Thursday, September 6, 2018

કોણ છે આ ગટુ ? આપણાં શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકારોમાંથી જ એક!!

કોઈ પણ સર્જક/ સાહિત્યકારના સાહિત્ય સર્જન પર જે-તે સર્જકનો ઉછેર, જીવન પ્રસંગો, જીવનઘડતર અને અન્ય સારા-માઠાં પરિબળોનો પ્રભાવ પડતો જ હોય છે. એવા જ એક ગુજરાતી સાહિત્યકારની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ, આજે ડો. કાર્તિકની કલમેમાં આ  સુંદર શબ્દ-સંપુટમાં!!

એ વર્ષ હતું 1914નું...હજુ તો જન્મે માંડ 2 વર્ષ પુરા થયા છે ને ત્યાં એક ગટુ નામના છોકરાએ એના પિતાની છત્ર-છાયા ગુમાવી દીધી...!! પિતા વ્યવસાયે તો ખેડૂત હતા પણ વિદ્યાના ઘર તરીકે એમનું ઘર પૂજાતું. એની વ્હાલસોયી મા એક માત્ર આધાર બન્યા જીવનની હાડમારીઓમાં એના પ્રેરણાસ્ત્રોત તરીકે. આ છોકરો આમ તો કુટુંબમાં સૌથી નાનો એટલે સ્વાભાવિક રીતે જ લાડકવાયો હતો. અને એટલો જ માવડિયો પણ. મા ખેતરમાં ખેતી કરવા જાય ત્યાં પણ ગટુ એમની જોડે જ હોય. એ હંમેશા માના સાડલાની કોર જોડે કે આંગળીએ બંધાયેલો જ રહેતો. ખેતરમાં કામ કરતી વખતે મા ગટુને જીજ્ઞાસાપ્રેરક વાતો કરતાં અને એ જ વખતે માએ ગટુને છપ્પનિયા દુકાળ વિષે પણ જણાવેલું. પોતાના ગામડેગામથી દૂર ઉત્તર ગુજરાતના એક નાનકડા હજારેકની વસ્તીવાળા ગામમાં સ્થળાંતર કરી ત્યાં પ્રાથમિક અભ્યાસ માટે ગટુને એની માએ મુક્યો. ત્યાંથી બીજા એક ગામમાં વધુ આગળ અભ્યાસ માટે મુકવામાં આવ્યો. પોતાની ચતુરતા, વાક્પટુતા, અને સંગીતપ્રેમથી તેઓ અન્ય બાળકોથી અલગ તરી આવે. 

પોતાના સંગીતમય કાવ્યથી એ વખતના ઉત્તર ગુજરાતના રજવાડાના રાજાને પ્રસન્ન કરી દીધેલા. અને એમની જ આજ્ઞાને લીધે રાજ્યના ખર્ચે અંગ્રેજી શાળામાં આગળ ભણવાનું સૌભાગ્ય આ બાળકને પ્રાપ્ત થયેલું. રાજસ્થાનના એક પછાત ગામ ને પછી ત્યાંથી ઉત્તર ગુજરાતના મેઘરજ, ત્યાંથી મોડાસા, તલોદ, તલોદથી હિંમતનગર, ત્યાંથી ઇડર, એમ લગભગ વચ્ચેના એંશી ગામોમાં ફરતો ફરતો એ બાળક બોર્ડિંગ સ્કૂલમાં પહોંચ્યો. (આ એટલા માટે ખાસ ટાંક્યું છે કે તલોદ એ મારુ પણ ગામ છે અને આ ગટુની જેમ જ વત્તા-ઓછા અંશે મારી અને મારા સ્વ. પિતાની પણ થોડી ઘણી યાદો એની સાથે જોડાયેલી છે.) પરંતુ એકદમ આ રીતે શાળામાં દાખલ થયેલો હોવાથી એ અંગ્રેજી પેહલીથી પાંચમી સુધી (અત્યારનું આઠમું ધોરણ) બધાથી પાછળ રહ્યો. શરુ શરુમાં ના કોઈ સાથી, ના કોઈ સમોવડીયો, ના કોઈ સમકક્ષ મિત્ર. એથીજ કદાચ છોકરાઓએ એનું નામ પાડી દીધેલું, "એકલો" અને સાચે જ એના જીવન સાથે આ નામ પછી જાણે કાયમને માટે જોડાઈ ગયું. કઈ રીતે? વાંચો આગળ...

એ સમયે ગટુ એના એક બટુક સહાધ્યાયી ઉપર ગજબનો મુરબ્બીવટ રાખતો..અને પછીના વર્ષથી જ આ બટુક ગટુને પછાડી પહેલા નંબરે આવતો..આ બટુકને મેં અત્યારે એટલે વાગોળ્યો છે કે એ બટુક જ એને જિંદગીના કપરા વર્ષોમાં દિશા નિર્દેશ બતાવવાનો હતો....!! જે આપણે આગળ જોઈશું.

ગટુનો એક પ્રસંગ અહીં ટાંકવા જેવો ખરો. શાળાજીવનની આર્થિક દશાના સંદર્ભમાં આ પ્રસંગ તેઓ પ્રસિદ્ધિ પામ્યા બાદ પણ એટલે કે જિંદગીના પાછળનાં વર્ષોમાં પણ અચૂક સંભારતાં. જીવનમાં પહેલી વાર ગટુએ દોરીવાળા બુટ ખરીદ્યા. પણ ભૂતકાળમાં ના મળ્યા અને ભવિષ્યમાં પણ ના મળવાના હોય એમ આ નવા બુટ એણે ખુબ સાચવ સાચવ કર્યા, પહેરે ઓછા ને પંપાળે વધારે....!! પરિસ્થિતિ એ ઉભી થઇ કે આ સાવ નવા કોરા બુટ દોઢ-બે વર્ષ પછી એને નાના પડીને ઉભા રહ્યા અને પગમાં જ ન આવ્યા...!!! આ પ્રસંગને આપણા સૌના જીવનમાં મળતી નાની નાની ખુશીઓને સાથે જો સાંકળીને વિચારીયે તો આવું જ થતું હોય છે, એને ઉજવવાની જગ્યાએ આપણે એને પાછી ઠેલી દઈએ છીએ અને પછી એ ઉજવવા આપણે સમર્થ રહેતા નથી, એને ગુમાવી દઈએ છીએ!

પરંતુ આ નાનકડાં ગટુ માટે પ્રકૃતિએ કૈક અલગ જ વિચારી રાખ્યું હતું. જે મા એ અખૂટ પ્રેમથી પિતાના મૃત્યુ બાદ ગટુને લાડકોડથી ઉછેર્યો અને છાતી પર પથ્થર રાખી પોતાનાથી દૂર એક બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મોકલ્યો, ગટુને ક્યાં ખબર હતી કે એ વિદાય અને મા સાથેની મુલાકાત એ એની છેલ્લી મુલાકાત હશે અને ફરી માની છબી કદાચ હકીકતમાં જોવાની થશે પણ નહીં!! હા, ઉપર આપ જે ફોટો જોઈ રહ્યા છો એ એજ જગ્યાનો ફોટો છે કે જ્યાંથી એ માએ પોતાના કુમળા બાળકને હૃદયના વલોપાત સાથે ભણવા માટે અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનાથી દૂર કર્યો હતો. આ એ જ જગ્યા છે જ્યાં ગટુએ એની માને છેલ્લી વાર જોઈ હતી!!  જી, માત્ર 14 વર્ષની ઉંમરે કુદરતે આ કુમળા બાળક પર એક બીજો વજ્રઘાત ધર્યો અને માનું અણધાર્યું અવસાન ઈ.સ. 1926માં થયું. આમ, મા-બાપ બંનેને આ બાળકે આટલી નાની ઉંમરમાં ગુમાવી દીધા. ભણતર હવે છોડવું પડે એમ જ હતું. કેમ કે, આર્થિક ભીંસ વધતી જતી હતી.

1926થી દસ વર્ષ સુધી, ભણતર છોડ્યા પછીની એની વીતકકથા ગટુના જીવન સંઘર્ષને છતું કરે છે.  આ નાનકડા ગટુએ 1926થી શરુ કરીને નાની ઉંમરથી જ મિલમાં નોકરી કરી, કાપડની દુકાન ખોલી જોઈ, બોરીની ડિસ્ટલરીમાં કારકૂની કરી, રાજસ્થાનના એક ગામમાં દારૂના પીઠામાં મેનેજર બન્યો, પાછા વતનમાં જઈ પોતાની માની જેમ હળ હાંકવાનો અને બળદ ચરાવવાનો સ્વાદ ચાખ્યો, અમદાવાદમાં આવી વોટરવર્કસ અને ઇલેક્રીસીટીમાં ફરતી પાળીમાં કારીગર તરીકે, બોઇલરની રાખનાં ટોપલા ઉંચકવાનું, મિલજીન સ્ટોર્સના માલિકને ત્યાં ઝાડુ-પોતાં, પુરુષ વર્ગના કપડાં ધોવાના અને શેઠાણી ના હોય તો રસોઈ પણ કરવાના નોકરથી માંડીને કારકૂની, માસ્તરગીરી વિગેરે ભાતભાતની નોકરીઓ કરી જોઈ. આ ગટુ એ વખતે બાર-સોળ કલાક યંત્રની જેમ કામ કરતો પણ ગાવાનું અને સંગીત પ્રેમ ભુલ્યો નહોતો. ગમે તેટલો પરિશ્રમ હોય આ "એકલો" હૈયે ને હોઠે ગીત હંમેશા રમતું રાખતો અને જીવનના આ કપરા દિવસો ખુશી ખુશી થી ઝીલ્યે રાખતો......!! 

1928માં ગટુની સગાઇ માત્ર 6 વર્ષની કન્યા સાથે થઇ, જે એનાથી 10 વર્ષ નાની હતી....!! આપ-કમાઈથી તેઓ પરણ્યા. અને ન્યાતમાં પોતાની કમાણીથી પરણવાવાળા પહેલા મુરતિયા તરીકે એની ગણના થઇ!! આમ, બાળપણ અને તરુણવયના કિંમતી દીવસો અસ્થિરતામાં અને અનિશ્ચિતતામાં ગુજરતા ગયા. સખત મહેનત, ધંધા, નોકરી, ખેતી કરી અને જીવનની વરવી વાસ્તવિકતાનો સામનો હૃદયમાં ઊંડે ઊંડે વ્યથા, સંતાપ અને સંઘર્ષ સાથે કરતો રહ્યો આ ગટુ!! ત્યારબાદ ધીમે ધીમે મહેનત કરતા લગભગ 1930-33માં અમદાવાદમાં ઓટલો મળી ગયો હતો એને. 

અને હવે આવે છે આ જ કુદરતની પાછી એક કરામત.... શું થયું ? પાછો નવો આઘાત ? દુઃખદ કે સુખદ ? કોણ હતો આ ગટુ ઉર્ફે એકલો? કઈ રીતે આ ગટુ ગુજરાતી સાહિત્યમાં અમર બની ગયો? "એકલો" કઈ રીતે પ્રસિદ્ધિ પામ્યો?  

વાંચો આગળ, આવતા શુક્રવારે હવે પછી આપની જ રસપ્રદ ડો. કાર્તિક ની કલમેની પ્રતમાં....


લેખન: ડો. કાર્તિક શાહ 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...