Thursday, August 30, 2018

આર્ટસ કે આટર્સ અને માર્કસ કે માર્ક્સ ?

આર્ટસ કે આટર્સ ???
---------------------------

કોલેજના નામમાં ARTS આવતું હોય ત્યારે કેટલીક કોલેજો 'ટ' પર રેફ કરે છે અને કેટલીક કોલેજો 'સ' પર રેફ કરે છે. 'ટ' પર રેફ કરનાર અધ્યાપકોની દલીલ એવી હોય છે કે મૂળ શબ્દ ARTમાં 'ટ' પર રેફ આવે છે: આર્ટ  તેની પાછળ બહુવચનનો પ્રત્યય લાગે છે, તેથી ARTSમાં રેફ 'ટ' પર આવે અને તેથી જ આર્ટસ એમ જ લખાય. 

ખરેખર શું હોઈ શકે? અને શા માટે? તેનો ઉત્તર મેળવવાની કોશિશ કરીયે ચાલો......

ગુજરાતી ભાષાના મૂળાક્ષરો આકારની દ્રષ્ટિએ બે પ્રકારના છે: (1) લીટી-કાનાવાળા જેમ કે, ખ, પ, લ, ય, ત વગેરે. (2) ગોળાકાર જેમ કે, ક, ટ, ઠ, ડ, જ વગેરે.

જયારે લીટીવાળા અક્ષર જોડાક્ષરમાં પૂર્વવ્યંજન તરીકે આવે ત્યારે તેનો કાનો દૂર કરવામાં આવે છે. જેમ કે, 'પ' - 'કાપ્યો', 'શ' - 'રશ્મિ' વગેરે. જયારે ગોળાકાર અક્ષર હોય તો તેને 'ખોડો' 'હલન્ત'નું ચિહ્ન કરવામાં આવે છે અથવા આજુબાજુમાં કે ઉપરનીચે જોડીને લખાય છે જેમ કે, 'જ' - 'જ્યોત', 'ઠ' - 'લઠ્ઠો' વગેરે.  એટલે કે,  બંને પ્રકારના અક્ષર જુદી રીતે જોડાક્ષરના પૂર્વવ્યંજન તરીકે જોડાય છે. 

કાનાવાળા અક્ષરમાં અર્ધાક્ષર સ્પષ્ટ રીતે દેખાય છે, તેથી તેમાં મૂંઝવણ નથી થતી. પરંતુ ગોળાકાર અક્ષરના જોડાક્ષરમાં દેખીતી સ્પષ્ટતા દરેક વખતે નથી હોતી. તેથી મૂંઝવણ થાય છે. જેમ કે, 'ક'ની સાથે હલન્તની નિશાની ન હોય તે વખતે 'ક્યાં' અને 'કયાં' શબ્દ તેના સંદર્ભને આધારે સમજવા પડે છે. 

જોડાક્ષરના ભાગ રૂપે રેફ ક્યાં આવે તેનો ઉત્તર મેળવવા નીચેના કેટલાંક ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત શબ્દો જોઈએ.

સામર્થ્ય  વત્સર્ય
મર્ત્ય વર્ત્યા 
વર્જ્ય અર્ધ્ય 
ગર્લ્સ માર્ક્સ 

ઉપરના શબ્દોમાં 'સમર્થ' મૂળ શબ્દને 'ય' પ્રત્યય લગતા ગુણવૃદ્ધિ સાથે સામર્થ્ય થયો છે. એટલેકે, 'ર્ + થ' - 'ર્થ' ધ્વનિશ્રેણી હતી. જેમાં 'થ' આખો ધ્વનિ છે. તેમાં 'ય' પ્રત્યય ઉમેરાતાં 'ર્થ્ય' થાય છે એટલે કે  'થ' સ્વર વગરનો અર્ધધ્વનિ છે. અહીં જોઈ શકાય છે કે 'થ'ને જોડાક્ષરમાંનો અર્ધો વ્યંજનધ્વનિ દર્શાવવાં તેનો કાનો કાઢવાંમાં આવ્યો.  પણ સાથે સાથે તેનો રેફ પણ 'ય' પર ચાલ્યો ગયો. 

અન્ય શબ્દો 'વર્ત્સ્ય' કે 'મર્ત્ય' માં પણ એ જ રીતે 'સ' કે 'ત' ધ્વનિ અડધા હોવાથી તેના પર રેફની નિશાની આવતી નથી. 'વર્તવું ધાતુને 'ય' પ્રત્યય લાગતાં 'વર્ત'નો 'ત' અડધો થતા તેનો રેફ 'ય' પર લાગે છે. અંગ્રેજી શબ્દમાં 'ગર્લ્સ' (ગર્લનું બહુવચન) શબ્દ સ્વાભાવિક લાગે છે. તેમાં 'લ' પર રેફ આવતો નથી.  (અડધા 'લ્' પર તમે રેફ કલ્પી પણ શકો છો ખરાં ?)



ગોળાકાર અક્ષર લઈએ તો 'વર્જિત'માં 'જ' પર રેફ આવે છે. પણ 'વર્જ્ય'માં એ જોડાક્ષરનો ભાગ બને છે ત્યારે 'જ'નો રેફ 'ય' પર લખાય છે. 'માર્ક'માં 'ર્ + ક' ધ્વનિશ્રેણીમાં 'ક' આખો ધ્વનિ છે. પરંતુ, 'માર્ક્સ'માં 'ક' ગોળાકાર અર્ધઅક્ષર છે. તેથી તેનો રેફ 'માર્ક'ની જેમ 'ક' પર ન લખાતા 'સ' પર જ લખાય છે. 

એટલે કે , 'ગર્લ્સ'માં જો અડધા 'લ્' પર રેફ ન આવતો હોય, 'માર્ક્સ'માં અડધા 'ક્' પર રેફ ન આવતો હોય કે 'વર્જ્ય'માં અડધા 'જ્' પર રેફ ન આવતો હોય તો 'આટર્સ'માં અડધા 'ટ્' પર રેફ કેવી રીતે આવી શકે?

વળી વ્યંજન પોતે સ્વર વગર ઉચ્ચારાઈ શકાતો નથી. એ સંજોગોમાં એ અન્ય ધ્વનિઓની નિશાની કેવી રીતે લઇ શકે?

એટલે મિત્રો, હવે આપણે સૌ 'આટર્સ'માં અને 'માર્ક્સ' માં 'સ' ઉપર જ રેફ કરશું ને???

સંકલન: ડો કાર્તિક શાહ ("ભાષાપ્રબોધ" માંથી)


Thursday, August 23, 2018

ગુજરાતી સુગમસંગીતનાં Don અને Dawn!!


પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત પ્રત્યેના પર્દાપણ અને તેમની સંગીતની સાધનાને આજે 80 વર્ષે પણ સંગીત પ્રેમીઓ પ્રેરણાદાયી માની રહ્યા છે અને ભવિષ્યમાં પણ માનતા રહેશે. 3 વર્ષની ઉંમરથી શરૂ થયેલી તેમની સંગીતની સફર યાદગાર રહી છે. 1940 – ‘ નરસિંહ ભગત’ ફિલ્મનું ગીત અમદાવાદમાં નાટક મંડળીમાં જ્યારે તેઓએ ગાયું ત્યારે 17 વખત વન્સ મોરની બૂમો પડી હતી. 

તેઓ સંગીત પ્રત્યે એટલા રૂચિકર હતા કે 1944ની સાલમાં તેઓએ ઘર છોડી દીધુ અને ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઇ પહોંચી ગયા હતા. પણ તેઓ તરત પાછા પણ ફરી ગયા. પછી 1947માં કાયમ માટે મુંબઇ ગયા. જ્યાં તેઓ  જીવણલાલ કવિના ઘેર ઘરઘાટીઓ સાથે ઓટલા પર સૂઇ રહેતા.

પહેલી વાર મુંબઇમાં દિલીપ ધોળકીયા સાથે તેઓએ રાસ ગીત ગાયું. આપ માનશો નહીં પણ, જીવનમાં તીવ્ર સંઘર્ષ વેઠી ચૂકેલા શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય શરૂમાં એમનાં મહેનતાણાની રકમ લેવા ગોરગાંવથી અંધેરી, ફાટેલા ચંપલે ચાલતા ગયા હતાં..! અવિનાશ વ્યાસે તેમનો અવાજ પારખી એક ગુજરાતી ફિલ્મમાં ગીત ગવડાવ્યું અને પોતાને ઘેર જ રાખ્યા.

1950 પછી – અવિનાશ વ્યાસ સાથે ‘ભારતીય વિદ્યા ભવન’ માં ઘણી નૃત્ય નાટિકાઓમાં તથા "આ માસનાં ગીતો"માં ગીતો સ્વરબદ્ધ કર્યા અને ગાયા. અવિનાશ વ્યાસ જોડે એમનો ગુરુ-શિષ્યના સંબંધ કરતાં બાપ-દીકરાનો સંબંધ વધુ લાગતો. ખુદ અવિનાશજી પણ એમ કહેતા કે એમને બે દીકરા છે: એક શ્રી પુરુષોત્તમભાઈ અને બીજા શ્રી ગૌરાંગભાઈ!!

આશા ભોંસલે તેમની હારમાં બેસી સાથે ગાતા. 19 વર્ષની વયે પોતાની પહેલી સ્વર રચના “ઓલ્યા માંડવાની જૂઇ “ ; રેડીયો પર લાઇવ પ્રોગ્રામ કર્યો. જે બાદ ગુરૂ અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસ તેમના શિષ્ય બન્યા. તેમણે 2000થી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે. સૌથી વધુ સ્પર્શતી બાબત તેમનો અવાજ છે. ગુજરાતી સુગમસંગીત પુરૂષોત્તમભાઇને પામીને જાણે ધન્ય બની ગયું છે. કોઇપણ યુવાન કલાકાર માટે પુરૂષોત્તમભાઇ એક આદર્શ છે. કારણકે સંગીતની દુનિયામાં પુરુષોત્તમ ઉપાધ્યાય પૂર્ણ પુરુષોત્તમથી કંઇ કમ નથી.

૧૯૮૧માં અમદાવાદમાં શ્યામલ-સૌમિલ મુન્શી અને હું, અમે મોરપીંછ નામે કાર્યક્રમ કર્યો હતો... એની વાત મુંબઈ સુધી પહોંચી અને એક દિવસ તેઓ શ્યામલ-સૌમિલના ઘરે રીક્ષામાં આવી પહોંચ્યા.’ એમ જાણીતા કવિ અને કાર્યક્રમ સંચાલક શ્રી તુષાર શુક્લ એક ખાસ પ્રસંગમાં કહે છે.

એ પ્રસંગ હતો ગુજરાતી ભાષાના - સુગમ સંગીતના ગીતોને લોકપ્રિય બનાવનાર ગાયક-સ્વરકાર પુરુષોત્તમ ઉપાધ્યાયને રાષ્ટ્રીય સન્માન પદ્મશ્રી મળ્યાના વધામણારૂપે એમના ઓવારણા લેવાનો, સંભારણા વાગોળવાનો. 

સંગીતપ્રેમી સ્વજનો વિક્રમ પટેલ તથા મનીષ પટેલ, રાજેશ પટેલ દ્વારા આયોજિત સ્નેહ-મિલનમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને પ્રેમ કરનારા કલાકારો અને કલાચાહકો ઉપસ્થિતિમાં આરંભે લખેલી વાત શ્રી તુષાર શુક્લે કરી. એમણે કહ્યું કે મુંબઈમાં કાર્યક્રમ કર્યો ત્યારે અમારી પીઠ થાબડીને તેમણે કહ્યું કે, ‘ભવિષ્યમાં આગળ વધો ને ખૂબ સરસ કામ કરો.’ આમ પુરુષોત્તમભાઈએ હૂંફ આપી. પુરુષોત્તમભાઈને સુગમ સંગીતના ઉત્તમ ગવૈયા અને સ્વરકાર તરીકે ઓળખાવતા તુષારભાઈએ કહ્યું કે તેઓ ડોન છે સુગમ સંગીતના, Don અને Dawn બંને પ્રમાણે આ સાચું છે.

હેમંત, આ પૈસા વધારે છે, અડધા પાછા રાખ.’ આ શબ્દો મને ૧૯૮૦માં કહેનાર માણસ એટલે પુરુષોત્તમ ઉપાધ્યાય. એવું જૂનાગઢથી આવેલા નાટ્યકલાકાર અને પુરુષોત્તમપ્રેમી હેમંત નાણાવટીએ કહ્યું..ઘટના એવી હતી કે ૧૯૮૦માં જૂનાગઢમાં મિત્રોને વિચાર આવ્યો કે પુરુષોત્તમ ઉપાધ્યાયનો કાર્યક્રમ કરવો છે. ક્યાંકથી ફોન નંબર શોધીને હેમંતભાઈએ વાત કરી, કહ્યું કે આવીશ, પ્રશ્ન પૂછ્યો પુરસ્કાર બાબતે તો હેમંતભાઈએ કહ્યું કે આવનાર અતિથિ માટે અત્યારે અમારી પાસે પાણી ભરેલો લોટો અને ગ્લાસ છે.' તો પુરુષોત્તમભાઈએ ઉમળકાથી આવવાનું સ્વીકાર્યું. આવ્યા, સરસ કાર્યક્રમ થયો. 

કાર્યક્રમમાંથી સારી એવી રકમ એકઠી થઈ હતી એટલે રૂ. ૫૦૦૦ એમને આપ્યા તો ગણીને એમાંથી રૂ. ૨૫૦૦ પાછા હેમંતભાઈને આપ્યા અને આ સંવાદ કહ્યો. આગ્રહ કર્યો પૈસા પૂરેપૂરા લેવાનો તો પણ ના લીધા. 

પુરુષોત્તમભાઈએ કહ્યું કે ‘આ રકમ મેં તમને પરત આપી, હવે એમાંથી તમે કોઈ બીજા કલાકારને બોલાવજો પણ પ્રવૃત્તિ જીવંત રાખજો.’ અને હેમંતભાઈએ આ પ્રવૃત્તિ જૂનાગઢમાં જીવંત રાખી. હેમંતભાઈએ એમને ‘પીયુ’ તરીકે ઓળખાવ્યા અને કહ્યું કે ગુજરાતી સુગમ સંગીતને પુરુષોત્તમભાઈએ સંપીલું રાખ્યું છે. આપણે સૌ એમની સક્રિયતાની શતાબ્દી પણ ઊજવીશું એવી આશા તેઓએ પ્રગટ કરી.

આ પ્રસંગનમાં ઉત્તરમાં પુરુષોત્તમ ઉપાધ્યાયે પ્રતિભાવમાં કહ્યું કે ‘મને મળેલા એવોર્ડમાં તમારો પ્રેમ સમાયેલો છે.’ 



જન્મ નડિયાદમાં, મૂળ વતન ઉત્તરસંડા કર્મભૂમિ મુંબઈ અને એમના ચાહકો વિશ્વભરમાં એવા સુરોત્તમ-પુરુષોત્તમ ઉપાધ્યાય જ્યારે જ્યારે મંચ પર કે અંગત સ્વજનોની મહેફિલમાં ગાવા બેસે છે ત્યારે કોઈ અલૌકિક વાતાવરણ ઊભું થાય છે. ૮૦ વર્ષની વયે પણ એ ૪ મિનિટ કે ૪ કલાક ગીત રજૂ કરે ત્યારે કોઈ નોખી અનુભૂતિ થાય છે. પુરુષોત્તમ ઉપાધ્યાય સ્વર પ્રસ્તુતિ કરે છે ત્યારે સૂરોના અજવાળા રેલાય છે ને શ્રોતાઓને એ અજવાળામાં આનંદની કેડીઓ જડે છે.


અને છેલ્લે, 
'હું અંગ્રેજી બોલતો થયો તો, કેટલાક અમેરિકન ગુજરાતી બોલતા પણ થયા છે.' - પુુરુષોત્તમ ઉપાધ્યાય.

માહિતી સંકલન :- ડો  કાર્તિક શાહ

Wednesday, August 15, 2018

સત્યઘટના -- ડો. કાર્તિક શાહ

હેમુ ગઢવી: એક સત્ય પ્રસંગ


સંકલન: ડો. કાર્તિક શાહ 


ગુજરાતી કલા સંસ્કૃતિ ક્ષેત્રે હેમુ ગઢવી એક ખાસ સ્થાન ધરાવે છે. આ 20મી ઓગસ્ટે એમની 53મી પુણ્યતિથિ આવી રહી છે તો એમને યાદ કરી એમના જ જીવનનો એક બહુ જ ઓછો જાણીતો પણ આપ સૌની આંખો ખરેખર અશ્રુભીની કરી દે એવો એક પ્રસંગ અહીં ટાંકી રહ્યો છું. આશા છે કે આપ સૌને એ વાંચી કેમ હેમુભાઈ આટલી નાની ઉંમરે પણ લોકહૃદયમાં અમરત્વ પામી ગયા છે એનો ખ્યાલ આવી જશે.

4 સપ્ટેમ્બર 1929ના રોજ સાયલાના ઢાંકળિયા ખાતે તેમનો જન્મ થયો હતો. 
તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુબા હતું તેમજ તેમના પત્નિનું નામ હરિબા હતું.


લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેમણે "ગામડુ મુજને પ્યારૂં ગોકુળ" પ્રથમ ગીત ગાયુ હતું. એક વખત તેઓ જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા. જેમાં તેઓએ રાણકદેવીનું સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતુ અને લોકોનાં દીલ જીતી લીધેલા અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક મુંબઈથીઆવીને તેઓએ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતાં. આમ તેઓએ ઈ.સ. ૧૯૫૫ સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યુ હતું. એક સફળ ગાયક, નાટ્યકાર, અભિનેતા એવા હેમુ ગઢવી 1955માં આકાશવાણીમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા. ત્યાં તેમણે સતત દશ વર્ષ સુધી લોકસંગીતના પ્રચારપ્રસારનુ ભગીરથ કાર્ય કર્યું. 

1962-63માં કોલંબિયા કંપનીએ તેમની 78 સ્પીકની રેકર્ડ "સોની હલામણ મે ઉજળી" રીલીઝ કરી. ગુજરાતી લોકસંગીતનું નાક, લોકસંગીતનો પાણતિયો, રખોપિયો, અષાઢી ગાયક, ગહેકતો મોરલો જેવા જુદા જુદા ઉપનામે જાણીતા થયેલા હેમુ ગઢવીએ ખરા અર્થમાં ગુજરાતી કલા સંસ્કૃતિની સેવા કરવામાં જરાય કચાશ ન છોડી. 


20 ઓગસ્ટ 1965ના રોજ પડધરી ખાતે રાસડાઓનું રેકોર્ડીંગ કરતી વખતે જ અકસ્‍માતમાં તેમનું અવસાન થયું. મૃત્યુ વખતે તેમની ઉંમર હતી માત્ર 36 વર્ષ!! જો કે તેઓ તેમની ઉંમરના પ્રમાણમાં ઘણા મોટા કહી શકાય એવા માન સન્માન પામ્યા હતા. તેમાં રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર, ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયક તરીકે ગૌરવ પુરસ્કાર વગેરે ઉલ્લેખનીય કહી શકાય. રાજકોટમાં તેમના સન્‍માનમાં હેમું ગઢવી નાટ્ય હોલ બનાવવામાં આવ્યો છે. હા, આ બધી માહિતીઓ લગભગ સાર્વત્રિક ઉપલબ્ધ જ છે. હવે આવે છે એક ખાસ પ્રસંગ જે બહુ ચર્ચાયો નથી અને જે હેમુભાઈની સંવેદનાઓનો પરિચય આપે છે. કીકતમાં, મારું એવું અવલોકન છે કે જેટલાં પણ મહાન ગાયકો, સંગીતકારો, કલાકારો, લેખકો, કવિઓ અને અન્ય  હસ્તીઓ વિગેરે છે એ તમામનું અન્ય સૃષ્ટિજીવો પ્રત્યેનું સંવેદન હંમેશા તેમને પ્રભાવશાળી બનાવનારુ અને ઋજુ રહ્યું છે.


વર્ષો પહેલાની વાત છે જયારે હેમુભાઈની લોકપ્રિયતા એની ચરમસીમા તરફ આગળ વધી રહી હતી. હેમુભાઈ રાજકોટ રેડિયો સ્ટેશન માંથી રેકોર્ડિંગ કરી એક મિત્ર સાથે બહાર નીકળ્યા. મિત્ર એ પૂછ્યું ક્યાં જવું છે હેમુભાઈ એ કહ્યું એસ.ટી.સ્ટેન્ડ જઈએ.

હેમુભાઈ એટલા સરળ અને કોમળ હતા કે મિત્ર પૂછી ના શક્યો કે એસટી માં ક્યાં જઈશું?? એસટી સ્ટેન્ડ પર થોડી વાર રાહ જોઈ અને એ બસ આવી જેમાં સફર કરવા ની હતી. મિત્ર સાથે એ બસ માં ગોઠવાઈ ગયા ટિકિટ લીધી 5-6 કલાક ની સફર પછી એક ગામ માં બસ પહોંચી ત્યાં ઉતરી ગયા એક ભાઈ ખેતર માંથી આવતા હતા એને ખિસ્સામાંનું પોસ્ટ કાર્ડ કાઢી, એમાંથી વાંચી એક ગામનું પૂછ્યું તો એ વ્યક્તિ એ કહ્યું 8-10 ગાઉ જટલું છેટું છે ચાલી ને જ જવું પડે. બેવ જણ ચાલવા લાગ્યા...

થાકી લોથપોથ થઈ ગયા ત્યારે એક ગામ નો વડલો દેખાયો. મિત્ર એ પૂછ્યું "અહીં કોણ છે?..." હેમુભાઈ કહે "બેન ને મળવા જવું છે."

નાનપણ નો મિત્ર હેમુભાઈ ના આખા પરિવાર ને ઓળખે એમ છતાં પૂછી ના શકયો કે અહીં તો કોઈ તમારી બેન નથી રહેતી. ત્યાંજ એક ભાઈ દેખાયા એમને પૂછ્યું કે આ બેન નું ઘર ક્યાં છે તો એ ભાઈ એ ચીંધ્યું. ચાલી ને બેવ ઘર નજીક પહોંચ્યા. 

ગરીબ ખોરડું આમ તો ઝૂંપડું જ કહેવાય. કાચી દીવાલ ઘાસ-પાન થી છત બનેલી આંગણામાં બે ભાઈ બહેન 8-10 વર્ષ ની ઉંમર ના રમતા હતા. ઘરે મહેમાન ને આવતા જોઇ ઘર માં દોડી જઇ માને કહ્યું કોઈ આવ્યું છે .

બેન બહાર આવી. નાના ગામડા ની સરળ સ્ત્રી ફક્ત પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. હેમુભાઈ એટલું જ કહ્યું " હું હેમુ ગઢવી છું....!" બેને તરત જ કહ્યું "આવો! આવો!" પગરખાં કાઢી બેવ ઘર માં ગયા બેને એક જૂનો ગાભો પાથર્યો એના પર બન્ને બીરાજ્યા. બેને લોટા માં પાણી આપ્યું.

ખીસ્સામાં રેકોર્ડિંગ માંથી આવેલા જે કાંઈ 300-400 રૂપિયા કાઢી બેન ના હાથ માં મુક્યા! 
બેવ બાળકો જોઈ રહ્યા હતા પૂછ્યું "મા... કોણ છે?" 
મા એ કહ્યું "મામા છે બેટા પગે લાગો." બેવ બાળકો એ ચરણ સ્પર્શ કર્યા. વિસ્મયતાથી મિત્ર તો આ બધું જોઈ જ રહ્યો છે. બેવ બાળકો ના માથે હાથ મૂકી હેમુભાઈ ઉભા થયા કહે બેન હું જાઉં. ગરીબ બેને કહ્યું ભાઈ જમી ને જાવ. હેમુભાઈએ કહ્યું બેન બીજી વાર જરૂર આવીશ ત્યારે જમીશ અને ઘર બહાર નીકળી ગયા પગરખાં પહેરી જે માર્ગે આવેલા એ તરફ મિત્ર સાથે ચાલી નીકળ્યા. પાછા એજ ગામ માં આવ્યા મુખ્ય માર્ગ પર બસ ની રાહ જોવા એક ઝાડ નીચે બેઠા.

મિત્રે મૂંઝારા સાથે પૂછ્યું "આ બધું શું છે? આ બેન કોણ?"
.


ખીસ્સામાંથી પોસ્ટ કાર્ડ કાઢી કહ્યું, "આ પત્ર કાલે રેડિયો સ્ટેશન માં મળ્યો....!"

"રોજ રેડિયો માં સવારે મારુ ગીત વાગે અને દૂર ક્યાંક રેડિયો વાગતો હોય અને આ બેન ના બાળકો પૂછે મા... આ કોણ ગાય છે? ત્યારે બેને કહ્યું આ તમારા મામા છે. બાળકો નિશાળે જતા હશે તો પોસ્ટકાર્ડ લઇ મારા નામ થી પત્ર લખ્યો... લે કાગળ વાંચ....."

મિત્ર એ પોસ્ટકાર્ડ હાથ માં લઇ વાંચ્યું.....


"પૂજ્ય મામા,

તમારું ગીત રોજ સવારે રેડિયોમાં સાંભળીએ છીએ દૂર ક્યાંક રેડિયો વાગતો હોય છે પણ એમ લાગેછે કે  તમે સામે બેસી ને જ ગાવ છો..તમારો કંઠ ખૂબ સરસ છે. મા ને પૂછીએ કે કોણ ગાય છે તો મા કહે આ તમારા મામા છે..

મામા ક્યારેક તો ઘરે આવો....! બાપુ મરી ગયા પછી મા કાયમ રડતી હોય છે....."

       મિત્ર ની આંખ માંથી ડળક ડળક અશ્રુ વહેતા હતા હેમુભાઈ મિત્ર ના ખભા પર પ્રેમ થી હાથ મુક્યો... બસ આવી!! બેવ મિત્રો બસ માં ગોઠવાયા.... ટિકિટ માસ્તર આવ્યો... 

અને છેલ્લે હવે હેમુભાઈ એટલું જ બોલ્યા, "થોડીવાર તું મારો મામો થઈ ને ટિકિટ કઢાવ... કારણ જે કાંઈ હતું એતો બેન ના હાથમાં....."

આ એક સંપૂર્ણ સત્ય ઘટના  છે અને હેમુ ભાઈ ગઢવીના આ સાડા ત્રણ દશકના ટૂંકા જીવનકાળ દરમ્યાન કેમ તેઓને લોકોએ હૃદયસ્થ કર્યા છે એનો સબળ પુરાવો છે...!

સંકલન: ડો. કાર્તિક શાહ 

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત



ઈ.સ ૧૯૧૧ સુધી ભારતની રાજધાની બંગાળ હતી પરંતુ ઈ.સ ૧૯૦૫ માં જયારે બંગાળના વિભાજનને લઈને અંગ્રેજોની સામે બંગભંગ આંદોલનના વિરોધમાં બંગાળના લોકો જાગૃત થયા તો અંગ્રેજોએ પોતાને બચાવવા માટે કલકતાથી હટાવીને રાજધાનીને દીલ્હી લઈ ગયા અને ૧૯૧૧ માં દિલ્હીને રાજધાની જાહેર કરી દીધી. સંપૂર્ણ ભારતમાં લોકો વિદ્રોહની ભાવનાથી ભરેલા હતા ત્યારે અંગ્રેજોએ પોતાના ઇંગ્લેન્ડ ના રાજા ને ભારત આવવાનું  આમત્રણ આપ્યું કારણકે લોકો શાંત થઇ જાય. ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ ૧૯૧૧ માં ભારત આવ્યો ત્યારે રવીન્દ્રનાથ ટાગોર પર દબાણ કરવામાં આવ્યું કે તેમને એક ગીત જ્યોર્જ પંચમના સ્વાગત માટે લખવું  પડશે.

તે સમયે ટાગોરનો પરિવાર અંગ્રેજોથી ખુબ નજીક હતો, તેમના પરિવારના ઘણા બધા લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કરતા હતા, તેમના મોટા ભાઈ અવનીન્દ્ર નાથ ટાગોર ઘણા દિવસો સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની ના કલકતા ડીવીઝન ના નિર્દેશક રહ્યા .તેમના પરિવારના ઘણા નાણા ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં રોકાયેલા હતા અને પોતે રવીન્દ્રનાથ ટાગોરની પણ અંગ્રેજો માટે સહાનુભૂતિ હતી.

રવીન્દ્રનાથ ટાગોરે જે ગીત લખ્યું તેમના બોલ છે “ જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા” આ ગીત ના તમામ શબ્દોમાં અંગ્રેજ રાજા જ્યોર્જ પંચમનું ગુણગાન છે જેનો અર્થ સમજવાથી ખ્યાલ આવશે કે આ તો હકીકત માં જ અંગ્રેજો ની પ્રંશસામાં લખવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રગાન નો અર્થ કંઇક આ રીતે થાય છે "ભારત ના નાગરિક, ભારતની જનતા પોતાના મનથી તમને ભારતના ભાગ્યવિધાતા સમજે છે અને માને પણ છે. હે અધિનાયક તું જ ભારતનો ભાગ્યવિધાતા છો તારી જય હો ! જય હો ! જય હો ! તમારા ભારત આવવાથી તમામ પ્રાંત પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા એટલે કે મહારાષ્ટ્ર, દ્રવિડ એટલે કે દક્ષિણ ભારત. ઉત્કલ એટલે કે ઓરિસ્સા, બંગાળ વગેરે અને જેટલી પણ નદી છે જેમ કે યમુના અને ગંગા આ તમામ આનંદિત છે, ખુશ છે, પ્રસન્ન છે, તમારું નામ લઈને જ અમે જીવીએ છીએ અને તમારા નામનો આર્શીવાદ માંગીએ છીએ. અમે તમારા જ ગુણગાન ગાઈએ છીએ હે ભારતના ભાગ્યવિધાતા (સુપરહીરો) તમારી જય હો જય હો જય હો !"

જ્યોર્જ પંચમ ભારત આવ્યો ૧૯૧૧ માં અને તેમના સ્વાગત માટે આ ગીત ગાવામાં આવ્યું જયારે તે ઈંગ્લેન્ડ ચાલ્યો ગયો તો ત્યાં તેમને તે જન ગણ મન નો અંગ્રેજી અનુવાદ કરાવ્યો. કેમકે જયારે ભારતમાં તેમનું આ ગીત થી સ્વાગત થયું હતું ત્યારે તેમની સમજ માં ન આવ્યું કે આ ગીત શા માટે ગાવામાં આવ્યું અને તેમનો અર્થ શું થાય છે જયારે અંગ્રેજી ભાષાંતર તેમને સાંભળ્યું તો તે બોલ્યો કે આટલું બધું સન્માન અને આટલી બધી પ્રશંશા તો મારી આજ સુધી ઈંગ્લેન્ડ માં પણ કોઈ એ નથી કરી તે ખુબ ખુશ થયો અને તેમને આદેશ આપ્યો કે જેને પણ આ ગીત તેમના (જ્યોર્જ પંચમ ના)માટે લખ્યું છે તેમને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવે અને ત્યારબાદ રવીન્દ્રનાથ ટાગોર ઈંગ્લેન્ડ ગયા. જ્યોર્જ પંચમ તે સમયે નોબલ પુરસ્કાર સમિતિનો અધ્યક્ષ પણ હતો.

તેમને રવીન્દ્રનાથ ટાગોર ને નોબલ પુરસ્કાર થી સન્માનિત કરવાનો નિર્ણય લીધો ત્યારે રવીન્દ્રનાથ ટાગોરે આ નોબલ પુરસ્કારને લેવાની ના પાડી દીધી કેમકે ગાંધીજીએ ખુબ જ ખરાબ રીતે રવીન્દ્રનાથ ટાગોરને આ ગીત માટે ઠપકો આપ્યો હતો ત્યારે ટાગોરે કહયું કે તમે મને નોબલ પુરસ્કાર આપવા જ ઇચ્છતા હો તો મેં એક ગીતાંજલી નામની એક રચના લખી છે તેના પર મને પુરસ્કાર આપો પણ આ ગીતના નામ પર ન આપો અને આજ પ્રચાર કરવામાં આવે કે મને જે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે તે ગીતાંજલી નામની રચના પર આપવામાં આવ્યો છે અને જ્યોર્જ પંચમ માની ગયા અને રવીન્દ્રનાથ ટાગોરને ઈ.સ ૧૯૧૩મ ગીતાંજલી નામની રચના ઉપર નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો.

રવીન્દ્રનાથ ટાગોરની અંગ્રેજો પ્રત્યેની સહાનુભૂતિ ત્યારે ખત્મ થઇ કે જયારે ઈ.સ ૧૯૧૯ મા જલીયાવાલા કાંડ થયો અને ત્યારે ગાંધીજી એ તેમને પત્ર લખ્યો અને કહયું કે હજુ પણ તારી આંખોમાંથી અંગ્રેજીયત નો પડદો નહિ ઉતરે તો ક્યારે ઉતરશે, તું અંગ્રેજોનો આટલો બધો ગુલામ કેમ થઇ ગયો છે, તું તેમનો આટલો સમર્થક કેમ થઇ ગયો છે ? પછી ગાંધીજી જાતે રવીન્દ્રનાથને મળવા ગયા અને તેમને ખુબ જ ઠપકો આપ્યો અને કહયું કે હજુ સુધી તું અંગ્રેજોની આંધળી ભક્તિમા ડૂબેલો છે ? ત્યારે રવીન્દ્રનાથ ટાગોર ની આંખો ખુલી ત્યાર બાદ આ  જલીયાવાલા કાંડ નો વિરોધ કર્યો અને નોબલ પુરસ્કાર અંગ્રેજી હુકુમતને પાછો આપ્યો. ઈ.સ ૧૯૧૯ થી પેહલા જે કંઈ પણ રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું તે અંગ્રેજી સરકારના પક્ષમા હતું અને ૧૯૧૯ પછી તેમના લેખો અંગ્રેજોની વિરુદ્ધમા લખવાની શરૂઆત કરી.

રવીન્દ્રનાથ ટાગોરના બનેવી સુરેન્દ્રનાથ બેનરજી લંડનમાં રહેતા હતા અને આઈસીએસ ઓફિસર હતા તેમના બનેવીને તેમને એક પત્ર લખ્યો હતો (આ ૧૯૧૯ પછીની ઘટના છે ) આ પત્રમાં તેમને લખ્યું છે કે આ ગીત ‘જન ગણ મન ‘ અંગ્રેજો દ્વારા મારા પર દબાણ કરીને લખાવવામાં આવ્યું છે આ ગીતનાં શબ્દોનો અર્થ  સારો નથી માટે આ ગીત ને ન ગાવામાં આવે તો શારુ છે પણ છેલ્લે તેમને લખ્યું કે આ પત્ર ને કોઈને પણ ન બતાવવો કેમકે હું આને માત્ર તમારા પુરતો જ સીમિત રાખવા માંગું છું પરંતુ જયારે મારૂ મૃત્યુ થઇ જાયે ત્યારપછી જ તમામ લોકોને કહેવાનું, ૭ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ રવીન્દ્રનાથ ટાગોર નાં મૃત્યુ પછી આ પત્રને સુરેન્દ્રનાથ બેનરજીએ સાર્વજનિક કર્યો અને દેશવાસીઓને કહયું કે આ જન ગણ મન ગીત ન ગાવામાં આવે.

૧૯૪૧ સુધી કોંગ્રેસ પાર્ટી થોડી ઉપર આવી ગઈ હતી પણ તે બે પક્ષમા વહેચાઈ ગઈ હતી જેમાં એક તરફ સમર્થ બાળ ગંગાધર તિલક હતા અને બીજી બાજુ જવાહરલાલ નેહરુ હતા. સરકાર બનાવવાના મુદાને લઇ ને આ બને પક્ષ વચ્ચે મતભેદો હતા નેહરુ ઈચ્છતા હતા કે સ્વતંત્ર ભારતની સરકાર અંગ્રેજી ની સાથે કોઈ સયોજન કરી ને સરકાર બને જયારે બીજી બાજુ ગંગાધર તિલક કેહતા હતા કે  અંગ્રેજોની સાથે મળીને સરકાર બનાવવી એ તો ભારતના લોકોને ધોખો આપવા જેવું છે આ મતભેદનાં કારણે લોકમાન્ય તિલક કોંગ્રેસમાંથી નીકળી ગયા અને તેમને એક ગરમ પક્ષ બનાવ્યો આમ કોંગ્રેસ નાં બે ભાગ થઇ ગયા એક નરમ પક્ષ અને એક ગરમ પક્ષ ...

ગરમ પક્ષના નેતા હતા લોકમાન્ય તિલક જેવા ક્રાંતિકારી તે દરેક જગ્યાએ વંદે માતરમ ગાતા હતા અને નરમ પક્ષનાં નેતા હતા જવાહરલાલ નેહરુ (અહીં હું સ્પષ્ટ કરી આપું કે ગાંધીજી તે સમયે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચુક્યા હતા તે કોઈ ની પણ તરફેણ મા ન હતા પણ ગાંધીજી બને પક્ષ માટે આદરણીય હતા કેમ કે ગાંધીજી દેશના લોકો નાં આદરણીય હતા) પરંતુ નરમ પક્ષ વાળા વધુ પડતા અંગ્રેજોની સાથે રહેતા હતા તેમની સાથે રેહવું, તેમને સાંભળવા, તેમની બેઠકોમાં ભાગ લેવો આમ દરેક સમયે અંગ્રેજોની સાથે સમજોતો કરીને રેહતા હતા વંદે માતરમથી અંગ્રેજોને ખુબ જ ગુસ્સો આવતો હતો અને નરમ પક્ષ વાળા ગરમ પક્ષ ને ચીડવવા માટે ૧૯૧૧ મા લખવામાં આવેલું ગીત ‘જન ગણ મન’ ગાતા હતા અને ગરમ પક્ષ વાળા વંદે માતરમ ગાતા હતા.

નરમ પક્ષ વાળા અંગ્રેજોના સમર્થક હતા અને અંગ્રેજોને આ ગીત પસંદ ન હતું ત્યારે અંગ્રેજોના કહેવા પર નરમ પક્ષનાં લોકોએ તે સમયે એક અફવા ફેલાવી કે મુસલમાનોએ વંદે માતરમ નાં ગાવું જોઈએ કેમ કે તેમાં મૂર્તિ પૂજાનો ઉલ્લેખ છે અને આપણે જાણીએ છીએ કે મુસલમાન મૂર્તિ પૂજાના વિરોધી છે તે સમયે મુસ્લિમ લીગ પણ બની ગઈ હતી જેના પ્રમુખ હતા મોહમદ અલી જીન્હા હતા તેમને પણ આનો વિરોધ કરવાનું શરૂ કર્યું કેમ કે જીન્હા પણ (તે સમય ) ભારતીય હતા મન, કર્મ, અને વચનથી અંગ્રેજી જ હતા તેમને પણ અંગ્રેજો નાં ઈશારા પર કેહવાનું શરૂ કર્યું અને મુસલમાનો ને વંદે માતરમ ગાવાની મનાઈ કરી આપી જયારે ભારત ઈ.સ ૧૯૪૭ માં સ્વતંત્ર થઇ ગયું ત્યારે જવાહર નહેરુએ તેમાં રાજનીતિ કરી ત્યારે સંવિધાન સભામાં ચર્ચા ચાલી અને સંવિધાન સભામાં ૩૧૯ માંથી ૩૧૮ સાસંદ એવા હતા કે જેમને બંકીમચંદ્ર દ્વારા લખાયેલું વંદે માતરમ ને રાષ્ટ્રગીત સ્વીકાર કરવા માટે સહમતી દર્શાવી પણ એક જ સાંસદે આ પ્રસ્તાવ ને માન્ય ન રાખ્યો અને તે  સાંસદનું નામ હતું પંડીત જવાહરલાલ નેહરુ. તેમનું તર્ક એ હતું કે વંદે માતરમ ગીત થી મુસલમાનોના દિલને હાની થાય છે માટે આ ગીત ન ગાવું જોઈએ (આમ તો આ ગીતથી મુસલમાનોને નહિ પણ અંગ્રેજો નાં દિલને હાની થતી હતી) હવે આ પ્રશ્નનું નિવારણ કરે કોણ? ત્યારે તે પહુચ્યા ગાંધીજીની પાસે ત્યારે ગાંધીજીએ કહયું કે જન ગણ મન નાં પક્ષ માં તો હું પણ નથી અને તું વંદે માતરમના પક્ષ માં નથી તો કોઈ ત્રીજું ગીત તૈયાર કરવામાં આવે ત્યારે મહાત્મા ગાંધીજીએ ત્રીજા ગીત નાં વિકલ્પ તરીકે ઝંડા ગીત આપ્યું “વિજયી વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઉચા રહે હમારા” પણ નેહરુજી તેમાં પણ તૈયાર ન થયા...! આ ગીત શ્રી શ્યામલાલ ગુપ્ત "પાર્ષદ"જીએ કોંગ્રેસના ઝંડા માટે આઝાદી પહેલા લખેલું હતું લગભગ 1923-24માં. અને એ જ શ્યામલાલજીએ ભારતની આઝાદી પછી આ જ ગીત માટે કોંગ્રેસનો આંતરકલહ અને સત્તાપ્રેમ જોઈને એક લાઈન ઉમેરી હતી: " ઇસકી શાન ભલે હી જાયે, પર કુર્સી ના જાને પાયે! "

નેહરુજીનું કેહવું હતું કે ઝંડા ગીત ઓર્કેસ્ટ્રા પર નહિ ચાલે અને જન ગણ મન ઓર્કેસ્ટ્રા પર ચાલશે તે સમયે વાત બની નહિ તો નેહરુજી એ આ મુદા ને ગાંધીજી નાં મૃત્યુ સુધી દબાવી રાખ્યો અને ગાંધીજીના મૃત્યુ પછી નેહરુજીએ જન ગણ મન ને રાષ્ટ્રગીત જાહેર કરી દીધું અને જબરદસ્તી ભારતીયોને અપનાવવા માટે મજબુર કર્યા પણ આ ગીતના જે શબ્દો છે તે શબ્દો કંઇક અલગ જ બાબત પ્રસ્તુત કરે છે અને બીજો પક્ષ નારાજ ના થાય માટે વંદે માતરમને પણ રાષ્ટ્રીય ગીત બનાવી દીધું પણ ક્યારેય ગાવામાં આવ્યું નહિ. નેહરુજી એવું કોઈ કામ કરવા ઇચ્છતા  ન હતા કે જેનાથી અંગ્રેજો નાં પક્ષને હાની થાય , મુસલમાનોના એટલા બધા હિમાયતી કેમ હતા કે જે વ્યક્તિ એ પાકિસ્તાન બનાવી દીધું તે સમયે આ દેશના મુસલમાન પાકિસ્તાન ઈચ્છતા ન હતા જન ગણ મનને એટલા માટે માન આપવામાં આવ્યું કે તે અંગ્રેજોની ભક્તિ માટે ગાવામાં આવ્યું હતું અને વંદે માતરમ એટલા માટે પાછળ રહી ગયું કેમ કે આ ગીત થી અંગ્રેજોને દર્દ થતું હતું.

બીબીસીએ એક સર્વે કર્યો હતો, તેમણે  દુનિયામાં જેટલા પણ ભારતીયો રેહતા હતા તેમને પૂછ્યું કે તમને આ બંને ગીતમાંથી કયું ગીત સૌથી વધુ પસંદ છે ત્યારે ૯૯% લોકોએ કહયું કે વંદે માતરમ. બીબીસી નાં આ સર્વે થી એક વાત સાફ થઇ કે દુનિયા નાં સૌથી લોકપ્રિય ગીતમાં બીજા નંબર પર વંદે માતરમ છે, કેટલાય દેશો છે જેમના લોકોને વંદે માતરમના શબ્દો સમજતા નથી પરંતુ તે કહે છે કે આ ગીતમાં જે લય છે તેનાથી એક ઉત્સાહ પેદા થાય છે .

      તો  આ ઇતિહાસ વંદે માતરમ અને 
જન ગણ મન નો છે.
         
વંદે માતરમ......જય હિન્દ.......જય મા ભારતી.....!
ઇતિહાસમાંથી સંપાદિત.

Thursday, August 2, 2018

કઈ રીતે તૈયાર થયા કિશોરદા ગુજરાતી ગીત ગાવા માટે?

હજુ બે અઠવાડિયા પહેલા શરુ કરેલ આ ડો. કાર્તિકની કલમે નામની સિરીઝમાં ગુજરાતી રંગભૂમિ, સંગીત અને ફિલ્મો સાથે સંકળાયેલા કલાકારો અને કસબીઓ અંગેની રસપ્રદ વાતો આપ સૌ સાથે શેર કરવાની શરૂઆત સાથે ફોન પર અનેક લોકો સાથે કિશોરકુમારની કૉલમની વાત થઈ ત્યારે કહે, ‘તમારી કૉલમની ખાસ વાત મને એ ગમે છે કે કિશોરકુમારના સ્વભાવના એ પાસાની વાતો લોકો સુધી પહોંચાડો છો જેની બહુ ઓછાને ખબર છે. લોકોને મન તો તે એક ધૂની, તરંગી અને કંજૂસ વ્યક્તિ હતા જે કોઈ પણ કારણ વગર લોકોને મુશ્કેલીમાં મૂકતા. પણ ખરેખર તો તેઓ એક સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમના આ પાસાની મોટા ભાગના લોકોને જાણ જ નથી. હું માનું છું કે ઘણાને તેમના આ સ્વભાવનો પરિચય થયો છે. ક્યારેક વિગતવાર વાતો કરીશું.’

‘વાત ૧૯૭૫ની છે. નિરંજન મહેતા અને દિગંત ઓઝા ઘનિષ્ઠ મિત્રો. તેઓ ગુજરાતી ફિલ્મો, ખાસ કરીને રવીન્દ્ર દવેના પબ્લિસિટી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હતા. એ સમય ગુજરાતી ફિલ્મોનો ટોચનો સમય હતો. એટલે તેઓ બન્નેએ પણ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ  કરવાનો વિચાર કર્યો.

વાતવાતમાં ૧૦૦૦ વર્ષ પહેલાંના કચ્છના રાજાના જીવન પરથી એક ફિલ્મ બનાવવાનું તેઓએ નક્કી કર્યું. એ સમયે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા જેવા કલાકારોનું ચલણ હતું. સંગીતકાર તરીકે મોટા ભાગે અવિનાશ વ્યાસ જ હોય. પણ તેઓએ નક્કી કર્યું કે નવા કલાકારો, સંગીતકાર લઈને ફિલ્મ બનાવીએ.

એટલે તેઓએ રાજીવકુમાર અને રીટા ભાદુરીને હીરો-હિરોઇન તરીકે લીધાં અને સંગીતકાર તરીકે અવિનાશભાઈના પુત્ર ગૌરાંગ વ્યાસની પસંદગી કરી. કલાકેન્દ્રના જમાનાથી મહેતાજીનો અવિનાશ વ્યાસ સાથે પરિચય એટલે ગૌરાંગ વ્યાસની ગુજરાતી ફિલ્મ સંગીતકાર તરીકેની શરૂઆત આ ફિલ્મથી થવાની હતી એ વાતથી તેઓ પણ ખુશ હતા. જોકે ગીતો લખવાનું કામ એમણે અવિનાશભાઈને જ સોંપ્યું.

એ સમયે ગુજરાતી ફિલ્મોની એક ફૉમ્યુર્લા હતી કે ફિલ્મમાં એક રાસ-ગરબો, એક કૉમેડી ગીત, એક ગંભીર ગીત અને એક-બે પ્રણયગીતો હોય. દિગંત ઓઝાના મનમાં એક વિચાર આવ્યો કે આપણી ફિલ્મનું કૉમેડી ગીત જો કિશેારકુમાર ગાય તો મજા આવી જાય; પરંતુ તે હા પાડે કે નહીં, તેમનું બજેટ આપણને પોસાય કે નહીં આવા પ્રશ્નો પણ મનમાં હતા.’

તેમણે આ વાત અવિનાશભાઈને કરી, કારણ કે તેમનો કિશોરકુમાર સાથે સારો પરિચય હતો. (એક આડવાત. ૧૯૫૪માં ફિલ્મ ‘અધિકાર’ (કિશોરકુમાર, ઉષાકિરણ) માટે અવિનાશભાઈએ ‘કમાતા હૂં બહુત કુછ પર કમાઈ ડુબ જાતી હૈ’ (કિશોરકુમાર / ગીતા દત્ત), ‘દિલ મેં હમારે કૌન સમાયા (કિશોરકુમાર / આશા ભોસલે) અને ‘તિકડમબાઝી મિયાં રાઝી, બીવી રાઝી, ક્યા કરેગા કાઝી’ આ ત્રણ ગીતો રેકૉર્ડ કર્યાં હતાં. એ ઉપરાંત અવિનાશભાઈએ ઘણી હિન્દી ફિલ્મોમાં સંગીતકાર તરીકે મોહમ્મદ રફી, લતા મંગેશકર, આશા ભોસલે, તલત મેહમૂદ, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર સાથે ગીતો રેકૉર્ડ કર્યાં છે. એ વાતો વિગતવાર ફરી કોઈ વાર)

અવિનાશભાઈ કહે, ‘ચોક્કસ. આપણે જરૂર કોશિશ કરીએ.’ તેમણે ફેમસ સિનેલૅબના રેકૉર્ડિસ્ટ ભણસાલીને ફોન કરી પૂછ્યું કે આજકાલમાં કિશોરકુમારનું કોઈ રેકૉર્ડિંગ છે? જવાબ મળ્યો, કાલે જ છે. મળવું હોય તો આવી જાઓ.

બીજા દિવસે નિરંજન મહેતા, દિગંત ઓઝા અને અવિનાશભાઈ ફેમસમાં ૧૦ વાગ્યે પહોંચી ગયા. થોડી વારમાં કિશોરકુમાર આવ્યા અને અવિનાશભાઈને જોઈને જ તેમને પગે લાગતાં લાગણીવશ (હા, સહેજ પણ અતિશયોક્તિ નથી આમાં!! વળી કિશોરકુમારને પગે લાગતા જોઈને જ બંને પ્રોડ્યુસરો પણ મનોમન ખુશ થઇ ગયેલા) થઈને કહે, ‘અરે અવિનાશભાઈ, કિતને સાલોં કે બાદ આપસે મુલાકાત હુઈ. આપ કૈસે હો? કહીએ ક્યા બાત હૈ?’  જે અહોભાવથી કિશોરકુમાર વાત કરતા હતા એ જોઈને બન્ને પ્રોડ્યુસરો મનોમન ખુશ થઈ ગયા કે હવે આપણું કામ થઈ જશે.

અવિનાશભાઈએ ઓળખાણ કરાવતાં કહ્યું કે આ બન્ને યુવાનો ગુજરાતી ફિલ્મ બનાવે છે અને એમાં એક ગુજરાતી ગીત તમારે ગાવાનું છે. આ સાંભળી કિશોરકુમાર બોલી ઊઠ્યા, ‘ના ભાઈ ના, મારી આખી જિંદગીમાં હું બે વાક્ય પણ ગુજરાતીમાં બોલ્યો નથી. આ પહેલાં મેં કોઈ ગજરાતી ગીત ગાયું નથી. મને તમે આમાં ન ફસાવો. મારાથી ગુજરાતી ગીત નહીં ગાઈ શકાય.’ 

આ સાંભળી પેલા બંને તો નિરાશ થઈ ગયા, પણ અવિનાશભાઈ કહે, ‘મારો દીકરો પહેલી વાર ફિલ્મમાં સંગીતકાર તરીકે આવે છે. મને તમારો સપોર્ટ જોઈએ છે. આ મારી પર્સનલ રિક્વેસ્ટ છે.

આ સાંભળી કિશોરકુમાર થોડા ઢીલા પડ્યા. ‘પણ અવિનાશભાઈ, આમાં તો મને તમારા સપોર્ટની જરૂર પડશે. મને ગુજરાતી શીખવાડવું પડે. સમજાવવું પડે. મને ડર લાગે છે. એક કામ કરો. આવતી કાલે તમે મારા ઘરે આવો. ડીટેલમાં વાતો કરીએ. એ પછી હું તમને ફાઇનલ જવાબ આપીશ.

બીજા દિવસે સવારે નિરંજન મહેતા, દિગંત ઓઝા, અવિનાશભાઈ, ગૌરાંગ વ્યાસ અને અરુણ ભટ્ટ તેમના ઘરે જવા નીકળ્યા. (અરુણ ભટ્ટ એ સુપ્રસિદ્ધ પ્રોડ્યુસર-ડિરેક્ટર વિજય ભટ્ટના સુપુત્ર જે આ ફિલ્મનું ડિરેક્શન કરવાના હતા. જોકે સંજોગાવશાત્ આ ફિલ્મ પાછળથી નરેન્દ્ર દવેના ડિરેક્શનમાં બની.) તેમના બંગલોની બહાર તેઓએ ગાડી પાર્ક કરી. અને અંદર જતા હતા ત્યાં ચોકીદારે તેમને અટકાવ્યા.

તેઓએ ચોકીદારને કહ્યું કે સાહેબે અમને ૧૦ વાગ્યે મળવા બોલાવ્યા છે. પણ તેનો જવાબ હતો, સાહેબ તો વહેલી સવારના બહાર નીકળી ગયા છે અને રાત્રે પણ મોડા આવશે...!! આ સાંભળી સર્વે નિરાશ થઈ ગયા. મનમાં થયું ગઈ કાલે ભલે હા પાડી, પણ હવે છટકબારી શોધે છે. તેમના ધૂની સ્વભાવના જે કિસ્સા સાંભળ્યા છે એ સાચા જ હશે. તેમની પાસે ગુજરાતી ગીત રેકૉર્ડ કરવાની ઇચ્છા મનમાં જ રહી જશે. હવે કિશોરકુમાર હાથમાં નહીં આવે એમ માની એ લોકો ત્યાંથી પાછા ફર્યા.

બીજા દિવસે અવિનાશભાઈએ કિશોરકુમારને ફોન કર્યો કે અમે તમારા ઘરે આવ્યા હતા પણ તમે હતા જ નહીં. જવાબ મળ્યો, ‘અવિનાશભાઈ, મૈં તો ઘર મેં હી થા. ખિડકી સે દેખા કિ આપ પાંચ લોગ આ રહે હો તો મૈં ડર ગયા, મુઝે તો લગા થા આપ અકેલે હી આએંગે...!!’ 

અવિનાશભાઈએ કહ્યું, ‘એમાં ડરવા જેવું શું હોય? ખેર, તમે કહેશો તેમ કરીશું. એક કામ કરો, તમે મને એક ડેટ આપો. એટલે આપણે ગીત રેકૉર્ડ કરીએ.’

કિશોરકુમારને તેમની વાતથી ધરપત મળી એટલે તેમણે ત્રણ દિવસ પછીની ડેટ આપી અને છેવટે તાડદેવ ફિલ્મ સેન્ટરમાં રેકૉર્ડિંગ માટે સ્ટુડિયો બુક કર્યો.

અને પછી શું થયું એ તમે અગાઉના બંને અંકમાં વાંચી ચુક્યા જ છો. એક ઉમદા ગીત ફિલ્મ જગતને મળ્યું, "ગાઓ સૌ સાથે તમને બજરંગ બલીની આણ છે, શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે!!" કે જે કિશોરકુમાર દ્વારા ગવાયેલું પ્રથમ ગુુુજરાતી ગીત હતું. 

ફિલ્મ: લાખો ફુલાણી, સંગીત: ગૌરાંગ વ્યાસ, ગીત: અવિનાશ વ્યાસ)

આ ગીત અંગેની માહિતી સંપૂર્ણ.
વધુ રસપ્રદ અન્ય કલાકાર-કસબીઓ અને સાહિત્યને લગતી માહિતી લઈને મળીશ આવતા શુક્રવારે.....

--- ડો. કાર્તિક શાહ