Thursday, April 14, 2016

સરખા ભાગ : વ્યવહારુ


એક પિતાને ત્રણ પુત્રો હતા. મોટો પુત્ર 45 વર્ષનો , વચલો 40 અને નાનો 30 વર્ષનો. પિતાનો ધંધો ખુબજ સારો ચાલી રહેલ હતો. પિતા અને પુત્રો, ચારેય મળીને ધંધો ખુબજ સારો ચલાવી રહેલ હતા. પિતાએ પણ પુત્રો પ્રત્યેની લગભગ બધી જ સામાજીક જવાબદારીઓ ખુબજ સારી રીતે સંપ્પન્ન કરી લીધી હતી. ત્રણેય વહુઓ પણ ખુબજ સારી હતી. ટુંકમાં સંસાર પાણીના રેલાની જેમ સમય સાથે તાલ મિલાવીને વહી રહ્યો હતો.

હવે બાપે પોતાની એક કરોડ અને પંદર લાખની મિલ્કત ત્રણેય દીકરાઓને સરખા ભાગે વહેંચીને નિવ્રુત થવાની ઇચ્છા પોતાના પરિવાર સમક્ષ રજુ કરી. શરુઆતના લાગણીના અવરોધો પછી સૌ સહમત થયા પરંતુ નાના દિકરાએ એક શરત મુકી, કે મિલ્કતના ભાગ તે પોતે જ પાડશે.

સૌના હૈયામાં ફાળ પડી ગઇ. બધાએ ખુબ સમજાવ્યો પણ તે એકનો બે ના થયો. છેલ્લે તેની પત્નીએ પણ સમજાવવા પ્રયત્ન કરી જોયો , તો જવાબ મળ્યો કે આ બાબતે તારે વચ્ચે આવવાની જરુર નથી. બાપને પણ લાગ્યું કે સારું થયું કે પોતાની હયાતીમાં જ બધાના અસલી સ્વભાવ જાણવા મળી ગયા. બંન્ને ભાઇઓ અને ભાભીઓ પણ નાના ભાઇ પ્રત્યે નકારાત્મક વિચારો કરવા લાગ્યા. છેલ્લે કોઇનું કાંઇ ચાલ્યું નહીં અને નાના ભાઇની જીદ આગળ સૌ ઝુકી ગયા.

નાનો દિકરો પણ પાકુ કામ કરવા વાળો હતો તેથી તેણે બંન્ને ભાઇઓ પાસેથી લેખિત માં લખાવી લીધું કે તેણે પાડેલા ભાગમાં કોઇ વાંધો નહીં લે. બંન્ને ભાઇઓએ ખિન્નતા પુર્વક સહીઓ કરી આપી.

હવે સૌ નિરાશ ભરી આંખે નાના દિકરા તરફ જોઇ રહ્યા , અને નાના દિકરાએ પોતાના પિતાને કહ્યું...અમને ત્રણેય ભાઇઓને પોતાની ઉંમર પ્રમાણે પ્રતિ વર્ષ લેખે એક એક લાખ રુપિયા મળે તેવી રીતેજ ભાગ પાડવામાં આવે. એટલે કે મોટા ભાઇને 45 લાખ , વચલા ભાઇને 40 લાખ અને મને પોતાને 30 લાખ .

બાપતો ચોધાર આંસુએ રડવા લાગ્યો, .. તેણે કહ્યું કે આજે હું મારા મોટા બંન્ને દિકરાઓને અન્યાય કરી બેસત અને તેં મને મોટા પાપ માંથી બચાવ્યો છે એમ કહીને તે નાના દિકરાને ભેટી પડ્યો.
-------------

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...