Thursday, January 24, 2019

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો: કિર્લોસ્કર (ભાગ ૩)

ગતાંકથી ચાલુ...

લક્ષ્મણરાવ કિર્લોસ્કરે "કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ" નામે પબ્લિક લિમિટેડ કંપની સ્થાપી અને દ્રઢ નિર્ધાર સાથે ખાતરી આપતા કહ્યું, "જ્યાં સુધી કંપની ૯ ટકા ડિવિડન્ડ નહીં આપે ત્યાં સુધી પોતે એક પણ રૂપિયો મહેનતાણું કંપનીમાંથી નહીં લે...!"



હવે આગળ...

આ વાત હતી ઇ.સ. ૧૯૧૯-૨૦ની. આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. આ જ વર્ષે તેઓએ કંપનીના બીજા બે નવા ઉત્પાદનો બજારમાં મુક્યા. એક શેરડી પીલવાનું મશીન અને બીજું ડ્રિલિંગ મશીન!! આ ઉપરાંત, તેઓ ખેતીવાડીમાં ઉપયોગી એવા નાનામોટા સાધનો બજારમાં મુકતા જ રહયા. જો કે, હળનો ધંધો હજુ પણ મુખ્ય હતો. તેની માંગ અને સૂચનો મુજબ જરૂરી સુધારા વધારા કરી ક્રમશઃ નવી આવૃત્તિઓ બજારમાં મૂકી. કિર્લોસ્કરવાડી ત્રણ ત્રણ શિફ્ટમાં ધબકવા લાગી. પરિણામ સ્વરૂપ, કંપની સ્થપાયાના પહેલા જ વર્ષે ઇ.સ. ૧૯૨૧માં તમામ શેરહોલ્ડર માટે કંપનીએ ૬ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું! ડિવિડન્ડનો આ સિલસલો આજ સુધી ઇ.સ. ૨૦૧૯ સુધી અવિરત પણે ચાલુ જ છે. ઇ.સ. ૧૯૨૪માં અત્યાર સુધી વર્ષના સર્વાધિક ૪૦,૦૦૦ નંગ હળનું વેચાણ થયું!! આ ઉપરાંત કૂવામાંથી પાણી ખેંચવા માટેના ડીઝલ એન્જીનો - પમ્પ પણ હવે તેમણે વિકસાવવા માંડ્યા!!

૧૯૨૬માં પુણેમાં એક પ્રદર્શન ભરાયું હતું. તેમાં કિર્લોસ્કરના તમામ ઉત્પાદનોની શ્રેણી રજુ કરવામાં આવી હતી. એ સમયે એક અમેરિકન ત્યાં પ્રદર્શનની મુલાકાત લેવા આવ્યો હતો. આવા સાધનો ભારતમાં જ આટલી ઊંચી ગુણવત્તા વાળા બને છે એ જોઈને આભો જ બની ગયેલો. તેમાંય કિર્લોસ્કરે બનાવેલા સેન્ટરીફયુગલ પમ્પ જોઈ ચકિત થઈ ગયો!!


લક્ષ્મણરાવના સૌથી મોટા દીકરા શાંતનુનો જન્મ ઇ.સ. ૧૯૦૩માં થયો હતો. અને રસપ્રદ વાત એ છે કે માત્ર ૯-૧૦ વર્ષની ઉંમરે ઇ.સ.૧૯૧૨માં એણે એક ઓઇલ એન્જીનની આકૃતિ તૈયાર કરી હતી. આમ, પિતાજીની જેમ જ યંત્રકામમાં પહેલેથી જ એની પણ દિલચશ્પી રહી હતી. ઇ.સ. ૧૯૨૨માં વધુ અભ્યાસ અર્થે અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બેચલર ઓફ સાયન્સની ડીગ્રી લેવા પોતાના સહાધ્યાયી, બાળમિત્ર અને પિતરાઈ ભાઈ માધવ કિર્લોસ્કર સાથે શાંતનુ કિર્લોસ્કર રવાના થયા. કમનસીબે, માધવને ત્યાં પહોંચ્યા પછી છેલ્લા સ્ટેજનું ટીબી રોગનું નિદાન થયું. અને અમેરિકાની ધરતી પર પરદેશીને હોસ્પિટલમાં સઘન સારવાર મળે એવી કોઈ જોગવાઈ એ સમયે નહોતી. નાનકડા શાંતનુએ પરદેશમાં પોતાના પિતરાઈ ભાઈને હમેંશ માટે ખોયો અને પોતે એકલાએ એની અંત્યેષ્ટિ અમેરિકામાં જ સંપન્ન કરીને અસ્થિ ભારત મોકલ્યા. આ ઘટનાની ઘેરી અસર શાંતનુના જીવન અને હૃદય પર થઈ.

ઇ.સ. ૧૯૨૬માં શાંતનુ ભણતર પૂર્ણ કરી અનુભવ, જ્ઞાન અને લેટેસ્ટ તકનીકી વિદ્યા લઈ સ્વદેશ પરત ફર્યા. કિર્લોસ્કરવાડીમાં ભવ્ય ઉત્સવ થયો અને પિતાજીને મદદ કરવા લાગી ગયા. એ સમયે કિર્લોસ્કરવાડીમાં ડીઝલ એન્જીન બનાવવાનું ચાલુ થઈ ગયું હતું. પણ શાંતનુના દિમાગમાં એથીય ચડિયાતું ઓઇલ એન્જીન બનાવાની અભિલાષા હતી. જે સ્કેચ નાનપણમાં બનાવ્યો હતો એ સપનું પૂરું કર્યું અને એમના ડિઝાઈન કરેલા એન્જીનની ભારે પ્રશંશા થઈ. આ પછી કિર્લોસ્કરનો મુખ્ય ધંધો/પ્રોડક્ટ ઘરેલુ, ખેતીવાડી અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગી એવા પમ્પ અને ડીઝલ એન્જીન બનાવાનો થઈ ગયો હતો. અને આ ક્ષેત્રમાં એટલો હરણફાળ વિકાસ સાધ્યો કે "પમ્પ એટલે કિર્લોસ્કર" એવો પર્યાય બની ગયો!! અને લગભગ એકચક્રી શાસન તેઓએ કર્યું.

ખાસ વાત:

હવે આ ઉદ્યોગોની વાતમાં સાહિત્ય ક્યાં આવ્યું ? ચાલો, રસપ્રદ વળાંક લઈએ. આ પાછળ પણ એક રસપ્રદ કહાણી છે.

લક્ષ્મણરાવે શરૂઆતમાં હળના વેચાણ માટે મરાઠી વર્તમાનપત્રમાં જાહેરાતો આપેલી અને તેનું મહત્વ તેઓ પારખી ગયેલા. પોતાના ઉત્પાદન અને વેચાણને વેગ મળે એ સારું, કિર્લોસ્કરવાડીમાં જ એમણે જાહેરાત માટેનું એક તંત્ર શરૂ કર્યું. તેની જવાબદારી ભત્રીજા શંકરને સોંપી. શંકરને સાહિત્યમાં વિશેષ રુચિ હતી. તેમણે ભેગા થઈ ઇ.સ.૧૯૨૭માં પોતાના માલના પ્રચાર માટે એક માસિક મેગેઝીન બહાર પાડ્યું, "કિર્લોસ્કર"!



તેનો મૂળ આશય પ્રચારનો જ હતો. પણ ધીમેં ધીમે, સામાન્ય વાચકોને પણ રસ પડે એવા લેખો એમાં સમાવિષ્ટ થવા લાગ્યા. અને ટૂંક સમયમાં તો એ પ્રચાર સામયિકની જગ્યાએ લોકભોગ્ય સામયિક બની ગયું!! તેના ગ્રાહકો, વાચકો પણ સારા એવા થયા અને ખાસ કરીને એ સામયિકમાં કિર્લોસ્કર "ખબર" કરીને એક કોલમ આવતી જેમાં સ્ત્રીઓના જીવન અને એમની સમસ્યાઓનું નિરૂપણ થતું. ૨૦મી સદીના શરૂઆતના આ સમયમાં સ્ત્રીઓની સ્થિતિ અત્યંત નાજુક હતી અને એમના વિશે જનજાગૃતિ માટે અનેક પ્રવૃતિઓ પણ થતી રહેતી. ઇ.સ.૧૯૨૭થી "કિર્લોસ્કર" સામયિકમાં "ખબર" નામની આ કોલમ ગંગુબાઈ જાંભેકર નામની લેખિકા લખતી.

ઇ.સ. ૧૯૩૦માં શાંતનુ કિર્લોસ્કરને, અમેરિકામાં ભણતા સમયનો એક મિત્ર અચાનક મળી ગયો. નામ હતું મિ. એડવર્ડ બોક, કે જે હવે "લેડીઝ હોમ જર્નલ" નામના અમેરિકન મેગેઝીનનો તંત્રી હતો. તેણે કહ્યું કે "સ્ત્રીઓની એક અલગ જ સ્વતંત્ર દુનિયા હોય છે! જો એમના જીવનની ઝાંખી કરાવતું એક મેગેઝીન મરાઠીમાં શરૂ કરવામાં આવે તો સમાજમાં નારીના પુનરુત્થાન માટે ઘણું કામ થઈ શકે! સ્ત્રીઓ પોતે પોતાના વિચાર અને તકલીફો સરળતાથી લખીને રજુ કરી શકે!" બસ, આ વિચાર શાંતનુને ગમી ગયો અને એના પર કામ શરૂ કરી દીધું. એ જ વર્ષે ૧૯૩૦માં, "કિર્લોસ્કર" પછી બીજું મરાઠી મેગેઝીન "સ્ત્રી" શરૂ કર્યું. આવી ઘણી રોચક હકીકતો શાંતનુ કિર્લોસ્કરે પોતાના આત્મકથનાત્મક પુસ્તક "શાનવાક્ય"માં વર્ણવી છે! 

"સ્ત્રી" મેગેઝીન એ સમયમાં સ્ત્રીઓ માટેનું બીજું જ મેગેઝીન હતું!! આ પહેલા સ્ત્રીઓ માટે "ગૃહલક્ષ્મી" કરીને સામયિક ઇ.સ. ૧૯૨૭થી આવતું હતું. એ સમયે "સ્ત્રી" મેગેઝીન એટલું લોકપ્રિય થયું હતું કે મહારાષ્ટ્રમાં લગભગ પ્રત્યેક ઘરમાં એ વંચાતું. એ સમયમાં એની 5 લાખ કોપીઓ છપાતી!! એના 200માં અંક જ્યારે ફેબ્રુઆરી ૧૯૪૭માં છપાયો ત્યારે બોમ્બેમાં ગૃહમંત્રી તરીકે મોરારજીભાઈ દેસાઈએ એના મ્હોફાટ વખાણ કરેલા! આ મેગેઝીને મહારાષ્ટ્ર અને ભારતભરમાં સ્ત્રીશક્તિ અને નારીઉત્થાન જેવા વિષયોમાં જાગૃતિ લાવવામાં ક્રાંતિ આણી. એનો જ પ્રતાપ છે કે ધીમે ધીમે સ્ત્રીઓ આ મેગેઝીન અને પછી અન્ય મેગેઝીનોમાં પોતાના સ્વતંત્ર વિચારો, મંતવ્યો, વાર્તા, લેખો, કવિતાઓ વિગેરે મુક્તપણે રજૂ કરતી થઈ!!

આ સામયિકની અપાર સફળતા જોઈ કિર્લોસ્કરે એક ત્રીજું સામયિક "મનોહર" શરૂ કર્યું. એ પણ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. કિર્લોસ્કર ગ્રુપના આ ત્રણેય સામયિક "કિર્લોસ્કર", "સ્ત્રી" અને "મનોહર" સંગાથે "કિસ્ત્રીમ" તરીકે જાણીતા થઈ ગયા. અને કિર્લોસ્કરની પ્રવૃતિઓ ઘેર ઘેર જાણીતી થઈ ગઈ અને ખૂબ લોકચાહના મળી! સાથે સાથે કિર્લોસ્કરવાડીમાં એક નવો છાપકામ અને પ્રેસનો ઉદ્યોગ શરૂ થયો, "કિર્લોસ્કર પ્રેસ"!! અને ધંધાની સાથે સાથે સાહિત્યની સફરને પણ કિર્લોસ્કર પરિવાર આગળ ધપાવવામાં લાગી ગયું!!

આમ તો, આજે હું આ કિર્લોસ્કર લેખનમાળાનો અંતિમ લેખ રજૂ કરવાનો હતો, પણ લખતા લખતા એવું લાગે છે કે,

ભારતમાં સૌ પ્રથમ બ્રાન્ડેડ એન્જીનીયરિંગ પ્રોડક્ટ,
▪ ભારતમાં સૌ પ્રથમ ડીઝલ એન્જીન, 
▪ ભારતમાં સૌ પ્રથમ ઈલેક્ટ્રિક મોટર, 
▪ ભારતમાં સૌ પ્રથમ સેન્ટરીફયુગલ પમ્પ, 
▪ ભારતમાં સૌ પ્રથમ લેથ મશીન, 
▪ ભારતમાં સૌ પ્રથમ મેટલ ચરખો, 
▪ ભારતમાં સૌ પ્રથમ વાર સ્ટીલનું ફર્નિચર, 
▪ ભારતનું સૌ પ્રથમ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર, 
▪ ભારતનો સૌ પ્રથમ canned મોટર પમ્પ, 
▪ભારતનો સૌ પ્રથમ કોન્ક્રીટ વોલ્યુટ પમ્પ વિગેરે બનાવનાર અને 
▪ ભારતની ત્રીજી ઔદ્યોગિક ટાઉનશીપ, 
▪ ભારતનું બીજું મહિલા મેગેઝીન લાવનાર તથા 
▪ પોતાના ઘરને જ આશ્રમ કહેનાર


આ કિર્લોસ્કર પરિવાર વિશે હજું વધુ રોચક હકીકતો અને કિર્લોસ્કરની ભારતમાં ઐદ્યોગિક ક્રાંતિમાં યશગાથાનો વધુ એક અંક લઈને આવતા શુક્રવારે ફરી મળવું પડશે, ત્યાં સુધી વિરામ આપશો...

― ડો. કાર્તિક શાહ

Saturday, January 19, 2019

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો - 2


ગયા શુક્રવારે આપણે જોયું કે એક લક્ષ્મણ નામે યુવાન યંત્રવિદ્યામાં ભારે રસ ધરાવતો હોવાથી એના પિતા કાશીનાથે ઈચ્છામુજબ એને છૂટ આપી અને બેલગામમાં સાયકલ સેલ્સ એન્ડ સર્વિસની દુકાન ખોલી, એ દુકાનનું નામ આપતું એક પાટિયું માર્યું! શું નામનું પાટિયું માર્યું હતું? ચાલો જાણીયે આ રસપ્રદ સત્યઘટના હવે આગળ...

લક્ષ્મણ અને એના ભાઈએ એ દુકાન પર પાટિયું માર્યું, "કિર્લોસ્કર બ્રધર્સ!" કિર્લોસ્કર બ્રધર્સ નામની આ સાયકલની દુકાનથી, શરુ થઇ છે એક ઐતિહાસિક ધંધાની સફર...!! કદાચ, આપણામાંથી ઘણા આ નામથી પરિચિત હશે જ અને જો ન હોય તો, આ અંકમાં નિકટથી પરિચય થઇ જ જશે! જી, આ લક્ષ્મણ એટલે બીજું કોઈ નહિ પણ લક્ષ્મણરાવ કાશીનાથ કિર્લોસ્કર! 

હવે, થોડા સમયમાં બેલગામમાં પણ રોગચાળો ફેલાયો. એટલે હવે જગ્યા બદલવા સિવાય કોઈ છૂટકો નહોતો. વળી, લોકો શહેર છોડીને ફરવા આવતા પણ ઘટી ગયા અને રોગચાળાના ભયથી બેલગામ પણ ખાલી થઇ ગયું હતું. આથી, સાયકલના એક માત્ર ધંધા પર ખાલી દારોમદાર રાખી શકાય એમ નહોતું. લક્ષ્મણની આજુબાજુ નિરીક્ષણ કરવાની ટેવથી એક તુક્કો સુજ્યો.
એમણે જોયું કે આસપાસના ખેડૂતો તેમના ઢોરને જે ચારો નાખતા એ ખાવા જતી વખતે એમાં ડાળખાં અને સાંઠા પણ આવી જતા! જે ચાવવાની ઢોરોને તકલીફ પડતી આથી તેમણે એક એવું યંત્ર બનાવ્યું કે જે આ ચારાને ઝીણી કટકીમાં ફેરવી નાખતું અને ઢોરોને ખાવામાં સરળતા પણ રહેતી. ખેડૂતોને યંત્ર તો ગમ્યું પણ એના માટે રોકાણ કરે કોણ? એ પણ ઢોરો માટે? એટલે આ પ્રયોગ સારો હોવા છતાં નિષ્ફળ રહ્યો. એટલે, લક્ષ્મણરાવે ખેડૂતોને ઉપયોગી થાય એવું નવું કૈક કરવાનું વિચાર્યું!

તેમને લાગ્યું કે આ ખેડૂતો જે ખેતી કરે છે એ હળથી  જમીનનો માત્ર ઉપરનો ભાગ જ ખેડી શકાતો હતો. જો વ્યવસ્થિત ખેડી શકાય તો પાક પણ વધુ ઉતરે એમ હતું. આ વિચાર ઉપર એ કામે લાગી ગયા. હળની ડિઝાઇનમાં સુધારા કર્યા. થોડા ખેડૂતોએ રસ પણ લીધો પણ તેઓ પોતાની જુનવાણી અને ચીલાચાલુ પ્રથામાંથી બહાર નીકળવા તૈયાર નહોતા! પોતાની સાયકલની દુકાન વેચીને ઉભી થયેલી મૂડીમાંથી લક્ષ્મણરાવે પોતાની આ નવતર ડિઝાઇનવાળા છ હળ બનાવ્યા હતા. પણ છએ  છ વણવેચાયેલા રહ્યા! મુખ્ય કારણ: એ જમાનામાં સામાન્ય હળ  છ રૂપિયા નંગે વેચાતું હતું જયારેલ લક્ષ્મણરાવના આ નવતર હળની  કિમંત ચાળીસ રૂપિયા જેવી હતી. આ હળ, એ ભારત દેશની આ પ્રકારની બજારમાં મુકાયેલી પહેલી બ્રાન્ડેડ એન્જીન્યરીંગ પ્રોડક્ટ હતી!! એમાં ઉચ્ચ ગુણવત્તા નું લોખંડ, રંગ અને લાકડું વપરાયેલું હતું! બે વર્ષ સુધી આ હળ  પડ્યા રહ્યા! આખરે લક્ષ્મણરાવની ધીરજ ફળી, અને એક બહારગામથી ખેડૂત આ હળના ફાયદા સમજી શક્યો ને છએ  છ હળ એણે ખરીદી લીધા!! એનાથી એ ખેડુતને પણ જબરજસ્ત લાભ થયો, એના સૂચનો માંગી ફરી એમાં થોડા સુધારા કરી નવું હળ  બનાવ્યું! અને સરકારી ખેતીવાડી ખાતામાં ભલામણ લેવા પહોંચી ગયા. જો એની ભલામણ મળે તો ખેડૂતો માટે વ્યાપારી ધોરણે આ હળનું ઉત્પાદન કરી શકાય. પણ ઉલટું સરકારી ખેતીવાડી ખાતાએ તો એમાં ભૂલો બતાવી અને વિદેશી હળની ભલામણ કરીને કહ્યું, "આ તમારું હળ  ક્યાં અને આ વિદેશી હળ ક્યાં? તેની બનાવટ જુઓ અને આ તમારી બનાવટ જુઓ!!" 

આ સાંભળી એ સમયે લક્ષ્મણરાવ પાછા વળી ગયા પણ ફરી કામે લાગી ગયા અને હળની બનાવટ સુધારવા અથાગ પ્રયત્નો કર્યા! ગુણવત્તા  ઊંચી કરી અને વિદેશી બનાવટની સામે ટક્કર ઝીલી શકે એવું હળ બનાવી ફરી સરકારી ખેતીવાડી ખાતામાં ગયા. આ વખતે કોઈ વાંધો નીકળી શકે એમ નહોતો અને કિર્લોસ્કરનું નામ સરકારી ભલામણ યાદીમાં સામેલ થઇ ગયું! એનાથી એમના હળની  ડિમાન્ડ વધી. ઉત્પાદનનો વેગ વધ્યો અને વેચાણ માટે નવી ઉદારનીતિ કામ કરી ગઈ, "હળ લઇ જાઓ, વાપરો, પ્રયોગ કરી સંતોષ થાય તો જ પૈસા આપજો!" આમ, પાંચ વર્ષમાં બસ્સો હળ વેચ્યા! પણ પાછી નવી એક મુશ્કેલી સામે ઉભી જ હતી. બેલગામમાં જે જમીન પર એમણે આ હળ બનાવવાનું કારખાનું નાખ્યું હતું એ જમીન ત્યાંની મ્યુનિસિપાલિટીની હતી. અને શહેરનો વિકાસ કરવા માટે એ જમીન પરત માંગી જે પાછી આપ્યા સિવાય કોઈ છૂટકો પણ નહોતો! ધંધામાંથી બહાર ફેંકાઈ જવાની સ્થિતિ હતી, પણ લક્ષ્મણરાવ હાર માને એવા પણ નહોતા!

મુંબઈ જયારે ભણતા અને રહેતા ત્યારે એક તેમનો એક મિત્ર હતો. જે મહારાષ્ટ્રમાં આવેલા ઔંધનો હતો. ઔંધ એ સમયે એક રજવાડું હતું અને આ મિત્ર ત્યાંના રાજવી કુટુંબનો નબીરો હતો. આ મિત્ર કાયદાનો અભ્યાસ કરતો હતો અને એટલા સમયાંતરે પણ એમનો સંબંધ હજુ ટકી રહ્યો હતો. આ મિત્રને પોતાના નગરમાં એક સભાગૃહ બાંધવું હતું. આ માટે તેણે  લક્ષ્મણરાવની નિયુક્તિ કરી. આ પ્રકારના બાંધકામનો કોઈ જ અનુભવ લક્ષ્મણરાવને નહોતો. એમ છતાં પડકાર ઝીલી લીધો અને પોતાના અજ્ઞાન વિષે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહિ. ઉત્સાહભેર એ કામ પણ પાર પાડી દીધું. એવામાં પોતાની ભાડે લીધેલી જમીન પરત કરવાની છે એટલે કારખાનાનું શું કરવું એ અંગે પોતાની મૂંઝવણ આ મિત્રને કહી. પોતાના સભાગૃહના સફળ આયોજનને લીધે મિત્ર લક્ષ્મણરાવથી આમેય રાજી હતા એટલે પોતાના જ રાજ્યમાં અમુક મોટી જમીન મફત આપી દેવાની તૈયારી પણ બતાવી!

દેખીતી નજરે જ લાગે કે લક્ષ્મણરાવની આપત્તિનો અહીં અંત આવી જવો જોઈએ! પણ મફતમાં મળેલી જમીન એ સગવડરૂપ નહોતી!  એક તો એ રેલવેથી ખાસી દૂર હતી. વળી, નજીકના રેલવે સ્ટેશન અને આ જમીનને સાંકળે તેવા કોઈ જ રસ્તા નહોતા. ત્યાં નકામાં ઝાડઝાંખરાં અને એના લીધે જંગલી પશુઓ, સાપ, વીંછીઓનો ભારે ઉપદ્રવ હતો. પાણી પણ નહિ, જમીન ખડકાળ એટલે ખુબ જ ઊંડા કુવા ખોદવા પડે એમ હતા. ફરી, લક્ષ્મણરાવે શાંતિથી જગ્યાનું નિરીક્ષણ કર્યું અને હિંમત હારે એ બીજા...બેલગામથી મ્યુનિસિપાલિટીએ વળતર પેટે રૂપિયા 10,000 આપ્યા હતા એ અને બીજા રૂપિયા 10,000 આ મિત્ર પાસેથી ઉછીના લઈને પોતાના પ્રદેશ કર્ણાટક અને બેલગામથી આશરે 400 કિલોમીટર દૂર એવા આ વગડામાં લક્ષ્મણરાવે પોતાનું કારખાનું શીફટ કર્યું અને બધી મશીનરી નજીકના રેલવે સ્ટેશને લાવી ત્યાંથી બળદગાડામાં અહીં ધીરે ધીરે શિફ્ટ કરી. કારખાના માટે જરૂરી જમીન સમતલ કરીને ઝાડ, ઝાંખરા, જંગલી પશુઓ, સાપ, વીંછી વિગેરેનો ભારે ધીરજપૂર્વક નિકાલ કર્યો! અને ઈ.સ. 1911માં આ સ્થળે પોતાનું કારખાનું ઉભું કર્યું! જેનું નામ અત્યારે કિર્લોસ્કરવાડી છે અને આ નામચીન ઔદ્યોગિક વસાહત નામે નંદનવન આ વગડામાંથી બનશે એવી સ્વપનમાં પણ કોઈને કલ્પના નહોતી! અહીં હળ તેમજ પાંદડા, સાંઠા, ડાળખાં વિગેરે સમારી એની કટકીઓ કરવાના યંત્રનું કારખાનું અગાઉ મુજબ શરુ કરી દીધુ હતું! આ પ્રકારની ઔદ્યોગિક વસાહત (ટાઉનશીપ) એ દેશની ત્રીજી વસાહત હતી. (આ પહેલા વાલચંદનગર અને ટાટાની   વસાહત જ હતી, જેના વિશે પણ ખુબ જ રસપ્રદ વાતો વાગોળીશું ફરી ક્યારેક!!)


અહીં વસવાટને ત્રણેક વર્ષ થયા હશે. આટલી અગવડો ઓછી હોય એમ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું! કાપડની એને તેથી કપાસની અને હળની માંગ વધી. પણ યુદ્ધને લીધે તમામ ચીજોના ભાવ આસમાને હતા. જે હાલ ચાલીસ રૂપિયે નંગ વેચાતું એ અત્યારે સાઈઠથી નીચે વેચવું પણ પોષાય એમ નહોતું! કાચોમાલ એટલે કે પિગ આયર્ન, રંગ વિગેરે આયાત થતા અને તેના ભાવ પર લક્ષ્મણરાવનો કોઈ અંકુશ નહોતો. તપાસ કરતા ખબર પડી કે બાજુના કોલ્હાપુર રાજ્યમાં વણવપરાયેલી અસંખ્ય તોપ પડી રહી છે અને ધૂળ ખાય છે. લખમણરાવે ત્યાંના દીવાનને વાત કરી એ બધી તોપ  ખરીદી લીધી અને એને ઓગાળી કાચો માલ મેળવ્યો. અને જે ધાતુ મળી એમાંથી બજારમાં ઉભા રહી શકે તે ભાવે હળ વેચી શક્યા! પણ આ કામચલાઉ ઉપચાર હતો. સદ્ભાગ્યે નજીકના ભદ્રાવતી વિસ્તારમાં લોખંડનું કારખાનું ઉભું થવાનું હોઈ લોખંડના સપ્લાયની સમસ્યા નહિ રહે એવી ખાતરી થઇ. રંગનું કારખાનું પોતે જ ત્યાં ચાલુ કરી દીધું અને કોલસો પણ જાતે જ લાકડામાંથી બનાવા માંડયો!

યુદ્ધકાળને લીધે ઘણા ઉદ્યોગપતિઓ તરી ગયા એમ લક્ષ્મણરાવ પણ આર્થિક રીતે સદ્ધર થઇ ગયા.  1918માં યુદ્ધ સંપન્ન થયું ત્યાં સુધીમાં કિર્લોસ્કરવાડીમાં રોકાણ કરેલી મૂડી પાંચ લાખ સુઘીની થઇ ગઈ. શૂન્યથી આરંભાયેલી આ રકમ એ સમયે ઠીકઠાક રકમ ચોક્કસ કહેવાય!

આનાથી પ્રોત્સાહિત થઇ પોતાના ઉદ્યોગનો ઝડપી વિકાસ કરવા કંપની સ્વરૂપ આપવાનો નીર્ધાર કર્યો! અને બાર લાખની ઠરાવેલી મૂડી સાથે "કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ" કંપનીની સ્થાપના થઇ. તેના વહીવટ માટે "કિર્લોસ્કર સન્સ એન્ડ કું" નામે બીજી કંપની ઉભી કરી. લોકો તેમની કંપનીના શેર ભરે અને મૂડી રોકાણ કરે એ વિશ્વાસ ઉભો કરવા લક્ષ્મણરાવે ખાતરી આપી કે "કંપની જ્યાં સુધી નવ ટકા ડિવિડન્ડ નહિ આપે ત્યાં સુધી પોતે એક પણ રૂપિયો મહેનતાણું કંપનીમાંથી નહિ લે!" અને વાત સાચી પણ છે, ઈ.સ. 1937થી આ કંપની એક પણ વર્ષ ડિવિડન્ડ ચુકી નથી!! (આ કોઈ સલાહ માટે નથી, ફક્ત રોચક હકીકત અને ઇતિહાસનું વર્ણન જ છે!!)

- પછી શું થયું કંપની નું? 
- હળમાંથી ક્યાં લઇ ગયા પોતાની કંપનીઓને?
- કોણે ભારત દેશનું પહેલું ડીઝલ એન્જીન અને પહેલી ઇલેક્ટ્રિક મોટર આપી?
- કઈ રીતે સફળ થયા આ વ્યક્તિ?
- શું રહસ્ય રહ્યું એ સફળતા પાછળનું?

આટઆટલી વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થવા છતાં હિમ્મત ન હારનાર આ મુઠ્ઠી ઉંચેરા વ્યક્તિત્વની ઝાંખી કરાવતો છેલ્લો અંક આવતા શુક્રવારે લઈને ફરી મળીશ, ત્યાં સુધી અલ્પવિરામ! 

- ડો. કાર્તિક શાહ

Thursday, January 10, 2019

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો


શબ્દસંપુટની ઝળહળતી સફળતા માટે સૌ પ્રથમ આપ સર્વ વાચક મિત્રોનો ધન્યવાદ.  ચાલો, આજની આપણી રોચક સત્ય ઘટના તરફ આગળ વધીએ...

આજે હું વાત કરીશ, લગભગ ૧૮૮૦-૧૮૯૦ના દશકની! 140 વર્ષ પહેલાંની આ વાત છે. કર્ણાટક જિલ્લામાં ધારવાર નામે એક સાવ નાનકડું ગામ હતું. નકશામાં ટપકાં જેટલોય એનો નિર્દેશ ન મળે! ત્યાં કાશીનાથ નામે એક બ્રાહ્મણ રહેતાં. તેઓ વિદ્યાવ્યાસંગી, વેદ અને હિંદુ સંસ્કૃતિના પાકા અભ્યાસી તથા નોકરી લેન્ડ સર્વેયરની હતી.

તેઓને પાંચ સંતાનો હતાં. સૌથી નાનકો એ લક્ષ્મણ! એનો જન્મ, કાશીનાથ નિવૃત થયા એ બાદ થયેલો! લક્ષ્મણની ઉંમર 3 વર્ષની થઈ ત્યાં માતાનું અવસાન થયું એટલે એનો ઉછેર બાપની છત્રછાયામાં જ થયો!

કાશીનાથની આર્થિક સ્થિતિ આમ તો ખાસ સારી ન ગણાય. ૧૨-૧૫ રૂપિયાનો મહિને પગાર હતો. અલબત્ત, એ સમયનું રૂપિયાનું મૂલ્ય જોતાં એ સાવ નાનકડી રકમ પણ ન ગણાય. કાશીનાથે પોતે અને સંતાનોમાં પણ કરકસરથી જીવવાની આદત વિકસાવેલી! સંતાનોને ઉચ્ચ ભણતર મળવું જોઈએ તેના તેઓ આગ્રહી! જે દીકરાને પોતાની ઈચ્છા મુજબ જ્યાં ભણવું હોય તેની સગવડ કરી આપવા એ તૈયાર. સૌથી મોટો દીકરો બેલગામની શાળામાં શિક્ષક હતો. બીજો દીકરો મુંબઇ ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં હતો. અને આ નાનકો, લક્ષ્મણ ગામમાં પ્રાથમિક અભ્યાસ બાદ બેલગામની શાળામાં આગળ ભણવા લાગ્યો. પણ શાળામાં ચિત્ત ચોંટે નહીં, એને તો બસ યંત્રોની કામગીરીમાંજ રસ પડે અને બીજું ચિત્રકામમાં!

એક દિવસ એણે પિતાજીને કહી દીધું, "અબ્બા, હવે મારે શાળાએ નથી જવું!" એ સમયે કાશીનાથ મનોમન ગીતાપંચદશીનો પાઠ કરી રહ્યા હતા. આ સાંભળી એમણે ઉપર ઉપર જોયું, અને પૂછ્યું, "તો પછી બેટા, તારે શું કરવું છે?"

"મને યંત્રકામ અને ચિત્રકળાનો શોખ છે! મને એમાંજ મજા આવે છે, મોટા ભાઈને પણ ખ્યાલ છે. તો હું મુંબઇ જાઉં? ત્યાં મને જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં દાખલ જો કરાવી દો તો...?"

કાશીનાથ સ્વભાવગત ઉદાર મનનાં હતાં. તેઓએ દીકરાનો હોંશ ન તૂટે એ રીતે કહ્યું, "જો બેટા, મને ૧૨-૧૫ રૂપિયા મહિને મળે છે. બહુ બહુ તો હું તને ૨ રૂપિયા આપી શકીશ. તારે જવું હોય તો જા પણ બાકીનું તારે જાતે ફોડી લેવાનું! મારાથી એનાથી વધુ કંઈ બનશે નહીં." દીકરાનો હોંશ જોઈ કાશીનાથે, તબીબી વ્યવસાયમાં ભણતા મોટા દીકરાની ઓથ હેઠળ રહેવાની અને જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણવાની લક્ષ્મણને વ્યવસ્થા કરી આપી. આ વાત છે વર્ષ ૧૮૮૪ની! બે વર્ષ એ ત્યાં ભણ્યા અને પછી તરત જ વી. જે. ટી. આઈ. (વિક્ટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ)માં શિક્ષક તરીકે નોકરી મળી ગઈ! આમેય ટેક્નિકલ જીવ પહેલેથી, એટલે એમને તો લપસવું હતું ને ઢાળ મળ્યો! પોતાની બચતમાંથી યંત્રશાસ્ત્રના પુસ્તકો ખરીદે અને વિદેશી ટેક્નિકલ મેગેઝીનો 'અમેરિકન મિકેનિક' તથા 'સાયન્ટિફિક અમેરિકન' ના લવાજમો પણ ભરી દીધેલા!

એક દિવસ મુંબઈમાં લક્ષ્મણે એક પારસી સજ્જનને સાયકલ ચલાવતા જોયા. સાયકલ એટલે શું મોટી વાત, એ સમયમાં! ૧૨-૧૫ રૂપિયાના માસિક પગારના સમયમાં, એ સાયકલની કિંમત ત્યારે ૭૦૦-૧૦૦૦ રૂપિયા હતી!! ધનિક માણસ જ એ ખરીદી શકે. લક્ષ્મણે એ સાયકલની મિકેનિઝમમાં રસ લીધો. એ જ અરસામાં, મેડિકલ કોલેજમાં જંતુશાસ્ત્રના પ્રોફેસરે કિંમતી માઇક્રોસ્કોપ આયાત કરેલું, જેનો ઉપયોગ કરતા જ ખબર પડી કે એમાં કંઈક ગરબડ છે! પણ શું ગરબડ છે, એ ના ખબર પડે! લક્ષ્મણ પાસે વાત પહોંચતા જ એ થનગની ઉઠ્યા. આમેય યંત્રોમાંજ રસ..એમાંય આ કુતુહલભર્યું યંત્ર! એમણે તપાસ કરીને પ્રાથમિક તારણ આપ્યું કે, એમાં અમુક ભાગ ઊલટો બેસાડ્યો છે, તે જો સીધો કરી દેવાય તો બધું બરાબર થઈ જાય. અને ખરેખર એમ થયું! આમ, યંત્રવિદ તરીકે થોડી આબરૂ થવા માંડી. એ સમયે એમના ઉપરીની જગ્યા ખાલી પડી. એમની લાયકાત હોવા છતાં એમને બઢતી ન મળી, કારણકે, ત્યાં ફક્ત ગોરો અંગ્રેજ જ બેસી શકે એમ  હતું! આ વસ્તુ લક્ષ્મણને ના ગમી અને અન્યાય ન સહન થતાં વી. જે  ટી. આઈને રામરામ  કર્યા અને સ્વમાનભેર રાજીનામુ આપી દીધું!

નોકરી છોડ્યા બાદ બેકાર બેસી રહે એમ તો હતા નહિ એથી પોતાની જે થોડી ઘણી મૂડી હતી એમાંથી નાનકડો ધંધો શરૂ કરવાનું વિચાર્યું! બે બાબતો વિચારી, એક શર્ટના બટન અને બીજું દવાનાં પેકિંગના ખોખા બનાવવા!! ગમે એમ કરીને બટન બનાવ્યા તો ખરા, પણ વેચાણનું શું? એમની પાસે ન તો એના માટેની કોઈ સગવડ કે અનુભવ! તેઓ પોતે જ થેલામાં ભરી બજારમાં વેચવા નીકળતા! પણ કોઈ ખરીદે નહિ. એ સમયે નાનામાં નાની ચીજ પણ વિદેશથી આયાત થતી, પછી ભલે એ સ્ક્રુ, ચાકી, પેન્સિલ કે બટન હોય! ઇંગ્લેન્ડ/યુરોપમાં ધંધા ધમધોકાર ચાલતા. ત્યાં ટેક્નિકલ અપગ્રેડેશન પણ થતું જેથી સ્વાભાવિક રીતે ઉચ્ચ ક્વોલિટી મળતી. એને ટક્કર આપવા, લક્ષ્મણે વધુ સારી મશીનરી ખરીદી ઉચ્ચ ક્વોલિટી આપી વધુ સારો માલ બનાવાની તૈયારી દાખવી. જે માટે વધુ મૂડી જોઈએ એમ હતી. એ માટે, વડોદરાના દેશી રજવાડાના દીવાને તૈયારી બતાવી પણ ખરી પણ અણગમતી એક શરત પર!! કે, સુપરવાઈઝર તરીકે યુરોપિયન નિષ્ણાત રાખવો! ફરી, લક્ષ્મણે આ પ્રસ્તાવ નકાર્યો અને ચાલતી પકડી!!

તો હવે આગળ શું? પેલી સાયકલે, લક્ષ્મણને ગજબ મોહિની લગાડેલી. એટલે, મુંબઈમાં સાયકલ રીપેરીંગની દુકાન ખોલી. પણ સાયકલો હોય તો રિપેરીંગમાં આવે ને!! આટલી મોંઘી સાયકલ ખરીદવાવાળા કેટલા? ને વળી, ૧૮૯૬નું વર્ષ બેઠું! મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો. ચારેબાજુ હાહાકાર મચી ગયો. નવો ધંધો શરૂ કરવાના કોઈ એંધાણ નહોતા!

એક મોટા ભાઈ બેલગામમાં વસતાં. એથી લક્ષ્મણ મુંબઈ છોડી ત્યાં રહેવા ગયો. ત્યાં ધંધાનો સારો અવકાશ દેખાયો, જેનાં બે કારણો હતા. એક ત્યાં લશ્કરી થાણું હતું અને બીજું, વેકેશનમાં આસપાસના ધનિક કુટુંબો ત્યાં ફરવા આવતાં! મોટાભાઈને પણ લાગ્યું કે ધનિક લોકો અને લશ્કરી માણસો જરૂરથી સાયકલ ખરીદશે. અને ત્યાં લશ્કરી વસાહત નજીક જ સાયકલ વેચવાની અને જોડે જોડે એની સર્વિસ/રીપેરીંગની દુકાન ખોલી. સાયકલ પ્રત્યે રસ જાગે એ માટે, લક્ષ્મણે ત્યાં લોકોને એને લગતાં લેસન/પાઠ પણ આપવા માંડયા! ધંધાના વિકાસ અને સફળતાની ઠીકઠાક સંભાવના દેખાઈ, આથી બેઉ ભાઈઓ પ્રોત્સાહિત થયા અને દુકાન પર પાટિયું માર્યું, "......"

◼️ શું પાટિયું માર્યું?

◼️ કોણ હતાં આ લોકો?
◼️ શું થયું આગળ આ ધંધાનું?
◼️ અત્યારે શું હાલત છે એમના ધંધાની?



આ બધું જ લઈને ફરી મળીશ, આવતાં શુક્રવારે, હું શબ્દસંપુટમાં....ત્યાં સુધી અલ્પવિરામ!!

― ડો. કાર્તિક શાહ

Wednesday, January 2, 2019

સલાહ



વિદ્વાનમાં વિદ્વાન વ્યક્તિથી માંડીને મૂર્ખમાં મૂર્ખ સુધીની કોઈ પણ વ્યક્તિ પાસે વિપુલ પ્રમાણમાં કોઈ પણ વસ્તુ હોય તો તે તેની સલાહ આપવાની શક્તિ છે! માણસ બીજાને સલાહ આપવા માટે હંમેશા તૈયાર હોય છે. પોતાને વિદ્વાન ગણતા વિવેચકો વર્ષોથી લેખકોએ અને કવિઓએ કેમ લખવું જોઈએ એની સલાહ આપતા રહ્યા છે. રીતે ચિત્રકારોએ કેમ ચીતરવું જોઈએ કે સંગીતકારોએ સંગીતરચના કેવી કરવી જોઈએ એના પર દરરોજ કેટલાય વિવેચકો(?) કેટલુંય(?) કેટલીય(?) જગ્યાએ લખતા હોય છે!

બીજાને સલાહ આપવાનું હંમેશા સરળ હોય છે. એટલું નહીં સલાહ આપનારા ઘણી વાર બહુ મોટા ગણાય છે. શિક્ષકોના શિક્ષણકાર્યનું નિરીક્ષણ-ઇન્સ્પેકશન કરનાર, હિસાબોનું ઓડિટ કરનાર અને પોતાની નીચેના માણસો (ને ઘણીવાર તો દેશના પ્રધાનમંત્રી, વિજ્ઞાની, સ્પોર્ટ્સમેન, ગાયકો, પ્રખર નિષ્ણાત તજજ્ઞો) વિશે રિપોર્ટ લખનાર હંમેશા મોટા માણસો ગણાય છે. સલાહ આપવામાં ડાહ્યા કે હોશિયાર ગણાવાનું એક પ્રકારનું ગૌરવ હોય છે, જે ઝડપી લેવા સૌ કોઈ એકદમ તૈયાર બેઠા હોય છે! મારો પણ સ્વાનુભવ છે, અને મારું ચોક્કસ માનવું છે કે તમે આજે વાંચી રહ્યા છો તમે પણ અનુભવ્યું હશે! જે કામ ખૂબ મુશ્કેલ હોય તેના વિશે સલાહ આપવી કેટલી સરળ હોય છે, ખરું ને? સારું ગાઈ શકે પરંતુ કેવી રીતે ગાવું, સારું લખી શકે પરંતુ કેવી રીતે લખવું, સારું બોલી શકે પણ કેવી રીતે બોલવું વગેરે વિશે અઢળક સલાહો મળી રહેશે!!

ચાલો, થોડાં અનુભવો જોઈએ:

તમે સાયકલ પર જઇ રહ્યા છો. અચાનક એની ચેઇન ઉતરી જાય છે. રસ્તાની એક બાજુ ઊભા રહી તમે ચેઇન પાછી ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તરત રસ્તે જતો એકાદ પરોપકારી જીવ તમને સલાહ આપે છે"એમ કરો ભાઈ, ચેઇન પાછળથી ઉતરી ગઈ છે એટલે પહેલાં આગળથી ઉતારી નાખો અને પછી ચડાવો; ઝપાટાભેર ચડી જશે!"

હવે સાયકલ તમારી છે અને છેલ્લાં વર્ષથી તમે એને વાપરો છો. અનેકો વાર ચેઇન તમને તકલીફ આપી ચુકી છે અને એટલી અનેકો વાર તમે ચેઇન ચડાવી પણ ચુક્યા છો, પણ અજાણ્યા પરમાર્થી જીવને તમને સલાહ આપ્યા વગર શાતા નહિ મળે! કોઈ તમને કહેશે"ભાઈ, જરા નીચેથી ચેઇન ચડાવો, હા....બસ  બસ રીતે!" કોઈ કહેશે"એમ કરો ભાઈ, સહેજ સાઈડમાં ખસો. હું ચપટી વગાડતાં ચડાવી દઉં છું." એમનો વાંક નથી! બિરાદર તદ્દન અજાણ્યા માણસ છે! એમના હાથ બગડે તમને પસંદ નથી, પણ પરોપકાર કરવાની એમની ધૂન એટલી તીવ્ર છે કે તમને બાજુ પર ધકેલીને ઝંપશે!

હજું આગળ જઈએ તો બાજુમાંથી પસાર થનાર કોઈ અન્ય વ્યક્તિ, જેણે સક્રિય રીતે તમને મદદરૂપ થઇ શકવાની તક હવે ગુમાવી છે, મેદાનમાં ઝંપલાવી એક છેલ્લી ટકોર અચૂક કરશે"ભાઈ, તમારી સાયકલની ચેઇન તો બહુ ઢીલી જણાય છે. આગળ ડાબા હાથે મગનભાઈની દુકાન આવશે. જઈને જરા ટૂંકી કરાવી લો, નહીં તો દર પાંચ મિનિટે તમને તકલીફ આપશે!"  બધો બોધકારક વાર્તાલાપ આપશ્રીએ શાંતચિત્તે સાંભળવો પડે છે!

ભલે એમ કહેવાતું હોય કે માણસજાત સ્વાર્થી છે, સત્ય પણ હશે અને મોટી બાબતોમાં તમને એનો અનુભવ પણ થતો હશેપણ હું નથી માનતોજુઓ, તમને મેં ઉપર જણાવ્યું એમ રોજિંદી બાબતોમાં નિઃસ્વાર્થ સલાહ આપવા માટે, આપશ્રીનું ભલું કરવા માટે, મદદ કરવા માટે અનેક વ્યક્તિઓ પરોપકાર કરવા તૈયાર ઊભી હોય છે. અને એમના કાર્યમાં સ્વાર્થનો એક છાંટો પણ તમે શોધી નહીં શકો!!

તબિયત - સ્વાસ્થ્ય - અને ઔષધિ એવો એક ચુનિંદા વિષય છે, આવાં વિવેચકોનો!! બાબતમાં સલાહ આપનારોનો આપણાં ભારત દેશમાં તોટો નથીતમને સામાન્ય શરદી થઈ હોય કે ટાઇફોઇડ થયો હોય એવી દુર્લભ ઘટનામાં માત્ર વડીલ વૃંદાવન નહીં પણ, યુવાન, પ્રૌઢ સ્ત્રી, પુરુષ, અબાલવૃદ્ધ એમ સૌ સલાહ આપવા લશ્કરની જેમ સુસજ્જ હોય છેઅરે માત્ર હરડે ઉપર એક હજાર પુસ્તકો રચાઈ શકે એટલું અખૂટ જ્ઞાન અહીં ઉપલબ્ધ છે. આકડો, લીમડો, આમળા, વડ, પીપળો, આદુ, હળદર, દરેક વસ્તુ પર એટલું ઊંડું સંશોધન, મનન, ચિંતન હાજર હોય છે કે ચકિત થઇ જવાય! આપણને એક ઘડી એમ થઇ જાય કે સમાજનું ભલું કરવા માટે આયુર્વેદ અને ઊંટવૈદની ડિસ્પેન્સરી લોકો કેમ નહિ ખોલતા હોય

પછી તમને આપેલી સલાહ કે નુસખો જો કારગત ના નીવડે તો સલાહ આપનાર તરત હાથ ખંખેરી કહેશે"બીજાને તો આનાથી જોરદાર ફાયદો થયો છે, ખબર નહિ તમારે કેમ આવું થયું? સમજાતું નથી!"

આપણે ત્યાં નહિ પણ લગભગ દરેક દેશમાં, દરેક ક્ષેત્રમાં સલાહસુચના આપનારનો તોટો નથી અને નવાઈની વાત છે કે લોકો જેમાં કશું જાણતા હોતા નથી એમાં પણ સલાહ આપવામાં જરાય વાર લગાડતા નથી. જોકે, સંગીત, ચિત્રકલા, નૃત્યકલા વિગેરે બાબતમાં સલાહ આપનાર લોકોની સંખ્યા મર્યાદિત છે. હા, છે તો ખરા ...! પણ લેખન/કવિતા/વાર્તા વિગેરે બાબતમાં સૌ કોઈ સલાહ આપી શકે છે: "જમાવટ છે", "અહા", "ક્યા બાત, ક્યા બાત!", "અંત બરાબર નથી!", "બગાડી નાખ્યું", "સાવ વાહિયાત/રદ્દી છે", "નવોદિત", " કાવ્ય/ગઝલ/લેખમાં આમ લખ્યું હોત તો, નવલકથામાં પાત્રાલેખન જો રીતે થયું હોત તો પરિણામ સુંદર આવતકેટલાંક લોકો તો ખાસ કામ લઈને બેઠા હોય છે અને લોકો બહુ મોટા અને વિદ્વાન ગણાય છે

કોઈ દાઝેલા માણસે લખ્યું છે કે"ક્યારેય વિવેચકોની સલાહ માનશો નહિ. એક વાત યાદ રાખજો, કોઈ વિવેચકનું બાવલું એમના સન્માનમાં ક્યારેય અને ક્યાંય હજી સુધી મુકાયાનું ધ્યાનમાં નથી આવ્યું!"

પરંતુ વાત પણ પુરેપુરી સાચી નથી, લખાયા પછી, વિવેચકોએ પોતે પોતાના બાવલા મુકાય એવા પ્રબંધો કરી લીધા છે!
વિચારવા જેવી બાબત છે કે, દુનિયાનું સાહિત્ય જો વિવેચકોની સલાહ પ્રમાણે લખાયું હોત તો કેવું હોતપરંતુ વિવેચકો એવું કશું વિચારશે નહિ અને ઉલટું નારાજ થઇ જશે કારણ કે એમાં એમને પોતાનું અપમાન લાગશે! જોકેનિખાલસ પ્રતિભાવો આપનાર મિત્રની સલાહ લેખનશૈલીનું રૂપ નિખારે છેએમાં કોઈ બેમત નથી!

આવો એક ઉદાહરણ જોઈએ:

એકવાર એક ભાઈ મોટરકાર લઈને જય રહ્યા હતા. અચાનક કાર કાદવમાં ખૂંપી ગઈ. એક ખેડૂતે જોયું અને દોડતો દોડતો તરફ ઉપડ્યો. મોટરને કઈ રીતે બહાર કાઢી શકાય એની સરળ પદ્ધતિ જાણતો હતો. પણ નજીક પહોંચ્યો પહેલા મોટરકાર કાદવમાંથી બહાર નીકળી ગઈ. પરસેવે રેબઝેબ થઇ ગયેલો ખેડૂત હાંફતો હતો. મોટરવાળા ભાઈ સાવ અજાણતા  અને અજ્ઞાનતા સાથે પૂછ્યું"કેમ ભાઈ, કંઈ કામ છે? કેમ આટલો બધો હાંફે છે?" 

ખેડૂતે અફસોસ સાથે કહ્યું"નીકળી ગઈ?" અને લથડતે પગે પાછો ફર્યો.

સલાહ આપનાર મહાનુભાવની પણ આવી સ્થિતિ હોય છે. એમની સલાહ વિના કંશુંક થઇ શકે છે, અથવા તો પોતે જે રીત જાણતા હોય એથી બીજી રીતે પણ કામ, લેખન, કાવ્ય, ચિત્ર, ગીત, નૃત્ય, સંગીત રચાઈ શકે છે, જાણીને એમને બહુ લાગી આવે છે. પણ તમે લાચાર હોવ છો, તમારી ઘણી ઈચ્છા હોય છે કે, કોઈને નારાજ કરવા, કોઈની સલાહની અવગણના કરવી, પણ તમે એમ કરી શકતા નથી, કારણ કે પેલી ટટ્ટુ અને બાપદીકરાવાળી વાર્તાની જેમ સલાહ આપનાર એટલા બધા હોય છે કે પ્રત્યેકની સલાહ તમે માની શકતા નથી અને જો માનો તો તમે "તમે" રહેતા નથી.

સલાહ આપનારને ખબર હોતી નથી કે સલાહ આપતી વખતે  તમારા એકાંતની અને વ્યક્તિત્વની સરહદનો ભંગ કરીને અંદર ઘુસી ગયો હોય છે, જે તમારા માટે અસહ્ય હોય છે. એટલે જયારે તમે તેની સલાહ કે મદદ સ્વીકારતા નથી ત્યારે એને ખોટું લાગે છે પણ જો તમે સ્વીકારો તો તમારું "તમારાપણું" ખંડિત થાય છે

એક ડાહ્યા માણસે કહ્યું છે"ધ્યાન રાખજો, તમારો પાડોશી જે રીતે તમારી દીવાલ પાસે કચરો નાખવા આતુર હોય છે એટલી આતુરતા તમને મદદરૂપ થવા આવનાર સલાહકારમાં હોય છે - તમારું ધ્યાન હોય ના હોય ત્યાં પોતાની સલાહ ફેંકીને ચાલતો થઇ ગયો હોય છે."

આનો કોઈ ઈલાજ ખરો? દર પાંચ મિનિટે તમારા દ્વારે કોઈ પરોપકારી પુરુષોત્તમ જીવ તમને મદદ કરવા આતુર હોય ત્યારે મદદનો અસ્વીકાર કરવાનો કે એમાંથી છટકવાનો કોઈ રસ્તો છે ખરો?

હા, શક્ય એટલી ધીરજથી સલાહ આપનારની સલાહ સાંભળવી પણ તેમાંથી જરૂર જેટલીજ માનવી અને એક વાત ખાસ યાદ રાખવી:

"કોઈ માંગે નહિ ત્યાં સુધી ક્યારેય કોઈને સલાહ આપવી, કારણ કે, આપણને બીજાની વણમાગી સલાહ જેટલી કડવી લાગે છે, એટલી કડવી આપણી સલાહ બીજાને પણ લાગે છે!"

તા.. - ઉપર પ્રસ્તુત શબ્દ-સંપુટ કોઈને આપવામાં આવેલી સલાહ હરગીઝ નથી, વિચાર માત્રનું શબ્દ-નિરૂપણ છે!

- ડો. કાર્તિક શાહ (વિચારબીજ અને સૌ.: ચાલતા રહો, ચાલતા રહો, મોં. માંકડ)