Thursday, March 16, 2017

ભાગ્ય અને કર્મ

ભાગ્ય અને કર્મ



સંત જ્ઞાનેશ્વરના બે શિષ્યો તનય અને મનય વચ્ચે ચર્ચા થઈ કે માનવજીવનને ભાગ્ય ઘડે છે કે કર્મ ? બંને વચ્ચે ઘણી ચર્ચા વિચારણા થઈ પરંતુ કોઈ ઉકેલ ના આવ્યો. તેથી તેઓ સંત જ્ઞાનેશ્વર પાસે ગયા. સંત જ્ઞાનેશ્વરે કહ્યું : ‘તમને જવાબ જરૂર મળશે, તે પહેલાં તમારે મારી શરત પાળવી પડશે કે એક દિવસ તમારે બંધ ઓરડામાં રહેવું પડશે. તમને ભોજન, પાણી. ઉજાસ નહીં મળે.’
બીજે દિવસે સંત જ્ઞાનેશ્વરે બંનેને નાના ઓરડામાં પૂરી દીધા. ઉજાસ ક્યાંય હતો નહીં. મનયને ભૂખ લાગી, તેને તનયને કહ્યું, ‘ભૂખ લાગી છે. ચાલ આ અંધારા ઓરડામાં તપાસ કરીએ, કદાચ કશું ખાવા મળી જાય.’ તનયે કહ્યું : ‘આવી ઝંઝટ શું કામ કરવી, ભાગ્યમાં હશે તો મળી જશે માટે શાંતિથી ભાગ્યને ભરોસે બેસ.’ પુરુષાર્થમાં માનનારો મનય અંધારા ઓરડામાં ખાવા યોગ્ય કંઈક મળે તે માટે શોધવા લાગ્યો. તેમના હાથમાં એક માટલી આવી એમાં બાફેલા ચણા હતા. તેને ખુશી થઈ. એણે તનયને કહ્યું ‘જોયોને કર્મનો મહિમા ! તું ભાગ્યને આધારે બેસી રહ્યો તને કશું મળ્યું નહીં મને ચણા મળ્યા.’ તનયે કહ્યું : ‘આમાં આનંદ પામવા જેવું કંઈ નથી ? તારા ભાગ્યમાં ચણા પામવાનું લખ્યું હશે એટલે તને મળ્યા.’ મનયે કહ્યું, ‘જો તું ભાગ્યને શ્રેષ્ઠ માને છે તો ચણા સાથે કેટલાક કાંકરા છે. તે કાંકરાનો તું સ્વીકાર કર તારા નસીબમાં ચણા નથી, કાંકરા છે.’ તનયે કાંકરા સ્વીકારી લીધા.
બીજે દિવસે સવારે સંત જ્ઞાનેશ્વરે અંધારા ઓરડામાંથી બંનેને બહાર કાઢ્યા. અને કહ્યું : ‘કહો કેવો રહ્યો તમારો અનુભવ.’ મનયે બધી વાત કહી. માટલીમાંથી મળેલા ચણા મેં ખાધા અને કાંકરા ભાગ્યવાદી તનયને આપ્યા. સંત જ્ઞાનેશ્વરે કહ્યું ‘મનય, તે કર્મ કર્યું તેથી તને ખાવા માટે ચણા મળ્યા એ સાચું પણ તનય ભાગ્યશાળી કે એને કશીય મહેનત કર્યા વિના હીરા મળ્યા. તું જેને અંધારા ઓરડામાં કાંકરા માનતો હતો, તે વાસ્તવમાં હીરા હતા.’ બંને શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. ભાગ્ય શ્રેષ્ઠ કે કર્મ એનો કોઈ નિર્ણય લઈ શક્યા નહીં.
ત્યારે સંત જ્ઞાનેશ્વરે કહ્યું, ‘બંને શ્રેષ્ઠ છો, કારણ કે ભાગ્ય અને કર્મ બંને એકબીજાના પૂરક છે. કર્મ વિના ભાગ્ય અધૂરું છે અને ભાગ્ય વિના કર્મ અપૂર્ણ છે.’

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...