Friday, May 26, 2017

નુકસાન

મને કોણ નુકસાન પહોંચાડે છે ?

એક સુથાર પોતાના વર્કશોપમાં કામ કરી રહ્યો હતો. અચાનક અનરાધાર વરસાદ શરુ થયો. સુથાર પોતાનું વર્કશોપ બંધ કરીને ઉતાવળા પગલે ઘર તરફ ચાલ્યો. ઉતાવળમાં કામ કરવાના કેટલાક સાધનો વર્કશોપમાં જમીન પર જ પડ્યા રહ્યા.

ખુબ વરસાદ પડવાને કારણે એક સાપ જમીનમાંથી બહાર આવ્યો. એ ખુબ જ ભુખ્યો થયો હતો. ખોરાકની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હતો. આ સાપ રાત્રીના સમયે પેલા સુથારના વર્કશોપમાં દાખલ થયો અને કંઇક ખોરાક મળશે તે આશામાં આંટા મારવા લાગ્યો. જમીન પર કુહાડો પડેલો હતો. સાપ આ કુહાડા પરથી પસાર થયો અને કુહાડાની તિક્ષ્ણ ધારને કારણે એના શરિર પર એક કાપો પડ્યો.

સાપને થોડી પીડા થઇ અને શરિરમાંથી લોહી પણ નિકળવા માંડ્યુ. એમણે બદલો લેવાનું નક્કિ કર્યુ. કુહાડાને પોતાના શરિરથી ભરડો લીધો અને કુહાડાની ધાર પર જ પ્રહાર કર્યો. આમ કરવાથી વધુ પ્રમાણમાં લોહી નિકળ્યું. કુહાડો લોહીથી લાલ થવા લાગ્યો. સાપને એવુ લાગ્યુ કે મારા પ્રહારોના કારણે કુહાડાને પણ લોહી નિકળી રહ્યું છે.

સવારે આવીને સુથારે વર્કશોપ ખોલ્યુ તો મરેલો સાપ જોયો જે કુહાડાને વિંટળાયેલો હતો.

આપણી દશા પણ આ સાપ જેવી જ છે. બીજાને નુકશાન પહોંચાડવાના પ્રયાસમાં આપણી જાતને જ નુકશાન પહોંચાડીએ છીએ અને આપણને ખબર પણ નથી પડતી કે આપણે બીજાને નહિ આપણને પોતાને જ નુકશાન પહોંચાડી રહ્યા છીએ.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...