Wednesday, July 5, 2017

નવી શરૂઆત



પપ્પાને હું ઘણી વખત સમજાવતોઃ બધું બહારનું હોય એ ખરાબ જ ન હોય. ઘણી જગ્યાએ ક્વોલિટીને પ્રાયોરિટી હોય છે ડેડી. પણ પપ્પા માને નહીં. ‘અરે મારા ભાઈ, આ ફર્ટિલાઈઝરવાળાં શાકભાજી ને ભેળસેળિયું અનાજ. ચોખ્ખાઈ મળે જ નહિ જરાય.’ રવિવાર, કોઈ ફંકશન કે કોઈ પાર્ટી હોય ત્યારે પપ્પા માટે અમો રસોઈ બનાવીને જતા. ખાસ્સા સાદગીભર્યા છે પપ્પા. કોઈ જીદ નહિ, કોઈ પસંદગી નહિ. જે આપો તે પ્રેમથી જમી લે. ઘણી વખત કોઈ રીતે ચલાવી પણ લે. અમારોય ખ્યાલ રાખે. તેમના મોં પર ન કોઈ અણગમો હોય કે ન હોય કોઈ નિરાશા.

અમારા બહાર જવાથી પપ્પા એકલવાયા પડી જતા. મમ્મી ગઈ તેને પાંચ વરસ થયાં હતાં. મનમાં બધું રાખે. કદી કશો અભાવ વરતાવા ન દે. પણ અમે બધું સમજીએ ને ! મમ્મીના હાથ સિવાયની કોઈ હોટલની રસોઈ ફરજિયાતપણા સિવાય શોખથી કદી પસંદ ન કરે. પપ્પાને એમના આ વલણમાંથી બહાર લાવવાનો અમો પ્રયત્ન કરતા પણ પપ્પા તો પપ્પા જ. અમારું કંઈ ચાલે નહિ.

એક સાંજે મને કહે : ‘જ્વેલ્સ સર્કલ પાસે લોકો કંઈ બહુ જાય છે.’
‘કેમ ડેડી ?’
‘કંઈ નહીં પણ અમારા સોલ્ટ એસોસિયેશનના પેન્શનરોની મીટિંગમાં….’ પછી અટકી પડ્યા.

હું એમની વાતમાં ધ્યાન આપતો નહોતો એ પપ્પા નોંધતા હતા. મેં કહ્યું, ‘ડેડી, સાંજે મળીએ. કામ વધારે છે. જઉં છું.’ હું ગયો પણ સાંજે રોજ કરતાં વહેલો આવેલો જોઈ મને કહે : ‘કાં ભાઈ ?’

મેં કહ્યું : ‘ચાલો…. બેસો ગાડીમાં.’
‘અરે, કાં પણ…..?’
‘એ પછી વાત. પહેલાં બેસી જાવ.’

અમે જ્વેલ્સ સર્કલ પહોંચ્યા. પહેલાં કશું સમજાયું નહિ પણ પછી એમનો ચહેરો તેજવાળો બન્યો. મારા હોઠ પર હળવું સ્મિત રમી રહ્યું એ જોઈને મને કહે : ‘ઉસ્તાદ છો હોં દીકરા’, ને એ હસી પડ્યા.

મેં પણ કહ્યું : ‘હું દીકરોય ઉસ્તાદનો જ છું ને !’ એ રાત્રે ડેડી સાથે લીધેલું ઓળા-રોટલાનું ભોજન જિંદગીનું સૌથી શ્રેષ્ઠ ભોજન હતું.

1 comment:

  1. આપની જ એક કવિતા "અંદર તો એવું અજવાળું" આજે ફરી ને યાદ આવી ગઈ "સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખેય ભાળું.. પપ્પા ફરી એક વાર મળે અને આવી એકાદ ક્ષણ જો જીવવા મળે તો એને જીવનભર પાછી ના વાળું..

    ReplyDelete

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...