી શકતા નહિ. મેરીએ લિંકનના પરિવારની સાથે મિત્રોને પણ પોતાને ત્યાં લાવવાની મનાઈ ફરમાવી હતી. 

આવા પ્રતિકૂળ સંજોગો હોવા છતાં લિંકેને મેરીના સ્વભાવની વાત કે પોતાના ભીતરની વેદના ક્યારેય પણ કોઈને ય કહી નથી. લિંકનના માથા પર એનો સતત બોજ રહેતો! પરંતુ પોતાના નજીકના મિત્રોને પણ એના આ બોજની વાત કરતો નહિ. હર્નડન જેવા મિત્રો પણ આનાથી તદ્દન અજાણ રહ્યા! ઉલટું, લિંકન આવી પ્રતિકૂળ પરિસ્થિતીઓ હોવા છતાં પોતાના વર્તનમાં ગજબની નમ્રતા અને ધૈર્ય ધરાવતા હતા.

 ન્યની વેદના સહજતાથી સમજી શકનાર અબ્રાહમ લિંકને પોતાની આ અંગત વેદના ક્યારેય પ્રગટ કરી નહિ.

-- ડો. કાર્તિક શાહ 

અનુભવસિદ્ધ નમ્રતા

જન્મ: 16.12.1917    અવસાન: 19.03.2008

યુનિવર્સીટીના શતાબ્દી મહોત્સવ વખતે યુનિવર્સીટીના પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યો એકત્રિત થયા હતા. કુલપતિશ્રીના પ્રમુખસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણી વ્યક્તિઓએ વક્તવ્યો આપ્યા. 

ક્તવ્યો પછી દસેક મિનિટના વિરામ બાદ પુન: કાર્યક્રમનો પ્રારંભ થવાનો હતો. આ સમયે એક પ્રૌઢ સજ્જને પોતાની બાજુમાં બેઠેલા એક યુવાનને પૂછ્યું, "કેમ, તમારે બહાર જવું નથી?"

યુવાને કહ્યું, "ના સાહેબ, મારે કાર્યક્રમ માણવો છે. એની એક ક્ષણ પણ જવા નથી દેવી, તેથી બહાર જઈને પાછા આવતા જો થોડું મોડું થઇ જાય તો શું? વળી, મને એવી કોઈ આદત પણ નથી, સિગારેટ તો શું, પણ ચા-કૉફીય પીતો નથી!"

પ્રૌઢ સજ્જન સ્નેહલ સ્મિત સાથે બોલ્યા, "ભાઈ, તમારો સ્વભાવ મને ગમ્યો,આપણે બંને સરખા જ છીએ. નાહકની દોડાદોડી કરવાનો અર્થ શો? બરાબરને?"

આ યુવાન અને પ્રૌઢ સજ્જન વચ્ચે આ સંવાદમાંથી સંબંધ સર્જાયો અને ત્યારે એ પ્રૌઢ સજ્જને યુવાનને પૂછ્યું, "આપ શું કરો છો? ક્યાં સુધી અભ્યાસ કર્યો?"

યુવાને કહ્યું, "મેં? મેં ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. એના અભ્યાસની પાછળ ખુબ મહેનત કરી છે. શું વાત કરું એની, પણ તમને ખ્યાલ નહી આવે કે સ્નાતક કક્ષાએ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કેટલો કઠિન હોય છે?"

પ્રૌઢ સજ્જન એની વાત સાંભળતા રહ્યા અને યુવાને હવે જરા અહંકારથી કહ્યું, "સાહેબ, ખગોળશાસ્ત્રમાં હું સ્નાતક બન્યો અને તે પણ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈને, અમારે ત્યાં ગણ્યા-ગાંઠ્યા વિદ્યાર્થીઓને આ વિષયમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત થાય છે!"

પ્રૌઢ સજ્જને કહ્યું, "ઓહો, એમ? એ તો ઘણું જ સરાહનીય કહેવાય, અભિનંદન!"

યુવાને કહ્યું, "અને આજે હવે હું ખગોળશાસ્ત્રમાં નિષ્ણાત બની ગયો છું!"

પ્રૌઢ સજ્જને કહ્યું, "વાહ, તમે ખરા નસીબદાર છો. આવા ગંભીર વિષયમાં તમે પારંગત બન્યા એ તો કેટલી મોટી વાત કહેવાય! ખગોળશાસ્ત્રમાં મને રસ છે, પણ હજી હું તો એમાં પા-પા પગલી જ ભરી રહ્યો છું."

યુવાને કહ્યું, "અરે! ખગોળશાસ્ત્રનું જ્ઞાન એ તો એક વિશાળ સાગર જેવું છે. એમાં ડૂબકી મારી હોય એને જ ખબર પડે કે તજજ્ઞ કઈ રીતે થવાય!"

યુવાનની વાત સ્વીકારતા પ્રૌઢે કહ્યું, "સાવ સાચી વાત! આ વિષયમાં જેમ જેમ હું ઊંડો અભ્યાસ કરતો જાઉં છું, તેમ તેમ મને લાગે છે કે ખગોળશાસ્ત્ર તો જ્ઞાનનો મહાસાગર છે અને એના અભ્યાસ માટે એક તો શું, સાત સાત જન્મ પણ મને ઓછા પડે!!"

હવે આ યુવાનને કૈક અચરજ થયું અને એણે એ સજ્જનનું નામ પૂછ્યું, "સાહેબ, આપનું નામ શું?"

સામેથી અવાજ આવ્યો, "આર્થર ક્લાર્ક"

યુવાન નતમસ્તક ઝૂકી ગયો અને ભોંઠપ સાથે બોલ્યો, "અરે, તમે વિશ્વવિખ્યાત ખગોળશાસ્ત્રી સર આર્થર ક્લાર્ક??!!!"

"It has yet to be proven that intelligence has any survival value!"

રજૂઆત: ડો. કાર્તિક શાહ 

ગુસ્સો


લગભગ 1950-60ના દસકાની આ વાત આજે હું કરું છું. એન્ડ્રુ કાર્નેગીની આ વાત છે. એક દિવસ કાર્નેગીના ગુસ્સાનો પાર ના રહ્યો! એક નાનકડી ભૂલ બદલ આટલી બધી ટીકા અને ગુસ્સો!! પોતાના જેવી ખ્યાતનામ વ્યક્તિને એક સામાન્ય નારી આવી રીતે કઠોર અને કટુ શબ્દોમાં ઠપકો આપે અને આકરાં વાક્યો લખી આલોચના કરે, તે તો કેમ ચાલે?

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન વિષે કાર્નેગીએ એક રેડિયો વાર્તાલાપ કર્યો હતો અને  લિંકનના જીવન અંગે એક ખોટી તારીખ બોલાઈ ગઈ હતી! એક મહિલાએ આ વાર્તાલાપ આખો સાંભળ્યો અને કાર્નેગીની ભૂલનો ખ્યાલ આવ્યો. 

આ નારી કાર્નેગી પર જાણે રીતસરની તૂટી જ પડી,એણે પત્ર લખ્યો કે "લિંકન જેવી  મહાન વ્યક્તિ વિષે વક્તવ્ય આપતી વખતે તારીખની બાબતમાં ઝીણવટભરી કાળજી લેવી જ જોઈએ. તમારામાં આ ચીવટ અને ચોક્સાઈનું નામોનિશાન જોવા મળતું નથી! જો આવી સામાન્ય બાબતોનું ધ્યાન આપ રાખી શકતા ન હો, તો કૃપા કરીને વાર્તાલાપો કરવાનું બંધ કરશો!!"

કાગળ વાંચતાની સાથે જ કાર્નેગી ઉકાળી ઉઠ્યા!! એક સામાન્ય ભૂલ માટે આટલો સખત ઠપકો! કાર્નેગીએ એ મહિલાને સણસણતો જવાબ આપતો પત્ર લખ્યો. એની અભદ્ર ભાષા વિષે આકરી ટીકા કરી. એક નાની ભૂલને આટલું બધું મોટું સ્વરૂપ આપવા માટે એ મહિલાનો ઉધડો લીધો.  સાથોસાથ શિષ્ટતા અને સુરુચિ કોને કહેવાય તે વિષે સ્પષ્ટતા કરતુ એક લાબું સંભાષણ લખ્યું. કાર્નેગી એ પત્ર બીડીને પોસ્ટ કરવાનો વિચાર કરતા હતા ત્યાં કોઈ કામ આવી જતા પત્ર પોસ્ટ કરવાનો રહી ગયો! 

બીજે દિવસે પત્ર મોકલવાનો વિચાર કરતા હતા ત્યાં મનમાં થયું કે ગુસ્સામાં જરા વધુ પડતું લખી નાખ્યું છે. એ મહિલાની વાત તો સાચી છે તો પછી મારે એની આવી સખત ટીકા કરવાની જરૂર નથી. આથી અગાઉનો પત્ર ફાડી નાખી નવેસરથી પત્ર લખવા બેઠાં. હજી ગુસ્સો ઓગળ્યો નહોતો એટલે થોડા ઠપકાના વચનો કઠોર ભાષામાં લખ્યા.

ફરી કાગળ મોકલવાનો વિચાર કરતા હતા તો એમ થયું કે એ મહિલા શિષ્ટ લખાણ ના લખે તે તો સમજી શકાય પણ પોતે આવી અશિષ્ટ ભાષા લખે એ બરોબર નથી. આથી ફરી કાગળ ફાડી નાખ્યો અને નવેસરથી લખ્યો. આ રીતે, પત્રલેખનની સાથોસાથ પત્ર નાશ કરવાનું કામ ચાલતું રહ્યું! આખરે  સાતમી વખત તેઓએ પત્ર લખ્યો! એ પત્રમાં આ મહિલાનો પોતાની આવી ક્ષતિ તરફ ધ્યાન દોરવાનો આભાર માન્યો અને સાથોસાથ અવકાશે પોતાના ત્યાં આવવાનું અને ભોજનનું નિમંત્રણ આપ્યું. થોડા દિવસ પછી એ મહિલા એન્ડ્રુ કાર્નેગીના ત્યાં મહેમાન બનીને આવી અને બંનેએ એકબીજાને આદર આપ્યો. એમની વચ્ચે ન તો કોઈ ઘર્ષણ થયું કે ન કોઈ શાબ્દિક ટપાટપી!! ઉલટું, એમની વચ્ચે લાગણી અને આદરભર્યો સંબંધ બંધાયો અને આજીવન હૂંફ રહી...! 

એથીજ, ગુસ્સો જે કામ નથી કરી શકતો એ પ્રેમ અને લાગણીભર્યા બે શબ્દો સરળતાથી કરી જાય છે...!


-- ડો. કાર્તિક શાહ 

સેમ્યુઅલ લેંગહોર્ન કેલમેન્સ

જન્મ: 30.11.1835      અવસાન: 21.04.1910

અમેરિકાના ફ્લોરિડાના મિઝુરીમાં જન્મેલા સેમ્યુઅલ લેંગહોર્ન કેલમેન્સ એ સાહિત્ય જગતનું અતિખ્યાત નામ છે. તેઓએ અમેરિકન વસાહતીઓમાં ચાલતી ટોળટપ્પાની પ્રક્રિયા પકડી અને એમાં અહોભાવરહિત અભિગમ અને લાક્ષણિક શૈલીનું ઉમેરણ કરીને વિશેષ પ્રકારનું વિનોદ-હાસ્ય સાહિત્ય સર્જ્યું છે.

"ધ ઇન્સ્ટન્સ એબ્રોડ", "રફીંગ ઈટ", જેવી કૃતિઓમાં એમનો આ વિનોદ જોવા મળે છે. એમણે વિશેષ ખ્યાતિ તો "ધ એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર" અને "ધ એડવેન્ચર્સ ઓફ હક્લબરી ફિન" જેવી કિશોરકથાઓ દ્વારા મેળવી.

એમણે  જીવનના છેલ્લા વીસ વર્ષ અત્યંત કપરી પરિસ્થિતિમાં પસાર કર્યા. તેઓએ ધંધામાં ઝંપલાવ્યું હતું અને જેમાં ઘણું મોટું નુકસાન થયું. એ ધીરે ધીરે સ્વાસ્થ્ય પણ ગુમાવી રહયા હતા.

એમાં એમની સૌથી વ્હાલી પુત્રી સર્જીનું અવસાન થયું અને એ પછી આઠેક વર્ષે એમના પત્ની ઓલિવિયાએ આ દુનિયાની વિદાય લીધી.

જિંદગીની ઉત્તરાવસ્થામાં આવા એક પછી એક આઘાતો આવતા ગયા. એમાં વળી હાસ્યલેખકના જીવનમાં એક બીજી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. એમના ઘેર ઘણી મોટી ચોરી થઇ અને લગભગ આખુંય ઘર લૂંટાઈ ગયું.

જિંદગીના કેટલાય દુઃખો હસતે મુખે ઝીલનાર સેમ્યુઅલે આ નવી આફતને પણ પોતાના અંદાજ સાથે સ્વીકારી. એમણે એમના ઘરના દરવાજા પાસે એક નોટિસ ચોટાંડી. એનું શીર્ષક હતું: 

"હવે પછી આવનારા ચોરને સૂચન!"

એની એમણે લખ્યું, "હવે  આ ઘરમાં ચોરી કરવાને માટે માત્ર એક ચાંદીની પ્લેટ જ બાકી રહી છે. એ રસોડાની એક માત્ર અભરાઈના ઉપરના ખાનામાં આગળ જ મૂકી છે. બિલાડીના બચ્ચાની છાબડીની પાસે એ રાખી છે. જો તમે એ છાબડી પણ લઇ જવા  ઇચ્છતા હો તો બિલાડીના બચ્ચાઓને પણ કપડામાં ઢાંકીને લઇ જશો! એક વિશેષ સૂચના એ કે કૃપા કરીને  ઘરમાંથી નીકળતી વખતે અવાજ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે મારા પરિવારજનોને ઘણી અસુવિધા પહોંચે છે!

અને છેલ્લે એક વિશેષ  વાત: ઘરમાંથી બહાર નીકળો ત્યારે દરવાજો બંધ કરવાનું ભૂલશો નહિ!!"


જીવનની અનેક વિષાદપૂર્ણ પરિસ્થિતિઓ વચ્ચે પણ આ સેમ્યુઅલ ભાઈએ એમની વિનોદવૃત્તિ જાળવી રાખી હતી...!! 

આ સેમ્યુઅલ ભાઈ એટલે બીજા કોઈ નહિ પણ વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય અને વ્યંગ સાહિત્યકાર "માર્ક ટવેઇન"!!

"The difference between the right word and the almost right word is the difference between lightning and a lightning bug."

-- ડો. કાર્તિક શાહ 

Thursday, December 13, 2018

મહાભારતમાં દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગ ખરેખર બન્યો હતો?


મહાભારતની કૌરવ પાંડવની દ્યૂતક્રીડા અને પરિણામ સ્વરૂપ થયેલ દ્રૌપદી વસ્ત્રાહરણની કથા અતિ ખ્યાત છે. તે કેટલાક પ્રશ્નો પણ ઉભા કરે છે. આની પ્રથમ પૂર્વભૂમિકા તપાસીએ: 

કૌરવ મહારાજ ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રોમાં જ્યેષ્ઠ યુવરાજ દુર્યોધન હસ્તિનાપુરનો ઉત્તરાધિકારી હોવા છતાં તેને પાંડવોના ઇન્દ્રપ્રસ્થ રાજ્યની સમૃદ્ધિ જોઈ ઈર્ષા-અદેખાઈ થઇ ને તે મનોમન દુઃખી થયો. તેણે તે પડાવી લેવાના ઈરાદાથી ધૃતરાષ્ટ્ર પાસેથી દ્યુત રમવાની મંજૂરી મેળવી. પાંડવોને આનું આમંત્રણ મોકલતા પાંડવો પણ તેનો સ્વીકાર કરી નિશ્ચિત સમયે દ્યૂત રમવા હસ્તિનાપુર આવ્યા. હસ્તિનાપુરની રાજધાનીમાં ધૃતરાષ્ટના દરબારમાં કૌરવ મહાનુભાવો - મહારથીઓની હાજરીમાં રમાયેલ આ દ્યૂતક્રીડામાં પાંડવો ક્રમશઃ બધું જ હારી જતા અંતે યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવમાં મૂકી. (સભાપર્વ: શ્લોક 58.32 થી 37). આ કારણે સભામાં હાહાકાર મચી ગયેલો અને જોતજોતામાં શકુનિએ દ્રૌપદી જીતી લીધાની જાહેરાત પણ કરી દીધી. (સભાપર્વ: 58.9 થી 43)

આની સાથે જ દુર્યોધને વિદુરને દ્રૌપદીને લઇ આવવાની આજ્ઞા કરી, પરંતુ તેમણે સાફ શબ્દોમાં ઇન્કાર કરતા સ્પષ્ટ કહ્યું: "કૃષ્ણા (દ્રૌપદી) દાસીપણું પામી શકે નહિ, કારણ કે પોતાનું સ્વામીપદ ગુમાવ્યા પછી, સ્વતંત્રતા હોય પછી એને યુધિષ્ઠિરે પણમાં મૂકી હતી!" (સભાપર્વ: 59.1 થી 12) આથી દુર્યોધને તેનો તિરસ્કાર કરી પ્રતિકામી નામના સૂતને દ્રૌપદીને સભામાં લઇ આવવા આજ્ઞા કરી. તે ગયો તો ખરો પણ દ્રૌપદીની પ્રતિભાથી અંજાઈ કઈ કહ્યા વિના જ પાછો ફરતા અંતતઃ દુર્યોધને દુઃશાસનને દ્રૌપદીને પકડી લાવવા આજ્ઞા કરી. તેને ત્યાં જઈને દ્રૌપદીને ગુસ્સાથી આદેશ આપતા કહ્યું, "તું ધર્મપૂર્વક અમને મળી છે માટે કૌરવોની સેવા કરવા ચાલ." 

આથી દ્રૌપદી ઉઠી રાજમાતા ગાંધારીને શરણે જવા દોડી, તો દુઃશાસને એકવસ્ત્રા દ્રૌપદીને કેશપાશથી પકડી, વાયુ જેમ કદલી(કેળવૃક્ષ)ને ખેંચી જાય એમ સભા તરફ ઢસડવા લાગ્યો, ત્યારે દ્રૌપદીએ "હું રજઃસ્વલા છું, મેં એક જ વસ્ત્ર પહેર્યું છે, અનાર્ય! મને સભામાં આ રીતે ખેંચી જવી જોઈએ નહિ!" એમ ઘસડાતા ઘસડાતા કહ્યું, (સભાપર્વ: 60.25) આમ છતાં દુઃશાસન તેને એ જ સ્થિતિમાં ઢસડીને કૌરવસભામાં લાવ્યો!

આ પછીની કથા પ્રસિદ્ધ છે. આ સમયે દ્રૌપદીએ  ન્યાયયુક્ત દલીલો કરી. પોતે પાંચ પાંડવોની પત્ની હોઈ એકલા યુધિષ્ઠિર તેને હોડમાં મૂકી શકે નહિ, તેમ જ જે હારી ગયા છે તે પછી તેને હોડમાં મૂકી શકે નહિ વિગેરે વિગેરે, પણ કૌરવસભામાંથી કોઈ તેની તરફેણમાં આવ્યું નહિ. ભીષ્મ જેવા મહારથી પણ નીચું મોં કરી મૌન સેવી રહ્યા. ત્યારે એકમાત્ર કૌરવ વિકર્ણએ જ દ્રૌપદી વતી ન્યાયસંગત દલીલો કરી તેનું સમર્થન કર્યું. પરંતુ તેનું અપમાન કરી કર્ણએ તેને બેસાડી દઈ દુઃશાસનને પાંડવોના અને દ્રૌપદીના વસ્ત્રો ઉતારી એવા કહેતા પાંડવોએ તેમના ઉત્તરીય ત્યાં સભામાં ઉતારી નાખ્યા. દ્રૌપદીના વસ્ત્રને દુઃશાસન ભરસભામાં બળજબરીથી ખેંચવા લાગ્યો, પરંતુ એક નીચે બીજું એમ એ જ રંગના વસ્ત્રોના જાણે ચમત્કારિક પ્રાદુર્ભાવ થયો! આ સમયે ભીમસેને દુઃશાસનની છાતી ચીરીને લોહી પીવાની ભયંકર પ્રતિજ્ઞા લીધી. કૌરવ સ્ત્રીઓ પણ આક્રંદ કરવા લાગી. સભાજનો પણ કૌરવો પર ફિટકાર વરસવા લાગ્યા. છેવટે જયારે સભામધ્યે વસ્ત્રોનો ખડકલો થયો ત્યારે દુઃશાસન થાકીને અને ભોંઠો પડીને  બેસી ગયો. (સભાપર્વ: 61.42 થી 48) આ સમયે દ્રૌપદી શ્રીકૃષ્ણ સાથેનું સખ્ય સતત સંભારતી રહી.

સમગ્ર ભારતમાં વિવિધ ભાષાઓમાં મળતા મહાભારતમાં દ્રૌપદી વસ્ત્રાહરણની આ કથા વિસ્તારથી વર્ણવાયેલ છે. પરંતુ ભાંડારકર પ્રાચ્યવિદ્યા અનુસંધાન કેન્દ્ર, પૂના દ્વારા પ્રકાશિત મહાભારતની સમીક્ષિત વચન (ક્રિટિકલ એડિશન)માં આ પ્રસંગને ક્ષેપક (એટલેકે, મૂળ નહિ પણ પાછળથી ઉમેરાયેલો) માનવામાં આવેલ છે.  આ એડિશન એ 50થી ઉપરાંત વર્ષ સુધી નામાંકિત ઇતિહાસ અને પુરાતત્વવિદોએ મહાભારતની લગભગ તમામ હસ્તપ્રતો અને ઉપલબ્ધ સાહિત્યનો અભ્યાસ કર્યા બાદનો સર્વસ્વીકૃત સંદર્ભ ગ્રંથ છે. આમ, આ પ્રસંગ પાછળથી ઉમેરાયેલો હોવાની સત્યાસત્યતાના પ્રમાણ મહાભારતમાં પણ મળે છે. આમાંના થોડા તપાસીએ:

⇒કૌરવોની સભામાં વસ્ત્રો ખેંચવા લાગ્યા ત્યારે દ્રૌપદીએ શ્રીકૃષ્ણને આર્તસ્વરે પોકાર કરવા માંડેલ. આ સમયે શ્રીકૃષ્ણ દ્વારકામાં હતા. ત્યાં દ્રૌપદીનો મદદનો પોકાર કાને પડતા જ તેમણે શીઘ્ર દોડી જઈ, દ્રૌપદીની સમક્ષ પોતાની યોગશક્તિથી પ્રગટ થઇ, તેને વસ્ત્રો પૂર્યા. પરંતુ મહાભારતના વનપર્વ (અ 13-14)માં આ પ્રસંગ વિષે શ્રીકૃષ્ણ પોતે કહે છે, "તે દ્યૂત પ્રસંગે હું શલ્ય રાજાનો વધ કરવા તેના આનર્તદેશમાં આવેલ સૌભનગરીમાં ગયેલ. આથી જ તો મને આ અંગે (દ્યૂત વિષે, દ્રૌપદીને થયેલી સતામણી વિષે વગેરે અંગે) કંઈ જાણ ના હતી. હું જયારે દ્વારિકા પાછો આવ્યો ત્યારે સાત્યકિએ આ બધી માહિતી, સમાચાર આપતા હું તમને મળવા શીઘ્ર આવ્યો છું." આમ, શ્રીકૃષ્ણે સ્વમુખે કહેલી આ વાત એ વાતને સ્પષ્ટ કરે છે કે તેઓ દ્રૌપદી પાસે યોગશક્તિથી જ પ્રગટ થયા હતા! આમ, તેમણે દ્રૌપદીને વસ્ત્ર પૂર્યા ન હતાં!

⇒મહાભારતના વનપર્વમાં (અ. 12) દ્રૌપદીએ જયારે શ્રીકૃષ્ણને બનેલી બધી જ ઘટના કહી સંભળાવી ત્યારે પણ તેણે "વસ્ત્રાહરણ"ની ઘટનાનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. દ્રૌપદીએ કૃષ્ણને એટલું જ કહેલ કે "હું રજઃસ્વલા હોવાથી એકવસ્ત્રા હતી ત્યારે દુઃશાસન મને ભરી સભામાં ખેંચી ગયો હતો."

⇒કર્ણપર્વ (અ. 91)માં જયારે શ્રીકૃષ્ણ કર્ણને તેણે ઉઠાવેલ પ્રશ્નનો જવાબ દેતા કહે છે, "હે કર્ણ! ભરસભામાં દ્રૌપદીને ખેંચી લાવી તેને ન કહેવાના વચનો કહેવાય રહયા હતા ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો?" આમ કૃષ્ણ પણ, દ્રૌપદી વસ્ત્રાહરણનો ઉલ્લેખ નથી કરતા.

⇒વનપર્વ (અ. 49)માં ધૃતરાષ્ટ્ર-સંજય કૌરવો વિષે વિચારી રહ્યા હતા ત્યારે સંજય કહે છે, "સભામાં દ્રૌપદીને ખેંચી લાવવામાં આવી: દુર્યોધને દ્રૌપદીને પોતાનો ખુલ્લો સાથળ બતાવ્યો". વિગેરે વિગેરે. અહીં પણ સંજય દ્રૌપદીના વસ્ત્રાહરણ અંગે કઈં કહેતા નથી.

⇒શલ્યપર્વ (અ. 61) અનુસાર મહાભારતના અંતિમ સમયે જયારે દુર્યોધનનો ઊરૂભંગ ભીમ કરે છે ત્યારે શ્રી કૃષ્ણ એને પૂછે છે,"ભરસભામાં દ્રૌપદીને ખેંચી લાવી હતી ને?" અહીં પણ તેઓ વસ્ત્રાહરણનો ઉલ્લેખ કરતા નથી.

⇒શાંતિપર્વ (અ.16) અને દ્રોણપર્વ (અ.197)માં ભીમ તેમ જ ધૃષ્ટદ્યુમ્ન સભાની ઘટના વિષે બોલતા વસ્ત્રાહરણનો ઉલ્લેખ કરતા નથી. આજ રીતે શલ્યપર્વ (અ.31)માં તો ધર્મરાજ એટલું જ બોલે છે, "દ્રૌપદીને ભરસભામાં ખેંચી લવાઈ  હતી." એમાં પણ વસ્ત્રાહરણનો ઉલ્લેખ નથી.

⇒વિરાટપર્વ (અ. 18)માં જયારે વિરાટરાજાને ત્યાં પાંડવો અજ્ઞાતવાસ ગાળતા હતા ત્યારે એક દિવસ વિરાટનો સાળો કીચક દ્રૌપદી પાર્ટીએ કામાંધ બની તેને સભામાં લઈ ગયેલ. રાત્રે દ્રૌપદી ભીમને પાઠશાળામાં ગુપ્ત રીતે મળી તેને સ્મરણ કરાવે છે કે "દુઃશાસન મને ભરસભામાં ખેંચી ગયો તે પ્રસંગ મારુ અંતઃકરણ બાળતો રહે છે." અહીં પણ તે તેના વસ્ત્રાહરણનો ઉલ્લેખ કરતા કઈ કહેતી નથી. તો વિરાટપર્વ (અ. 50)માં અશ્વત્થામા ફક્ત એટલું જ કહે છે કે,"દ્રૌપદીને સભામાં લવાઈ હતી."

⇒ઉદ્યોગપર્વ (અ.82) અનુસાર જયારે શ્રીકૃષ્ણ પાંડવોના દૂત થઇ હસ્તિનાપુર જવા નીકળે છે ત્યારે દ્રૌપદી તેના લાંબા કાળા કેશ ડાબા હાથે પકડી આંસુ વહાવતા કહે છે, "હે કૃષ્ણ! દુષ્ટ દુઃશાસને મારા આ વાળ પકડીને મને ખેચી હતી. આથી તેના એ હાથ કપાઈને  જમીન પર પડી ધૂળમાં રગદોળાયેલા હું ન જોઉં ત્યાં સુધી મને શાંતિ મળશે નહિ!" 

⇒ઉદ્યોગપર્વ (અ 90) અનુસાર કુંતી કૃષ્ણને કહે છે, "તે નીચ દુઃશાસને મારી રજઃસ્વલા અને એકવસ્ત્રા દ્રૌપદીને ખેંચીને સભામાં સસરા સમક્ષ ઉભી કરી દીધી. એકવસ્ત્રા દ્રૌપદીને સૌ કૌરવો એકીટશે જોતા રહ્યા,આ કરતા અધિક દુઃખ મને પહેલા ક્યારેય થયું ના હતું." આ જ રીતે આ પર્વમાં અન્યત્ર (અ.95) શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બની હસ્તિનાપુર ગયા ત્યારે તે સભામાં ધૃતરાષ્ટ્રને કહે છે, "દ્રૌપદીને ભરસભામાં તારા પુત્રો ખેંચી લાવ્યા અને તારા બીજા પુત્રોએ તેનો ઉપહાસ કર્યો."

⇒તો આ જ પર્વમાં (અ. 160) દુર્યોધન શકુનિપુત્ર ઉલુક દ્વારા પાંડવોને જે સંદેશ મોકલે છે તેમાં તે લખે-કહે છે, "હે અર્જુન, જો તું તારી જાતને મર્દ માનતો હોય તો જયારે તારી સ્ત્રી (દ્રૌપદી)ને ભરસભામાં ખેંચી લવાયેલ ત્યારે તારે તારી મર્દાનગી બતાવવી હતી ને! તારી સ્ત્રીનો અમે કરેલ ઉપહાસ ધ્યાનમાં લઇ તેનું વેર વાળવાનો અવસર હવે આવવા દે!" આ જ પર્વમાં (અ. 169)માં ભીષ્મ પિતામહ કૌરવોને કહે છે, "તમે લોકોએ ભરસભામાં દ્રૌપદીના કરેલ હાલ તેમ જ એ પ્રસંગે કરેલા કઠોર શબ્દપ્રયોગો પાંડવોના હૃદયમાંથી હજુ ગયા નથી જ." આ બધામાં ક્યાંય પણ વસ્ત્રાહરણનો ઉલ્લેખ નથી.

⇒હા, એ વાત ખરી છે કે દુઃશાસન જયારે દ્રૌપદીએ પહેરેલ એક વસ્ત્ર ખેંચવા ગયેલ ત્યારે લાચાર, નિઃસહાય દ્રૌપદીએ "હે ગોવિંદ! મારી લાજ રાખ" એવું અવશ્ય કહેલ. (ઉદ્યોગપર્વ, અ. 82)

આમ, મહાભારતના જ ઉપરોક્ત પ્રમાણોથી સ્પષ્ટ થાય છે કે દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગ બન્યો ન હતો. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે ભગવાનને શેરડી છોલતાં છરી વાગી ત્યારે દ્રૌપદીએ તેનું ચીર ફાડીને પાટો બાંધેલ। તે પાટામાં 999 તાર હોઈ તદનુસાર 999 ચીર પૂર્યા વગેરે ઘટના-કથાઓ ભક્તિમાર્ગની દૃષ્ટિએ શ્રીકૃષ્ણ ભક્તની વ્હારે ચડે છે એ દર્શાવવા જુદેજુદે રૂપે મહાભારતમાં અલગ અલગ સ્વરૂપોમાં કે અનુવાદોમાં ઉમેરી દેવાઈ છે.....!!

સંકલન: ડો કાર્તિક શાહ (ઉપર્યુક્ત પ્રત્યેક કથનનાં સંદર્ભો ઉપલબ્ધ છે.)

Wednesday, December 5, 2018

વાહ દોસ્ત વાહ!


કચ્છના અબડાસા તાલુકાનું સાંધો ગામ. પિતાની જન્મભૂમિ! જ્યાં પ્લેગ ફેલાયો હતો ત્યારે એક પરિવારના તેરમાંથી અગિયાર માણસોને પ્લેગ ભરખી ગયો. નાના બાળકને લઈને એક સ્ત્રી પહેરે લુગડે મુંબઈ ભાગી. તેની પરવરીશ કરી મુંબઈ વસતા કચ્છીઓએ. સ્ત્રીનું નામ તો ક્યાંથી લખાય? પણ પેલું બાળક મોટું થયું અને તે દીકરાનું નામ જે જે સ્કૂલ ઓફ આર્ટ્સના વિદ્યાર્થી તરીકે નોંધાયું. એ સમય વીસમી સદીના શરૂના દોઢ બે દસકનો. સિરામિકના કોર્સ સૌ પહેલા શરુ થયેલા તેમાં પહેલો વિદ્યાર્થી સિદ્દીકભાઈ અબ્બાસભાઈ. સિદ્દીકભાઈના પત્નીનું નામ હસીનાબેન. સૌ એને નાનીબેન કહે. આ દંપતીના પરિવારમાં ચાર સંતાનો. અમીનાબહેન, છોટુભાઈ, કરીમભાઇ અને શાહબુદ્દિન. આખું કુટુંબ પછી તો મુંબઈ છોડી થાન આવ્યું.  થાનમાં 1913માં પોટરી શરુ થયેલી. 1934 સુધી સોહરાબ દલાલ નામના પારસી શેઠે પોટરી ચલાવી. પછી પરશુરામ શેઠે પોટરી લીધી.

થાનગઢમાં બહાર બનેલું પહેલું મકાન "સિદ્દીક મંઝિલ" ત્યાં જીવન શરુ થયું. લેટ્રીન ઘરમાં હોય તેવો કોઈને ખ્યાલ જ નહિ. માંદા હોય તે જ ઘરમાં  જાય. બાકી બધા તો તળાવે જ જાય. અહીંના બાળકો હાલતાં શીખે હારોહાર તરતા શીખે!! ગામમાં બે તળાવ. શાહબુદ્દીન માટે ખાવું, પીવું, ને લહેર કરવી એ બાળપણ. જીવનનો મોટો આનંદ એ તરવું. ઘટાટોપ રાણનું ઝાડ જે આજે પણ છે. ઘેઘુર બે પીપળા હતા. એમાંનો એક પીપળો ગયો ત્યારે આખા ગામે શોક પાળેલો!!!

મિત્રો અનેક!! પરશુરામનગરમાં મિત્રો અને વર્ગના મિત્રો. સુરેશ, આનંદ, રમણીક ત્રિવેદી. દેશનો પહેલો કમ્પ્યુટર નિષ્ણાત સરેશ વિષ્ણુ દેવધર ને લોસ એન્જેલસમાં ઈજનેર છે તે રમણીક. તો નટુ, વનેચંદ, રતિલાલ, પ્રાણલાલ, જશવંત, સુલેમાન.... ભણવામાં બધા આગળ પાછળ પણ ધીંગામસ્તી ને મોજમજામાં ભેગા. શાહબુદ્દીન હોશિયાર નહિ, પણ નાપાસ ન થાય તેવો એવરેજ! ભણવા કરતા ભાઈબંધોને ભેગા થવાનું મહાતમ  વધુ. ઓઝા સાહેબ ગણિતના દાખલ લખતા હોય ને તળાવ પરથી ઠંડો પવન આવતો હોય તો શાહબુદ્દીન ચડે ઝોલે, ને નસકોરા બોલે એવું ઊંઘે!! મહીપતરામ જોશી ડ્રોઈંગ ટીચર પણ ગુજરાતી વધુ સારું ભણાવતા! 

શાહબુદ્દીનને જીવનમાં વ્યથા કોને કહેવાય, મિત્રોથી જુદા પાડવાનું દુઃખ કોને કહેવાય એ ખબર પડી જયારે ભણવા માટે થાન છોડ્યું ત્યારે! દસ રૂપિયા ઉછીના ખિસ્સામાં લઇ વગર ટિકિટે ભાવનગર જવા રાતની કીર્તિમાં બેઠા ત્યારે મિત્રોની યાદે આંખ ભીની કરાવેલી. લોજમાં ત્રીસ રૂપિયામાં બે ટાઈમનું જમવાનું માસિક બિલ ને ભાઈનું બજેટ બધું થઈને મહિનાનું 20 રૂપિયા!! લાંઘણ ખેંચ્યા!! આવી જ તંગી એફ. વાય ની ફી ભરતી વખતે! ભાઈબંધોએ ભેગા થઈને પરશુરામનગરના ઘરના બારીબારણાં રંગાવાનું કામ લીધું, સાંજ પડે સૌ થાકીને લોથ, કેટલાક તો રોઈ પડતા !! રૂપિયા 135 મળ્યા તેમાંથી એફ. વાયની ફી ભરીને ચોપડા ખરીદ્યા. 

થાનમાં તો કોઈ થોડું ભણે ને લાગે  નોકરીએ પરશુરામ પોટરીમાં.. શાહબુદ્દ્દીન પણ આમ કરી શકત પણ એક ગાંઠ વાળેલી કે પોટરીમાં નોકરી નહિ કરું! કારણ બહુ સ્પર્શી જાય એવું હતું. પિતાજીએ એકવાર નોકરી છોડ્યા બાદ ફરી અરજી કરી ત્યારે એમને પોટરીએ નોકરી ન આપી, એટલે શાહબુદ્દીને મનમાં ગાંઠ વળી કે મારે આ પોટરીમાં તો ન જ જોડાવું. જીવનનો આ વળાંક આજે સફળતાનાં શિખર સુઘી લઇ ગયો છે. એફ. વાય પછી ચોટીલા થી 6 ગામ દૂર કાબરણ  નામનું ગામ. ત્યાં સિત્તેર  રૂપિયા પગારથી પ્રાથમિક શિક્ષક થયા. થોડી બચત થઇ એટલે નોકરી છોડી દીધી. બચતમાંથી ઇન્ટરના પુસ્તકો ખરીદ્યા અને ઇન્ટર પાસ કર્યું. આખરે 01.02.1958ના રોજ જ્યાંથી ભણ્યા હતા એજ શાળામાં શિક્ષક થયા. નિમણૂકપત્ર આપતા બી.ટી.રાણા સાહેબે કહેલું કે, " તારા પિતાએ મને નોકરી આપી હતી, ને હું તને નોકરી આપું છું. " (પિતાના અવસાન બાદ આવી ખેલદિલી કોણ બતાવે છે?? આજના કળિયુગમાં એ જેના પર વીતી હશે એ ચોક્કસ સમજી શકશે!!)પછી તો ઇતિહાસ અને પોલિટિક્સમાં બી.એ. કર્યું. પ્રાધ્યાપક ઉપેન્દ્ર પંડ્યા અને મનસુખલાલ ઝવેરીના અવાજ હજુ કાનમાં ગુંજે છે. શિક્ષક તરીકે એટલું જ આવડે કે તન્મય થઈને ભણાવવાનું, મેથડની કઈ ખબર ના પડે. એવું રસપ્રદ ભણાવે કે પિરિયડ ક્યાં પૂરો થાય તેની ખબર ન વિદ્યાર્થીને થવી જોઈએ કે ન આપણને. જે વિષય આપે તે બધા જ ભણાવવાના. ગણિત અને ચિત્ર પણ ! છોકરાંવની સાથે જ ચિત્રની એલિમેન્ટરી અને ઇન્ટરમિડિયેટની પરીક્ષા ય પાસ કરી. તે સમયમાં લીમડીમાં બે શિક્ષકો સ્પેશિયલ કેસમાં આચાર્ય થયા. એક મહિપતસિંહ ઝાલા, અને બીજા શાહબુદ્દીન રાઠોડ!!

બી.એડ તો કર્યું છેક 1969માં રાજેકોટની પી.ડી. માલવિયા કોલેજમાંથી. ત્યાં એચ. વી. શાહ સાહેબ કહેતા, "શિક્ષક મેથડને અનુસરતા નથી, મેથડ શિક્ષકને અનુસરે છે." ડો. મનુભાઈ ત્રિવેદી કહેતા, "અંગ્રેજીમાં પાઠ તરીકે નાટક કોઈ લેતું નથી." શાહબુદ્દીનભાઈએ અંગ્રેજીમાં એકાંકી લખ્યું અને ભજવ્યું પણ ખરું. એ જ વર્ષમાં "શિક્ષકનું સર્જન" અને "ઇન્સાનિયત" પણ લખ્યા. સ્ટેજ સાથે નાતો  ઘણો જૂનો, નાનપણમાં "બાપુનો ડાયરો" અને 1956માં પ્રેમશંકર યાજ્ઞિકનું નાટક "રખેવાળ" ભજવેલું. પરશુરામનગરમાં મોટું સ્ટેજ હતું. બાસઠ વર્ષ ત્યાં ગણેશ ઉત્સવ ઉજવાયો. થાન-મોરબી-વાંકાનેરમાં કાર્યક્રમો થાય. 1957માં "સૈનિક" ભજવ્યું. તેમાં વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર સુલેમાન પટેલે ડાન્સ ડિરેક્ટર તરીકે કામ કર્યું.  સ્ત્રી પાત્ર વગરના નાટકો લખ્યા અને ભજવ્યા. "વનેચંદ ભણતો ત્યારે કંઈ યાદ ન રહે પણ નાટકમાં મારા ડાયલોગ કડકડાટ મોઢે રાખે!!" -- શાહબુદ્દીનભાઈ જીવનની રુડી વાતો આ રીતે વાગોળે છે.

Any Creative Activity is the Natural Enemy of Tension!

તેર વર્ષ શિક્ષક અને પચ્ચીસ વર્ષ આચાર્ય તરીકે ભરપૂર જીવી જાણનાર શાહબુદ્દીન રાઠોડ જીવનનું પરમ સત્ય કહે છે: 

"જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, 
એમને શું છે જગત તેની ખબર હોતી નથી."

સીક્સ્થમાં પાસ હોય તેને દસ રૂપિયાની સ્કોલરશીપ મળતી. આ સહાયનો ચાલીસ રૂપિયાનો મનીઓર્ડર આવ્યો ત્યારે એસ.એસ.સી.નું ફોર્મ ભરી શકનાર આ કરુણાનો માણસ આજે પણ કેટલાય વિદ્યાર્થીઓની ફી ભરે છે. પોતાની શાળાનો વિદ્યાર્થી વૉલીબૉલના ખેલાડી તરીકે એક ટુર્નામેન્ટમાં બહાર રમવા ગયો હતો. ને અચાનક એને લોહીની ઉલ્ટીઓ થવી શરુ થઇ ગઈ. આયોજકો મૂંઝવણમાં હતા અને એના પિતાજીને અને ઘરવાળાઓને જાણ કરવાનું વિચાર કરતા હતા. ત્યાં પેલો છોકરો બોલ્યો, "મારા આચાર્ય શ્રી શાહબુદ્દીન રાઠોડને જાણ કરો એ બધું જ ગોઠવી લેશે!!" શિક્ષક્ત્વની આ ઊંચાઈ છે!! થાનમાં ચોપન વર્ષ નવરાત્રી મહોત્સવનું સઘળું આયોજન કર્યું. સાહિત્ય-શિક્ષણ-સમાજના ધુરંધરો આવ્યા. એક કલાક રામચરિતમાનસ અને પછી ગરબાની રમઝટ. 

"મને એસ.ટી. બુચ સાહેબ અંગ્રેજી ભણાવતા. તેમના મોટાભાઈ પ્રખર અધ્યાપક એમ.ટી. બુચ સાહેબ તો રાણા સાહેબને ત્યાં નવેનવ દિવસ રોકાય અને અનુસ્થાન કરે. અઠ્ઠાવીસ વર્ષ થાનમાં અખિલ ગુજરાત વોલીબોલ પાસિંગ ફ્લડલાઈટ ટુર્નામેન્ટનું પણ ભવ્ય આયોજન કર્યું. જીવનનાં આવા આનંદ સામે ભલભલી પ્રસિદ્ધિ અને કીર્તિ પણ પાણી ભરે!!"  આવું સહજતાથી કબુલતા શાહબુદ્દીન રાઠોડ માર્મિક હાસ્યના મુઠ્ઠી ઉંચેરા કલાકાર છે. 

શાહબુદ્દીનભાઈનું નામ પડે ને હોઠ મલકે! "વનેચંદનો વરઘોડો" સાંભરે જ, "નટુ  અને વિઠ્ઠલ " નજર સામે તરે. આ એમની શ્રોતા વર્ગ સાથેની સીધી જ કનેક્ટિવિટીની ઉપલબ્ધી અથવા તો બ્રાન્ડ્સ છે!!  19.11.1969માં લીમડીમાં પહેલવહેલો કાર્યક્રમ, ને પછી બાવીસથી વધુ દેશમાં એમણે કાર્યક્રમો આપ્યા, 1980માં એન્ટવર્પથી વિદેશયાત્રા આરંભી. હજુય થોડી નાદુરસ્ત તબિયત હોવા છતાં એ યાત્રા અવિરત છે. પોતે પસંદગી કરીને વસાવેલા 10000 થી પણ વધુ પુસ્તકો પોતાની સ્કૂલ લાયબ્રેરીમાં છે. પુસ્તકોને પુંઠા ચઢાવતા ને ગોઠવતા એમાંથી વાંચનની ટેવ પડી છે, જેને જીવનને ઊંડાણ બક્ષ્યું. ચિંતન-મર્મ-અધ્યાત્મથી ભરપૂર હાસ્ય. શાહબુદ્દીનભાઈ ગર્વથી કહી શકે છે, "શિક્ષણથી મેં હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી મેં શિક્ષણને હળવું બનાવ્યું છે. મારા માટે હાસ્ય જીવનનું સાધ્ય છે અને તેથી સ્વમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જવું પણ કક્ષાથી નીચે ન ઉતરવું -- એ સિદ્ધાંત મેં પાળ્યો છે." 

આવી સંસ્કૃતિનો અવિરત પ્રવાહ એમની શૈલીમાંથી નીતરતો રહ્યો છે, જેનું એક ઉદાહરણ એમની જ શૈલીમાં એક ખાસ પ્રસંગ દ્વારા અહીં રજૂ કરું છું:


વર્ષો પહેલાં ‘નચિકેતા’માં હરિવલ્લભ ભાયાણી સાહેબે લખેલો સુંદર પ્રસંગ તેની વિગતો તો યાદ નથી પણ એક ઝાંખુ ચિત્ર સ્મૃતિમાં અંકિત થયેલું છે તે રજૂ કરવા પ્રયાસ કરું છું. તેનું નામ ગંધ ભંડારી હતું. એ મગધ સમ્રાટનો ભંડારી હતો. તેના પૂર્વજોએ અઢળક સંપત્તિ તેને વારસામાં સુપ્રત કરી હતી. ગંધ ભંડારીને ભોજનનો અનહદ શોખ હતો. તેણે તેના ભવ્ય મહાલય પાસે જ એક સુંદર ભોજનગૃહ તૈયાર કરાવ્યું હતું. આરસપહાણના એ શ્વેત મહાલયમાં એક ઝરુખો હતો. ત્યાં સિંહાસન જેવી બેઠક હતી, તેના પર કિનખાબની એ ગાદી પર ગંધ ભંડારી બેસતો. સામે સુવર્ણ થાળમાં દર પૂનમે બિરંજ પીરસવામાં આવતી. તજ, તમાલપત્ર, જાયફળ, જાવંત્રી, કેસર, બદામ, પિસ્તા, કાજુ, દ્રાક્ષ ન જાણે કેટલા તેજાના વપરાતા આ બિરંજમાં, દેશભરમાંથી આવેલા નિષ્ણાત રસોઈયાઓ દ્વારા આ બિરંજ તૈયાર થતી. દર પૂનમે ગંધભંડારીનો ભોજન વૈભવ નિહાળવા પાટલીપુત્રના નગરજનો ઊમટી પડતા!
આજે પૂનમ હતી, પાટલીપુત્રમાં વસતા રાઘવને ત્યાં તેનો મિત્ર ગોવિંદ મહેમાન હતો, રાઘવ તેને આગ્રહ કરી અહીં લઈ આવ્યો હતો, બંને ઝરુખાની પાસે જ ઊભા હતા. ગોવિંદે સફેદ આરસપહાણનો ઝરુખો જોયો. ગંધ ભંડારીના સુંદર શરીર પરના રેશમી વસ્ત્રો જોયા, સુવર્ણના હીરાજડિત આભૂષણોમાંથી પ્રકાશને પરાવર્ત કરતાં રંગબેરંગી કિરણો જોયા અને એમાં જ્યારે સુવર્ણના થાળમાં બિરંજ પીરસાણી અને તેની માદક સુગંધ વાતાવરણમાં પ્રસરી. એનો આસ્વાદ લેતા જ ગોવિંદ સૂધબૂધ ગુમાવી બેઠો. ગોવિંદ બાવરો બની ગયો. તેણે કહ્યું : ‘રઘુ, મારે આ બિરંજ ખાવી છે. મારે તેનો સ્વાદ લેવો છે. મને બિરંજ નહીં મળે તો હું નહીં જીવું.’ રાઘવે ગંધ ભંડારીને વિનંતી કરી, ‘આપ મારા મિત્રને થોડી બિરંજ આપો નહીંતર એ પાગલ થઈ જશે.’ ગંધ ભંડારીએ બંનેને ભોજનગૃહમાં બોલાવ્યા. તેણે ગોવિંદને કહ્યું, ‘જો યુવાન, બાર વર્ષ સુધી આ ભોજનગૃહમાં તારે સેવક તરીકે સેવા કરવી પડશે. તમામ કાર્યો કરવા પડશે. ત્યાર પછી આજ રીતે પૂનમની રાતે મારા જ પોશાકમાં મારા આભૂષણોમાં સજ્જ થઈ મારા જ આસન પર બેસી તું આ ભોજનનો આસ્વાદ માણી શકીશ. બોલ છે તૈયારી ?’

ગોવિંદે ગંધ ભંડારીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. બીજા દિવસથી એ કામે ચડી ગયો. ભોજનગૃહ સાફ કરવું, પોતા મારવા, વાસણ ઉટકવા, આગળનાં મેદાનમાં સંજવારી કાઢવી, રસોઈ તૈયાર કરવામાં મદદ કરવી. ગોવિંદ તનતોડ મહેનત કરતો એક જ આશાએ કે ગંધ ભંડારી જેમ જ ભોજન કરવાની, બિરંજ આરોગવાની. દિવસો વિતતા ગયા. જોતજોતામાં બાર વર્ષ પૂરાં થઈ ગયા. સમગ્ર પાટલીપુત્રમાં જાણ થઈ ગઈ. આખું પાટલીપુત્ર ઊમટી પડ્યું. ગોવિંદને રેશમી વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. મહામૂલા આભૂષણોથી તેનો દેહ શણગારવામાં આવ્યો. સ્નાનપૂત શરીર પર રેશમી વસ્ત્રોમાં સજ્જ થયેલ મૂલ્યવાન આભૂષણોમાં શોભતા ગોવિંદને જોઈ તેના મિત્ર રઘુના આનંદનો પાર ન રહ્યો.
ગોવિંદે સ્થાન સંભાળ્યું. સુવર્ણનો થાળ તેની આગળ મૂકવામાં આવ્યો અને બિરંજ પીરસવામાં આવી. જે સુગંધે બાર વર્ષ પહેલાં તેને બાવરો બનાવ્યો હતો એ જ સુગંધ ગોવિંદે પારખી. ગોવિંદ બિરંજ સામું જોઈ રહ્યો. ત્યાં અચાનક માનવમેદનીમાંથી એક બૌદ્ધ ભિખ્ખુ આગળ આવ્યા. પોતાનું ભિક્ષાપાત્ર ગોવિંદ સામે ધરી બોલ્યા, ‘ભિક્ષાંન દેહિ’ ગોવિંદ એક પણ ક્ષણના વિલંબ વગર ઊભો થયો અને બધી બિરંજ બૌદ્ધ ભિખ્ખુના ભિક્ષા પાત્રમાં ઓરાવી દીધી. વિશાળ માનવમેદની સ્તબ્ધ થઈ ગઈ. એક સન્નાટો માનવ સમુદાયમાં છવાઈ ગયો. લોકો ભાન ભૂલી ગયા. થોડા સમય પછી ગોવિંદના જયજયકારથી વાતાવરણ ભરાઈ ગયું. ગોવિંદના ચહેરા પર ત્યાગની પ્રસન્નતા હતી. એ પોતાના સ્થાન પરથી નીચે ઉતર્યો. ગંધ ભંડારી ગોવિંદને ભેટી પડ્યો અને કહ્યું : ‘અઢળક સંપત્તિ હોવા છતાં હું જે ન કરી શક્યો તે તેં કરી બતાવ્યું. હું તને મારી સાથે જ સમગ્ર જીવન આ ભોજન વૈભવનો અધિકાર આપું છું.’
સમ્રાટને આ ખબર પડી. તેમણે ગોવિંદનું અભિવાદન કર્યું. સન્માન કર્યું અને રાજ દરબારે સ્થાન આપ્યું. આનું નામ સંસ્કૃતિ.  અને આવી જ સાંસ્કૃતિક વાતો એમની શૈલીનું મુખ્ય આકર્ષણ બની રહી છે. એમના કોઈ પણ કાર્યક્રમમાં નાના ભૂલકાઓ પણ જેવું શાહબુદ્દીનભાઈ બોલવાનું શરુ કરે એટલે સ્વયંભૂ ટપોટપ બેસીને શાંતિ અને શિસ્તથી ધ્યાનસ્થ થઇ સાંભળે! આ એમની ધ્યાનાકર્ષક વાણીછટા રહી છે.

એક બીજો પ્રસંગ કહું: 

1971માં મુંબઈના બિરલા માતુશ્રી સભાગૃહમાં લોકડાયરો હતો, પ્રેક્ષકોમાં કલ્યાણજીભાઈ, સી. ટી. ચૂડગર, સવિતાદીદી અને બાબુલાલ મેઘજી શાહ જેવા માણસો તથા સ્ટેજ ઉપર લાખાભાઈ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દીવાળીબેન ભીલ, નાનજીભાઈ મીસ્ત્રી અને હાજી રમકડુ જેવા કલાકારો સાથે શાહબુદ્દીન રાઠોડ પણ હતા, અગત્યની વાત એ હતી કે શાહબુદ્દીન રાઠોડનાં ભાવિ સસરા પોતાની પુત્રી સાથે મુરતિયાને જોવા તથા સાંભળવા માટે ઓડીયન્સમાં બેઠા હતા, આવા માહોલમાં શાહબુદ્દીન રાઠોડને મુંબઈમાં પોતાનો પ્રથમ કાર્યક્રમ આપવાનો હતો!!

કલાકારનાં મનમાં ખુબ મથામણ હતી કે સૌરાષ્ટ્રમાં તો છેલ્લા બે વરસથી લોકો સાંભળે છે પણ મુંબઈમાં મારી દેશી ભાષા અને ગામઠી વાતો ચાલશે કે નહી ? ત્યાં નામ જાહેર થયુ ને ‘વનેચંદનો વરઘોડો’ શરૂ થયો, લોકો ઉલળી-ઉલળીને હસવા લાગ્યા, પ્રેક્ષકોમાં એક યુવાન તો એટલો બધો ખુશ થાય કે ઉભો થઈને તાલીઓ વગાડી દાદ આપે, આ યુવાનનું નામ રમેશ મહેતા, આ શાહબુદ્દીન રાઠોડ અને રમેશ મહેતાની પ્રથમ મુલાકાત. 1971નાં આ કાર્યક્રમથી શાહબુદ્દીન રાઠોડને સાબીરાબેન જેવી પત્ની મળી, રમેશ મહેતા જેવો મિત્ર મળ્યો અને જગતને શાહબુદ્દીન રાઠોડ જેવો કલાકાર મળ્યો.

શાહબુદ્દીનભાઈ ફેલ્ટ/હેટ  પહેરવાના શોખીન છે, હસતા હસતા કહે, "એમાં બે લાભ છે, વટ  તો પડે જ પણ મોટી થતી ટાલ  સંતાડી પણ શકાય!" માત્ર પેન્સિલથી, એક માત્ર રંગથી, એક્રેલીકથી, સુંદર ચિત્રો દોરવા તે તેમનો અંગત શોખ છે. જીવનની સુંદર ક્ષણોની અભિવ્યક્તિ એ ચિત્ર છે. તેથી નિજી મૂડમાં હું પીંછી પકડું છું. 


અને છેલ્લે, સંસ્કૃતિનો પરિચય આપતું વ્યક્તિત્વ:

"શાળામાંથી નિવૃત્તિ સમયે વસવસો રહેતો હતો કે ડોનેશન ભેગું કરી મારા થાનમાં ગર્લ્સ હાઈસ્કૂલનું મકાન તો બનાવી શક્યો, પણ બે વર્ગોમાં દીકરીઓ માટે નવી બેન્ચ ન અપાવી શક્યો!!"  હળવદના સોનલ રાવલ દુબઇ છે, એમનો ફોન આવ્યો કે કાર્યક્રમ આપવા આવો તો કહેવાય ગયું કે "બાવન હજાર ડોનેશન આપો તો આવું!! દુબઈથી આવી સ્કૂલે બે ખટારામાં નવી બેન્ચ મોકલી ત્યારે આઠમા ધોરણની દીકરીયું હર્ષોલ્લાસ કરતી ખટારામાં ચડી જે હોંશથી બેન્ચ ઉતારવા લડી કે ના પૂછો વાત. જીવનમાં એટલો સંતોષ ક્યારેય નથી મળ્યો અને હવે જોતો ય નથી. " આટલું બોલ્યા પછી એ દિવસે શાહબુદ્દીન રાઠોડ વધુ કંઈ ન બોલી શકયા.  અને મારી કલમ પણ હવે વધુ કંઈ એમના વિષે લખી નહિ શકે...!! એ પણ એની હદ જાણે જ છે અને આવી મહાન હસ્તી સામે શાંતિથી મારા ખિસ્સામાં સરી જાય એમાંજ એની ભલાઈ છે!

-- ડો. કાર્તિક શાહ ("મુઠ્ઠી ઉંચેરા માનવરત્નો")

Thursday, November 29, 2018

અનોખી સંગીત સારવાર


એક વાર ઘેઘુર કંઠના માલિક અને સુગમ સંગીતના દિગ્ગજ રાસબિહારી દેસાઈ ગાડીમાં તેમના નિવાસથી વસ્ત્રાપુર ખાતે નવરાત્રી નિમિત્તે શ્રી માતાજીનું સ્તુતિગાન કરવા જઇ રહ્યા હતા. ગાડીમાં ૐકારની શાસ્ત્રીય ધ્વનિ અસર ઉભી કરતી સીડી વાગી રહી હતી.

રાસભાઈ બે જ મિનિટમાં મૌન થઇ ગયા અને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચ્યા સુધીમાં તો ધ્યાનસ્થ થઇ ગયા. થોડી ક્ષણો પછી શ્રી માતાજીના સ્થાપન પાસે બિરાજી એમણે એકાદ સ્તુતિગાન કર્યું. પણ આજે આંખમાંથી અશ્રુ વહ્યા કર્યા!! રાસભાઈ ભાવસમાધિના કલાકાર હતા, પણ આજે સૌને આશ્ચર્ય થયું કારણકે રાસભાઈએ શ્રી માને કંઠગાનનો નહિ પણ અશ્રુધારાનો અભિષેક આજે  કરાવ્યો હતો. રાસભાઈ એ કહ્યું, " આજે ગાડીમાં જે સીડી સાંભળી છે એની આ અસર છે!!"

આટલો બધો પ્રભાવ સંગીતનો !! અને એ પણ સિદ્ધહસ્ત દિગ્ગજ કલાકાર પર...સાચે જ જાણવા જેવી વાત પર આજે આપણે આગળ વધી રહયા છીએ. આ જે સીડી રાસભાઈએ ગાડીમાં સાંભળી એ એક નવ સીડીના સેટનો એક ભાગ હતી. આલ્ફા મ્યુઝિકની આવી નવ સીડી એક વિજ્ઞાન કોલેજના પ્રોફેસર અને એમના બે એન્જીનીયર દીકરાઓએ બનાવી છે. જી હા, જેમને સંગીતમાં પાંડિત્ય જરાય નહોતું પણ હા, વિજ્ઞાનની થોડી સુઝબુઝ ખરી! આ પ્રોફેસર વિજ્ઞાનની એક કોલેજમાં 40 વર્ષ સુધી કેમેસ્ટ્રીના પ્રોફેસર રહી ચુક્યા છે. અને ૐકારની દિવ્ય અસર ઉભી કરનાર આ સીડી તેઓએ જ બનાવેલ નવ સીડીમાંથી એક છે જેની દિવ્ય અસર રાસબિહારી દેસાઈ ઉપર જોવા મળી.

આવો હવે આગળ અન્ય એક રોચક પ્રસંગ તરફ આગળ વધીએ,

આ પ્રોફેસરનો જન્મ મુંબઈમાં 1 જૂન, 1943ના રોજ થયો હતો. 4 ધોરણ સુધી મુંબઈ ભણ્યા અને પછી આગળ ભણવા તેઓ આણંદ આવ્યા જ્યાં સેન્ટ ઝેવિયર્સમાં આગળ ભણ્યા. ત્યાંજ સાયન્સ કોલેજમાં તેઓ ભણ્યા. 1965માં  બેચલર ઓફ સાયન્સ થઇ ગયા. આમ તો, નાનપણથી જ તેઓ જાદુના ખેલ અને રહસ્યો જાણવામાં મસ્ત રહેતા હતા. 

આ પ્રોફેસર કોલેજમાં ભણતા હતા ત્યારે એક પ્રસંગ બન્યો, જેને કારણે તેઓ આખી દુનિયામાં વિખ્યાત થઇ ચુક્યા છે. નાનપણથી જ તેઓને જૂની વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ હતો. માળીયે બધું ભેગું કરે રાખતા. એક વાર આવી જ કોઈક વસ્તુ ફાંફાફોળા કરતા કરતા લાકડા કાપવાની એક જૂની કરવત માળીએથી નીચે પડી. અને એમાં એક વિચિત્ર ઝણઝણાટીવાળો અવાજ એમને સંભળાયો. ત્યાર બાદ એમણે એ જ કરવતને ફરીથી ઊંચકી બે પગ વચ્ચે પકડી તેની પાર ફરીથી એક ટકોરો માર્યો, તો સંગીતનો એક સરસ સૂર સંભળાયો!! પછી એકદમ જ્ઞાત થયું કે અરે આમ તો સંગીતના ઘણાં સૂર છુપાયેલા છે!! ત્યારથી એક લાકડા કાપવાની કરવતમાંથી સૂરો કાઢવાની એમની યાત્રા શરૂ થઇ અને ઈ.સ. 2000માં એને મૂર્તિમંત સ્વરૂપ પણ આપી દીધુ.

શરૂઆતમાં કોલેજથી સાંજે ઘરે આવીને કરવત લઇ તેઓ જાતજાતના અવ્વાજ કાઢવા બેસી જાય. ભિન્ન ભિન્ન રીતે પ્રયોગો કરે એટલે ઘરના બધા સભ્યો સ્વાભાવિક જ આ અવાજથી હેરાન થાય. એટલે પ્રોફેસર ઉપાડે બધો સમાન અને પહોંચે ખેતર વચ્ચે. આમ અથાગ પ્રયત્નો બાદ એક નોખું વાજિંત્ર વિકસ્યું જેનું નામ પણ એમણે આપ્યું!! એ પછી જોઈએ! વાંચો એ પહેલા અન્ય એક રોચક પ્રસંગ!!

વર્ષ 2003ની વાત છે. કેલિફોર્નિયા, USAમાં IMSA (international musical saw competition) પ્રતિયોગિતામાં એમને ભાગ લેવાનું આમંત્રણ મળ્યું. તેના રિયાઝ માટે સવાર ને સાંજ એક-એક કલાક કલાક ઘરના બગીચામાં એ કરવત વગાડવા બેસી જાય. થોડા સમય બાદ અવલોકન કરતાં માલુમ પડ્યું કે આ સંગીત કે ધ્વનિની અસરને લીધે હોય કે ખબર નહિ પણ ઘરની વાડીમાં જ્યાં એ રિયાઝ કરતા તેની આજુબાજુના રીંગણાના છોડ 9 ફૂટ, તુવેર સિંગના છોડ 14 ફૂટ અને લેમન ગ્રાસ 9 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા!! જયારે વાડીના અન્ય દૂરના છોડ માત્ર 3 ફૂટના હતાં !! સ્વાભાવિક રીતેજ ધ્યાન ખેંચાય એવું આ પરિવર્તન હતું!! અને વિજ્ઞાની જીવ એટલે મંડ્યા આગળ રિસર્ચ કરવા!!! સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિદ્યાનગરના ભૌતિકશાસ્ત્રના ટેક્નિકલ ડાયરેક્ટર શ્રી લાલ ઝાનો સંપર્ક કરી અને ભૌતિકશાસ્ત્રના જ પ્રોફેસર ડો. એસ. જી. પટેલના માર્ગદર્શન હેઠળ પોતાની વાતને સંશોધન રૂપે ચકાસવાની શરૂઆત કરી. અને આ જ પ્રયોગ રિપીટ કર્યો. પણ આ વખતે કોમ્પ્યુટરાઇઝડ ઓસિલોસ્કોપ (OSCILLOSCOPE)માં તેઓ દ્વારા ઉત્પન્ન થતા સંગીતના ધ્વનિ તરંગો, ધ્વનિ દબાણ, ધ્વનિ ઉર્જા, ધ્વનિ તરંગોના પ્રકાર વિગેરેનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવ્યો. એ જ અસરનું ફરીથી નિરૂપણ થયું. અને જાણવા મળ્યું કે આ ધ્વનિ તરંગો એ આપણે જે સાંભળી શકીયે છીઍ એવા જ ધ્વનિક્ષેત્રમાં છે પણ તેની ઉર્જા અન્ય સંગીત વાદ્યથી ઉદભવતા ધ્વનિ કરતા 25 ગણી વધુ છે !! અને ધ્વનિ દબાણ 70 ડેસિબલ જેટલું અસામાન્ય છે. આ વાદ્યમાંથી આલ્ફા તરંગો કે જે આપણે સાંભળી શકતા નથી એ પણ નીકળે છે. 
આલ્ફા તરંગોના આ યુનિક રિસર્ચથી પ્રોફેસરની દિશા જ બદલાઈ ગઈ. વિજ્ઞાનના અનુસ્નાતક અને ડોક્ટરેટ થયેલા પ્રાધ્યાપક એટલે પોતે હજુ વધુ સંશોધનરત થયા. અને વિચાર્યું કે વનસ્પતિ જેવા જીવ પર જો આ વાદ્યની અસર થતી હોય તો મનુષ્ય પર કેમ નહી ?  મનુષ્યના મગજ પર પણ કેમ નહી ? અને શરુ થયો પ્રોજેક્ટ મ્યુઝિક થેરાપીનો, ડો. લાલ ઝાના માર્ગદર્શન હેઠળ !! જેમાં એમણે એવું મશીન વિકસાવ્યું કે જે કાન ઉપર આલ્ફા તરંગો, કપાળમાં આલ્ફા પલ્સ, અને આંખો પાર વિઝયુઅલ ઇફેક્ટ જેવી નિયંત્રિત અસરો ઉભી કરી શકે છે. અને આ ત્રણ અસરો મગજના તરંગોને આલ્ફા ક્ષેત્રમાં લાવવા મદદ કરે છે એટલે જે-તે દર્દી તરત જ આરામદાયક સ્થતિનો એટલે કે તણાવરહિત સ્થિતનો, જો એને દર્દ હોય તો દર્દશામક પરિસ્થિતિનો સુખદ અનુભવ કરે છે.  છે ને આશ્ચર્યજનક શોધ...!! અને હા આ બધું જ આપણા ગુજરાતી અને ગુજરાતમાં જ થયું છે જેની પુરી દુનિયામાં હવે નોંધ પણ લેવાઈ ચુકી છે. ગિનેસબૂકમાં પણ એમનું આગવી શોધમાં નામ રજીસ્ટર થઇ શુંકયુ છે. અને કેટલાય પરિસંવાદો, સેમિનાર, પ્રાયોગિક શિબિરોમાં વાદ્યના જીવંત ડેમોન્સ્ટ્રેશન/ઉદાહરણો પણ તેઓએ રજુ કર્યા છે. 
પ્રોફેસરને સમજાઈ ચૂક્યું હતું કે, તેમનું આ વાદ્યમશીન ધ્વનિતરંગોને ધ્વનિ પલ્સમાં ફેરવે છે અને તેની સાથે વિશેષ ઇલેક્ટ્રોડ જોડીને કોણી-સાંધા-કમર-ખભા વિગેરે દર્દીને જ્યાં દુખાવો થતો હોય ત્યાં એને પસાર કરતા ત્યાંના સ્નાયુ અને વાહિનીઓ ખેંચાય છે અથવા તો સ્ટિમ્યુલેટ થાય છે. જેનાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને દુઃખાવો  દૂર થાય છે. અમદાવાદના આપણા અગ્રગણ્ય નામાંકિત ન્યુરોફિઝિશિયન ડો. સુધીર શાહે પોતાના દર્દી પર આ પ્રયોગ બે વર્ષ કરી પોઝિટિવ પરિણામ પણ મેળવ્યા અને પ્રોફેસરની પીઠ પણ થાબડી છે.  આઈ આઈ એમ, અમદાવાદમાં પણ તેમનું આ વાદ્ય વાગી ચૂક્યું છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ તેમને સ્થાન  પ્રાપ્ત થયું છે. IBC, કેમ્બ્રિજ, યુ. કે. દ્વારા, વોશિંગટન ગુજરાતી સમાજ દ્વારા, સ્વાસ્થ્ય સેવા ટ્રસ્ટ દ્વારા, રોટરી ઇન્ટરનેશનલ દ્વારા વિગેરે દ્વારા બહુમાન થયું છે. એમના સંશોધન પત્રો અનેક વિશ્વ સામાયિકોમાં પ્રસિદ્ધ થઇ ચુક્યા છે. 
આણંદ જેલમાં એમના આ સંગીતના કેમ્પ દરમયાન કેટલાય કેદીઓ ચોધાર આંસુએ બરાબર રાસબિહારીની જેમ જ ગર્ભિત અસરથી રડવા લાગ્યા અને વર્તમાન સ્થિતિમાંથી બહાર આવવા તૈયાર થયા. આપઘાતના પ્રયાસ કરનારી ચાર બહેનો માત્ર ચાર સિટિંગમાં સંકલ્પબદ્ધ થઇ કે હવે જીવન આનંદથી જીવીશું. અને આ બધુ હકીકત છે કઈ ગપગોળા નથી!!
નબળી આર્થિક પરિસ્થિતિમાં ઉછરેલ આ પ્રોફેસર નાનપણમાં રેલવે પ્લેટફોર્મ પર તાડફળી વેંચતા, પાણી પાતા અને થોડા ઘણા પૈસા આ રીતે કમાઈને માતાને મદદ કરતા !! પાડોશમાં હાર્મોનિયમ વગાડતા ભગત પાસે જઈને બેસી જતા અને સારેગમપધનીસા શીખતાં. એક વાર રસ્તામાં 20 રૂપિયાની નોટ મળી તો એનાથી તેઓએ માઉથ ઓર્ગન  ખરીદ્યું અને આજીવન પોતાની પાસે સાચવી રાખીને વગાડ્યા કર્યું છે. વાંસળી ખરીદવાનો શોખ થયેલો પણ પછી વાયોલિન પોતાની નોકરીના પહેલા પગારમાંથી જ ખરીદી શક્યા.

આજે આટલા વર્ષે તેઓ પોતાના નવા વિકસાવેલા આ સાધન મારફતે વાયોલિન, વાંસળી, માઉથ ઓર્ગન, હાર્મોનિયમ, બેન્જો અને કરવત એક સાથે વગાડીને યાદગાર ગીતોની દુનિયામાં સૌને ગરકાવ કરી શકે છે. તેઓ આજે કરવત ઉપર ત્રણ સપ્તક સુધીના સૂર કાઢી શકે છે જે વર્લ્ડ રેકોર્ડ છે!! 

તેઓની નાનપણથી જ ડોક્ટર થવાની તીવ્ર ઈચ્છા હતી, માર્ક્સ પણ હતા પણ આર્થિક પરિસ્થિતિ ન હતી એટલે સાયન્સ જ ભણ્યા!! પણ આજે ડોક્ટરેટ પણ છે અને ડોક્ટર પણ છે અને સંગીતની દવાથી કેટલાય દર્દીઓને એમના દર્દથી તથા તણાવથી એમણે મુક્તિ આપી છે. કેટલાય વૃક્ષોને જીવન આપ્યું છે અને કેટલાય દુઃખીઓને શાતા પહોંચાડી છે. ભગવાન ઈસુના કરુણા સંગીત કણકણમાં ફેલાવતા આ નિવૃત પ્રાધ્યપક ગુજરાતના વલ્લભ-વિદ્યાનગરમાં નાના બજારમાં મોટા થઈને પ્રેમમગ્ન  થઈને જીવી રહ્યા છે. 
આ પ્રાધ્યાપકનું નામ છે ડો. હરીશ ગેર્શોમ અને તેમણે વિકસાવેલ વાજિંત્રનું નામ છે હરિશોફોન!! અન્ય સાધન કે જે દર્દીઓને સારવાર આપવા માટે બનાવ્યું છે એના નામ છે : 1. માઈન્ડ મશીન 2. THNMS  - ટ્રાન્સ ક્યુટેનિયસ હરિશોફોન નર્વ એન્ડ મસલ સ્ટીમ્યુલેટર !! અને જે મ્યુઝિક અને ધ્વનિ તરંગોથી સારવાર અપાય છે તેનું નામ છે : આલ્ફા ટચ થેરાપી (મ્યુઝિક થેરાપી)!!

-- ડો. કાર્તિક શાહ