Monday, March 20, 2017

ન્યાયમૂર્તિ રાનડે


ન્યાયમૂર્તિ રાનડે 
(18.01.1842-16.01.1901)

ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે ભારતની એક નામાંકિત વ્યક્તિ હતા. ન્યાયક્ષેત્રે જ નહિ પરંતુ અન્ય વિવિધ સેવાભાવી ક્ષેત્રોમાં પણ તેમને સારી એવી નામના મેળવી હતી. એકવાર તેમની પત્ની રમાબેને તેમને ખાવા માટે રસદાર પાકી હાફુસની કેરીઓ આપી.

પતિએ માત્ર એકજ હાફુસની કેરી ખાધી. બીજી હાફુસ કેરીને તેઓ અડ્યા પણ નહિ. આ જોઈ તેમની પત્ની રમાબેનને ખુબ આશ્ચ્રર્ય થયું।.
તેમણે પતિને પૂછ્યું, "કેમ કેરી મીઠી નથી કે શું?"

"કેરીતો ખુબ જ મીઠી અને સ્વાદિષ્ટ છે."
"તો એક જ કેરી કેમ ખાધી? બીજી કેરી કેમ લેતા નથી? "

" એક કરતા વધુ આવી મીઠી અને સ્વાદિષ્ટ કેરીઓ ખાવાથી શું પરિણામ આવે છે તેની તમને ખબર નથી લાગતી।. કોઈ પણ સ્વાદિષ્ટ ચીજનું જો એક વાર વ્યસન પડી જાય તો એમાંથી છટકવું સરળ નથી હોતું।. પછી તો જીભને એવી સ્વાદિષ્ટ ચીજો ખાવાની એવી તો તાલાવેલી અને લોલુપતા સદા માટે રહે છે કે માનવી જીભનો ચલાવ્યો ચાલવા જ લાગે છે. જીભ પર પછી એનો કાબુ નથી રહેતો। અને તેથી તો શાસ્ત્રો માં પણ કહેવામાં આવ્યું છે કે જેણે ઈચ્છા જીતી એને જગ જીત્યું! અને જેને સ્વાદિષ્ટ વસ્તુ જ ખાવાનું વ્યસન હોય તેની કેવી ખરાબ દશા થાય છે તે પણ મેં નજરોનજર જોયું જ છે."

પછી એમણે પોતે અનુભવેલી એક વાત વર્ણવી:

" એકવાર અમે મુંબઈ રહેતા હતા. એ દરમિયાન અમારા પાડોશમાં જ એક ધનવાન કુટુંબ રહેતું હતું. આ કુટુંબની ગૃહિણીને ભોજનમાં ચાર-પાંચ શાક બનાવાની  અને ખવડાવાની ટેવ...! એક શાકથી તો ચાલે જ નહિ! પણ પછી એ કુટુંબની સ્થિતિ બદલાઈ, કાળ નું ચક્ર ફર્યું, અને તે આર્થિક પૈસે સૌ કંગાળ બની ગયા. હવે બે-ચાર શાક તો શું? એક શાક માટે પણ પૈસાની તૂટ પડવા માંડી. ગૃહિણી પોતાની આગળની સાધનસંપન્ન પરિસ્થિતિ યાદ કરી ને થાળીમાં એક પણ શાક ના જોઈને દુઃખી થઈને આંસુ સારે. આ જોઈને મેં મનમાં દ્રઢ કરી લીધું કે સ્વાદિષ્ટ ચીજ બહુ જ ઓછા પ્રમાણમાં લેવી અને તે પ્રત્યે કોઈ જ આસક્તિભાવ રાખવો નહિ. તો એક વાર ભૂલેચૂકે પણ એવી આસક્તિ આવી જાય તો ઘણી વખત દુઃખી થવાનો વારો આવે. જીભના સ્વાદ માટે કદી આપણું મન લાલચુ બનાવવું નહિ.

લાલ બહાદુર શાસ્ત્રી


લાલ બહાદુર શાસ્ત્રી 
(02.10.1904 - 11.01.1966)

વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી એક એવી વ્યક્તિ હતા કે જેઓ પ્રશંસાથી દૂર રહેવામાં અને જાહેર સન્માનોને શક્ય એ રીતે ટાળવામાં માનતા. તેમના જીવનમાં ઘણા એવા બનાવો બન્યા હતા કે તેમણે સામે પગલે ચાલીને પોતાના માનમાં સન્માન સભારંભ નહિ યોજવા લોકોને વિનંતી કરી હતી.

તેમને ત્યાં એકવાર તેમના એક જુના મિત્ર આવ્યા. બંને મિત્રો વચ્ચે થોડો સમય આડીઅવળી વાતચીત થયી. ત્યાર બાદ મિત્ર બોલ્યો, " શાસ્ત્રીજી એક વાત પૂછું ?"

" કઈ વાત?"

" આપ પ્રશંસાથી દૂર રહેવાનું કેમ પસંદ કરો છો? આપના  માનમાં સભારંભ યોજાય એ પણ આપણે મહદંશે પસંદ નથી. આનું કઈ કારણ? "

લાલ બહાદુર શાસ્ત્રી બોલ્યા, "ઘણા સમયથી હું પ્રશંસાથી દૂર રહુ છું. પ્રશંસાથી દૂર રહીને, આપણે જે કામ કરવાની જવાબદારી સ્વીકારી હોય તે સતત કર્યે જવાની એમ હું હંમેશા માનતો આવ્યો છું. મને આ બોધ લાલા  લજપતરાય પાસેથી શીખવા મળ્યો હતો." 

" એક વાર એમણે  મને કહ્યું હતું કે શાસ્ત્રી! આપણે પ્રશંસાથી દૂર રહીને આપણું કર્તવ્ય બજાવતા રહેવું. જુઓ, તાજમહાલ માં બે પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કિંમતી સંગેમરમરનો ઉપયોગ તાજમહાલના ગુંબજ, છત, દીવાલો વગેરેમાં કરવામાં આવ્યો છે; જયારે સાધારણ પથ્થરોનો ઉપયોગ તેના પાયામાં કરવામાં આવ્યો છે. લોકોને ધ્યાન ભલે જતું નથી, પણ તાજમહાલને ટકાવી રાખનાર આ પાયાના પથ્થરો જ છે! આ પાયાના પથ્થરો ખુબ  મહત્વના હોવા છતાંય તેઓ લોકોની પ્રશંસાથી દૂર જ રહે છે. આપણે જો લોકોની અથવા તો રાષ્ટ્રની સેવા કરવી હોય તો ચુપચાપ લોકોની પ્રશંશાની ઈચ્છા રાખ્યા વગર કે જાહેર સન્માન થાય તેવી ભાવના  રાખ્યા વગર સેવા કર્યે જવી. પ્રસંગોનો જો મોહ રાખવામાં આવે તો સેવા માં જરૂરથી વિક્ષેપ પડે છે. 

આ વાત પુરી કરીને લાલ બહાદુર શાસ્ત્રી એ મિત્રને કહ્યું, " બસ, એ દિવસથી મને થયું, કે જે કઈ સેવા / કામ મારે કરવું છે, તે બધું મારે પ્રશંશાથી દૂર રહીને જ કરવું. સેવા બદલ આપણે જો જાહેર સન્માનની ઈચ્છા રાખીયે તો તે સેવા મટીને એક પ્રકારનો વ્યવસાય/વેપાર જ બની જાય છે.

Thursday, March 16, 2017

બાળકના બાળપણની મજા

બાળકના બાળપણની મજા


એક મોટા બગીચામાં બાળકો રમતાં હતાં. બગીચાની એક બેંચ પર એક પુરુષ બેઠેલો હતો. ઘણા સમયથી શાંતિથી બેઠેલો હતો. થોડીવાર પછી ઘડિયાળમાં સમય જોઈને તેણે પોતાની દીકરીને પાસે બોલાવીને કહ્યું, ‘દીકરી, હવે ઘરે જઈશું ?’ દીકરીએ મીઠા અને લાડભર્યા સ્વરે કહ્યું, ‘પપ્પા પાંચ મિનિટ, પ્લીઝ !’ પપ્પાએ માથું હલાવી હા પાડી.

દીકરીએ આનંદમાં આવી જઈ સાયકલ ચલાવવાનું ચાલું રાખ્યું. જાણે ધરાઈને સાયકલ ચલાવી હોય એવો સંતોષ એના ચહેરા પર દેખાતો હતો. થોડીવાર પછી પપ્પાએ દીકરીને ફરી બોલાવી કહ્યું, ‘દીકરી, ચાલ હવે તો ઘરે જઈશું ને ?’ વળી દીકરીએ વધુ પાંચ મિનિટ સાયકલ ચલાવવા દેવા મીઠી ભાષામાં આજીજી કરી અને કહ્યું, ‘પાંચ જ મિનિટ !’ પપ્પાએ સ્મિત કર્યું અને કહ્યું : ‘જા ભલે !’

આ બધું બાજુની બેંચમાં બેઠેલી વ્યક્તિ ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી. પછી કહ્યું, ‘મિત્ર, તમે તો ભારે ધીરજવાળા પપ્પા છો !’ તેણે સ્મિત કર્યું અને પછી લાગણીભર્યા અવાજે કહ્યું, ‘મારે એક દીકરો પણ છે. આ દીકરીથી મોટો છે. મારી ભાગદોડભરી જિંદગીમાં હું તેનું બાળપણ કોઈ દિવસ જોઈ શક્યો નહિ. હવે તો એટલો મોટો થઈ ગયો છે કે તે પોતાનું કામ પોતે જ કરે છે. મારી પાસે કોઈ દિવસ ડિમાન્ડ લઈ નથી આવતો. મને ખૂબ જ અફસોસ છે કે મેં મારા દીકરાનું બાળપણ ન જોયું, તેની રમત ન જોઈ, તેની કોઈ ડિમાન્ડ સાંભળી નહીં. આ મારી નાની દીકરી સાથે વધુ પાંચ મિનિટ ગાળવા મળે એ મને ગમશે. તેનું બાળપણ જોઈ શકીશ. તેની નિર્દોષ હસી-મજાક માણી શકીશ. દીકરાની બાબતમાં જે ભૂલ થઈ છે તે ભૂલ મારી આ નાની દીકરીની બાબતમાં કદી નહીં કરું.’ તેણે વધુ કહ્યું, ‘દીકરીને તો એમ લાગે છે કે તેને વધુ પાંચ મિનિટ સાયકલ ચલાવવા મળી પણ મને તો એને હસતી રમતી જોવાની વધુ પાંચ મિનિટ મળી.’

( મને અને મારા જેવાં ઘણાં મિત્રોને આ યંત્રવત જીવનયાત્રામાં  અક્ષરશઃ લાગુ પડતી વિચારવા જેવી ઘટના - કાર્તિક શાહ )

ભાગ્ય અને કર્મ

ભાગ્ય અને કર્મ



સંત જ્ઞાનેશ્વરના બે શિષ્યો તનય અને મનય વચ્ચે ચર્ચા થઈ કે માનવજીવનને ભાગ્ય ઘડે છે કે કર્મ ? બંને વચ્ચે ઘણી ચર્ચા વિચારણા થઈ પરંતુ કોઈ ઉકેલ ના આવ્યો. તેથી તેઓ સંત જ્ઞાનેશ્વર પાસે ગયા. સંત જ્ઞાનેશ્વરે કહ્યું : ‘તમને જવાબ જરૂર મળશે, તે પહેલાં તમારે મારી શરત પાળવી પડશે કે એક દિવસ તમારે બંધ ઓરડામાં રહેવું પડશે. તમને ભોજન, પાણી. ઉજાસ નહીં મળે.’
બીજે દિવસે સંત જ્ઞાનેશ્વરે બંનેને નાના ઓરડામાં પૂરી દીધા. ઉજાસ ક્યાંય હતો નહીં. મનયને ભૂખ લાગી, તેને તનયને કહ્યું, ‘ભૂખ લાગી છે. ચાલ આ અંધારા ઓરડામાં તપાસ કરીએ, કદાચ કશું ખાવા મળી જાય.’ તનયે કહ્યું : ‘આવી ઝંઝટ શું કામ કરવી, ભાગ્યમાં હશે તો મળી જશે માટે શાંતિથી ભાગ્યને ભરોસે બેસ.’ પુરુષાર્થમાં માનનારો મનય અંધારા ઓરડામાં ખાવા યોગ્ય કંઈક મળે તે માટે શોધવા લાગ્યો. તેમના હાથમાં એક માટલી આવી એમાં બાફેલા ચણા હતા. તેને ખુશી થઈ. એણે તનયને કહ્યું ‘જોયોને કર્મનો મહિમા ! તું ભાગ્યને આધારે બેસી રહ્યો તને કશું મળ્યું નહીં મને ચણા મળ્યા.’ તનયે કહ્યું : ‘આમાં આનંદ પામવા જેવું કંઈ નથી ? તારા ભાગ્યમાં ચણા પામવાનું લખ્યું હશે એટલે તને મળ્યા.’ મનયે કહ્યું, ‘જો તું ભાગ્યને શ્રેષ્ઠ માને છે તો ચણા સાથે કેટલાક કાંકરા છે. તે કાંકરાનો તું સ્વીકાર કર તારા નસીબમાં ચણા નથી, કાંકરા છે.’ તનયે કાંકરા સ્વીકારી લીધા.
બીજે દિવસે સવારે સંત જ્ઞાનેશ્વરે અંધારા ઓરડામાંથી બંનેને બહાર કાઢ્યા. અને કહ્યું : ‘કહો કેવો રહ્યો તમારો અનુભવ.’ મનયે બધી વાત કહી. માટલીમાંથી મળેલા ચણા મેં ખાધા અને કાંકરા ભાગ્યવાદી તનયને આપ્યા. સંત જ્ઞાનેશ્વરે કહ્યું ‘મનય, તે કર્મ કર્યું તેથી તને ખાવા માટે ચણા મળ્યા એ સાચું પણ તનય ભાગ્યશાળી કે એને કશીય મહેનત કર્યા વિના હીરા મળ્યા. તું જેને અંધારા ઓરડામાં કાંકરા માનતો હતો, તે વાસ્તવમાં હીરા હતા.’ બંને શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. ભાગ્ય શ્રેષ્ઠ કે કર્મ એનો કોઈ નિર્ણય લઈ શક્યા નહીં.
ત્યારે સંત જ્ઞાનેશ્વરે કહ્યું, ‘બંને શ્રેષ્ઠ છો, કારણ કે ભાગ્ય અને કર્મ બંને એકબીજાના પૂરક છે. કર્મ વિના ભાગ્ય અધૂરું છે અને ભાગ્ય વિના કર્મ અપૂર્ણ છે.’