Monday, July 17, 2017

ભાઈ―બહેન


ભાઈ-બહેનની જોડી

ભાઈ અને બહેનની જોડી એટલે હલેસાં અને હોડીની જોડી. બંને એકબીજા વગર નકામા. પણ બંને જો મળી જાય તો દરિયા પાર થઈ જાય. ભાઈ-બહેન એટલે રાઈ-જીરાનું કોમ્બીનેશન. વઘાર કરતી વખતે રાઈ-જીરુ જ્યારે તેલમાં નાખીએ ત્યારે તતડતા હોય. વધારે નજીક જાવ તો તમને પણ દજાડે. એમ ભાઈ―બહેન બંને એકબીજા સાથે રમશે, ઝઘડશે, તતડશે. એકબીજામાં એવા ગુલતાન હશે કે બહારનું કોઈ એમની નજીક જાય તો એને એકાદ ચમકાવી પણ દેશે. પણ એક વાત સાચી કે જેમ રાઈ-જીરા વગર દાળ-શાકનો સ્વાદ ન આવે એમ કુટુંબમાં પણ ભાઈ-બહેન વગર મજા ન આવે. 

ભાઈ એટલે લીમડી. નાનપણમાં બહેનને ભાઈના વેણ કદાચ લીમડી જેવા કડવા લાગે. હંમેશા કહે કે 'મને અહીં નથી જવા દેતા', 'મને પેલા સાથે નથી રમવા દેતા, 'મને આ કપડાં નથી પહેરવાં દેતા' વગેરે. પણ જ્યારે સમય જાય અને પાકટ થાય ત્યારે એ જ લીમડી મધ જેવી મીઠી થઈ જાય છે. 

બહેન  છે એ પીપળી છે. એના નાનપણના મૂળ ખૂબ ઊંડે સુધી હોય અને મોટા થાય ત્યારે પણ તેનું થડ ઘટાદાર બની જાય છે. આવા વૃક્ષની છાંયડી કેટલી શીતળ હોય? આ લીમડી-પીપળીને લીધે જ આપણું એક ખૂબ જૂનું અને પ્રખ્યાત લોકગીત છે - 'કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બે'ની લાડકી અને ભઈલો ઝુલાવે ડાળખી....'  

ગુજરાતી સંસ્કૃતિમાં ભાઈ અને બહેનના સંબંધોને બિરદાવવા માટે ચાર પર્વો ઉજવાય છે - રક્ષાબંધન, વીર પસલી, પોષી પૂનમ  અને ભાઈબીજ! 

રક્ષાબંધન એટલે કાચા સૂતરનાં તાંતણે બંધાયેલ ભાઈ-બહેનનાં હેતનું પર્વ!! આ પવિત્ર પ્રસંગે ભાઈ બહેનને કહે છે : તારી રક્ષા કાજે જરૂર પડે તો સર્વસ્વ આપવાની મારી તૈયારી છે અને તે સર્વસ્વ આપવાની તૈયારીનાં પ્રતીક રૂપે ભાઈ બહેનને ભેટ આપે છે. આમ તો, રક્ષાબંધનની વાત નીકળે એટલે ઘણા ઉદાહરણો પુરાણો અથવા ઇતિહાસમાંથી મળી આવે. જેમકે, કુંતાજીએ ચક્રવ્યૂહમાં જતા અભિમન્યુને રાખડી બાંધી હતી. (યાદ છે પેલું ગીત? - કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે… ) પુરાણોમાં ઉલ્લેખ છે કે ઇન્દ્રાણીએ પણ હારેલ ઇન્દ્ર દૈત્યો પર વિજય મેળવી શકે એ માટે રક્ષાબંધનનું વ્રત કર્યું હતું. લક્ષ્મીજીએ પણ બલિના હાથે રાખડી બાંધી ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. 

રક્ષાબંધનની જેમ વીર પસલીનું વ્રત પણ શ્રાવણ માસમાં થાય છે. આઠ દિવસ ઉપવાસ કરીને નવમા દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. 

પોષ મહિનાની પૂનમ એટલે ભાઈ-બહેનના નિર્મળ પ્રેમનું પ્રતિક! આ દિવસે બહેન ભાઈની રક્ષા માટે આખો દિવસ ઉપવાસ કરે. રાતે ચંદ્ર ઊગે ત્યારે અગાસીમાં ખીર-રોટલી રાંધે. રોટલીમાં વચ્ચે કાણું પાડી તેમાંથી બહેન ચંદામામાને જુએ અને ભાઈને પૂછેઃ "પોષી પોષી પૂનમડી, અગાસીએ રાંધી ખીર, ભાઈની બેન રમે કે જમે?" ભાઈ બોલે "જમે" એટલે સવારથી ભૂખી બહેન ખીર-રોટલી ખાય..!!

કાર્તિક સુદ બીજ ભાઈબીજ અથવા તો 'યમ દ્વિતિયા' કહેવાય છે. યમુનાજીએ પોતાના ભાઈ યમની પૂજા આ દિવસે ઘરે બોલાવીને કરી. તેને સારી રીતે જમાડ્યો અને વરદાન આપ્યું કે જે ભાઈએ દિવસે પોતાની બહેનના હાથની રસોઈનું ભોજન કરે એ સુખી થશે. આમ આ પવિત્ર બંધનને આપણી સંસ્કૃતિમાં પણ મહત્વનું સ્થાન આપ્યું છે. (આ ચારેય પર્વોનું વિસ્તારથી વર્ણન ભવિષ્યના બ્લોગમાં કરીશ).

રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમનું મંગળપર્વ છે. પરંતુ આજે એમાંનો ભાવ ખોવાઈ ગયો છે. માત્ર વ્યવહાર જ રહ્યો છે. ફૂલ અને ખુશ્બૂ જેવો પવિત્ર અને અતૂટ નાતો તૂટતો જાય છે. અત્યારે કોઈ-કોઈ ભાઈ પૈસાના મદમાં બહેનને ભૂલી જાય છે. આવો એક નજરે જોયેલો કિસ્સો અહીં હું ટાંક્યા વિના નથી રહી શકતો.

"મારા ઘરની આગળ જ એક પોસ્ટ ઓફિસ છે. જેઓએ અમારા ઘરે મુલાકાત લીધી છે તેઓને ચોક્કસ ખ્યાલ હશે જ..! મારા ઘરની આગળ જ આવેલી આ નાની એવી પૉસ્ટ-ઑફિસમાં થોડાક વર્ષો પહેલા રક્ષાબંધન પૂર્વેના એક શનિવારે હું રાખડી પોસ્ટ કરવા અને પહેલી તારીખ હોવાથી મારાં બાનું એમ. આઈ. એસ ખાતું હતું એટલે એ માટે ગયો હતો. રક્ષાબંધન નજીક હોવાથી ઘણી બહેનો કવર લેવા કે રાખડી પોસ્ટ કરવા આવી હતી. ત્યારે 65 થી 70 વર્ષનાં એક માજી, કે જેમના હાથ ધ્રૂજતા હતા, સહેજ વાંકાં વળી ગયાં હતાં તે હાંફળાં-ફાંફળાં મારી પાસે આવીને કહે કે, ‘ભાઈ, આ સરનામું કરી દે ને. મારા ભાઈને રાખડી સમયસર પહોંચાડવી છે.’ મેં એ સરનામું કવર ઉપર લખી આપ્યું. પછી મેં કહ્યું કે માજી કાંઈ લખવું નથી ? તો કહે, ‘હા, હા, લાવ ભઈલા.’ ને એમણે મોટા-મોટા અક્ષરે થોડુંક કાંઈક લખ્યું. એમનાં લખાણ ઉપરથી લાગતું હતું કે થોડું-ઘણું ભણ્યાં હશે. ખૂબ જાળવીને રાખડી ઉપાડીને કેટલીયે વાર પોતાની મેલી સાડીથી લૂછી, ચૂમી અને ખૂબ પ્રેમથી કવરમાં મૂકી અને મૂકતાં મૂકતાં આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
મેં કહ્યું : ‘માજી, તમને તમારા ભાઈ બહુ વહાલા હશે નહીં ?’
ત્યારે માજી કહે : ‘દુનિયાની દરેક બહેનને એનો ભાઈ વહાલો જ હોય પણ ભાઈને બહેન….’ એમ કહીને જાણે ભાન આવ્યું હોય એમ અટકી ગયાં. મેં કહ્યું : ‘કેમ માજી આવું બોલો છો ?’
તો કહે, ‘કાંઈ નહીં ભઈલા ! મેં મારા ભાઈને કેડમાં તેડીને રમાડેલો છે. પણ અત્યારે એ એટલો મોટો થઈ ગયો છે કે મને બોલાવતોય નથી. કોણ જાણે મારી આ રાખડીયે બાંધતો હશે કે
 કેમ ?’ એમ કહેતાં માજી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યાં."
ત્યારે મને થયું કે શું આ અતૂટ રિશ્તો છે !??? ભાઈ-બહેનની પ્રીતનું પવિત્ર પ્રતિક છે !???
સંકલન: ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...