Friday, April 29, 2016

ગોવિંદ વલ્લભ પંત

ગોવિંદ વલ્લભ પંત (સપ્ટેમ્બર ૧૦, ૧૮૮૭ - માર્ચ ૭, ૧૯૬૧) 

એક વાર ગોવિંદ વલ્લભ પંતએ પોતાના મિત્રો માટે ભોજન સમારંભ ગોઠવ્યો હતો. એમાં આવેલા મહેમાનોએ જમી લીધું ત્યારે રફી અહમદ કિડવાઈ ત્યાં પહોંચ્યા. એમણે જોયું કે બધા લોકોએ જમી લીધું છે. આથી તેમણે દરવાજા પાસે ઉભા રહીને જ બૂમ પાડી, " પંત સાહબ, મેં જૂતા ઉતારું ??"

પંતજી એ કટાક્ષ ઝીલતા જવાબ આપ્યો, " અરે યાર !! કયા બાત કરતે હો ?? જૂતા ઉતારોગે નહિ તો ખાયોગે કૈસે ???!!! "

નોંધ:-
ગોવિંદ વલ્લભ પંત (સપ્ટેમ્બર ૧૦, ૧૮૮૭ - માર્ચ ૭, ૧૯૬૧) પ્રસિદ્ધ સ્વતન્ત્રતા સેનાની અને ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. પોતાના સંકલ્પ અને સાહસના કારણે મશહૂર પંતજીનો જન્મ અલમોડા જિલ્લામાં આવેલા ખોત નામક સ્થાન ખાતે થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલના નિધન બાદ તેઓ ભારતના ગૃહમંત્રી બન્યા હતા. હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાવવામાં અને જમીનદારી પ્રથાને ખત્મ કરાવવામાં એમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. ભારત રત્ન સમ્માન એનાયત કરવાનો આરંભ એમના જ ગૃહમંત્રિત્વ કાળ દરમિયાન જ કરવામાં આવ્યો હતો.

વ્યવહારિક બુદ્ધિ


વ્યવહારિક બુદ્ધિ 

એક વાર એક સરોવરમાં ત્રણ દિવ્ય માછલીઓ રહેતી હતી. ત્યાની તમામ બીજી માછલીઓ આ ત્રણ માછલીઓ ના વિશ્વાસે અનુગામી તરીકે વહેંચાયેલી હતી.

એક માછલીનું નામ વ્યવહારિક બુદ્ધિ, બીજીનું મધ્યમ બુદ્ધિ અને ત્રીજીનું અતિબુદ્ધિ હતું. અતિબુદ્ધિ પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર હતો. તે  એકદમ તેજસ્વી હતી અને લગભગ બધા શાસ્ત્રોનું જ્ઞાન તેની પાસે હતું.

મધ્યમ બુદ્ધિ પાસે એટલું જ જ્ઞાન હતું કે જેની તેને જરુર હતી. તે ઓછું વિચારતી અને એક બીબાઢાળ પરંપરા ને અનુસરીને પોતાનું કામ કર્યા કરતી હતી. 

વ્યવહારિક બુદ્ધિ ના તો પરંપરાને અનુસરતી કે ના તો શાસ્ત્રોના જ્ઞાન ને. તે પરિસ્થિતિ મુજબ એ જ સમયે પોતાની સુઝબુઝથી નિર્ણયો લેતી. અને જ્યાં સુધી જરૂર ના પડે ત્યાં સુધી શાસ્ત્રો ખોલતી પણ નહિ.


એક દિવસ કેટલાક માછીમારો ત્યાં સરોવર કિનારે આવ્યા અને ઘણી બધી માછલીઓને જોઇને એક માછીમારે કહ્યું, ' અહી તો બહુ જ બધી માછલીઓ છે, કાલે જ સવારે અહી આપણે જાળ બિછાવી માછલીઓને પકડી લઈશું. ' આ વાત માછલીઓ સાંભળી ગઈ.

વ્યવહારિક બુદ્ધિ બોલી, " આપણે તાત્કાલિક આ સરોવર ખાલી કરી દેવું જોઈએ. "

મધ્યમ બુદ્ધિ બોલી, " પ્રાચીન કાળ થી આપણા પૂર્વજો ફક્ત ઠંડીના દિવસો માં જ આ સરોવર ખાલી કરે છે, અને અત્યારે તો ઠંડીની ઋતુ પણ નથી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આપણે ના તોડવી જોઈએ, માછીમારો નો ભય હોય કે ના હોય પરંપરાનું ચુસ્ત પાલન કરવું એ આપણી ફરજ છે. "

ત્યાં જ અતિબુદ્ધિ હસતા બોલી, " તમે બધા મૂર્ખ છો. તમને શાસ્ત્રોનું જ્ઞાન જ નથી. જે વાદળ ગરજે છે તે ક્યારેય વરસતા નથી. વળી, આપણે તો કુશળ તરવૈયાની જેમ સરોવર માં તરવાનું જાણીએ છીએ. સરોવરના પેટાળમાં જઈ છુપાઈ જવાનું સામર્થ્ય પણ છે. આપણી પૂંછ માં એટલી તાકાત છે કે એ જાળને પણ ચીરી શકીએ છીએ. વળી શાસ્ત્રો લખે છે કે જયારે મુસીબત ઘેરી વળે ત્યારે પોતાનું ઘર છોડી નાસી જવું એ ઉચિત નથી. પહેલા તો એ માછીમારો આવશે જ નહિ અને કદાચ જો આવી પણ જાય તો આપણે પેટાળમાં છુપાઈ જઈશું. એમની જાળમાં ફસાઇશું જ નહિ, એકાદ બે માછલીઓ ફસાઈ પણ ગઈ તો એમની પૂંછ ની શક્તિ વડે જાળ ચીરી બહાર આવી જશે. તમે આ શાસ્ત્રો પર વિશ્વાસ રાખો અને હું તમને એના વિરુદ્ધ જવાની મંજૂરી નહિ આપું!! "

વ્યવહારિક બુદ્ધિ બોલી, " હું આ શાસ્ત્રો-પરંપરા એ બધું નથી જાણતી. પણ મારી સામાન્ય બુદ્ધિ એટલું જરૂર સૂચવે છે કે માણસ જેવા ભયાનક અને ખતરનાક શત્રુ નો ભય માથે હોય ત્યારે તમારી જાત સાચવીને સરકી જાઓ." આમ બોલીને તે પોતાની અનુગામી માછલીઓને લઈને નીકળી પડી.

મધ્યમ અને અતિ બુદ્ધિ પોતાના પારંપરિક અને શાસ્ત્રોક્ત જ્ઞાન ને વળગી ત્યાં જ રહી. બીજી સવારે માછીમારોની પૂરતી તૈયારી સાથે ફેલાવેલી જાળ સામે તેઓ નિઃસહાય રહ્યા. એ જોઈ વ્યવહારિક બુદ્ધિએ ઊંડો શ્વાસ લેતાં કહ્યું, " શાસ્ત્રોક્ત અને પારંપરિક જ્ઞાને જ તમને અંધવિશ્વાસ માં રાખ્યા. કદાચ તમારામાં થોડી વ્યવહારિક (સામાન્ય) બુદ્ધિ પણ હોત તો આ દશા ન થાત. "

વ્યવહારિક બુદ્ધિ થી આપણો તાત્પર્ય એ છે કે, કયા સંજોગો માં આપણે કેવી રીતે વર્તવું? અને આપણા નિર્ણય થકી આવનારા પરિણામોની દુરોગામી અસરો અને સમસ્યાઓનું અગાઉથી જ નિરાકરણ વિચારવું. આ જ વ્યવહારિક (સામાન્ય) બુદ્ધિ..! સામાન્ય બુદ્ધિ કે કોમન સેન્સ. પછી ભલે આપણે મોટા શાસ્ત્રો કે થોથાઓ ના વાંચ્યા હોય આપણી આ કોમન સેન્સ દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણને ઉગારી શકે છે !!

અનુવાદ: ડો.કાર્તિક શાહ






Tuesday, April 26, 2016

અમૂલ્ય તક



માઈકલ ફેરેડે (1791-1867)     હમ્ફ્રી ડેવી  (1778-1829)


ફેરેડે એક લુહારનો છોકરો હતો. તેણે એ સમયના પ્રખ્યાત વિજ્ઞાની હંફ્રિ ડેવી ને પત્ર લખીને પોતાને રોયલ ઇન્સ્ટીટયુટ માં કામ કરવા માટે ગમે તે જગ્યા આપવા વિનંતી કરી.

ડેવીએ પોતાના મિત્રને કહ્યું, "ફેરેડે નામના યુવાનનો મારા ઉપર પત્ર આવ્યો છે, તે મારા વ્યાખ્યાનોથી ઘણો પ્રભાવિત હોય એમ લાગે છે. તેણે રોયલ ઇન્સ્ટીટયુટમાં કામ કરવા માટે કોઈ જગ્યાની મારી પાસે માગણી કરી છે. છોકરો ઉત્સાહી અને તરવરિયો લાગે છે. મારે શું કરવું??"

મિત્રે સલાહ આપી, ' તેને ગમે તે જગ્યા આપી દો. એક કામ કરો શીશીઓ ધોવાનું કામ આપો. જો એ ખરેખર કૈક કરવા ઇચ્છતો હશે તો જરૂરથી તે કરશે.'


ડેવીએ ફેરેડેને શીશીઓ ધોવાનું જ કામ સોંપ્યું. અને એક વૈદ્ય ની દુકાનમાં સામાન્ય નોકરી કરનાર ફેરેડે એ તરત જ ખુબ ઉત્સાહથી એ કામ સ્વીકારી લીધું. થોડા સમયમાં જ તે વિજ્ઞાનના ચમત્કારી પ્રયોગો કરવા લાગ્યો અને પોતે જે હતો એ બની ગયો....! 

જે લોકોને કશુંક કરવાની ઇચ્છા હોય છે તેઓ હાથમાં આવેલ દરેક તક ઝડપી લેતા હોય છે. એ તક ભલે ને શીશીઓના ઢગલામાં પડી હોય કે ઉકરડામાં!!!

એડિસન છાપાંઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો ત્યારે તેણે પોતાના જીવનમાં કેટલાક અમૂલ્ય પ્રયોગો કર્યા હતા. હેન્રી ફોર્ડે મોટરના એન્જિનના પ્રયોગો પોતાના રસોડામાં કર્યા હતા. ગોપાલકૃષ્ણ ગોખલે એ સુધરાઈના દિવાઓના અજવાળે પુસ્તકો વાંચ્યા હતા અને અભ્યાસ કરયો હતો.
અરે!! માઈકલ એન્જેલોએ એક વાર આરસના ટુકડાને બીજા પથ્થરો વચ્ચે પડેલો જોયો. કોઈક અણઘડ કારીગરે તેને ટાંચીને બગાડી અને આવડા મોટા ટુકડામાંથી કશુંય નહિ બની શકે એમ માની તેને ફેંકી દીધો હતો. એન્જેલોને એ ટુકડામાં પોતાના માટે તક દેખાઈ અને એમાંથી અતિશય ભવ્ય અને સુંદર ડેવિડની મૂર્તિ સર્જી, જે આજે પણ એક બેનમૂન કલાકૃતિ ગણાય છે!!


Monday, April 25, 2016

" સરદાર "


અંગ્રેજો ભારતને જુન 1948 સુધી આઝાદી આપવાનું આયોજન કરે છે. એ માટે લોર્ડ માઉંટબેટનની નીયુક્તી કરવામાં આવે છે. લોર્ડ દરેક મુખ્ય નેતાઓને અંગત રીતે મળવા માંગે છે. લોર્ડ પોતાની પત્ની (લેડી એડવીના)ને કહે છે, “આ દરેક નેતાઓમાં 5 બાબતો સામાન્ય છે: બધાં વૃધ્ધ છે, બધાં વકીલ છે, કોઇને એડમીનીસ્ટ્રશનનો અનુભવ નથી, બધાં ડુબી રહ્યાં છે, બધાંને સ્વરાજય જોઇએ છે. હવે, તું જો હું કેવું રાજકારણ ખેલું છું.”

લોર્ડ નેહરુલીયાકતઅલીગાંધીજીસરદાર અને ઝીણાને મળે છે. નેહરુ, લીયાકતાલી અને ઝીણા સાથે તેમને અંગત અને સાંપ્રત ચર્ચા થાય છે. ગાંધીજી લોર્ડને સાફ શબ્દોમાં સુણાવે છે કે અત્યાર સુધીના લોર્ડ જે વાવી ગયા છે (ડીવાઇડ અને રુલ) તે તમારે અને અમારે ભોગવવું તો પડશે જ. હાલના સંજોગોમાં શ્રેષ્ઠ ઉપાય એ છે કે મુસ્લીમ લીગ સત્તા સંભાળી લે, તો જ આપણે ભાગલામાંથી બચી શકીશું. મને સંપુર્ણ સ્વરાજ્ય સીવાય ઓછું કશું નથી ખપતું.

જ્યારે સરદાર મળવા આવે છે ત્યારે લોર્ડ પુછે છે, “સરદાર, તમે રાજકારણમાં કેવી રીતે આવ્યા?” સરદાર કહે છે, “અહીં હું મારા વીશે વાત કરવા નથી આવ્યો. હું અહીં એ જણાવવા આવ્યો છું કે અમે અમારા નવા વાઇસરોય પાસે શું અપેક્ષા રાખીએ છીએ.” લોર્ડ કહે છે, “માફ કરજો, પરંતુ પહેલાં હું આપને જાણવા માંગું છું.” સરદાર કહે છે, “તો હું રજા લઇશ.”


આ પછી બનેલ એક અન્ય ઘટના: 

ગાંધીજીએ લોર્ડને જે જણાવ્યું એ કોંગ્રેસની કારોબારીમાં પણ જણાવ્યું, કે પોતાને ભાગલા માન્ય નથી, અને એટલે જ લીગને સત્તા સોંપી દઇએ. સરદારનો જવાબ, “બાપુ, તમે મહાત્મા છો. તમે જ આવું વીચારી શકો. અમે રહ્યાં સામાન્ય માણસો. અમે આવું ના કરી શકીએ...!!”

એક જ દાણો !!


રાજસ્થાનના ડુગારી ગામમાં મેળો ભરાયો હતો. ખેતીવાડી ખાતા તરફથી તેમાં એક પ્રદર્શન ગોઠવાયેલું. ત્યાં ઘઉંના સુધારેલા બિયારણનો નમૂનો રાખેલો, તેની પર રામનારાયણ નામના ખેડૂતની નજર પડી. તે લેવાનું એને મન થયું, પણ ખાતાના અધિકારીએ કહ્યું કે એ વેચવા માટે નથી. હતાશ થઈને રામનારાયણ પાછો ગયો. બીજે દિવસે ફરી એ ત્યાં જઈને ઊભો. થોડી રકઝક પછી અધિકારીએ તેને એ ઊંચી જાતના ઘઉંનો નમૂનો આપ્યો – પણ એક જ દાણો !
એને મોંઘામૂલા રતનની જેમ જાળવીને રામનારાયણ લઈ ગયો. પોતાના ખેતરની સારામાં સારી જગા પસંદ કરી, ત્યાં ખાતર નાખીને એ એક દાણો વાવ્યો. રોજ તેની કાળજી લેવા માંડયો. થોડા દિવસે અંકુર ફૂટયો, છોડ મોટો થવા લાગ્યો અને આખરે તેની ઉપર ઘઉંની ડૂંડીઓ ઝૂલવા લાગી. પાક લણ્યો ત્યારે, એક દાણો વાવેલો તેમાંથી પોણો રતલ ઘઉં નીકળ્યા !
રામનારાયણનું હૈયું હરખે ભરાઈ ગયું. એ ઘઉંની પોટલી સાચવીને પટારામાં મૂકી દીધી.બીજે વરસે એ પોણો રતલ દાણા એણે પાછા વાવ્યા. વખત જતાં એના ખેતરમાં તેના છ-છ ફૂટ ઊંચા છોડ થયા. આસપાસના લોકો તે જોઈને અજાયબ થયા. આ વખતે તેર ગણો પાક ઊતર્યો ને દસ રતલ ઘઉં નીપજ્યા.
પછીને વરસે એ દસ રતલ વાવતાં તેમાંથી ઊંચી જાતના ત્રાણ મણ ઘઉં પાક્યા –
પેલા એક જ દાણામાંથી !

આમ આપણે જીવનની સારી ચીજોનો પાક ઊતારી શકીએ.

ધ્યાન

ધ્યાન

કાશ્મીરમાં બુલેશાહ નામે એક મોટા સૂફી સંત થઈ ગયા. કવિ તરીકે પણ એ વિખ્યાત છે. એમના ગુરુ હતા ઈનાયતશાહ. ઈનાયતશાહ માળીનું કામ કરતા હતા. એ બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યાં બુલેશાહ આવ્યા. બુલેશાહે એમને પ્રશ્ન કર્યો : ‘ગુરૂજી, હું ખુદાને કેવી રીતે પામી શકું ?’ ઈનાયતશાહે જવાબમાં મૂળમાંથી એક છોડવાને ઉખેડી નાખ્યો અને પછી ફરીથી તેને બીજી જગ્યાએ રોપ્યો.
બુલેશાહને કંઈ સમજ ન પડી. તેણે પૂછ્યું : ‘છોડવાને એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપવાનો શો અર્થ ?’
ઈનાયતશાહે જવાબ આપ્યો : ‘ખુદાને પામવા તમારે માત્ર તમારા ધ્યાનના મૂળને એક જગ્યાએથી ઉપાડી લઈ બીજી જગ્યાએ પરોવવાનું છે. દુનિયા અને દુન્યવી ચીજોમાં મન રમમાણ રહે છે તેમાંથી ધ્યાનને ખેંચી લઈ ખુદામાં કેન્દ્રિત કરો. તરત જ ખુદા પામશો.’
આવો જ ઉત્તર હજૂર બાબા સાવનસિંહજી મહારાજે આપેલો. એક માણસે તેમને પૂછ્યું હતું કે ભૌતિક વિશ્વમાંથી આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચતા કેટલી વાર લાગે ? બાબા મહારાજે પળવાર આંખો બંધ કરી અને તરત જ ઉઘાડી અને જણાવ્યું : ‘આટલી જ વાર લાગે. હું આધ્યાત્મિક વિશ્વમાં ગયો અને ત્યાંથી પાછો ફર્યો છું.’ અર્થ એટલો જ કે આપણે એક જગાએથી બીજી જગાએ જતાં જ નથી, માત્ર ધ્યાનને ચેતનાના એક પ્રદેશમાંથી બીજા સ્તરે લઈ જઈએ છીએ.
ઈશ્વરપ્રાપ્તિ કે આધ્યાત્મિક ઉન્નતિ માટે ધ્યાનને માત્ર દુન્યવીમાંથી દિવ્યમાં લઈ જવાનું છે.

ગાંધીજી અને નમ્રતા

નમ્રતા

જનરલ કરિઅપ્પાના ભાઈ કુમારપ્પા ગાંધીજીને મળવા પહેલવહેલા આશ્રમમાં ગયા. ત્યાં માથે ફાળિયું બાંધી એક ડોસો વાસીદું કાઢતો હતો, તેથી તેમણે ગાંધીજીને ખબર આપવા કહ્યું.

ડોસાએ પૂછ્યું : ‘કેટલા વાગ્યે મળવાનું ગાંધીજીએ રાખ્યું છે ?’
કુમારપ્પા ગુસ્સે થયા : ‘તેનું તારે શું કામ ? તું તારે જઈને ખબર આપ. મળવાનું ચાર વાગ્યે રાખ્યું છે.’
ડોસો બોલ્યો : ‘પણ હજી તો સાડા ત્રણ જ થયા છે.’
કુમારપ્પા ફરી છંછેડાયા : ‘પાછો ડાહ્યો થયો ? જા, મારા કહ્યા મુજબ કર.’
આથી ડોસો મૂંગો મૂંગો બીજા ખંડમાં ગયો અને થોડીવારે પાછા આવી કહ્યું : ‘સાહેબ, બેસો. ગાંધીજી આપને ચાર વાગ્યે મળશે.’
કુમારપ્પા ગાદી પર બેઠા. બરાબર ચાર વાગે માથેથી ફાળિયું છોડી નાખી પેલા ડોસાએ પૂછ્યું, ‘બોલો સાહેબ, શું કામ છે ? મને જ લોકો ગાંધી કહે છે.’

તુંબડી – રમણલાલ સોની


તુંબડી

કેટલાક ભક્તો તીર્થયાત્રાએ જતા હતા. સંત તુકારામે તેમને કહ્યું, ‘મારાથી તો અવાય એમ નથી. પણ મારી આ તુંબડીને લઈ જાઓ, એને દરેક તીર્થમાં સ્નાન કરાવજો !’ ભક્તો અનેક તીર્થોની યાત્રા કરીને પાછા આવ્યા. તેમણે તુંબડી પાછી આપી કહ્યું : ‘અમે એને એકેએક તીર્થમાં સ્નાન કરાવ્યું છે.’
તુકારામે એ જ તુંબડીનું શાક કરી ભક્તોને પીરસ્યું. તો ભક્તોએ એ થૂંકી નાખ્યું. કહે : ‘આ તો કડવી છે.’

તુકારામે કહ્યું : ‘આટાઅટલા તીર્થમાં સ્થાન કર્યું તોયે એ કેમ કડવી રહી ?’
ભક્તો કહે : ‘એનો સ્વભાવ જ એવો છે. પછી તીર્થ શું કરે ?’

તુકારામે કહ્યું : ‘ખરી વાત, ગમે તેટલી જાત્રા કરીએ, પણ આપણો સ્વભાવ ન બદલીએ તો આપણે પણ આ કડવી તુંબડી જેવા જ છીએ.’

મહાન કવિ દાન્તે અને પ્રેમ


જગતનાં મહાન કવિઓમાં જેની ગણના થાય છે એ ઇટાલીનાં કવિ દાન્તે (Dante Alighieri – વિખ્યાત/અમર કૃતિ Divine Comedy – 14000 Lineનું મહાકાવ્ય)

આ કવિ માત્ર ૯ જ વર્ષનાં હતાં ત્યારે તેમણે એક હમઉમ્ર છોકરીને જોઇ: બિયાટ્રિસ પોર્ટિનારીને. અને મનોમન (OneSideLove) તેનાં પ્રેમમાં પડી ગયાં. એ વિશે દાન્તેએ કહ્યું છે કે, ‘આ બનાવની મારા ઉપર એટલી અસર પડી છે કે એ પછીનાં મારા જીવનમાં કોઇ બનાવને મેં એથી અગત્યનો ગણ્યો નથી.’

પોતે કવિ એટલે પોતાની પ્રિયતમાની કવિતાઓ લખતા ગયાં. પોતાનાં કાવ્યો દ્રારા પોતાની પ્રિયાને એમણે અમર બનાવી દીધી. પોતાને ચાહનાર કોઇ યુવાન પોતાની કૃતિમાં તેને અમર બનાવી દેશે એની બિયાટ્રિસને તો ખબર પણ ન હતી. ને આ કવિ એટલા તો શરમાતા કે પોતે ૧૮ વર્ષનાં થયા ત્યાં સુધી તો એમણે બિયાટ્રિસ સાથે વાત પણ કરી ન હતી. એ જીવીત હતી, પરિણીતા બની ત્યાં સુધી દાન્તે તેની આશામાં હતાં. નાની વયે બિયાટ્રિસનું અવસાન થયા બાદ દાન્તે પરણ્યા. અને પરણ્યા પછી ???
પત્નીનાં અતિ કર્કશ સ્વભાવને કારણે જીવનભર અસહ્ય ત્રાસ ભોગવતા રહ્યાં.

હેન્રી મૂર



હેન્રી મૂર નામનાં વિખ્યાત શિલ્પીએ તેનાં બે શિષ્યોને બે એકસરખા પથ્થર આપીને તેમાંથી પોતાની મરજી મુજબનું શિલ્પ બનાવવા કહ્યું.
બંને શિષ્યો સમાન હોશિયાર હતાં, પણ એક શિષ્યએ જે બનાવ્યુ એ બેડોળ હતું અને બીજાએ જે બનાવ્યું એ બેનમૂન હતું. આ જોઇ શરમ અનુભવતા પહેલા શિષ્યએ હેન્રી મૂરને કહ્યું, તમારૂ માર્ગદર્શન હોત, તમે પરીક્ષા કરી રહ્યાં છો એની મને ખબર હોત અને મને કહ્યું હોત કે આ પથ્થરમાંથી શ્રેષ્ઠ શિલ્પ બનાવવાનું છે, તો હું પણ બેનમૂન શિલ્પ બનાવત.’
હેન્રી મૂરે તેને સમજાવતા કહ્યું, ‘એવું મેં પહેલા શિષ્યને પણ કહ્યું ન હતું અને તેને મારૂ માર્ગદર્શન પણ ન હતું. આમ છતાં તેણે શ્રેષ્ઠ બનાવ્યું. કારણ કે તેને ખબર હતી કે તેને જે સોંપવામાં આવ્યું છે તે તેણે શ્રેષ્ઠ રીતે કરવાનું છે.’

નકલ


એકવાર એવું બન્યું કે હું એક મકાનમાં જેમની સાથે રહેતો હતો તેને મેં કહ્યું કે, લોકો નકલખોર હોય છે.
તેણે કહ્યુ, ‘બધા ?’
મેં કહ્યું, ‘બધા.’
તેણે કહ્યું, ‘તો તો મને દાખલો આપો.’
મેં કહ્યું, ‘તું રાહ જો.’
મેં તેને કહ્યું, ‘હવે જ્યારે કોઇ બીજી વ્યક્તિ મને મળવા આવે, ત્યારે એ જેવી પ્રવેશે કે તરત તું મારા ચરણોને સ્પર્શ કરી, ત્યાં સો રૂપિયાની નોટ મૂકજે.”
અને એવું જ બન્યું; જ્યારે બીજા લોકો મને મળવા આવ્યા, ત્રણ વ્યક્તિઓ મને મળવા આવી હતી – ત્યારે મારા મિત્રે તરત મારાં ચરણોને સ્પર્શ કરી સો રૂપિયાની નોટ મૂકી! અને પેલા ત્રણ જણે પણ મારા ચરણોને સ્પર્શ કરી સો રૂપિયાની નોટ મૂકી.
મેં એ ત્રણેને પૂછ્યું, ‘તમે આવું શાં માટે કર્યું?’
તેમણે કહ્યું, ‘શાં માટે? કારણ કે અમને લાગ્યું કે, કદાચ અમારે આવું કરવાનું હશે. જો આવું કરવાનું હોય તો તે કરવું જ જોઇએ.’
લોકો નકલખોર હોય છે. તમે મંદિરમાં, મસ્જિદમાં, દેવળમાં લોકોને નમન કરતાં જોશો… શાં માટે? … કારણ કે તમારા માતા-પિત્તા તે કરતા હતાં…
તમારે ખૂબ જ સચેત રહેવું પડશે, તમારે બે ચીજો શીખવી પડશે. એક: તમે જે ક્ષણે જુઓ છો, કે ત્યાં કાંઇક બિન અગત્યની ચીજ છે કે તરત જ તેની સામે કોઇ ધ્યાન ના આપો, તેને પસાર થઇ જવા દો. તેની સામે જોવાની પણ જરૂર નથી… જીવન બહું ટૂંકુ છે, ઉર્જા મર્યાદિત છે. મૂર્ખ ના બનશો. બિન અગત્યની ચીજો પાછળ વેડફાયા ન કરશો.
હવે બીજી: બિન અગત્યનો ત્યાગ કરવો, પ્રથમ ચીજ સાથે અનુકુલન સાધ્યા પછી જ આ બીજી ચીજ શક્ય છે. અગત્યની ચીજો સાથે સંવાદિતા ઉભી કરવી – તેનાંથી ટેવાય જવું.

એચ.જી.વેલ્સ



ઇંગ્લેંડનો વિશ્વવિખ્યાત સાહિત્યકાર એચ.જી.વેલ્સ તેનાં એક મિત્રને લંડનમાં બનાવેલું પોતાનું વિશાળ મકાન બતાવી રહ્યો હતો. મિત્રને મકાન બતાવતા વેલ્સ અને તેનો મિત્ર ત્રીજા માળ પર આવ્યા, ત્યાં વેલ્સે તેનાં મિત્રને પોતાનો શયનકક્ષ બતાવ્યો. ખૂબ જ નાનો શયનકક્ષ જોઇને તેના મિત્રએ વેલ્સને કહ્યું, ‘તમે નીચેનાં માળ પર રહેલા મોટા શયનકક્ષનો ઉપયોગ શાં માટે નથી કરતાં? જ્યારે કે આ તો ખૂબ જ નાનો છે.’
વેલ્સે તેનાં મિત્રને કહ્યું, ‘એ ઓરડાઓ મારા નોકર અને રસોઇયા માટે છે, જેઓ છેલ્લા ૨૦ વર્ષથી મારી સાથે રહે છે.’
‘અન્ય બધે તો નોકરો માટે નાના ઓરડાઓ રાખવામાં આવે છે.’, મિત્રએ કહ્યું.
વેલ્સે મિત્રને કહ્યું, ‘મારે ત્યાં એવું નથી. મારી મા પણ એક સમયે લંડનમાં નોકરાણી હતી.’

આલ્બર્ટ આઇનસ્ટાઇન


પ્રસિધ્ધ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનાં ઘરે એમનાં પાડોશમાં રહેતી એક નાનકડી છોકરી દરરોજ રમવા માટે આવતી. આઇન્સ્ટાઇનની પ્રતિભાથી પરીચિત એ છોકરીની માતા જ્યારે એની પુત્રીને લેવા આવી ત્યારે તેણે આઇન્સ્ટાઇનને કહ્યું, ‘મારી પુત્રી આપને દરરોજ પરેશાન કરવા પહોંચી જાય છે એ બદલ હું દિલગીર છું. શું થાય? એ માનતી જ નથી.’
‘નહિ, નહિ’, આઇન્સ્ટાઇને કહ્યું, ‘તમે એ ચિંતા ન કરો. મને પણ એની સાથે સમય પસાર કરવામાં ખૂબ આનંદ આવે છે?’
છોકરીની માતાએ કહ્યું, ‘એ તો આપની મહાનતા છે. બાકી તો ૮ વર્ષની મારી દિકરી તમારા જેવા ૭૫ વર્ષનાં સજ્જનને પરેશાન જ કરતી હશે.’
આઇન્સ્ટાઇને હસતાં હસતાં કહ્યું, ‘એવું નથી. હું એના ગણિતનાં પ્રશ્નો હલ કરી આપુ છું અને એ બદલ તે મને ચોકલેટ આપે છે. મને ચોકલેટ ખૂબ ભાવે છે.’

ભગવાન એક - રૂપ અનેક



શિરડીના સંતશ્રી સાંઈબાબાના એક શિષ્ય હતા. તેઓ સાંઈબાબાના અનન્ય ભક્ત હતા. સાંઈમાં તેમને પૂરી શ્રદ્ધા. રોજ તેઓ સાંઈબાબાના દર્શન કરવા જતા. દર્શન કર્યા વિના કદી પાછા ફરતા નહોતા. કોક વાર તો એવું બનતું કે લોકોની ભીડમાંથી માર્ગ કાઠીને આગળ કેમ જવું તે જ સમજાતું નહિ. આવી વેળાએ શિષ્ય આખો દિવસ ખડે પગે રાહ જોતા ઊભા રહેતા અને દર્શન કરીને જ ઘરભેગા થતા વળી આ શિષ્ય સાંઈબાબાના દર્શન કર્યા પહેલાં કદી મોંમાં અન્નનો દાણો મૂકતા નહિ. આ તેમનો રોજિંદો નિયમ હતો.
એક દિવસ એવું બન્યું કે સાંઈના દર્શન કાજે ખૂબ માનવમેદની ભેગી થઈ હતી. હકડેઠઠ લોકકમેળામાંથી માર્ગ કાઢીને શિષ્ય સાંઈના ચરણો સુધી કેમ કરતાં પહોંચી શક્યા નહિ. ભૂખ્યા અને તરસ્યા ઊભા રહેતાં રાત પડી ગઈ. લોક વિખરવા લાગ્યું, ત્યારે સાંઈભક્ત અંદર જઈ શક્યા.
ભક્તે બાબાના ચરણોમાં માથું મૂક્યું.
સાંઈબાબાએ જ્યારે જાણ્યું કે પોતાને લીધે શિષ્યને ખૂબ કષ્ટ વેઠવું પડ્યું છે ત્યારે તેઓ મૃદુ સ્વરે બોલ્યો: "ભાઈ, શા સારુ તારે રોજ આમ માહકની તકલીફ વેઠવી જોઇએ? જો, હવેથી તું અહીં ધક્કો ખાઈશ નહિ. હું જ તને આવીને મળી જયા કરીશ. માટે કાલથી અહીં આવવાનું બંધ કરી દેજે. હું તને ખાતરી પૂર્વક કહું છું કે જમ્યા પહેલાં તું મારા દર્શન અવશ્ય કરશે."
ધન્ય શ્રી સાંઈ ! લાખ વંદના તમારી નમ્રતાને અને તમારા શિષ્ય પ્રેમને ! આમ વિચારતાં મનમાં ખૂબ ખુશ થતાં અને અનુભવતાં શિષ્ય ઘર જવા નીકળ્યો.
બીજે દિવસે શિષ્ય વહેલી સવારે જાગી ગયો. સ્નાનપૂજાદિ વહેલાં-વહેલાં પતાવી દીધાં અને પછી શ્રીસાંઈની પધરામણીની રાહ જોતો તે આગલે બારણે બેઠો. આમ કરતાં સવાર વીતવા લાગી. બપોર થઈ પણ સાંઈનો પત્તો ના મળે. સંધ્યાકાળ થતાં તો શિષ્યનો ઉચાટ વધી ગયો. સાંઈગુરુ ઉપર તેને રોષ ચઢ્યો. સવારથી ભૂખ્યે પેટે બેઠો છું, છતાં સાંઈએ મારા ઉપર કૃપા ન કરી? શિષ્યને મનમાં અત્યંત માઠું લાગ્યું. આખરે અધીર બની મોડી સાંજે તે સાંઈના દર્શને જવા નીકળ્યો.
સાંઈબાબાને નિયત જગ્યા ઉપર નિરાંતે બેઠેલાં જોઈને શિષ્ય રોષપૂર્વક બોલ્યો: "દેવ, તમે જ વચન આપો અને તમે જ તે તોડો એ તે કેવું કહેવાય?"
શિષ્યની રોષપૂર્ણ વાણી સાંભળી શ્રીસાંઈ બોલ્યા: "રે, હું આજે એક વાર નહીં ત્રણ વાર તારે ઘેર આવી ગયો."
શિષ્ય કહે: "દેવ, શું કહો છો? હું તે દી' આખાથી તમારી તમારી વાટ જોતો બેસી રહ્યો, પરંતુ તમારા દર્શન થયાં નહિ, છેવટે હું જ અહીં આવ્યો અને તમે કહો છો કે તમે ત્રણ-ત્રણ વાર મારું ઘર પાવન કર્યું?"
ત્યારે સાંઈ બોલ્યા: "પહેલી વાર હું તારે ઘેર ભિખારીના વેશમાં આવ્યો, પરંતુ તેં મને કહ્યું કે જતો રહે, ખબરદાર અહીં આવ્યો છે તો !" અને હું જતો રહ્યો. બીજી વાર એક ઘરડી ડોસીના રૂપમાં હું તારે આંગણે આવીને ઊભો, પરંતુ તેં મારી તરફ જોયું પણ નહિ. ઊલટાનું મને જોતાંવેંટ જ તેં તારી આંખો બંધ કરી દીધી.
અત્યંત દુઃખી થતાં શિષ્ય બોલ્યો: "દેવ, કોઈ પણ સ્ત્રીના મોં સામે ન જોવાનું મેં વ્રત લીધું છે."
શ્રીસાંઈ કહે: "તો એમાં હું શું કરું? શું મારે તારી બંધ આંખોમાં ઘૂસી જવું? હું તો આવ્યો પણ તેં જ તારી આંખો બંધ કરી દીધી. હું ફરી પાછો જતો રહ્યો. ત્રીજી વાર હું કૂરતો બનીને ફરી તારે દ્વારે આવીને ઊભો, પરંતુ આ ફેરા પણ તેં મને તારા ઘરમાં પેસવા ન દીધો. ઊલટાનો તું તો હાથમાં દંડો લઈને બારણા વચ્ચે મને હાંકી કાઢવા ઊભો રહ્યો. હવે તું જ કહે આમાં મારો શો વાંક?"
શ્રીસાંઈના આ વચનો સાંભળી શિષ્ય દુઃખ અને પશ્ચાતાપનો માર્યો માથું નમાવી સૂનમૂન બની ગયો. સાંઈબાબાની માફી માગી તે તેઓશ્રીના ચરણોમાં પડ્યો. સૌને માફી આપનાર સાંઈએ તેને આશીર્વાદ આપ્યા.
("સંત સુવાસ" પુસ્તક માંથી)

માણસની કિંમત


માણસની કિંમત 
તૈમૂરલંગ ખૂબ જ ક્રૂર રાજા હતો અને તેની ક્રૂરતાથી રાજ્યની પ્રજા દુખી હતી.  તે લંગડા, ઠીંગણા, કદરૂપા માણસે ન જાણે કેટલાય દેશો ને નષ્ટ –પષ્ટ કરી દીધા હતા,  કેટલાય  ઘરો- કુટુંબો ને બેઘર કરી દીધા હતા.  આવા કૂર –પાશવી પાસે એક દિવસ બંદીવાન કેદીઓ ને લાવવામાં આવ્યા, જેઓને આજે સજા તે સંભળાવવાનો હતો.  આ કેદીઓ માં તૂર્કિસ્તાન ના પ્રસિદ્ધ કવિ અહમદી પણ હતા.  તેને જ્યારે પકડીને તૈમૂરલંગ પાસે લાવવામાં આવ્યા, ત્યારે તૈમૂરલંગે  બે ગુલામો તરફ અંગૂલી નિર્દેશ દ્વારા અહમદી ને કહ્યું કે મેં સાંભળ્યું છે કે:  "કવિ લોકો મોટા પારખું હોય છે. તો સારું, તમે મને કહો કે આ બે ગુલામો ની કિંમત શું છે ?"
"આ બને માંથી કોઈ પણ ૪૦૦ અશરફી થી ઓછી કિંમત ન નથી."  અહમદીએ જવાબ આપ્યો… આ સાંભળી તૈમૂરને બહુજ આશ્ચર્ય થયું ! તેણે ફરી પ્રશ્ન કર્યો “ભાઈ તો મારી શું કિંમત છે ?”
અહમદી સ્પષ્ટ વક્તા અને સ્વાભિમાની હતા. તેણે જવાબ આપ્યો: “તમારી કિંમત ફક્ત ચોવીસ અસરફીઓ જ છે."   
“શું, મારી ફક્ત ચોવીસ અશરફી જ કિંમત જ છે ? – આશ્ચર્ય સાથે તૈમૂરે કહ્યું, “આટલી કિંમતની તો ફક્ત મારી  કફનીજ છે.”
“જી હા, મેં તેની તો કિંમત લગાવી છે.”  – સ્વાભિમાની કવિ એ જવાબ આપ્યો. “ એટલે કે મારી કોઈ જ કિંમત જ નથી ? “  – તૈમૂર એ વળતો ફરી તેને સવાલ કર્યો.
“ જી નહીં, કોઇ જ નથી. જે વ્યક્તિમાં દયા જરા પણ માત્રા માં  ના હોઈ શકે, તમે જ કહો, એવા દુષ્ટને “માણસ”  તરીકે કઈ  રીતે ઓળખાણ આપી શકાય  ? અને આમ છતાં,  તેની કિંમત પણ શું હોઈ શકે ?”
તૈમૂર માટે કરેલી વાત સાચી જ હતી, આમ છતાં તે ચૂપચાપ સાંભળતો રહ્યો.  તે અહમદી ને સજા તો તે આપી શકે તેમ ના હતા, અને જો તે સજા કરે તો અહમદી દ્વારા તેની કિંમત જે કરવામાં આવી હતી તે સાચી છે તેમ સાબિત થાય તેમ હતું, તેણે અહમદી ને “પાગલ” છે તેમ જાહેરકરાર  કર્યો અને છોડી દીધો…
સાર: માણસની કિંમત પૈસા થી નક્કી નથી થતી તેના સ્વભાવ અને કાર્ય થી  નક્કી થાય છે

Saturday, April 23, 2016

લિયોનાર્ડો દ વીન્સી

લિયોનાર્ડો દ વીન્સી (1452-1519)


ઇટલીના ફ્લોરેન્સ નામના નગરમાં બે છોકરા વાતો કરતા હતા. એક છોકરો જે મોટો હતો તેણે  નાના છોકરાને કહ્યું: ' દોસ્ત, જીવનમાં કશું કરી શકીશ નહિ, કારણકે નસીબ જ બહુ ખરાબ છે. માતાપિતા પણ સાવ ગરીબ છે. કોઈનો સ્નેહ મળતો નથી. કોઈ કશી જ મદદ કરતુ નથી. એના કરતા તો આત્મહત્યા કરી લેવી બેહતર છે.'

નાના છોકરાએ અત્યંત આત્મવિશ્વાસથી તેને આશ્વાસન આપતા કહ્યું, ' દોસ્ત, પ્રતિકુળતાઓને અનુકુળતાઓમાં બદલી નાખ. પુરુષાર્થ કરવામાં પાછી પાની ના કર. સફળતા કુદરત આપશે જ. '

આ આશ્વાસન આપનારો નાનો છોકરો બીજો કોઈ નહોતો, પરંતુ વિશ્વ વિખ્યાત બહુમુખી પ્રતિભા સંપન્ન મહાપુરુષ લિયોનાર્ડો હતો.

લિયોનાર્ડોનો જન્મ બહુજ રંક પરિવાર માં થયો હતો. બે વર્ષની ઉંમરે તેની માતાનું અવસાન થયું હતું. તેને પોતાનું ઘડતર સ્વયમ કર્યું. પોતે જ પોતાનો ભાગ્યવિધાતા બન્યો. ઘોર હાડમારી, અવરોધો, ગરીબીનો મક્કમતાથી સામનો કરી એક પછી એક પ્રગતિના સોપાન સર કર્યા અને સફળતાના શિખરે પહોંચી ગયો.

તે બહુ નીરોગી, બળવાન, મહાન શિલ્પી, ચિત્રકાર, સાહિત્યકાર, કવિ, દાર્શનિક, ગણિતશાસ્ત્રી, સંગીતકાર, વૈજ્ઞાનિક, મિસ્ત્રીકલાનો તજજ્ઞ, વિદ્વાન, સફળ વક્તા,યુદ્ધકલા માં નિપુણ, અને સારા વ્યક્તિત્વનો સ્વામી બની ગયો. આવો બહુમુખી પ્રતિભાવંત પુરુષ ઇતિહાસમાં ક્યાંય જોવા-સાંભળવામાં નથી આવ્યો !!

Friday, April 22, 2016

શાંતિનો અહેસાસ

એક રાજા દ્વારા શાંતિનો અર્થ સમજવા અને સમજાવવા માટે એક ચિત્રની હરિફાઈ કરવામાં આવી. ઘણા કલાકારોએ પોતાનાં ચિત્રો તૈયાર કર્યાં. બધાંય ચિત્રો બારીકાઈથી રાજાએ જોયાં અને બે ચિત્રો ગમ્યાં. એક ચિત્રમાં શાંત સરોવરની બધી બાજુ પર્વતો છે અને એ બધાયનું સરોવરના પાણીમાં સ્વચ્છ પ્રતિબિંબ ઝિલાય છે. જાણે, સરોવર સરસ અરીસો હોય એવું લાગતું હતું. બીજા ચિત્રમાં પણ પર્વતો હતા પણ તે ખરબચડા અને બોડા હતા. ઉપરનું આકાશ જાણે કોપાયમાન હોય એવું લાગતું હતું. મુશળધાર વરસાદ પડતો હતો સાથે વીજળીના ચમકાર હતા. એક પર્વતની બાજુમાં મોટો ધોધ હતો. પણ ચિત્રકારે ચિત્રમાં બીજી અદ્‍ભુત રચના કરેલ હતી. ધોધની પાછળ ખડકના પોલાણમાં મઝાનું નાનકડું એવું ઝાડ દોર્યું હતું. એ ઝાડમાં માળો બાંધી પક્ષી બચ્ચાને સાચવીને બેઠું હતું. મુશળધાર વરસાદ અને ધોધના ધસમસતા પાણીના અવાજ વચ્ચે પણ પક્ષી અને બચ્ચાં એવાં શાંતિથી અને નિરાંતથી બેઠાં હતાં કે સંપૂર્ણ શાંતિમય વાતાવરણનો અહેસાસ થતો હોય.
રાજાએ શાંતિના અર્થ માટે બીજું ચિત્ર પસંદ કર્યું, પોતાની પસંદગી પાછળનું કારણ સમજાવતાં રાજાએ કહ્યું, ‘શાંતિનો અર્થ એવો નથી કે જ્યાં અવાજ ન હોય, મુશ્કેલી ન હોય કે પરિશ્રમ ન હોય. આ બધું હોય છતાં, એની વચ્ચે જેમના દિલમાં, ચહેરામાં શાંતિનો અહેસાસ થાય એ જ સાચી શાંતિ.’
– નીલેશ મહેતા

સુખી સંસારની ચાવી - સહનશીલતા

સુખી સંસારની ચાવી
એક શહેરમાં એક મોટું કુટુંબ રહેતું હતું. નાના મોટા થઈ સિત્તેર માણસો હતાં. સંયુક્ત જીવન જીવી એક જ રસોડે એ બધાંય જમતાં હતાં. ક્લેશ શું છે એની કુટુંબની કોઈ વ્યક્તિને ખબર નહોતી. સમસ્ત કુટુંબનો સંપ રાજ્યની ખ્યાતિ હતી. આધુનિક યુગમાં સંયુક્ત પ્રથા એક સ્વપ્ન જેવું છે. આ કુટુંબની વાર્તા સાંભળી એક પત્રકાર મિત્ર તે કુટુંબની મુલાકાત લેવા ગયો. પત્રકાર મિત્રનું ઉમળકાથી સહ કુટુંબ સ્વાગત કર્યું. સ્વાગતવિધિ પતી ગયા પછી, કુટુંબ વડીલને પત્રકારે મૂળ વાત રજૂ કરતાં કહ્યું, તમારું વિશાળ કુટુંબ ખૂબ સલાહ-સંપથી રહે છે. પેલી વાત છે કે બે વાસણ હોય તો ખખડ્યા વિના રહેતાં નથી. તમારે ત્યાં તો સિત્તેર માણસોનો પરિવાર છે. છતાંય કોઈ ક્લેશ કે ક્યાંય ખખડાટ નથી ? આ વાતનું રહસ્ય જાણવાની મને જિજ્ઞાસા છે.’ કુટુંબના વડીલની ઉંમર ઘણી મોટી હતી. બોલવાની શક્તિ ન હતી, એટલે તેના એક પૌત્રને ઈશારો કરીને કાગળ અને પેન મંગાવ્યાં. પછી પોતાના ધ્રૂજતા હાથથી લગભગ સોએક શબ્દ લખી કાઢ્યા અને પત્રકાર સમક્ષ એ કાગળ રજૂ કર્યો. ઘણી ઉત્સુકતાથી પત્રકાર એ કાગળ વાંચવા માંડ્યો. પરંતુ તેમાં તો એકનો એક શબ્દ સો વાર લખવામાં આવ્યો હતો એ શબ્દ હતો : ‘સહનશીલતા.’

પત્રકાર માટે એક આશ્ચર્ય હજી ઊભું છે ત્યાં વળી આ નવું આશ્ચર્ય ઉમેરાયું. એક પુત્રે બોલતાં કહ્યું, ‘સહનશીલતા’ ના મહામંત્રથી અમે સૌ એકતાના દોરે બંધાયાં છીએ. કુટુંબ ભલેને ગમે તેટલું હોય, છતાં જો બધામાં સહનશક્તિ હોય તો જરાય વાંધો ન આવે. સહનશક્તિ માટે પહેલી જરૂર છે મતસહિષ્ણુતાની, સૌને આદર આપતાં આપણે શીખવું જોઈએ. કદાચ, સામા પક્ષની વાત ખોટી હોય તો પ્રેમથી, સમજાવીને તેનું હ્રદય જીતી લેવું એ સુખી સંસારની સર્વશ્રેષ્ઠ ચાવી છે.’


સૌ. ક્ષણે ક્ષણે અમૃત

અલબ્રેસ્ત દરેર -- મિત્રનું સમર્પણ

Albrecht Durer (1471-1527)

મિત્રનું સમર્પણ

ઈટાલીમાં બે ગરીબ મિત્રો ચિત્રકલાનું શિક્ષણ લેવા એક ચિત્રકલા ગુરુને મળ્યા. બંનેની ગુરુએ પરીક્ષા કરી. ચિત્રકલા શીખવા માટેની તેમની લાયકાત દર્શાવી. ગુરુએ ફી ભરવાની વાત કરી ત્યારે બંને ઉદાસ થઈ ગયા. કારણ બંને ગરીબ હતા. પણ એક મિત્ર કાંઈ બોલે તે પહેલાં બીજા મિત્રએ કહ્યું, ‘અમે આપની ફી ભરી આપશું.’ બંને બહાર નીકળ્યા, પેલા મિત્ર કહ્યું ‘ક્યાંથી ભરીશું ફી ?’ બીજા મિત્રે કહ્યું, ‘અરે, પૈસા નથી તો શું થયું ? બાવડાંમાં બળ તો છે. જો હું કમાઈ લઈશ, તારી ફી ભરીશ, તું ભણી લે, ચિત્રકાર થઈ જા, પછી તું કમાઈશ અને હું ભણી લઈશ બરાબર ?’ બંને મિત્રો સહમત થયા.

બીજે દિવસે એક ચિત્રકલા શીખવા ગયો. બીજો કામે ગયો. રોજ સાંજે બંને મિત્રો સાથે જમે. મિત્રના અભ્યાસની ચર્ચા થાય. થોડાં વર્ષ આમ ચાલ્યું. હવે ચિત્રકાર મિત્રે શિક્ષણ પૂરું કર્યું હતું. હવે તે ચિત્રો બનાવી સારું કમાવા લાગ્યો હતો. એક દિવસ તે પોતાના મિત્રને લઈ ગુરુજી પાસે ગયો અને વિનંતી કરી, ‘ગુરુજી, હવે મારા મિત્રને આપ ચિત્રકલા શીખવો.’ ગુરુજીએ તે મિત્રના હાથ જોયા, પછી બોલ્યા, ‘હવે આ મિત્ર ચિત્રકલા નહિ શીખી શકે.’ પેલા મિત્રે પૂછ્યું ‘કેમ ?’ ગુરુજી કહ્યું, ‘મહેનત કરી કરી તેના હાથ એટલા કઠોર, એવા સખત થઈ ગયા છે કે તે ચિત્રો દોરી નહિ શકે.’ ત્યારે ચિત્રકાર મિત્રને ખબર પડી કે પોતે ભણી શકે તે માટે મિત્ર પથ્થરની ખાણોમાં કામ કરતો હતો. આ જાણી ચિત્રકાર મિત્ર ખૂબ રડ્યો. ‘શું જરૂર હતી આ રીતે મને ભણાવવાની ?’ એ ફરી ફરી આમ જ કહ્યા કરતો. ગુરુજીની આંખમાં પણ આંસુ હતાં તેમને અફસોસ એટલો જ હતો, ‘મને જણાવવું તો હતું !’ માત્ર શ્રમજીવી મિત્રના ચહેરા પર સ્મિત હતું, સમર્પણનો સંતોષ હતો.

એક ભવ્ય પ્રદર્શનની યુરોપમાં જાહેરાત થઈ. ચિત્રકાર મિત્રે પણ પોતાનું ચિત્ર રજૂ કર્યું. એ જ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવ્યું. ચિત્ર હતું ‘પ્રાર્થના કરતા હાથનું ચિત્ર’ અને એ કઠોર હાથ હતા. મહેનતકશ ઈન્સાનના… દિલોજાન દોસ્તના. આ ચિત્રના ચિત્રકારનું નામ હતું અલબ્રેસ્ત દરેર.
સૌ. ક્ષણે ક્ષણે અમૃત

સંતની મહાનતા


સંત તુકારામની ધર્મપ્રિયતા અને સહનશીલતાનો કોઈ પાર નહિ. લક્ષ્મીનો કોઈ દિવસ સંત તુકારામને મોહ નહિ. પોતાના રોટલામાંથી અડધો રોટલો તેઓ ભૂખ્યાને આપતા તેવા દયાળુ સંત તુકારામ હતા. ખેતરમાંથી સાંજના ઘરે આવે ત્યારે ખેતરમાં ઊગેલું અનાજ કે પાક પોતાની સાથે લેતા આવે અને રસ્તામાં જે કોઈ ભિક્ષાર્થી મળે તેને આપતા આવે. ઘેર અનાજ પહોંચે કે ન પહોંચે તેની એમને લેશમાત્ર પરવા નહિ.

એકવાર એમણે પોતાના ખેતરમાં શેરડી વાવી હતી. શેરડીનો પાક સારા પ્રમાણમાં ઊતર્યો હતો. એક દિવસ સાંજના તેઓ માથે શેરડીનો એક મોટો ભારો મૂકીને ઘર તરફ પાછા ફરતા હતા. રસ્તામાં ગામના છોકરા તેમને ઘેરી વળ્યા અને કહેવા લાગ્યા, ‘મને શેરડી આપો, મને શેરડી આપો.’ સંત તુકારામ તો દયાના મહાસાગર હતા. છોકરાને આખો ભારો વહેંચી દીધો. એમની પાસે શેરડીનો માત્ર એક જ સાંઠો રહ્યો. સંત તુકારામ ઘેર આવ્યા. તેમની ધર્મપત્ની ભારે ક્રોધવાળી હતી. તુકારામના હાથમાં શેરડીનો માત્ર એક જ સાંઠો જોઈને તે આગ બબૂલી થઈ, ધૂંવાપૂંવા થઈ ગઈ.

સંત તુકારામે શેરડીનો સાંઠો પોતાની પત્નીના હાથમાં આપ્યો અને કહ્યું : ‘એક તારા માટે !’

પત્નીએ સાંઠો તુકારામની પીઠ પર માર્યો અને શેરડી સાંઠાના બે કટકા થઈ ગયા.

સંત તુકારામ હસ્યા અને બોલ્યા : ‘લોકો ભલે તારી નિંદા કરે, પણ તું સાચી પતિવ્રતા છે. તે શેરડીના સાંઠામાંથી બે ભાગ બનાવ્યા એક તારા માટે અને એક મારા માટે ! સાચી પત્નીનો એ જ આદર્શ હોઈ શકે. લોકો નાહક તારી નિંદા કરી તને વગોવે છે.’

સંત તુકારામની આવી આદર્શ ભાવના જોઈ તેમની પત્ની તેમના ચરણોમાં પડી ગઈ.

સૌ. ક્ષણે ક્ષણે ઉજાસ

નેપોલિયન ની ઉદારતા


એક છોકરો રમત રમત માં દોડાદોડ કરતો હતો. એકાએક એક છોકરી સાથે અથડાઈ પડ્યો.

છોકરી ગરીબ હતી. મલિક પાસે ફળ વેચવા જતી હતી. તેના બધા જ ફળ વેરાઈ ગયા અને ઘણાં રસ્તા પર છૂંદાઈ પણ ગયા. તે રડવા લાગી.

એને જોઈને છોકરો થોડો ગભરાઈ ગયો. ત્યાંથી ભાગી જવાનો વિચાર કર્યો, પરંતુ તેના અંતરાત્માએ ના પાડી.
પછી છોકરીને પોતાને ઘેર લઇ ગયો. છોકરાએ પોતાની માતાને આ બનાવ વિષે જણાવ્યું ને છોકરીને પૈસા આપવા કહ્યું.
છોકરાની માતા કઠોર હતી. તે ગુસ્સે થઈ અને છોકરાને ઠપકો આપતા માર પણ માર્યો.
છોકરાએ ત્યારે કહ્યું: "તું ભલે મને માર મા, પણ આ ગરીબ છોકરીની રોજીરોટી મારાથી છીનવાઈ ગઈ છે, તેથી એ નુકસાન બદલ તેને પૈસા તો આપવા જ પડશે."

છોકરાની માતાએ કહ્યું: ' મહિના સુધીના તારા નાસ્તાના પૈસા જે થાય છે, તે આપી દઉં છું. તેના બદલે તારે મહિના સુધી નાસ્તો કરવાનો નથી.'
છોકરાએ માતાની વાત સ્વીકારી લીધી. અને એ છોકરીને પૈસા મળી ગયા.

આ ઉદારચિત્ત છોકરો એટલે મહાન નેપોલિયન!

દૃષ્ટિકોણ

. એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે 
તમે BMW કેટલા દિવસમાં ખરીદી શકો ?

દિલ્હીના ડોકટરે કહ્યું કે હું દિવસ-રાત પ્રેકટીસ કરું તો છ મહિનામાં BMW ખરીદી શકું.

મુંબઈના એમબીએ થયેલા યુવકે કહ્યું કે મારે નવ મહિના કામ કરવું પડેે.. 
સાઉથ ભારતના એન્જિનિયરે કહ્યું કે BMW માટે મારે એકાદ વર્ષ કામ કરવું પડે..
ગુજરાતના વેપારીએ કહ્યું કે મને લાગે છે કે એ માટે મારે પાંચ વર્ષ જોઈએ..
ઈન્ટવ્યુ લેનારે એકદમ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, પાંચ વર્ષ ?

ગુજરાતી વેપારીએ તરત જવાબ આપ્યો, સાહેબ, BMW કંપની મોટી છે, એટલે તેને ખરીદવી હોય તો પાંચ વર્ષ તો થાય જ ને !!!
વિચારવાનો અભિગમ ઘણો મહત્વનો હોય છે..

. આફ્રિકાની આ સાચી વાત છે. સો વર્ષ પહેલાં ત્યાં પગરખાં પહેરવાનું કોઈ જાણતું નહોતું.
પગરખાનો વેપાર તપાસવા (ફિઝિબિલિટી રિપોર્ટ માટે) ત્યાં એક અમેરિકાની કંપનીએ અને એક જાપાનની કંપનીએ પોતપોતાના એજન્ટો મોકલ્યા.

ત્યાં કેટલાક દિવસો પછી રહી, અભ્યાસ કર્યા બાદ અમેરિકન એજંટે રીપોર્ટ તૈયાર કર્યો. તેણે રિપોર્ટમાં લખ્યું: " અહીં પગરખાં પહેરવાનુ કોઈ જાણતું નથી. માટે વેપારની શક્યતા નથી.

જયારે જાપાની એજન્ટે રિપોર્ટમાં જણાવ્યું: " અહીં પગરખાં કોઈની પાસે નથી. તેનો ઉપયોગ શીખવાડવા માટે થોડો સમય જોઇશે.....પછી તો વેપાર ધમધોકાર ચાલશે."

છેવટે પરિણામ એ આવ્યું કે જાપાનનો પગરખાનો વેપાર સમગ્ર આફ્રિકા માં જોશભેર ચાલવા લાગ્યો અને અમેરિકાનો વેપાર ત્યાં જઈ શક્યો જ નહિ.

"સફળતા અને નિષ્ફળતા નો આધાર માનવીના દૃષ્ટિકોણ અને અભિગમ પર જ રહેલો છે."

Wednesday, April 20, 2016

"મામાનું ઘર"

મામાનું ઘર...!


સ્કૂલની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતાં; લગભગ તે જ દિવસે મામાનો કાગળ આવી જતો, 
“ મોટાબેન ને નાનાબેન બાળકો સાથે આવી ગયા છે. મોટાભાભી ને બાળકો શનિવારે આવી જશે. તમે ક્યારે આવો છો ? વહેલાસર લખજો. સ્ટેશને તમને લેવા ગાડું મોકલશું.’
વાંચીને અમે ચારેય ભાઈ-બહેનો કકળાટ કરી મૂકીએ, ‘ આ બધાં તો પહોંચીયે ગયા..! ચાલ, બા, આજે જ નીકળીએ..!’

અને પછી સાત-આઠ કલાકની ખખડધજ બસની મુસાફરીની તૈયારી શરુ થતી. પતરાની મોટી ટ્રંક, નાસ્તાનો અડધિયો ડબ્બો..પિત્તળનો પેચવાળો પાણીનો લોટો અને ખિસ્સામાં રંગબેરંગી પીપરમીન્ટ...

મામાને ઘેર કંઈ એવી મોટી સાહ્યબી કે એશોઆરામ નહી. નાનું ઘર...લાઈટ કે પંખા પણ નહી.....પાણીએ કૂવેથી ભરવાનું...આર્થિક રીતેય મામા કઈ એવા માલેતુજાર નહી. એક નાનું ખેતર ને બે ભેંસો પર બધોય વ્યવહાર. પણ તોય આનંદના કારણોનો પાર નહી...!

સૌથી પહેલો તો ગાડામાં બેસીને વી. આઈ.પી. ની જેમ ગામ વચ્ચેથી પસાર થવાનો આનંદ.....કૂવે પાણી ભરવા જવાનો આનંદ....મામી અને માસીના હાથની હેતભરી વાનગીઓ ખાવાનો આનંદ....સાથે મળીને કામ કરવાનો આનંદ..... એકબીજાના કપડાં પહેરી રામજી મંદિર જવાનો આનંદ....ફળિયામાં આવેલા લીમડાના છાંયડા નીચે ઝોળવાળા ખાટલામા પણ પરીઓના સપનાવાળી મીઠી ઊંઘનો આનંદ.... બપોરે આયોજન વિનાના સંસ્કૃતિક કાર્યક્રમમાં પર્ફોર્મ કરી બધાની પ્રશંસા ઝીલવાનો આનંદ.....ઝીણા ઝીણા ઝઘડા પછી રિસામણા ને મનામણાના ઓઠા હેઠળ સહુના વાત્સલ્ય ધોધમાં ભીંજાવાનો આનંદ…..બસ, આનંદ જ આનંદ......!!

દર વરસે વેકેશનની એ એક મહિનાની રેસિડેન્શીયલ તાલીમે ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાના જે ઊંડા મૂળ રોપ્યા છે તેણે જિંદગીને જોવાના શત શત દ્રષ્ટિકોણ ખોલી આપ્યા છે. એમાય પાછા ફરીએ ત્યારે મામી હમેંશા સહુને જોડ કપડાં આપતાં. એ પળોનું પોત તો એવું મજબૂત કે આટલા દાયકાઓ પછી હજુ સુધી ફાટ્યુંય નથી ને ફીટયુંય નથી.

બદલાતા સમય સાથે પ્રગતિએ હરણફાળ ભરી છે. સુખસુવિધાઓનો વ્યાપ વિસ્તાર્યો છે. મામાઓને ઘેર હવે ગાડું નહી, ગાડી(ઓ) છે. ત્રણ બેડરૂમના મોટા ફ્લેટની આબાદી છે, જેમાં એક રૂમ ખાસ મહેમાનો માટે છે. અને વળી રાંધવાવાળા મહારાજ પણ છે.નાના ખેતરને બદલે મોટી ફેક્ટરી છે. બધું જ છે.....બધું જ....

નથી તો બસ એક મામાનો કાગળ - ‘ બહેન, તું બાળકોને લઈને ક્યારે આવે છે???

Tuesday, April 19, 2016

વિલંબ


કૌરવોના દરબારમાં દ્રૌપદીની ભારી વિટંબણા થઇ. દુર્યોધન, દુઃશાસન, કારણ વગેરે અણછાજતા કટુવચનો બોલ્યા. તેમનો ચોટલો ખેંચાયો અને ચીર હણાયા. એવા ટાણે શ્રી કૃષ્ણએ વસ્ત્રો પ્રદાન કરી તેમની લાજ બચાવી.
એ પ્રસંગ વીતી ગયા પછી દ્રૌપદિએ શ્રી કૃષ્ણને પૂછ્યું, " હે કૃષ્ણ! તમે છેલ્લી ઘડીએ મારી લાજ તો રાખી, પણ આટલી બધી સતામણી થઇ ત્યાં સુધી તમે કેમ ઉભા રહ્યા? તમે મારી સહાય માટે ત્વરિત કેમ આગળ ન આવ્યા?"
શ્રી કૃષ્ણ એ માર્મિક સ્મિત વેરીને કહ્યું, " હું બીજું શું કરું? તારી સામે ધર્મરાજા, ભીમ, અર્જુન વગેરે બેઠા હતા. એ સૌ મદદ કરશે એવી આશા રાખીને તું એમની સામે જોઈ રહી હતી, પણ તેમાં નિરાશ થઇ ત્યારે ન છૂટકે તે મને યાદ કર્યો. બધા લોકો આમ જ કરતા હોય છે. પણ જેવો તે મને યાદ કર્યો કે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હું આવી પહોંચ્યો કે નહિ? વાર મેં નો'તી લગાડી, તે જ મને મોડો બોલાવ્યો હતો!!"

દૃઢ મનોબળ ( "શોલે" ફિલ્મની પ્રાસંગિક સામ્યતા)


જાપાનના મહાન સેનાપતિ નોબુનાગા પાસે દુશ્મનો કરતા ખુબ જ ઓછું માત્ર દસમા ભાગ જેટલું જ સૈન્ય બળ હતું. તેમ છતાં તેણે એ આત્મવિશ્વાસ સાથે દુશ્મન ઉપર આક્રમણ કર્યું કે તેમની સેના વિજયી થશે.

યુદ્ધભૂમિ પર પહોંચતા પહેલા રસ્તામાં શિન્ટો નામક દેવળ આવ્યું. એ ત્યાં થોભ્યા અને સૈનિકોને કહ્યું, ' હું ભગવાનના દર્શન કર્યા પછી અહીં આવીને ચાંદીનો સિક્કો ઉછાળીશ. એ સિક્કાની એક બાજુ તાજ છે અને બીજી બાજુ લખાણ. જો તાજ ઉપર આવશે તો આપણો વિજય નક્કી છે. હવે જોઈએ ઈશ્વરની શું મરજી છે...? '
થોડી વાર પછી બહાર આવીને તેમણે સિક્કો ઉછાળ્યો. સૈનિકો એ જોઈને નાચી ઉઠ્યા કે તાજ ઉપર આવ્યો છે. અને ઈશ્વરનો આભાર પ્રગટ કરતા ખુબ જ ઉત્સાહથી અને આત્મવિશ્વાસથી યુદ્ધ ભૂમિ પર પહોંચી ગયા.

એ યુદ્ધમાં નોબુનાગાનું સૈન્ય ખરેખર વિજયી થયું. પોતાના ગામે આવીને તેણે વિજયોઉલ્લાસ માણ્યો. આ પ્રસંગે નોબુનાગાએ પોતાના ખિસ્સામાંથી ચાંદીનો એ સિક્કો કાઢ્યો અને સૌ કોઈને એ સિક્કાની બંને બાજુ ફેરવીને બતાવી. એની બંને બાજુ તાજ હતો.
અંતે તેઓ બોલ્યા, "આ વિજય એ તમારા મનોબળનો વિજય છે!"

--નોબુનાગા (જાપાન ના પ્રથમ મહાન યુનિફાયર, 1534-1582)

Friday, April 15, 2016

મારો ભાઈ છે!


ડુંગરનું ચઢાણ આકરું હતું, બધા યાત્રાળુઓના મોં પર થાકના ચિહ્નો જણાતા હતાં. બધાની સાથે બારેક વરસની એક છોકરી પણ પર્વત ચઢી રહી હતી. કેડે ચારેક વરસનો છોકરો તેડ્યો હતો. કોઈકે દયાથી પૂછ્યું, “અલી છોકરી, આ છોકરાને ઉંચકીને ચડે છે તો તને ભાર નથી લાગતો?
છોકરીએ જવાબ આપ્યો, “ભાર ! ના – રે, એ તો મારો ભાઈ છે !”

ડાયાજેનિઝ

એક વખત એક માણસ ગ્રીસ દેશના મોટા તત્વજ્ઞાની ડાયોજિનીઝની પાસે આવીને પોતે પણ કેટલો મોટો જ્ઞાની છે એ બતાવવા ડંફાસ મારતો કહેવા લાગ્યો, “તમે તો શું, તમારા કરતાંય મોટા મોટા વિદ્વાનોને હું મળ્યો છું, તેમની સાથે તત્વજ્ઞાનની કેટલીય વાતચીત કરી છે.”
ડાયોજિનીઝ ધીમા સ્વરે બોલ્યા, “એમ? મેં પણ દુનિયાના મોટા મોટા ધનવાનો જોયા છે, તેમને મળ્યો પણ છું, તેમની સાથે ઘણી વાતચીત પણ કરી છે, પરંતુ આમ કરવાથી હું ધનવાન નથી બન્યો !”

કવિ રામનરેશ ત્રિપાઠી -- "પ્રામાણિકતા"

મહાન હિન્દી કવિ અને લેખક (1889-1962)

એક ગામડા ગામનો છોકરો કોલકાતામાં રોજીરોટી મેળવવા ગયો. નોકરી  માટે બધે ફર્યો.

આખરે એક શેઠને ત્યાં ચાર કલાક રોજ વર્તમાનપત્રો અને પુસ્તકો વાંચી સંભળાવવાનું કામ મળ્યું. આ કામ માટે એને રોજના ૬ આના (અડધા રૂપિયા થી પણ ઓછા) પગાર મળતો.  સવાર સાંજ રોજ નોકરીએ જતો.
એક દિવસ શેઠની પાંચ રૂપિયા ની નોટ કચરાપેટીમાં પડી ગયી. છોકરાએ એ જોઈ અને સાચા માલિકને આપવા તે પેટીમાં વ્યવસ્થિત ઢાંકી દીધી.

ત્યાં તો બીજે દિવસે પૈસાની શોધખોળ શરુ થઇ. બધાને શેઠના એક પટાવાળા તરીકે નોકરી કરતા ભાઈ પર શંકા હતી...પરંતુ એટલામાં તો એ છોકરો બધાના આશ્ચર્ય વચ્ચે આવ્યો અને કચરાપેટીમાંથી  ૫ રૂપિયા કાઢી  શેઠને  આપી દીધા.

તે છોકરાની પ્રામાણિકતાથી શેઠ તેના પર બહુજ ખુશ થઇ ગયા. તેમણે છોકરાની ભણવાની વ્યવસ્થા કરી આપી.

આગળ જતા આ છોકરો સુપ્રસિદ્ધ સાહિત્યકાર બની ગયો!! આ છોકરો એટલે સુપ્રસિદ્ધ મહાન સાહિત્યકાર -- કવિ રામનરેશ ત્રિપાઠી !!

મહાન-આદર્શ મનુષ્યમાં પરિશ્રમ અને પ્રમાણિક્તાના સદગુણો પહેલેથી જ રોપાયેલા હોય છે.

નેપોલિયન

નેપોલિયન એક પછી એક પ્રદેશો, રાજ્યો જીતતો આગળ ધપી રહ્યો હતો. એક રાત્રિએ ગાઢ નિંદ્રા લેતો હતો.

એ વખતે એનો સેનાપતિ ત્યાં આવ્યો અને નેપોલિયનને જગાડ્યો. સેનાપતિએ સમાચાર આપતા દક્ષિણ મોરચા પર દુશ્મનોએ અચાનક આક્રમણ કર્યાનું કહ્યું અને સાથે સાથે તેનો સામનો કરી આગળ ધપવા માટે માર્ગદર્શન માંગ્યું.

નેપોલિયન આંખો ચોળતો ઉભો થયો અને દીવાલ પર ચોંટાડેલ કેટલાક નકશાઓમાંથી એક નકશો ઉતારીને આપતા કહ્યું: 'એમાં બતાવ્યા મુજબ વ્યૂહરચના કરો. એમાં લખ્યા પ્રમાણે ઉપાય કરશો તો ચોક્કસ સફળતા મળશે જ!'

સેનાપતિને આશ્ચર્ય થયું કે, ' જેનું અનુમાન કે કલ્પના સુદ્ધાં ન કર્યા હતા તેની નેપોલિયાને અગાઉ થી શી રીતે તૈયારી કરી લીધી?

નેપોલિયને સેનાપતિ ને થતું આશ્ચર્ય સમજીને કહ્યું: 'હું હંમેશા સફળતાની જ આશા રાખું છું. તે છતાં નિષ્ફળતા મળે તો તેને સફળતામાં પલટાવી દેવા શું કરવું જોઈએ તેનું આયોજન પણ પ્રથમથી   જ કરી લઉ છું. તેથી મને નિષ્ફળતા મળતી નથી!'

હંમેશા સફળતા પ્રાપ્ત કરવા જ સંનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. તેની સાથે સાથે નિષ્ફળતા મળે ત્યારે તેને સફળતા માં પલટી નાખવાની પૂર્વતૈયારી અને આયોજન પણ કરવા જોઈએ.

Thursday, April 14, 2016

આલ્બર્ટ આઇનસ્ટાઇનના ૧૦ અદભૂત બોધપાઠ


૧. તમારી જિજ્ઞાસાને અનુસરો

"મારામાં ખાસ કોઇ ખૂબી નથી. હું માત્ર ઉત્કટ જિજ્ઞાસુ છું."

તમારી જિજ્ઞાસા શેનાથી સળવળી ઉઠે છે? મને એ જાણવામાં રસ કે કોઇ એક વ્યક્તિ સફળ થાય છે તો બીજી નિષ્ફળ કેમ જાય છે; એટલા સારૂ મેં સફળતાનો વર્ષો સુધી અભ્યાસ કર્યો છે. તમને કઇ વાત જાણવાની ઉત્સુકતા વધારે છે? તમારી સફળતાનું રહસ્ય તમારી જિજ્ઞાસાની લગન છે.

૨. ધૈર્ય અમૂલ્ય છે.

"એવું નથી કે હું બહુ બુધ્ધિશાળી છું;હા, હું પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તેને છોડતો નથી."

ધીરજ રાખવાથી કાચબો પણ વિજયને પામ્યો હતો.તમે તમારાં નક્કી કરેલ સ્થને પહોંચવાસુધી ધીરજ રાખવા તૈયાર છો? કહેવાય છે ને કે ટપાલની ટિકિટનું મૂલ્ય પરબીડીયું તેને સરનામે પહોંચી જાય ત્યાંસુધી તેને ચોંટી રહેવામાં છે.ટપાલની ટિકિટ જેવા બનો; તમે શરુ કરેલી રૅસને પૂરી કરીને જ રહો!

૩. વર્તમાન પર ધ્યાન કેન્દ્રીત કરો.

“જો કોઇ વ્યક્તિ સુંદર નારીને ચુંબન કરતાં કરતાં સલામત ડ્રાઇવીંગ પણ કરતો હોય, તો તે ચુંબનને આપવું જોઇએ તેટલું ધ્યાન નથી જ આપી રહ્યો.”

મારા પિતાજી હંમેશાં કહેતા કે બે ઘોડા પર એક સાથે સવારી કદી ન કરી શકાય.મારૂં એવું કહેવું છે કે તમે કંઇ પણ કરી શકો, પણ બધું જ ન કરી શકો. તમે જ્યાં છો ત્યાં જ રહેતાં શીખો;તમારી બધી જ શક્તિ હાલમાં જે કરી રહ્યા છો તે પૂરૂં કરવામાં લગાડો.

કેન્દ્રીત શક્તિ જ તાકાત છે, અને તે જ છે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનું અંતર.

૪. કલ્પનાશક્તિ ખુબ જ શક્તિશાળી છે.

"કલ્પના એ સર્વસ્વ છે. તે જીવનનાં આવનારાં આકર્ષણોનું પૂર્વદર્શન છે. જ્ઞાન કરતાં પણ કલ્પનાનું મહત્વ વધારે કહી શકાય."

શું તમે દરરોજ તમારી કલ્પનાશક્તિનો ઉપયોગ કરો છો? આઇનસ્ટાઇનનું કહેવું છે કે જ્ઞાન કરતાં કલ્પના વધારે મહત્વની છે!તમારી કલ્પના તમારાં ભવિષ્યને પહેલેથી જોઇ શકે છે.આઇનસ્ટાઇન આગળ કહે છે કે "બુધ્ધિની સાચી નિશાની કલ્પના છે, નહીં કે જ્ઞાન." તમારે તમારી 'કલ્પનાના સ્નાયુ'ને દરરોજ ઉપયોગમાં લેવા જોઇએ,કલ્પના જેવી શક્તિને કદાપિ સુષુપ્ત ન રહેવા દેવી જોઇએ.

૫. ભૂલો કરો.

"જેણે કોઇ જ ભૂલ નથી કરી, તેણે જીવનમાં કંઇ જ નવું કરવાનો પ્રયત્ન જ નહીં કર્યો હોય."

ભૂલો કરતાં ડરવું ન જોઇએ.ભૂલ એ નિષ્ફળતા નથી.જો તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો ભૂલો તમને સુધારવામાં, વધારે ચાલાક અને વધારે ચપળ બનાવવામાં મદદરૂપ બની શકે છે. ભૂલોની શક્તિને ઓળખો.મેં પહેલાં પણ કહ્યું છે, અને ફરી ફરીને કહીશ કે જો સફળ થવું હોય તો તમે કરતાં હો તેનાથી ત્રણ ગણી ભૂલો કરો.

૬. વર્તમાનમાં જીવો.

"હું કદિ ભવિષ્યનું વિચારતો નથી - તે ક્યાં દૂર છે!"

તમારાં ભવિષ્યની સહુથી સારી સંભાળ લેવા માટે જેટલું શક્ય હોય તેટલું વર્તમાનમાં રહેવું જોઇએ. તમે 'આજને આજ' નથી તો ભૂતકાળ બદલી શકવાના કે ન તો ભવિષ્ય, તેથી જ તમારા બધા જ પ્રયત્ન "આ જ ઘડી"ને ન્યોછાવર કરવા તે અતિ મહત્વનું બની રહે છે. આ ઘડી જ મહત્વની છે, આ ઘડી માત્ર જ છે.

૭. મૂલ્ય સર્જન કરો.

"માત્ર સફળ જ નહીં, ઉપયોગી પણ થાઓ."

માત્ર સફળ જ થવામાં જ તમારો સમય બગાડો નહીં,પણ તમારા સમયનો મૂલ્યવાન થવામાં પણ ઉપયોગ કરો.જો તમે મૂલ્યવાન અને ઉપયોગી હશો તો સફળતા તમારા તરફ ખેંચાઇ આવશે.

તમારાંમાંની શક્તિઓ અને ખૂબીઓને ઓળખો,અને તે શક્તિઓ અને ખૂબીઓ બીજાને ઉપયોગી નીવડે તેવું કરો.

ઉપયોગી થવા કરેલી મહેનત સફળતા ખેંચી લાવશે.

૮. બીજાં પરિણામની આશા ન રાખશો.

"એક અને એક જ રીતેથી પ્રયત્નો કરવા, અને નવાં નવાં પરિણામોની આશા રાખવી તે તો મુર્ખામી જ કહેવાય."

દરરોજ એ જ રીતે કામ કરીએ તો નવાં પરિણામની આશા તો ન જ રખાય.બીજા શબ્દોમાં એકની એક જ કસરત કરો તો પછી શરીરનો દેખાવ જૂદો જૂદો ન લાગે.એટલે કે જો તમારાં જીવનમાં પરિવર્તન લાવવુ હોય, તો તમારે જ બદલાવું પડે.જેટલી હદે તમારી કાર્યપધ્ધ્તિ અને વિચારો બદલશો, તેટલું જ તમારૂં જીવન બદલાશે.

૯. જ્ઞાન અનુભવમાંથી આવે છે.

"માહિતિ હોય, એટલે જ્ઞાની થઇ ગયા તેમ ન કહેવાય. જ્ઞાન નો એક માત્ર સ્રોત અનુભવ છે."

જ્ઞાન અનુભવમાંથી આવે છે.તમે કામની ચર્ચા કરો, તો માત્ર કામની તાત્વિક સમજ પડે; તેને 'જાણવા'માટે તો તેને જાતે 'અનુભવવું' પડે.એટલે શું શીખવા મળ્યું? અનુભવ મેળવો. કાલ્પનીક માહિતિની આડમાં સમય ન ગુમાવશો,જંપલાવો અને જાતે કરો, જેથી અમૂલ્ય જ્ઞાન મળે.

૧૦. રમતના નિયમો જાણી લો અને પછી વધારે સારી રીતે રમત રમો.

"પહેલાં તો, રમતના નિયમો બરાબર સમજી લો. અને પછીથી બીજાં કોઇના પણ કરતાં વધારે સારી રીતે તે રમત રમો."

સાદી ભાષામાં વાત કરીએ તો તમારે બે કામ કરવાનાં રહે.પહેલું તો એ કે જે રમત આપણે માંડી બેઠા હોઇએ, તેના નિયમો આપણે બરાબર સમજી લેવા જોઇએ.તમને એમાં કંઇ ધાડ મારવા જેવું ન લાગે, પરંતુ આનું મહત્વ ઓછું ન આંકવું જોઇએ.બીજું એ કે તે પછીથી તમારે બીજાં કરતાં વધારે સારી રીતે રમત રમવા કમર કસવી રહી. જો આ બે કામ પાર પાડી શકો, તો સફળતા તમારા કદમ ચુમતી હશે.


આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...