Thursday, June 20, 2019

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય! લોકોક્તિ, કહેવત, લોકગીત કે રચના?

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!
લોકોક્તિ, કહેવત, લોકગીત કે રચના? 
―  એક સંશોધન (ડો. કાર્તિક શાહ)
બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય...


આજે આપણે વાત કરવી છે ગુજરાતી સાહિત્યની તદ્દન અજાણી એવી એક હકીકત વિશે….ચાલો, તો શરૂઆત કરીએ ફ્લેશ બેકમાં વિહરવાની!!

ગુજરાતી ભાષાનાં આ અમર અવિનાશી ગીતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે! એમાંય "દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!"  પંક્તિઓ તો જાણે લોક-કહેવત, લોકગીત કે લોકોક્તિ તરીકે સદાય ગુજરાતી ભાષા જોડે રહેશે, એમ કહું તો જરાય ખોટું નથી! 

અનિલ આચાર્યે એક વાર લખ્યું છે કે, દીકરી પોતાની છે છતાંય પારકી છે એથી તે વધુ નજીક હોય છે. ‘દીકરી’ શબ્દનાં ‘દી’ અને ‘રી’ દિર્ધમાં છે. તે શબ્દનાં ઉચ્ચારને પણ નહીં છોડવાની આટલી જીદ હોય તો દીકરીને છોડવા મન ક્યાંથી તૈયાર થાય?

દીકરી, એક શમણું, આપણું છતાં પરાયું.  દીકરી શું નથી ? દીકરી આપણી હથેળીની સૌથી લાડકી ટચલી આંગળી છે. દીકરી જિંદગીની શુષ્કપળોમાં ભીનાશ જન્માવતી ભીની ભીની લાગણી છે. દીકરી માબાપનાં વૃદ્ધત્વનાં એકલતાનાં કિનારાને ભર્યાભર્યા રાખતી, સતત લાગણી છલકાવતી છાલક છે. દીકરી એ માબાપનાં જીવનમાં પરીકલ્પનાનું સુખ આપતી જીવનવાર્તાની ‘પરી’ છે. દીકરી તમારા સ્તબ્ધ, વિષાદી, આઘાતભર્યા મનમાં થીજી ગયેલા આંસુને વહેતા કરી તમને હળવા રાખે છે. દીકરી તમારા સ્મિત પાછળનાં રૂદનને વાંચી શકે છે. દીકરી તમારા વિષાદી મનનો સંગાથ છે. દીકરી પ્રભાતનાં ફૂલ પરનું ઝાકળબિંદુ છે. તેના મુલાયમ સ્પર્શમાં તમને તમારા અસ્તિત્વની સાર્થકતા અનુભવાય છે. દીકરી એટલે કદી ‘ડિલિટ’ નહીં થતી અને સદા ‘રિફ્રેશ’ રહેતી લાગણી. દીકરી તમારા દિલનાં સ્ક્રીન પરનું છે મનોહર ‘સ્ક્રીન-સેવર’ ! દીકરી એટલે તમારા રંજને પરાજિત રાખતો ઉમંગનો આફતાબ. તમારી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી શું નથી ?

આવી જ ઘણી બધી અવ્યક્ત લાગણીઓને વાચા આપતું, વર્ષ ૧૯૭૯માં આવેલી ગુજરાતી ફિલ્મ "પારકી થાપણ"નું આ ગીત, સ્વ. અવિનાશ વ્યાસજીએ રચેલું અને પુત્ર શ્રી ગૌરાંગભાઈનું એટલું જ અદ્ભૂત સ્વરાંકન છે. આ ગીતનું સર્જન પણ એટલું જ રોચક છે. જેની વિસ્તૃત ચર્ચા આપણે આ અગાઉ કરી ચુક્યા છીએ કે કઈ રીતે આ અદભુત સ્વરાંકનને એટલો જ અદભુત સ્વર પ્રાપ્ત થયો, લતા મંગેશકરજી નો!! જી હા, આ ગીતમાં સ્વરની પ્રથમ પસંદગી અલકાજીની હતી, અને એક અહેવાલ મુજબ, બાદમાં લતાજી ખૈયામજીનું રેકોર્ડિંગ ટાળીને આ ગીતનું રેકોર્ડિંગ કરવા સાંજે પધારેલા! એવું કહેવાતું હતું, કે લતાજી સાંજે ગીત ગાતા નથી, છતાંય આ ગીત માટે તેઓએ પોતાની પ્રથા તોડી હતી!

આ ગીત, એ સમયે બનતી વખતે બીજા પણ રસપ્રદ અનુભવોમાંથી પસાર થયું છે. ‘પારકી થાપણ’ ફિલ્મનું ટાઇટલ સોંગ કરવાનું અને વળી લોકોને ગમે એવું કરવાનું અને વળી લખાય અને રેકોર્ડિંગ થાય પછી શૂટિંગ કરવાનું. ‘પારકી થાપણ’ – આ શબ્દો છેલ્લે રાખીએ તો એના પ્રાસમાં શબ્દો ગાઈ શકાય. એ યાદગાર રહી જાય એવા ના પણ બને! પણ, અવિનાશ વ્યાસની સર્જકતાએ અને એમની સ્વર સજ્જતાએ કવિતામાં પ્રાણ પૂર્યો અને “દીકરી તો પારકી થાપણ કહેવાય” એવી પંક્તિઓ લખી. ‘કહેવાય’-ના પ્રાસમાં-કાફિયામાં ગીતને આગળ વધાર્યું અવિનાશ વ્યાસે. નિર્માતા અરુણ ભટ્ટની સામે જ પ્રથમ સીટિંગમાં જ ગીતનું મુખડું અને એક અંતરો લખાઈ ગયા!

સાથે સાથે અવિનાશ વ્યાસ ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’-ની કહેવાતી લોકોક્તિ/કહેવત પણ ગીતમાં સાચવે છે. આનાથી મોટી બીજી કઈ વાત હોય! 

આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી, આપણા આજના આ લેખનાં મૂળ ઉદ્દેશ્ય પર આવી જઈએ! નહીં તો, આ ગીત, સંગીત, મહાનુભાવો વિશે લખતાં શબ્દો ખૂટી પડે પણ વાતો નહિ!!

"દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!" ― કેટલા ટૂંકા શબ્દોમાં માર્મિક રજુઆત થઈ ગઈ છે! તો, શું આ લોકોક્તિ જ માત્ર છે? કે કહેવત કે લોકગીત? શું છે ખરેખર આ? અને ગુજરાતી સાહિત્યમાં આ અગાઉ ક્યાંય કોઈ જગ્યાએ એ રજુ થઈ છે કે કેમ? અને જો જવાબ હા હોય તો, કોણ છે રચયતા એના? 

આના જવાબમાં, આજે એક રોચક ઇતિહાસનું થોડું કરેલું સંશોધન રજૂ કરવા જઈ રહ્યો છું. આશા છે આપને કંઈક નવીનતમ માહિતી મળી રહેશે! જી હા, જો હું એમ કહું કે આ પંક્તિ એના આ જ મૂળ સ્વરૂપમાં આજથી બરાબર 110 વર્ષ પહેલાં રજૂ થઈ હતી, તો?

ખરેખર, એવું જ બન્યું હતું. ઇ.સ. 1909માં માત્ર આ પંક્તિ જ નહીં પણ એને સમાવતું એક આખું ગીત રજૂ થયેલું છે. અને ત્યારે સ્વ. અવિનાશ વ્યાસજીનો જન્મ પણ નહોતો થયો. તેમનો જન્મ થયો હતો ઇ.સ. 1912માં. જ્યારે આ પંક્તિને સમાવતી રચનાના રચયતાનો જન્મ થયો હતો 18 માર્ચ,  ઇ.સ. 1862માં એટલે કે, સંવત 1918ની ફાગણ વદ ત્રીજના દિવસે! એટલે કે, આ રચના વખતે એના રચયતા 47 વર્ષના હતા. એટલે કે અવિનાશજી થી 50 વર્ષ મોટાં!! અને હજુ એક ડગલું આગળ, આજથી 110 વર્ષ પહેલા જે કાર્યક્રમમાં એ ગીત રજુ થયેલું, એ સંપૂર્ણ કાર્યક્રમ એના નિર્માતાએ ઇ.સ. 1867ના 25માં એક્ટ મુજબ કોપીરાઈટ પણ કરાવેલો!! અને સર્વ હક્ક સ્વાધીન રાખ્યા હતા!  અને એમાંથી આ ગીત ખૂબ જ પ્રચલિત થયું અને લોકમુખે ચઢી ગયું!! 

હા, અવિનાશજીએ પોતાની સ્વતંત્ર રચના લખી છે અને એમાં માત્ર આ પંક્તિનો ઉપયોગ કર્યો છે જે લોકોક્તિમાં એ સમયે ખપી ગઈ હતી...એટલે કે એની રજુઆતના આશરે 70 વર્ષ પછી!! આ લેખનો મૂળ ઉદ્દેશ વાચકમિત્રોને એના મૂળ શબ્દ-સર્જક સાથે પરિચય થાય અને ગુજરાતી ભાષા-સાહિત્યના ઇતિહાસ પરથી ક્યાંક પડદો ઊંચકાય એ શુભ-આશય જ માત્ર છે. આ ઉપરાંત આવી અનેક અમર પંક્તિઓ રસિક વાચકોને યાદ રહે તથા ગુર્જર પ્રજા આ રચયતાઓને યાદ કરી ઋણ ચૂકવે તો એમને અનુરૂપ સન્માન પણ મળે!

આ કવિશ્રી એ સમયે ગુજરાતમાં જ એક રજવાડાંના રાજકવિ હતા! અને ગુજરાતી ઉપરાંત તેઓ સંસ્કૃત, ઉર્દુ અને હિન્દી ભાષાના પણ પ્રખર નિષ્ણાત હતા. 

  • કોણ હતાં તેઓ? 
  • અને ગુજરાતમાં કયા રજવાડામાં રાજકવિ હતા?
  • આપણા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જોડે કેવો પ્રસંગ બન્યો હતો?
  • ક્યારે આ રચના રજૂ થઈ? 
  • એ સમયે, આ રચના જે કૃતિમાં સમવાયેલી એ કૃતિ મૂળ તો સાત ભાગમાં પ્રસિદ્ધ થયેલી એક નવલકથા હતી, કઈ હતી એ નવલકથા?
  • સર્જકના અન્ય સર્જનો કયા હતા? 


આ સઘળી રોચક હકીકતો લઈને હું મળીશ, શબ્દસંપુટનાં આગામી અંકમાં, રાહ જોશોને?

સંશોધન: ડો. કાર્તિક શાહ