Friday, April 22, 2016

અલબ્રેસ્ત દરેર -- મિત્રનું સમર્પણ

Albrecht Durer (1471-1527)

મિત્રનું સમર્પણ

ઈટાલીમાં બે ગરીબ મિત્રો ચિત્રકલાનું શિક્ષણ લેવા એક ચિત્રકલા ગુરુને મળ્યા. બંનેની ગુરુએ પરીક્ષા કરી. ચિત્રકલા શીખવા માટેની તેમની લાયકાત દર્શાવી. ગુરુએ ફી ભરવાની વાત કરી ત્યારે બંને ઉદાસ થઈ ગયા. કારણ બંને ગરીબ હતા. પણ એક મિત્ર કાંઈ બોલે તે પહેલાં બીજા મિત્રએ કહ્યું, ‘અમે આપની ફી ભરી આપશું.’ બંને બહાર નીકળ્યા, પેલા મિત્ર કહ્યું ‘ક્યાંથી ભરીશું ફી ?’ બીજા મિત્રે કહ્યું, ‘અરે, પૈસા નથી તો શું થયું ? બાવડાંમાં બળ તો છે. જો હું કમાઈ લઈશ, તારી ફી ભરીશ, તું ભણી લે, ચિત્રકાર થઈ જા, પછી તું કમાઈશ અને હું ભણી લઈશ બરાબર ?’ બંને મિત્રો સહમત થયા.

બીજે દિવસે એક ચિત્રકલા શીખવા ગયો. બીજો કામે ગયો. રોજ સાંજે બંને મિત્રો સાથે જમે. મિત્રના અભ્યાસની ચર્ચા થાય. થોડાં વર્ષ આમ ચાલ્યું. હવે ચિત્રકાર મિત્રે શિક્ષણ પૂરું કર્યું હતું. હવે તે ચિત્રો બનાવી સારું કમાવા લાગ્યો હતો. એક દિવસ તે પોતાના મિત્રને લઈ ગુરુજી પાસે ગયો અને વિનંતી કરી, ‘ગુરુજી, હવે મારા મિત્રને આપ ચિત્રકલા શીખવો.’ ગુરુજીએ તે મિત્રના હાથ જોયા, પછી બોલ્યા, ‘હવે આ મિત્ર ચિત્રકલા નહિ શીખી શકે.’ પેલા મિત્રે પૂછ્યું ‘કેમ ?’ ગુરુજી કહ્યું, ‘મહેનત કરી કરી તેના હાથ એટલા કઠોર, એવા સખત થઈ ગયા છે કે તે ચિત્રો દોરી નહિ શકે.’ ત્યારે ચિત્રકાર મિત્રને ખબર પડી કે પોતે ભણી શકે તે માટે મિત્ર પથ્થરની ખાણોમાં કામ કરતો હતો. આ જાણી ચિત્રકાર મિત્ર ખૂબ રડ્યો. ‘શું જરૂર હતી આ રીતે મને ભણાવવાની ?’ એ ફરી ફરી આમ જ કહ્યા કરતો. ગુરુજીની આંખમાં પણ આંસુ હતાં તેમને અફસોસ એટલો જ હતો, ‘મને જણાવવું તો હતું !’ માત્ર શ્રમજીવી મિત્રના ચહેરા પર સ્મિત હતું, સમર્પણનો સંતોષ હતો.

એક ભવ્ય પ્રદર્શનની યુરોપમાં જાહેરાત થઈ. ચિત્રકાર મિત્રે પણ પોતાનું ચિત્ર રજૂ કર્યું. એ જ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવ્યું. ચિત્ર હતું ‘પ્રાર્થના કરતા હાથનું ચિત્ર’ અને એ કઠોર હાથ હતા. મહેનતકશ ઈન્સાનના… દિલોજાન દોસ્તના. આ ચિત્રના ચિત્રકારનું નામ હતું અલબ્રેસ્ત દરેર.
સૌ. ક્ષણે ક્ષણે અમૃત

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...