Sunday, July 30, 2017

શ્રી દિનકર જોશી

 ‘પુસ્તકનો પહેલો પ્રકાર એ પોથી. દાખલા તરીકે રામાયણ, મહાભારત; જેનું વાંચન પણ થાય અને પૂજન પણ થાય. બીજો પ્રકાર ગ્રંથ, જે કાલિદાસની રચના અને રવીન્દ્રનાથ ટાગોરનું સાહિત્ય. પુસ્તક એ ત્રીજો પ્રકાર જે મનુષ્યના માનસિક, આત્મિક, આધ્યાત્મિક લેવલને અપલિફ્ટ કરે. ચોથો પ્રકાર ચોપડી અને પાંચમો પ્રકાર હલીથો (માળિયામાં મુકાતો કચરા જેવો સામાન). લખાય છે તો બહુ જ, પણ શું વાંચવું એ વાચકે નક્કી કરવાનું અને લેખકને જણાવવાનું જેથી લખનાર પણ સજાગ રહે.’

અહીં આજે આ ઉપર્યુક્ત માર્મિક વિધાન કરનાર એક લેખકના જીવન-ઝંઝાવાતની એવી વાત હું રજૂ કરું છું- જે આવી બીજી અનેક વાતોમાંની માત્ર એક જ વાત છે. એ વાત છે લેખક દિનકર જોશીના જીવનની. એમના પોતાના શબ્દોમાં જ એમની એ સ્થિતિનું વર્ણન વાંચીએ : ‘દોઢ ફૂટ પહોળું અને સાડાપાંચ ફૂટ લાંબું એવું એક વિશિષ્ટ પ્રકારનું ટેબલ અને ટેબલ ઉપર એક બાળક ચત્તુંપાટ સૂતું છે. એના બંને પગ ટેબલના પાયા સાથે બાંધી દેવામાં આવ્યા છે અને છાતીથી કમર સુધીના ભાગમાં એક કપડું એવી રીતે વીંટાળી દેવામાં આવ્યું છે કે જેથી એનું શરીર ટેબલ સાથે બંધાઈ જાય અને એ હલન-ચલન કરી શકે નહીં. આ સિવાય દેહ ઉપર બીજું એકેય વસ્ત્ર નહીં. અધોવસ્ત્ર તરીકે માત્ર ચાદર ઓઢાડી રાખવાની. સ્ટ્રેપ્ટોમાઈસીન અને પેનીસીલીન આ બંને ઈન્જેકશનો રોજેરોજ ડૉક્ટર આવીને આપી જાય. સામેની ખુલ્લી બારીમાંથી જે આકાશ દેખાય એ નાનકડો ટુકડો આ બાળકનું બ્રહ્માંડ..!!!’

દસ-બાર વર્ષની ઉંમરે તો છોકરાઓ ખૂબ જ ચંચળ હોય છે. ઉંમર જ એવી છે કે હરવા-ફરવાની તો વાત જ ક્યાં છે, છોકરાંઓ તો આખો દિવસ ઊછળતાં-કૂદતાં જ હોય. પણ બાળક દિનકરને તો એ વયે પથારીમાં હલન-ચલન કરવાની પણ મનાઈ હતી. અને દિવસો કે મહિનાઓ નહીં પણ પથારીમાં પડ્યાપડ્યા બે-ત્રણ વર્ષ કાઢવાનાં હતાં. આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે ઘરમાં સહુ પોતપોતાના રોજિંદા કામમાં વ્યસ્ત રહેતાં હોય એ બિલકુલ સ્વાભાવિક હતું. ભાઈ-બહેનો શાળાના અભ્યાસમાં વ્યસ્ત હોય, માતા ઘરકામમાં ડૂબેલાં હોય અને પિતા ઘરખર્ચની જવાબદારી નિભાવવા માટે નોકરીએ ગયા હોય. સંજોગવશાત એકલાઅટૂલા થઈ ગયેલા પથારીવશ બાળકને આપણે દુર્ભાગી સિવાય બીજું શું કહી શકીએ ? પરંતુ એ દુર્ભાગ્ય પાછળ ક્યાંક સૌભાગ્ય છુપાયેલું હતું. બીમારી અને એકાંતની એ પીડાએ જ કદાચ એમને વાચનનો શોખ લગાડ્યો – ભુખાળવા વાચક બનાવ્યા, નાની વયથી જ સાહિત્યસર્જક પણ બનાવ્યા.

ઘરમાં એક દૈનિક અખબાર આવે. ગાંધીજીનું સાપ્તાહિક ‘હરિજનબંધુ’ પણ આવે. મહિને એક વાર સામાયિક ‘રમકડું’ પણ ખાસ આ કિશોરને માટે મંગાવવામાં આવે. આ સિવાય કોઈક કુટુંબીજનને નવરાશ મળે ત્યારે થોડીક વાતો થાય, કોઈક પરિચિત જન મહેમાન બનીને આવે ત્યારે થોડાંક ખબરઅંતર પૂછે અને નવીન દવે (‘ઈમેજ’) બાલગોઠિયા તરીકે અવારનવાર ડોકિયું કરે ત્યારે વાતચીત દ્વારા શબ્દનો સથવારો સાંપડે. આ સિવાય મૌન, અફાટ મૌન. 

બંધ ઓરડાની બારીમાંથી આકાશનો જે ટુકડો દેખાય એ જ બ્રહ્માંડનું અનુસંધાન. એ ટુકડા વચ્ચેથી ક્યારેક ઊડતાં પંખીનું દશ્ય નજરે પડે ત્યારે કશુંક પામ્યાનો અદ્દભુત રોમાંચ થાય. એવામાં ઘરના માળિયાની સાફસૂફી કરતાં કોઈકના હાથમાં ગિરધરકૃત ‘રામાયણ’ની પૂર્વજોએ સાચવેલી એકાદ નકલ હાથમાં આવી ગઈ. આ નકલ કિશોરવયના દિનકરને આપતાં કહેવામાં આવ્યું : ‘લે, આમાં ચિત્રો છે, એ તું જોજે, ગમે તો વાંચજે, મજા આવશે.’

કિશોરે સાચેસાચ વાંચ્યું. સમજાયું ઓછું પણ એમાં આર્ટ પેપર ઉપર રામાયણનાં કથાનકો વિશે જે ચિત્રો છપાયાં હતાં એણે એની કલ્પનાશક્તિને અનહદ ઉશ્કેરી મૂકી. એને ‘રામાયણ’નાં પાત્રો વચ્ચે એકાકાર થતો જોઈને એક પડોશી વડીલે એના હાથમાં નાનાભાઈ ભટ્ટ રચિત ‘મહાભારતનાં પાત્રો’ મૂક્યાં. આ પાત્રોના વિશ્વે એની આંખ આગળ જાણે બ્રહ્માંડનાં દર્શન કરાવ્યાં. આ બ્રહ્માંડમાં તણખલાની જેમ ગડથોલિયાં ખાતા કિશોરને કેટકેટલી વાતો કોઈને કહેવાનું મન થઈ આવતું. ભાઈબંધ નવીન જ્યારે આવે ત્યારે થોડીક વાતો થાય અને પછી ઓરડામાં અંધારું કરીને દીવાલ ઉપર ફિલ્મોની નેગેટિવ ઉપર પ્રકાશ પાથરીને પ્રતિબિંબો ઉપસાવવાની રમતનો આરંભ થાય. એવામાં પડોશીની નવમા કે દશમા ધોરણમાં ભણતી એક કન્યાએ શાળામાં ઈતરવાચન તરીકે એના અભ્યાસક્રમમાં સ્થાન પામેલું એક પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ની એક નકલ વાંચવા આપી. આ આત્મકથામાં બીજું કંઈ તો ન સમજાયું પણ એટલું સમજાઈ ગયું કે પોતાને જે કંઈ કહેવું હોય એ સાંભળનાર કોઈ ઉપસ્થિત ન હોય તો આત્મકથા લખી શકાય.

અને તેર વર્ષની ઉંમરે તો બાળ દિનકરે ચત્તાપાટ સૂતાંસૂતાં આત્મકથા લખવાનું શરૂ કર્યું. કશુંય સમજ્યા વિના આત્મકથા લખી કાઢી. 40 પાનાંની આખી નોટબૂક પેન્સિલથી લખાયેલા અક્ષરો વડે ઊભરાઈ ગઈ. સૂતાંસૂતાં જ છાતી ઉપર જૂના કૅલેન્ડરનું પૂઠું રાખ્યું અને એ પૂંઠા ઉપર પેલી નોટબૂક ડાબા હાથે સજ્જડ પકડી અને જમણા હાથે અક્ષરો ઉતારવા માંડ્યા…. જે ત્રણ જ દિવસમાં સમાપ્ત થઈ ગઈ. દિનકરભાઈ આજે પણ આ ઘટનાને યાદ કરીને પોતાની જાત ઉપર હસી લે છે. પરંતુ આ લખવાનો અનુભવ એમને લાભદાયી નીવડ્યો. 

‘રમકડું’ બાળમાસિકે બાળસર્જકો દ્વારા જ લખાયેલો અંક પ્રગટ કર્યો હતો અને એમાં જોશીએ ઐતિહાસિક નાટિકા લખી અને બીજું ઈનામ પ્રાપ્ત કર્યું. આમ લેખક બનવાની શરૂઆત થઈ ગઈ. એમના કુટુંબનો પરિચય કરાવતાં જોશી કહે છે, પિતાજી એમના ભાઈઓમાં સહુથી વધારે ભણેલા ગણાતા હતા. આ સહુથી વધુ ભણતર એટલે સાત ગુજરાતી ધોરણ સુધીનો અભ્યાસ. શિક્ષણનું પ્રમાણ બધા ભાઈઓમાં ઘણું ઓછું અને ગરીબીનું પ્રમાણ એટલું જ ઊંચું. એવું કહેવાય છે કે કેટલાક વડીલોને તો વીસ સુધીના આંકડા જ ગણતાં આવડતું હતું. વારસમાં મળેલી મિલકત એટલે ખેતીની જમીન. એ બાબતમાં તેઓ કહે છે કે જમીનનું વારસદારોમાં જો વિભાજન કરીએ તો વીસ-ત્રીસ ફૂટથી વધારે જમીન કોઈને મળે નહીં. આમ આ લેખકે બચપણથી જ નાણાભીડ જોયેલી અને પછી ભોગવેલી. તેમના પિતા મગનલાલ જોશીએ મુંબઈ શહેરમાં કમાવા જવા વતન છોડ્યું હતું. બહુ ટૂંકા પગારમાં મૂળજી જેઠા માર્કેટમાં એક કાપડના વેપારીને ત્યાં તેઓ કામ કરતા હતા.

દિનકર જોશીની શરૂઆતની જિંદગીમાં એમની સર્જનપ્રક્રિયા અને નાણાભીડ રેલવેના બે પાટાની જેમ સમાંતર ચાલતી રહી. તેઓ દસમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે નાણાભીડ ભાંગવા બીજા ધોરણના એક વિદ્યાર્થીને ટ્યુશન આપવા જતા- પોતાના વિદ્યાર્થીને ભણાવવા એ ચડ્ડી પહેરીને જતા. આ ટ્યુશન પણ એમના વર્ગશિક્ષકે જ એમને રખાવી આપ્યું હતું. એ વખતના મૅટ્રિક (અગિયારમા ધોરણ)નું પરિણામ આવ્યા પહેલાં તો એમણે ભાવનગર કલેક્ટર ઑફિસમાં નોકરી કરવા માંડી હતી. ત્યાર પછી રેલવેમાં નોકરી કરી અને સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રની ચોટીલા શાખામાં પણ નોકરી કરી અને આખરે દેના બૅન્કમાં સ્થાયી થયા. આ બધું નાણાભીડે જ એમની પાસે કરાવ્યું હતું. નાણાભીડને કારણે એમણે એમ.એ. થવાનું માંડી વાળવું પડ્યું હતું. જો એ બેજવાબદાર વ્યક્તિ તરીકે વર્ત્યા હોત અને કુટુંબનાં સભ્યોની દરકાર ન કરી હોત તો કદાચ એમની ઈચ્છા મુજબ તેઓ એમ.એ. થઈને પ્રોફેસર થઈ શક્યા હોત. પણ કુટુંબની વત્સલ, લાગણીશીલ વ્યક્તિ તરીકે એવું વર્તન કરવાનું એમના માટે શક્ય નહોતું.

‘એક્સટર્નલ સ્ટુડન્ટ’ તરીકે એમણે બી.એ.ની પરીક્ષા નોકરી કરતાં કરતાં આપી અને છતાં આગળ અભ્યાસ કરી શક્યા નહીં એનો વસવસો પણ એમના મનમાં ખાસ્સો રહી ગયો છે. નાણાભીડને કારણે, શરૂઆતની જિંદગીમાં ઈચ્છા મુજબનાં પુસ્તકો વાંચવા માટેનો (વસાવવા માટેનો નહીં) ખર્ચ પણ તેમને પોસાતો નહોતો. પુસ્તકવાચનનો એમનો શોખ કેવો હતો અને એને પૂરો કરવા માટે એમણે શું-શું વેઠવું પડ્યું હતું એના ઘણા પ્રસંગો તેમણે આલેખ્યા છે, જે કોઈ પણ વાચકના દિલને સ્પર્શી જાય તેવા છે. એમનું જીવન અકસ્માતોથી ભરેલું છે. જેવી રીતે બીમારીની પીડાએ લેખક બનાવીને એમને પ્રસિદ્ધિ આપી, એવી જ રીતે એમની આર્થિક સંકડામણે એમને માનવતા આપી. દિલમાં દર્દ આપ્યું, મક્કમતા આપી, એમને વહેવાર-પુરુષ બનાવ્યા. એમની નોકરીઓ વિશે, ખાસ કરી દેના બૅન્કની એમની નોકરી વિશે લખવું જોઈએ પરંતુ એ હું છોડી દઉં છું, (39 વરસ સુધીની બૅંકિંગ કારકિર્દીના અનુભવોની દાસ્તાન એમના ‘મહાલક્ષ્મીના મંદિરમાં’ પુસ્તકમાં આલેખાઈ છે.) કારણ કે મૂળ વાત જીવનની વિટંબણાઓ પાર કરીને આગળ વધેલી વ્યક્તિની છે, એટલે વધારે લખવાનું જરૂરી નથી. અત્યાર સુધીમાં એમણે કદાચ 150થી પણ વધારે પુસ્તકો લખ્યા છે. અને 45 જેટલી નોવેલ છે. " જગત આ અકસ્માતનું " - તેમની પ્રથમ વાર્તા 'જનસત્તા'માં છપાઈ ત્યારે એના પ્રકાશનની ખબર તેમને ખૂમચાવાળાના પેકીંગ પરથી પડી!!

વિદ્યાર્થી હોય કે બીજાં કોઈ પણ યુવાનયુવતી હોય, એમણે એક વાત યાદ રાખવી જોઈએ : જે વ્યક્તિ પોતાના માર્ગમાં પડેલી, ખસેડી ન શકાય એવી મહાકાય શિલાનો ‘સ્ટેપિંગ સ્ટોન’ તરીકે – આગળ વધવાના પગથિયા તરીકે ઉપયોગ કરી શકે છે એ જ જીવનમાં આગળ વધી શકે છે અને કશુંક પ્રાપ્ત કરી શકે છે.

"બે પૂંઠાં વચ્ચે બાઇન્ડિંગ કરેલી દરેક પ્રિન્ટેડ મૅટર પુસ્તક ન કહેવાય. સાચું પુસ્તક એ જ જેને વાંચ્યા પછી વાચક જે સ્તર પર હોય એનાથી એક સોપાન ઊંચે ચડે." - દિનકર જોશી

સંકલન: કાર્તિક શાહ.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...