Saturday, May 27, 2017

ચંદનનો બગીચો

ચંદનનો બગીચો

એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ૫હારમાં આપી દીધો.આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું,તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો.ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો.

એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર પાસેથી ૫સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં લુહાર અમીર બની ગયો હશે,પરંતુ રાજાને લુહારની હાલત ૫હેલાંના જેવી જ જોઇને ઘણી જ નવાઇ લાગી.

તમામ હકીકતથી વાકેફ થયા બાદ રાજાએ લુહારને પૂછ્યું કેઃ
"ચંદનના લાકડાનો કોઇ ટુકડો તારી પાસે બચ્યો છે..? 
ત્યારે લુહારે કહ્યું કેઃ મહારાજ..! મારી કુહાડીનો હાથો જ બચ્યો છે."


બાદશાહે તેને ચંદનના વહેપારી પાસે મોકલ્યો.લુહારને આ નાનકડા ચંદનના ટુકડાના ઘણા પૈસા મળ્યા.
તે પસ્તાવાથી ઘણું જ રડવા લાગ્યો.તેને બાદશાહને આવો બીજો બગીચો ઉ૫હારના રૂ૫માં આપવા વિનંતી કરી, ત્યારે રાજાએ જવાબ આપ્‍યો કેઃ આવો ઉ૫હાર વારંવાર મળતો નથી.


આપણા બધાનું જીવન આ લુહારના જેવું જ છે.
માનવ જીવનના મૂલ્યની ખબર ત્યારે જ ૫ડે છે કે જ્યારે જીંદગીના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હોય છે અને ત્યારે  પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કેઃ 
હે પ્રભુ..! થોડો વધુ સમય મને આપો,પરંતુ ત્યારે સમય મળી શકવો સંભવ હોતો નથી.

Friday, May 26, 2017

દીકરી વહુ બન્યા બાદ....


આપણે ત્યાં એક પરંપરા હતી કે દિકરીને સાસરે વળાવ્યા પછી મા-બાપ દિકરીના ઘરનું જમતા નહોતા કે પાણી પણ નહોતા પીતા.

કોઇને આ બાબતમાં વેવલાવેળા લાગે પણ વડવાઓએ શરુ કરેલી આ પરંપરા પાછળ કુટુંબને ટકાવી રાખવાની ઉદાત ભાવના હતી.

દિકરીના ઘરનું ના જમવુ એવું નથી પણ જ્યાં સુધી દિકરીને ત્યાં સંતાન ન થાય ત્યાં સુધી દિકરીના ઘરનું ન જમવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે.

દિકરી જ્યારે પરણીને સાસરે જાય ત્યારે પિયરીયા જેવુ જ વાતાવરણ સાસરીયામાં ન હોય તે સ્વાભાવિક છે.
નવી પરણેલી દિકરી શરુઆતમાં સાસરીયે થોડી અકળાતી હોય. 

આ સમય દરમ્યાન માતા-પિતા મળવા માટે આવે એટલે દિકરી સાસરીયાની બધી વાતો કરે અને દિકરીને દુ:ખી જોઇ મા-બાપનું હૈયુ ભરાઇ આવે. શક્ય છે કે મા-બાપ અને દિકરી વચ્ચેનો વાર્તાલાપ દિકરીનું ઘર તોડવામાં નિમિત બને. આવુ ન બનવા દેવું હોય તો મા-બાપ અમુક સમય સુધી દિકરીને ન મળે એવું કંઇક કરવું પડે.


દિકરીના ઘરનું જમવાની અને પાણી પિવાની જ મનાઇ કરવામાં આવે તો મા-બાપ દિકરીને મળવા જાય જ નહી અને જાય તો પણ લાંબુ રોકાઇ નહી. એકાદ વર્ષ પછી દિકરીને ત્યાં સંતાન જન્મે પછી મા-બાપ એના ઘરનું જમી શકે. આ એક વર્ષ દરમ્યાન દિકરી નવા વાતાવરણને અનુકુળ થઇ ગઇ હોય વળી સંતાનનો જન્મ પણ થયો હોય એટલે હવે દિકરીને થોડી ઘણી તકલીફ હોય તો સંતાનને રમાડવામાં જ એ તકલીફ ભૂલી જાય અને પરિણામે એ સાસરીયે સેટ થઇ જાય. 

આ વાત આજે આપણને સાવ વાહીયાત લાગે પણ વડીલોની ભવિષ્યને પારખવાની અદભૂત શક્તિ આ પરંપરામાં છુપાયેલી છે. 

બહુ દુ:ખ સાથે કહેવુ પડે કે આજે છુટાછેડાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ છે.

તમારી આજુ બાજુ જોજો તમને દેખાશે કે લગ્નજીવન બહુ લાંબુ ટકતું નથી કારણકે સ્વતંત્રતાના નામે આપણે દિકરી મટીને વહુ બનવા તૈયાર જ નથી.

સ્ત્રીની સ્વતંત્રતા જળવાવી જ જોઇએ પણ દિકરી અને વહુ વચ્ચેના ફરકની પણ એને ખબર હોવી જોઇએ.
લગ્નજીવન ઢીંગલા-પોતીયાના ખેલ હોય એવી રીતે 'મને એમની જોડે નથી ફાવતુ એમ કહીને છુટા થઇ જાય છે.'
યાદ રાખજો જે ઘરમાં મા-દિકરી વચ્ચે લગ્ન પછી લાંબી લાંબી વાતો થતી હોય ત્યાં દિકરીની  પિયરમાં પરત આવવાની પુરી શક્યતા છે.

દિકરીને વહાલ જરૂર કરીએ પણ એટલું વહાલ ન કરવું કે એનું ઘર ભાંગી જાય. આ વાતો થોડી કડવી જરૂર છે પણ ભારોભાર વાસ્તવિકતા છે એ પણ ન ભૂલતા.

"રિઝલ્ટ"

આજકાલ ફેસબુક પર માતા-પિતા એમના સંતાનોના રિઝલ્ટ મિત્રો સાથે શેર કરીને સંતાનની હોશિયારી પર ગૌરવ લઇ રહ્યા છે. અમૂક વર્ષો પહેલા અમારા એક રિલેટવે પણ એમના દીકરાનું રિઝલ્ટ ફેસબુક પર મૂકેલું. દીકરાને 98% માર્ક આવ્યા એટલે રાજી થઈને પરિણામનું જાહેર પ્રદર્શન કર્યું. કોઈપણ પિતાને કે માતાને સંતાનના સારા પરિણામની જાણ કરવામાં આનંદ આવે જ એ સહજ છે. પણ પછી ખબર પડી કે મોટાભાગના વિદ્યાર્થીઓના પરિણામો આવા જ આવે છે.

ખાનગી શાળાઓ માર્ક આપવામાં બહુ જ ઉદાર હોય છે. માર્કનો ઢગલો જ કરી દે. અરે ગુજરાતી કે અંગ્રેજી જેવા ભાષાના વિષયમાં પણ 100 માંથી 100 માર્ક આપે. પિતાને કોઈ દિવસ 50% ઉપર માર્ક ના આવ્યા હોય એ જ્યારે સંતાનના 98% જુવે એટલે એની છાતી 36ની નહિ પણ 56ની થઇ જાય. સંતાનની વિદ્વતાથી માં-બાપ મોજમાં આવી જાય અને બાળકનું બીજા વર્ષનું એડમિશન એ જ શાળામાં કન્ફર્મ થઇ જાય. બાળક પણ ખુશ, એના માં-બાપ પણ ખુશ અને શાળા પણ ખુશ.

જો કે આમાં વાંક માત્ર શાળાનો પણ નથી કારણકે જો કોઈ શાળા ખરેખર સાચું જ પરિણામ આપવાનું ચાલુ કરે તો ટકાવારીનો ઢગલો કરી દેતી નબળી શાળાઓ શાળાઓ સામે પણ ટકી રહેવું મુશ્કેલ થાય. માર્કેટિંગ સ્ટ્રેટેજીના એક ભાગ રૂપે જ કદાચ આવું થતું હશે અને જો પરિણામ સાચું જ હોય તો 9માં ધોરણ સુધી 90% લાવનારા 10માં ધોરણના પરિણામમાં સાવ અચાનક કેમ નબળા પડી જાય છે ?(અમુક અપવાદોને બાદ કરતા)

તમારા સંતાનોને ટકાવારીની ફૂટપટ્ટીથી માપવાની ભૂલ ના કરતા નહીંતર શાળાઓની આ રમતમાં નુકશાન તમને અને તમારા સંતાનોને જ થશે. હું શાળામાં ભણતો હતો એ વખતના સરકારી શાળાના પરિણામોને આજના પરિણામો સાથે સરખામણી કરીને જોતા મને એવું લાગ્યું કે હું તો સાવ ડોબો જ હતો......

ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ ?? "દુવિધા"

રોજે રોજ કેટલાય માં-બાપના ફોન આવે છે કે અમારે અમારા બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? આ બાબતે મારે મારા વિચારો આપ સૌ સાથે પણ શેર કરવા છે. આ વિચારો મારા પોતાના અંગત વિચારો છે બીજા મિત્રો એની સાથે સહમત થાય એ બિલકુલ જરૂરી પણ નથી. ઘણા વાલીઓને આ પ્રશ્ન મૂંઝવે છે માટે થોડા વિચારો ફેસબુકના માધ્યમથી વહેતા મુકું છું.

બાળકના સંપૂર્ણ વિકાસ માટે બાળકને એ ભાષામાં ભણાવવો જોઈએ જે ભાષા એના ઘરમાં બોલાતી હોય, એની આસપાસ બોલાતી હોય. ઘરમાં જો અંગ્રેજી ભાષાનો મહત્તમ ઉપયોગ થતો હોય તો બાળકનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં અને જો ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો હોય તો ગુજરાતી ભાષામાં બાળકનો અભ્યાસ થવો જોઈએ. માતૃભાષામાં અભ્યાસ કરનાર બાળકનું દિમાગ બાકીની બીજી ભાષાઓ બહુ ઝડપથી શીખી શકે છે. તમારે આ માટે એક પ્રયોગ કરવો હોય તો કરી જો જો. એકસમાન ધોરણમાં ભણતા એક ગુજરાતી માધ્યમના અને એક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને એકસમાન કામ સોંપજો. બંનેને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં મોબાઈલ નંબર લખાવજો. ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી બંને ભાષામાં સરળતાથી લખી શકશે અને અંગ્રેજી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી ગુજરાતીમાં નંબર લખવામાં મુશ્કેલી અનુભવશે.

અંગ્રેજી ભાષાનું મહત્વ ખુબ છે એ સાચી વાત પણ એના માટે માધ્યમ અંગ્રેજી હોવું બિલકુલ જરૂરી નથી (જેના ઘરમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોય એ અંગ્રેજી માધ્યમ અપનાવે તો સ્વીકાર્ય છે ) અંગ્રેજીને ભાષા તરીકે શીખવી જ જોઈએ અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને પણ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકાય. ધો.12 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી જ્યારે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવે ત્યારે ગુજરાતી માધ્યમવાળો વિદ્યાર્થી બિચારો પોતાની જાતને પછાત મહેસુસ કરતો હોય છે કારણકે પ્રથમ વર્ષે એને ભણવામાં, લખવામાં, બોલવામાં બહુ તકલીફ પડે છે. બીજા વર્ષે બંને સમાન થઈ જાય અને પછીના વર્ષથી ગુજરાતી વાળો (અહિયાં માતૃભાષામાં ભણેલો એમ જ સમજવું.) આગળ નીકળી જાય. પીજીની પરીક્ષાઓ મોટાભાગે માતૃભાષામાં ભણેલા વિદ્યાર્થીઓ જ પાસ કરી જાય છે. તમારા શહેરના સુપર સ્પેશિયાલિષ્ટ ડોકટરોની યાદી બનાવો અને તપાસ કરો કે એ ક્યાં માધ્યમમાં ભણ્યા હતા ?
ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતી વખતે ગુજરાતીમાં ઉપયોગમાં લેવાતા મહત્વના શબ્દોનું અંગ્રેજી શીખવાની ટેવ પડે તો કોઈ જ મુશ્કેલી ઉભી નહિ થાય. આજે તો હવે પાઠ્યપુસ્તકમાં ગુજરાતી શબ્દની સાથે કૌંસમાં અંગ્રેજી અર્થ પણ આપવામાં આવે છે જે પહેલા નહોતું થતું.

આપણા દિમાગમાં એ વાત ઘુસી ગઈ છે અથવા પ્રયત્નપૂર્વક ઘુસાડી દેવામાં આવી છે કે અંગ્રેજી માધ્યમમાં ભણે તો જ બાળકનો વિકાસ થાય. કઠપૂતળીની જેમ એક બે અંગ્રેજી કાવ્ય બોલી જતા બાળકોને જોઈને આપણે સાવ પછાત છીએ એવું અનુભવવા લાગ્યા છીએ. આપણને આપણા બાળકના ભવિષ્યની જેટલી ચિંતા છે એના કરતા સમાજના લોકો શું કહેશે તેની વધુ ચિંતા કરીએ છીએ.

વાલીઓ બિચારા મોટા મોટા સપનાઓ સાથે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા મૂકે જ્યાં ભાષા પર પ્રભુત્વ ધરાવતા શિક્ષકો જ નાં હોય મેં તો એવી શાળાઓ અને કોલેજો જોઈ છે જ્યાં અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને જ અંગ્રેજી ના આવડતું હોય અને એ ગુજરાતીમાં જ ભણાવતા હોય ખાલી શબ્દો અંગ્રેજીમાં બોલે બાકી બધું ગુજરાતી જ હોય. આમ બિચારું બાળક પણ શું કરે ?

ઘણું લખવું છે પણ તમે વાંચીને થાકી જશો એટલે છેલ્લે એટલું જ કહેવું છે કે બાળકને જે ભાષામાં ભણાવવું હોય એ ભાષા ભણાવજો પણ ભણાવવાનું માધ્યમ નક્કી કરતી વખતે તમારા સ્ટેટ્સ કે દેખાડાને મહત્વ આપવાને બદલે તમારા ઘરમાં કઈ ભાષા બોલાય છે આજુબાજુમાં કઈ ભાષા બોલાઈ છે એ પણ જરા જોજો. અંગ્રેજીનાં ગાંડપણામાં માતૃભાષા ભૂલાઈ ના જાય એનું ધ્યાન રાખજો. કમસેકમ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ અપાય એ જરૂરી છે.

નુકસાન

મને કોણ નુકસાન પહોંચાડે છે ?

એક સુથાર પોતાના વર્કશોપમાં કામ કરી રહ્યો હતો. અચાનક અનરાધાર વરસાદ શરુ થયો. સુથાર પોતાનું વર્કશોપ બંધ કરીને ઉતાવળા પગલે ઘર તરફ ચાલ્યો. ઉતાવળમાં કામ કરવાના કેટલાક સાધનો વર્કશોપમાં જમીન પર જ પડ્યા રહ્યા.

ખુબ વરસાદ પડવાને કારણે એક સાપ જમીનમાંથી બહાર આવ્યો. એ ખુબ જ ભુખ્યો થયો હતો. ખોરાકની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હતો. આ સાપ રાત્રીના સમયે પેલા સુથારના વર્કશોપમાં દાખલ થયો અને કંઇક ખોરાક મળશે તે આશામાં આંટા મારવા લાગ્યો. જમીન પર કુહાડો પડેલો હતો. સાપ આ કુહાડા પરથી પસાર થયો અને કુહાડાની તિક્ષ્ણ ધારને કારણે એના શરિર પર એક કાપો પડ્યો.

સાપને થોડી પીડા થઇ અને શરિરમાંથી લોહી પણ નિકળવા માંડ્યુ. એમણે બદલો લેવાનું નક્કિ કર્યુ. કુહાડાને પોતાના શરિરથી ભરડો લીધો અને કુહાડાની ધાર પર જ પ્રહાર કર્યો. આમ કરવાથી વધુ પ્રમાણમાં લોહી નિકળ્યું. કુહાડો લોહીથી લાલ થવા લાગ્યો. સાપને એવુ લાગ્યુ કે મારા પ્રહારોના કારણે કુહાડાને પણ લોહી નિકળી રહ્યું છે.

સવારે આવીને સુથારે વર્કશોપ ખોલ્યુ તો મરેલો સાપ જોયો જે કુહાડાને વિંટળાયેલો હતો.

આપણી દશા પણ આ સાપ જેવી જ છે. બીજાને નુકશાન પહોંચાડવાના પ્રયાસમાં આપણી જાતને જ નુકશાન પહોંચાડીએ છીએ અને આપણને ખબર પણ નથી પડતી કે આપણે બીજાને નહિ આપણને પોતાને જ નુકશાન પહોંચાડી રહ્યા છીએ.

Thursday, May 25, 2017

શબ્દો ની કિંમત

જેવો સમય એવા શબ્દો

એકવખત લક્ષ્મી અને પનોતી વચ્ચે વિવાદ થયો. લક્ષ્મી કહે કે હું સારી દેખાવ છું અને પનોતી કહે કે હું સારી દેખાવ છું. છેવટે બંનેએ નક્કી કર્યુ કે કોઇ માણસને મળીને આપણે એમને જ પુછીએ કે આપણામાંથી વધુ સુંદર કોણ દેખાય છે ?

લક્ષ્મી અને પનોતી બંને પૃથ્વી પર આવ્યા. રસ્તામાં જ એક માણસ મળી ગયો. લક્ષ્મીજી એ પુછ્યુ , ” અમારા બંનેમાંથી કોણ વધુ સુંદર દેખાય છે ? ” પેલાએ તો તુરત જવાબ આપ્યો , ” લક્ષ્મીજી આપ વધુ સુંદર છો.” પનોતીને ખોટુ લાગ્યુ અને એણે પેલા માણસને લક્ષ્મી હોવા છતા એ લક્ષ્મીનું સુખ ન લેવા દીધુ.

થોડા આગળ ગયા અને એક બીજો માણસ મળ્યો એમને પણ આ જ પ્રશ્ન પુછવામાં આવ્યો. એમણે કહ્યુ , ” પનોતીજી આપ વધુ સારા લાગો છો. ” આ સાંભળીને લક્ષ્મીજીને દુખ લાગ્યુ અને એણે પેલા માણસને નિર્ધન બનાવી દીધો.

થોડા આગળ ગયા અને ત્રીજો માણસ મળ્યો. એમને પણ અગાઉ જેવો જ સવાલ પુછવામાં આવ્યો. ઉતાવળે જવાબ આપવાને બદલે એણે થોડો વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો , ” આપ બંને ખુબ સુંદર લાગો છો. લક્ષ્મીજી આપ આવતા હોય ત્યારે સુંદર લાગો છો અને પનોતીજી આપ જતા હોય ત્યારે સુંદર લાગો છો. ”

જવાબ સાંભળીને બંને રાજી થયા અને બદલામાં પેલો માણસ ન્યાલ થઇ ગયો.

ક્યા સમયે શું બોલવું એ ખુબ મહત્વનું છે. સમય અને સ્થિતી જોઇને જે માણસ બોલી શકે એના પર લક્ષ્મીજીની કૃપા તો વરસે જ પણ પનોતીજી પણ એની રક્ષામાં રહે.

"રાજ"ની મમ્મી

આજે મધર્સ ડે છે. એક માતાના સંતાન પ્રત્યેના અસાધારણ પ્રેમની એક સત્યઘટના આપની સાથે શેર કરવી છે. ખાસ વાંચજો અને બીજા મિત્રો સાથે વહેંચજો.

રાજકોટમાં રહેતા ગીરાબેન પંડ્યાને ત્યાં આજથી આઠ વર્ષ પહેલા એક બાળકનો જન્મ થયો. પરિવારમાં નવા સભ્યનું આગમન થાય એ આનંદનો અવસર ગણાય પણ ગીરાબેનના કુખે જન્મેલો રાજ પરિવાર માટે આફત બનીને અવતર્યો.

રાજ પંડ્યા જન્મથી જ અનેક ખોડખાપણ વાળો હતો. એને -20(માઇનસ વીસ) નંબર છે એટલે એ જોઇ નથી શકતો. અધુરામાં પુરુ એ બોલી કે ચાલી પણ નથી શકતો. રાજનો ફેઇસ પણ સીધો રહેતો નથી, થોડીવારમાં જ નીચે નમી જાય.પરિવારના બધા સભ્યો મુંઝાયેલા હતા પણ રાજની જન્મદાતા ગીરાબેન પોતાના લાડકવાયા રાજ માટે જે કંઇ કરવું પડે તે બધુ જ કરવા તૈયાર હતા. ફીઝીયોથેરાપીસ્ટ ડોકટરના માર્ગદર્શન નીચે રાજની સારવારનો પ્રથમ તબ્બકો શરુ થયો. ખબર નહિ કેમ પણ પરિવારના બાકીના સભ્યોનો જોઇએ એવો સહકાર નહોતો મળતો. બીજા તો ઠીક ખુદ બાળકના પિતાનો પણ પુરતો સહયોગ નહોતો. ગીરાબેન એકલા એકલા એના જીગરના ટુકડા માટે મહેનત કરતા હતા.

એકસમય એવો આવ્યો કે ગીરાબેન અને રાજને એના પિયરમાં મોકલી દેવામાં આવ્યા. કોઇપણ સ્ત્રી આવી પરિસ્થિતીમાં ભાંગી પડે પણ ગીરાબેન એના દિકરા માટે આખી દુનિયા સામે લડાઇ લડવા તૈયાર હતા. પતિથી જુદા રહીને ગીરાબેન અત્યારે એના દિકરાને સાચવે છે. આજે પણ હજુ જોઇએ એવુ ઇમ્પ્રુવમેન્ટ નથી આમ છતા હિંમત હાર્યા વગર ગીરાબેન દિકરા રાજ માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. રોજ બે વખત ફીજીયોથેરાપીસ્ટ પાસે કસરત કરાવવા જવુ પડે. ગીરાબેન નોકરી કરતા કરતા સમય કાઢીને દિવસમાં બે વખત રાજને કસરત કરાવવા માટે લઇ જાય છે અને આવું 8 વર્ષથી ચાલે છે.

રાજ બોલી કે ચાલી શકતો નથી પણ મા તરીકે ગીરાબેન એના હાવભાવ જોઇને જ રાજને શું જરુર છે એ સમજી જાય છે. રાજને નોર્મલ બાળકોની જ શાળામાં મુક્યો છે જ્યાં શિક્ષકો પણ રાજનું ધ્યાન રાખે છે. પરિવારનો સાથ હોવા છતા આપણે થોડા એબનોર્મલ બાળકને સ્વિકારી શકતા નથી જ્યારે અહીંયા તો ગીરાબેન પરિવારના સાથ વગર એકલે હાથે એના રાજનું પાલન પોષણ કરી રહ્યા છે. મેં ગીરાબેનને પુછ્યુ, “તમને ક્યારેય ભગવાનને ફરીયાદ કરવાની ઇચ્છા નથી થતી ?” એમણે કહ્યુ, “ભગવાને તો મને આ અનોખી ભેટ આપી છે. સામાન્ય દિકરાની મા માતૃત્વની મજા ક્યાં સુધી લઇ શકે ? એનો દિકરો પુખ્તવયનો થાય ત્યાં સુધી પછી દિકરાને માની બહુ જરુર ન પડે એટલે માનું વાત્સલ્ય વલોપાત કરે પણ મને એબ્નોર્મલ દિકરો આપ્યો. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે મારા દિકરાને હું કાયમ માટે લાડલડાવી શકીશ. મને વ્હાલની વરસાવવાની આવી તક આપવા બદલ હું તો ઇશ્વરની આભારી છું.”

અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ એક મા એના દિકરાના અસ્તિત્વ માટે કુદરત અને પરિવાર સામે લડાઇ લડી રહી છે. અત્યારે ગીરાબેન એના માતા-પિતા સાથે રહીને રાજને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. ગીરાબેનના જીવનનું એકમાત્ર કેન્દ્રબિંદુ રાજ છે. ગીરાબેન દુ:ખ સાથે એક વાત કહે છે કે “ભગવાન જ્યારે તમને દિવ્યાંગ બાળક આપે છે ત્યારે એ બાળકને મા-બાપ બંનેના પ્રેમ અને  હુંફની ખૂબ જરૂર હોય છે. મારો રાજ પિતાના પ્રેમથી વંચિત છે એનો મને વસવસો છે પણ જેવી ભગવાનની મરજી એમ માનીને હું એને માની સાથે સાથે પિતાનો પ્રેમ પણ આપુ છું. મારે દિવ્યાંગ બાળકોના માતા-પિતાને એક વાત કહેવી છે કે સૌથી પહેલા તો તમે બાળક જેવું છે એવું સ્વિકારો. બાળકને ભરપૂર પ્રેમ આપો અને બાળકની જે ક્ષમતા બહાર લાવી શકાય તેમ હોય તે ક્ષમતા બહાર લાવો. બાળકને શું તકલીફ છે જે જાણો અને તકલીફ દુર થઇ શકે તેમ ન હોય તો એ તકલીફ સામે લડીને કેવી રીતે રહી શકાય એ માટે બાળકને તૈયાર કરો.”

ગીરાબેને છેલ્લે એક સરસ વાત કરી કે મને ગીરા પંડ્યાના બદલે ‘રાજની મમ્મી’ તરીકે ઓળખાવું વધુ ગમશે. મધર્સ ડે નીમિતે "રાજની મમ્મી"ને સો સો સલામ.

ભાંગેલાનો ભાઇબંધ

ભાંગેલાનો ભાઇબંધ કોણ ?

એક યુવાન નાનો એવો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બજારમાં મંદીનું વાતાવરણ હોવાથી ધંધો ઠંડો પડી ગયો હતો. દિવસે અને દિવસે આ યુવાન નિરાસાની ઉંડી ખીણમાં ધકેલાઇ રહ્યો હતો. ક્યારેક ક્યારેક તો આત્મહત્યા કરી લેવાના વિચારો પણ આવતા હતા.
આવી માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલા યુવાનને વધુ એક ફટકો પડ્યો. એના પિતાનું અવસાન થયુ. ઘરની બધી જ જવાબદારી હવે એના પર આવી. પિતાના અવસાન બાદ ખબર પડી કે પિતાજીએ તો બહુ મોટી લોન લીધેલી હતી. હવે તો યુવાન સાવ પડી ભાંગ્યો. શું કરવુ ? એની એને કશી જ ખબર નહોતી પડતી.

પિતાજીની બધી જ ક્રિયાઓ પતાવ્યા પછી એક દિવસ પિતાના રૂમમાં કેટલાય સમયથી બંધ રહેલો કબાટ ખોલ્યો. કબાટમાં બીજુ તો કંઇ નહોતું પરંતું રેશમના કાપડમાં વીંટાળેલો કોઇ ગ્રંથ હતો. યુવાને ગ્રંથ પરનું કાપડ હટાવ્યુ તો તે એક ચોપડો નીકળ્યો.

યુવાને ચોપડો ખોલતાની સાથે જ પિતાના અક્ષરો પરથી ઓળખી લીધુ કે આ પિતાજીએ પોતાના હાથે લખેલો ચોપડો છે. પ્રથમ પાનું ખોલીને વાંચવાની શરુઆત કરી. ચોપડામાં લખ્યુ હતુ ‘ મારા બાપદાદાની બહુ મોટી સંપતિ મે જતન કરીને જાળવી રાખી છે. આ ઘરના અગ્નિ ખુણામાં 3 હાથ ઉંડે સોનાથી ભરેલા 5 ઘડા સાચવીને રાખ્યા છે. મુશ્કેલીના સમયે આ ઘડાઓ ખુબ કામમાં આવશે. પણ મુશ્કેલીને પહોંચી વળવા પોતાનાથી બને તે બધા જ પ્રયાસો કરવા અને પછી જ જરુર પડે તો આ ઘડાઓને ખોદીને બહાર કાઢવા.”

યુવાનમાં જાણે કે નવો પ્રાણ ફુંકાયો. તમામ હતાશા ખંખેરીને કામે લાગ્યો. બહુ મોટી સંપતિ એની પાસે છે એ વિશ્વાસે એ મોટા સાહસો કરતો ગયો અને આગળ વધતો ગયો. તમામ દેવુ ચુકતે થયુ અને ધંધાનો પણ ખુબ વિકાસ થયો. પેલા ઘડા કાઢવાની જરુર જ ન પડી.

આપણા ધર્મગ્રંથો પણ પિતાજીના ચોપડા જેવા છે. એમા લખેલુ સાચુ છે કે કેમ એ બાબતની ચર્ચામાં પડવા જેવુ નથી પરંતુ એટલુ ચોક્કસ કહી શકાય કે મુર્છીત માણસમાં જીવંતતા લાવવાનું કામ સદૃગંથ કરે છે...

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી


ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવખત ઘોડા પર સવાર થઇને કોઇ ગામની મુલાકાતે જઇ રહ્યા હતા. મહારાજા એકલા જ હતા અને પહેરવેશ પણ સામાન્ય આથી કોઇને ખબર પણ ના પડે કે આ ગોંડલ નરેશ છે.

રસ્તામાં એક બહેન ઘાસનો ભારો નીચે રાખીને બેઠેલા. ઘોડેસવારને આવતા જોયો એટલે એ બહેને હાથ ઉંચો કરીને ઘોડા પર સવાર થયેલા મહારાજાને ઉભા રાખ્યા. મહારાજાએ પણ સામાન્ય માણસની જેમ ઘોડો ઉભો રાખી દીધો અને પુછ્યુ, "બોલો બહેન, શું કામ છે ?" પેલા બહેને કહ્યુ,"ભાઇ આ ઘાસનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરોને ?"

મહારાજા ભગવતસિંહજી પોતાના હોદાને એક બાજુ રાખીને સામાન્ય માણસની જેમ એ બહેનને ભારો માથા પર મુકવા માટે નીચે ઉતર્યા. પેલી બહેને કહ્યુ,"આપણા ભગાબાપુ જો થાકલા કરી આપે તો કોઇ ભારો ચડાવવા વાળાની મદદની જરૂર ન પડે" મહારાજાએ પોતાનો પરિચય આપ્યા વગર જ પુછ્યુ,"બહેન આ થાકલા એટલે શું ? " પેલી સ્ત્રીએ વિસ્તારથી સમજાવતા કહ્યુ, " માણસની ઉંચાઇ જેટલા બે મોટા પથ્થર પર એક આડો પથ્થર મુકીને જે તૈયાર કરવામાં આવે એ થાકલો. વટેમાર્ગુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર રાખીને થોડો વિસામો ખાઇ શકે અને જ્યારે ફરી આગળ વધવુ હોય ત્યારે કોઇ ભારો ચડાવવા વાળાની જરૂર ન પડે. વટેમાર્ગુ પોતે જ ઉપર રાખેલા ભારાને સીધો પોતાના માથા પર લઇ શકે." માથે ભારો ચડાવીને મહારાજા તો વિદાય થયા.

મહારાજા જ્યારે પોતાનું કામ પતાવીને ગોંડલ પરત આવ્યા એટલે તુરંત જ મુખ્ય ઇજનેરને મળવા માટે બોલાવ્યો. મુખ્ય ઇજનેર આવ્યો એટલે સર ભગવતસિંહજીએ એને થાકલા વાળી વાત કહીને સુચના આપતા કહ્યુ કે રાજ્યના તમામ રસ્તાઓ પર દોઢ માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી દો જેથી મારા રાજ્યની કોઇ વ્યક્તિને ભારો ચડાવવા માટે કોઇની રાહ ન જોવી પડે અને કોઇના ઓસીયાળા ના રહેવું પડે. આ થાકલાનો માઇલસ્ટોન તરીકે પણ ઉપયોગ કરો જેથી ઉભા કરેલા થાકલાથી નજીકનું ગામ કેટલું દુર છે એની પણ વટેમાર્ગુને ખબર પડે.

ગોંડલ રાજ્યની પ્રજાના પ્રિય એવા ભગાબાપુએ તૈયાર કરેલા એ થાકલાઓ આજે પણ ગોંડલ રાજ્યના મુખ્ય માર્ગો પર જોવા મળે છે.(ફોટામાં રહેલા આ થાકલાઓ જોઇને બળબળતી બપોરે પણ આંખોને ન વર્ણવી શકાય એવી થંડક મળે છે.) જ્યારે જ્યારે હું મારા ગામ મોવિયા જાવ છું ત્યારે રસ્તામાં આ થાકલાઓ જોઇને એવુ થાય કે આ લોકશાહી કરતા ભગાબાપુની રાજાશાહી કેવી સારી ?

બીલખાના મહારાજાએ એની ડાયરીમાં એવી નોંધ કરેલી છે કે 'ગોંડલ રાજ્યની હદ ક્યાંથી શરુ થાય અને ક્યાં પુરી થાય એ જોવા માટે તમારે હાથમાં નકશો લેવાની જરુર જ નહિ. આંખ બંધ કરીને ઘોડાગાડીમાં બેસો તો પણ ગોંડલ આવે એટલે તમને ખબર પડી જાય કારણકે સમથળ રસ્તાઓને કારણે રોદા આવતા બંધ થઇ જાય અને ગોંડલની હદ પુરી થતા ફરી રોદા આવવાના શરુ થઇ જાય.'

એક એ ગોંડલ હતુ અને એક આજનું ગોંડલ છે . આજે વર્તમાન સમયે પણ ગોંડલની હદ ક્યાંથી શરુ થાય અને ક્યાં પુરી થાય એ જાણવા માટે નકશો હાથમાં લેવાની જરૂર નહી. આંખો બંધ કરીને બેસો. રોદા આવવાના શરુ થાય એટલે સમજી લેવાનું કે ગોંડલ આવ્યુ અને રોદા આવતા બંધ થાય એટલે સમજી લેવાનું કે ગોંડલની હદ પુરી.
સર ભગવતસિંહજીના પ્રજાલક્ષી શાશનને શત શત વંદન

પરિસ્થિતિનો આનંદ

આનંદમાં કેમ રહેવું ?

એક રાજા મોટું વહાણ લઇને દરીયાની સફર કરવા માટે નીકળ્યા.દરીયામાં આવેલા ટાપુઓ એને જોવા હતા.સાથે ઘણા બધા નોકરો અને મદદનિશો સેવા માટે લીધા હતા. વહાણ ધીમે-ધીમે સમુદ્રના મધ્યભાગમાં આવેલા ટાપુઓ તરફ આગળ વધી રહ્યુ હતુ. બધા આનંદથી ગીતો ગાતા ગાતા સફરની મજા લઇ રહ્યા હતા.

સાવ અચાનક દરીયામાં તોફાન શરુ થયુ અને ધીમે ધીમે તોફાન વધવા લાગ્યુ. વહાણ પણ હાલક ડોલક થવા લાગ્યુ. વહાણ પર રસોઇની સેવા માટે લેવામાં આવેલો એક રસોઇયો રડવા લાગ્યો. ધીમે ધીમે એના રડવાનો અવાજ એટલો વધ્યો કે બધાના કાન દુ:ખવા લાગ્યા.

રાજાએ ગુસ્સે થઇને કહ્યુ , ” આ રસોઇયાને ઉપાડીને દરીયામાં નાંખી દો. ક્યારનો રડ-રડ કરીને બીજાને પરેશાન કરે છે.” પ્રધાને રાજાને સમજાવતા કહ્યુ કે એને દરીયામાં ફેંકવાની જરુર નથી આપ મારા પર છોડી દો હું તેને રડતો બંધ કરી દઇશ. રાજાએ જે કરવુ હોય એ કરવાની પ્રધાનને મંજૂરી આપી.

પ્રધાન રસોઇયા પાસે ગયા અને તેને દોરડેથી બાંધીને વહાણમાંથી નીચે લટકાવ્યો. રસોઇયો તો એકદમ ગભરાઇ ગયો. લટકતા- લટકતા તોફાનનો સામનો કરવો ખુબ મુશ્કેલ હતો. થોડીવાર એને એમ જ રહેવા દઇને પછી પ્રધાને એને ફરીથી વહાણમાં લઇ લીધો.

જેવો એ વહાણમાં આવ્યો અને એને દોરડાઓ છોડીને મુકત કરવામાં આવ્યો કે તુરંત જ દોડીને એક ખુણામાં બેસી ગયો અને સાવ મુંગો થઇ ગયો. રાજાએ આવું કેવી રીતે બન્યુ એ જાણવા માટે પ્રધાનની પૃછા કરી તો પ્રધાને કહ્યુ , ” મહારાજ , માણસ ત્યાં સુધી બરાડા પાડે છે અને ફરીયાદો કરે છે જ્યાં સુધી એણે પોતે અત્યારે જે સ્થિતીમાં જેવી રહ્યો છે એના કરતા ખરાબ પરિસ્થિતી નથી જોઇ. જ્યારે એ હાલની પરિસ્થિતી કરતા પણ ખરાબ પરિસ્થિતીનો અનુભવ કરે છે ત્યારે એને હાલની પરિસ્થિતી વધુ સારી લાગે છે. ”

મિત્રો , આપણે આપણી હાલની પરિસ્થિતીની અનેક ફરીયાદો કરીએ છીએ. ફરીયાદો બંધ કરીને પરિસ્થિતી બદલવાના પ્રયાસો કરીશું તો તેમાં ચોક્કસ સફળતા મેળશે...

મેરા દરદ ન જાને કોઇ

મેરા દરદ ન જાને કોઇ

ગામડાની એક નાની બજારમાં લુહાર અને સોનીની દુકાનો સામસામે આવેલી હતી. એકવખત લુહાર મોટો ઘણ લઇને લોખંડને ટીપી રહ્યો હતો ત્યારે ઘણ બાજુમાં વાગતા જ લોખંડનો એક નાનો ટુકડો ઉડીને બહાર ગયો અને બરાબર સામે આવેલી સોનીની દુકાનમાં પડ્યો. સોનીની દુકાનમાં રહેલા સોનાના ટુકડાએ જોયુ કે આજે લોખંડનો ટુકડો એમને ત્યાં આવ્યો છે એટલે એણે લોખંડના ટુકડાનું સ્વાગત કર્યુ.

સોનાના ટુકડાએ લોખંડના ટુકડાને ફરિયાદ કરતા કહ્યુ, ” યાર , તમારા કરતા અમારુ મુલ્ય અનેકગણું વધારે છે અને આમ છતા અમે હંમેશા શાંત રહીએ છીએ બહુ અવાજ કરતા નથી ( સોની જ્યારે સોનું ઘડતો હોય ત્યારે કોઇ અવાજ ન થાય અને થાય તો પણ બહુ જ ધીમો ) અને તમે તો રાડા- રાડી કરતા હોવ છો ( લુહાર જ્યારે લોખંડને ટીપતા હોય ત્યારે બહુ જ અવાજ થાય અને અવાજ દુર-દુર સુધી સંભળાય). ખોટો અવાજ ન કરતા હોય તો ?

સોનાના ટુકડાને જવાબ આપતા લોખંડનો ટુકડો બોલ્યો , ” ભાઇ, તું સોનુ છે પણ તને ટીપનાર હથોડી લોખંડની બનેલી હોય છે અને ઘા પણ બહુ જ ધીમા ધીમા મારે છે. જ્યારે હું લોખંડ છુ અને મને ટીપનાર હથોડો પણ લોખંડનો છે અને ઘા પણ એવા મારે છે કે સહન નથી થતા ”

આંખમાં આંસુ સાથે પોતાની પીડા વર્ણવતા લોખંડના ટુકડાએ કહ્યુ ” ભાઇ તને તો પારકા ઘા મારે છે પણ અમને તો અમારા જ ઘા મારે છે. પારકા જે પીડા આપે એ તો સહન થાય કારણ કે પારકાના ઘા થી માત્ર શરીર જ ટીપાય પણ પોતાના જ્યારે પીડા આપે ત્યારે અસહ્ય બની જાય છે કારણ કે પોતાના જ ઘા મારે ત્યારે માત્ર શરિર જ નહી હદય પણ ટીપાય છે એટલે રાડો ના પાડીએ તો બીજુ શું કરીએ ? ”

આપણા પોતાના લોકોના હદય અને લાગણી પર ઘા કરવાનું બંધ કરીએ કારણ કે એનાથી થતી પીડા અસહ્ય હોય છે અને એ પોતાની આ પીડા વિષે કોઇને કહી પણ નથી શકતા.શરિરના ઝખમો જોઇને લોકો ખબર- અંતર પણ પુછે પણ આ હદયના ઝખમો ક્યાં કોઇને દેખાય છે ?

પરિસ્થિતિનો આનંદ

આનંદમાં કેમ રહેવું ?

એક રાજા મોટું વહાણ લઇને દરીયાની સફર કરવા માટે નીકળ્યા.દરીયામાં આવેલા ટાપુઓ એને જોવા હતા.સાથે ઘણા બધા નોકરો અને મદદનિશો સેવા માટે લીધા હતા. વહાણ ધીમે-ધીમે સમુદ્રના મધ્યભાગમાં આવેલા ટાપુઓ તરફ આગળ વધી રહ્યુ હતુ. બધા આનંદથી ગીતો ગાતા ગાતા સફરની મજા લઇ રહ્યા હતા.

સાવ અચાનક દરીયામાં તોફાન શરુ થયુ અને ધીમે ધીમે તોફાન વધવા લાગ્યુ. વહાણ પણ હાલક ડોલક થવા લાગ્યુ. વહાણ પર રસોઇની સેવા માટે લેવામાં આવેલો એક રસોઇયો રડવા લાગ્યો. ધીમે ધીમે એના રડવાનો અવાજ એટલો વધ્યો કે બધાના કાન દુ:ખવા લાગ્યા.

રાજાએ ગુસ્સે થઇને કહ્યુ , ” આ રસોઇયાને ઉપાડીને દરીયામાં નાંખી દો. ક્યારનો રડ-રડ કરીને બીજાને પરેશાન કરે છે.” પ્રધાને રાજાને સમજાવતા કહ્યુ કે એને દરીયામાં ફેંકવાની જરુર નથી આપ મારા પર છોડી દો હું તેને રડતો બંધ કરી દઇશ. રાજાએ જે કરવુ હોય એ કરવાની પ્રધાનને મંજૂરી આપી.

પ્રધાન રસોઇયા પાસે ગયા અને તેને દોરડેથી બાંધીને વહાણમાંથી નીચે લટકાવ્યો. રસોઇયો તો એકદમ ગભરાઇ ગયો. લટકતા- લટકતા તોફાનનો સામનો કરવો ખુબ મુશ્કેલ હતો. થોડીવાર એને એમ જ રહેવા દઇને પછી પ્રધાને એને ફરીથી વહાણમાં લઇ લીધો.

જેવો એ વહાણમાં આવ્યો અને એને દોરડાઓ છોડીને મુકત કરવામાં આવ્યો કે તુરંત જ દોડીને એક ખુણામાં બેસી ગયો અને સાવ મુંગો થઇ ગયો. રાજાએ આવું કેવી રીતે બન્યુ એ જાણવા માટે પ્રધાનની પૃછા કરી તો પ્રધાને કહ્યુ , ” મહારાજ , માણસ ત્યાં સુધી બરાડા પાડે છે અને ફરીયાદો કરે છે જ્યાં સુધી એણે પોતે અત્યારે જે સ્થિતીમાં જેવી રહ્યો છે એના કરતા ખરાબ પરિસ્થિતી નથી જોઇ. જ્યારે એ હાલની પરિસ્થિતી કરતા પણ ખરાબ પરિસ્થિતીનો અનુભવ કરે છે ત્યારે એને હાલની પરિસ્થિતી વધુ સારી લાગે છે. ”

મિત્રો , આપણે આપણી હાલની પરિસ્થિતીની અનેક ફરીયાદો કરીએ છીએ. ફરીયાદો બંધ કરીને પરિસ્થિતી બદલવાના પ્રયાસો કરીશું તો તેમાં ચોક્કસ સફળતા મેળશે...

જીવનનું પડદા પાછળનું સત્ય

સત્ય એ પણ છે જે આપણને નથી દેખાતુ

એક ભાઇ પોતાની સાથે બે-ત્રણ નાના બાળકોને લઇને ટ્રેનમાં ચડ્યા. એક ડબ્બામાં થોડી જગ્યા જોઇ એટલે સામાન ઉપર રાખીને બારી પાસે કંઇક વિચારતા વિચારતા એ ભાઇ બેસી ગયા. ટ્રેઇન ચાલુ થઇ અને સાથે સાથે પેલા બાળકોના તોફાન પણ ચાલું થયા જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તોફાન વધતા ગયા.

પેલા ભાઇ તોફાન કરી રહેલા બાળકોને કંઇ જ કહેતા નહોતા આથી બાળકો વધુ ધમાચકડી મચાવતા હતા. થોડીવાર પછી તો એ બીજા મુસાફરોના સામનમાં હાથ નાખીને ફંફોસવા માંડ્યા અને આખો ડબો માથે લીધો. ડબાના અન્ય મુસાફરોથી હવે સહન કરવું મુશ્કેલ હતું એટલે બધાએ પેલા શૂન્ય મનસ્ક થઇને બેઠેલા ભાઇને ઢંઢોળીને કહ્યુ કે ભાઇ આ તમારા બાળકો કેવા તોફાન કરે છે તમે એને અટકાવતા કેમ નથી ?

બાળકો સહેજ દુર ગયા એટલે પેલા ભાઇએ મુસાફરોને ધીમેથી કહ્યુ કે એ બાળકોના તોફાન બદલ હું આપની માફી માંગું છુ અને હું એમને એટલા માટે નથી અટકાવતો કારણ કે આ તોફાન અને સુખ એના જીવનમાં બહું ટુંકા ગાળાનું છે આ બાળકોની “માં” મૃત્યું પામી છે અને હું એમને સાથે લઇને ડેડબોડી લેવા જાઉં છું હવે તમે જ કહો આ બાળકોને હું કેવી રીતે ચુપ કરાવું ?


તમામ મુસાફરોની આંખ ભીની થઇ ગઇ. જે બાળકોને એ નફરત કરતા હતા એ જ બાળકોને બીજી જ ક્ષણે વ્હાલ કરતા થઇ ગયા. કોઇએ ચોકલેટ આપી,કોઇએ બિસ્કીટ આપ્યા તો વળી કોઇએ બહારથી આઇસ્ક્રિમ પણ લઇ આપ્યો. કોઇએ બાળકોને પોતાના ખોળામાં બેસાડ્યા , કોઇએ માથા પર હાથ ફેરવ્યો તો કોઇ એ કપાળમાં ચુમી આપી. સત્યતા જાણ્યા પછી તમામ મુસાફરોનો ગુસ્સો ન જાણે ક્યા જતો રહ્યો !!!!!!

જીંદગી માત્ર એ નથી જે આપણે જોઇએ છીએ એ પણ છે જે જોઇ શકવા માટે આપણે સક્ષમ નથી. અને જ્યારે કોઇની મદદ કે માર્ગદર્શનથી નથી જોઇ શકતા એ જોતા અને સમજતા થઇશું ત્યારે આપણી નફરત પ્રેમમાં પલટાતા બીલકુલ વાર નહી લાગે.

સ્વામી રામતિર્થ

આ જીંદગીના ચોપડામાં સરવાળો માંડજો

એકવાર સ્વામી રામતિર્થ ઋષિકેશમાં ગંગા નદીના કિનારે ફરી રહ્યા હતા. એમણે એક સન્યાસીને જોયા એટલે એમની પાસે જઇને વાતો ચાલું કરી.

“શું આપ સન્યાસી છો ?”
” જી, હા હું યોગી છું”
”આપ કેટલા વર્ષથી યોગી છો?”
“ લગભગ 40 વર્ષથી “

” ઓહ ! આપ ખુબ અનુભવી છો. આપે આ 40 વર્ષ દરમિયાન કોઇ ખાસ ઉપલબ્ધિ મેળવી હોય તો એ જણાવવાની કૃપા કરશો ?”


પેલા સન્યાસીએ થોડા અભિમાન સાથે કહ્યુ , “ ગંગા નદીનો આ વિશાળ પટ્ટ આપને દેખાય છે ને તે પાણીના પ્રવાહ પર, હું સડક પર ચાલતો હોવ એ રીતે ચાલી શકું છું.”

સ્વામી રામતિર્થે કહ્યુ , “ આ સિવાય કોઇ બીજી ઉપલ્બ્ધિ મેળવી છે આપે ?”

પેલા સન્યાસીએ કહ્યુ, “ પાણી પર ચાલવાની આ ઉપલબ્ધિ તમને નાની લાગે છે ?”

સ્વામી રામતિર્થે હસતા હસતા કહ્યુ, “ યોગીરાજ , તમે તમારી જીંદગીના 40 વર્ષ ખર્ચીને જે ઉપલબ્ધિ મેળવી છે તેની કિંમત મારે મન તો બે આના જેટલી જ છે કેમ કે બે આનામાં નાવ વાળો કોઇપણ વ્યક્તિને નાવમાં બેસાડીને સામે કાંઠે આરામથી પહોંચાડી દે છે.


માણસે એવી વિદ્યા શિખવી જોઇએ જે પોતાના માટે તો ફાયદાકારક હોય જ પણ સાથે-સાથે જગતના અન્ય લોકો માટે પણ એ લાભકારક હોય..

બરાક ઓબામા


આજથી લગભગ 30 વર્ષ પહેલાની આ વાત છે.

મેરી એન્ડરસન નામની એક મહિલા નોર્વેમાં નોકરી કરતા એના પતિને મળવા માટે જઇ રહી હતી. અમેરીકાના મીયામી એરપોર્ટ પર ચેક-ઇન માટેની લાઇમાં ઉભેલી મેરી જાત-જાતના સપનાઓ જોઇ રહી હતી કારણકે હજુ હમણા જ એના લગ્ન થયા હતા અને પતિ સાથે વધુ સમય પણ વિતાવી શકી નહોતી. હવે પતિ સાથે જ બધો સમય વિતાવવા મળશે એ વિચાર મેરીને આનંદીત કરી રહ્યો હતો.

મેરીનો વારો આવ્યો એટલે પોતાની ટીકીટ બતાવી અને બોર્ડીંગ માટેનો સામાન આપ્યો. સામાનનો વજન કર્યા બાદ ફરજ પરના કર્મચારીએ કહ્યુ, "મેડમ, આપના સામાનનું વજન મર્યાદા કરતા વધુ છે. કાં તો આપને સામાન ઓછો કરવો પડશે કાં તો વધારાના 103 ડોલર ચુકવવા પડશે." હજુ હમણા 1 મીનીટ પહેલા જે ચહેરા પર અનોખો આનંદ હતો તે ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાવા લાગી. મેરી મુંઝાઇ ગઇ કારણકે એની પાસે ચૂકવણી કરવા માટે કોઇ રકમ નહોતી. આ અજાણ્યા એરપોર્ટ પર હવે શું કરવું એની મેરીને સમજ પડતી નહોતી.

અચાનક પાછળથી અવાજ આવ્યો "બહેન ચિંતા ના કરો તમારા પૈસા હું ચુકવી આપુ છું." મેરીએ પાછળ જોયુ તો એક અજાણ્યો પુરુષ હતો જે 103 ડોલર ચુકવી રહ્યો હતો. કોઇ ઓળખાણ નહોતી અને છતા પણ મેરીને એ ભાઇ મદદ કરી રહ્યા હતા. આજુબાજુમાં બીજા ઘણા મુસાફરો હતા પણ બીજા કોઇને મદદ કરવાનો વિચાર ના આવ્યો. મેરી આભારવશ એ અજાણ્યા ભાઇ સામે જોઇ રહી. એનાથી એટલુ જ બોલી શકાયુ 'હું તમારો આભાર જીંદગીભર નહી ભુલુ આપ મને એક કાગળમાં આપનું નામ અને સરનામું લખી આપો હું આપની રકમ આપને પહોંચતી કરીશ.'

પેલા પુરુષે એક ચબરખીમાં એનું નામ સરનામું લખીને ચબરખી મેરીના હાથમાં આપી. મેરી પુન: આભાર માનીને આગળ નીકળી ગઇ. પ્લેનમાં બેસી ગયા પછી પર્સમાંથી પેલી ચીઠ્ઠી કાઢીને મદદ કરનારનું નામ વાંચ્યું.
નામ લખ્યુ હતુ "બરાક ઓબામા"
મિત્રો, મોટા માણસો એમ જ મોટા નથી બની જતા હોતા.આપણે અજાણ્યાને તો ઠીક જાણીતાને પણ મદદ કરતા નથી અને મોટા માણસ બનવાના સપનાઓ જોઇએ છીએ. યાદ રાખીએ કે  નિસ્વાર્થભાવે કોઇને કરેલી મદદ ભગવાન અનંતગણી કરીને કોઇ બીજા સ્વરુપે પરત આપતા હોય છે...

નુકસાન અને કુટુંબપ્રેમ

એક સોનીથી લક્ષ્મીજી નારાજ થઇ ગયા. જતા સમયે બોલ્યા હું જઇ રહી છું, અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે. તૈયાર થઇ જા. પરંતુ, હું તને છેલ્લી ભેટ જરૂર આપવા માંગીશ. માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે.

સોની બહુ જ સમજદાર હતો. તેણે વિનંતિ કરી કે નુકસાન આવે તો ભલે આવે, પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ બન્યો રહે. બસ, મારી આ જ ઇચ્છા છે.
લક્ષ્મીજી એ તથાસ્તુઃ કહ્યું.

થોડાક દિવસો પછી,
સોની ની દુકાને કામ કરતા ભત્રીજા એ ભુલથી ખોટું સોનું ધરાવતો સેટ એક ફેરિયા પાસેથી ખરીદી કરી લીધો. સોની ને ખબર પડતાં દુઃખ થયું, પરંતુ તે ૫૦,૦૦૦ ના નુક્સાન માટે પોતાના ભાઈના દીકરાને વઢયા નહિ, ફક્ત શિખામણ આપી. એ સમજી ગયા હતા કે નુકશાન પ્રવેશ કરી ચુક્યો છે. “ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઉં”, એમ વિચારી તે લક્ષ્મી-નારાયણ મંદિરે ગયા. ત્યાં તેમના મોંઘા ચપ્પલ કોઈ ચોરી ગયું. નુકસાન એનો પરચો બતાવવા લાગ્યો હતો.

આ બાજુ ઘરે, સોની ની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે મીઠું વગેરે નાખ્યું, અને બીજું કામ કરવા લાગી. ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી ગઈ. તેની સાસુએ પણ આવું જ કર્યું.

સાંજે સૌથી પહેલા સોની આવ્યો. પહેલો કોળિયો મુખમાં લીધો તો ખ્યાલ આવ્યો કે બહું જ વધારે મીઠું પડી ગયુ છે. એ સમજી ગયો કે નુકસાન આવી ગયું છે. પન કંઇ બોલ્યા વગર ચૂપચાપ ખીચડી જમીને ચાલ્યા ગયા. એના પછી મોટા દીકરાનો નંબર આવ્યો. એણે પણ પહેલો કોળિયો મોઢામાં મુકતા તરત પૂછ્યુ કે પપ્પાએ જમવાનું જમી લીધું ? એમણે કંઇ કહ્યું ? બધાએ જવાબ આપ્યો ‘હા, જમી લીધું ! કઈ જ નથી બોલ્યા’.

હવે દીકરાએ વિચાર્યું કે જ્યારે પિતાજી જ કઈ નથી બોલ્યા તો હું પણ ચૂપચાપ જમી લઉ. આવી રીતે ઘરના બીજા સદસ્યો એક એક આવ્યા. પહેલા વાળાનું પૂછતા, અને ચૂપચાપ જમીને ચાલ્યા જતા.

રાતે નુકસાન હાથ જોડીને સોની ને કહેવા લાગ્યો,’ હું જઈ રહ્યો છું.’ સોનીએ પૂછ્યું, “કેમ ?”

ત્યારે નુકસાન કહે છે, ” તમે લોકો એક કિલો તો મીઠુ ખાઈ ગયા. તો પણ ઝઘડો જ ના થયો. મને લાગે છે કે મારું તો અહીં કઈ કામ નથી.”

બોધ:-
ઝઘડો, કમજોરી એ નુકસાનની ઓળખાણ છે. જ્યાં પ્રેમ છે, ત્યાં લક્ષ્મીનો વાસ છે. સદા પ્રેમ વહેંચતાં રહો. નાના- મોટાની કદર કરો.

Wednesday, May 24, 2017

વાણી-વર્તન અને વિશ્વાસ સંપાદન

વાણી-વર્તન અને વિશ્વાસ સંપાદન 
(A MOTIVATIONAL LESSON FOR STAFF AT VARIOUS INSTITUTES/COMPANIES)

" એક પુસ્તકાલયમાં પુસ્તકો ઇસ્યુ કરતા ટેબલ નજીક એક કેમેરા ગોઠવી દેવામાં આવ્યો, આ કેમેરા વડે ખેંચાયેલી તસવીરો વડે તારણ કાઢવાનું હતું કે પુસ્તકો લેવા માટે આવતી વ્યક્તિઓ ઉપર પુસ્તકાલયના કર્મચારીઓના વર્તનની કેવી અસર થાય છે." ( આ વાત આપણી સંસ્થા મેક્સ હોસ્પિટલને પણ એકદમ બંધબેસતી છે)

પ્રયોગ હાથ ધરતા પહેલા પુસ્તકોની આપ-લે કરતા કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે તેમણે પુસ્તક આપવા-લેવા આવતા વાચકો પ્રત્યે ખાસ ધ્યાન ના આપવું, આંખોથી કોઈ જ સંપર્ક સ્થાપિત ના કરવો, સ્મિત પણ ના આપવું અને શક્ય હોય ત્યાં સુંધી દુર્લક્ષપૂર્ણ ટૂંકી વાતચિત્તમાં જ કામ પતાવવું, કર્મચારીઓ આવું વર્તન કરવા માટે સંમત થતા પ્રયોગ અમલમાં મુકવામાં આવ્યો.

પુસ્તકાલયના દરવાજે પુસ્તકો લઇ બહાર નીકળતી વ્યક્તિઓ પાસેથી કર્મચારીઓની સેવા વિષે અભિપ્રાય પૂછવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી. પ્રયોગ શરુ થયો. વાચકો આવતા ગયા, જતા ગયા, અને અભિપ્રાયો લેવાતા ગયા. સાંજે તારણ  કાઢ્યા તો માલુમ પડ્યું કે મોટા ભાગના વાચકો ની ફરિયાદ હતી કે, " પુસ્તકાલયની સેવા જરાય સારી નથી." અલબત્ત, આવું જ પરિણામ અપેક્ષીત/ધાર્યું  હતું.

પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે કોઈ વાચકે કર્મચારીઓનું વર્તન સારું નહોતું, તેવી ફરિયાદ નહોતી કરી. પણ પુસ્તકાલયની સેવા વખોડી હતી. કેટલાક વાચકોએ અપૂરતા પ્રકાશની ફરિયાદ કરેલી, તો કેટલાકે પુસ્તકોના અનુક્રમ પરબર ના હોવાની તથા પોતાની પસંદગીના પુસ્તકો હાથવગા ના હોવાની કે ટેબલ-ખુરશી બરાબર ના હોવાની ફરિયાદ કરી.
પ્રયોગના  બીજા ચરણમાં પુસ્તકાલયના કર્મચારીઓને કહેવામાં આવ્યું કે..............

• વાચકની આંખમાં આંખ પરોવી સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે વિનમ્રતાથી સ્મિત સાથે વાત કરો.
• વાચકને તેના નામથી બોલાવો


ફરીથી કેમેરા વડે વાચકોની તસવીરો લેવામાં આવી. પુસ્તક લઈને બહાર નીકળતી વ્યક્તિઓના અભિપ્રાયો લેવામાં આવ્યા, આ વખતના તારણોમાં અજબ ફેરફાર જોવામાં આવ્યો.

મોટાભાગની વ્યક્તિઓએ પુસ્તકાલયની સેવા વિષે સંતોષ વ્યક્ત કર્યો, (એ જ પુસ્તકો, એ જ ટેબલ ખુરશી, એ જ સંસ્થા અને એજ કર્મચારીઓ તો પણ !!!) ફરીથી, સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓનો ઉલ્લેખ કોઈ એ પણ ના કર્યો, ભલે  તેમણે અનુભવેલો આ ફેરફાર આ કર્મચારીઓના કારણે જ હતો. મોટાભાગના વાચકો એ પોતાને સેવાથી સંતોષ હોવાના કારણો માં પૂરતી પ્રકાશ વ્યવસ્થા, વ્યવસ્થિત પુસ્તકના અનુક્રમ, ટેબલ-ખુરશી ની વ્યવસ્થા વગેરે મુદ્દાઓ જણાવ્યા, (એના એજ  હતા તો પણ !) પુસ્તકોની ગેરહાજરી વિષે આ વ્યક્તિઓનું કહેવું હતું કે  કેટલાક લોકપ્રિય પુસ્તકો સદાય વાચકોના હાથમાં ફરતા રહેવાથી સ્વાભાવિક રીતે પુસ્તકલાયમાં સહેલાયીથી ઉપલબ્ધ ના જ હોય, તેથી આગાઉથી ઓર્ડર નોંધાવવો પડે!

બોલો, કેવો ફેરફાર! 

એક જ સંજોગો માં માત્ર માણસનું વર્તન બીજા ઉપર કેવી સારી-નરસી છાપ ઉપસાવી શકે છે.


આ પ્રસંગ ઉપરથી શું બોધપાઠ મળ્યો તે તમારે જણાવવાનું છે.....(આ પ્રસંગનો ઘણો જ સારો પ્રતિસાદ મળ્યો અને ઘણી કંપનીઓમાં તેનો ઉત્સહવર્ધક સ્ટોરી તરીકે ઉપયોગ થઈ રહ્યો છે)

-- ડૉ. કાર્તિક શાહ

સ્ત્રીને ખરેખર શું જોઈએ છે?

રાજા હર્ષવર્ધન યુધ્ધમાં હારી ગયો. તેને હાથકડીઓ પહેરાવીને પાડોશી રાજાની સામે હાજર કરવામાં આવ્યો. પાડોશી દેશનો રાજા પોતાની જીતથી ખુશ હતો એટલે તે રાજાએ હર્ષવર્ધનની સામે એક  પ્રસ્તાવ રાખ્યો..

*“જો તું એક પ્રશ્નનો ઉત્તર મને લાવીને આપીશ તો અમે તારું રાજ્ય પાછું આપી દઈશું, તે સિવાય ઉમ્ર કેદ માટે તૈયાર રહેજે….પ્રશ્ન છે….. એક સ્ત્રીને ખરેખર શું જોઈતું હોય છે?”*

આના માટે તારી પાસે એક મહિનાનો સમય છે. હર્ષવર્ધને આ પ્રસ્તાવ મંજૂર કર્યો.

તે જગ્યાએ જગ્યાએ – ગામેગામ જઈને વિદુષીઓ, વિદ્વાનો અને તમામ ઘરેલું સ્ત્રીઓથી લઈને નૃત્યાંગનાઓ, વૈશ્યાઓ, દાસીઓ અને રાણીઓ, સાધ્વીઇઓ સૌને મળ્યા અને જાણવાં લાગ્યાં કે, એક સ્ત્રીને ખરેખર શું જોઈતું હોય છે ?

કોઈકે સોનું, કોઈ કે ચાંદી, તો કોઈકે હીરા જવેરાત, કોઈ કે પ્રેમ, કોઈ કે પુત્ર, પિતા, પતિ અને પરિવાર તો કોઈ કે રાજ્યપાટ અને સન્યાસની વાતો કરી, પણ હર્ષવર્ધનને સંતોષ ન થયો.

મહિનો પૂરો થવા આવ્યો છતા હર્ષવર્ધનને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો.
કોઈકે સલાહ આપી કે, દૂર દેશમાં એક જાદૂગરણી રહે છે, તેની પાસે દરેક વાતનો જવાબ હોય છે. કદાચ એની પાસે આ પ્રશ્નનો પણ જવાબ હોય!


હર્ષવર્ધન પોતાના મિત્ર સિદ્ધરાજની સાથે જાદુગરણી પાસે ગયો અને પોતાનો પ્રશ્નની રજુઆત કરી.
જાદુગરણીએ હર્ષવર્ધનના મિત્રની સામે જોતા કહ્યું, હું તમને સાચો ઉત્તર બતાવીશ પણ એના બદલામાં તમારા મિત્રને મારી સાથે લગ્ન કરવા પડશે. જાદુગરણણી વૃદ્ધ તો હતી જ, પણ સાથે સાથે ખૂબ જ બદ્સૂરત પણ હતી. જયારે તેણે પોતાનું સ્મિત હર્ષવર્ધનની તરફ ફેંક્યું, ત્યારે એન દુર્ગંધી બોખા મુખ માંથી એક સડેલા દાંતે દેખા દીધી.


હર્ષવર્ધને પોતાના મિત્રને સમસ્યામાં ન નાખતા જાદુગરણીને સ્પષ્ટ ના પાડી દીધી. સિદ્ધરાજે હર્ષવર્ધનની એક વાત ના સાંભળી અને પોતાના મિત્રના જીવનની ખાતર જાદુગરણી સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયો.

ત્યારે જાદુગરણી એ ઉત્તર કહ્યો, *“સ્ત્રીઓ, પોતે જાતે પોતાનો નિર્ણય લેવા માટે આત્મનિર્ભર બનવા ઇચ્છે છે.”*
આ જવાબ સાંભળીને હર્ષવર્ધનને સંતોષ થયો, પાડોશી રાજ્યના રાજાએ પણ આ ઉત્તર સ્વીકાર કરી લીધો અને તેણે હર્ષવર્ધનને એનું રાજ્ય ફરી આપી દીધું.

અહીં આ બાજુ જાદુગરણી સાથે સિદ્ધરાજના લગ્ન થઇ ગયા. જાદુગરણીએ અડધી રાતે પતિને કહ્યું,
"કેમ કે તમારું હ્દય પવિત્ર છે અને પોતાના મિત્ર માટે તમે કુરબાની આપી છે, આથી હું ચોવીસ કલાકમાં બાર કલાક તો રૂપસી રૂપમાં રહીશ અને બાકીના બાર કલાક પોતાના સાચા રૂપમાં, બોલ તને શું પસંદ છે? – પહેલા રૂપાળી અપ્સરાનું રૂપ કે મારું સાચું રૂપ?”

સિદ્ધરાજે કહ્યું, “પ્રિયતમા આ નિર્ણય તારે જ કરવાનો છે, મેં તને પત્નીના રૂપમાં સ્વીકાર કરી છે, અને તારું દરેક રૂપ મને પસંદ છે.”


જાદુગરણી આ સાંભળીને રૂપસી બની ગઈ, એણે કહ્યું, “તે નિર્ણય મારા પર મુક્યો છે તો હું હવે હંમેશા આજ રૂપમાં રહીશ. આમ પણ, મારું અસલી રૂપ જ આ છે. કદરૂપી વૃદ્ધાનું રૂપ તો મેં આપણી આસપાસના દુનિયાના ખરાબ લોકોને દૂર કરવા માટે ધારણ કર્યું હતું.”

એટલે કે, સામાજીક વ્યવસ્થાએ સ્ત્રીઓને પરતંત્ર બનાવી દીધી છે, પણ માનસિક રૂપમાં કોઈ પણ સ્ત્રી પરતંત્ર નથી.
એટલે જે લોકો પત્નીને ઘરની માલિક બનાવી દે છે, તે વારંવાર ખુશ દેખાતા હોય છે. આપ તેને માલિક ભલે ના બનાવો, પણ એની જીંદગીના એક ભાગને મુક્ત કરી દો. એને એ ભાગથી જોડાયેલા નિર્ણય પોતે જ લેવા દો…..પછી જુઓ મજા!

--  અજ્ઞાત (સંકલિત...કાર્તિક શાહ)

Monday, May 15, 2017

રજાચીઠ્ઠી

રજાચીઠ્ઠી’* (પ્રામાણિકતા નથી મરી પરવારી!!)
*************************************

ઘરમા વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું..... અને ખૂબ મજા કરીશુ...!’ મમ્મી તો ગોવા જતી ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા હોય છે તેવુ આભાસી ચિત્ર મોટા દિકરા આયુધ અને નાની દીકરી રીધ્ધીને બતાવી રહી હતી.


‘અને જો મમ્મી... હું બીચ પર ખૂબ ન્હાવાનો છું... તું મને રોકતી નહી...!!’ દસમા ધોરણની પરીક્ષા પુરી થયા પછી આયુધ ક્યારનો’ય વેકેશનની મોજમસ્તીના સપના જોઇ રહ્યો હતો.

‘પણ.... મમ્મી.... આ ફરવા જવાનો ખર્ચ કેટલો થશે ?’ ક્યારનીયે ચુપ બેસેલી રિધ્ધિએ મમ્મીને પુછી લીધું.

‘એ.. તો.. તારા પપ્પાને ખબર...!!’ મમ્મી એ જવાબ વાળી દીધો તો ખરો, પણ જે ચિંતા મોટા વ્યક્તિને થવી જોઇતી’તી તે ચિંતા ઘરની સૌથી નાની વ્યક્તિ જે હજુ તો ચોથા ધોરણની પરીક્ષા આપી તે રિધ્ધિ કરી રહી હતી.

‘પણ.. જુઓ આ વખતે હુ તમારુ કોઇ બહાનુ નહી ચલાવી લઉ... મારી બધી બહેનો તો આખુ ભારત ફરી આવી... તમે મને અંબાજીથી ક્યાંય આગળ નથી લઇ ગયા....!!! ગમે તે કરી આ વેકેશન તો મારે ગોવા જ જવુ છે.....!!!’ આ સ્ત્રીહ્ઠે વશિષ્ઠને મજબુર કરી દીધો હતો….


જો કે તે સ્ત્રીહ્ઠ પુરી કરવા પાછળ વશિષ્ઠે પોતાની પ્રામાણિક્તા દાવ પર લગાવી દીધી હતી. પોતાની કંપનીમા એક મોટો ઓર્ડર અપાવવા માટે સામેની કંપની પાસે ગોવાનું પેકેજ લાંચ પેટે લઇ લીધુ હતુ..
વશિષ્ઠની અંદરનો વસવસો દુર કરવા તેની પત્નીએ જ પ્રેક્ટિક્લ એપ્રોચ સમજાવ્યો હ્તો.

વશિષ્ઠની પત્નીએ અને આયુધે તો પોતાની સોસાયટી અને દરેક જાણીતાને પોતે વેકેશનમા પ્લેનમાં ફરવા જવાના છે તેની જાહેરતો કરી દીધી હતી.
મમ્મીએ ત્રીજી વાર બધુ પેકીંગ ચકાસી લીધું.. અને બસ હવે તો ગોવામા જ શાંતીથી સુઇ શક્શે તેવા શમણાંમાં ખોવાઇ જતી...


રાત્રે બાર વાગે સેકન્ડ શિફ્ટ પુરી કરી વશિષ્ઠ ઘરે આવ્યો.
તેના ચહેરા પર નૂર ઓછુ હતુ... તે ચુપ હતો... પત્નીએ આજે પહેલી વાર રાત્રે મોડે ગરમ-ગરમ રસોઇ બનાવી આપી.
ચોથા કોળીએ તો વશિષ્ઠે તો કહી દીધું,.. ‘મારી રજા મંજુર થઇ નથી... બધા વેકેશનમા રજા લેશે તો કંપની કેવી રીતે ચાલશે ? શેઠે હમણા રજા નહી મળે તેમ સ્પષ્ટ કહ્યું છે…..!!’ આ વાક્ય પુરુ થતા તો તેની પત્નીના બધા સપનાઓ તો જાણે એકક્ષણમાં જ ઓગળી ગયા.

‘તો... પછી એમ કરો.... બિમારીની રજા લઇ લો...!!’

‘પણ.. માંદુ કોણ છે ? એક તો મેં શેઠને જણાવ્યું પણ નથી કે આપણે ફરવા જવાના છીએ... જો તે તપાસ કરે કે આ પેકેજ મને પેલી કમ્પનીએ ગિફ્ટ વાઉચરમા આપ્યું છે.. તો... મારી વર્ષોની પ્રામાણિક્તા અને વિશ્વાસ પર પાણી ફરી વળે...!!’ વશિષ્ઠ ખોટું કરવા તૈયાર નહોતો.

‘બળી તમારી પ્રામાણિક્તા...ને બળ્યો તમારો વિશ્વાસ.... આટલા વર્ષોની નોકરી પછી તમને મળ્યું છે શું ? અને એક વાર ખોટુ બોલી જશો કે મારી દિકરી ખરેખર માંદી છે.. તો શેઠ કાંઇ ઘરે થોડા જોવા આવવાના છે ?’ પત્નિ ખૂબ પ્રેક્ટિક્લ બની વશિષ્ઠના વર્ષોની પ્રામાણિકતાને તુચ્છ જણાવી રહી હતી.

‘સારુ.. એમ કરીશ....’ ત્રણ શબ્દો પછી વશિષ્ઠે જમવાનુ પુરુ કર્યુ અને આયુધ- રિધ્ધિ પાસે સુઇ ગયા.

રિધ્ધિ તે બન્નેની વાતચીત સાંભળી ચુકી હતી.
વશિષ્ઠની આંખોમાથી ઉંઘે રજા લઇ લીધી હોય તેમ તે રુમની છતને તાકીને જોઇ રહ્યો હતો.
રિધ્ધિ જાણે પપ્પાની પરિસ્થિતિ પામી ચુકી હોય તેમ પોતાની નાની હ્થેળીથી પપ્પાના માથે હાથ ફેરવવા લાગી.

‘કેમ બેટા, ઉંઘ નથી આવતી....??’ વશિષ્ઠે રિધ્ધિ બાજુ પડખુ ફેરવ્યું.

‘પપ્પા... તમને પણ ક્યાં ઉંઘ આવે છે..? પપ્પા પૈસાની તકલીફ હોય તો આપણે ફરવા નથી જવું.’ દિકરીની નાની હથેળીમાં વ્હાલ એટલું હતું કે વશિષ્ઠની આંખો ભરાઇ આવી...


‘ના... બેટા.. આ તો રજા પાસ નથી થઇ... એટલે શું કરું તે વિચારતો હતો... પણ એ તો હું ગમે તેમ કરીને તે કરી લઇશ.. તુ સૂઇ જા અને વેકેશન ટુરની તૈયારી કર...’ વશિષ્ઠે રિધ્ધિના કપાળે દીર્ધ ચુંબન કર્યુ અને જાણે પોતાના બધો’ય ભાર હળવો થઇ ગયો હોય તેમ લાગ્યું.

બીજા દિવસે વશિષ્ઠે પોતાના ઓળખીતા ડોક્ટર પાસે રિધ્ધિની માંદગીનુ સર્ટી લઇ લીધું અને કંપનીમા ભારે પગલે શેઠની કેબિનમા પગ મુક્યો.

શેઠ તેમના હાથમા એક કાગળ વાંચી રહ્યા હતા.
‘સર... મારી રજાચીઠ્ઠી.... મારી દિકરીને ઝેરી મેલેરીયાની અસર છે... હું અઠવાડિયું કામ પર નહી આવી શકું...!!’ વશિષ્ઠે આખરે સાહ્સ કરીને ખોટુ બોલી દીધું.
‘રજા આપી નથી એટલે બહાનું તો નથીને વશિષ્ઠ...???’’ શેઠે ધારદાર નજરથી વશિષ્ઠ સામે જોયું.


અને તે ક્ષણે વશિષ્ઠની આંખોમા રહેલુ અસત્ય ક્યાંક પરખાઇ ન જાય એટલે તે આડીઅવળી થઇને સુરક્ષિત ખુણો શોધવા લાગી અને છેલ્લે તે જમીન તરફ સ્થિર થઇ ગઇ. અને જીભે તેનું પ્રેક્ટિક્લ કામ કર્યું, ‘ના... સર....!!’
‘સારુ મને તારામા વિશ્વાસ છે કે તું ખોટુ નહી બોલે...!!’ શેઠના આ શબ્દોથી વશિષ્ઠને થયું કે ખરેખર આજે પહેલીવાર હું મારી નજર ઉંચી નથી કરી શક્તો.


તે ચુપ રહ્યો.
શેઠે કહ્યું, ‘સારુ રિધ્ધીની સારવારનો ખર્ચ કંપનમાંથી લઇ લેજે....!’ આ શબ્દોથી વશિષ્ઠની આંખોમાંથી ઝળઝળીયા આવી ગયા... અને ફરી અંદરથી સત્ય બેઠું થઇ ગયું.

તે વિશ્વાસથી શેઠને સાચુ કહેવા નજીક આવ્યો.. ‘સર... સોરી... હું આજે તમારી સામે જુઠ્ઠુ બોલ્યો છું...રિધ્ધિ માંદી નથી..મારે રજા નથી જોઇતી...!’ વશિષ્ઠ ઝડપથી કેબિન બહાર નીકળવા લાગ્યો...!!’

‘ઉભો રહે વશિષ્ઠ.... તુ આ કંપનીનો સૌથી જુનો અને પ્રામાણિક કર્મચારી છે... તુ જુઠ્ઠુ બોલ્યો તેની સજા થશે...' શેઠની આંખોમાંથી જાણે આગના તણખા ઝરી રહ્યા હતા.
'લે આ કવર...!!’ શેઠના ભારેખમ અવાજમાં વશિષ્ઠના પગ થંભી ગયા.

વશિષ્ઠને લાગ્યું કે શેઠે મને પાણિચુ તો નથી પકડાવી દીધુ’ને...??
‘સારુ.. ખોલ... કવરને ..!!’ શેઠનો અવાજ વધુ ભારેખમ હતો.
વશિષ્ઠે ધ્રુજતા હાથે કવર ખોલ્યું, તેમા એક નાની ચીઠ્ઠી હતી.. અને સાથે બીજુ કવર હતુ...!

‘તે ચીઠ્ઠી વાંચ...!’ શેઠ હજુ ગુસ્સામા હતા.
નાની ચબરખીમાં મરોડદાર અક્ષરે લખેલું હતું....


રજા ચિઠઠી....
------------------

સર જણાવવાનું કે મારા પપ્પાની રજા તમે મંજુર કરી નથી.અમારે ખરેખર ફરવા જવું છે. મારા પપ્પા ક્યારેય ખોટુ બોલતા નથી. પણ કાલે રાત્રે જ મને લાગ્યું કે મારા પપ્પા અમારા માટે ખોટુ બોલીને તમારી પાસે રજા માંગશે. મારી સ્કુલની રજા માટે મારા પપ્પા જો રજાચીઠ્ઠી લખતા હોય તો તેમની રજાચીઠઠી હું કેમ ન લખી શકું ? વળી.. પપ્પાને પૈસાની પણ તક્લીફો છે.. જે મને ક્યારેય નહી જણાવે કેમ કે હું તેમની દિકરી છું... દિકરો નહી.....!! હું માંદી નથી. છતા પણ તમે મારા પપ્પાને રજા આપશો તેવી હું તેમની દિકરી ભલામણ કરુ છું.
મારા પપ્પાની વ્હાલી દિકરી,
રિધ્ધિ.
------------------

વાંચતાની સાથે જ વશિષ્ઠની આંખો ઉભરાઇ ગઇ... ગળામાં ડુમો બાઝી ગયો. તે નિ:શબ્દ બની ઉભો રહી ગયો.
શેઠ ઉભા થઇને તેની નજીક આવ્યા અને કહ્યું. ‘વશિષ્ઠ...આ ક્વરમા બીજુ કાગળ છે તે તમારી ફેમિલી ટુરનું યુરોપનું પેકેજ છે. તમારા પાસપોર્ટ, વીઝા થઇ જશે... ખરીદીના વાઉચરો છે...તમારા મનગમતા કપડા ખરીદી લેજો....અને ગોવા જવાની જરુર નથી....!!’શેઠ પણ દુનીયાદારી જોઈ ચુક્યા હતા.


વશિષ્ઠ શેઠના ચરણોમા ઝુકી ગયો..
શેઠે તેને ખભો પક્ડીને ઉભો કર્યો અને કહ્યુ,, ‘અને.... હા તારી ડાહી રિધ્ધિને કહી દે જે કે મેં તેને લખેલી રજાચીઠ્ઠી મંજુર કરી દીધી છે.


---આવું આશ્ચર્ય ક્યારેક હકીકતે બંને પક્ષે એટલેકે શેઠ અને કર્મચારી બંનેને થતું જ હોય છે...પણ પ્રામાણિકતા નો કોઈ જ વિકલ્પ નથી એ ના ભૂલવું જોઇયે!!

ના બોલવામાં નવ ગુણ

"ના બોલવામાં નવ ગુણ"--- એ એક પ્રખ્યાત કહેવત છે, કોઈ કહેશે મને આ નવ ગુણો કયા???

જવાબ રજૂ કરું છું:
1. કોઈનું હૈયું દુભાય નહીં.
2. કોઈના કજિયા કંકાસ માં નિમિત્ત ના બનાય.
3. શત્રુ ઉભા ના થાય
4. આપણો વાંક ના નીકળે.
5. વ્યાપારજીવન ના રહસ્યો ના છતાં થાય.
6. કોઈની નિંદા ના થાય.
7. બીજાની ખાનગી વાત ના કેહવાઈ જાય.
8. લોકોનો વિશ્વાસ તૂટે નહીં.
9. મનની શાંતિ જળવાઈ રહે

Saturday, May 13, 2017

આક્ષેપોથી આરંભો સફળતાની યાત્રા

આક્ષેપોથી આરંભો સફળતાની યાત્રા
■■■■◆◆◆◆◆■■■■


એકવખત એક ગધેડો માલિકના ઘરેથી નીકળીને ચાલતા-ચાલતા ગામની ભાગોળે પહોંચ્યો. ગામના પાદરમાં એક નાનો કુવો હતો જેમાં પાણી નહતુ અને લોકો તેમાં કચરો ફેંકતા. પેલો ગધેડો આ કુવામાં પડી ગયો અને ભોંકવા લાગ્યો. કોઇએ ગધેડાના માલિકને જઇને ગધેડો કુવામાં પડી ગયો છે તે સમાચાર આપ્યા.

માલિક તો સમાચાર મળતા જ મનમાં મલકાયો. આમ પણ આ ગધેડો એને ભારરુપ લાગતો હતો કારણકે ઉંમરને કારણે એ કોઇ કામ કરી શકતો નહોતો. માલિકે વિચાર્યુ કે ગધેડાને કુવામાંથી બહાર કાઢીશ તો એને સાચવવો પડશે એના કરતા આ સરસ તક મળી છે કુવામાં માટી નાખીને કુવાને પુરી દઉં એટલે ગધેડો પણ દટાઇ જશે.

માલિક કુવા કાંઠે પહોંચ્યો અને કુવામાં પડેલા ગધેડા સામે જોયુ. ગધેડાને લાગ્યુ કે માલિક બચાવવા આવ્યા છે એટલે એણે ભોંકવાનું બંધ કર્યુ. થોડીવારમાં ઉપરથી માટી પડવાની શરુ થઇ એટલે ગધેડાને માલિકનો ઇરાદો સમજાઇ ગયો.

ગધેડાએ કોઇપણ જાતનો વિરોધ કર્યો નથી અને ડર્યો પણ નહી. એણે એક નવો નુસખો અજમાવ્યો. એમના પર પડેલી માટીને એ ખંખેરી નાખે એટલે માટી નીચે જતી રહે પછી એ જ માટી પર પોતે ઉભો રહી જાય. ધીમે ધીમે કુવો પુરાવા લાગ્યો અને ગધેડો પણ ઉપર આવવા લાગ્યો. માલિક તો એમ જ માનતો હતો કે ગધેડા પર નાંખેલી આ માટી નીચે દબાઇને ગધેડો મરી ગયો હશે. કુવામાં ઘણી બધી માટી પુરાવાથી ગધેડો ઉપર આવી ગયો અને કુદીને કુવાની બહાર પણ નીકળી ગયો. માલિક તો ફાંટી આંખે ગધેડા સામે જોઇ રહ્યો.

ઇર્ષાથી બળી રહેલા કેટલાય લોકો આપણને નુકશાન કરવાના ભાવથી આપણા વિષે એલફેલ બોલે છે અને સમાજમાં આપણને નીચે પાડવાનો પ્રયાસ કરે છે આવા લોકોની સામે લડવાને બદલે એમણે આપણા પર નાંખેલા આ શબ્દોને ખંખેરીને એના જ ઉપયોગ દ્વારા ઉપર આવી જવું.

નોંધ: આ નાના પ્રસંગ પરથી ગધેડા (ગર્દભ રાજ)! પાસેથી શીખવા જેવી ત્રણ મહત્વની બાબત:

1. ગમે તેટલો ભાર હોય વહન કરવો!
2. તડકો, ટાઢ, વર્ષા ગમે એ સંજોગો હોય, પોતાનું કાર્ય કરે રાખવું!
3. જે મળે તેમાં સંતોષ રાખવો!


એટલે મારુ કહેવું એમ નથી કે ગધેડા જેવા બનો!! પણ આ પ્રાણી પાસેથી આટ આટલું શીખવા જેવું હોવા છતાંય માણસ એને તુચ્છ પ્રાણી ગણે છે!!