Thursday, January 10, 2019

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો


શબ્દસંપુટની ઝળહળતી સફળતા માટે સૌ પ્રથમ આપ સર્વ વાચક મિત્રોનો ધન્યવાદ.  ચાલો, આજની આપણી રોચક સત્ય ઘટના તરફ આગળ વધીએ...

આજે હું વાત કરીશ, લગભગ ૧૮૮૦-૧૮૯૦ના દશકની! 140 વર્ષ પહેલાંની આ વાત છે. કર્ણાટક જિલ્લામાં ધારવાર નામે એક સાવ નાનકડું ગામ હતું. નકશામાં ટપકાં જેટલોય એનો નિર્દેશ ન મળે! ત્યાં કાશીનાથ નામે એક બ્રાહ્મણ રહેતાં. તેઓ વિદ્યાવ્યાસંગી, વેદ અને હિંદુ સંસ્કૃતિના પાકા અભ્યાસી તથા નોકરી લેન્ડ સર્વેયરની હતી.

તેઓને પાંચ સંતાનો હતાં. સૌથી નાનકો એ લક્ષ્મણ! એનો જન્મ, કાશીનાથ નિવૃત થયા એ બાદ થયેલો! લક્ષ્મણની ઉંમર 3 વર્ષની થઈ ત્યાં માતાનું અવસાન થયું એટલે એનો ઉછેર બાપની છત્રછાયામાં જ થયો!

કાશીનાથની આર્થિક સ્થિતિ આમ તો ખાસ સારી ન ગણાય. ૧૨-૧૫ રૂપિયાનો મહિને પગાર હતો. અલબત્ત, એ સમયનું રૂપિયાનું મૂલ્ય જોતાં એ સાવ નાનકડી રકમ પણ ન ગણાય. કાશીનાથે પોતે અને સંતાનોમાં પણ કરકસરથી જીવવાની આદત વિકસાવેલી! સંતાનોને ઉચ્ચ ભણતર મળવું જોઈએ તેના તેઓ આગ્રહી! જે દીકરાને પોતાની ઈચ્છા મુજબ જ્યાં ભણવું હોય તેની સગવડ કરી આપવા એ તૈયાર. સૌથી મોટો દીકરો બેલગામની શાળામાં શિક્ષક હતો. બીજો દીકરો મુંબઇ ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં હતો. અને આ નાનકો, લક્ષ્મણ ગામમાં પ્રાથમિક અભ્યાસ બાદ બેલગામની શાળામાં આગળ ભણવા લાગ્યો. પણ શાળામાં ચિત્ત ચોંટે નહીં, એને તો બસ યંત્રોની કામગીરીમાંજ રસ પડે અને બીજું ચિત્રકામમાં!

એક દિવસ એણે પિતાજીને કહી દીધું, "અબ્બા, હવે મારે શાળાએ નથી જવું!" એ સમયે કાશીનાથ મનોમન ગીતાપંચદશીનો પાઠ કરી રહ્યા હતા. આ સાંભળી એમણે ઉપર ઉપર જોયું, અને પૂછ્યું, "તો પછી બેટા, તારે શું કરવું છે?"

"મને યંત્રકામ અને ચિત્રકળાનો શોખ છે! મને એમાંજ મજા આવે છે, મોટા ભાઈને પણ ખ્યાલ છે. તો હું મુંબઇ જાઉં? ત્યાં મને જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં દાખલ જો કરાવી દો તો...?"

કાશીનાથ સ્વભાવગત ઉદાર મનનાં હતાં. તેઓએ દીકરાનો હોંશ ન તૂટે એ રીતે કહ્યું, "જો બેટા, મને ૧૨-૧૫ રૂપિયા મહિને મળે છે. બહુ બહુ તો હું તને ૨ રૂપિયા આપી શકીશ. તારે જવું હોય તો જા પણ બાકીનું તારે જાતે ફોડી લેવાનું! મારાથી એનાથી વધુ કંઈ બનશે નહીં." દીકરાનો હોંશ જોઈ કાશીનાથે, તબીબી વ્યવસાયમાં ભણતા મોટા દીકરાની ઓથ હેઠળ રહેવાની અને જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણવાની લક્ષ્મણને વ્યવસ્થા કરી આપી. આ વાત છે વર્ષ ૧૮૮૪ની! બે વર્ષ એ ત્યાં ભણ્યા અને પછી તરત જ વી. જે. ટી. આઈ. (વિક્ટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ)માં શિક્ષક તરીકે નોકરી મળી ગઈ! આમેય ટેક્નિકલ જીવ પહેલેથી, એટલે એમને તો લપસવું હતું ને ઢાળ મળ્યો! પોતાની બચતમાંથી યંત્રશાસ્ત્રના પુસ્તકો ખરીદે અને વિદેશી ટેક્નિકલ મેગેઝીનો 'અમેરિકન મિકેનિક' તથા 'સાયન્ટિફિક અમેરિકન' ના લવાજમો પણ ભરી દીધેલા!

એક દિવસ મુંબઈમાં લક્ષ્મણે એક પારસી સજ્જનને સાયકલ ચલાવતા જોયા. સાયકલ એટલે શું મોટી વાત, એ સમયમાં! ૧૨-૧૫ રૂપિયાના માસિક પગારના સમયમાં, એ સાયકલની કિંમત ત્યારે ૭૦૦-૧૦૦૦ રૂપિયા હતી!! ધનિક માણસ જ એ ખરીદી શકે. લક્ષ્મણે એ સાયકલની મિકેનિઝમમાં રસ લીધો. એ જ અરસામાં, મેડિકલ કોલેજમાં જંતુશાસ્ત્રના પ્રોફેસરે કિંમતી માઇક્રોસ્કોપ આયાત કરેલું, જેનો ઉપયોગ કરતા જ ખબર પડી કે એમાં કંઈક ગરબડ છે! પણ શું ગરબડ છે, એ ના ખબર પડે! લક્ષ્મણ પાસે વાત પહોંચતા જ એ થનગની ઉઠ્યા. આમેય યંત્રોમાંજ રસ..એમાંય આ કુતુહલભર્યું યંત્ર! એમણે તપાસ કરીને પ્રાથમિક તારણ આપ્યું કે, એમાં અમુક ભાગ ઊલટો બેસાડ્યો છે, તે જો સીધો કરી દેવાય તો બધું બરાબર થઈ જાય. અને ખરેખર એમ થયું! આમ, યંત્રવિદ તરીકે થોડી આબરૂ થવા માંડી. એ સમયે એમના ઉપરીની જગ્યા ખાલી પડી. એમની લાયકાત હોવા છતાં એમને બઢતી ન મળી, કારણકે, ત્યાં ફક્ત ગોરો અંગ્રેજ જ બેસી શકે એમ  હતું! આ વસ્તુ લક્ષ્મણને ના ગમી અને અન્યાય ન સહન થતાં વી. જે  ટી. આઈને રામરામ  કર્યા અને સ્વમાનભેર રાજીનામુ આપી દીધું!

નોકરી છોડ્યા બાદ બેકાર બેસી રહે એમ તો હતા નહિ એથી પોતાની જે થોડી ઘણી મૂડી હતી એમાંથી નાનકડો ધંધો શરૂ કરવાનું વિચાર્યું! બે બાબતો વિચારી, એક શર્ટના બટન અને બીજું દવાનાં પેકિંગના ખોખા બનાવવા!! ગમે એમ કરીને બટન બનાવ્યા તો ખરા, પણ વેચાણનું શું? એમની પાસે ન તો એના માટેની કોઈ સગવડ કે અનુભવ! તેઓ પોતે જ થેલામાં ભરી બજારમાં વેચવા નીકળતા! પણ કોઈ ખરીદે નહિ. એ સમયે નાનામાં નાની ચીજ પણ વિદેશથી આયાત થતી, પછી ભલે એ સ્ક્રુ, ચાકી, પેન્સિલ કે બટન હોય! ઇંગ્લેન્ડ/યુરોપમાં ધંધા ધમધોકાર ચાલતા. ત્યાં ટેક્નિકલ અપગ્રેડેશન પણ થતું જેથી સ્વાભાવિક રીતે ઉચ્ચ ક્વોલિટી મળતી. એને ટક્કર આપવા, લક્ષ્મણે વધુ સારી મશીનરી ખરીદી ઉચ્ચ ક્વોલિટી આપી વધુ સારો માલ બનાવાની તૈયારી દાખવી. જે માટે વધુ મૂડી જોઈએ એમ હતી. એ માટે, વડોદરાના દેશી રજવાડાના દીવાને તૈયારી બતાવી પણ ખરી પણ અણગમતી એક શરત પર!! કે, સુપરવાઈઝર તરીકે યુરોપિયન નિષ્ણાત રાખવો! ફરી, લક્ષ્મણે આ પ્રસ્તાવ નકાર્યો અને ચાલતી પકડી!!

તો હવે આગળ શું? પેલી સાયકલે, લક્ષ્મણને ગજબ મોહિની લગાડેલી. એટલે, મુંબઈમાં સાયકલ રીપેરીંગની દુકાન ખોલી. પણ સાયકલો હોય તો રિપેરીંગમાં આવે ને!! આટલી મોંઘી સાયકલ ખરીદવાવાળા કેટલા? ને વળી, ૧૮૯૬નું વર્ષ બેઠું! મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો. ચારેબાજુ હાહાકાર મચી ગયો. નવો ધંધો શરૂ કરવાના કોઈ એંધાણ નહોતા!

એક મોટા ભાઈ બેલગામમાં વસતાં. એથી લક્ષ્મણ મુંબઈ છોડી ત્યાં રહેવા ગયો. ત્યાં ધંધાનો સારો અવકાશ દેખાયો, જેનાં બે કારણો હતા. એક ત્યાં લશ્કરી થાણું હતું અને બીજું, વેકેશનમાં આસપાસના ધનિક કુટુંબો ત્યાં ફરવા આવતાં! મોટાભાઈને પણ લાગ્યું કે ધનિક લોકો અને લશ્કરી માણસો જરૂરથી સાયકલ ખરીદશે. અને ત્યાં લશ્કરી વસાહત નજીક જ સાયકલ વેચવાની અને જોડે જોડે એની સર્વિસ/રીપેરીંગની દુકાન ખોલી. સાયકલ પ્રત્યે રસ જાગે એ માટે, લક્ષ્મણે ત્યાં લોકોને એને લગતાં લેસન/પાઠ પણ આપવા માંડયા! ધંધાના વિકાસ અને સફળતાની ઠીકઠાક સંભાવના દેખાઈ, આથી બેઉ ભાઈઓ પ્રોત્સાહિત થયા અને દુકાન પર પાટિયું માર્યું, "......"

◼️ શું પાટિયું માર્યું?

◼️ કોણ હતાં આ લોકો?
◼️ શું થયું આગળ આ ધંધાનું?
◼️ અત્યારે શું હાલત છે એમના ધંધાની?



આ બધું જ લઈને ફરી મળીશ, આવતાં શુક્રવારે, હું શબ્દસંપુટમાં....ત્યાં સુધી અલ્પવિરામ!!

― ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...