Thursday, May 25, 2017

મેરા દરદ ન જાને કોઇ

મેરા દરદ ન જાને કોઇ

ગામડાની એક નાની બજારમાં લુહાર અને સોનીની દુકાનો સામસામે આવેલી હતી. એકવખત લુહાર મોટો ઘણ લઇને લોખંડને ટીપી રહ્યો હતો ત્યારે ઘણ બાજુમાં વાગતા જ લોખંડનો એક નાનો ટુકડો ઉડીને બહાર ગયો અને બરાબર સામે આવેલી સોનીની દુકાનમાં પડ્યો. સોનીની દુકાનમાં રહેલા સોનાના ટુકડાએ જોયુ કે આજે લોખંડનો ટુકડો એમને ત્યાં આવ્યો છે એટલે એણે લોખંડના ટુકડાનું સ્વાગત કર્યુ.

સોનાના ટુકડાએ લોખંડના ટુકડાને ફરિયાદ કરતા કહ્યુ, ” યાર , તમારા કરતા અમારુ મુલ્ય અનેકગણું વધારે છે અને આમ છતા અમે હંમેશા શાંત રહીએ છીએ બહુ અવાજ કરતા નથી ( સોની જ્યારે સોનું ઘડતો હોય ત્યારે કોઇ અવાજ ન થાય અને થાય તો પણ બહુ જ ધીમો ) અને તમે તો રાડા- રાડી કરતા હોવ છો ( લુહાર જ્યારે લોખંડને ટીપતા હોય ત્યારે બહુ જ અવાજ થાય અને અવાજ દુર-દુર સુધી સંભળાય). ખોટો અવાજ ન કરતા હોય તો ?

સોનાના ટુકડાને જવાબ આપતા લોખંડનો ટુકડો બોલ્યો , ” ભાઇ, તું સોનુ છે પણ તને ટીપનાર હથોડી લોખંડની બનેલી હોય છે અને ઘા પણ બહુ જ ધીમા ધીમા મારે છે. જ્યારે હું લોખંડ છુ અને મને ટીપનાર હથોડો પણ લોખંડનો છે અને ઘા પણ એવા મારે છે કે સહન નથી થતા ”

આંખમાં આંસુ સાથે પોતાની પીડા વર્ણવતા લોખંડના ટુકડાએ કહ્યુ ” ભાઇ તને તો પારકા ઘા મારે છે પણ અમને તો અમારા જ ઘા મારે છે. પારકા જે પીડા આપે એ તો સહન થાય કારણ કે પારકાના ઘા થી માત્ર શરીર જ ટીપાય પણ પોતાના જ્યારે પીડા આપે ત્યારે અસહ્ય બની જાય છે કારણ કે પોતાના જ ઘા મારે ત્યારે માત્ર શરિર જ નહી હદય પણ ટીપાય છે એટલે રાડો ના પાડીએ તો બીજુ શું કરીએ ? ”

આપણા પોતાના લોકોના હદય અને લાગણી પર ઘા કરવાનું બંધ કરીએ કારણ કે એનાથી થતી પીડા અસહ્ય હોય છે અને એ પોતાની આ પીડા વિષે કોઇને કહી પણ નથી શકતા.શરિરના ઝખમો જોઇને લોકો ખબર- અંતર પણ પુછે પણ આ હદયના ઝખમો ક્યાં કોઇને દેખાય છે ?

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...