Wednesday, May 15, 2019

પિતાની રચના


ભગવાને જયારે પિતાની રચના કરવાનું શરુ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઉભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું, ખુબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું, "ભગવાન, ક્ષમા કરજો! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે? જો બાળકો સૌ નાના જ હોય અને જમીનથી એટલા નજદીક રહેવાના હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ શું કામની? એ બાળકો સાથે ન તો લખોટીઓ રમી શકશે કે ન તો એ બાળકો સાથે કુદકા કે કુંડાળા રમી શકશે! એ બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહિ શકે અને સાવ નીચે નમશે ત્યારે માંડ આ નાના બાળકોને બચી ભરીને વ્હાલ કરી શકશે! જો એવું જ હોય તો આટલી બધી ઊંચાઈ આ માળખામાં બનાવવાનું મહત્વ શું?

ભગવાન હસી પડ્યા અને બોલ્યા, "હા, એ બધી વાત બરાબર છે. પણ જો હું એને બાળકો જેવડો જ બનાવત તો પોતે પણ મોટા થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકોને ક્યાંથી આવત? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે!"

આ "ઊંચાઈ" શબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહિ!

એ પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખુબ મોટા અને ના તો જરાય સુંવાળા કે ના તો સહેજેય કુણા! આંગળીઓ પણ જાડી અને બરછટ! દેવદૂતથી આ જોઈને બોલાઈ ગયું, "ભગવાન ! આ વખતે તો મારે કહેવું જ પડશે કે આ હાથ બનાવવામાં તમે માર ખાઈ ગયા છો. તમને એ ખ્યાલ હોય જ કે મોટા હાથ અતિ ચપળ નથી હોતા. એ કેમ કરીને બાળકના વસ્ત્રના બટન ખોલશે, બંધ કરશે? પિન ખોસતાં તો એને જરા પણ નહિ ફાવે! દીકરીઓના વાળની ચોટલીમાં દોરી નાખતા એને નાકે દમ આવી જશે. લાકડાના રમકડાંથી રમતા જો બાળકને ફાંસ વાગશે તો આ બરછટ અને જાડા હાથ એ નહિ જ કાઢી શકે. એટલે મને તો લાગે છે કે હજુ સંપૂર્ણ રચના નથી થઇ ત્યારે એ પહેલા એમાં કંઈ સુધારો કરી નાખો તો સારું!!"

આ વખતે પણ ભગવાન હસીને બોલ્યા, "તું સાવ સાચું કહે છે, તારી વાત સાથે હું જરા પણ અસમંત નથી. પણ તને ખ્યાલ છે કે આ મજબૂત હાથ જ ખેતર ખેડી શકશે! એ બરછટ હાથ લાકડા પણ કાપી શકશે, અરે! કુટુંબનું પેટ ભરવા માટે એ પહાડ પણ ખોદી શકશે. એજ મોટા હાથ નદીનો પ્રવાહ બદલી શકશે, દરિયો ખૂંદી શકશે અને પોતાના નાના બાળકનું અને અન્યનું રક્ષણ કરવા શસ્ત્રો પણ સજી શકશે. નાનું બાળક સાંજે બહારથી રમીને આવશે પછી પોતાનું ખિસ્સું ખાલી કરીને પથ્થરો, શંખલા, ખીલીઓ, બાકસના ખાલી ખોખા વગેરે એ હાથમાં મુકશે અને એમની એક પણ વસ્તુ પડ્યા વિના આ મોટા હાથનો વિશાળ ખોબો એ બધું જ ઝીલી શકશે. મોટા, રુક્ષ અને બરછટ હાથ હોવા છતાં પણ બાળકનો સુંદર ચહેરો એની હથેળીમાં આસાનીથી આવી શકશે!"

નવાઈ સાથે દેવદૂત સાંભળી રહ્યો, આવો વિચાર તો એણે  કર્યો જ નહોતો. ભગવાન હવે પિતાના લાંબા અને મજબૂત પગની રચના કરી રહ્યા હતા. એણે પગની સાથે ખુબ વિશાળ ખભાની રચના પણ પુરી કરી. પછી દેવદૂત સામે જોયું. દેવદૂત જાણે ભગવાનના પોતાની સામે જોવાની જ રાહ જોઈ રહ્યો હોય તેમ બોલી ઉઠ્યો, "ભગવાન! એટલા પહોળા અને લાંબા પગ હશે તો બાળક એના ખોળામાં ઊંઘી કેવી રીતે શકશે? નાનકું બાળક પોતાના પિતાને વ્હાલ કરતા કરતા બે પગ વચ્ચે પડી નહિ જાય? અને એના એટલા બધા પહોળા ખભા શું કામ બનાવ્યા છે?" 

ખડખડાટ હસતાં હસતાં ભગવાન બોલ્યા, "અરે ભાઈ! માતાનો ખોળો તો મેં બનાવ્યો જ છે. અને એ બાળક માટે પર્યાપ્ત જ છે. આ મજબૂત પગ તો બાળક જયારે સાયકલ ચલાવતા શીખશે ત્યારે એની પાછળ દોડવા માટે છે. હળની પાછળ મજબૂત રીતે ચાલવા માટે છે. પેટિયુ રળવા માટે થાક્યા વિના રઝળપાટ કરવા માટે છે. બાળક માટે લીમડા પરથી લીંબોળીઓ પાડવા તેમજ આંબલી પરથી કાતરા ઉતારવા ઝાડ પર ચડવા માટે છે. અને આ વિશાળ ખભા ઉજાણીએથી પાછા આવતા કે સર્કસમાંથી મોડી રાત્રે છૂટ્યા પછી પાછા ફરતા બાળક માથું મૂકીને નિરાંતે ઊંઘી જઈ શકે તે માટે બનાવ્યા છે. ઘરે પહોંચતા સુધી એ પહોળા ખભા બાળકનો આધાર બની રહેશે!"

ભગવાને પિતાનાં લાંબા પગની નીચે મોટા મોટા ફાફડા જેવા પંજા બનાવ્યા ત્યારે પ્રશ્ન પૂછવાને બદલે દેવદૂતે ખડખડાટ હસવા જ માંડ્યું. માંડ માંડ થોડું હસવું દબાવીને એણે કહ્યું, "સાચું કહું પ્રભુ! હવે તો ખરેખર હદ થાય છે. આવડા મોટા ફાફડા જેવા પગના પંજા બાળકોને બીવડાવશે! નાનકડા ઘરમાં એના રમકડાં કે ઘરઘર રમતા ગોઠવેલા એના રાચ-રચીલાને કચરી નાખશે! બધું ઠેબે ચડાવશે. નદીના કાંઠે રેતીમાં બનાવેલું બાળકનું ઘર એ ખ્યાલ વગર જ ઉડાડી દેશે! એટલે કહું છું કે તમે ફરી એક વાર વિચારી જુઓ. નહિ તો મને આવા ફાફડા જેવા પગની રચના પાછળનો ભેદ સમજાવો!"

મુક્ત હાસ્ય સાથે ભગવાન બોલ્યા, "અરે નાદાન ફરિશ્તા! કારણ અને વજૂદ વગર હું કંઈ પણ બનાવું ખરો? તને જે પગ ફાફડા જેવા લાગે છે, એ પગ પર પગ મૂકીને નાનકડું બાળક "પાવલો પા....મામાને ઘેર જા..." તેમજ " ઢીચકા ઢમણ..." જેવી રમતો રમી શકશે. એ પગ પર પગ મૂકીને જ એ ચાલશે!  એ પગના મોટા બૂટમાં રેતી, પથ્થર અને કંઈ કેટલીયે વસ્તુઓ ભરવાની રમતો એ રમી શકશે! અને એ સિવાય પણ મક્કમ રીતે જમીન પર મુકાતાં એ પગલાં એનામાં આત્મવિશ્વાસ પ્રેરશે!"

દેવદૂત વિચારમાં પડી ગયો. ધીમે ધીમે એને બધું સમજાતું જતું હોય એવું લાગતું હતું!

રાત થઇ ગઈ હતી. ભગવાન હવે પિતાનો  ચહેરો બનાવી રહ્યા હતા. પિતાની રચનાનો એ અંતિમ તબક્કો હતો. જેવો ભગવાને પિતાનો દ્રઢ અને કડક ભાવવાળો ચહેરો કંડારી લીધો  કે તરત જ દેવદૂત બોલી ઉઠ્યો, "ભગવાન, તમે પિતાની રચના તો બરાબર કરી પરંતુ માતાના ચહેરાની તોલે તો આ ચહેરો ન જ આવે! ક્યાં એક માનો ચહેરો અને ક્યાં પિતાનો??!!"

આ વખતે ભગવાન જરાય હસ્યા નહિ, અને ખુબ જ ગંભીર થઇ ગયા. પિતાના તૈયાર શિલ્પની આંખોમાં આંખો પરોવી અને ત્યાં એમણે એક એક નાનું આંસુ મૂક્યું! એ સાથે જ એ દ્રઢ અને કડક દેખાતો ચહેરો ભાવવાહી બની ગયો! એ કડક લાગતી આંખોમાં કરુણા છલકાઈ આવી. પછી ભગવાને દેવદૂત સામે જોઈને કહ્યું, "હવે જો! પિતા પણ માતાની જેટલો જ પ્રેમ પોતાના બાળકોને કરશે. મા જેવી જ કરુણા હું એના હૃદયમાં પણ મુકું છું. એ પણ પોતાના બાળક માટે જીવ સુધ્ધાં આપી દેવા માટે તૈયાર રહેશે! બાળકનો ગોઠણ છોલાશે ત્યારે એના હૃદયમાં પણ સબાકો આવશે. બાળક દુઃખથી પીડાતું હશે ત્યારે લાગણીનો ડૂમો એના શબ્દોને પણ રોકી લેશે. પોતાનું બાળક સુખી થતું હશે તો એ ગમે તેવા દુઃખો દ્રઢતા અને મક્કમતાથી સહન કરવા તૈયાર થઇ જશે. એના ખભે માથું મૂકીને કોઈ પણ ઉંમરનું સંતાન શાતા અને સાંત્વન પામશે. એનું મન ભલે એ માતાની માફક ગમે ત્યારે ખોલશે નહિ, પણ સ્નેહનું સરોવર એમાં હંમેશા છલકાતું રહેશે. અને આ આંસુ એ માટેની ખાતરીની મહોર છે."

દેવદૂત પાસે હવે એક પણ સવાલ કે મૂંઝવણ બાકી ના રહી. એ ચૂપ થઇ ભગવાનને નતમસ્તક ઝૂકી વંદન કરતો ઉભો રહી ગયો!

સંકલન: ડો. કાર્તિક શાહ (અંતરનો ઉજાસ, મોતીચારો ભાગ 3, ડો. આઈ કે વીજળીવાળા -- માંથી સાભાર)