Thursday, August 30, 2018

આર્ટસ કે આટર્સ અને માર્કસ કે માર્ક્સ ?

આર્ટસ કે આટર્સ ???
---------------------------

કોલેજના નામમાં ARTS આવતું હોય ત્યારે કેટલીક કોલેજો 'ટ' પર રેફ કરે છે અને કેટલીક કોલેજો 'સ' પર રેફ કરે છે. 'ટ' પર રેફ કરનાર અધ્યાપકોની દલીલ એવી હોય છે કે મૂળ શબ્દ ARTમાં 'ટ' પર રેફ આવે છે: આર્ટ  તેની પાછળ બહુવચનનો પ્રત્યય લાગે છે, તેથી ARTSમાં રેફ 'ટ' પર આવે અને તેથી જ આર્ટસ એમ જ લખાય. 

ખરેખર શું હોઈ શકે? અને શા માટે? તેનો ઉત્તર મેળવવાની કોશિશ કરીયે ચાલો......

ગુજરાતી ભાષાના મૂળાક્ષરો આકારની દ્રષ્ટિએ બે પ્રકારના છે: (1) લીટી-કાનાવાળા જેમ કે, ખ, પ, લ, ય, ત વગેરે. (2) ગોળાકાર જેમ કે, ક, ટ, ઠ, ડ, જ વગેરે.

જયારે લીટીવાળા અક્ષર જોડાક્ષરમાં પૂર્વવ્યંજન તરીકે આવે ત્યારે તેનો કાનો દૂર કરવામાં આવે છે. જેમ કે, 'પ' - 'કાપ્યો', 'શ' - 'રશ્મિ' વગેરે. જયારે ગોળાકાર અક્ષર હોય તો તેને 'ખોડો' 'હલન્ત'નું ચિહ્ન કરવામાં આવે છે અથવા આજુબાજુમાં કે ઉપરનીચે જોડીને લખાય છે જેમ કે, 'જ' - 'જ્યોત', 'ઠ' - 'લઠ્ઠો' વગેરે.  એટલે કે,  બંને પ્રકારના અક્ષર જુદી રીતે જોડાક્ષરના પૂર્વવ્યંજન તરીકે જોડાય છે. 

કાનાવાળા અક્ષરમાં અર્ધાક્ષર સ્પષ્ટ રીતે દેખાય છે, તેથી તેમાં મૂંઝવણ નથી થતી. પરંતુ ગોળાકાર અક્ષરના જોડાક્ષરમાં દેખીતી સ્પષ્ટતા દરેક વખતે નથી હોતી. તેથી મૂંઝવણ થાય છે. જેમ કે, 'ક'ની સાથે હલન્તની નિશાની ન હોય તે વખતે 'ક્યાં' અને 'કયાં' શબ્દ તેના સંદર્ભને આધારે સમજવા પડે છે. 

જોડાક્ષરના ભાગ રૂપે રેફ ક્યાં આવે તેનો ઉત્તર મેળવવા નીચેના કેટલાંક ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત શબ્દો જોઈએ.

સામર્થ્ય  વત્સર્ય
મર્ત્ય વર્ત્યા 
વર્જ્ય અર્ધ્ય 
ગર્લ્સ માર્ક્સ 

ઉપરના શબ્દોમાં 'સમર્થ' મૂળ શબ્દને 'ય' પ્રત્યય લગતા ગુણવૃદ્ધિ સાથે સામર્થ્ય થયો છે. એટલેકે, 'ર્ + થ' - 'ર્થ' ધ્વનિશ્રેણી હતી. જેમાં 'થ' આખો ધ્વનિ છે. તેમાં 'ય' પ્રત્યય ઉમેરાતાં 'ર્થ્ય' થાય છે એટલે કે  'થ' સ્વર વગરનો અર્ધધ્વનિ છે. અહીં જોઈ શકાય છે કે 'થ'ને જોડાક્ષરમાંનો અર્ધો વ્યંજનધ્વનિ દર્શાવવાં તેનો કાનો કાઢવાંમાં આવ્યો.  પણ સાથે સાથે તેનો રેફ પણ 'ય' પર ચાલ્યો ગયો. 

અન્ય શબ્દો 'વર્ત્સ્ય' કે 'મર્ત્ય' માં પણ એ જ રીતે 'સ' કે 'ત' ધ્વનિ અડધા હોવાથી તેના પર રેફની નિશાની આવતી નથી. 'વર્તવું ધાતુને 'ય' પ્રત્યય લાગતાં 'વર્ત'નો 'ત' અડધો થતા તેનો રેફ 'ય' પર લાગે છે. અંગ્રેજી શબ્દમાં 'ગર્લ્સ' (ગર્લનું બહુવચન) શબ્દ સ્વાભાવિક લાગે છે. તેમાં 'લ' પર રેફ આવતો નથી.  (અડધા 'લ્' પર તમે રેફ કલ્પી પણ શકો છો ખરાં ?)



ગોળાકાર અક્ષર લઈએ તો 'વર્જિત'માં 'જ' પર રેફ આવે છે. પણ 'વર્જ્ય'માં એ જોડાક્ષરનો ભાગ બને છે ત્યારે 'જ'નો રેફ 'ય' પર લખાય છે. 'માર્ક'માં 'ર્ + ક' ધ્વનિશ્રેણીમાં 'ક' આખો ધ્વનિ છે. પરંતુ, 'માર્ક્સ'માં 'ક' ગોળાકાર અર્ધઅક્ષર છે. તેથી તેનો રેફ 'માર્ક'ની જેમ 'ક' પર ન લખાતા 'સ' પર જ લખાય છે. 

એટલે કે , 'ગર્લ્સ'માં જો અડધા 'લ્' પર રેફ ન આવતો હોય, 'માર્ક્સ'માં અડધા 'ક્' પર રેફ ન આવતો હોય કે 'વર્જ્ય'માં અડધા 'જ્' પર રેફ ન આવતો હોય તો 'આટર્સ'માં અડધા 'ટ્' પર રેફ કેવી રીતે આવી શકે?

વળી વ્યંજન પોતે સ્વર વગર ઉચ્ચારાઈ શકાતો નથી. એ સંજોગોમાં એ અન્ય ધ્વનિઓની નિશાની કેવી રીતે લઇ શકે?

એટલે મિત્રો, હવે આપણે સૌ 'આટર્સ'માં અને 'માર્ક્સ' માં 'સ' ઉપર જ રેફ કરશું ને???

સંકલન: ડો કાર્તિક શાહ ("ભાષાપ્રબોધ" માંથી)


No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...