Friday, March 29, 2019

દ્રુપદ શૈલીનાં મહાન ગુજરાતી ગાયક......


ગયા શુક્રવારે આપણે જોયું કે આપણા જ ગુજરાત રાજ્યમાંથી જ......
એ કોણ હતું કે જેઓ પોતાનાં રાજ્યના રાજાના ડરથી નદીમાં કૂદીને ભાગી ગયેલા?
એ કોણ હતું કે જેઓ ફરી બીજી વાર રાજાના ડરથી કિલ્લો કૂદીને ભાગી ગયેલા?
એ કોણ હતું કે જેઓને ભાવનગરના રાજાએ રાજગાયકની પદવી આપી હતી?
દિલ્લી જતી અને અજમેર રોકવામાં આવેલી ટ્રેનને કેમ ખાસ એમના માટે દિલ્લી રવાના કરવામાં આવી?
તો આવો આજે જાણીએ આ મહાન પણ અલ્પ-પ્રસિદ્ધ દ્રુપદ શૈલીનાં મહાન ગુજરાતી ગાયકને અને વાંચીયે વધુ આગળ....!!


બીજી વાર કિલ્લો કૂદીને ભાગી જઈ તેઓ જૂનાગઢથી વીરપુરમાં શ્રી જલારામ બાપાના દર્શન કરી એ જ જગ્યામાં રોકાઈ અને મુંબઈ આવી 1889માં શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં છેવટે જોડાઈ ગયા. મનુષ્યને મનગમતી વસ્તુઓ મળે એટલે એનું હૃદય કેવું પુલકિત બને છે!!  કવિકુલગુરુ કાલિદાસનું સર્વશ્રેષ્ઠ અને દુનિયાભરમાં ખ્યાતિ પામેલું નાટક "શાકુંતલ" અને મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ એના ગીતોનું સંગીત આપવા આ ભાઈને નિયુક્ત કર્યા એટલું જ નહિ પરંતુ નાટકમાં દુષ્યન્તની મુખ્ય ભૂમિકા પણ એમને સોંપાઈ!! ઓગષ્ટ 1889માં આ નાટક મુંબઈમાં રજુ થયું!

આવા તો ઘણાં નાટકોમાં તેઓ પછી સક્રિય રહ્યા. અને મુખ્ય ભૂમિકામાં જ મૉટે ભાગે રહ્યા, જેના પરથી એ સાબિત થાય છે કે સંગીતની સાથે સાથે અભિનયમાં પણ તેઓ એટલા જ કુશળ હતા એટલું જ નહિ પરંતુ મુળજીભાઈ એ એમને દિગદર્શક પણ બનાવ્યા ત્યારે નાટ્યના સર્વ અંગો, નૃત્ય, સજાવટ અને વ્યવસ્થા પણ તેઓ સંભાળતા! 1897માં ભર્તૃહરિનો ખેલ કરી કંપની અમદાવાદ અને ભાવનગર થઇ જૂનાગઢ ગઈ ત્યારે તેઓ છુટા થયા અને રંગભૂમિમાંથી નિવૃત્ત થયા પરંતુ સંગીત સાધના તો ચાલુ જ રાખી! 

ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ એમને સાંભળ્યા હતા અને જિંદગીના અંત સુધી તેઓ અહીં રાજગાયકની પદવીએ રહ્યા! 


હવે એક ખાસ પ્રસંગ:

1911માં બ્રિટનના રાજા પંચમ જ્યોર્જના રાજ્યાભિષેક પ્રસંગે એમને દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું. એ વખતે ભારતના અન્ય રાજ્યોની સ્પેશિયલ ટ્રેનો પણ દિલ્હી તરફ રવાના થઇ એ ધસારાને લીધે એમની ટ્રેનને અજમેર ખાતે રોકી રાખવામાં આવી. સમય પસાર કરવા ભજન મંડળીમાં એમણે ગાયુ, એ ગાયકી પર મુગ્ધ થઇ રેલવેના અધિકારીઓએ જયારે જાણ્યું કે આ ભાઈ ખાસ આ પ્રસંગ માટે દિલ્હી જઈ રહ્યા છે, તો એમની ટ્રેનને લીલી ઝંડી બતાવી તાત્કાલિક પસાર કરવામાં આવી. 

1919માં બનારસમાં અખિલ ભારત સંગીત પરિષદ યોજાઈ તેમાં પણ ભાવનગર રાજ્યના પ્રતિનિધિ તરીકે આ ભાઈ એ રૌપ્ય-ચંદ્રક પ્રાપ્ત કર્યો! એમની દ્રુપદની ગાયકી અજોડ હતી. અમદાવાદમાં પણ કોંગ્રેસનું અધિવેશન ભરાયું ત્યારે મહાત્મા ગાંધીજી અને પંડિત વિષ્ણુ દિગંબરજીની પ્રેરણાથી રાષ્ટ્રીય સંગીત કોન્ફરન્સની યોજના થઇ. તેમાં ભારતના અન્ય પ્રસિદ્ધ દ્રુપદ ગાયકોમાં અલ્લાબંદેખાં સાહેબ પણ હતા, જેઓ આ ભાઈને તુરંત બોલી ઉઠ્યા, "ઇસકે મુકાબલે કોઈ નહિ હે યહાં!"

1922-23માં વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોર ગુજરાત સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. લીંબડીના ઠાકોર સાહેબ શ્રી દોલતસિંહજીના ત્યાં મહેમાન બન્યા ત્યારે સહજ પૃચ્છા કરી કે સારા ગાયક કોણ છે? એટલે ભાવનગરથી આ રાજગાયકને તેડું આવ્યું! અને એમનું સંગીત સાંભળી કવિવરે એમને એમના શાંતિ નિકેતનમાં આચાર્યની પદવી ઓફર કરી. પણ આ ભાઈ માતૃભૂમિ પરસ્ત રહ્યા અને ગુજરાતની ભૂમિને પ્યારી ગણી.

એ સમયમાં સેનિયા ઘરાનામાં અલ્લાબંદેખાં, સુરસેન, લાલસેન, નિહાલસેન, જાકીરઉદ્દીન વગેરે ધુરંધર દ્રુપદ ગાયકો ગરજતાં હતા. તે જમાનામાં પોતાની વિદ્યાના બળે પોતાનું નામ બુલંદ કરનાર અને એમની હરોળમાં બેસનાર આ ગુજરાતી કેવી ઉચ્ચ કોટિનો સંગીતકાર હશે એનું અનુમાન થઇ શકે છે. 

અન્ય એક પ્રસંગ:

થયું એવું કે, સાઇમન કમિશન સાથે મશહૂર આંગ્લ ગાયિકા મેડમ ક્લેરા બટ્ટ પણ ભારતમાં આવી. એણે  ભારતીય ગાયકોને સાંભળી એવો અભિપ્રાય ઉછર્યો કે તેઓ નાકમાંથી ગાય છે. અને ભારતમાં "વોઇસ ક્લચર" જેવું કંઈ જ નથી! ત્યારે પોરબંદરના મહારાજ નટવરસિંહજીએ મેડમ ક્લેરાને પોરબંદર આવવાનું આમંત્રણ આપ્યું! સાથે વડોદરાથી ગાયિકા ઈદમજાન, નિસારહુસેન અને ભાવનાગરથી આ રાજગાયકને અને એમાં પુત્રને પણ નિમંત્ર્યા! આ રાજગાયકનું ગાન સાંભળી મેડમ ક્લેરા મંત્રમુગ્ધ બની ગયા અને કહ્યું, 

"શું અદભુત અવાજ છે! મેં સમસ્ત જગતમાં આવું સુંદર સંગીત સાંભળ્યું નથી! જાણે સિંહ સંપૂર્ણ સંગીતમાં ગરજે છે! વાહ..."

મનુષ્યને નરશાર્દૂલ, નરસિંહની ઉપમા અપાય છે અહીં મેડમ કલેરાએ સંગીત કેસરીની ઉપમા આ ભાઈને આપી અને પોતે ઉચ્ચારેલા અભિપ્રાય માટે ક્ષમા યાચી! આ સમયે ભાવનગરના આ રાજગાયકે એમને સમજાવ્યું કે, ભારતીય સંગીતમાં "નોમતોમ"નો પ્રકાર છે. તેમાં સાંભળનારને એવું લાગે કે ગાયક નાકમાંથી ગાય છે અને તેમણે  નોમતોમ  ગાઈ એ દ્રષ્ટાંત પણ આપ્યું!

સમય જતા તેઓ વૃદ્ધ થયા. છતાં એમની નામના એટલી બધી હતી કે ભારતભરમાંથી નામી ગાયકો, નૃત્યકારો, વાદ્યકારો તેમની સાથે સંગીત, નૃત્ય પર ચર્ચા કરવા આવતા! ત્યારે પણ તેઓ તથા તેમના પુત્રો વાસુદેવ અને ગજાનન ગાઈ બજાવીને પણ સૌનું સમાધાન કરતા. એવું જાણવા મળ્યું છે કે, આ મહાન સંગીતાચાર્યની ગાયકી જીવંત રહે એ માટે ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ તે સમયમાં ફોનોગ્રાફ મશીન પર રેકોર્ડિંગ ઉતરાવ્યું હતું!! આ અનમોલ ખજાનાની વાત જો સાચી હોય તો ગુજરાત સરકાર તે મેળવીને તે પ્રજા સમક્ષ મૂકે તો આ મહાન ગાયકને સાચી ભાવાંજલિ  આપી કહેવાશે અને સંગીતની દુનિયામાં એમનો અવાજ, ગાયકી શૈલી કેમ અમર હતી તેનો પણ ભાવકોને ખ્યાલ આવશે! 

દ્રુપદના આ મહાન ગાયકે 81 વર્ષની વયે તા. 15.10.1945ના રોજ દેહ છોડ્યો! આ સમગ્ર લેખ એ વાતનો પરિચય આપે છે કે સાહિત્ય, સંગીત, કલા અને રંગમંચ ક્ષેત્રે ગુજરાત પ્રાચીન સમયથી કેટલું સમૃદ્ધ રહ્યું છે!  આ લોકવારસો જાળવવાની ફરજ પ્રત્યે અર્વાચીન સમયમાં કેટલી સભાનતા છે એ આ લેખ પરથી પ્રતીત થશે જ કેમ કે બહુ ઓછા લોકોને આ રાજગાયકના નામ વિષે જાણ હશે !! તેઓ છે દ્રુપદ શૈલીના મહાન ગાયક  સ્વ. દલસુખરામજી ઠાકોર!
(આ અધિકૃત માહિતી એમના પુત્રો શ્રી વાસુદેવ તથા શ્રી ગજાનને શ્રી શેખરને આપી અને તે ગુજરાતી નાટ્યમાં પ્રકટ થઇ ઉપરાંત પંડિત શ્રી ઓમકારનાથજી ઠાકોરના લેખમાંથી અને પ્રાગજીભાઈ ડોસાના રંગભૂમિના ઇતિહાસ અંગેના પુસ્તકમાંથી લીધી છે. )

ડો. કાર્તિક શાહ 

Thursday, March 14, 2019

આવો જાણીયે ગુજરાતના આ મહાન ગાયકને...

એ સમયના જૂનાગઢના નવાબ મહાબતખાનજી
(1838-1882)

ચાલો, આજે આંખમાં એક નાટકનું દ્રશ્ય સજીવન કરીએ, સભામાં ઘંટનાદ થયો, નેપથ્યમાં પોટાશનો ધડાકો થયો. મંચ આગળના ઓર્કેસ્ટ્રા વિભાગમાં બેઠેલા હાર્મોનિયમ વગાડનાર વસંતરાયે સ્તુતિની પ્રથમ પંક્તિસૂરો વગાડ્યા. અંધ પખવાજી બલદેવ દાસે તાલ ઠેકો આપ્યો, અને પડદો ઉઘડ્યો.

મંચ પરથી લાલ પીતામ્બરી, ડગલો, ખભે જરીનો ખેસ, માથે લાલ પેશવાઈ ચાકરી પાઘડી, પગમાં પુનાશાઈ પગરખાં અને હાથમાં તાનપુરો લઇ સુત્રધારે "રાણકદેવી રાખેંગાર" નાટકની સ્તુતિ શરુ કરી. આ બધી વાતો આપણે એટલે કરી રહ્યા છીએ, કે આજનો આ અંક સંગીતને લગતો છે. અને એમાંય ખાસ કરીને દ્રુપદ ગાયકીના એક મહાન ગુજરાતી ગાયકને હું અહીં શબ્દ-નિરૂપણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ સ્તુતિ એ દ્રુપદ અંગમાં રાગદારી બંદિશ હતી. સ્થાયી, અંતરો, સંચારી અને અભોગ ચારે ચરણ પુરા કરી લયકારીનો પ્રકાર શરુ કર્યો. નાભિમાંથી નીકળતો મધઘૂંટયો સ્વર અને બહુ જ સરળતાથી તાર-સપ્તક પર રમતો કંઠ સાંભળી પહેલી હરોળમાં બેઠેલા વડોદરા રાજ્યના રાજગવૈયા ઉસ્તાદ મૌલાબક્ષ તથા તેમના શિષ્યો બેઠા હતા, તેમાંથી ખાં સાહેબ એટલા તો ખુશ થઇ ગયા કે પોતાની બેઠક ઉપરથી ઊભા થઇ ગયા અને બોલી ઉઠ્યા,

"વાહ...વાહ માશાલ્લાહ....સુભાન અલ્લાહ, ક્યા આવાઝ પાઇ હૈ, ક્યાં રાગદારીકી રોનક!!"

આ વાત છે ઈ.સ. 1891માં શ્રી મોરબી આર્યસુબોધ નાટક મંડળીએ આ નાટક મહારાજા સયાજીરાવ થિયેટરમાં ભજવ્યું અને સુત્રધારના વેશમાં હતા સંગીતાચાર્ય શ્રી......? ચાલો, આજે પરિચય કરીયે આવી જ એક દુર્લભ માહિતી દ્વારા ગુજરાતના આ દ્રુપદ શૈલીના મહાન ગાયકનો!!

વસ્તારામ ભોજકના ત્યાં મહેસાણા પ્રાંતના વિજાપુર તાલુકાના નાનકડા ગામ સોખડામાં વિક્રમ સંવત 1920 કાર્તિક સુદી અગિયારસના દેવદિવાળીના શુભ દિવસે એક પુત્રનો જન્મ થયો. એમના મોટાભાઈનું નામ ચેલારામ, દીકરો પાંચ વર્ષનો થયો એટલે ચેલારામ એમને એમની સાથે જૂનાગઢ લઇ ગયા. ચેલારામ રાજ્યમાં નોકરીએ હતા અને આ છોકરાએ જૂનાગઢમાં પાંચ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો. એ સમયે, તો બધા રજવાડા હતા.  એ સાથે મૌલવી સાહેબ પાસે ઉર્દુ અને હિન્દી પણ શીખ્યા.

ચેલારામ સંગીતજ્ઞ પણ હતા એટલે નાના ભાઈને પણ એ વિદ્યા શીખવી, કુદરતે આ છોકરાને મીઠો, મધુર કંઠ અને શીઘ્ર બુદ્ધિ પણ બક્ષી હતી એટલે ભગવતી સરસ્વતીની ઉપાસના કરી સંગીતવિદ્યામાં પણ તેઓ પારંગત થયા. આ ઉપરાંત, શ્રી આદિત્યરામજી ઘરાનાનું પખવાજ વાદન,  ગુંસાઈજીના મંદિરમાંથી દ્રુપદ અંગેના કીર્તનો અને ઉસ્તાદ ત્રિભોવનદાસ પાસેથી રાગદારીની ખાસ બંદિશની ચીજો શીખ્યા. મહાન સંગીતકારો હદુખાં અને બહરામખાં પાસેથી ગાયકીનો પણ અભ્યાસ કર્યો.

આ પ્રતિભા જૂનાગઢના નવાબસાહેબ મહોબતખાનજીથી છાની ન રહી કારણ ચેલારામ જ જૂનાગઢ રાજ્યમાં જ નોકરીએ હતા એટલે નવાબ સાહેબની મીઠી નજર એમના નાના ભાઈ પર ઉતરી અને એમને પોતાની સાથે જ  રાખ્યા. ત્યાં સુધી કે  પોતાની સાથે લઇ જતા એટલું જ નહીં પરંતુ તલવારબાજી અને બંદૂકની વિદ્યા પણ શીખવી. 

પણ આ ભાઈને હિંસા કરવી એ નહોતું. નવાબસાહેબને ના કહેવી પણ કઈ રીતે? એક વખત નવાબ સાહેબ એમને શિકારે લઇ ગયા. સામે હરણોનું ટોળું દેખાયું, નવાબસાહેબ શિકાર કરે એ પૂર્વે આ ભાઈએ હવામાં જ બંદૂકનો ધડાકો કર્યો! અને હરણાંને ભગાડી દીધા! નવાબસાહેબ રોષે ભરાયા એટલે શિક્ષામાંથી બચવા ભાઈએ નદીમાં પડતું મૂક્યું અને નદી પાર કરી જંગલમાં અદ્રશ્ય થઇ ગયા. 

એમના ચાલી જવાથી નવાબસાહેબને દુ;ખ  થયું, એમની ગાયકીના એ સૂરો એમના કાનમાં ગુંજવા લાગ્યા. અને એમાં એક પ્રસંગ એવો બન્યો કે દરબારમાં કેટલાંક બહારના નામી સંગીતકારો આવ્યા ત્યારે નવાબસાહેબને એ ભાઈની ખોટ સવિશેષ લાગી. 

"અત્યારે જો એ અહીં હાજર હોત, તો આ સંગીતકારોનો મુકાબલો કરી શકત." એમણે  અભયવચન આપીને એની શોધખોળ શરુ કરાવી તો ગિરનારની ગુફાઓમાં વસ્તી એક સાધુમંડલીમાંથી એ મળી આવ્યા. નવાબસાહેબે એમને પ્રેમથી આવકાર્યા અને પછી પેલા સંગીતકારો સમક્ષ ભાઈએ રાગદારીની એવી રંગત બે કલાક સુધી જમાવી કે બધા દંગ રહી ગયા!! 

ફરી આ ભાઈ ભાગી ના જાય એટલે નવાબસાહેબે મહેલની બરાબર બાજુમાં જ એમને રહેવાની વ્યવસ્થા કરી આપી. પરંતુ સાચો કલાકાર કદીયે પોતાની કલાને કોઈને આશ્રયે બાંધી રાખે જ નહિ. આ ભાઈને પણ પોતાની કલા ગુજરાત, સૌરાષ્ટ્રમાં ખ્યાતિ પામે એ ઈચ્છા હતી, એમની ગાયકીના સમાચાર શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીના દિગ્દર્શક દયાશંકર વસંતજીને કાને પહોંચ્યા અને તેમણે  આ ભાઈને પોતાની સાથે કંપનીમાં જોડાવાનું નિમંત્રણ મોકલ્યું. આ મોકો ઝડપવા જેવો લાગ્યો અને નાટક એટલે દુનિયાનું દર્પણ તથા ગામે ગામ ફરવાનું, સેંકડો અને હજારોની સંખ્યામાં લોકો નાટક જુએ એટલે સહેજે સાચો કલાકાર પોતાની કલા મોટા ફલક પર દર્શાવી શકે. (હજુ એ સમયમાં ચિત્રપટનું ફલક બહુ વિકસ્યું નહોતું, એટલે આ જ એક માધ્યમ હતું પોતાની કલાના બહોળા વિસ્તાર માટે!)

પણ એક વાર તો ભાગી ગયા હતા અને હવે એમને ચોક્કસ ખાતરી હતી કે જો આ વાત તેઓ નવાબસાહેબ ને કરશે તો એ ચોક્કસ ના જ પાડશે! વળી એમનું નિવાસસ્થાન તો ગઢની ઉપર જ હતું! એટલે, એક રાત્રે અંધારપછેડાનો લાભ લઇ ગઢની રંગ ઉપરથી તેઓ કૂદીને નાસી ગયા!! કારણ કે ગઢને મુખ્ય દરવાજે તો સંત્રીઓ પહેરો ભારે છે અનેકોણ આવે છે, જાય છે એની સઘન પૂછપરછ થાય!

તો આવી રોચક માહિતીઓથી ભરેલો છે આ કલાકારનો જીવન પ્રવાસ!! કોણ હતું આ? અને કઈ રીતે તેઓ ગુજરાતમાં એ સમયમાં  રંગભૂમિમાં સંગીતની દુનિયામાં અને ખાસ કરીને દ્રુપદ શૈલીના મહાન ગાયક તરીકે પ્રસિદ્ધ થઇ ગયા? એ બધું લઈને હું આપ સૌને મળીશ  આવતા શુક્રવારે, ત્યાં સુધી અલ્પવિરામ!

-- ડો. કાર્તિક શાહ


Thursday, March 7, 2019

આ હતા સાબરકાંઠાના કર્તવ્ય નિષ્ઠ કવિ....

મારે તે ગામડે  એક   વાર  આવજો
હે આવો ત્યારે મને સંદેશો કહાવજો

આપણે ગયા શુક્રવારે જોયું કે ગુજરાતનાં જ સાબરકાંઠાના એક ગામમાં જન્મેલા આ કવિ બહુમુખી પ્રતિભા હોવા છતાં, આપ નહીં માની શકો કે નિરાભિમાની અને પ્રસિદ્ધિથી સદાયે દૂર રહ્યા! પછીથી ૨૭ જેટલા નાટકો લખ્યા, ૨૧ ચલચિત્રો અને લગભગ અધધધ ૩૦૦૦ જેટલા ગીતો પણ લખ્યા છે!! અને એમાંથી ઘણાં બધાં ગીતો તો ગ્રામોફોન રેકર્ડ રુપે પણ બહાર પડ્યા છે.

તેઓ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં 35 રૂપિયા પગારે રહ્યા અને આ જ કંપનીમાં પંડિત વાડીલાલ પાસે તેઓએ સંગીતનું જ્ઞાન મેળવ્યું. અને જયશંકરભાઈ પાસેથી એમને શબ્દ, સૂર, અને ભાવની જાણકારી મળી. એ પછી તેઓ જયારે જયારે ગીતો લખતા ત્યારે પ્રસંગ અને ગીતમાં રહેલા કાવ્યત્વને અનુરૂપ કયા રાગો અથવા હાળ લેવા તેનું સૂચન પણ સંગીત નિયોજકને કરી શકતા જે શક્તિ ઘણાં કવિઓમાં હોતી નથી!

એમનો સાહિત્ય પ્રેમ એક આ પ્રસંગ પરથી નીરખીએ:

પ્રાગજીભાઈ ડોસા એ સમયે "ગુજરાતી નાટ્ય માસિક"ના તંત્રી હતા. એકવાર આ કવિશ્રી એમના કાર્યાલયમાં આવ્યા. ભારત નાટ્ય સમાજે એમનું એક નાટક "આવતીકાલ" પસંદ કર્યું હતું. અને તે ભાંગવાડી પ્રિન્સેસ થિયેટરમાં રજુ થવાનું હતું તેનું આમંત્રણ આપવા કવિશ્રી પધારેલા! વાતે વળગ્યા  બાદ પ્રાગજીભાઈએ "ગુજરાતી નાટ્ય" માટે ગીતો લખી આપવા વિનંતી કરી અને આગળથી પુરસ્કાર પણ આપ્યો! 

અને સહજ જ પૂછ્યું, "કવિ, તમારા ગૃહસંસાર વિષે જાણવું છે."

કવિએ ટૂંકમાં પરિચય આપ્યો, "પ્રાગજીભાઈ, સરસ્વતી મારી માતા, રંગભૂમિના કસબીઓ એ મારા ભાઈ-બહેન અને કલ્પના એ મારી વહુ, એને તો હું જોડે લઈને જ ફરું છું!"

આવો જ એક અન્ય પ્રસંગ પણ તમને કહી દઉં! 
એક દિવસ સંગીત મહામહોદય પંડિત શ્રી ઓમકારનાથ ઠાકુરના હાથમાં નાટ્યકાર નંદલાલ નકુભાઇ શાહ કૃત નાટક "માયા અને મમતા"ની ઓપેરાબુક આવી. તેમણે એક ગીત વાંચ્યું:

"વિષ પણ અમૃત બની શકે છે
શ્યામ હૃદયમાં હોય તો..."

આખું ગીત તેઓ વાંચી ગયા અને પછી આવી છેલ્લી પંક્તિ:

"મન મારુતિ લંકા બાળે,
રામ હૃદયમાં હોય તો..."

વાંચતા જ પંડિતજીના મુખમાંથી "વાહ કવિ વાહ"ના ઉદ્ગાર સરી પડ્યા. આ ઉપરાંત પંડિતજી એટલે નાયક નાયિકા ભેદના પ્રખર જ્ઞાતા, એમણે  બીજી પણ પંક્તિઓ વાંચી.

અભિસાર અભિનવ અંગ ધરી રસિકા રસપંથ જવા નિસરી,
ગતિ ચંચળ છે, મન વિહ્વળ છે, રસધ્યાનમાં ભાન ગઈ વિસરી.

અને પંડિતજીએ કહ્યું, "આ કોણ કવિ છે? મારે મળવું છે. તેઓ ભારતનાટ્યશાસ્ત્રના અને કાવ્ય તત્વના પ્રખર જ્ઞાતા લાગે છે. કલ્પના અને શબ્દ લાલિત્ય એમને સહજ સાધ્ય છે!"

આ વાતની જ્યારે કવિને જાણ થઇ ત્યારે એમનું હૃદય પુલકિત થઇ ઉઠ્યું! કવિની ષષ્ટિપૂર્તિ તા. 05.01.1966ના રોજ મુંબઈમાં બિરલા માતુશ્રી સભાગૃહમાં ઉજવાઈ રહી હતી. સમારંભમાં ગુજરાતી સાહિત્યના તત્કાલીન દિગ્ગજો સ્ટેજ ઉપર અને સભાખંડમાં બિરાજમાન હતા. ત્યાં જ ગુજરાતી ફિલ્મ જગતના નામાંકિત નિર્માત-દિગ્દર્શક શ્રી જે.બી.એચ.વાડિયા હાજર હતા. જેઓએ પોતે આ કવિના નાટક "ચૂંદડી"માં અભિનય કર્યો હતો. એ નાટક પણ આ સમારંભમાં ભજવાયુ! અને વક્તાઓમાંથી શ્રી સૂર્યકાન્ત સાંઘાણીએ એક વાત કહી,
"કવિશ્રીના ગીતો એ ગુજરાતનો અમૂલ્ય વારસો છે. અને આ ગીતો ગ્રંથસ્થ થવા જોઈએ, એમના ગીતો એ લોક-ગીતો બની ગામડે ગામડે પણ ગવાય છે!!" 
ઉપર જણાવ્યું એમ નાટક, ગીતો, કવિતા, ચલચિત્રોમાં દ્રશ્યો લખવા ઉપરાંત અનેક નાટકોમાં કથાવસ્તુની બાંધણી અને એની રજુઆતમાં કિંમતી સલાહ-સૂચનો પણ તેઓ આપતા! નાટ્ય જગતમાં બધા જ જાણે છે કે  નાટ્યકાર ચીમનલાલ ત્રિવેદીએ "મંગળફેરા" નાટક લખ્યું તેના પ્રહસન વિભાગમાં આ કવિનું પાત્ર સર્જ્યું અને જે પાત્ર હિન્દી ફિલ્મના  મિમિક્રી આર્ટિસ્ટ દિનેશ હિંગુએ એમની આબાદ નકલ કરીને નિભાવ્યું! (શરાબીનું પાત્ર હતું!)

તા. 03.07.1969ના રોજ અહમદનગરમાં એકદરા ગામે એમને દેહ છોડ્યો. મૃત્યુનો એમને કયારેય ભય રહ્યો નહોતો! એમના જ શબ્દોમાં, 

સામે  પૂરે  તરનારાંને  ડૂબવાનો  ડર હોય નહિ,
મરીમરીને જીવનારાંને મરવાનો ડર  હોય નહિ!

અને  છેલ્લે,

ગુજરાતી રંગભૂમિ માટે તેઓ લખી ગયા છે કે, 
"મારા 48 વર્ષના ગુજરાતી રંગભૂમિના સંપર્કમાં મેં જે કંઈ જોયું અને જાણ્યું તે એ છે કે ભૂતકાળની ભવ્યતાઓને ભૂલી, આજની અનેક અગવડતાઓને વહાવી રંગભૂમિની આવતીકાલને ઉજ્જવળ બનાવવા કઠિન સાધના, કર્તવ્ય નિષ્ઠા અને સંગઠનની જરૂર પડશે!"

એમના રચિત ગીતો ગુજરાતી ચલચિત્રોમાં પ્રખ્યાત રહ્યા હતા, રાણકદેવી (1946), ભક્ત કે ભગવાન (1947 હિન્દી ), બહારવટિયો (1947), ભાઈ-બહેન (1948), સાવકી મા (1948), ગુણિયલ ગુજરાતણ (1949), ચૂડીચાંદલો (1950), જવાબદારી (1950) વિગેરે વિગેરે.

વર્ષો અગાઉ કહેલી આ વાત આજે પણ એટલી જ સૂચક છે. આ કર્તવ્ય નિષ્ઠ કવિ હતા, "કવિ શ્રી મનસ્વી પ્રાંતીજવાળા"!

-- ડો. કાર્તિક શાહ