Thursday, April 14, 2016

રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો ...


(૧) કોણ મોટો ? ...

કોઈની પણ તકરાર સહજમાં મિટાવી દે છે ને તેની દ્રષ્ટિ બદલાવી દે છે એવી વ્યક્તિ ખરેખર મહાન હોય છે.
એક વખત સ્વામી રામકૃષ્ણના બે શિષ્યો વચ્ચે વિવાદ જાગ્યો. એમનો સવાલ હતો કે “ બે માંથી મોટું કોણ ? “ અંતે સમાધાન મેળવવા તે ગુરુ પાસે પહોંચ્યાને કહ્યું કે અમારા વચ્ચે મતભેદ ઊભો થયો છે કે અમારા બે માંથી મોટું કોણ ? હવે તમે જ ન્યાય કરો.
પરમહંસ હસીને બોલ્યા, “ આ તો સાવ સહેલી વાત છે, તમારામાંથી જે બીજાને મોટો સમજે એ જ મોટો છે.” ગુરુદેવના જવાબથી બન્નેની ચર્ચાનું સ્વરૂપ બદલાઈ ગયું, હમણા સુધી ‘હું મોટો ... હું મોટો ...’કરતાં હતા હવે તે ‘તુ મોટો ... તુ મોટો ...’ કહેવા લાગ્યા.

(૨) માતૃપ્રેમ ...

જે વ્યક્તિમાં મહાનતા ના ગુણો હોય છે એમની દર્શ્તી જ અનોખી હોય છે. એ પોતાની સ્ત્રીને ક્યારેય પગનો જોડો માણતા નથી પણ માતા તુલ્ય માની એની સાથે ઉચ્ચ પ્રકારનો વહેવાર કરે છે.
શારદા દેવી હંમેશા રામ્કૃષની સેવામાં હાજર રહેતા. એક વખત શારદા દેવી રામકૃષ્ણ પરમહંસના શરીર ઉપર મસાજ કરી રહ્યા હતા. મસાજ કરતાં કરતાં એમણે પૂછ્યું, “ આપ મારા વિશે શું વિચારો છો?”
શ્રી રામકૃષ્ણે ઉત્તર આપ્યો, “ મંદિરમાં જે માઁ ની હું ભક્તિ કરું છું તે ‘માઁ’ એ જ આ દેહને જન્મ આપ્યો છે અને તે ‘માઁ’ જ બાજુના ખંડમાં રહે છે અને આ ક્ષણે મારા પગ મસાજ કરી રહ્યા છે. બેશક ! હું તમારા તરફ પરમ આનંદ સ્વરૂપ ‘માઁ’ ના જીવંત રૂપ તરીકે જોઉં છું.”
પ્રત્યેક સ્ત્રીમાં માતૃરૂપ પાવનતાનો અનુભવ કરવો એ મહામોટો કર્મભાવ છે. પવિત્રતાના વ્યાપક અનુભવ વિના અને અભેદના સાર્વત્રિક સ્વીકાર વિના ઈશ્વર ઉપાસના થઇ શકે નહી. રામકૃષ્ણ માટે ઈશ્વર માતા છે એટલે જ એ શિષ્યો અને સત્સંગીઓ સાથે માતાના વાત્સલ્યથી વર્તતા હતા.

(૩) તેલ પણ પાણીમાં ભલી જાય તો ! ...

લોભ-લાલચમાં પોતે ફસાઈ ન જાય એ માટે સદા જાગૃત રહે છે તેમાંય ધન-પૈસાના લોભથી તો સદા અળગો રહે છે તે જ મહાનતાના ગુણો કેળવી શકે છે.

એકવખત એક શ્રીમંત વ્યક્તિ રામકૃષ્ણ પરમહંસ પાસે આવી અને રૂપિયા ભરેલી થેલી આપતા કહ્યું, આ સ્વીકારી લ્યો અને રૂપિયાનો ઉપયોગ ભલાઈના કામમાં કરશો. પરમહંસ બોલ્યા, “ભાઈ ! મને આ માયાની જાળમાં ન ફસાવો. આ દાન મળ્યું એટલે મારૂં મન એમાં ફસાયેલું રહેશે.’
ધનવાને દલીલ કરી, “ મહારાજ ! આપ તો પરમહંસ છો. દરિયાના મોજા ઉપર તેલના ટીપા પડે તો ય એ સ્થિર જ રહે છે, અને પોતાની જાતને પાણીથી અલગ રાખે છે.”
પરમહંસ બોલ્યા : “પણ મારા ભાઈ ! ભારેમાં ભારે તેલના ટીપા પણ લાંબા સમય સુધી જો પાણીના સંગાથમાં રહે તો તે ભેળસેળ વાળા બની જાય છે. ગંદા થઇ જાય છે. ધનવાન પોતાની થેલી લઈને પાછો ચાલ્યો ગયો.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...