Saturday, January 8, 2022

દેશ-પરદેશ!!




પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને ! આપણાં ભારતીયો અને એશિયનોની વસ્તી પણ ત્યાં ઠીક ઠીક. રમા અને ચન્દ્રકાન્ત પણ ત્યાં આવી વસેલાં. ચન્દ્રકાન્ત શાહ વ્યવસાયે વકીલ અને અંગ્રેજો સાથે પેઢીમાં ભાગીદાર (એટોર્નિઝ એટ લૉ.) ધીકતી પ્રેકટિસ, સુખી જીવન !

એમાં વધુ સુખનો પ્રસંગ આવ્યો. રમાને પહેલી પ્રસૂતિ આવવાની હતી. ગામમાં ડૉકટરો ખરા, પણ સરકારી હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહ એક માઈલ દૂર. વળી ઘરમાં બીજું ત્રીજું કોઈ માણસ નહિ. રમાએ સૂચન કર્યું : ‘ઈન્ડિયાથી મારા બાને બોલાવી લઈએ તો ?’
‘ભલે, જેવી તારી ઈચ્છા !’ ચન્દ્રકાન્તે સંમતિ દર્શાવી.
અને જેમણે પોતાના શહેર બહાર યાત્રા નિમિત્તે પણ કદી પગ મૂક્યો નહોતો એવા કમળાબા વિમાનમાં ઊડીને સીધાં આફ્રિકાની ધરતી પર ઊતરી આવ્યાં. રમા રાજી થઈ. ચન્દ્રકાન્તને નિરાંત થઈ. કમળાબાને આનંદ થયો, દીકરી જમાઈની સુખી સમૃદ્ધ જીંદગી જોઈને.

દિવસો પસાર થવા લાગ્યા. કમળાબા એ ક્ષણની રાહ જોતાં હતાં, જે માટે એ જન્મભૂમિ છોડીને આ પરદેશીઓ વચ્ચે, કાળા લોકો વચ્ચે આવ્યાં હતાં. પહેલાં પહેલાં તો એમને જરાયે ગમ્યું નહોતું. ભાષા અજાણી, કાળા કદરૂપા આફ્રિકન લોકો અને વાત કરનારું સમવયસ્ક કોઈ નહિ. પણ પછી ધીમે ધીમે મન સ્વસ્થ થવા લાગ્યું. અને એ ક્ષણો પણ આવી. રમાને પહેલી પ્રસુતિની પીડા ઊપડી. ચન્દ્રકાન્તની ઑફિસે ફોન કર્યો. મારતી કારે એ આવ્યા. રમાને અને કમળાબાને કારમાં લઈ એમણે કારને સરકારી હૉસ્પિટલ તરફ મારી મૂકી.

હૉસ્પિટલના મુખ્ય ડૉકટર અંગ્રેજ ગૃહસ્થ હતા. તેમણે હસીને સ્વાગત કર્યું. રમાને ‘લેબર-રૂમ’ માં લઈ લીધી. ઘટતા ઉપચાર શરૂ કર્યા. સાસુ અને જમાઈ ચિંતાતુર ચહેરે, લેબરરૂમથી થોડે દૂર પેસેજ વટાવીને આવતા ચોક જેવી જગ્યામાં, નાનકડા સોફા પર બેઠાં. કોઈ વાત કરવાના મૂડમાં નહોતાં. હતા માત્ર પ્રતીક્ષામાં. પસાર થઈ રહેલી પળોની ગણત્રીમાં અને કોઈ અજ્ઞાત ભયની ચિંતામાં.

સમય પસાર થતો ગયો. બે કલાક થઈ ગયા.
લેબરરૂમમાં આવ-જા થતી દેખાતી. અવાજો સંભળાતા હતા પણ રમાનો છુટકારો થતો નહોતો. કુદરતી રીતે પ્રસવ થતો નહોતો. પહેલી પ્રસૂતી હતી. ચિંતાજનક સ્થિતિ હતી. ચન્દ્રકાન્ત ઊભા થઈને આંટા મારવા લાગતા, ને વળી કંઈ કારણ વગર બેસી જતા. મૂંગા મૂંગા બેસી રહેતા, ને ફરી ઊભા થઈ જતા. કમળાબા મનમાં ઈષ્ટદેવ શ્રીનાથજીનું સ્મરણ કરી રહ્યાં હતાં, ‘બધું સમું-સૂતરું પાર ઉતારજો, શ્રીજી બાવા!’

થોડીવારમાં વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. જાણે ઘેરી ગંભીરતા ચોપાસ છવાઈ ગઈ ! કમળાબાના મનમાં પ્રશ્ન થયો, કશું ચિંતાજનક ? એમના મનમાં ધ્રાસકો પડ્યો. એમણે જમાઈને ઈશારો કર્યો.
‘આ બધું આમ કેમ શાંત થઈ ગયું ? જાણે સૌ ચૂપચાપ થઈ ગયાં ! રમાને કંઈ…..’ કહેતાં માનો કંઠ ભરાઈ આવ્યો.
‘હું જોઉં….’ કહેતા ચન્દ્રકાન્ત ઊભા થયા અને એ લેબર રૂમ ભણી ચાલ્યા. લેબર રૂમનું બારણું બંધ હતું. શું કરવું ? ત્યાં તો કમળાબા પણ તેમની પાછળ આવી ઊભાં. બંનેના ચહેરા પર મૂંઝવણ અને ચિંતા ઘેરા રંગોમાં ચીતરાયેલાં હતાં. હૈયા જોર જોરથી ધબકતાં હતાં. રમાના યોગક્ષેમની ચિંતામાં કાળજું કંપતું હતું.

ત્યાં કશોક અવાજ સંભળાવા લાગ્યો, સમૂહનો અવાજ, એક સાથે સૌ કશુંક ગણગણતા હોય તેવો. ચન્દ્રકાન્તે હિંમત કરી લેબર રૂમને બારણે હાથ મુક્યો. બારણું અંદરથી બંધ નહોતું. થોડું ઊઘડી ગયું. સાસુ અને જમાઈ અંદરનું દશ્ય આશ્ચર્યમુગ્ધ બની, આભાં બની જોઈ રહ્યાં.

અંદર અંગ્રેજ ડૉકટર અને કાળા આફ્રિકન પરિચારકો શેત્રંજી પર ઘૂંટણિયે પડી, મા મેરીની મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરી રહ્યાં હતાં. પ્રાર્થના પૂરી થઈ. સૌ ઊભાં થયાં. ઓપરેશન થિયેટરમાં રમાને લઈ જવામાં આવી.
એક નિગ્રો નર્સે બહાર આવી પૂછ્યું : ‘કેમ ? અહીં કેમ ઊભાં છો તમે ?’
‘તમે શું કરતાં હતાં ?’ કમળાબેને સામું પૂછ્યું.
‘પ્રાર્થના ! મા મેરીને પ્રાર્થના કરતાં હતાં !’
‘શી ?’
‘એ કે, મા મેરી, તું આ મા અને નવા આવનાર તેના બાળકને બચાવજે!’ ઑપરેશન પહેલાં અમે હંમેશા પેશન્ટ માટે આમ પ્રાર્થના કરીએ છીએ !’ નિગ્રો નર્સે કહ્યું.
કમળાબાને થયું, ‘અરે વાહ ! આ ધરતી પરદેશી હતી ? કે સવાયી સ્વદેશી ?’

ખરો જ્ઞાની કોણ?




યૂનાનનાં પ્રાચીન ડોલ્ફીના દેવીનાં મંદિરમાં દેવી તરીકે એક સ્ત્રી બીરાજમાન રહેતી. તત્વચિંતક જેવું જ્ઞાન અને ક્ષમતા ધરાવતી આ સ્ત્રી અમુક વિશેષ પ્રસંગોએ કેટલીક ઘોષણાઓ કરતી તો ક્યારેક મંદિરમાં એકઠા થયેલા સમાજનાં લોકો એમને ભવિષ્યની વાતો પૂછતાં. એકવખત ટોળામાંથી એક વ્યક્તિએ દેવીને પૂછ્યું કે, “યૂનાનમાં અત્યારે સૌથી બુદ્ધિમાન અને જ્ઞાની પુરૂષ કોણ છે?” .

દેવીએ જવાબ આપ્યો, “સુકરાત”. .

આ સાંભળીને લોકો સુકરાત પાસે ગયા અને તેને જણાવ્યું કે દેવીએ આવું કહ્યું છે. .

સુકરાતે કહ્યુ, “તદન ખોટી વાત. હું તો અજ્ઞાની છું. હા, જ્ઞાન મેળવવા માટેની મારી જિજ્ઞાસા થોડી વધારે જરૂર છે.” .

આ વાત લોકોએ ફરી વખત જ્યારે દેવી પાસે એકઠા થયા ત્યારે દેવીને જણાવી કે, “તમોએ સૌથી જ્ઞાની સુકરાતને કહ્યો પણ સુકરાત તો કહે છે કે હું તો અજ્ઞાની છું.” .

દેવીએ કહ્યું, “બસ આ જ તો વાત છે. જેને જ્ઞાની હોવા છતાં પોતાનાં જ્ઞાનનું અભિમાન નથી એ જ સૌથી મોટો જ્ઞાની છે.” .

જ્ઞાનનો અહમ


ઓસ્પેન્સકી (૧૮૭૮-૧૯૪૭)


એકવખત ઓસ્પેન્સકી (ચિંતક – જન્મ ૧૮૭૮) ગુર્જિએફ પાસે ગયો. પોતે ઘણું જાણે છે તેવા ગર્વ સાથે તે ગુર્જિએફ પાસે આવ્યો હતો.

ગુર્જિએફ આ વાત જાણી ગયાં હતાં. તેમણે ઓસ્પેન્સકીને કહ્યું કે એ જે જાણે છે તે કાગળ ઊપર લખી આપે. આપણે બંને એ બધુ છોડીને એ સિવાયની ચર્ચા કરીશું.

માણસ જ્યારે કાંઇ લખવા બેસે છે ત્યારે તેને સાચી ખબર પડે છે કે પોતે કેટલામાં છે. ઓસ્પેન્સકીનું પણ એવું જ થયું. તેને તેની મર્યાદાઓ સમજાય. એ પછી તે ગુર્જિએફનો શિષ્ય બની ગયો.

સ્વમાની હેન્સ એન્ડરસન


હેન્સ એન્ડરસન (૧૮૦૫-૧૮૭૫)


પરીકથાઓનાં લેખક હેન્સ એન્ડરસનનાં જીવનનાં શરૂઆતનાં દિવસોની આ વાત છે. મુશ્કેલ પરીસ્થિતીમાં એકવખત તે ત્યાંનાં રાજાની પાસે મદદ માંગવા ગયેલ. રાજાએ તેને મદદ તો ન કરેલ અને ‘મોચીનો દિકરો તો જીવે ત્યાં સુધી સીવે’ એમ કહીને તેને ઉતારી પાડેલ.

એ પછી એન્ડરસન તેની પરીકથાઓને કારણે ખૂબ જ મશહૂર થયો. એ વખતે આ જ રાજાએ તેને મદદ આપવા માટે આમંત્રણ આપેલ. એ વખતે આમંત્રણનો અસ્વીકાર કરતાં એન્ડરસને કહેલ, ‘હવે હું શું માંગુ? મારે જે જોઇતુ હતું એ તો મેં મારી મેળે મેળવી લીધું છે.’

મનની કડવાશ

આ સમગ્ર લેખ શ્રી ભુપત વડોદરિયા દ્વારા આલેખાયેલો છે જે આ બ્લોગના વાચકો માટે અહીં રજૂ કરું છું.


અન્ય વ્યકિતઓ સાથેના વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક આપણા દિલમાં પેદા થયેલી કડવાશને દૂર કરવાની આપણે ખાસ જરૂર જોતા નથી. આ કડવાશ દૂર કરવાની જરૂર બીજા કોઈને માટે નહીં પણ આપણી પોતાની માનસિક તંદુરસ્તી માટે પણ હોય છે. 


સ્વ. વિજિયાલક્ષ્મી પંડિતે વર્ષો પહેલા એક લેખ લખ્યો હતો. ધી રીડર્સ ડાઈજેસ્ટ નામના અંગ્રેજી માસિકમાં પ્રગટ થયેલા એ લેખનું મથાળું આવું હતું : ધી બેસ્ટ એડવાઈસ આઈ એવર હેડ. ગુજરાતી ભાષામાં તેનો ભાવાર્થ કરીએ તો મને જિંદગીમાં મળેલી સર્વોતમ સલાહ એવો થાય. વિજયાલક્ષ્મીએ એમાં પોતાની જિંદગીને એક ગંભીર ઘટના વિશે લખ્યું છે. વિજયાલક્ષ્મીના પતિ રણજિત પંડિતનું અવસાન થયું હતું. વિજયાલક્ષ્મીના શ્વસુર રાજકોટના શ્રીમંત રહીશ હતા. સારી જાગીર ધરાવતા હતા. વિજયાલક્ષ્મીને પુત્ર ન હતો. પુત્રીઓ હતી. વિજયાલક્ષ્મી તો સુશિક્ષિત, ખૂબ આગળ વધેલાં અને નવા વિચારનાં. એમને તો કલ્પના પણ ક્યાંથી આવે કે મારા સસરા મારી બાળકીઓ માટે મારા પતિની મિલકતમાંથી ભાગ આપવાની ના પાડશે !

રણજિત પંડિતના પિતા હતા સજ્જન પણ જૂના જમાનાના માણસ એટલે તેમણે તો હિન્દુ કુટુંબનો કાયદો આગળ કર્યો અને કહ્યું, દિકરો હોય તો ભાગ પડે. દીકરીને ભાગ ના મળે. ભરણપોષણની જવાબદારી કુટુંબની ખરી પણ એ માટે તેમને જિવાઈ મળે. અંહી રાજકોટ આવીને રહેશો તો તમને પાળીશું.

વિજયાલક્ષ્મી કહે છે મારું મન કડવાશથી ભરાઈ ગયું. મારું મન અંહીથી ઊઠી ગયું. મેં નક્કી કરી નાખ્યું કે મારી બાળકીઓને લઈને મારે અમેરિકા ચાલ્યા જવું અને ત્યાં જ આપમેળે સ્થિર થઈ જવાની કોશિશ કરવી. હું ગાંધીજીને મળવા ગઈ. અમેરિકા જતાં પહેલાં બાપુના આશીર્વાદ લેવા હતા. બાપુએ પૂછ્યું કે રાજકોટ પંડિત સાહેબના આશીર્વાદ લઈ આવ્યા કે નહીં ? જાણે દુખતા ભાગમાં ઠેસ લગાવી. મેં મારી સાથે તમણે કરેલા વહેવારની વાત કરી. મારું દિલ બરાબર ઘવાયું હતું. એમના જુનવાણી ખ્યાલોના પડદા પાછળ મને સ્વાર્થી લુચ્ચાઈ અને લોભ દેખાયાં હતાં.


પણ ગાંધીજી તો આવા બધા ખરાબ વિચારોથી મનને કલુષિત કરવામાં માનતા જ નહીં. રાજકોટ જઈને સસરા પાસે આશીર્વાદ લેવા જવાની વાત વિજયાલક્ષ્મીને આકરી લાગી પણ ગાંધીજી એ સમજાવ્યું કે તમારે ક્યાં ભાગ લેવા જવાનું છે ? તમારે તો આશીર્વાદ જ માગવા જવાનું છે અને તેમ કરવું તે તમારું કર્તવ્ય છે. તમારા પોતાના કલ્યાણની જ આ વાત છે. સામી વ્યકિતનું દષ્ટિબિંદુ સમજવાની કોશિશ કરવી. સામી વ્યકિતના વર્તનમાં ખરાબમાં ખરાબ આશયોનું એકદમ આરોપણ કરીના દેવું. આપણે ધારી લઈએ છીએ એટલા માણસો ખરાબ નથી હોતા. વળી તમે જ્યારે પરદેશ નવું જીવન શરૂ કરવા જાઓ છો ત્યારે હળવા હૈયે શું કામ નથી જતાં ? હૈયામાં આવી કળવાશ ભરીને શું કામ જાઓ છો ? યાદ રાખજો, આવી કડવાશ સૌથી તો તેને સંઘરનાર માણસને પોતાને જ વધારે ને વધારે નુકશાન કરે છે. વિજયાલક્ષ્મી પંડિતે નોંધ્યું છે કે , કચવાતા મને પણ હું રાજકોટ મારા શ્વસુરને મળવા ગઈ. મારી બાળકીઓને સાથે લઈને ગઈ. સસરા ગળગળા થઈ ગયા. હું અમેરિકાં પહોંચી ગઈ. મારા મન પર હવે ભાર નહતો. થોડા વખત પછી સસરાનો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે હિંદુ સંસારનાં રૂઢિ, રિવાજ જે હોય તે, હું મારી દીકરીઓને વારસાથી વંચિત નહીં રાખું. તમારે જે ઘર-જમીન જોઈએ એ તમારાં. 


વિજયાલક્ષ્મી પંડિતને મહાત્મા ગાંધીની એ સલાહ આખી જિંદગી સંભારવા જેવી લાગી. મનમાં કળવાશ ભરવી નહીં. કડવાશ સંઘરવાથી સૌથી વધુ નુકશાન આપણી પોતાની જાતને જ થતું હોય છે. આપણને ખબર નથી હોતી પણ આપણે જેને આપણા હિતશત્રુઓ માનતા હોઈએ છીએ એ હિતસાઘકો પુરવાર થતા હોય છે.


ગાંધીજી તો મહામાનવ હતા પણ બીજા ઘણા માનવીઓનો આ જાતઅનુભવ છે કે આપણે જેને આપણું અહિત કરનારા માની ને વેરવૃત્તિ કેળવવા માંડીએ છીએ તે આપણું અહિત કરતા હોતા નથી. જેઓ આપણને ખૂબ અન્યાય કરી રહ્યા છે તેવું આપણે માનીએ છીએ તેઓ આવો સાચો કે માની લીધેલો અન્યાય જાણીબૂઝીને ન પણ કરતા હોય તેવો પૂરો સંભવ છે. 


આપણે ધૂંધવાઈ ઊઠીએ છીએ કેમ કે આપણી પોતાની દષ્ટિની મર્યાદામાં જ બધો વિચાર કરીએ છીએ. એકવાર મનમાં કડવાશ તમે કાઢી નાખશો તો પછી તમને ચારે તરફ તમારા સમાજમાં, તમારી ઓફીસમાં, તમારા વર્તુળમાં અદીઠ દુશ્મનોનું દળ દેખાશે નહીં. હરેક ચહેરા પાછળ સંતાયેલો શત્રુ નહીં દેખાય. કડવું બોલનારામાં પણ મિત્ર કે હિતચિંતક દેખાશે. બીજું તો ઠીક, મનમાં કડવાશ નહીં હોય તો જ તમે જિંદગીની ઘણીબધી મધુરતાને કલુષિત બનતી બચાવી શકશો. આપણું પોતાનું જીવન આપણને ઝેર જેવું લાગે છે. તેમાં સૌથી મોટો ફાળો આપણા પોતાના જ અંતરની કડવાશનો હોય છે.