Friday, April 29, 2016

વ્યવહારિક બુદ્ધિ


વ્યવહારિક બુદ્ધિ 

એક વાર એક સરોવરમાં ત્રણ દિવ્ય માછલીઓ રહેતી હતી. ત્યાની તમામ બીજી માછલીઓ આ ત્રણ માછલીઓ ના વિશ્વાસે અનુગામી તરીકે વહેંચાયેલી હતી.

એક માછલીનું નામ વ્યવહારિક બુદ્ધિ, બીજીનું મધ્યમ બુદ્ધિ અને ત્રીજીનું અતિબુદ્ધિ હતું. અતિબુદ્ધિ પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર હતો. તે  એકદમ તેજસ્વી હતી અને લગભગ બધા શાસ્ત્રોનું જ્ઞાન તેની પાસે હતું.

મધ્યમ બુદ્ધિ પાસે એટલું જ જ્ઞાન હતું કે જેની તેને જરુર હતી. તે ઓછું વિચારતી અને એક બીબાઢાળ પરંપરા ને અનુસરીને પોતાનું કામ કર્યા કરતી હતી. 

વ્યવહારિક બુદ્ધિ ના તો પરંપરાને અનુસરતી કે ના તો શાસ્ત્રોના જ્ઞાન ને. તે પરિસ્થિતિ મુજબ એ જ સમયે પોતાની સુઝબુઝથી નિર્ણયો લેતી. અને જ્યાં સુધી જરૂર ના પડે ત્યાં સુધી શાસ્ત્રો ખોલતી પણ નહિ.


એક દિવસ કેટલાક માછીમારો ત્યાં સરોવર કિનારે આવ્યા અને ઘણી બધી માછલીઓને જોઇને એક માછીમારે કહ્યું, ' અહી તો બહુ જ બધી માછલીઓ છે, કાલે જ સવારે અહી આપણે જાળ બિછાવી માછલીઓને પકડી લઈશું. ' આ વાત માછલીઓ સાંભળી ગઈ.

વ્યવહારિક બુદ્ધિ બોલી, " આપણે તાત્કાલિક આ સરોવર ખાલી કરી દેવું જોઈએ. "

મધ્યમ બુદ્ધિ બોલી, " પ્રાચીન કાળ થી આપણા પૂર્વજો ફક્ત ઠંડીના દિવસો માં જ આ સરોવર ખાલી કરે છે, અને અત્યારે તો ઠંડીની ઋતુ પણ નથી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આપણે ના તોડવી જોઈએ, માછીમારો નો ભય હોય કે ના હોય પરંપરાનું ચુસ્ત પાલન કરવું એ આપણી ફરજ છે. "

ત્યાં જ અતિબુદ્ધિ હસતા બોલી, " તમે બધા મૂર્ખ છો. તમને શાસ્ત્રોનું જ્ઞાન જ નથી. જે વાદળ ગરજે છે તે ક્યારેય વરસતા નથી. વળી, આપણે તો કુશળ તરવૈયાની જેમ સરોવર માં તરવાનું જાણીએ છીએ. સરોવરના પેટાળમાં જઈ છુપાઈ જવાનું સામર્થ્ય પણ છે. આપણી પૂંછ માં એટલી તાકાત છે કે એ જાળને પણ ચીરી શકીએ છીએ. વળી શાસ્ત્રો લખે છે કે જયારે મુસીબત ઘેરી વળે ત્યારે પોતાનું ઘર છોડી નાસી જવું એ ઉચિત નથી. પહેલા તો એ માછીમારો આવશે જ નહિ અને કદાચ જો આવી પણ જાય તો આપણે પેટાળમાં છુપાઈ જઈશું. એમની જાળમાં ફસાઇશું જ નહિ, એકાદ બે માછલીઓ ફસાઈ પણ ગઈ તો એમની પૂંછ ની શક્તિ વડે જાળ ચીરી બહાર આવી જશે. તમે આ શાસ્ત્રો પર વિશ્વાસ રાખો અને હું તમને એના વિરુદ્ધ જવાની મંજૂરી નહિ આપું!! "

વ્યવહારિક બુદ્ધિ બોલી, " હું આ શાસ્ત્રો-પરંપરા એ બધું નથી જાણતી. પણ મારી સામાન્ય બુદ્ધિ એટલું જરૂર સૂચવે છે કે માણસ જેવા ભયાનક અને ખતરનાક શત્રુ નો ભય માથે હોય ત્યારે તમારી જાત સાચવીને સરકી જાઓ." આમ બોલીને તે પોતાની અનુગામી માછલીઓને લઈને નીકળી પડી.

મધ્યમ અને અતિ બુદ્ધિ પોતાના પારંપરિક અને શાસ્ત્રોક્ત જ્ઞાન ને વળગી ત્યાં જ રહી. બીજી સવારે માછીમારોની પૂરતી તૈયારી સાથે ફેલાવેલી જાળ સામે તેઓ નિઃસહાય રહ્યા. એ જોઈ વ્યવહારિક બુદ્ધિએ ઊંડો શ્વાસ લેતાં કહ્યું, " શાસ્ત્રોક્ત અને પારંપરિક જ્ઞાને જ તમને અંધવિશ્વાસ માં રાખ્યા. કદાચ તમારામાં થોડી વ્યવહારિક (સામાન્ય) બુદ્ધિ પણ હોત તો આ દશા ન થાત. "

વ્યવહારિક બુદ્ધિ થી આપણો તાત્પર્ય એ છે કે, કયા સંજોગો માં આપણે કેવી રીતે વર્તવું? અને આપણા નિર્ણય થકી આવનારા પરિણામોની દુરોગામી અસરો અને સમસ્યાઓનું અગાઉથી જ નિરાકરણ વિચારવું. આ જ વ્યવહારિક (સામાન્ય) બુદ્ધિ..! સામાન્ય બુદ્ધિ કે કોમન સેન્સ. પછી ભલે આપણે મોટા શાસ્ત્રો કે થોથાઓ ના વાંચ્યા હોય આપણી આ કોમન સેન્સ દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણને ઉગારી શકે છે !!

અનુવાદ: ડો.કાર્તિક શાહ






No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...