Saturday, January 19, 2019

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો - 2


ગયા શુક્રવારે આપણે જોયું કે એક લક્ષ્મણ નામે યુવાન યંત્રવિદ્યામાં ભારે રસ ધરાવતો હોવાથી એના પિતા કાશીનાથે ઈચ્છામુજબ એને છૂટ આપી અને બેલગામમાં સાયકલ સેલ્સ એન્ડ સર્વિસની દુકાન ખોલી, એ દુકાનનું નામ આપતું એક પાટિયું માર્યું! શું નામનું પાટિયું માર્યું હતું? ચાલો જાણીયે આ રસપ્રદ સત્યઘટના હવે આગળ...

લક્ષ્મણ અને એના ભાઈએ એ દુકાન પર પાટિયું માર્યું, "કિર્લોસ્કર બ્રધર્સ!" કિર્લોસ્કર બ્રધર્સ નામની આ સાયકલની દુકાનથી, શરુ થઇ છે એક ઐતિહાસિક ધંધાની સફર...!! કદાચ, આપણામાંથી ઘણા આ નામથી પરિચિત હશે જ અને જો ન હોય તો, આ અંકમાં નિકટથી પરિચય થઇ જ જશે! જી, આ લક્ષ્મણ એટલે બીજું કોઈ નહિ પણ લક્ષ્મણરાવ કાશીનાથ કિર્લોસ્કર! 

હવે, થોડા સમયમાં બેલગામમાં પણ રોગચાળો ફેલાયો. એટલે હવે જગ્યા બદલવા સિવાય કોઈ છૂટકો નહોતો. વળી, લોકો શહેર છોડીને ફરવા આવતા પણ ઘટી ગયા અને રોગચાળાના ભયથી બેલગામ પણ ખાલી થઇ ગયું હતું. આથી, સાયકલના એક માત્ર ધંધા પર ખાલી દારોમદાર રાખી શકાય એમ નહોતું. લક્ષ્મણની આજુબાજુ નિરીક્ષણ કરવાની ટેવથી એક તુક્કો સુજ્યો.
એમણે જોયું કે આસપાસના ખેડૂતો તેમના ઢોરને જે ચારો નાખતા એ ખાવા જતી વખતે એમાં ડાળખાં અને સાંઠા પણ આવી જતા! જે ચાવવાની ઢોરોને તકલીફ પડતી આથી તેમણે એક એવું યંત્ર બનાવ્યું કે જે આ ચારાને ઝીણી કટકીમાં ફેરવી નાખતું અને ઢોરોને ખાવામાં સરળતા પણ રહેતી. ખેડૂતોને યંત્ર તો ગમ્યું પણ એના માટે રોકાણ કરે કોણ? એ પણ ઢોરો માટે? એટલે આ પ્રયોગ સારો હોવા છતાં નિષ્ફળ રહ્યો. એટલે, લક્ષ્મણરાવે ખેડૂતોને ઉપયોગી થાય એવું નવું કૈક કરવાનું વિચાર્યું!

તેમને લાગ્યું કે આ ખેડૂતો જે ખેતી કરે છે એ હળથી  જમીનનો માત્ર ઉપરનો ભાગ જ ખેડી શકાતો હતો. જો વ્યવસ્થિત ખેડી શકાય તો પાક પણ વધુ ઉતરે એમ હતું. આ વિચાર ઉપર એ કામે લાગી ગયા. હળની ડિઝાઇનમાં સુધારા કર્યા. થોડા ખેડૂતોએ રસ પણ લીધો પણ તેઓ પોતાની જુનવાણી અને ચીલાચાલુ પ્રથામાંથી બહાર નીકળવા તૈયાર નહોતા! પોતાની સાયકલની દુકાન વેચીને ઉભી થયેલી મૂડીમાંથી લક્ષ્મણરાવે પોતાની આ નવતર ડિઝાઇનવાળા છ હળ બનાવ્યા હતા. પણ છએ  છ વણવેચાયેલા રહ્યા! મુખ્ય કારણ: એ જમાનામાં સામાન્ય હળ  છ રૂપિયા નંગે વેચાતું હતું જયારેલ લક્ષ્મણરાવના આ નવતર હળની  કિમંત ચાળીસ રૂપિયા જેવી હતી. આ હળ, એ ભારત દેશની આ પ્રકારની બજારમાં મુકાયેલી પહેલી બ્રાન્ડેડ એન્જીન્યરીંગ પ્રોડક્ટ હતી!! એમાં ઉચ્ચ ગુણવત્તા નું લોખંડ, રંગ અને લાકડું વપરાયેલું હતું! બે વર્ષ સુધી આ હળ  પડ્યા રહ્યા! આખરે લક્ષ્મણરાવની ધીરજ ફળી, અને એક બહારગામથી ખેડૂત આ હળના ફાયદા સમજી શક્યો ને છએ  છ હળ એણે ખરીદી લીધા!! એનાથી એ ખેડુતને પણ જબરજસ્ત લાભ થયો, એના સૂચનો માંગી ફરી એમાં થોડા સુધારા કરી નવું હળ  બનાવ્યું! અને સરકારી ખેતીવાડી ખાતામાં ભલામણ લેવા પહોંચી ગયા. જો એની ભલામણ મળે તો ખેડૂતો માટે વ્યાપારી ધોરણે આ હળનું ઉત્પાદન કરી શકાય. પણ ઉલટું સરકારી ખેતીવાડી ખાતાએ તો એમાં ભૂલો બતાવી અને વિદેશી હળની ભલામણ કરીને કહ્યું, "આ તમારું હળ  ક્યાં અને આ વિદેશી હળ ક્યાં? તેની બનાવટ જુઓ અને આ તમારી બનાવટ જુઓ!!" 

આ સાંભળી એ સમયે લક્ષ્મણરાવ પાછા વળી ગયા પણ ફરી કામે લાગી ગયા અને હળની બનાવટ સુધારવા અથાગ પ્રયત્નો કર્યા! ગુણવત્તા  ઊંચી કરી અને વિદેશી બનાવટની સામે ટક્કર ઝીલી શકે એવું હળ બનાવી ફરી સરકારી ખેતીવાડી ખાતામાં ગયા. આ વખતે કોઈ વાંધો નીકળી શકે એમ નહોતો અને કિર્લોસ્કરનું નામ સરકારી ભલામણ યાદીમાં સામેલ થઇ ગયું! એનાથી એમના હળની  ડિમાન્ડ વધી. ઉત્પાદનનો વેગ વધ્યો અને વેચાણ માટે નવી ઉદારનીતિ કામ કરી ગઈ, "હળ લઇ જાઓ, વાપરો, પ્રયોગ કરી સંતોષ થાય તો જ પૈસા આપજો!" આમ, પાંચ વર્ષમાં બસ્સો હળ વેચ્યા! પણ પાછી નવી એક મુશ્કેલી સામે ઉભી જ હતી. બેલગામમાં જે જમીન પર એમણે આ હળ બનાવવાનું કારખાનું નાખ્યું હતું એ જમીન ત્યાંની મ્યુનિસિપાલિટીની હતી. અને શહેરનો વિકાસ કરવા માટે એ જમીન પરત માંગી જે પાછી આપ્યા સિવાય કોઈ છૂટકો પણ નહોતો! ધંધામાંથી બહાર ફેંકાઈ જવાની સ્થિતિ હતી, પણ લક્ષ્મણરાવ હાર માને એવા પણ નહોતા!

મુંબઈ જયારે ભણતા અને રહેતા ત્યારે એક તેમનો એક મિત્ર હતો. જે મહારાષ્ટ્રમાં આવેલા ઔંધનો હતો. ઔંધ એ સમયે એક રજવાડું હતું અને આ મિત્ર ત્યાંના રાજવી કુટુંબનો નબીરો હતો. આ મિત્ર કાયદાનો અભ્યાસ કરતો હતો અને એટલા સમયાંતરે પણ એમનો સંબંધ હજુ ટકી રહ્યો હતો. આ મિત્રને પોતાના નગરમાં એક સભાગૃહ બાંધવું હતું. આ માટે તેણે  લક્ષ્મણરાવની નિયુક્તિ કરી. આ પ્રકારના બાંધકામનો કોઈ જ અનુભવ લક્ષ્મણરાવને નહોતો. એમ છતાં પડકાર ઝીલી લીધો અને પોતાના અજ્ઞાન વિષે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહિ. ઉત્સાહભેર એ કામ પણ પાર પાડી દીધું. એવામાં પોતાની ભાડે લીધેલી જમીન પરત કરવાની છે એટલે કારખાનાનું શું કરવું એ અંગે પોતાની મૂંઝવણ આ મિત્રને કહી. પોતાના સભાગૃહના સફળ આયોજનને લીધે મિત્ર લક્ષ્મણરાવથી આમેય રાજી હતા એટલે પોતાના જ રાજ્યમાં અમુક મોટી જમીન મફત આપી દેવાની તૈયારી પણ બતાવી!

દેખીતી નજરે જ લાગે કે લક્ષ્મણરાવની આપત્તિનો અહીં અંત આવી જવો જોઈએ! પણ મફતમાં મળેલી જમીન એ સગવડરૂપ નહોતી!  એક તો એ રેલવેથી ખાસી દૂર હતી. વળી, નજીકના રેલવે સ્ટેશન અને આ જમીનને સાંકળે તેવા કોઈ જ રસ્તા નહોતા. ત્યાં નકામાં ઝાડઝાંખરાં અને એના લીધે જંગલી પશુઓ, સાપ, વીંછીઓનો ભારે ઉપદ્રવ હતો. પાણી પણ નહિ, જમીન ખડકાળ એટલે ખુબ જ ઊંડા કુવા ખોદવા પડે એમ હતા. ફરી, લક્ષ્મણરાવે શાંતિથી જગ્યાનું નિરીક્ષણ કર્યું અને હિંમત હારે એ બીજા...બેલગામથી મ્યુનિસિપાલિટીએ વળતર પેટે રૂપિયા 10,000 આપ્યા હતા એ અને બીજા રૂપિયા 10,000 આ મિત્ર પાસેથી ઉછીના લઈને પોતાના પ્રદેશ કર્ણાટક અને બેલગામથી આશરે 400 કિલોમીટર દૂર એવા આ વગડામાં લક્ષ્મણરાવે પોતાનું કારખાનું શીફટ કર્યું અને બધી મશીનરી નજીકના રેલવે સ્ટેશને લાવી ત્યાંથી બળદગાડામાં અહીં ધીરે ધીરે શિફ્ટ કરી. કારખાના માટે જરૂરી જમીન સમતલ કરીને ઝાડ, ઝાંખરા, જંગલી પશુઓ, સાપ, વીંછી વિગેરેનો ભારે ધીરજપૂર્વક નિકાલ કર્યો! અને ઈ.સ. 1911માં આ સ્થળે પોતાનું કારખાનું ઉભું કર્યું! જેનું નામ અત્યારે કિર્લોસ્કરવાડી છે અને આ નામચીન ઔદ્યોગિક વસાહત નામે નંદનવન આ વગડામાંથી બનશે એવી સ્વપનમાં પણ કોઈને કલ્પના નહોતી! અહીં હળ તેમજ પાંદડા, સાંઠા, ડાળખાં વિગેરે સમારી એની કટકીઓ કરવાના યંત્રનું કારખાનું અગાઉ મુજબ શરુ કરી દીધુ હતું! આ પ્રકારની ઔદ્યોગિક વસાહત (ટાઉનશીપ) એ દેશની ત્રીજી વસાહત હતી. (આ પહેલા વાલચંદનગર અને ટાટાની   વસાહત જ હતી, જેના વિશે પણ ખુબ જ રસપ્રદ વાતો વાગોળીશું ફરી ક્યારેક!!)


અહીં વસવાટને ત્રણેક વર્ષ થયા હશે. આટલી અગવડો ઓછી હોય એમ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું! કાપડની એને તેથી કપાસની અને હળની માંગ વધી. પણ યુદ્ધને લીધે તમામ ચીજોના ભાવ આસમાને હતા. જે હાલ ચાલીસ રૂપિયે નંગ વેચાતું એ અત્યારે સાઈઠથી નીચે વેચવું પણ પોષાય એમ નહોતું! કાચોમાલ એટલે કે પિગ આયર્ન, રંગ વિગેરે આયાત થતા અને તેના ભાવ પર લક્ષ્મણરાવનો કોઈ અંકુશ નહોતો. તપાસ કરતા ખબર પડી કે બાજુના કોલ્હાપુર રાજ્યમાં વણવપરાયેલી અસંખ્ય તોપ પડી રહી છે અને ધૂળ ખાય છે. લખમણરાવે ત્યાંના દીવાનને વાત કરી એ બધી તોપ  ખરીદી લીધી અને એને ઓગાળી કાચો માલ મેળવ્યો. અને જે ધાતુ મળી એમાંથી બજારમાં ઉભા રહી શકે તે ભાવે હળ વેચી શક્યા! પણ આ કામચલાઉ ઉપચાર હતો. સદ્ભાગ્યે નજીકના ભદ્રાવતી વિસ્તારમાં લોખંડનું કારખાનું ઉભું થવાનું હોઈ લોખંડના સપ્લાયની સમસ્યા નહિ રહે એવી ખાતરી થઇ. રંગનું કારખાનું પોતે જ ત્યાં ચાલુ કરી દીધું અને કોલસો પણ જાતે જ લાકડામાંથી બનાવા માંડયો!

યુદ્ધકાળને લીધે ઘણા ઉદ્યોગપતિઓ તરી ગયા એમ લક્ષ્મણરાવ પણ આર્થિક રીતે સદ્ધર થઇ ગયા.  1918માં યુદ્ધ સંપન્ન થયું ત્યાં સુધીમાં કિર્લોસ્કરવાડીમાં રોકાણ કરેલી મૂડી પાંચ લાખ સુઘીની થઇ ગઈ. શૂન્યથી આરંભાયેલી આ રકમ એ સમયે ઠીકઠાક રકમ ચોક્કસ કહેવાય!

આનાથી પ્રોત્સાહિત થઇ પોતાના ઉદ્યોગનો ઝડપી વિકાસ કરવા કંપની સ્વરૂપ આપવાનો નીર્ધાર કર્યો! અને બાર લાખની ઠરાવેલી મૂડી સાથે "કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ" કંપનીની સ્થાપના થઇ. તેના વહીવટ માટે "કિર્લોસ્કર સન્સ એન્ડ કું" નામે બીજી કંપની ઉભી કરી. લોકો તેમની કંપનીના શેર ભરે અને મૂડી રોકાણ કરે એ વિશ્વાસ ઉભો કરવા લક્ષ્મણરાવે ખાતરી આપી કે "કંપની જ્યાં સુધી નવ ટકા ડિવિડન્ડ નહિ આપે ત્યાં સુધી પોતે એક પણ રૂપિયો મહેનતાણું કંપનીમાંથી નહિ લે!" અને વાત સાચી પણ છે, ઈ.સ. 1937થી આ કંપની એક પણ વર્ષ ડિવિડન્ડ ચુકી નથી!! (આ કોઈ સલાહ માટે નથી, ફક્ત રોચક હકીકત અને ઇતિહાસનું વર્ણન જ છે!!)

- પછી શું થયું કંપની નું? 
- હળમાંથી ક્યાં લઇ ગયા પોતાની કંપનીઓને?
- કોણે ભારત દેશનું પહેલું ડીઝલ એન્જીન અને પહેલી ઇલેક્ટ્રિક મોટર આપી?
- કઈ રીતે સફળ થયા આ વ્યક્તિ?
- શું રહસ્ય રહ્યું એ સફળતા પાછળનું?

આટઆટલી વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થવા છતાં હિમ્મત ન હારનાર આ મુઠ્ઠી ઉંચેરા વ્યક્તિત્વની ઝાંખી કરાવતો છેલ્લો અંક આવતા શુક્રવારે લઈને ફરી મળીશ, ત્યાં સુધી અલ્પવિરામ! 

- ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...