Friday, April 1, 2016

રાજ કપૂર

રાજ કપૂર (1924-1988)

ફિલ્મ અભિનેતા રાજ કપૂરના વિદ્યાર્થીકાલના એક નાજુક પ્રસંગનું વર્ણન કરતા કેદાર શર્માએ કહ્યું છે કે, ' એક  વાર પૃથ્વી રાજકપૂરે મને જણાવ્યું કે, એના દીકરા રાજને ભણવામાં જરા પણ રસ નથી અને એ મારા માટે એક સમસ્યા બની ગયો છે.'

આથી તેમણે પૃથ્વી રાજકપૂરની મદદ કરવાની તૈયારી બતાવતા કહ્યું, ' હું એને મારે ત્યાં કામ પર રાખવા તૈયાર છું, પણ એક શરતે કે તમે વચ્ચે માથું મારશો નહિ.'  આ બાંહેધરી મેળવ્યા બાદ જ તેમણે રાજ કપૂરને ક્લેપર બોયનું કામ સોંપ્યું.

રાજ કપૂરની કામગીરી અંગે બોલતા કેદાર શર્માએ જણાવ્યું છે કે રાજ કપૂરની એક હાસ્યાસ્પદ ટેવ એ હતી કે એ વારંવાર અરીસામાં ડોકિયું કરતો. અને પોતાના જુલ્ફો સંવારતો. એની આ રમુજી ટેવને લીધે તે આખા યુનિટમાં લોકપ્રિય થઇ ગયો હતો.

એક વાર એક ફિલ્મ માટે સંધ્યાનું દ્રશ્ય ઝીલવા હું મારા યુનિટ સાથે મુંબઈની બહાર ગયો હતો. અને ડૂબતા સુરજની ક્ષણ ઝડપી લેવા માટે અમે કેમેરા ગોઠવીને બેઠા હતા.પણ રાજ કપૂર ત્યાં હાજર નહોતો. કદાચ મેક-અપ રૂમ માં પોતાની જુલ્ફો સંવારતો હશે.

અમે સૌ એની પ્રતીક્ષા કરી રહ્યા હતા, ત્યારે એ લફડ ફફડ કરતો ત્યાં આવી પહોંચ્યો, અને હીરોની એટલી નજીક જઈને ફિલ્મ શોટના પાટિયાની પટ્ટી પછાડી કે હીરોની નકલી દાઢી એમાં ફસાઈને ઉખડી ગઈ. એ જોઇને હું ખુબ ગુસ્સે થઇ ગયો ને આવેશમાં આવી જઇ એના ગાલ ઉપર એક લાફો ચોડી દીધો.

આખા યુનિટમાં સન્નાટો છવાઈ ગયો. રાજ કપૂર એક શબ્દ બોલ્યો નહિ. તે રાત્રે હું ઊંઘી શક્યો નહિ ને વિચારતો રહ્યો કે રાજ કપૂરે મારો પ્રહાર કેટલી સહજતાથી ચુપચાપ સહન કરી લીધો. ઘણી ગડમથલ ને અંતે હું એક નિર્ણય પર પહોંચ્યો. બીજા દિવસે સવારે મેં એને મારી ઓફિસમાં બોલાવ્યો.

રાજ કપૂરે આવતાની સાથે જ ગઈ કાલના ફિયાસ્કા માટે દિલગીરી વ્યક્ત કરી. અને આદરપૂર્વક મારી સામે ઉભો રહ્યો. મેં એના હાથમાં ' કોન્ટ્રાકટ પેપર ' અને પાંચ હજાર રુપયા રાખી દીધા.

એ જોઇને એ આભો બની ગયો. મારી સામે આંખો ફાડીને અવિશ્વાસ તથા આશ્ચર્યની નજરે જોઈ રહ્યો. ને મારા ચેહરા પરના ભાવ વાંચીને એની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. મેં એને મારી આગામી ફિલ્મ "નીલકમલ" ના હીરો તરીકે પસંદ કર્યો હતો !!!

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...